Amidrashti books and stories free download online pdf in Gujarati

Amidrashti

અમીદૃષ્ટિ

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અમીદૃષ્ટિ

બે વરસની લાંબી રઝળપાટ પછી, તેણે તેના ઘરનું બારણું ખોલ્યું. બંધ ઘરની હવડ ગંધ તેને વળગી પડી.

ફરસ પર, સોફા પર બધે જ ધૂળના થર હતા. શું રમાબાઈને કાગળ નહીં મળ્યો હોય ? ચાર દિવસ પહેલાં જ તેણે વડોદરા સ્ટેશનેથી પોસ્ટ કર્યો હતો !

નહીં જ મળ્યો હોય. તેણે વિચારી લીધું. પત્ર મળ્યો હોત તો તેણે ઘરની સફાઈ કરી જ હોત.

તેણે લૉબીમાંથી સામાન અંદર લીધો. બીજા બે ખંડો, રસોડું... બધે જ જઈ આવ્યો. બે વરસ પછી મળેલું ઘર મન ભરીને જોયું. ના, ન ગયો બેડરૂમમાં. બારણામાંથી જ અછડતી નજર નાખી. સામે તોતિંગ પલંગ હતો, કલાત્મક નક્શીકામવાળો.

અમી ખરીદી લાવી હતી, એ એન્ટિક પીસ, છેક કબાડી બજારમાંથી. કોઈ રાજદરબારમાં શોભતું રાસ હતું. સરસ હતો બાકી,

એ રાતે અમીએ વિક્રમને કહ્યું હતું : ‘આજથી તું રાજા વિક્રમ ને હું તારી મહારાણી.’

તે ખુશ ખુશ થઈ ગયો હતો - પત્નીની આ અદા પર.

અમી સુંદર હતી, ગૌર હતી, નમણાશ પણ ભારોભાર. રમતિયાળ અને થનગનતી. ચાલે તો ઊડતી હોય એમ જ લાગે.

સામે ચાલીને વિક્રમના પલ્લુમાં આવી હતી. વિક્રમ જેવાં સાધારણ દેખાવના બરછટ યુવાનને પરણી ત્યારે આઘાત લાગ્યો હતો કેટલાય હૃદયોને.

કોઈએ કહ્યું : ‘એ ક્યાં વિક્રમને પરણી છે. એ તો એની સંપત્તિને.’

વિક્રમ બેડરૂમમાં ન ગયો. ઉંબરેથી જ પાછો ફરી ગયો.

સોફાને ખંખેરીને તેના પર જ લંબાવ્યું. થાક તો હતો પણ ઊંઘ ના આવી.

દીવાલ પરનું ઘડિયાળ બંધ હાલતમાં હતું. પરદાઓ ગંદાં થઈ ગયાં હતાં. પોતાનું જ ઘર છતાં અજાણ્યું લાગતું હતું.

પરોઢિયે માંડ આંખ મળી.

જાગ્ય ત્યારે દિવસ ખાસ્સો ચડી ગયો હતો. ઘરનું બારણું ખુલ્લું હતું. એક પંદર-સોળની છોકરી સાવરણી લઈને ફરસ સાફ કરતી હતી. ના, એ રમાબાઈ નહોતી. તે રમાબાઈને તો બરાબર ઓળખતો હતો. ‘હું પોતી છું રમાબાઈની. રમાબાઈ બીમાર છે.’ પેલીએ સ્પષ્ટતા કરી.

‘હું જ આવું છું, છેલ્લાં કેટલાંય સમયથી.’

વિક્રમે બ્રશ કર્યું ને પેલી રસોડામાંથી ચા બનાવીને લાવી.

‘મને રમાબાઈએ કહ્યું હતું તમારા માટે ચા બનાવી દેવાનું. રસોઈ માટે બાઈ આવશે...’

તેણે ફટોફટ માહિતી આપી દીધી, ખિસ્સામાંથી સાચવેલી ચીજો કાઢતી હોય તેમ. રમાબાઈએ બરાબર તૈયાર કરી હતી.

સવારનું અખબાર આવ્યું. એની વ્યવસ્થા પણ આ છોકરીએ જ કરી હોય તેમ લાગ્યું. ખુશ થઈ ગયો વિક્રમ, પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં.

તેણે જબરજસ્ત આંચકો અનુભવ્યો. તેની આંખો નબળી હતી ખરી પણ આ તો અજબ ઘટના બની હતી.

તેણે અખબારમાં નજર માંડી તો બોલ્ડ લેટર્સવાળી લીટીઓ જ વંચાણી. નાના અક્ષરો તો કાળા કાળા ટપકાં જ બની ગયા.

તેણે આંખો ચોળી, પટપટાવી અને ફરી અખબારમાં જોયું. પરિણામ એનું એ જ રહ્યું. બીજું પાનું ફેરવ્યું, ત્રીજું, ચોથું... પાંચમું... બસ... ધ્રાસકો પડ્યો.

ખિસ્સામાંથી ડાયરી કાઢી, ટેલિફોન નંબરોની. ના ઉકલ્યાં એકેય અક્ષ. બુક-કેસમાંથી એક ચોપડી ખેંચી, સામેના કેલેન્ડરના આંકડાઓ વાંચવા કોશિશ કરી પણ... એ જ....

વિક્રમ ભીતરથી હલબલી ગયો. શું થયું હશે ? આવું તો આટલી પિસ્તાળીશ વર્ષની વયમાં ક્યારેય બન્યું નહોતું. હા... તેને ચશ્મા હતા. નંબરો પણ બદલાતાં જતાં હતાં - ક્યારેક ક્યારેક.

બસ, નંબર બદલાયા કરે. વધ્યા હશે કદાચ. તેણે સમાધાન શોધી કાઢ્યું.

અમી કેટલું કહેતી : ‘વિક્રમ... આટલી બેદરકારી સારી નહીં. હું અહીં સીસમના ઢોલિયામાં તારી પ્રતીક્ષા કરું છું તું તારી ચોપડીઓમાં આંખો ફાડીને બેઠો છું !’

ક્યારેક કહેતી : ‘વિક્રમ, ભલે તને તારી સ્ત્રીની ના પડી હોય પણ તારી નબળી આંખોની પણ પડી નથી ?’

રમતિયાળ અમી ઉમેરતી પણ ખરી : ‘એ દિવસે કેવું કર્યું હતું તેં ? પેલી સુરભિના ખભે હાથ મૂકી દીધો હતો - અમી સમજીને ! બીજે દિવસે ડૉક્ટરને મળ્યો તો નંબર ખાસ્સા વધ્યા હતા.’

વિક્રમને એ બધું જ યાદ આવી ગયું. તેણે એક અસહાય દૃષ્ટિ બેડરૂમ તરફ લંબાવી - અમીને શોધવા.

તે આમ - કોઈ પણ કારણસર ઘાંઘો થઈ જતો ને તેને તરત જ અમી યાદ આવી જતી.

‘અમી... મારો હેન્ડકરચિફ...! સવારથી શોધું છું.’

‘અમી... પેલી દફતરવાળી ફાઈલ... મળતી જ નથી. ટેબલ... કપબોર્ડ... અરે, જાજમ પણ ફંફોળી ! ઓહ ! તેં શોધી કાઢી ? ફેન્ટાસ્ટીક છે તું ડાર્લિંગ !’

‘ઓહ ! મારાં ચશ્મા... ? અમી... હું તારા વિના અને આ ચશ્મા વિના સાવ પાંગળો !’

અમીની આંખો તેજદાર હતી, ચમકતી અને નૃત્ય કરતી. અરે, ચાંદનીના પ્રકાશમાં પણ વાંચી શકે - કડકડાટ, જરા પણ અચકાયા વિના.

વિક્રમ વિસ્મય બનીને તેને જોયા કરે.

‘મિસ્ટર... સ્ત્રીને સારી આંખો જ હોવી જોઈએ. પતિને નચાવવા માટેનું આ તો એક છૂપું હથિયાર છે.’ તે આખો નચાવતી કહેતી ત્યારે વિક્રમ ઓવારી જતો તેની અમી પર.

સુખદ દાંપત્ય હતું એ બન્નેનું. બાપદાદાનો કારોબાર વિક્રમ સંભાળતો હતો. અને વિક્રમને સંભાળતી હતી અમી.

સુખના ઢગલાં વચ્ચેય અમી સાવ જળકમળવત્‌ હતી. કશો મોહ જ નહીં. ખોટી ઇચ્છાઓ નહીં. બસ... તે અને તેનો પતિ.

વેપારમાં પડતીનો સમય આવ્યો. તેણે સંભાળી લીધો પતિને.

‘આ શું ઓછું છે ? વિક્રમ, આ જ સાચું સુખ છે. તું અને હું, અને બધો જ સમય આપણો !’

પણ તેને આજે અમી કેમ યાદ આવતી હતી ?

તે આટલાં વરસોથી તેને ભૂલવા મથી રહ્યો હતો. હૃદયમાંથી સાવ કાઢી નાખી હતી. આટલાં વર્ષો સુધી સતત ધિક્કારી હતી. ગાળો આપી હતી. અમી માટે, ન વાપરવા જેવાં ગલીચ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

‘અમી... એક મોટું છળ, એક મૃગજળ, મીઠી છરી... એક બજારુ...!’ વિક્રમની જીભ છરીની જેમ ચાલતી.

વિક્રમે વિચાર કર્યો કે તે કોઈ ડૉક્ટરને મળે. નંબર બદલાયા હશે કાચના. તેણે કેટલી વાર ચશ્માની ફ્રેમો બદલાવી હતી ? એક-બે વાર તો અમીએ જ જીદ કરી હતી.

‘વિક્રમ... તારા દેખાવને અનુરૂપ સરસ ફ્રેમ... જોઈએ.’

ઓહ ! તે તો મારા ચહેરાની મજાક ઉડાવતી હતી - વખાણને બહાને !

વિક્રમને નવો સંદર્ભ મળ્યો હતો - પત્નીનો.

અમીએ ગુસ્સામાં ઉત્તર વાળ્યો હતો : ‘વિક્રમ... તારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. તને બધું પીળું જ દેખાય છે. અનુરાગ તો તામરો મિત્ર છે. મેં તો તેને મારો દિયર ગણ્યો છે. અને તમે શક કરો છો, વિક્રમ ?’

‘તેં મને આંધળો માન્યો હતો, અમી. અને હું હતો જ...! હવે મારી આંખો ખૂલી ગઈ છે. તારે શું ? તું તો મારી દોલતને પરણી હતી. તારા જેવી સફેદ ચામડીવાળી છોકરી, મારાં જેવાં બરછટ પુરુષને પરણે ખરી ? મને ત્યારેય લોકો આ વાત કહેતા હતા, પણ મને તો આંધળોભીંત બનાવી દીધો હતો. આ તારી જ રમત હતી. અનુરાગ... તારો જૂનો પ્રેમી નહીં હોય એની શી ખાતરી ? સંતલસ જ બન્નેની...’

વિક્રમમાં રહેલો માણસ જાણે મરી જ ગયો. અને પછી શું થાય ? અમીની આજીજી... સમજાવટ... બધું જ વિફળ ગયું.

અમીની ગૌર ત્વચા... સુંદર શરીર... તેના રોષના નિશાન બન્યાં.

‘બસ... નીકળી જા, ઘરમાંથી ચાલી જા. પેલો તારી રાહ જોતો હશે !’

આ શબ્દો બોલાયાં, પડઘાયાં - અનેક વાર.

અનુરાગે ભાન ભૂલેલાં મિત્રને સમજાવવા અનેક કોશિશો કરી પણ બધું જ વ્યર્થ.

અંતે અનુરાગે ગામ છોડી દીધું, સાથ છોડી દીધો.

અને એક વાર... અમી પણ ચાલી ગઈ.

હવે તેને કોઈ રોકવાવાળું, ટોકવાવાળું નહોતું. વિશાળ મકાનમાં તે એકલો ફર્યા કરતો.

‘ના, એ તો નહીં જ...’ એ જીદ તેના રોમેરોમમાં વ્યાપી ગઈ.

સહાયમાં રમાબાઈ આવી. રસોઈ માટે બીજી બાઈ આવી અને પૈસા હતા ત્યાં સુધી ત્રીજી બાઈ પણ આવી.

‘આપી દઈશ... તેને ડાઇવોર્સ જોઈતા હશે તો...!’ તેણે મન બનાવી લીધું - એ માટે.

પછી રઝળપાટો શરૂ થઈ. સ્થળે સ્થળે ફર્યો. પેલી ત્રીજી તો તેને છોડીને ચાલી ગઈ હતી. ખાલી હાથે નહોતી ગઈ.

ના, વિશાળ ઘરમાં હવે ગમતું નહોતું.

રાતોની રાત વાંચ્યા કરતો, ગમે તેવા પુસ્તકો.

એક વાર તો રમાબાઈએ તેને ટોક્યો હતો : ‘શેઠ, એમને બોલાવી લો.’

તેણે કશો પ્રત્યુત્તર વાળ્યો નહોતો. એક વિચાર જરૂર આવ્યો હતો કે તે ક્યાં હશે.

ખરેખર... તે અમી વિશે કશું જાણતો નહોતો, જાણવા માટે કશો પ્રયત્ન જ ક્યાં કર્યો હતો ?

તેને એ જરૂરી નહોતું લાગ્યું. નફરતની ધાર હજી એવી ને એવી તીક્ષ્ણ હતી.

વિક્રમે ડાયરી ખોલી, ડૉક્ટર ગાર્ગી દેસાઈનો ફોન નંબર શોધવા. થયું - આંખો તપાસાવી જ લઉં. આમ વાંચ્યા વગર તો કેમ ચાલે ?

પણ એ નંબર જ વંચાયો નહીં. તે હતાશ થઈ ગયો. અમીને યાદ સાદ પાડવા જતો હતો ત્યાં જ... અટકી ગયો.

કેવી આદત પડી ગઈ હતી અમીની ?

તેને માલતીની યાદ આવી, તે હવે ફરસ ધઈ રહી હતી.

‘તું ભણી છે, માલતી ? ઓહ ! રાત્રીશાળામાં જાય છે. વાહ... સરસ !’

અને માલતીની સહાયથી તેણે ડૉક્ટર સાથે વાત કરી, તકલીફ જણાવી.

‘આવી જાવ... આજે જ.’ સામે છેડેથી લાગણીભર્યો સધિયારો મળ્યો.

‘બસ... જોઈ લઈએ. શું કરે છે, તમારા મિસીસ...? શું નામ એમનું ? હા, અમી... વેરી ગુડ લેડી !’

ગાર્ગીએ વાત પૂરી કરી.

એ સાંજે ગાર્ગી દેસાઈએ ચિંતાભર્યા સ્વરે કહ્યું : ‘વિક્રમ શાહ, વિઝન ઓછું થતું જાય છે.’

ઉપચારો શરૂ થયા. અકળાઈ ગયો વિક્રમ. એલકતા ખૂંચી તેમ છતાં પણ અમી પ્રત્યિનો પૂર્વગ્રહ જરા પણ ઓછો ના થયો.

માલતી સાથે થોડી વાતો કરી લેતો હતો, હસી લેતો હતો. રસોઈ કરનાર બેન તો મોટી ઉંમરના હતા. તે ભાગ્યે જ કશી વાતચીત કરતા. એ ભલા, એમનું કામ ભલું. બહાર જવાનું દિલ નહોતું થતું. હજુ પણ કોઈ પરિચિત વ્યક્તિ મળતી ત્યારે અમીની જ વાતો કરતી. ઓહ ! શું હતી અમી આખરે ? ધોળી ત્વચામાં ઢંકાયેલું એક શરીર ! તેને કેટલાં સાથે સંબંધો હશે ? કેટલાં લોકો માત્ર તેને જ યાદ કરતાં હતાં ! વહેતી નદીમાં તો સહુ કોઈ...

તેનું મન કટુતાથી ભરાઈ ગયું. જે ફોન કરવા હોય એ તો તે માલતીની સહાયથી કરી લેતો હતો. એ સિવાયના સમયે સંપૂર્ણ અસહાય બની જતો હતો. સમય સમય પર આંખોમાં ડ્રોપ નાખવાનું પણ યાદ નહોતું રહેતું.

બસ, એક કામ થતું હતું. સતત ઓસરતી જતી દૃષ્ટિની ચિંતા કરવાનું. આંખો જશે તો નહીં ? એ હાઉ સતત લટકતો હતો તેના ચહેરા પર. બૅન્કનો વિથડ્રોઅલ ચેક કોઈ પાડોશી પાસે લખાવતો હતો અને અટકળે કોરી જગ્યા પર સહી કરતો હતો.

આ તો અંશતઃ અંધાપો જ હતો ને ! તે થથરી જતો.

‘સાહેબ... તમને આટલું પણ ઉકલતું નથી ? ચશ્માના કાચ બદલાવી નાખો. મારી મોટીમાએ પણ એમ જ કર્યું હતું. પછી તો કીર્તન પણ વાંચી શકતા હતા.’

માલતીને થોડી ગમ્મત થતી હતી. આટલો મોટો માણસ તેની સહાય વિના કોઈને ફોન કરી શકતો નહોતો.

વિક્રમે બીજા ડૉક્ટરનો આશરો લીધો. ત્રીજાનું શરણું લીધું. બસ એક જ જવાબ - અંધાપો આવી રહ્યો કે, ધીમી ગતિએ. ઉપાયો તો કરવા જ. ક્યારેક ચમત્કાર પણ બની શકે.

અકળાઈ ગયો વિક્રમ. બૅન્ક બેલેન્સ પૂછી જોયું, કારકુન પાસે. આમાંથી કશું વેડફાય તેમ નહોતું.

આખી જિંદગી પડી હતી સામે. પણ આંખો જ નહીં હોય તો ? કશો અર્થ હતો. આ આંધળી અર્થહીન જિંદગીનો ?

તેને અનેક સ્ત્રી-પુરુષો યાદ આવી ગયાં, જે આંધળાં હતાં.

સંગીતશિક્ષક બટુકભાઈ પરમાર, બંગલા પાસે છાપાઓ વેચતો અંધ ફેરિયો, ગામની શાળા પાસે... બેસી રહેતી અંધ વૃદ્ધા.

શું તે પણ... એ ટોળામાં ભળી જશે ? શું કહ્યું હતું - તે ધીમે ધીમે અંધત્વમાં સરકી રહ્યો હતો !

રાતે ક્યારેક લાઈટ બંધ પડી જતી ત્યારે તે કેટલો વિવશ બની જતો હતો ? પરિચિત મકાનમાં, પરિચિત રસ્તાઓ વચ્ચે જ અટવાઈ જતો હતો !

વળી બીજા તજજ્ઞોનું શરણું ગ્રહણ કર્યું. પરિણામ એ જ.

‘મિ. વિક્રમ વેદ... નો વે. તમે એ દિશામાં જ.... જાવ છો. તમારી આંખોની નબળાઈ... થોડી જન્મજાત છે, થોડી બેદરકારી... ને કારણે. પણ તમે નકામા ગભરાવ

છો ? ડોનેટ થયેલી આંખો બેસાડી શક્ય છે. તમે કાંઈ બધી જ ટ્રેનો ચૂકી ગયા નથી.’

તેણે ચક્ષુદાન વિશે સાંભળ્યું તો હતું પણ વધુ વિચાર્યું નહોતું. દુનિયામાં બનતી ઘટનાઓ પ્રતિ અલગપણું જાળવ્યું હતું.

પણ... ના, હવે તે આ ચક્ષુદાન વિશે બધું જ જાણતો હતો. અંધાપાને રોકવા પ્રતિની એ એક શુભ ચેષ્ટા હતી. ચક્ષુદાનથી બે વ્યક્તિઓને દૃષ્ટિ મળવાની હતી.

તે હળવાશ અનુભવવા લાગ્યો. હવે જિંદગી જીવી શકાશે. ઝીણાં અક્ષરો પણ વાંચી શકાશે, ચેક કે કશું લખી શકાશે. તેને વાંચનનો ઘણો શોખ હતો એ પણ મર્યાદામાં સંતોષી શકાશે.

તેણે તો માલતીને પણ પૂછ્યું : ‘તને ખબર છે ચક્ષુદાન વિશે ?’ પેલી તો ચક્ષુ વિશે પણ ક્યાં પૂરું જાણતી હતી ?

તેની આંખો કાળી અને ચમકતી હતી. તે એ આંખો જોયા કરતો ને પેલી છોકરી શરમાઈ જતી.

બીજી સવારે માલતીએ તેને કહ્યું : ‘સાહેબ... મારાં મોટીબા કહેતા હતા કે એમની આંખોય સરસ હતી...!’

‘કોની...?’ તેણે ટેવવશ પૂછી નાખ્યું.

‘અમીબેનની...’ પેલીએ દીવાલ પર સાવરણી ફેરવતાં કહ્યું હતું. અને તે ભડકી ગયો હતો. આ બેવફા સ્ત્રી કેમ વારંવાર આવી જતી હતી, તેની જિંદગીમાં. સાવ ચરિત્રહીન!

શું તેને એના પુરાવા મળ્યા હતા ? કશું નજરોનજર જોયું હતું ? તેની નજર અતીત પર ફરી વળી. ના, એવું તો કશું... પાછું મન મૂળ સ્થિતિમાં આવી ગયું.

પણ... તે કાંઈ પુરાવા રાખતી હશે ? છળના પુરાવા રાખે ખરી ? પરણી હતી જ મારી સંપત્તિ માટે. બાકી તો..... પ્રેમ પેલાને કરતી હતી. અરે, કોને કોને નહીં કરતી હોય ?

આ આંખોનું પતી જાય ને પછી... તપાસ કરું તેની...! જોઈ લઉં તેની અવદશાને. અવદશા જ થાય ને ! શું હોય... બીજું ?

થોડો સમય... આ ગડમથલમાં પસાર થયો. અને એક દિવસે... પાસેના નગરમાં જઈને હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો. હૉસ્પિટલથી જ ફોન આવ્યો હતો. મિ. વિક્રમ... આવી જાવ. ડૉનેટ થયેલી આંખો આવી છે. તમારી વ્યવસ્થા થઈ જશે.

અને તે પહોંચી ગયો.

ત્યાં જાંચ-તપાસ થઈ તેની આંખોની. ચર્ચાઓ થઈ ડૉક્ટરો વચ્ચે. દિવસ નક્કી થયો આંખોના પ્રત્યારોપણનો.

તેના વોર્ડની ભીંતોનો રંગ લીલો હતો. બારીની બહાર પણ વનરાજી હતી. સફેદ વસ્ત્રો પહેરેલી નર્સો આમતેમ ફરી રહી હતી - પતંગિયાં સરખી. આખો માહોલ બદલાઈ ગયો હતો. એક નર્સે તેને પૂછ્યું હતું : ‘અંકલ, કોઈ નથી તમારી સાથે ? એકલાં જ...’ અને તેને ત્યારે અમી યાદ આવી હતી. તે હોત તો સાથે ?

નિયત સમયે... તે ઑપરેશન ટેબલ પર હતો.

તેની ડાબી આંખમાં પ્રત્યારોપણ કરવાનું હતું.

તેણે ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર... મને ડૉનરનું નામ જાણવા મળશે ?’

ડૉક્ટર હસ્યાં. લગભગ દરેક પ્રત્યારોપણમાં તેમને આ પ્રશ્ન અવશ્ય પુછાતો.

‘આમ તો ન કહેવાય પણ હું તમને કહીશ - આવતી કાલે !’

આટોપાઈ ગયું ઓપરેશન. સમય પડખું ફરી ગયો હોય તેમ લાગ્યું વિક્રમને.

રાતના આરામમાં અવનવાં વિચારો આવ્યા. અમીના વિચારો તો ખાસ. શું આ સંબંધો ઋણાનુબંધ હશે ? તે કેટલો પ્રેમ કરતી હતી ?

બનાવટી પ્રેમમાં આટલો ઉમળકો હોય, આટલી નિખાલસતા હોય ?

શું હું તેને ખોટી રીતે સમજ્યો હતો ?

પરોઢ સુધીમાં તો માનસ-પરિવર્તન થઈ ગયું. હવે આ દૃષ્ટિનું દાન મળ્યું છે તો દિશા બદલી નાખીશ, મારી મનની દૃષ્ટિની.

તેને ચક્ષુદાન જ નહોતું મળ્યું, મનને દિશા પણ મળી હતી.

‘બસ... હવે શોધી કાઢીશ, મારી અમીને. ક્ષમા માગી લઈશ એની.’

સવારે ડૉક્ટરે તેની આંખ તપાસી, સંતોષ જાહેર કર્યો. થોડી સૂચનાઓ આપી. અને એ પછી તેમણે અંતિમ વાત કરી. ‘વિક્રમભાઈ... તમે પૂછતા હતા, ડૉનર વિશે ? અમારા સ્ટાફની એક નર્સ હતી, અમીબેન વેદ. તમારી જ સરનેમ. ગયા શનિવારે જ અકસ્માતમાં... ગુજરી ગયા. ખૂબ સાલસ... ખૂબ સુંદર... અને એય પાછાં એકલાં.’

બસ, આ એમની જ ડાબી આંખ... તમને...’

વિક્રમ કશું જ બોલી ન શક્યો. કળ વળી ત્યારે એટલું જ બોલ્યો, ‘તો.... તો... આ અમીદૃષ્ટિ...!’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED