Abalkha books and stories free download online pdf in Gujarati

Abalkha

અબળખા

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અબળખા

દસ વર્ષની દેવીએ જેટલી વાર ઘરે જવાની રઢ પકડી તેટલી વાર ગૌરીએ તેને સમજાવી-પટાવીને રોકી રાખી. તે સવારથી ગૌરી પાસે જ હતી. દેવીને તેનું ઘર યાદ આવતું હતું. મા યાદ આવતી હતી, પણ બાપ નાનજીને યાદ જ નહોતી કરતી. બાપમાં યાદ કરવા જેવું કશું જ નહોતું. મા શાકબકાલું વેચવા જતી, ઘરકામ કરતી. દેવીને સાચવતી. પણ નાનજી તો કશું નહોતો કરતો. જોકે, કશું ન કરતો એમ પણ નહોતું. તે દારૂ પીને ધમાલ મચાવતો, ગાળો બોલતો, પત્નીને મારતો-પીટતો. રેવાને તો તેનો ખૂબ ડર લાગતો. મનનું ઠએકાણું હોય ત્યારે પત્ની સાથે સારી રીતે વાતો કરે, લારી લઈને બકાલું વેચવા પણ ઊપડી જાય. પણ આવા સપરમા દિવસો તો ક્યારેક જ આવતા, બાકી તો... એ જ...

દેવીને એ સમજાતું નહોતું કે ગૌરી તેને કેમ રોકી રાખતી હતી. કેમ એ તો ગૌરી પણ પૂરું જાણતી નહોતી. તે ગયે વર્ષે પરણી હતી. બે વાર સાસરે પણ જઈ આવી હતી. સત્તરમું ચાલતું હતું.

તેણે તેના વર વિશે આ છોકરીને કહેવા માંડ્યું, પણ તેને ખાસ રસ ન પડ્યો. દેવીય કંટાળી હતી. ગૌરી એટલું જાણતી હતી કે આ છોકરીનો બાપ નાનજી મરી ગયો હતો, આજ સવારે જ. તેણે કાંઈ નાનજીને જોયો નહોતો. તેની ચિંતા તો દેવીને સંભાળવાની હતી. અંતે તેને રામબામ ઉપાય હાથ લાગ્યો. ‘દેવલી... લે તને હું મારા લગનના ફોટા દેખાડું.’

દેવીને રસ પડ્યો, ‘હા...બેન... એ દેખાડો...!’

ગૌરીએ તેની બૅગમાંથી આખો ખજાનો કાઢ્યો. દેવી દંગ થઈ ગઈ. તેની આંખો ચમકી ઊઠી. મુખ પર આનંદની છાલક વાગી. એક પછી એક ફોટા નજર સામે છતા થયા.

‘ઓહ ! ગૌરીબહેન... તમે કેવાં સરસ લાગો છો ! તમને કોણે શણગાર કર્યો હતો ? અને આ કોણ છે તમારી પાસે ? તમારા વર ? ઓહ ! કેવી મૂછો છે ! તમને બીક નહોતી લાગતી એમની ? લાગે છે તો સારા. તમે તેમની સાથે રો છો ? આખો દિવસ ? અહીં એ કેમ ન આવ્યા ? એ વર સાથે તમને ગમે ? બધાંયને ગમે ? ગૌરીબહેન... લગન થાય ત્યારે ફોટા પડે ? કોણ પાડે ? સરસ... છે. મારાં લગન થશે ત્યારે મારાય... ફોટા પડશે ને ? હેં... બહેન... હુંય તમારી જેમ જ તૈયાર થઈશ. પણ મને તમારી જેમ સાડી પે’રતા તો નહીં આવડે.’

વિસ્મયોની આખી હારમાળા સર્જાઈ ગઈ. સમય તો ક્યાંય પસાર થઈ ગયો. ગૌરી પણ ખુશ થઈ ગઈ.

ગૌરીના ઘરેથી દેવીનું છાપરું ખાસ દૂર નહોતું. પાછા ફરતાં દેવી પેલા ફોટાઓ વિશે વિચારી રહી હતી. તેને હવે તેની જાત વિશે વિચાર આવતા હતા.

ગૌરીબહેનનાં લગન થયાં. ઓલી ઝમકુનાં પણ થયાં. તો પછી તેનાં લગન તો થશે જ. અને લગન થાય તો... ફોટા તો પડે જ. તે કેવી લાગશે ફોટામાં ? મજા પડશે. સાથે પાછો વર હોય. વર તો હોય જ ને ? એની સાથે જ લગન થાય !

તેણે વિચારી લીધું કે ઘરે જઈને તરત જ મા સાથે લગનની વાત કરી જ નાખવી. માને આ વાતની ખબર હોય. માને તો બધી વાતની ખબર હોય.

અચાનક જ તેના જેવડી એક છોકરીએ વિક્ષેપ પાડ્યો : ‘એલી... દેવલી... તને નથી ખબર, તારો બાપ મરી ગ્યો ?’ તે ચમકી. બાપ મરી ગ્યો ? તેનો બાપ ? લાલચોળ આંખોવાળો... ગંદી ગાળો બોલતો. તેનો બાપ... નાનજી ! મરી ગ્યો એ ? તેને મૃત્યુ વિસે ઝાઝી જાણકારી નહોતી.

તેના વિચારો ફંટાઈ ગયા.

આ મરી જવાતું કેવી રીતે હશે ? ગઈસાલ... સામેના છાપરાવાળા ડોસા મરી ગયા હતા. લોકો તેમને બાંધીને ઊંચકીને ક્યાંક લઈ ગયા હતા. ડોસા બહુ ભલા હતા. દેવીને અવારનવાર ચૉકલેટ આપતા હતા. તેને બરાબર યાદ હતું. તો શું તેના બાપને પણ એમ જ ઊંચકીને...

તે ઝડપથી ઘરે આવી. આંગણામાં આઠદસ આદમી શાંતિથી બેઠા હતા. આસપાસ થોડાં છોકરા-છાબરાં ટોળે મળીને આ જોઈ રહ્યાં હતાં. પીડીઓ પિવાતી હતી. અંદર કોઈ સ્ત્રી રડી રહી હતી. તેની મા રેવા રડી રહી હતી. તે અવાજ ઓળખી ગઈ. હા, માનો જ અવાજ... તો તો નક્કી તેનો બાપ મરી ગયો હશે. તેને ખાતરી થઈ. તે ઘરમાં ગઈ. માની આસપાસ પાંચસાત સ્ત્રીઓ સૂનમૂન બેઠી હતી. મા રડતી હતી. તે ામ પાસે લપાઈને બેસી ગઈ. ‘હવે મને વાળ... રેવા ઈ હતો તોય તારે કિયાં નિરાંત હતી ?’ એક વૃદ્ધા કહેતી હતી.

નહોતું પૂછવું તોય તેણે પૂછી નાખ્યું, ‘હેં માડી... મારા બાપા મરી ગ્યા ?’

કોઈએ જવાબ ન વાળ્યો. રેવાએ તેના માથા પર હાથ ફેરવ્યો. બસ એટલું જ થયું.

રાત્રે થાકીપાકી સૂઈ ગઈ. મા પાસે જ હતી. અડધી રાતે તે જાગી ગઈ. તેને પેલા ફોટા યાદ આવ્યા. નાનજીના મરણની વાત તો સાવ ભૂલાઈ જ ગઈ.

તેણે માને ઢંઢોળીને પૂછ્યું, ‘મા... મારા લગન ક્યારે થાશે ?’ રેવા કાંઈ ઊંઘતી નહોતી. તે તેની બદલાયેલી સ્થિતિ વિશે વિચારી રહી હતી. તે એકાકી બની ગઈ હતી. નાનજીના સારા પ્રસંગો યાદ કરતી હતી.

સારો હતો પિટ્યો ! જ્યારે નશો ના કર્યો હોય ત્યારે તો પ્રેમ પણ કરતો હતો, સારી સારી વાતો કરતો હતો. ેક વાર તો ઉછીઉધારા કરીને મને ગમતી સાડી પણ લઈ આવ્યો હતો.

દીકરીએ બીજી વાર પૂછ્યું અને તે ચમકી હતી.

‘સૂઈ જા છાનીમાની.’ તેનો અવાજ કઠોર બન્યો હતો. ‘મા... મારા લગનમાં ફોટા પડાવજે... ગૌરીબહેનના જેવા જ...’

મા રોષે ભરાઈ છે તેવું જાણવા છતાંય તે બોલી. આ વખતે રેવા કઠોર ન બની શકી. હવે આનું કોણ ? હું જ ને ? તેણે દેવીને નજીક ખેંચી, પંપાળી પણ ખરી.

પણ તેનો પ્રશ્ન તો અનુત્તર જ રહ્યો.

(૨)

નાનજીની ચિરવિદાયે રેવાને એકલતાની ખાઈમા ધકેલી દીધી. ગમે તેવો તોય એ તેના જીવનનો એક હિસ્સો હતો. તેની ગેરહાજરી સાલતી હતી. તે વાતેવાતે રડી પડતી હતી. થોડા દિવસોમાં તેનો દેહ દુર્બળ અને નિસ્તેજ લાગવા માંડ્યો હતો. દિવસ-રાત ટૂંટિયું વાળને ખૂણામાં પડી રહેતી હતી. દેવીને વિચાર પણ આવી ગયો કે આમ ને આમ મા પણ... નહીં મરી જાય ને ? બાપની તો ખાસ માયા નહોતી પણ મા મરી જાય, એ તો તેનાથી ન વેઠાય.

તે માની પાસે બેસીને રડી પડી. બસ... બીજી જ પળે, રેવા બેઠા થઈ ગઈ.

બીજા દિવસથી જિંદગીનું ચક્ર ગતિમાન થઈ ગયું. લારીની સાફસૂફી થઈ ગઈ. ટોપલીઓ ગોઠવાઈ ગઈ. ત્રીજા દિવસની સવારે રેવાની લારી શેરીઓમાં ફરવા લાગી. જિંદગી છેલ્લા શ્વાસ સુધી જીવવાની હતી, પોતે જ જીવવાની હતી. સત્ય રેવાને સમજાઈ ગયું હતું.

‘લો... શાકભાજી... તાજાં... તાજાં...’ તે સાદ પાડતી હતી પણ સ્વર બદલાઈ ગયો હતો.

એકબે પુરુષોએ તેને લલચાવી પણ હતી.

‘માની જા ને... દેવલીય સચવાશે અને તુંય...’

પણ તે ન માની. ભીંત જેવી મક્કમ બની ગઈ હતી. જાણતી હતી કે સામે આખું આયખું પડ્યું છે તોપણ એકની ટળી બે ના થઈ.

જોર છે ત્યાં સુધી ફૂટી ખાઈશ... હાલ્યુ ંજશે. હવે ઈ જંજાળમાં નથી પડવું... દેવલીને ઠેકાણે પાડું પછી તો... મારે શેની ચિંતા ?

દેવી જોતજોતામાં ગજું કરી ગઈ. વધી ઉકરડાની જેમ જ, વાનેય ઊઘડ્યો. તેના પગલાંથી થનગનાટથી આખું છાપરું ગાજતું થઈ ગયું.

રેવાને ખ્યાલ જ ન રહ્યો કે દીકરીને આટલી વહેલી પરણાવવી પડશે ! પણ તે કામે લાગી ગઈ. દેવીની વિદાયથી તે એકાકી બની જવાની હતી. તે રડવાની હતી, ધોધમાર રડવાની હતી. નાનજીના મૃત્યુ સમયે રડી હતી એથી પણ વિશેષ. પણ તે છતાંય, તેને પરણાવવાની જ હતી. સંસારનો નિયમ હતો.

‘મા... દસ રૂપિયા દે ને, મારે સરસ ફોટો પડાવવો છે.’ દેવી અરીસા સામે લટકાં કરતી બોલી હતી, એક વાર

‘હવે તારે સાસરે પડાવજે ફોટા. એ લોકો આપણા કરતાં સુખી છે. આપણે તો આ પડું પડું થાય એવું છાપરું છે. અને તેમને તો ઈંટોનું પાકું મકાન છે.’

રેવા હરખાઈને બોલી હતી. દેવી, કદાચ પહેલી વાર શરમાઈ હતી. તેને ગૌરી યાદ આવી ગઈ. તે સાસરે હતી, નહીંતર તે ગૌરીને સમાચાર આપવા દોડી ગઈ હોત.

હવે તો લગન... તે પણ ગૌરીની જેમ વહુ બનશે ? અને વર કોણ હશે ? માને આવું પૂછવાની તેની હિંમત ન ચાલી. તે કલ્પના કરવા લાગી. અરીસા સામે સમય ગાળવા લાગી. જાત સાથે એકાંતમાં વાતો કરવા લાગી.

એક વેળા માએ તેને દૂરથી તેનો વર દેખાડ્યો.

‘દેવલી... જો પેલો સફેદ પાટલૂન ને પીળા બાંડિયાવાળો... બસ એ જ તારો...’

વરને તેણે અલપઝલપ જોઈ લીધો. થોડો દૂબળો હતો તેના કરતાં, પણ આમ સહેજ ઊંચો ખરો. તેણે વિચારી લીધું. મૂછો આછી હતી. એ તેને ગમ્યું. ભરાવદાર નહોતી એ સારું હતું.

ફોટો સસ આવશે. તેણે અનુમાન બાંધી લીધું.

પછી તો એ દિવસ આવી પણ ગયો. ગૌરીએ તેને ઢીંગલીની જેમ સજાવી. પાઉડર ચોપડ્યો. હોઠે લાલી પણ કરી. વાળમાં સુગંધી તેલ નાખ્યું.

અજાણ્યા ચહેરાઓથી આંગણું છવાઈ ગયું. દેશી બીડીઓ, સફેદ સિગારેટું ઝગવા માંડી. પાટલા પર માંડવા નીચે દેવી બેસી ગઈ. તેનો જીવ પરણવા કરતાં ફોટામાં વિશેષ હતો. પાસે બેઠેલો તેનો વર તેને ત્રાંસી નજરે જોઈ લેતો હતો. પણ દેવીની નજર તો બીજે જ હતી.

તે નિરાશ થઈ ગઈ. ગૌરી જેવા ફોટા... તેના ભાગ્યમાં નહોતા. સાંજે માને વળગીને તે રડી પડી.

સાંજ ઢળતા સુધીમાં તો રેવા આખા છાપરા નીચે એકલી થઈ ગઈ. દુઃખ ધાર્યા કરતાં વધારે વસમું લાગ્યું હતું.

દેવીનો જીવ કોડી-કરડા રમવામાં નહોતા. તેને મા યાદ આવતી હતી. મા સાથે જીવન જીવવાની ટેવ હતી તેને. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો.

રાતે તે સહેજસાજ જોયેલા, અનુભવેલા, તેના વરને મળી. ગૌરીએ તેને બરાબર સમજાવેલી, શું કરવું, શું ન કરવું, શું બોલવું, કેવું બોલવું - કેવી રીતે રીસ ચડાવવી.

તે તો સમૂળગું બધું ભૂલી જ ગઈ. રડવા જ લાગી. પેલો ગભરાઈ ગયો.

‘તમે લગનમાં ફોટા કેમ ન પડાવ્યા ? હું કેવી સરસ તૈયાર થઈ હતી !’ તે બોલી ગઈ.

‘બાપા... હા પાડે તો જ...’ પેલાએ ગભરાટમાં સત્ય ઉચ્ચાર્યું.

‘બાપાને પૂછ્યું’તું ?’ તે રોફથી બોલી.

‘હા... આવી વરણાગી આપણને ન પોસાય.’ બાપાએ કહ્યું. તેણે ધીમેથી જવાબ વાળ્યો હતો. તેને ડર હતો કે આવી વાત કમાડની પેલી બાજુ સુધી પહોંચી ન જાય.

દેવીને ગૌરીની સલાહ યાદ આવી ને તે હસી પડી. પેલાનો છુટકારો થયો. તે પણ હસ્યો. તરત જ ખાંસી શરૂ થઈ. અને વાતો ફંટાઈ ગઈ.

‘ક્યારની છે ઉધરસ ? દવા નથી લેતા ?’ દેવીની ભૂમિકા બદલાઈ ગઈ. એનો વર આખી રાત ખાંસતો રહ્યો.

આઠમી રાતે દેવીથી રહેવાયું નહીં.

‘આપણા ઘરમાં મધ હશે ? કાલથી અરડૂસીનો રસ અને મધ લેવાનું શરૂ કરો. કાનમાં કીધું. મારી માડી આમ જ કરતી.’

દેવીનો સંસાર શરૂ થયો. વસ્તારી ઘર હતું. રાતે મળતી ત્યારે કાયમ મધ અને અરડૂસીનો રસ યાદ કરતી. પેલો હા ભણતો પણ કશું થતું નહીં.

સમય તો રોક્યો રોકાતો નથી.

‘વહુને અઘરણી છે ? કેમ આમ ચાલે છે ?’

‘ના, રે ના...’ જવાબ આપનાર મોં બગાડીને નિસાસો નાખતું. દેવીને ખાંસી ખાતો પુરુષ યાદ આવી જતો. તેને કમકમાં આવી જતાં.

વીતી ગયું આખું વરસ. એક વાર પિયર પણ જઈ આવી.

‘કેમ દૂબળી થઈ ગઈ ?’ માએ ચિંતા વ્યક્ત કરી હતી.

‘માડી... તું જ દૂબળી પડી ગઈ છો એટલે તને એવું દેખાય..

તે હસી પડી હતી. સાવ ખોટું.

એક દિવસ દેવીના વરને લોહીની ઊલટી થઈ. દેવી પાસે જ હતી. ડૉક્ટર આવે એ પહેલાં જ તે... ખલાસ થઈ ગયો. દેવી તો થીજી જ ગઈ. એક મૃત્યુ તેણે સાવ નજીકથી જોયું.

તે પૂરેપૂરી સ્ત્રી પણ બની નહોતી અને એકાએક વિધવા બની ગઈ. શૈશવનું ખળખળ હજુ ક્યાં પૂરું ઓસર્યું હતું ? હાહાકાર મચી ગયો. તેને તો ગમ પણ પડતી નહોતી કે તેણે રડવું જોઈએ ? પછડાટો મૂકવી જોઈએ ? છાતી પર હાથ અફડાવીને છાજિયાં લેવાં જોઈએ ? ‘ભરખી ગૈ... મારા છૈયાને. કેવા પગલાંની ?’

‘શું લેવા રોકાણી હશે અહીં ? બીજાંને ભરખવાં બાકી છે ?’ આવા સતત બોલાતાં વાક્યો તેને ધીરેધીરે સમજાયાં.

હું ભરખી ગૈ ? ઉધરસ તો હું આવી તે દા’ડાની... તેના મનમાં અવાજ ઊઠ્યો.

પાડોશીએ તો કહ્યું પણ ખરું : ‘વહુ... એને તો ખયરોગ હતો. તું પરણી ઈ પેલાનો. તને છેતરી છે...’

(૩)

ત્રણ માસ પછી દેવી મા પાસે આવી ગઈ. ‘માડી... તને તો ભારે નહીં જ પડું. બાકી ઈ ઘર કરતાં તો મોત... સારું.’ તે રેવાને વળગી પડી. બંને રડી પડ્યાં. ‘તું મને ક્યાંથી ભારે પડે, દેવલી ? પેટમાં સંઘરી હતી ને. આ ઘરમાંય સંઘરીશ... નખ્ખોદ જાય એ પીટ્યાવનું. છેતરી ગ્યાં. ખયરોગ હતો ને... દીકરી લઈ ગ્યાં.’

રેવાએ દીકરીને ક્યાંય સુધી પંપાળી.

‘કેવી કરી નાખી. સાવ હાડચામડાનો માળો !’

રેવાએ કેટલીય ગાળો દીધી દેવીના સાસરિયાંઓને.

દેવીને તેનું ચિરપરિચિત છાપરું નવું નવું લાગતું હતું. તેણે ધરાઈ ધરાઈને ચારે દિશાઓમાં જોઈ લીધું. હજુ ગારના લીંપણમાં તેની પગલીઓ કળાતી હતી.

ભીંત પરના અરીસામાં એક તિરાડ વધી હતી. એની સાથે તેણે કેટલી વાતો કરી હતી ! થોડા મહિના પહેલાની જ વાત હતી.

કશું સંધાતું જતું હતું. યાદનો દોર લંબાતો જતો હતો. પણ એ રીતે જીવવાનો ઉમળકો ઓસરી ગયો હતો. એ થોડા સમયે તેના આયખાની આખી અવસ્થા જ ચોરી લીધી હતી. એ હવે ક્યાં મળવાની હતી ? જૂનું અને નવું એકબીજામાં અટવાઈ જતું હતું.

હવે મા તેને સહેજે પણ ટોકતી નહોતી, તેને સંભાળવા મથતી હતી. આ સ્થળે લપાઈને પડેલા તેના અતીતના દિવસો આળસ મરડીને જાગી જતા હતા. તે ખુદ જ નવાઈમાં ડૂબી જતી હતી. ઓહ ! તે આવી હતી ? એ સ્વપ્ન હતું તો પછી તેની નજર સામે જ મૃત્યુ પામેલો પેલો પુરુષ કોણ હતો ?

તે સાવ જડ જેવી બની ગઈ હતી. રેવાના વલોપાતનો કોઈ ઉપાય નહોતો.

‘દેવી... તને રાતે ઉધરસ આવતી હતી.’ તે સવારે યાદ કરતી હતી.

‘મને ? મા... તારો વે’મ હશે.’ તે વાતને રોળી નાખતી હતી.

‘બેટા... જાતની દરકાર રાખ. આપણે એકબીજાના આધાર છીએ. તારો બાપ મરી ગ્યો તોય મારે જીવવું પડે છે ને ?’

રેવા તેને સમજાવતી-પટાવતી અને તે માનતી પણ ખરી. દેવીને ખાતરી થઈ ગઈ કે તેને પણ... તેના વરને આવતી’તી એવી જ ઉધરસ...

તેણે ચૂપચાપ અરડૂસીનો રસ અને મધ લેવાનું શરૂ કર્યું, રેવાથી છાનું ! તે આ રસ પીતી ત્યારે તેનો વર યાદ આવી જતો. જો પે’લેથી આ રસ પીતો હોત તો... કદાચ તે આમ મરી ગ્યો ન હોત...

જોકે, તે તો એનો ચહેરોય ભૂલી ગઈ હતી. યાદ આવતો હતો. વળી, છટકી જતો હતો.

તેનો ફોટો હોત તો ? તો તે આમ છટકી ન જાત. પણ હવે યાદ કરીનેય શું કરવું ? તે ખરેખર ભલો હતો. તેની પાસે બહુ થોડો સમય હતો, દેવીને સુખી કે દુઃખી કરવા માટે.

(૪)

રેવાને પુત્રીની ચિંતા કોરી ખાતી હતી. ઉધરસ કેડો મૂકતી નહોતી. શું એને પણ..? તે કંપી જતી હતી.

અંતે ડૉક્ટર પકડવો પડ્યો. એક વળી મોટા ડૉક્ટરને ભલામણ કરી.

‘માડી, મૂક ને લપ... ઇ તો મટી જશે !’ દેવીને આમાં રસ નહોતો પડતો, આમ તો કશામાં નહોતો પડતો.

‘મેં આને સાસરે મોકલી હતી કે કસઈખાને ?’ તે વારંવાર તેની જાતને પૂછતી હતી. તે ખુદ અપરાધભાવનાથી પીડાતી હતી.

‘બેટા... તારે ફોટો પડાવવો પડશે.’ તે બોલી અને દેવીની ભીતરમાં ગૂંચળું વાળીને પડેલી અબળખા આળસ મરડીને બેઠી થઈ.

‘મા... મારો ફોટો ? આવા વેશમાં ? જરી તૈયાર થઈ જાઉં !’ તે ઊછળી. તેના ચહેરા પર આનંદ લીંપાઈ ગયો. આખરે તે ઝંખતી હતી એ પળ આવી જ ગઈ !

‘ફોટો તારો નૈ... તારી છાતીનો.’ રેવા કચવાતે મને બોલી.

‘હેં !’ તે ચોંકી, શરમાણી, આપોઆપ તેના બંને હાથ તેની છાતી પર ભિડાઈ ગયા.

એક્સ-રે લેવાયા, વંચાયા. નિદાન થયું સેકંડ સ્ટેજનો ટી.બી. એક ફેફસું લગભગ ખલાસ... બીજામાં પણ અસરની શક્યતા.

રેવા હચમચી ગઈ. દેવી તો કહેતી હતી : ‘મા... ઘરે લઈ જા. મને કશુંય નથી થવાનું. તારું માગણું હજુ મારે લેવાનું છે.’

સલાહો મળી, મદદ પણ મળી. રેવાને પણ એ જ ઠીક લાગ્યું. સમજાવી-પટાવીને દેવીને જિલ્લામથકની ટી.બી. હૉસ્પિટલમાં દાખલ કરી. કોઈ દાતાની સખાવતવાળી બેડ હતી એટલે કશું ખર્ચ નહોતું.

સરસ પલંગ, પથરી, ઓછાડ, ચાદર... દેવી ખુશ થઈ ગઈ. એક ખંડમાં ચાર પલંગો હતા, ચાર દર્દીઓ હતા. દરેક ચહેરા પર મોતનો ઓછાયો હતો, જિંદગીની ભૂખ હતી.

સફેદ યુનિફૉર્મ પહેરેલી પરી જેવી નર્સ આમતેમ ઘૂમતી હતી. દેવીને તો મજા પડી ગઈ.

‘ચાલો... સારું થયું, અહીં આવી.’ તેનું મન સ્થિર થયું.

‘માડી... તું જા હવે. મારી ચિંતા કર નૈ.’ તેણે માને ધરપત પણ આપી. તેનું મન આ સુખમાં ડૂબી ગયું.

સમય વીતતો ગયો. મા અવારનવાર આવતી રહી. તેણે દીકરીના ચહેરા પર સુખનાં નિશાન જોયાં.

‘બચી જશે.’ તેને આશા પણ બંધાઈ.

‘દેવી... તું આનંદમાં રહેજે. દવા તો જ અસર કરે ! ભલી નર્સ કહેતી હતી.’ દેવી સામો સવાલ કરતી ન હતી. તેનું ધ્યાન તો બીજી દિશામાં હતું. ઢીંગલી જેવી નર્સ તેને ખૂબ ગમતી હતી.

‘બહેન... તમે સરસ લાગો છો. અસર પરી જેવાં.’ તેણે કહી નાખ્યું અને પેલી હસીને બેવડ વળી ગઈ.

‘હું અને પરી ? તેં મને ખુશ કરી દીધી !’

એક દિવસ નર્સ તેની પાસે હતી. અચાનક જ એ દેવીને પૂછી બેઠી.

‘દેવી... તને સૌથી વધુ શું ગમે ?’

‘મને ? બહેન... મને તો ફોટો પડાવવો ગમે. આ એક અબળખા બાકી રહી ગૈ. જુવાન હતી ત્યારેય કોઈએ ફોટો ન પાડ્યો. અને હવે તો... કોણ !’

તે નિશ્વાસ નાખતી બોલી. નર્સ અને બીજી બાઈઓ સ્તબ્ધ થઈ ગઈ. ઇચ્છાય કેટકેટલી જાતની હોય છે ! અહીં સૌ કોઈ જિંદગી ઝંખે અને ઘેરી સ્ત્રી ફોટો !

ભલી નર્સે આ વાત મનમાં નોંધી રાખી હતી. એ તક પમ આવી.

હૉસ્પિટલે અસ્તિત્વનાં પચીસ વર્ષ પૂરાં કર્યાં, એની ઉજવણી હતી. ઠાઠથી ઉજવવાનું નક્કી થયું હતું. ધમાલ ધમાલ મચી ગઈ.

કોઈ મોટા માણસ મુલાકાતે આવ્યા. સાથે મટો રસાલો. પત્રકારો, ફોટોગ્રાફરો તો હોય જ.

પેલી નર્સે વ્યવસ્થા કરી નાખી.

‘ગજ્જર... આ દેવીબહેનનો સરસ મજાનો ફોટો પાડવાનો છે.’

તેણે દેવીને ઝટપટ તૈયાર કરી.

‘દેવી... જરા વાળ સરખા કરી લે. તારી સાડી તો સારી છે બેલ-બુટ્ટાવાળી. રંગીન ફોટો આવશે !’

દેવી તો રાજી રાજી થઈ ગઈ.

પ્રધાનસાહેબે થોડી વાતો કરી તેની સાથે. ગજ્જરે દેવીનો સરસ ફોટો પાડી દીધો.

દેવીને તો બત્રીસ કાંઠે દીવા થયા.

એ પળથી જ પ્રતીક્ષાનો દોર શરૂ થયો. ગજ્જરે કહેલા બેત્રણ દિવસો પણ પૂરા થયા. આશા-નિરાશા વચ્ચે તે ઝૂલવા લાગી.

‘આવશે... દેવી... તારો ફોટો જરૂર આવશે. તેમને પણ કામ તો હોય જ ને.’ નર્સ તેને સમજાવતી હતી. બસ, પછી તો તેણે નર્સને પૂછવાનું પણ બંધ કર્યું. મા આવી તેની સાથે પણ બરાબર વાત ન કરી. તેણે તેની આસપાસ એક દીવાલ ચણી લીધી જાણે !

નર્સે ગજ્જરને ફોન કર્યો પણ ‘નો રિપ્લાય.’

(૫)

ગજ્જરને ઓચિંતું યાદ આવ્યું. અને થયું, ઓહ ! આ તો સાવ ભૂલાઈ જ ગયું.

દેવીના રંગીન ફોટાની ત્રણ નકલ તૈયાર જ હતી. પહોંચાડવામાં વિલંબ થયો હતો.

તેણે કવર પર લખ્યું હતું : ‘સપ્રેમ... દેવીબહેનને.’ ગજ્જરે નર્સને કવર આપ્યું.

નર્સ... દેવીના ફોટાને ટગર ટગર જોઈ રહી. તેની આંખો ચૂઈ પડી.

‘ગજ્જર... ગઈ કાલે જ તે...’ નર્સ વાક્ય પૂરું કરી ન શકી.

ગજ્જરનો પત્રકાર જીવ ઊછળ્યો, ‘સરસ સ્ટોરી છે. ફોટા સાથે છાપામાં પ્રગટ થશે તો રંગ રહી જશે.’ પણ બીજી જ પળે ઝાટકા સાથે તેણે આ વિચાર મનમાંથી ખંખેરી નાખ્યો.

(અખંડઆનંદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED