Pratyaghat Girish Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Pratyaghat

પ્રત્યાઘાત

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રત્યાઘાત

પથારીમાં પડી મીરાં રાત્રિને ઓગળતી જોઈ રહી હતી. ગાઢ અંધકાર ધીમે ધીમે હોલવાતો હતો. સમયની આખી ભીંત ઉજાસથી જાણે કોઈ રંગી રહ્યું હતું. તેને જરા નવીન લાગ્યું. આખી રાત એક ન સમજી શકાય એવી ઉદાસીમાં વીતી. મીરાંને થતું હતું કે તેને કેમ કોઈ સમજી શકતું નથી. એ વિચાર વારંવાર વલવીને તે સાવ ખાલી થઈ ગઈ હતી. શા માટે કેમ કોઈ આટલી સરળ વાત પણ સમજી શકતાં નહોતાં ? તે હતાશા અનુભવી રહી.

કાલે બાપુએ તેને સમજાવી હતી, થોડી ધમકાવી હતી. એ જ શબ્દો... એ જ લમણાંઝીંક એ જ... એ જ તનસુખી વાત... તે થાકી ગઈ હતી. એ પહેલાં... મમ્મીએ પણ ઊલટતપાસ લીધી હતી. એ પહેલાં દાદીએ...

તે લોલકની માફક આમતેમ, હિલ્લોળાતી હતી. પણ આ હિલ્લોળમાં આનંદ નહોતો, ગ્લાનિ હતી.

‘તને એ ક્યાં મળે છે ?’ બાપુએ સીધો પ્રશ્ન કર્યો હતો, કોઈ જાતની પ્રસ્તાવના વિના જ.

કેશવલાલ મીરાંના પપ્પા, આમ તો નરમ પ્રકૃતિ ધરાવતા હતા. ભાગ્યે જ કોઈ પર ગુસ્સે થતા.

‘મારો કેશવો... નરમ ઘેંશ જેવો છે. હા, એટલે જ છોડી આમ માથે ચડે ને. અને શારદા વહુય.’

દાદીને આવું બોલતાં મીરાંએ અનેકવેળા સાંભળ્યા હતાં. ‘કોણ ?’ તે સાવ સહજ રીતે બોલી હતી - બોલાઈ ગયું હતું.

‘અરે, બીજો કોણ ? એ તનસુખ... ‘બાપુનો અવાજ ઉગ્ર થયો હતો. બાપુ આવી ઉગ્રતાથી ક્યારેય બોલતા નહોતા. મીરાં થીજી ગઈ. ગાત્રો ઢીલાં થઈ ગયાં.

‘બાપુ... હું એને ઓળખતીય નથી.’ તે આજીજી કરતાં બોલી.

આ ઉત્તર શારદા અને દાદીને તે આપી ચૂકી હતી.

‘મારી બનાવટ કરે છે ?’ કેશવે તાતો પ્રશ્ન કર્યો.

કેશવલાલ શાંત થઈ ગયાં. આમ ઉગ્ર થવાનું તેના સ્વભાવમાં નહોતું. તેમણે પછી શિખામણ આપવાની શરૂ કરી :

‘જો, બેટા... એ તનસુખો સાવ લબાડ અને આવારા જેવો છોકરો છે. માબાપ તો સંસ્કારી છે, પણ એ તો સાવ ઓટીવાળ - આવા સાથે આપણ સંબંધ ન જ રખાય,’ કેશવલાલ શ્વાસ લેવા રોકાયા.

‘તું તેની સામે હસી, એ સારું ન કહેવાય...’

‘પણ બાપુ હું તો ઓળખતી જ નથી.’ મીરાં બોલી હતી.

‘બેટા... અણસમજમાં આવું થાય પણ ખરું. દાદીએ જોયું, તારી માએ જોયું, એ કાંઈ ખોટું થોડું હોય ? બસ - ભૂલી જા એ તનસુખને. મનમાંથી કાઢી નાખ એને.’ મીરાંને કંટાળો આવ્યો.

અરે, તે જાણતી જ નહોતી - એ છોકરાને, ત્યાં મળવાનો કે મનમાંથી દૂર કરાવનો સવાલ જ ક્યાં હતો.

પણ કેમ કોઈ તેની વાત સમજતા નહોતા ?

‘આ ઉંમર જ એવી છે, બેટા... તે સાઇકલ લઈને તારી પાછળ આવે, તારી સાથે હસે, કાંઈક ચાળા કરે, એ બધુ તને કદાચ ગમતું પણ હશે. આ ઉંમરે આવું બને, પણ સાવધ થઈ જવાનું...’

કેશવલાલ જે નરમ નરમ ભાષણ આપી રહ્યા હતા એ દાદીને ન ગમ્યું. એ મીરાંએ જોયું.

‘કેશવ... તેં જ છોડીને ફટવી છે. આમ ઢીલું ઢીલું બોલીશ તો પછી તને ગણકારશે જ નહીં. આને ઓછી ન ગણતો. સંતલસ કરીને કૉલેજ જવા નીકળે છે. અને પેલો તરત જ સાઇકલ પર પાછળ પાછળ... આમ ઢીલો રહીશ તો... કેમ ચાલશે ? મારે શું આમાં ? તારો વસ્તાર ને તારે સંભાળવાનો. કાળું કરીને આવશે પછી ખબર પડશે. અરે, રોતાંય નહીં આવડે !’

દાદીનો ગુસ્સો અને તેના તરફનો પૂર્વગ્રહ તે સારી રીતે જાણતી હતી. છેલ્લા ત્રણ દિસથી તે એ તાપમાં બળી રહી હતી. તનસુખ... તનસુખ... તનસુખ..., અરે કોમ હતો એ તનસુખો ! સામો મળે તો... તે તેનું ગળું જ પકડે ! શા માટે એ છોકરો તને સંતાપી રહ્યો હતો ? પણ મીરાં તો તેને જાણતી પણ નહોતી.

મીરાં સાવ જડ જેવી બની ગઈ. રાત્રે પથારીમાં એક ચીજની માફક જ પડી હતી, વિભાની પાસે ઢગલો થઈ ગઈ હતી. તેને નાની બહેન વિભાની ઈર્ષા આવતી : કેવી સુખી હતી એ ! તેને કોઈ આ રીતે, કોઈ કાલ્પનિક તનસુખની આડીઅવળી વાતો કરીને કનડતું નહોતું.

દાદીમા કાંઈ આવાં તો નહોતાં. તેને હજુ પણ દાદીએ કહેલી અવનવી ચિત્રવિચિત્ર વાર્તાઓ યાદ આવતી હતી. ત્યારે કુતૂહલની પાંખો પાંપણો પર પથરાયેલી હતી.

તે કેટલી સુખી હતી !

તો ક્યાંથી આવી ગયો આ અસુખનો દરિયો ? દાદીમાની પ્રેમાળ વાણીમાં કટુતા ક્યાંથી ભળી હતી ? જોકે ઉગ્ર સ્વભાવ તો હતો જ. મમ્મીને અનેક વેળાએ આંસુ સારતી તેણે જોઈ હતી. પરંતુ મીરાં પ્રતિ તો દાદીમા ઉદાર હતાં.

એક દિવસ દાદી તાકીતાકીને તેને જઈ રહ્યાં હતાં. જાણે ક્યારેય તેને જોઈ જ ન હોય !

‘શારદા મીરાંને કેટલાં થયાં ?’ તેમણે અચાનક જ પૂછ્યો હતો એ પ્રશ્ન, પરંતુ તેની અસર હજુ પણ અનુભવાતી હતી. એનો દાહ તેને સંતાપતો હતો. એ દિવસે તો મમ્મીએ તેને માંડ માંડ સંભાળી હતી. મીરાં તો બેબાકળી બની ગઈ હતી.

‘મમ્મી, આમ કેમ થતું હશે ?’ તેણે ગભરાતાં ગભરાતાં પૂછ્યું હતું. મમ્મીય કશું બોલી નહોતી.

‘એ તો હોય. તું છોકરી છું ને ?’ મમ્મી માંડ માંડ આટલું બોલી હતી.

દાદીમાનું મોં ગંભીર બની ગયું હતું, જાણે કશું અસાધારણ ન બની ગયું હોય ! મીરાં તો રડવા જેવી થઈ ગઈ હતી. ‘શારદા, આભડછેટ ચાલશે નહીં. તું છોડીને સમજ પાડજે. મારી દેવસેવા... ઠાકોરજીનું નૈવેદ... ક્યાંય... અને શારદા... હવે જ ધ્યાન રાખવાનું છે.’

દાદીમાએ શારદાને અનેક સૂચનાઓ આપી હતી. મીરાં પર અનેક નિયંત્રણો લાગી ગયાં હતાં. અરે, શાળામાં પણ જવાનું નહીં. કંતાનની પથારી... આમ નહીં, તેમ નહીં.

અકળાઈ ગઈ મીરાં. વિભાને તો આમાં પણ રમત સૂઝતી હતી. ‘હેં મોટીબહેન..., દાદી કેમ આવું નથી કરતાં ? એય પણ છોકરી જ...!’ તે ખડખડ હસી પડી હતી.

બસ ત્યારથી જ જિંદગીની રફતાર બદલાઈ હતી. તેને બરાબર યાદ આવતું હતું.

તેનાં વસ્ત્રો બદલાયાં હતાં. તેના માટેના નિયમો બદલાયા હતા. થોડાં પરિવર્તનો તો તે ખુદ જ અનુભવતી હતી. તેને ડર લાગતો હતો. આ તેનો અપરાધ તો નહોતો ને ? તેની નજર આપોઆપ દાદી પર પડતી હતી, મીરાંને લાગતું હતું કે દાદીમા, મમ્મી, પપ્પા બધાં જ બદલાઈ ગયાં હતાં.

તેના આશ્ચર્ય વચ્ચે, ઘર કરતાં તેને શાળા વધારે ગમતી હતી. એ વાતાવરણમાં પતંગિયાંની જેમ તે નાચી ઊઠતી હતી. વિભા સાથે ઠીક લાગતું હતું. પછી તો વિભા પમ તેની નાતમાં ભળી ગઈ.

વિભા કાંઈ મીરાં જેવી ભોટ નહોતી.

મીરાં તો આભી બની ગઈ હતી. તે ઘણુંબધું જાણતી હતી.

મીરાં કૉલેજમાં આવી. નવા વાતાવરણે તેના ચિત્તની દિશાઓ બદલી નાખી. પણ તેને તેના કૉમ્પલેક્સો નડતા હતા. દાદી તો છોકરીને કૉલેજમાં ભણાવાની જ ના ભણતાં હતાં.

‘છોડીને બગાડવી છે ?’ એ તેમની મુખ્ય દલીલ હતી. મા તો હજુ પણ લાચાર હતી. તેનો અભિપ્રાય પણ આપી શકે તેવી સ્થિતિમાં મા નહોતી.

મીરાં માતાની વેદનાઓથી દુઃખી હતી.

કેશવલાલે મીરાંને ખુશ ખુશ કરી દીધી.

‘મારી બેટી તો કૉલેજમાં ભણશે. આખી દુનિયા ભણે છે. અરે, એ વિના તો સારા મુરતિયાની ઇચ્છા રાખવી જ નકામી.’

મીરાં આનંદથી નાચી ઊઠી હતી.

લજ્જાની લાગણી તો એકાંતમાં અનુભવી હતી. તેને ભાન થયું હતું કે તેણે પણ, દરેક છોકરીની માફક, લગ્ન કરવાનાં હતાં. હાથ-પગ પર મેંદી લગાડવાની હતી, સરસ તૈયાર થઈને માંડવામાં બેસવાનું હતું. પણ કોની સાથે ? કોઈક તો હશે જ ને ! વિચારી રહી હતી.

આ વિચારો તો ક્ષણિક રહ્યા. બાકી તો તે આનંદસાગરમાં ડૂબી જતી હતી. નવી અનુભૂતિઓ મન ભરીને તે માણી રહી. તેને ભણવું ગમતું. તે અભ્યાસમાં લીન થઈ ગઈ, નવી સખીઓ પણ સાંપડી હતી.

અનેક સૂચનાઓ મળતી. દાદીએ કહ્યું, મમ્મીએ પણ ચિંતા વ્યક્ત કરી. છેલ્લે પપ્પા પણ બોલ્યા. તેના મન પર સતત ઠસાવવામાં આવતું હતું કે... એ છોકરાઓથી દૂર જ રહેવાનુ આમ ન કરવાનું... અને તેમ...

તેના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ. પૂર્વગ્રહ રોપાઈ ગયો.

ક્યારેક થતું પણ ખરું ના, એ છોકરાઓ કાંઈ એવા તો નહોતા જ, જેવા દાદીમા, માબાપ માનતાં હતાં, મનાવતાં હતાં. અનેક પ્રશ્નો ભીતર ઊઠતા હતા ને કરમાઈ જતા હતા.

તેણે એક વાર મહેતા સરની પ્રશંસા કરી.

‘બહુ સરસ... અંગ્રેજી ભણાવે છે... એવું સરસ... કે...’ મમ્મી તાડૂકી :

‘કેવો છે એ માસ્તર ? જુવાન છે ? તને કાંઈ કરતો તો નથી ને ? આટલી ઘેલી શેની થાશ ?’

મીરાંનો થનગનાટ થંભી ગયો. અંતરને વ્યક્ત કરવુંય કોની પાસે ?

કોઈ છોકરો કે મોટો પુરુષ બારી સામે ઊભા હોય તોપણ સૌ ભડકી જતા. અનેક પ્રશ્નોની હારમાળા શરૂ થઈ જતી.

બહારની દુનિયાનો પરિચય થયા પછી તો આ અભાવ રીતસરનો તેને કોરતો હતો.

ક્યારેક તો તેની મમ્મીને સંભળાવી પણ દેતી : ‘મમ્મી... તને મારા પર વિશ્વાસ ન હોય તો ચાલ, તું પણ સાથે, મારી રખેવાળી કરવા.’

પણ બધું વૃથા હતું. તે બે અંતિમો વચ્ચે ઝોલાં ખાતી હતી. તે શું કરે ? તે એ રીતે જીવન જીવતાં શીખી ગઈ. સવાર થતાં જ તેના પગને પાંખો આવી જાય. ઘરના કામકાજ આટોપવા માંડે, ઉંબરા પૂજી, વિષ્ણુસહસ્રના પાઠ બોલતી જાય, તુલસીક્યારે દીવો કરે - બસ ફૂદડીની જેમ ફરી વળે.

શરીર પર સાડી વીંટતી, એક વાર અરીસામાં જરાતરા નીરખી લેતી. સડસડાટ સરી જતી, પોળ પળોટી, તેના મારગે. અને વહેલું આવે બસ-સ્ટૉપ.

કૉલેજમાં તો તેની આખી દુનિયા બદલાઈ જતી. તેના થીજી ગયેલા દેહમાં થનગનાટ વ્યાપી જતો.

બસ, બરાબર ગોઠવાયું હતું, પણ એમાં જ ઓચિંતો આ તનસુખ ક્યાંથી ટપકી પડ્યો ?

દાદી કહેતાં હતાં કે તે અગાશી પર જઈને, કપડાં સૂકવતી મીરાં સાથએ વાતો કરતો હતો, હસતો હતો. તે કૉલેજ જવા નીકળતી કે તરત જ તે સાઇકલ પર ચડીને તેનો પીછો કરતો, તેને ક્યાંક મળતો પણ હતો. અને આમાં મીરાં ભળેલી હતી.

મીરાં તો અવાક્‌ થઈ ગઈ.

ક્યાં છે એ તનસુખ ? લાવો, મારી સામે. તેનામાં ભારે નારાજગી વ્યાપી જતી હતી.

આખી રાત અજંપામાં પસાર થઈ. આવું આળ ? સાવ નિરાધાર !

ઉજાસ થયો. તે ઊભી થઈ. બારીમાથી બહાર દૃષ્ટિ ફેંકી. રસ્તા પર ચહલપહલ શરૂ થઈ. પોળ આળસ મરડીને જાગી રહી હતી. શું હતું સામે ? શું દેખાતું હતું ? સામી અગાશી પર એક યુવાન મંદ મંદ હસી રહ્યો હતો. શું એ જ તનસુખ હશે ? તે વિચારમાં પડી ગઈ.

હા... એ તનસુખ જ હોવો જોઈએ. આ માણસ જ હતો જેણે તેનાં સુખચેન હરી લીધાં હતાં. મીરાં ટીકી ટીકને એ તનસુખને જોઈ રહી.

તેને ખાસ કાંઈ, ખરાબ ન લાગ્યો. દાદી, પપ્પા, મમ્મી તો તેને કેવો વર્ણવી રહ્યાં હતાં ?

હમં... તો આ જ એ તનસુખો.

તેણે હોઠ ભીંસ્યા. પેલો હસી રહ્યો.

બેએક અઠવાડિયાં પછીની એક સવારે આખી પોળમાં વાત ફેલાઈ ગઈ.

કાંઈ સાંભળ્યું ? ઓલો તનસુખઓ.. કેશવકાકાની મીરાંને લઈને.. ભાગી ગયો.

(અખંડઆનંદ)