Shivagorni Deli books and stories free download online pdf in Gujarati

Shivagorni Deli

શિવાગોરની ડેલી

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


શિવાગોરની ડેલી

શિવાગોરની ખખડધજ ડેલી આજે ખખડી હતી. ઘેરો સૂનકાર હતો ઘરમાં. ઘરમાં માણસો તો હતા, પણ હલતાચાલતા પડછાયા જેવા. રામજી મંદિરમાં સાયંઆરતી આટોપીને આવેલા શિવાગોર, કાયમની ટેવ મુજબ આરામખુરશી પર જાત સંકોચીને બેસી ગયા હતા. પત્ની ચંચળ, તુલસીક્યારામાં દીપ પ્રગટાવતી હતી.

અને ત્રીસ વરસની બંસરી પરસાળની એક થાંભલીને વળગીને બેઠી હતી જાણે ! સાવ ગોટમોટ, એક ચીજની માફક જ. તેની શૂન્યતા અને ઢળતી સાંજની શૂન્યતા બંને જાણે એકરસ બની જતાં હતાં !

હવે તો તેનું રૂપ પણ ક્યાં રહ્યું હતું ?

લોકો કહેતા : ‘આ મોટી તો સાવ સુકાઈ ગઈ બિચારી. કેવી રૂપાળી અને નમણી હતી !’

અને પછી ઊંડો નિશ્વાસ મૂકતા.

આ સાંભળીને બંસરી વિહ્‌વળ થઈ જતી. તેની આંખો સામે અતીત ઊભરાવા લાગતો.

તે બરાબર વીસની હતી ત્યારે પ્રેમલ તેને જોવા આવ્યો હતો. તે આખેઆખી ઝણઝણી ઊઠી હતી. બે વરસ નાની રાધાએ તો રીતસર તેની મજાકો માંડી હતી.

આગલી રાતે તે જાગતી રહી હતી. એક રાતમાં કેટલું પરિવર્તન આવી ગયું હતું. તે મુગ્ધામાંથી અચાનક સ્ત્રી બની ગઈ હતી. તેણે સવારે અરીસામાં ઝાંક્યું હતું અને તેને એક ઓળખાણ ન પડે તેવી સ્ત્રી જોવા મળી હતી.

ચંચળે બંસરીને તૈયાર કરી હતી. સાથોસાથ બોલી પણ હતી, ‘આમ તો આપણા ઘરમાં શું કે’વાનું છે ! અને તારામાંય શી મણા છે ! રાજી થઈને તને સ્વીકારી લેશે.’

વાતેય સાચી હતી. શિવાગોરનો ચંદ્ર સોળેય કળા ખીલ્યો હતો. જાહોજલાલીનો પાર નહોતો. સાંજના સમયે શિવાગોરની ડેલી સાંકડી પડે. કેટલા લોકો આવે મળવા ?

ગોરને બરાબર યાદ હતું કે આ બધું આ નાનકીના જન્મ પછી. એને પગલે ઘર અભરે ભરાયું, સાખ વધી, માનપાન વધ્યાં.

બાકી મોટી આવી ત્યારે તો ઘરના ચારેય ખૂણા સરખા હતા. શિવાગોર પરસાળમાં... હરે-હરે કરતા લાચારીથી નતમસ્તક બેઠા હતા. એ પ્રસંગે ભલા પાડોશીએ દયા જાણીને પાર પાડ્યો હતો. ચંચળ તો શરમની મારી અધમૂઈ થઈ ગઈ હતી.

‘મૂઈ... રૂપેય એવું લઈને આવી છે કે ચિંતા થાય. એનેય પાર તો પાડવી જ પડશેને !’

શારીરિક પીડામાં ચિંતા ઉમેરાઈ હતી.

આ બંસરી નામ પણ કોઈ પાડોશીએ જ પાડ્યું હતું.

‘લેવો તોને જનમ કોઈ મેડીવાળાને ત્યાં’ ગોરાણીનું વાક્ય અવારનવાર સંભળાતું-સ્વગત બોલતાં હોય તેમ.

જેમતેમ સંસારનું ગાડું ચાલતું હતું પણ આ રાધલી આવવાની હતી ત્યારે તો ગોરને કમાણીનો પાર ના રહ્યો.

ક્યાંથી આવવા માંડ્યું હતું આ બધું ? અધધધ થઈ જવાયું ગોરથી. નસીબ આડેથી પાંદડું ખસી ગયું.

પછી તો ગોર જ બદલાઈ ગયા. બસ... કામ-કામ ને કામ અને પાછળ પાછળ સંપત્તિ આવી. જીર્ણ મકાન નવું બની ગયું અને છોગાની મેડી પણ બની. રીતભાત, બોલચાલ અને સમૂળગી જિંદગી બદલાઈ ગઈ.

અને એક વહેમ પણ દૃઢ થયો, ગોરના મનમાં. ‘આ નાની સારાં પગલાંની. એને પગલે જ... આ બધું.’ અને જાણેઅજાણે બેય પુત્રી વચ્ચે તુલના થઈ જતી અને પક્ષપાત પણ.

‘આ રાધલી માટે રાખો. તેને શોભશે. નાનીને કોઈ રડાવશો નહિ. તેને જે જોઈએ તે લાવી આપો. નાની છે હજુ...’

‘બંસરીને તો બધુંય ચાલે. રાધાને નૃત્યનો શોખ છે તો પછી મોકલોને ડાન્સિંગ ક્લાસમાં લઈ લઈને શું લેતો’તો એ ક્લાસવાળો ? સોના કાકા, પણ રાધલી ખુશ રે’વી જોઈએ... શું બંસરીને ક્લાસમાં ? અને, તે તો હવે મોટી થઈ... રસોડુંય સંભાળશે ને પછી.’

‘બંસરી પે’લે નંબરે આવી. સારું સારું... શું થયું રાધલીનું ? તેને કાંઈ કે’તા નૈ. ભલેને ઓછા નંબરે પણ પાસ તો થઈને. આપણે ક્યાં નોકરી કરાવવી છે...?’

બંસરી અકળાઈ જતી આ પક્ષપાતથી. તેને સમજ પડતી હતી પણ કશું વ્યક્ત કરી શકતી નહોતી.

પણ અભાવ તો આવી જતો હતો - માબાપ અને નાની બેન પ્રતિ. જતેદહાડે તે અંતર્મુખ બની ગઈ. પ્રતિકારનો કશો અર્થ નહોતો, અને તેનામાં એટલી હિંમત પણ નહોતી. આદત કેળવી લીધી હતી, બધું જ ચૂપચાપ સ્વીકારી લેવાની.

તેને નૃત્યનો શોખ હતો. તે મેડી પર જઈને બારણું વાસીને અરીસા સામે નૃત્ય કરતી. ખૂબ આનંદ થતો હતો એ સમયે. બધું જ વીસરી જતી.

શિવાગોર નાનીને નૃત્ય ક્લાસ વિશે પૃચ્છા કરતા, રસપૂર્વક વિગતો જાણતા. ક્યારેક વિનોદ પણ કરતા.

‘કાંઈ શીખવાડે છે કે સો પડાવી લે છે ?’

બંસરી ચૂપચાપ આ વાતો સાંભળી લેતી અથવા સરકી જતી.

એથી જ તેને પ્રેમલની વાત ગમી.

માએ કહ્યું હતું :

‘બંસરી, કાલે ક્યાંય જતી નહીં. પ્રેમલ અને તેની મા તને જોવા આવવાના છે...’

બંસરીને સમજ પડી હતી. તે લજ્જા પામી હતી અને હરખાઈ પણ હતી.

‘વાહ... મારે પણ પછી પરણવાનું ? બીજી છોકરીઓ પરણે છે એમ, માંડવામાં. શું નામ કહ્યું ? પ્રેમલ... વાહ, નામ તો સરસ છે. પ્રેમ કરે એ પ્રેમલ. પણ પ્રેમ... ? પેલા મૂવીમાં હીરો કરતો હતો એવું... ! કેટલી શરમ આવે ? અને મજાય પડે...’

તેની આખી દુનિયા બદલાઈ ગઈ.

તેને કોઈ પુરુષનો પરિચય જ નહોતો. રાધા તો તેના સરની વાતો કહ્યા કરતી. સર આમ ડાન્સ શીખવે, આમ કહે... આમ હસે... એક વાર તેણે વળી પૂછ્યું હતું.

‘રાધા... સર તને સ્પર્શે પણ ખરા ?’

‘એવું તો કરવું પડે, મોટી બેન...’ તે લુચ્ચું હસી હતી.

બંસરીને એ રાતે ઊંઘ જ નહોતી આવી.

તેની એક સખીએ તેને ખાનગીમાં પૂછ્યું હતું.

‘બંસરી... અમિત વિશે તારો શો અભિપ્રાય છે ? કેવોક છોકરો ? તારે પરિચય ખરો ?’

અને તે ડઘાઈ ગઈ હતી.

પ્રેમલ આવ્યો. તે પણ સરસ તૈયાર થઈ હતી, ઢીંગલી જેવી. મળ્યા એકાંતમાં પણ. એકમેકને શરમ મૂકીને નીરખી પણ લીધાં.

એ સાંજે ગોળ-ધાણા ખવાઈ ગયા. તે પણ મા સાથે એક વાર પ્રેમલના ઘરે જઈ આવી.

અલપઝલપ મળ્યાં પણ કરાં. હસ્યાં અને બેચાર શબ્દોની આપલે પણ થઈ ગઈ. નવાં દૃશ્યોથી મન ભરાઈ ગયું.

અને પછી... લગ્નની તારીખ નક્કી થઈ.

આખી દુનિયા બદલાઈ ગઈ બંસરીની. આમાં રાધા સામે જોવાનો સમય જ ક્યાં હતો ?

રાધા ? હશે ક્યાંક - સ્કૂલમાં, બેનપણીઓ સાથે, ડાન્સિંગ ક્લાસમાં.

બંસરી ફરી છાનીછપની પ્રેમલને મળી. સેન્ટની શીશી પણ મળી ભેટમાં. તરબતર થઈ ગઈ તે.

‘તૈયારી તો કરવી જ પડે ને. શિવાગોરનો પ્રસંગ છે.’ ગોર ગૌરવથી કહેતા ફરતા હતા.

અને આવા વાતાવરણમાં અચાનક આમ બની ગયું. ગોરાણી પરોઢે વહેલાં ઊઠ્યાં તો ડેલી સાવ ખુલ્લી. ડોકાબારી પવન સાથે ઝોલાં ખાય.

ખબર પડી કે રાધલી જ નથી. ફાળ પડી. શ્વાસ થંભી ગયો. એકાદ કલાકમાં તો આખા ગામને ખબર પડી ગઈ. આવી વાત તો આગની જેમ ફેલાય.

‘કંઈ સાંભળ્યું ? શિવાગોરની રાધલી...’

‘મોટીનાં લગનની તૈયારી કરતા’તા ત્યાં નાનીને ઉતાવળ આવી.’

‘શું નાની ભાગી ગઈ ? અમને એમ કે મોટી...’

આમ જાતજાતની વાતો થવા લાગી. ગામને મોઢે કાંઈ ગરણું બંધાય ?

‘ગોર ગામનું કરતા રહ્યા ને દીકરી તેમનું....’

‘ભાગી તો ગઈ, પણ ઓલા નાચનારા મનસુખા હારે ?’

ગોરની લાખ ટકાની આબરૂ પર તાળું દેવાઈ ગયું.

‘આ... તમે જ એને ફટવી હતી. લો, હવે ફરો ગામમાં દીકરીનં નામ લઈને.’ ચંચળે પણ પતિ પર જ ફિટકાર વરસાવ્યો હતો.

બાકી હતું એ થનારા વેવાઈએ પૂરું કર્યું.

‘ગોર... છોકરાને ઘણું સમજાવ્યો પણ... માનતો જ નથી. તેની ઇચ્છા વિરુદ્ધ કેટલું જવું ? અને આ તો જિંદગીનો સવાલ... અને આપણે ક્યાં પાકું કર્યું છે હજી ?’

નાનીની સજા મોટીને ? ગોર તાજુબ થઈ ગયા.

સમય વર્તીને ગોર ઘણું કરગર્યા પણ કશું વળ્યું નહીં. સમય બદલાય ત્યારે પડછાયો પણ સાથ નથી દેતો એ સાચું પડતું હતું.

બારણાંમાં ઊભેલી બંસરી તો થીજી જ ગઈ. આમ બની શકે ખરું ? અને છતાં બન્યું હતું, ધોળે દિવસે બન્યું હતું.

હવે તેને અને પ્રેમલને કશું જ નહીં ? બસ, ભૂંસી જ નાખવો સદંતર ? પાણી પર લખેલા અક્ષરોની જેમ ?

શું પ્રેમ એમ ઇચ્છતો હશે ? ના, તે પણ મને કેવી રીતે ભૂલી શકે ? મારાં સપનાંઓનું શું ? નાની ભાગી જાય અને મારે વિખેરાઈ જવું ?

‘રાધલીનું પાપ આણે ભોગવવાનું ? એ ક્યાંનો ન્યાય ?’

ચંચળ પણ કલ્પાંત કરતી હતી, પણ એ જ વાસ્તવિકતા હતી. બંસરી મૌન થઈ ગઈ.

એ પછી એ ઘરમાં શૂન્યતા છવાઈ ગઈ. બસ, ત્રણ પડછાયાઓ ફર્યા કરે. ખપ પૂરતી જ વાતચીત. ગામમાં તો જવા જેવું રહ્યું હતું જ ક્યાં ! નાનીની તપાસ કરવામાં પણ કશું બાકી રાખ્યું નહોતું.

અને મોટીને બીજે પરણાવવાની તજવીજ પણ ચાલુ જ રાખી હતી. ગોર થાક્યા નહોતા.

‘ગમે ત્યાં મળી જશે આછુંપાતળું. ખોરડું નબળું હશે તો મદદ પણ કરશું.’ એવા ધ્યેય સાથે મેદાને પડ્યા પણ અંતે વિફળતા મળી.

રાધા યાદ આવતી ત્રણેયને, પણ લાગણીઓ પ્રગટ કરવી નહોતી. કૃશ થઈ ગઈ હતી બંસરી. ઘરની બહાર જવાનું પણ ટાળતી હતી. વરસ પછી વરસ ગુજરતાં હતાં.

બરાબર દસ વરસ પછી આજે અચાનક ડેલી ખખડી હતી. બાઝી ગયેલી શૂન્યતા જરાતરા ખળભળી હતી.

ક્યાં ખખડતી હતી ડેલી હવે આ રીતે ? કોઈ આવતું નહોતું આ તરફ. કોણ હશે ? એ પ્રશ્ન વંચાયો ત્રણેય ચહેરાઓ પર.

ડેલી બીજી વાર ખખડી, અને બંસરી સફાળી જાગી ગઈ. અરે, આ તો... તેનો જ... રણકો.

તેણે દોડીને ડેલી ખોલી. તેની ધારણા સાચી હતી. જરા ઓળખાતાં વાર લાગી પણ તે રાધા જ હતી. થાકેલો, કરમાયેલો ચહેરો, જીર્ણ ચોળાયેલાં વસ્ત્રો, એક હાથમાં પતરાની નાનકડી બૅગ અને બીજા હાથમાં તેડેલી ટેણકી !

હા... તે નાની જ હતી પણ આવી દશામાં ? પરિવર્તન માટે દસ વરસનો ગાળો નાનો ના કહેવાય.

પમ આ તો અવદશા થઈ હતી.

‘નાની...?’ બંસરીથી બોલી જવાયું. કંપ ફરી વળ્યો તેના દેહમાં, પછી આખા ઘરમાં.

ગોરાણી દોડી આવ્યાં ડેલી તરફ. થીજી ગયેલા શિવાગોર આરામખુરશીમાંથી ઊઠ્યા.

મિલનમાં હાસ્ય પણ હતું અને રુદન પણ. પેલી ટેણકી રડી પડી આ બધું જોઈને.

દસ વરસ પછી, ડેલી જાણે કે જીવંત થઈ ! એમાં પ્રાણ આવ્યો. હરખની હેલી ખાંગી થઈ.

પૂર્વગ્રહો એક પળમાં ઓગળી ગયા.

રાધાના ચહેરા પર થાક, ભય, સંકોચ, હતાશા થીજીને પડ્યાં હતાં, એ પણ ઓગળવા લાગ્યાં.

તેને ક્યાં ખાતરી હતી કે તેને અહીં આવકાર મળશે. કેવું ખરાબ આચરણ કરી બેઠી હતી, દસ વરસ પહેલાં ? આ ટેણકી ના હોત તો એણે કદાચ અન્ય માર્ગ પણ સ્વીકાર્યો હોત.

નાની રડી ના શકી. માહોલ જ એવો હતો કે એમાં ગોઠવાતી ગઈ, કોઈ ધક્કો મારી રહ્યું ના હોય એમ.

બંસરીએ માતાને સંકેત કર્યો હતો કે કોઈએ અતીતની વાત ઉખેળવી જ નહીં. બસ... નર્યો ઉષ્માભર્યો આવકાર જ.

ચારચારનાં મનમાં અતીત ઘૂંટાયો અને ધરબાઈ ગયો. અને રાધાના પુનરાગમનનો હરખ છવાઈ ગયો.

‘માડી, મેડી પરથી ઘોડિયું ઊતરાવો. ટેણકીને જરૂર પડશે. શું નામ પાડ્યું છે ? હું તો તેને ટેણકી જ કહીશ. કેવી વહાલી લાગે તેવી છે ? તારી માસી છું... સમજી ? લાવ, એને મારી પાસે. તું જરા સમી થા. અને માડી, આજે રસોઈ હું બનાવીશ.’

બંસરીના મૂંગા સૂરો રણઝણી ઊઠ્યા.

રાધાને ખૂબ સારું લાગ્યું. પરિતાપ પણ થયો. કેટલા પ્રેમાળ લોકો છે આ બધા ?

તેને પણ ખ્યાલ આવી ગયો કે ખોરડું અને માણસો જર્જરિત થઈ ગયાં હતાં. અને મોટી તો પરણી હોય તેમ પણ લાગ્યું નહીં. નહીં પરણી શકી હોય કદાચ. કોઈ પ્રેમલ હતોને ? હું જ નડી હોઈશ મોટીને.

તેને રડવું હતું નિરાંતે. તે બાથરૂમમાં ઘૂસી ગઈ. બધું જ પરિચિત છતાં કેટલું પરાયું લાગતું હતું.

ને નાહીને, રડીને આવી ત્યારે મોટી ટેણકીને હીંચકામાં ઝુલાવતી હતી, આવડે એવું હાલરડું ગાતી હતી.

ઉદાસીના થર ઓગળતા હતા કે બંધાતા હતા, કશી ખબર પડતી નહોતી.

‘લે રાધા... આ તો જંપી ગઈ, લે, બેસ માડી અને બાપુ પાસે. હું ઝટપટ... બે મૂઠી કંસાર... મેલી દઉં. મને ખબર છે, તને ભાવે છે.’

બંસરીને જાણે વાચા ફૂટી હતી. આટલો આનંદ ? દસ વર્ષનું સાટું વાળતી હતી જાણે ! ચંચળને લાગ્યું કે બંસરીને કશું ના થાય તો સારું. આટલો પ્રેમ સંઘરીને બેઠી હતી નાની માટે ? લોહીનો સંબંધ એ આનું નામ !

રાત પડે પછી તો જંપવું પડેને ?

પહેલાંની જેમ જ પથારીઓ પડી. અંદરના ખંડમાં બેય બહેનો, ટેણકી... તેનું ઘોડિયું.

બરાબર બારણા વચ્ચે ચંચળ અને પરસાળમાં શિવાગોર. અચાનક આવી પડેલ સુખે ચંચળને શાંતિ આપી. આટલી નિરાંતે ક્યારે સૂઈ શકતી હતી ?

શિવાગોર પણ મીઠી તંદ્રામાં સરી ગયા હતા. પરમ તૃપ્ત થયેલી, થાકીપાકી... રાધાય નિદ્રાામં સરકી ગઈ.

હવે તે તેના, પોતાના ઘરમાં સ્વજનો વચ્ચે હતી. કેટલી શાંતિ મળી હતી ? બાથરૂમમાં બારણું વાસીને રડી લીધું હતું. જાગતી હતી એકલી બંસરી.

એક તરફ રાધા હતી. બીજી તરફ તે અને વચ્ચે ખદખદ થતી ટેણકી. કેવો કોમળ સ્પર્શ હતો ટેણકીનો. માંડ આઠ-દસ મહિનાની હશે. રૂની ઢગલી જેવી. એ સ્પર્શે તો તેને આંદોલિત કરી હતી. તેની સામે તેનો આખો અતીત ચોપાટ પાથરીને બેઠો હતો.

ક્યાં હશે પ્રેમલ અત્યારે ? યાદ આવતી હોઈશ હું ? આવે જ ને ? હું હજી ક્યાં ભૂલી શકી છું એને ? દસ... વરસ થઈ ગયાં ! તેને પરણી હોત તો અત્યારે પ્રેમલને ત્યાં જ હોત !

આખો સમય જાણે પડખું ફરી ગયો.

તે ભીતર ને ભીતર વલોવાવા લાગી હતી.

અરે, તેનો ચહેરોય ભૂલી ગઈ હતી. ખુદ પોતાનો ચહેરોય ક્યાં યાદ હતો. અરીસા સાથેના વહેવારો જ કપાઈ ગયા હતા. માથું હોળતી હોય ત્યારે તેની દૃષ્ટિ ખરતા વાળ તરફ જતી હતી. ક્યાંક ક્યાંક શ્વેત ઝાંય પણ દેખાતી હતી. પણ ચહેરો તો ધારીને જોયો જ નહોતો.

છેક હોઠ સુધી આવેલું જળ ઢોળાઈ ગયું હતું. આ રાધલીને કારણે જ...

ટેણકી પડખું ફેરવીને તેના તરફ ઢળી હતી. કશું કોમળ કોમળ સ્પર્શ્યું તેને, તેના ઉરપ્રદેશને.

એ હોઠો કશું શોધતા હતા - તેનામાં.

તે એક વાઘની જેમ તરંગિત થઈ ગઈ.

પછી તરત જ ભાનમાં આવી. શો અર્થ હતો આ રમતનો ? તેના ભાગ્યમાં પ્રેમલ નહોતો... આવી કોઈ ટેણકીનું સ્પર્શસુખ નહોતું. ખાલી થવાનું સુખ નહોતું !

અને બીજી પળે... ઊંઘતી રાધાએ અભાન અવસ્થામાં જ ટેણકીને પાસે ખેંચી હતી, બટન ખૂલવાનો અવાજ સંભળાયો હતો.

અને પછી સંભળાતું હતું - ટેણકીનું ચસ ચસ.

મૂઢ બનીને બંસરી તાકી રહી - એ દિશામાં. એક નવતર ગંધ તેને વળગતી હતી.

આ રાધલીએ જે કર્યું - પણ તે બધુંય પામી હતી. પેલો પુરુષ... જેની સાથે તે...

દસ વરસનું સુખ તો મળ્યું જ હશેને, ભલેને પછી દુઃખનાં પોટલાં વરસ્યાં હોય ! આ ટેણકી કાંઈ અમથી...

અને મને શું મળ્યું આ જિંદગીમાં ? આવી જિંદગી તો કાગડાકૂતરાય... શા માટે આમ શરીર સાચવીને બેઠી છું ? મનને ઢાંકીને બેઠી છું ? મને શું પ્રેમલ ના મળત ?

અરે, પ્રેમલ નહિ તો... કોઈ પણ મળી જાત...

આ સુખ તો હવે મૃગજળ જ ને ?

પ્રેમલ... ક્યાં છે તું ? આવ આવ... જો આપણી ટેણકી... કેવું હસે છે ? કેવું રૂના પોલ જેવું શરીર... ! તેં આપેલી સેન્ટની શીશી હજી હમણાં સુધી સાચવીને રાખી હતી.

એક દિવસ ચીડથી ફેંકી દીધી બારીની બહાર...

તનેય હું તો ગમતી જ હતી ને ? સાચું કહેજે... અને મને તો તું પાર વિનાનો... બે હાથ પહોળા કરું એટલો ગમતો હતો.

પ્રેમલ... આવ આવ. મારે આપણી ટેણકીને રમાડવી છે... એને આ નાનકી માફક... બટન ઉઘાડી... બ્લાઉઝ.... ખસેડી... મારે ધવડાવવી છે.

પ્રેમ આવને ? ક્યાં ઊભો છું ? હું છું... ન ઓળખી તારી બંસરી...ને ?

સવારે ચંચળ ઊઠી ત્યારે પણ બંસરીના લવારા ચાલુ હતા.

‘માડી... હવે મારો પ્રેમલ આવ્યો છે. અમારી ટેણકી પણ... આવશે... અને હું પણ આ નાનીની જેમ જ...!’

ચંચળ સ્તબ્ધ થઈ ગઈ.

બંસરીનાં વસ્ત્રોનાં ઠેકાણાં નહોતાં તે હસી રહી હતી, લવી રહી હતી.

‘બંસ...રી...’ તેણે ચીસ પાડી હતી.

‘શું મોટી...?’

હા, એમ જ થયું હતું.

શિવાગોરની ડેલી પાછી રાંક થઈ હતી.

(નવનીત-સમર્પણ)

બીજા રસપ્રદ વિકલ્પો