Purvavat books and stories free download online pdf in Gujarati

Purvavat

પૂર્વવત્‌

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પૂર્વવત્‌

દિવસોની અનિયમિતતા પછી આજે આપોઆપ જ તેમનાથી તેમના નિયત સમયે જાગી જવાયું. વર્ષોની ટેવ હતી આ સમયે જ ઊઠી જવાની. તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો પરોઢ હતું - ચિરપરિચિત પરોઢ, જે હજુ પણ તેના અંતઃસ્થળમાં ખળખળ થઈને વહેતું હતું. જાનકી આ સમયે જ ઊઠતી હતી. પતિની નિદ્રાને સહેજ પણ ખલેલ ન પહોંચે, એ રીતે ચૂપચાપ, ડબલ-બેડમાંથી સરકીને પરબારી રસોઈઘરમાં કામે વળગતી. પ્રાતઃકાર્યો સાથે મનોમન પ્રભુસ્મરણ પણ ચાલુ જ રહેતું.

નિવૃત્ત પતિની આ કાયમની ફરિયાદ હતી, એ તે જાણતી હતી. જવાબ તેના હોઠે હતો : ‘તમને ન ખબર પડે આમાં. અમારે કેટલાંયે કામો હોય. ભલે રહી બે માણસની વસ્તી પણ તાવડી તો તેર વાનાં માગે. અને તમે ક્યારેય જાતે ચા પણ ક્યાં બનાવી છે ?’ પત્નીની આ દલીલ સામે જયંતભાઈ લાચાર બની જતાં. આ નિવૃત્તિના સમયમાં તેમને નવા નવા તરંગો આવ્યા કરતા. રસિકતા પણ સળવળવા લાગતી. વાંદરો ગુલાંટ ભૂલે ? - એ વાત યાદ કરીને હસી પડતા.

તે ભીની સવારે પથારીમાં જાગતા પડ્યા રહેતા. તેમને પત્નીના ક્રમની ખબર હતી. સ્નાનથી પરવારીને જાનકી તરત જ તેમને ઢંઢોળવા આવતી. જયંતભાઈ એ કારણે જ સૂતા રહેતા. આ પણ એક આનંદ હતો, પ્રૌઢ વયના દાંપત્યનો.

જાનકીના એક હાથમાં સાડી હોય અને બીજા હાથે તે ચાદર ખેંચીને, મુગ્ધતાથી પલંગમાં બેસીને પતિને ઢંઢોળે : ‘એ- ઊઠોને !’

એ કોમળ ટહુકો જયંતભાઈને તરબોળ બનાવી દે. તેઓ પણ પછી અરસિક શાના રહે ? જાનકીનું ગૌર નમણું મુખ લજ્જા અને આનંદથી લથબથ થઈ જાય. પરોઢની ભીનાશમાં બીજી ભીનાશ પણ ભળી જાય.

‘શું તાકી રહ્યા છે ? શું હું રાતોરાત બદલાઈ ગઈ છું ?’ તે સોળ વર્ષની મુગ્ધાની માફક પતિને પૂછી બેસતી.

‘અરે ! તું તો ક્ષણેક્ષણ બદલાતી રહે છે !’ જયંતભાઈના હોઠો પર જૂના સંવાદો રમવા લાગતા.

જાનકી તરત જ રસિક પળોને સલૂકાઈથી સમેટી લેતી : ‘પછી તમે નીનાને ફોન કર્યો ? ભૂલી ગયા ને ! ખબર છે... તે આપણાં ફોનની કેટલી રાહ જોતી હશે ? હવે આજે ન ભૂલતા. તેની તબિયત પણ ક્યાં બરાબર છે ?’

જોકે જાનકીના મન પર ભાર પણ રહેતો હતો. પતિનો અલગારી સ્વભાવ ક્યારેક તેને ખૂંચતો પણ ખરો. કશું મન પર લાવે છે જ ક્યાં ! આ બધો ભાર મારે એકલીએ જ...! ક્યારેક વિવશ થઈ જવાતું.

બીજી ક્ષણે મન જાણે તેમને ઠપકો આપતું : ‘સાવ ભોળા છે : પહેલેથી જ આવી પ્રકૃતિ છે. છો જીવતા તેમની રીતે. એ તો હું સંભાળી લઈશ સહુને.’

બે પુત્રો વચ્ચે સ્વભાવગત અંતર હતું. વહુઓ પમ ક્યારેક ન ધારેલાં પ્રશ્નો ઊભા કરતી. પુત્રી નીના જરા પણ ગંભીર નહોતી. પતિ સાથે સહયોગથી રહી શકતી નહોતી. જાનકીએ માન્યું હતું કે તે ત્રણેય પ્રંસગોથી પરવારીને સુખથી રહી શકશે, પણ તેમ બન્યું નહોતું.

‘સંસારમાં તો આવું હોય જ.’ તે હસીને મન મનાવી લેતી. સંસારનો સંતોષ જયંતભાઈ સુધી પહોંચતો જ નહિ.

સવારની શાંતિમાં કે સાંજની હળવાશમાં, જાનકી ક્યારેક થોડી વાતો છેડતી પણ ખરી.

‘જુઓ... શશાંકે પણ નીનાને સમજાવી પણ તે ક્યાં માને છે ? ડૉક્ટરે પણ કહ્યું કે આ વખતે જોખમ છે. તમે તેને સમજાવો કે અહીં આવી જાય. અહીં સચવાય પણ ખરી. ત્યાં જમાઈ શું કરી શકે ? અને જુઓ... નંદિનીને બોલાવવાની વાત ન કરશો ભાઈસાબ, નમનનો સ્વભાવ તો જાણો છો ને ? તેને વહુ વિના ક્યાં ચાલે છે ? તમે ના લખી નાખજો. અને મુંબઈ ચિરાગને લખી નાખજો કે... ના, ન લખશો કશું. ભલે તેમની રીતે જીવતાં. પાચું ચૌલાને નહિ ગમે.’

મનનો ભાર થોડો હળવો કરતી જાનકી.

‘બહુ ચિંતા રાખશ. જાનકી, હવે છોકરાં મોટાં થયાં, પોતપોતાની રીતે જીવન જીવવા દે તેઓને.’

જયંતભાઈને જાનકી નહોતી સમજાતી. શા માટે તે સંતાનોના સંસારમાં આટલો રસ લેતી હશે ? શી જરૂર હતી ?

જાનકી પાસે એનો ઉત્તર હતો, પણ મૂક થઈ જતી. આ પુરુષ ક્યારેય આ ગહન વાત નહિ સમજી શકે !

‘ચાલો, તેમને તો શાંતિ છે ને ! એમનું સુખ મારું પણ સુખ ગણાય જ ને !’ તે મન વાળતી.

અને એ સુખ મળતું પણ ખરું, તરબોળ થઈ જવાય એટલી માત્રામાં. આ સૌભાગ્ય જ હતું જાનકીનું ? આ વૈભવ હતો તેનો. પ્રૌઢ વયે પણ આમ મુગ્ધા બનવું ક્યાં સહેલું હતું !

જયંતભાઈ જાનકી વિના સાવ પાંગળા બની જતાં. ‘આ રોગ તો તને પરણ્યો ત્યારનો જ વળગ્યો છે.’ તે હસીને કહેતા.

‘મેં જ તમને ખોટી આદતો પાડી છે. સામે જ કપડાં પડ્યાં હોય ને જાનકી જાનકી કહીને ઘર ગજાવી મૂકો. રૂમાલ ન મળે, પાકીટ ન મળે અને ક્યારેક ક્યારેક તો પત્ની પણ ન મળે.’

જાનકી ખડખડાટ હસી પડે. જયંતભાઈ ખુશ થઈ જાય. આ પણ તેમનો આનંદ હતો.

‘હું નહિ હોઉં ત્યારે શું કરશો, બોલો ? જાનકીને ક્યાંથી બોલાવશો ?’

જાનકી ક્યારેક કઠોર વાસ્તવિકતા પર આવી જતી. વિચારો પણ આવતા જ, પણ ક્યારેક તો એ હોઠો પર પણ આવી જતાં. ‘મને ડર ન બતાવ જાનકી. ઈશ્વર બધું જાણે છે. એ એવી સ્થિતિ ક્યારેય નિર્માણ નહિ કરે. હું જાનકી જાનકી રટતો હોઈશ ને મને હરી લેશે.’

જયંતભાઈની વાતોથી જાનકી કોચવાઈ જતી.

‘મૂકો એવી વાતો... કાલે શ્વેતા શા માટે આવી હતી ? સલાહ લેવા કે ? મને એ છોકરી ખૂબ ગમતી હતી અને હજુ પણ ગમે છે. આપણા ચિરાગને પસંદ ન પડી, નહિ તો તે આપણા ઘરની શોબા બની રહેત.’ જાનકીએ વાતને ચાતરી, પણ વ્યથા તો રહી જ.

આજે પુનઃ જયંતભાઈથી નિયત સમયે જાગી જવાયું. ભાન આવતાં તરત જ વાસ્તવિકતાનો દાહક સ્પર્શ થયો. ‘ઓહ !...’ કહીને તેમણે આંખો પર પોપચાં ઢાળી દીધા.ં પંદર પંદર દિવસની વ્યથા એકસામટી ધસી આવી, ‘આ શું થઈ ગયું એકાએક ?’ ચિત્તમાં ઝબકારો થયો.

હા, આવી જ સવાર હતી. તે જાનકીની પ્રતીક્ષા કરી રહ્યાં હતા કે ક્યારે તે આવે અને તેઓ હંમેશની જેમ... જાનકી આવી તો ખરી પણ તેમના પર ઢળી પડી, એક જડ ચીજની માફક.

‘જયંત, મને કશું થાય છે અહીં છાતીમાં.’

આટલું માડં બોલાયું. બામની શીશી શોધવી કે ડૉક્ટરને બોલાવવા ? બેચાર ક્ષણો ખાલી અવઢવમાં ગઈ. આવી કટોકટીની પળે જયંતભાઈ મૂંઝાઈ ગયા. ડૉક્ટર આવ્યા ત્યારે તો જાનકી અચેતન બની ગઈ હતી. જાનકી જાનકી જ નહોતી રહી.

હાહાકાર મચી ગયો, પણ તે રડી ન શક્યા. તે તો વિચારતા હતા કે આમ બને જ કેમ, આમ નિરાધાર મૂકીન જાનકીથી જવાય જ કેમ ? હવે...?

એક ન સમજી શકાય એવી વ્યથાએ તેમને ઘએરી લીધા. વાતાવરણ રુદન અને ડૂસકાંથી ખળભળતું હતું. સૌની આંખો ફરતી ફરતી જયંતભાઈ તરફ વળતી હતી, પણ તેમનાથી રડી શકાયું નહિ, બસ થીજી જવાયું.

‘જયંત... બી નૉર્મલ.’ મિત્રોએ સાંત્વના આપી. ‘મોટાભાઈ, તમે આમ કરશો તો છોકરાંઓને કેવી રીતે સંભાળવાં ? જુઓ આ નીની, નમન, ચિરાગ.... શશાંક... નંદિની... ચૌલા... કેવાં ગભરાઈ ગયાં છે ? તમે... મોટાભાઈ...

પપ્પાજી... મોટાભાઈ... જયંત... બાપુજી... અનેક અવાજોએ તેમને ઘેરી લીધા.

‘ભાભી તો લીલી વાડી મૂકીને ગયાં. ક્યાં કશી કમીના છે ? આ નમન કેવો કહ્યાગરો છે ? અને ચિરાગ... લાખોમાં રમે છે... અને વહુઓ પણ કેવી શાણી છે !! જાનકી તો પામી ગઈ... જિંદગી તો સુધરી અન ેમૃત્યુ પણ પતિના ચરણોમાં ! કોઈ વિગતવાર સ્પષ્ટતા કરતું હતું.

તે ઓગળી ન શક્યા. જરા હસી લીધું. સૌને મનગમતો જવાબ મળી ગયો.

‘જુઓ... જાનકીનું ટાણું પણ બરાબર જ થવું જોઈએ. ભાઈના મોભાને છાજે તેવું. બેસણામાં કેટલાં લોકો આવ્યાં હતાં ? ચિક્કાર...’

‘મમ્મી પણ કેવાં ? જાજરમાન... વ્યક્તિત્વ... ! કેવી સુવાસ ? આ લૅમિનેશન જોયું ? પાંચસોથી પકડાવી દીધી, ખુશ થઈને. મમ્મીનો આ પોઝ તો અદ્‌ભુત છે. મારા મેરેજના આલ્બમમાંથી મળ્યો.’

આ પંદર દિવસો દરમ્યાન જયંતભાઈ જાતજાતના આજોથી ઘેરાઈ ગયા.

બે જ માણસની વસ્તી અને અનેક માણસો એકઠાં થઈ ગયાં.

‘દાન પણ કેટલાં કર્યાં, નમન, ચિરાગ ? કહેવું પડે. હાથ ક્યાંય ટૂંકો નથી કર્યો.’

‘અલી નંદિની, હવે તું જ ઘરની રણીધણી. તારે જ ભાભીનો વારસો સંભાળવાનો છે...’

ધીમે ધીમે અવાજોનો પ્રવાહ ઓસરવા લાગ્યો.

ભાઈ-કાકા-મામા સૌ ગયા.

ભાઈ, કામકાજો લખજો... સૌને હિંમત...

જયંતને જવાબો આપવા પડતા આપતા પણ ખરા. એક નીરવ રાતે જયંતભાઈ જંપી પણ શક્યા અને નિયત સમયે ઊઠી પણ શક્યા. તરત ખ્યાલ આવી ગયો કે ગમે તેટલી પ્રલંબ પ્રતીક્ષા કરે, જાનકી તેમને ઢંઢોળવા આવી શકવાની નહોતી. એક લખલખું દેહ સોંસરવું નીકળી ગયું.

અચાનક નીનીનો અવાજ સંભળાયો - પાસેના ખંડમાંથી. ‘બેટા... અવાજ ન કર. નાનાજી કેવાં ઘસઘસાટ સૂતા છે ? શશાંક શું કરવું છે ? આજે નીકળી જઈએ...’

‘પણ... પપ્પાને આમ...’

‘એ તો સ્વસ્થ થઈ ગયા હોય એમ લાગે છે. નમન અન ચિરાગ વ્યવસ્થા કરશે. પાછો કાલે આપણી કુંવરીનો બર્થ ડે છે. ભલે. સાદાઈથી પમ મનાવવો જ પડશે...’

‘પણ નીની, આ સાલ રહેવા દઈએ... તો ?’

‘નો શશાંક, શો મસ્ટ ગો ઑન.’ નીનીનો રમતિયાળ સ્વર સંભળાયો.

‘સામાન તો પૅક કર્યો જ છે. પપ્પા ઊઠે એટલે વાત.’ એ પરિચિત અવાજો સમેટાયા.

તરત જ નમન અને નંદિની આવ્યાં. વાતચીત પરથી પરખાયાં કે તેઓ જ...

‘સાવ મણિબેન જેવી લાગે છે તું.’

‘તને ન ખબર પડે, આવી સાડી પહેરવી પડે. કાલે અમદાવાદ જઈને તને ગમે તેવી પહેરીશ. જો મેં તો બધું ગોઠવી દીધું છે. પછી પપ્પાની શી વ્યવસ્થા કરી ? પૂછી લીધું ?’

‘સૂતા છે નિરાંતથી. પણ મને ગળા સુધી ખાતરી છે કે પપ્પા અમદાવાદ નહિ આવે. તેમને ક્લાઇમેટ ક્યાં માફક આવે છે ? કુક અને નોકર બંનેની વ્યવસ્થા મેં જ કરી છે. પપ્પા ઊઠે એટલે...’

‘નમન... યુ આર વેરી ગુડ મૅનેજર !’ નંદિની ખણખણી.

‘તારા જેવી સ્ત્રીને પણ મૅનેજ કરું જ છું ને !’

‘ઓહ ! યુ નોટી !’

ત્યાં કોઈનાં પગલાં નજીક આવ્યાં.

‘મોટાભાઈ, તમે અહીં છો ? ભાભી, ચિત્રા તો તૈયાર પણ થઈ ગઈ. મારે અત્યારે જ જવું પડશે. અમદાવાદની ઍર બુકિંગ મળી જશે ખરું ? એક નવો પ્લાંટ તાત્કાલિક શરૂ કરવાનો છે. ચેટરજીનો મેસેજ આવ્યો છે, બસ આવી જા. તો હું નીકળું ? પપ્પાને સિચ્યુએશન કહેજો... નો... વે.’ ચિરાગની ઉતાવળ અવાજોથી વાતાવરણ ખળભળી ઊઠ્યું. હજુ સવાર જ હતી. ઠંડક હતી પણ જયંતભાઈ અકળામણ અનુભવવા લાગ્યા. તેમને અનુભૂતિ થઈ કે સહુ પૂર્વવત્‌ થઈ ગયાં હતાં, એક તેમના સિવાય !

(કુમાર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED