તબસ્સોમ Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તબસ્સોમ

તબસ્સોમ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


તબસ્સોમ

એક નવો ઉપક્રમ થયો - દર રવિવારની ભીની ભીની સવારે; છ વાગે એ પહેલાં ફોન રણકે, લાંબી રિંગથી નીરવતા ડખોળાતી લાગે પણ મારી પહેલાં આલોકા જ કામ પડતું મૂકીને દોટ મૂકે - ‘શિરીષ,.... શિશિરદાનો... ફોન... !’

અને અચૂક સંભળાય - ‘આમિ... શિશિર, તોમાર કથાર અનુવાદક !’

પછી જ લહેકામાં પૂછી નાખે - ‘કેમ છો ? ભાલો... આ છે ?’

ભારે વાચાળ, આઠ દિવસની વાતો તરત જ ઠાલવી દે; કહે - ‘શિશિરદાની તરસ વિશે તમે શું જાણો ? આ રવિવારની સવાર મારે મન પૂજાનો ઉત્સવ છે.’

કેટલી વાતો અસ્ખલિત... રીતે કહ્યા કરે ! એમાં પત્રિકાઓની વાતો આવી જાય, સ્વાર્થી સંપાદકો અને પ્રકાશકો આવી જાય, આનંદ બજાર પત્રિકાની કટાર જેવી જ ધારદાર ટીકા પણ ટપકી પડે.

વાત મુખ્યત્વે ગુજરાતી, હિન્દીમાં ચાલે પરંતુ બંગાળી, અંગ્રેજીનો બાધ તો નહીં જ.

છેલ્લાં પાંચ વર્ષોથી શિશિર સેન મારી ગુજરાતી વાર્તાઓનો અનુવાદ બાંગલામાં કરે, ઉત્સાહથી બાંગલા પત્રિકાઓમાં પ્રકાશનાર્થે પાઠવે અને કોઈ કોઈ વાર્તાઓ પ્રગટ પણ થાય, ત્યારે કેટલા પ્રસન્ન થઈ જાય !

મારા સરખા પંદર - વીસ વાર્તાઓના લેખક માટે પણ આ તો ઓચ્છવ જ ગણાય ને ?

અચાનક જ એક પોસ્ટકાર્ડ મળ્યું હતું - અજાણ્યા અક્ષરોમાં. લખ્યું હતું - ‘શિરીષબાબુ... તોમાર ગુજરાતી કથા આનંદ પત્રિકામાં વાંચી. કાલિગંજમાં સરસ પુસ્તકાલય છે. બધી જ ભાષાઓની પત્રિકાઓ આવે છે ત્યાં ! ખૂબ જ સરસ છે તમારી સ્વીકાર વાર્તા. અનુમતિ પાઠવો એના અનુવાદની. બાંગલા પત્રિકા એને સ્વીકારી જ લેશે. મને પાકો ભરોસો છે. નીચે શિશિરદાનું સરનામું, ફોન નંબર.

કેટલું ખુશખુશલ થઈ જવાયું ? ઓહ, બાંગલાભાષી લોકો પણ વાંચશે, શિરીષની વાર્તા ?

એક નવું વિશ્વ રચાઈ ગયું, ઇચ્છાઓનું. તરત જ અનુમતિપત્ર લખાઈ ગયો.

આલોકા પ્રસન્નતાથી જોતી રહી - બધી ગતિવિધિ. તેણે સુલેખાને ફોન પણ કરી નાખ્યો - ‘તને ખબર છે, તારા બનેવીની વાર્તા બાંગલામાં પણ અનુવાદિત થશે ? છેક કોલકતા ! મને તો હજીયે યાદ છે એ મહાનગર. કમલા ફોઈને ત્યાં રહી હતી ને, બે મહિના માટે ! એ ગંગાના ઘૂઘવાતાં નીર, એ ભીડભાડવાળી ગલીઓ, જૂની ઢબના કલાત્મક બાંધકામો, કાલિમંદિર, એ ચકચકિત ચહેરાઓવાળી શ્યામ કન્યાઓ !’

હું સાંભળથો જ રહી ગયો અવલોકાને; કેવી સુપેરે વ્યક્ત કરતી હતી - એ નગરની છબી એ પ્રદેશમાં પહોંચવાની હતી, મારી અનુવાદિત વાર્તા ! શિશિરદા એના નિમિત્ત બનવાનાં હતાં.

કેવા હશે એ ? અવાજ પરથી આછોપાતળો ખ્યાલ આવી શકે વયનો, પરંતુ અક્ષરો પરથી તો શું મેળવી શકાય ?

બીજી સવારે - રવિવારની જ સ્તો, આલોકાએ મને કાચી નીંદરમાંથી જગાડીને કહ્યું હતું - ‘લો, વાત કરો. ફોન આવ્યો છે શિશિરદાનો, કલકત્તેથી !’

* * *

પછીના રવિવારે શિશિરદાનો ફોન રણક્યો, એ પછીના રવિવારે પણ; અને પછી એ હિસ્સો બની ગયો, દરેક રવિવારની સવારનો.

આલોકા જ યાદ કરે - ‘શિરીષ... હમણાં ઝબકાશે શિશિરદા.’

હું પણ પ્રતીક્ષા કરતો હોઉં - આડાંઅવળાં કામ આટોપતાં. ક્યારેક એની એ તો ક્યારેય નવી નવલી વાત પ્રવેશે. દર રવિવારે સવારે શિશિરદાનું મિલન નક્કી જ. ક્યારેક સાંપ્રત ઘટના પણ ટપકી પડે.

‘મોશાય... કોલકતા હવે બગડી ગયું છે. પહેલાંનો માહોલ ક્યાં રહ્યો છે ?’

અને તેમનો થાક, તેમની વય પ્રગટ થઈ જતાં. હશે સાઠ-પાંસઠના ! દેહ પર બંગાળી ઢબની પાટલીઓવાળી ધોતી અને ઝભો હશે અને માથા પર કોઈ શ્વેત કેશની ભાત. હા, અવાજમાં કશુંક ઘૂંટાંતું હતું કે સી ડે ના સ્વરોની વેદના જેવું.

ક્યારેક પ્રશ્નો પણ પૂછે - ‘આલોકા... કોલકતામાં આવી હતી પણ એ વિસ્તાર કયો ? કાલિગંજનો દક્ષિણ ભાગ ? જ્યાં એક મોટું પુકુર હતું, એક નાનકડો ભાગ, એક જૂનું સ્થાપત્ય...! શિરીષ... હવે તો ત્યાં ઝૂંપડપટ્ટી થઈ ગઈ છે. બૂ અથડાય છે શરીરોની.’

વળી પૂછે - ‘આ ઓઢણી શબ્દનો અર્થ શો ? કેટલી બધી વાર પ્રયોજ્યો છે - ઉપકાર વાર્તામાં. અને મોશાય, આ મનનું રળિયાત થઈ જવું, ના સમજાયું !’

વચ્ચે વચ્ચે બીજા લેખકોના અછડતાં ઉલ્લેખ થાય. અમૃત પટેલની વાર્તા આજે જ આવી. વાઘેલાની વાર્તા - એક કિંવદંતીને તો ચાર દિવસો થયા. નથી વાંચી શક્યો. સમય હતો ત્યારે દશ-બાર કલાક કામ કર્યું છે. અબ થકાન લગ જાતી હૈ !

હમણાં હમણાં એક નવું વાક્ય ગોઠવાઈ જતું હતું - ‘મોશાય, હમ તો આપકી એંઠ ખાતે હૈ. તોમાર અનુવાદક આછે !’ મનને આંચકો લાગી જતો, આ સાંભળીને.

કશા પ્રત્યુત્તરની અપેક્ષા જ નહીં. બસ, સતત બોલ્યે જાય. એક વાત નોંધી મેં. આ માણસ સુખી તો નહોતો. કશું પીડતું હતું ભીતર. પોતાની કે પરિવારની કશી વાત જ ના માંડે. હશે કોઈ પરિવારમાં કે પાંખ જ કપાઈ ગઈ હશે ? પ્રશ્ન થતો અને એનો ઉત્તર જાતે શોધવા જતાં ક્યાંરેક ઊંડા વિષાદમાં સરકી જવાતું.

એક વેળા, ફોનનો હવાલો આલોકાનો હતો. ગમે તેમ પણ શિશિરદા આલોકા સાથે મુક્ત મને વાત કરે. મારી પાસે તો મુકરર વિષય ચર્ચાય.

‘કઈ વાર્તા લખાય છે ? આનંદમાં કશું પ્રગટ થવાનું છે ? પબ્લિશર્સ તો બધે જ સરખા - કોલકતામાં કે અમદાવાદમાં. અરે રવીન્દ્રબાબુને પણ કોણ કવિ ગણતું હતું ? એ તો નોબેલ મળ્યા પછી જ તૂટી પડ્યાં હતાં સહુ અભિનંદન પાઠવવા ! ત્યારે કાલ તાના ઉદ્યાનોમાં એકે ય પુષ્પ બચ્યું નહોતું, શિરીષ !’

‘શિશિરદા, આપકી ગિન્ની કી તો કુછ બાત કરિયે. મુઝસે તો અચ્છે હી હોંગે’ આલોકાએ વાત છેડી હતી. અને તેમણે કહ્યું હતું - ‘આલોકા... ગિન્નીને કારણે તો મને તમારી ગુજરાતી પલ્લે પડી. કાલિંદીની એક સખી નામ ચંદ્રિકા. ઑફ કોર્સ ગુજરાતી. શિક્ષિકા હતી મિશનરી સ્કૂલમાં ગુજરાતી છાંટવાળું, સરસ બંગાળી બોલે. ગરબા પણ રમે - પૂજાના તહેવારમાં. ગિન્ની લઈ આવી ઘરે. તેણે જ કહ્યું - ‘તમે ગુજરાતી શીખી લો. હું તમારી ટિચર ! જુઓ, આવી જુવાન શિક્ષિકા તમને ક્યાંય નહીં મળે - આખા બંગાળમાં. ભારે રમતિયાળ સ્વભાવ. હસતી જ હોય કાયમ. બસ, આ એ છોકરીની દેન. તેણે જ મને તારા પતિ સાથે મેળવ્યો.

બે વર્ષ પહેલાં મુંબઈ ચાલી ગયાં - એ લોકો. એક ફોટો છે એનો, મારા આલ્બમમાં !

આમાં ગિન્નીનું માત્ર નામ જ મળ્યું - કાલિંદી !

* * *

એક રવિવારે સાવ નવી જ રમત માંડી શિશિરદાએ. આલોકાને કહે ‘તારી જન્મતારીખ કઈ ?’

અને જવાબ મેળવીને માંડ્યા જોષ જોવા.

આ બધી વાતો મને આલોકાએ રસપૂર્વક હસી હસીને કહી હતી.

‘હે આલોકા કન્યા, સૂન તોમાર ગોપન કથાટિ.’

‘કન્યા... તારા ભાગ્યમાં એક લેખકની ભાર્યા થવાનો મંગળ યોગ છે. તે સુખી થાય કે ના થાય, તું તો સુખી થઈશ જ. તારે સંતાન યોગ છે અને કન્યા, તારા સંતાનને પણ સંતાનયોગ છે.

આલોકા વિચાર કરતી થઈ ગઈ હતી - એ દિવસથી. આવી, સાવ વિચિત્ર રમત કેમ આદરી હશે, શિશિરદાએ ? મને ય એ જ થયું હતું. તેમનાં અભાવોની પૂર્તિ, આ રીતે કરતા હશે ? અરે, તેમના અભાવોનો જ કશો ખ્યાલ ક્યાં હતો કે એની પૂર્તિઓ વિશે વિચારી શકું ?

મારો અનુવાદક મિત્ર, ખરેખર રહસ્યમય હતો. ગૃહિણીનું નામજ માત્ર હતું, અમારી પાસે. અન્ય કશું જ નહીં.

મેં તેમની માંગણી મુજબ વાર્તાઓ મોકલ્યે રાખી. અને તેમણે મંગળમય આગમન કર્યે રાખ્યું દર રવિવારની સવારે.

* * *

આલોકાના જન્મદિવસે સેન માશાય તરફથી ભેટ મળી, સરસ પત્ર સાથે. બસ, ત્યારે શિશિરદાની રમત સમજાઈ. વિસ્મય થયું અને પ્રસન્નતાથી તરબોળ થઈ જવાયું. ‘વાહ, શિશિરદા, ભારે ગૂઢ છો તમે તો ?’ બોલાઈ ગયું.

લખ્યું હતું - ‘તારાં પતિને લાંબી લાંબી વાતો કરીને થકવાડું છું, પણ તારી સાથે તો કોમળ જ બની જાઉં છું. મારા આ અવગુણને નિભાવી લેજે, બેટા.’

ખરેખર કોમળ બની ગયા હતા શિશિરદા. એક-બે અશ્રુઓ પણ ટપક્યાં હોય કાગળ પર, એવું લાગ્યું. અશ્રુના નિશાનો ક્યાં છાનાં રહી શકે છે ?

કશુંક હતું તેમના જીવનમાં પણ એને પામવાનું એકેય સાધન ઉપલબ્ધ ક્યાં હતું ? તેમણે અમારો સાથ જાળવી રાખ્યો હતો એ શુભ, સાંત્વનાજનક બાબત હતી. અમે જરૂર કશુંક હતાં - તેમની જિંદગીમાં.

એ દરમિયાન રાજસ્થાનવાસી શિવચરણજીનો પત્ર આવ્યો. લખ્યું હતું - શિરીષજી. મુજે આપકી કહાની પુનરાગમન અચ્છી લગી. અનુમતિ ભેજો તો મેં હિન્દીમાં અનુવાદિત કરું !

વાહ, સરસ ઘટના બની રહી હતી. બાંગલા પછી હિન્દી ! પ્રસન્નતા અને ઇચ્છાઓ વિસ્તરવા લાગી હતી. પછી બીજી ભાષાઓમાં આવશે - મારી વાર્તાઓ. કેટલી બધી ભાષાઓ હતી આ દેશમાં ?

આલોકાએ પૂરી ગંભીરતાથી સૂચન કર્યું હતું - ‘જુઓ, કબાટના ઉપરના ખાનામાં બાંગલા, હિન્દી માટે. નીચેના બે ખાનાઓ...!

લખી નાખ્યો અશેષને પત્ર. પાપાની વાર્તા હવે હિન્દીમાં પણ પ્રગટ થશે. કેમ ચાલે છે તારું ? રાતે દૂધ તો લે છે ને ? રજાઓ આવશે ત્યારે... તારા માટે કેટલી બધી વાંચનસામગ્રી હશે !’

હર્ષના સમાચાર કેટલી ત્વરાથી વ્યક્ત થઈ જાય ? ભલે એ નાના સ્થળે રહ્યો - ઇજનેરી કૉલેજમાં, આલોકા રજેરજ વાતો કહે અશેષને.

ટૉમસ આલ્વા એડિશનને હૃદયપૂર્વકની શુભેચ્છા પણ પાઠવતી જ હશે ને ?

પછી તો મને ય ચાનક ચડી; થયું કે શિશિરદાને અવગત કરું કે એક બીજા અનુવાદક મળી ચૂક્યા હતા, હિન્દીભાષી. કેટલાં ખુશ થશે ? કહેશે કે... !

શું તેઓ જ ફોન કરે ? મારે ના કરવા જોઈએ ?

ફોન પર અજાણ્યો નાજુક સ્ત્રી સ્વર સંભળાયો, હિન્દીમાં. ‘મૈં તબસ્સોમ બોલ રહી હૂં - કોલકતા સે. કૌન શિશિરદા ?’ એ સ્વર એક પળ થંભ્યો.

મને ય શંકા જાગી. રૉંગ નંબર તો નહીં હોય ને ? ‘ઓહ... નાનાજી ! વો તો બીમાર હૈ, પાંચ રોજ સે. આપ કૌન ? શિરીષજી ગુજરાત સે ? પહેચાન લિયા આપકો. નાનાબી બારબાર આપકા હી જિક્ર કર રહે થે. આરામ મેં હૈ. સો રહે હૈ. થોડી દેર પહલે ઘોષ અંકલ આયે થે તબિયત દેખને. આરામ કી સખ્ત જરૂરત હૈ. ચલિયે શિરીષ અંકલ ખુશી હુઈ. આપકો મિલકે. ચાચીજાન કૈસી હૈ ?

લખનવી ઢબમાં સડસડાટ બોલી ગઈ એ છોકરી. જો કે પહેલો વિચાર શિશિરદાનો આવ્યો. ઓહ ! બીમાર પડી ગયા શિશિરદા ? શું થયું હશે ? આટલાં વર્ષોમાં કશી નાનકડી ફરિયાદ પણ ક્યાં સાંભળી હતી - સ્વાસ્થ્યની ? અચાનક જ ?

આલોકાએ કહ્યું હતું - ‘દેહને પણ સંસારના નિયમો તો લાગુ પડે જ ને ? આ વૈદ્ય, ડૉક્ટરોનું પણ પ્રયોજન તો ખરું ને ?’ તે હસી હતી - મને હસાવવા માટે સ્તો !

તેણે તરત જ વિષય બદલ્યો હતો - ‘ચાલો, કાલિંદી પછી એક બીજું નામ મળ્યું હતું - તબસ્સોમ ! આપ્તજન હશે કે કોઈ પડોશીની છોકરી ? તબસ્સુમ નામ તો કોઈ પણ પાડે. બંગાળમાં તો ખાસ બને !

મને એ છોકરીનો લખનવી લિહાજ યાદ આવી જતો હતો. શું કહેતી હતી - ચાચીજાન કૈસી હૈ ! આવું કોણ કહે ?

પછીના રવિવારે શિશિરદા, નિયમ મુજબ ફોન પર આવી ગયા.

અવાજની એ જ ઢબ. એ જ આત્મીય રણકો. હા, જરા શિથિલતા ખરી. એ તો સહજ ગણાય. માંદગી નાની કે મોટી પણ એની અસરો જતાં સમય લાગે જ.

પણ શિશિરદા જામ્યા, એ દિવસે. કેટલી વાતો કરી પ્રકાશકોની ? કહે - કોલકતા... વાસી દિવસે દિવસે બગડતો જાય છે. વચનોની કશી કિંમત જ નથી. મનુષ્યતા એથી પણ તુચ્છ.

કશા પ્રમાણો ના આપ્યા. બસ... પ્રલાપ કર્યે જ રાખ્યો. કોણે દુભાવ્યા હશે, એમની સહજ મર્યાદાને અતિકમીને ? મેં કહ્યું પણ ખરું - ‘શિશરદા, શાન્ત થાઓ. તમારી સેહત પણ ઠીક નથી.’

તે હસ્યા. કહે - ‘સાચી વાત, લેખકબાબુ. તબસ્સોમની લાગણી ભરી સુશ્રૂષા નિરર્થક ના જવી જોઈએ.’

પછી ઉમેર્યું - ક્યારે નવી વાર્તા મોકલો છો ? કાદંબરીમાં મોકલવી પડશે ને, પૂજા સ્પેશિયલ માટે ? શક્ય હોય તો સપ્તાહમાં જ... લેખકબાબુ !’

શિશિરદા અસલી મિજાજમાં આવી ગયા હતા એની ખુશી થઈ. પણ કશું ના પૂછી શકાયું - તબસ્સુમ વિશે એનું શું ? આલોકાની ઉત્સુકતા વિશેષ હતી.

* * *

એમ કાંઈ ઇચ્છા મુજબ વાર્તાઓ થોડી નીપજે ? ભીતર ઝબકાર થવો જોઈએ. હાથમાં કલમ લઈએ ને કશું તરત જન્મે એવું તો ક્યારેક જ બને.

કેટલાં પ્રયાસો આદર્યા, કેટલાં કપ ચા પિવાઈ ગઈ - વાર્તા જ ના મળી. જૂની ફાઈલો તપાસાઈ ગઈ કે મળે ક્યાંકથી ખૂણે-ખાચરેથી કોઈ અધૂરી વાર્તા પણ વિફળતા જ મળી.

અને અલોકા અસ્વસ્થ બની ગઈ.

ફરી રવિવારની સવાર આવી હતી. આલોકાએ કહ્યું કે તે જ ફોન લેશે, વાત કરશે શિશિરદા સાથે.

અધૂકડા મને સવાર પસાર થતી હતી. એમ પણ થયું કે કદાચ તેમનો ફોન કરવાનો ક્રમ તૂટે પણ ખરો. સ્વાસ્થ્ય બરાબર ના હોય તો એવું જ થાય.

ત્યાં જ ફોન રણક્યો. આલોકા તો દૂર હતી, રાંધણિયામાં અને મેં જ રિસીવર કાને માંડ્યું હતું. તબસ્સુમ હતી.

હવે તો સ્વર અજાણ્યો નહોતો.

‘આમિ તબસ્સોમ, શિરીષ અંકલ, દહેરાદુન સે, મૈં ઔર નાનાજી કુશલ હૈ. ચિંતા મત કરિયેગા. મજા લે રહેં હૈ. પહાડી - મોસમ-કા. દાકતરબાબુને ફરમાયા થા. અગલે ઇતવાર પહુંચ જાયેંગે, કોલકતા. લેખકબાબુ કહાની ભેજી, નાનાજીને... ? કૈસી હૈ ચાચીજાન...?’

સમજ પડી કે આ છોકરી - તબસ્સુમ દૌહિત્રી થતી હતી શિશિરદાની. શિશિરદાને પૂછી શકાયું હોત તો તેમણે ચોક્કસ કહ્યું હોત -’ શિરીષબાબુ, તબસ્સુમ આમાર...’ સ્વરના થડકાટ પરથી મુગ્ધ વયની લાગી. તે એકલી જ સભાંળતી હશે શિશિરદાને ? પુત્રી તો હશે જ ને - આની મા ?

દિવસ ગયો - એ છોકરીના વિચારમાં. કેવી લાગતી હશે ? રમતિયાળ તો લાગી, જબાન પરથી. આલોકા કહે, ‘ના, આ છોકરી પૂરી ગંભીર લાગી. કેટલાં આદરથી વાતો કરતી હતી ? જાણે એક પૂર્ણ સ્ત્રી !’

એ રાતે મને વાર્તા મળી - મુગ્ધ વયની છોકરીની, મુગ્ધ વયની લાગણીની - પ્રેમની અને સામે છેડે એક લાગણીભર્યા જીદ્દી પિતા.

આમ જ જન્મી જાય ક્યારેક વાર્તા. રાત ભાંગીને લખી નાખી સડસડાટ.

આલોકા વાંચતી હતી - લખાતું જતું એક એક પાનું. બીજી સવારે પોસ્ટ પણ થઈ ગઈ. કેટલો હળવો થઈ ગયો !

એ સવાર રવિરાની નહોતી જ. રવિવારે ક્યાં ફોન આવ્યો હતો - શિશિરદાનો કે તબ્બસુમનો ? અને પેલી ગિન્ની - કાલિન્દી દેવી કેમ મૌન પાળી રહી હતી ? કલાકારે તો નાટ્ય - મંચ પર આવવું જ જોઈએ ને ?

આજની સવારે તો અમે પુત્ર અશેષને મળવા જઈ રહ્યાં હતાં. બે દિવસની છૂટી હતી મારે અને અશેષે ય કહ્યા કરતો હતો ને - ‘આવી જાવ. તમને મારું નાનું શું શહેર દેખાડું. બે તો વાવ છે. સાત કોઠાવાળી, સતીનું મંદિર છે. મમ્મી, ખબર છે, એ સતીએ નગરજનોને શ્રાપ આપ્યો હતો કે...’

થયું, કેટલો ખુશ થશે અશેષ ? માંડ બે કલાકનો બસ - રસ્તો.

ને નીકળવાના સમયે જ ફોન રણક્યો હતો. શિશિરદા જ હતા. પરંતુ સ્વરમાં આટલી ભીનાશ ક્યારેય અનુભવી નહોતી. જાણે એ જ નહીં ! ને કહ્યું પણ શું ?

‘શિરીષબાબુ... આપનિ મોર કથા લિખિલ. કશું કહ્યું હતું તબસ્સોમે ? ક્યાંથી મળ્યું આ વાર્તા - બીજ ? આ તો મારી જ વાત, અક્ષરશઃ !

વધુ શિથિલ થયો એ સ્વર, શ્રાવણના સમેટાતાં સરવડિયા જેવો. આલોકાને સંકેત કર્યો અટકી જવાનો. મળી રહેશે બીજી બસ. આ ભાંગેલી વ્યક્તિને આમ અંતરિયાળ કેમ મુકાય ?

તેમણે કહ્યું - ‘હા, શિરીષબાબુ... આ મારી કથા છે. તમે કેતકી આલેખી એ મારી ઇકલોતી શુભા દીકરી. અને તેનો કઠોર, જીદ્દી જનક દિવાકર એ હું !’

પછીના શબ્દો - ‘શુભા તેજસ્વી, મેધાવી અને સૌમ્યા. મને અને કાલિન્દીને કેટલી પ્રિય ! આંખોની કીકી જ સમજી લો. પ્રેમમાં પડી સરફરાઝના કેતકીની જેમ જ !

મને સમજ પડી, એ પછીની વ્યથાની, મેં જ લખી હતી ને કેતકી અને એક પિતાના સંઘર્ષની કથા. પિતાએ પુત્રીને માફ નહોતી કરી.

‘ગિન્ની પણ ગઈ એ વલોપાતમાં, લેખકબાબુ !’ મન ઉદાર ના થઈ શક્યું. લાગણી થીજી ગઈ, ખડક બનીને. સરફરાઝ પણ સમજાવી ગયો મને. ગમ્યો, રીતભાત ગમી પણ જીદ અડગ રહી. થયું - ગમે તેમ તોય વિધર્મી ! મારો પવિત્ર વંશ, મારી પરંપરા, ગંગામાં બોળેલું પવિત્ર ખોળિયું, ખભે પહેરેલું ઉપવીત, મારી અથર્વવેદની ઋચાઓ !

તે ઉંબરને ઓળંગી ગઈ, તમારી કેતકીની માફક ! તે આગળ બોલ્યા - ‘મન તેને ઝંખતું હતું, મરુભૂમિ વર્ષાને ઝંખે તેમ પણ મન ફરતી વાડ રચાઈ ગઈ હતી, અભેદ્ય અને અમાનુષી. હું માણસ જ ક્યાં રહ્યો હતો ?

પછી તેઓ થંભ્યા, શ્વાસ લેવા કે કશું મનમાં ભરવા. હું તેમને અનુભવી શકતો હતો.

‘પછી તબસ્સોમનો જન્મ થયો. ખુદ સરફરાઝ આવ્યો ખુશખબર દેવા. દીન બનીને ખડો રહ્યો સામે. પરંતુ શિરીષબાબુ... પહાડ ના ઓગળ્યો. માફ ના કરી શક્યો શુભાને.

થોડાં દિવસ પછી ડાકમાં ફોટો આવ્યો - શુભાની દીકરીનો. શુભાની મોંફાડ હતી. સ્મિતે ય શુભાનું લાગ્યું. સરનામું હતું એના નિવાસસ્થાનનું. પગરિક્ષામાં માંડ પાંચ મિનિટ થાય.

પણ ના જઈ શક્યો. ઈતના અંતર ન કટ શકા. મન તો વ્યાકુલ થા પર કૌન રોકતા થા મુઝે ? મેરા અભિમાન, મેરા ગ્યાન. કાલિન્દી નહીં થી ન. અન્યથા ઐસા નહીં હોતા.

મનને રોકી રાખ્યું. વાર્તાઓની પ્રવૃત્તિમાં. ખાલી સમય ભરતો હતો, લેખકબાબુ. રાતે નક્કી થતું હતું કે સવારે અવશ્ય જઈશ શુભા પાસે, તેને છાતીએ લઈશ, મારાં અશ્રુઓ ઢોળીશ તેના મૃદુ ખભા પર, ગાલ પર; પણ એ સવાર ક્યારેય ઊગતી જ નહોતી.

એક દિવસ તે ચાલી ગઈ કાયમને માટે, કાલિન્દી પાસે. ફરિયાદ કરવા તેનાં બેરહમ બાપની.

ખૂબ મોડેથી ખબર પડી, મૃત્યુ પછી એકાદ વરસે. મળ્યો સરફરાઝને, તબસ્સોમને. રડી લીધું વરસોનું એક સાથે.

પછી આ બુઢ્ઢાને સંભાળ્યો પંદર વર્ષની દૌહિત્રીએ. લેખક બાબુ... તમારી કેતકીએ મને કેટલો રડાવ્યો ? મારી શુભા સજીવન થઈ ગઈ - મારી આંખોમાં, ચિત્તમાં.’

શિશિરદા અટક્યા, ખાસ્સા અટક્યા. મન જાણે કે પડખું બદલતું હતું.

જરા પ્રસન્નતા આણીને બોલ્યા - ‘જબાન અને રૂપ સરફરાઝના છે, નમણાશ અને સ્મિત શુભાના છે. હા, એ જ મને સંભાળે છે - મારી શુભા બનીને. શિરીષદા, આલોકા... અબ વો મુઝે શીખા રહી હૈ - જિંદગી જીના.’

પછી મૌન છવાયું. જાણે કશું વધુ કહેવાનું નહોતું શિશિરદાને.

*