Sati Sonalde Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

Sati Sonalde

સતી સોનલદે

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સતી સોનલદે

તમે જોયો આ ગોખ, આ સતીમાનો રંગીન ફોટો ? બહુ સાચ છે સતીમાનું. બેડો પાર થઈ જાય. સતીમાના આશીરવાદથી.

એક દિવસે ખૂબ લાગી આવ્યું હતું, વીસ વર્ષની સોનલદેને. આવી ક્રૂર મજાક ? તેની ત્રણ વર્ષની કૉલેજ કારકિર્દીમાં નાનીમોટી મજાકો તો થતી જ હતી પણ આ તો કઠોર મજાક હતી.

કૉલેજની પરસાળમાં આંતરીને એક શાલીન યુવકે તેને સંબોધી હતી. મિસ... તે જરા રોકાઈ હતી.

‘મિસ... તમારો કંઠ સરસ હોવો જોઈએ. મારું અનુમાન સાચું જ છે ને ?’ તે સરસ રીતે બોલ્યો હતો. તેની સાથે ચારપાંચ યુવકો પણ હતા. બે-ત્રણ યુવતીઓ પણ ખરી, રૂમાલ વતી સ્મિત દબાવતી...!

તે છોભીલી પડી ગઈ હતી. રડી જ પડત પણ સોનલદેએ માંડ માંડ આંસુ રોકી રાખ્યાં હતાં.

દરવાજા પરથી જે બસ મળી, એમાં ચડી ગઈ હતી. અને ઘરે જઈને એકાંત શોધીને રડી લીધું હતું.

શો આનંદ આવતો હશે એ લોકોને - આવી ક્રૂર મજાકથી ? શું તેનો કાલો રંગ, મજાકની બાબત હતી ? આ તો કુદરતી હતું.

માતા-પિતાના જીન્સનું પરિણામ !

તેની ખુદ માતા પણ સહજતાથી કહેતી - ‘મારી યામિની તો મારા પર ગઈ છે. કેવી રૂપાળી છે ! એય ચાટીને લૈ લેશે.’

વાત નાનીની થતી અને વેદના મોટી - સોનલદેને - તેને ખૂણો શોધીને સંતાઈ જવાનો વારો આવતો.

સમજણ નહોતી ત્યારે તો તેને જ દોષ દેખાતો. હું આવી છું એટલે જ સહુ કહે છે ને ?

પણ પછી થાતું કે આ ક્યાં તેનો દોષ હતો. તેના પિતા તેના જેવા જ...

અંતર્મુખી બની ગઈ સોનલદે. પુસ્તકોની દુનિયામાં ડૂબી ગઈ. આ જનમમાં તો તેણે આ કાળી ત્વચા સાથે જ જીવવાનું હતું. એ કાંઈ બદલાવાની નહોતી, તે કાંઈ યામિની બની શકવાની નહોતી.

જાત ઢાંકીને પણ રડી શકવાની નહોતી.

એક વાર તો તેણે યામિનીને પણ કહી દીધું હતું.

‘મને આ ત્વચા મળી છે એથી હું કાંઈ ઊતરતી કક્ષાની નથી. આ ત્વચા નીચેનું લોહી તો લાલ જ છે.’

‘પણ બેન... આપણને જોવા આવનાર છોકરો તો આ ત્વાચ જ જોવાનો.’ યામિની જવાબ વાળતી.

અને સોનલદેને પણ લગ્નના વિચારો આવી જતા. સુખના વિચારો આવી જતા. પુરુષના વિચારો આવી જતા.

શું નહીં હોય, તેના ભાગ્યમાં કોઈ પુરુષ, કે જે તેની ત્વચા સાથે તેનેય પ્રેમ કરે? અરે, ત્વચાને ભૂલીને તેને પ્રેમ કરે ? શું આ ત્વચાને પ્રેમ ના કરી શકાય ? આલિંગન, ચુંબન, સ્પર્શ... અરે, બધો જ પ્રેમ માત્ર ત્વચાને જ કરવાનો ?

સોનલદે હચમચી જતી એ સમયે.

અભ્યાસના વિષયોમાં ખાસ ઝળકી શકતી નહોતી પરંતુ... જ્ઞાનના વિષયોમાં ખૂંપી જતી હતી.

યામિનીય કહેતી બેન, મૂકને આ થોથાં. ક્યાં કશા કામમાં... આવવાનાં છે ? નકામી આંખો ફોડશ ! ક્યાંક વળી ચશ્માં આવશે તો...

તે વાક્ય અધૂરું મૂકી દેતી હતી, સોનલદેને... ખ્યાલ આવી જાય તે ક્યાં પહોંચવા માગતી હતી.

‘સારું છે, તે અટકી જાય છે. દયા એની, બાકી કોણ... છોડતાં હતાં, એ જગ્યઓ?

સોનલદે મન વાળતી, હસી લેતી.

પણ ક્યારેક એકાંતમાં તેનું હૈયું ભડભડ બળી જતું, મન વાળવાની ક્ષમતાની પણ મર્યાદા હોય ને ?

સમય જતાં એક નવું ઉમેરણ થયું હતું. આવી ઘટનાઓમાં.

‘સુનંદા... ડાહી થઈને આ યામિનીને ક્યાંક મોકલી દેજે. અરે, મારા ઘરે... રવાના કરી દેજે ને.’

કોઈ સ્ત્રીને તેની મમ્મીને આવી શિખામણ આપતી તેણે સાંભળી હતી. મમ્મીએ હકારમાં સંકેત કર્યો હતો.

એ સાંજે સોનલદેને બધું સમજાઈ ગયું હતું.

કોઈ છોકરો... તેને જોવા આવ્યો હતો, તેના પરિવારનાં સભ્યો સાથે. તેને બરાબર સજાવી હતી. સૂચનાઓની ઝડી વરસી હતી. આમ કરવાનું, આમ નહીં કરવાનું. સાડીનો પાલવ સરી ના જાય... ચાલ પણ એવી ના લાગવી જોઈએ કે એ લોકોને... એમ લાગે કે છોકરી...

તે થોડી અકળાઈ જરૂર પણ તેનેય હરખ હતો ને કોઈનો સંસાર માંડવાનો ! ઘરમાં ખુશીનો માહોલ હતો.

તેણે જોયું કે યામિની ઘરમાં નહોતી.

બેત્રણ દિવસોમાં એ માહોલ બદલાઈ ગયો હતો.

લો,... બેનના નસીબ જ ભમરાળા. યામિની હોત તો ગમી જ ગઈ હોત એ લોકોને.

લમણામાં ઝીકાયું હતું એ વાક્ય.

અને સોનલદે નવેસરથી હલબલી ગઈ હતી. એ પછી તો આ ક્રમ ચાલ્યો હતો - તે છેક હતાશ થઈ ગઈ ત્યાં સુધી. દર વખતે યામિનીની પ્રશંસા થતી હતી અને એ જ ધ્રુવવાક્ય ઉચ્ચારાતું હતું કે જો યામિની હોત તો...

તેના શ્યામ રંગની ચર્ચા પણ થતી હતી.

એક રાત તેણે દબાતા સ્વરમાં થતી વાતચીત સાંભળી હતી. ‘શું કરવું છે ? મોટીને વાંકે નાની નાહક રહી જાય છે.’ સુનંદાબેન કહેતાં હતાં. તેમના સ્વરમાં થડકો હતો.

‘મનેય ચિંતા થાય છે...’ પુરુષસ્વર અનુસર્યો હતો.

‘લાગે છે કે સોનલદેના ગ્રહો જ નથી...’

‘હા, પણ યામિની પણ... ભણ્યા પછી એક વર્ષથી બેઠી છે...’

‘તો પછી એનુંય નહીં થાય... બે વરસ પછી... આપણે એનું જ કરી નાખીએ તો...?’

‘મોટીનું પણ જોતા રહેશું. ક્યાંક આછું પાતળું... મળી પણ જાય...’

‘પણ... લોક શુ ંકહે ?’

‘હવે બહુ ના વિચારાય. એમાં ને એમાં તો યામુ... રહી જાય.’

‘અરે, એનું તો કાચી કલાકમાં થઈ જાય. રૂપ અને નમણાશમાં સહેજેય કેવાપણું છે ?’

અને એમ જ થયું. યામિનીનું પહેલે ધડાકે જ. ઈડરીઓ ગઢ જીતાઈ ગયો !

ખુશખુશાલ થઈ ગયું આખું ઘર. થોડા આશ્વાસનો ફેંકાવા લાગ્યાં, સોનલદે તરફ.

‘એકનું નક્કી થાય પછી... શરૂ થઈ જાય. હવે જોજો... આનંય હમણાં જ થઈ ગયું સમજો.’

‘લગ્ન તો બેનયા સાથે જ. એક માંડવામાં બેય...’

પણ એમાંનું કશું ના થયું. હવે તો કોઈ પૃચ્છાય ક્યાં કરતું હતું ?

શું કહો છો ? તમારે હજી મોટી બાકી છે ? એવા પ્રશ્નો પુછાવા લાગ્યા.

સોનલદે વલોવાવા લાગી, કરમાવા લાગી. યામિનીને તો પત્રોય આવવા લાગ્યા. સોનલદેના પલંગ પર સૂતી સૂતી યામિની એ વાંચ્યા કરતી, મલકાયા કરતી, હૃદય સાથે ચાંપ્યા કરતી અને ઉત્તરોય આપ્યા કરતી.

અલિપ્ત રહેવું હોય તોપણ કેવી રીતે રહી શકે ? હવે તેને તેના પ્રિય શોખ વાચનમાંથી મન ઊઠી ગયું હતું. કેટલી બુદ્ધિશાળી હતી તે ? કેટલું જ્ઞાન મેળવ્યું હતું, તેના આ શોખમાંથી ? કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપે તો... જરૂર એકથી દશ નંબરમાં જ આવે, એટલો આત્મવિશ્વાસ હતો.

અને પત્ર લખવાનો આવે તો કેવો પત્ર લખે ? તે કલપનમાં ચડી જતી હતી ? લિખિતંગ સુધીનો પત્ર વિચારી જતી હતી. શું લખે ? કેવું લખે ? પત્રમાં ઠળવાઈ જ જાય ! સંબોધનેય કેવું રસિક કરે, વિશિષ્ટ કરે... કે પેલો...

પણ... એ કોણ ? શું નામ, ઠામ... સરનામું ? ઓહ ! ક્યાં કશું જ હતું તેની પાસે - ઠલવાવા માટે પ્રેમ કરવા માટે ?

‘નથી માનતા એ લોકો... કહે છે કે...’ એવાં વાક્યો વહેલા લાગ્યાં ઘરની હવામાં.

‘તો પછી કરી નાખીએ, નાનીના લગન, વેવાઈને કેટલા સમજાવવા ? મોટીનું પછી જોયું જશે... એનાય ભગવાન તો હશે જ ને ?

થઈ રહેશે. બસ... કરો તૈયારી શરૂ, અને બધું જ સારું જ કરવું પડશે.

એ લોકોને ખૂબ હોંશ છે. થોડું ખેંચાઈને પણ...! કેટલી ભોંઠપ અનુભવતી હતી - સોનલદે ?

અરે, આરસીમાં નજર પણ નાખતી નહોતી અને ઘરના અન્ય વ્યક્તિઓ પર પણ.

અલી છોકરી, કોઈ પુરુષ જ ના મળ્યો, તને પસંદ કરવાવાળો ? વિડંબણા તો એ કે શ્યામ રંગના કુરૂપોય ના પાડી દીધી !

ઓહ ! મારી ત્વચા, શું બગાડ્યું મેં તારું ?

અને હવે તો એની શ્યામ ત્વચા પર એક તરસ રઝળએ છે - પુરુષ સ્પર્શની. આમ ને આમ તો પીંખાઈ જશે મારું સમગ્રત્વ, સ્ત્રીત્વ - ઠલવાયા વિનાનું - અખંડ-અબોટ !

આ વલોપાત... રણમાં વરસતા વરસાદ જેવો હતો. કશો અર્થ જ સરવાનો નહોતો.

એક વેળાએ તો સુનંદાબેને સાવ સહજ થઈને કહી જ નાખ્યું હતું : ‘અમારી સોનલદે મૂળથી જ આસ્થાવાળી. વાંચ્યા કરે ધર્મગ્રંથો. સંસાર માંડવાની ઇચ્છા જ નહીં ને ! આ તો આપણે કહીએ એટલે પરાણે... જોતરાઈ - આ બધાંમાં !’

ચકિત થઈ ગઈ હતી સોનલદે. શું તે આવી હતી ?

મમ્મી કદાચ લજ્જાસ્પદ સ્થિતિથી બચવા આમ કરતી હશે. તેને વિચાર આવ્યો હતો. તેને તો થતું તો હશે જ, તેની દીકરી માટે, પણ સમાજમાં પણ હસતા મોંએ રહેવું પડે ને ?

લાચારી વિસ્તરતી હતી.

યામિની તો સાતમા આસમાનમાં વિહરતી હતી. તે તેની તૈયારીમાં પડી હતી. કેટલાં કામો આટોપવાનાં હતાં ? આ કાંઈ નાનોસૂનો અવસર નહોતો. એક સ્ત્રીની જિંદગીનો ?

મકાનની ભીંતો ધોળાવવાનું કાર્ય ઝડપથી ચાલતું હતું. કોને બોલાવવા, જમણમાં શું આપવું - એની ચર્ચા ચાલતી હતી.

યામિની માટેની ખરીદી.. પણ મહત્ત્વની બાબત હતી.

પરિવારનાં બધાં જ સભ્યો કામમાં પ્રવૃત્ત હતાં. એમ લાગતું હતું કે દિવસના કલાકો ઓછા પડતા હતા.

પણ આમાં સોનલદે ક્યાં હતી ? હાંસિયાામં પડી હતી. કોઈ તેને પૂછતું એમ નહીં પણ એ બધી કેવળ ઔપચારિકતા બની રહેતી હતી.

તને ગમે છે આ સાડી ? સરસ છે ને ? પહેલી જ નજરે મને ગમી ગઈ. અને વિસ્મયને પણ આ રંગ ગમે છે. ફોન પર વાત થઈ ગઈ. કાલે રાતે જ - તને ખબર છે ને કે વિસ્મય કેટલો પઝેસીવ છે ? ભૈ... મારે તો બધુંય તેને પૂછીને જ....

અને સોનલદે તરત જ ગબડી પડતી હતી, સાતમે પગથિયેથી.

તેના મનમાં એક વિદ્રોહ જાગ્યો હતો. તેણે તેની જાતનેય ઠપકો આપ્યો હતો. શો અર્થ હતો આ જીવવાનો ?

એક નબળી ક્ષણે, તેની દૃષ્ટિ ઘર નોકર દગડુ પર ઠરી હતી. શા માટે... તેને જ... સાધવો નહીં ? બુદ્ધિ હારી હતી. મન જીતતું હતું. મન પર પુરુષભૂખ સવાર થઈ ગઈ હતી.

યામિની જે પામવા જઈ રહી હતી એ પહેલાં તે શા માટે ન પામે ? મનુષ્યની સહજભૂખ જ હતી આ.

શું ખોટો દગડુ ? આજ્ઞાંકિત હતો, પુરુષ જેવો પુરુષ હતો.

બધી જ હિંમત ભેગી કરીને એક એકાંત સાંજે અગાસી પર બોલાવ્યો એ દગડુને. અને અચાનક વળગી પડી એ પુરુષને. દગડુના થથરતા હાથ પછી મજબૂત થયા. એક સમજ વિકસી ગઈ એ બંને વચ્ચે. ગમ્યો એ પ્રથમ સ્પર્શનો સંવાદ.

‘દગડુ... આપણી વચ્ચે જ આ વાત રહેવી જોઈએ.’ સંમતિ સધાઈ ગઈ - એક બે પળમાં જ. ના... બધું જ સલામત હતું. સહુ ખરીદી કરવા ગયા હતા. સોનલદેને બત્રીસે કોઠે ઝળહળતાં સૂરજ ઊગ્યા હતા, એ રાતે.

યામિની પણ જાગતી હતી. તે પણ જાગતી હતી. જાગરણ જાગરણ વચ્ચે ખાસ્સો ફરક હતો.

યામિની એ આવું નહીં કર્યું હોય - વિસ્મય સાથે ? કર્યું જ હશે ને ? દગડુ જેવી જ ભીંસ હશે - વિસ્મયની ! એવી જ ગંધ... એવો જ સ્વાદ...

પણ ત્રીજે જ દિવસે યામિનીએ તેને પકડી પાડી હતી.

‘બેન... તમે ?’ તે બોલી હતી.

‘હા... કાંઈ ખોટું છે ? મારે મારું સુખ તો મેળવવું ને ?’ તેણે ઉત્તર વાળ્યો હતો, સાવ નિર્ભય બનીને.

‘બેન... મને શરમ આવે છે - તમારા આ...!’

સોનલદે રડી પડી હતી. બીજી સવારે દગડુ ઘરમાં ન હતો.

યામિનીએ તેના લગ્ન પછી એક વાત સાંભળી હતી, સખી દ્વારા. ‘યામિની... સોનલદેને તો શરીરમાંથી સત પ્રગટે છે. જાણે સાક્ષાત્‌... ધૂણે છે કાંઈ ! એમનું શરીર...! ભાગ્ય છે તમારા પરિવારનું !’ આંખો ભીની થઈ ગઈ યામિની, સોનલદે પ્રતિની કરુણાથી.

યામિની કશું કરી શકે તેમ નહોતી. તેને હવે બેન સમજાતી હતી.

સુનંદાબેનનો પત્ર તેને મળ્યો. યામિની, મોટી તો સાક્ષાત્‌...! શું તેજ પ્રગટે છે તેના શરીરમાંથી એ સમયે ? અને જવાબોય આફે છે. આપણા પ્રશ્નોના આપે જ ને ? તે તો વિરલ છે. ખૂબ ધૂણે છે... અને છેવટે રડી પડે છે !

યામિની ફરી રડી હતી.

બહુ સાચ છે સતી સોનલદેનું. સતીમા અત્યારે ક્યાં હશે એની ખબર આપણને તો ક્યાંથી હોય ! આપણે તો પામર... જીવ.

બાકી ભારે સચ સતીમાનું. એય... ઘોડિયાં બંધાય છે... ઘોડિયાં ! છોકરીઓને મુરતિયા મળી જાય છે તેમના દર્શનથી.

આ રહી સતી સોનલદેના પરચાઓની ચોપડી !

(સાંપ્રત)