Swikar books and stories free download online pdf in Gujarati

Swikar

સ્વીકાર

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સ્વીકાર

આમ તો કોઈ મકાનમાલિક, પોતાના ઘરનો ખાલી ભાગ એકલા પુરુષને ભાડે ન જ આપે, ખાસ કરીને જ્યારે ઘરમાં, અનસૂયા જેવડી પરણવાલાયક છોકરી હોય !

પણ એ લોકોની આર્થિક સ્થિતિ જરા પણ સારી ન હતી. અને મકાનની હાલત પણ લગભગ એવી જ હતી.

પરિવારનો મુખ્ય પુરુષ એવી માન્યતાથી ઘેરાઈ ગયો હતો કે આખી દુનિયાનાં બધાં જ કષ્ટો, માત્ર એના પર જ ખડકાયેલા હતા. તે સાવ હરેરી ગયો હતો. જે નોકરી મળી હતી એ સાવ સામાન્ય હતી. ખરેખર તો એની લાયકાત વિશેષ હતી. મનની બીમારી લાંબે ગાળે તનમાં જ પ્રવેશેને ? અને એમ જ થયું હતું.

મુખ્ય સ્ત્રી શિક્ષિકા હતી. ચીપી ચીપીને બોલતી. અકારણ ઉપદેશ આપવા લાગતી. એમાં ખુદ એના પતિને પણ છોડતી નહોતી. મોટી-અર્પણા પરણી તો હતી પરંતુ વર સાથે ન ફાવતાં પિયરમાં આવી પહોંચી હતી. તે વાતવાતમાં રડી પડતી અથવા ગુસ્સે થઈ જતી. તે ક્યારે શું કરશે - એ અનિશ્ચિત જ રહેતું.

અનસૂયા કૉલેજના બીજા વર્ષમાં હતી. તે ભાગ્યે જ બોલતી. તેના ભાગે આજ્ઞા પાળવાની, ઉપદેશો સાંભળવાનું આવતું. તે કાં તો કામો આટોપ્યા કરતી અથવા વાંચ્યા કરતી. વળી શહેર બહાર આવેલી કૉલેજમાં પણ જવું પડેને ? દિવસ તો ક્યાંય પસાર થઈ જાય. રાતે અર્પણા સાથે એક જ પથારીમાં ભીંતસરસી સૂઈ જાય.

‘સાંભળ્યું... જુવાન છોકરીઓએ કેટલું સાચવવું પડે - એનું તને જરા પણ ભાન નથી. જવાહર ચૉકમાંથી પસાર થઈએ ત્યારે ઓઢણીને બરાબર કસી લેવી જોઈએ, શું સમજી? ચોટલા પણ બરાબર પાછળ રાખવાનું અને નજર પણ નીચી જ...!’

અર્પણા ક્યાંય સુધી બબડ્યા કરે. પણ અનસૂયાને તો એમાંય નીંદર આવી જાય. એય વહેલી પડે સવાર !

પંદરના અશોક પર આખો પરિવાર આફરીન. ના, એ કાંઈક જરૂર કરશે - મોટો થઈને. પણ મોટા થવામાં પણ સમય તો લાગે જ ને ?

સંજોગો જ એવાં હતાં કે ઉપરની મેડી ભાડે આપવી પડે અને એય પાછી તાત્કાલિક. આવક ચાલુ થઈ જાય ને વળી ! કેટલી ખેંચ પડતી હતી, દર મહિને ?

અનસૂયા પાસે કૉલેજ જવાના બે જ ડ્રેસ હતા. ચોમાસામાં ભારે મુસીબત થાય. ભીંજાઈને આવે ત્યારે બીજોય પૂરો સુકાયો ન હોય. અશોક માટે સાઇકલ પણ ખરીદવાની હતી. અર્પણા પણ આવી હતી. એવું કશું બોલાય તો નહીં જ, પાછી એ વીફરી બેસે, રીસ ચડાવે. અરે, સામાન પણ બાંધવા લાગે. એનું ભલું પૂછવું. ઘરમાં સહુ મોટીથી ડરે. ‘ના મમ્મી, મેડી કોઈ એકલા પુરુષને ભાડે ના આપતા. ખબર છે ને, કેવાં કિસ્સાઓ બને છે ! અને અનુડીને વે’તોય ક્યાં હતો ?’

મોટીનો વિરોધ પૂરો. અને તેમ છતાં, મેડી ભાડે અપાઈ ગઈ - એકલજીવ વિનોદને. પચીસ વરસનો એટલે જુવાન જ ગણાય ને ?

‘મૂક લપ ભૈ, સારો છે વળી, આખી દુનિયામાં શું, તું ને હું જ સારા ? જેટલું કીધું એટલું આપવા તૈયાર થઈ ગયો ! અરે, અડધાં તો આપી પણ ગયો - ભાડા પેટે !’ ગૃહિણીએ સહુને શાંત કર્યાં.

એક નવો અધ્યાય શરૂ થયો - એ જિર્ણ મેડીવાળા મકાનમાં.

એક બે દિવસમાં એનો થોડો સામાન આવી ગયો.

બૅગ અભરાઈ પર ચઢી ગઈ. એક ખૂણામાં બિસ્તરો ગોઠવાઈ ગયો. ખાળની પેડલી પર પાણીનું માટલું રહી ગયું. થોડી ચોપડીઓ, થોડી ફાઈલો, દાઢી કરવાની કીટ કબાટમાં ગોઠવાઈ ગઈ. ભીંત પર અરીસો, કેલેન્ડર ટિંગાઈ ગયાં. બીજા ખૂણામાં ચટાઈ પથરાઈ ગઈ.

બીજે દિવસે ખુરસી આવી ગઈ. સાંજે નવી ટિપાઈ આવી.

અનસૂયા જાળીવાળી ઑસરીમાં જોયા કરે - આ બધુંય; અજાણ્યા પુરુષની આવજા, દાદર પરની ચડ-ઊતર, વચ્ચે અલપઝલપ દેખાતો ચહેરો.

અશોક તો ઉપર જઈને બધું જોઈ આવ્યો. છોકરો ખરો ને ? ‘એ કહેતા હતા કે આવતે મહિને પલંગેય આવી જશે.’ તેણે નીચે આવીને માહિતી આપી હતી.

અર્પણાએ અનસૂયા ભણી જોયું હતું - ધારી ધારીને. અનસૂયા કશું બોલી નહોતી - કાયમની માફક. વાત સાંભળી તો હોય જ ને ?

ડેલી ખખડે એટલે કોઈએ એ ખોલવા જાવું તો પડે. અત્યાર સુધી તો અનસૂયા જ દોડતી - એ બેઠી હોય પરસાળમાં, ફળિયામાં, દાદરમાં.

અને આવનાર પણ નક્કી જ. પણ હવે તો વિનોદ આવતો-જતો હતો. બે ચાર વાર એને અને અનસૂયાને સામસામા થવાયું - ડેલી વચ્ચે. એ મલકે પછી અનસૂયા થોડી ના મલકે ?

મોટીને લાગ મળી ગયો.

‘જો... આમ જ ફસાવે એ લોકો. તને તો શો અનુભવ, પુરુષજાતનો ? પહેલાં હસે, પછી વાતચીત... પછી ફુમતા, લિપસ્ટીક એવું લઈ આપેય ખરાં.’ એનો ઉપદેશ શરૂ થઈ જ જતો.

‘આપણે છોકરીની જાત. આવું બધુંય ગમે. પણ એમાં સારાવાટ ન મળે. એક વખત લપસ્યાં તો પછી...!’

‘અશોક તો જાય. એ તો પુરુષ છે ને ? બધું સંભાળવાનું સ્ત્રીએ જ. આમ તો સારો દેખાય છે પણ આપણે થોડાં કોઈની ભીતર પેસી શકીએ ? ફળીમાં જાવાનું નહીં, શું સમજી ? ને ડેલી ઉઘાડવા પણ ના દોડવું. ભલેને ખખડાવ્યા કરે.’

અને પછી મા ગુસ્સે થઈ જતી.

‘એલી... આને શાને ઉપદેશ આપ્યા કરશ ? સાવ સીધી છોકરી છે. બે વરસથી કૉલેજ કરે છે. બન્યું કાંઈ અણઘટતું ? ખરેખર તો તું જ પજવ્યા કરતી’તી મને, આવડી હતી ત્યારે ! આ તો સાવ... સીધી લૈનની...’

અને મોટીનો મિજાજ ગયો. બીમાર પિતાએ સમજાવી જોઈ. માએ પણ કેટલી સમજાવી ?

‘મમ્મી... તમે જ ઉપર રહીને અનસૂયાને બગાડશો. પછી પેટ ભરીને પસ્તાશો. મારે શું ? આ ક્યાં મારું ઘર હતું ?’

બીજી સવારે તો સામાન બાંધતીક નીકળી જ પડી, તોબરો ચડાવીને.

તો પણ અનસૂયા મૌન જ રહી હતી.

અશોક મૂકી આવ્યો હતો - બસ સ્ટેન્ડ સુધી.

મોટી જતાં ઘરમાં હળવાશ થઈ ગઈ. જાણે કોઈ ઘરમાં જ નહોતું. અનસૂયાને તો હજીય ભણકારાં વાગતાં હતાં - મોટીનાં. થોડાં દિવસો સુધી તો એમ જ થયા કરે કે હમણાં એ કાંઈક બોલશે, તેને ઉપદેશ આપશે.

અનસૂયાને ક્યારેક હસવું પણ આવી જતું. મોટી નથી જ એની ખાતરી કરવા તે ક્યારેક ફળીમાં પહોંચી જતી.

‘લો, મને કોણ લૂંટી લેવાનું હતું ?’ તે મનોમન હરખાતી.

ડેલી ખખડતી ને દોડી જતી, સાંકળ ખોલવા. ખ્યાલેય હોય કે એ જ હશે - તો પણ.

પણ હવે તે તરત જ નજર ઢાળી દેતી હતી. કદાચ મોટી સાચી પણ હોય ! રાતે વિચાર આવી જતો. મોટી કેમ આટલી ડરાવતી હતી ? કશું થયું હશે એને ? પોતાને તો કશું થતું નહોતું. ક્યારેક છાતીમાં ધબકારાં વધી જતાં હતાં.

ક્યારેક એમ થયા કરતું કે એ ડેલી ખખડાવ્યા જ કરે ! અને તે દોડીને બારણા ખોલ્યા જ કરે !

હવે તો ખ્યાલેય આવી ગયો હતો - એ આગવી લઢણનો સાંકળ ખખડાવે ને થાય કે એ જ ! અને હોય પણ એ જ ! ના, એને ક્યારેય આ કામનો કંટાળો નહોતો આવતો.

બીમાર પતિને મોટીની ચિંતા થતી હતી. આમ રીસાઈને ગઈ એ સારું તો ના કહેવાય. ત્યાં સુખ હશે કે દુઃખ ? આવી ત્યારે કેવી કેવી વાતો કરતી હતી ?

મમ્મી... તમારે મને સોન નદીમાં જ નાખી દેવી હતી ને, એ ઘરમાં આપવા કરતાં !

આવી’તીયે રીસમાં અને ગઈ’તી પણ રીસમાં. પત્નીએ સાંત્વના આપી હતી, પતિને.

‘જુઓ... જમાઈ તો સાવ સીધો છે. આ ઉપરવાળા વિનોદ જેવો જ ! આ તો આપણી અર્પણા જ અવળી છે.’

ખુશીખબરનો પત્ર આવ્યો ત્યારે પત્ની સાચી પડ્યાનો આનંદ પતિના ચહેરા પર હતો.

અનસૂયા બધું જ સાંભળતી હતી - ચોપડી વાંચતાં વાંચતાં.

પહેલી તારીખે તે ભાડું આપી ગયો.

‘છે ને સારો છોકરો ? મોટી તો નાહક પાછળ પડી ગઈ’તી.’ મમ્મી કહેતી હતી ને અનસૂયા સાંભળતી હતી.

‘ચા-પાણીનો વિવેક કર્યો તોપણ તેણે ના પાડી. છે જરાયે ઉપદ્રવ ?’ પ્રશંસા વિસ્તરી હતી.

અનસૂયાને તર્ક આવ્યો હતો. તેણે ચા માટે હા પાડી હોત તો, કેટલું સારું થાત !

ચા તો તેણે જ બનાવવાની હોય ને ? કાંઈ મમ્મી ના બનાવે.

તે ટેસ્ટફુલ ચા બનાવત, ગરમ મસાલાવાળી. પીવે ને મગજ તર થઈ જાય એનું. ક્યાં પીતો હશે ચા ? સવારે, બપોરે... ? ચાની લારી પર કાંઈ આવી ચા ના બને ? તે તો દૂધેય નાખે ખાસ્સું. બે દાણા ઇલાયચીનાય ખરાં. મગમાં ભરીને તે જ આપી આવે, અંદરના ઓરડામાં.

ટેબલલૅમ્પ બળતો રહ્યો ને તે ક્યાં વાંચી શકી હતી ? સારું થયું કે કોઈની નજર આ બાજુ નહોતી.

અર્થશાસ્ત્રમાં જામતું નહોતું.

‘એ તો વારંવાર રટણ કરીએ એટલે યાદ રહી જાય.’ તેને રેખાએ સમજાવ્યું હતું. પણ રટીએ તો ને ?

અનસૂયાને કેવાં કેવાં વિચારો આવી ગયાં !

તે એ અજાણ્યાં પુરુષ સાથે, જાણે-અજાણે એકતાર બની ગઈ હતી.

વિનોદનેય થતું હતું. ચાની ના પાડી એ સારું જ કર્યું હતું. પાછી એને જ બનાવવી પડત, વાંચવાનું પડતું મૂકીને ! તેને આનંદ પણ થયો કે તેણે એક સરસ કામ કર્યું હતું - ના પાડીને.

‘શું હજી વાંચતી હશે ?’ તેને પ્રશ્ન થયો હતો.

‘પાછી કામેય કેટલું કરે છે ?’ સહાનુભૂતિ જન્મી.

‘વાન સહેજ સાંવરો પરંતુ નમણાશ કેટલી ?’ તે આગળ વધ્યો હતો - એક ડગ.

અરે, આમાં તો બેચાર ડગ ભરાઈ જાય ! આટલી જિંદગીમાં કોઈ છોકરી વિશે તેણે આટલું ક્યારેય વિચાર્યું નહોતું. આટલી નિકટ કોઈ છોકરી હતી પણ ક્યાં ?

તે વતનમાં ગયો ત્યારે કેટલી ઉત્સુકતા હતી એ લોકોને, તેના વિશે જાણવાની ? કેટલા પ્રશ્નો પુછાતાં હતાં ?

ગામ કેવુંક છે ? મકાન કેવડું છે ? કેવો લત્તો, કેવાં માણસો, કેવા રસ્તાઓ, વીશીવાળા કેવું જમવાનું આપે, રવિવારે સ્વીટ હોય ખરી, રાતે ઊંઘ આવી જાય ?

પહેલી જ નોકરી હતી અને પહેલી જ વાર ઘર, ગામ છોડ્યાં હતાં. મા-બાપ, ભાઈ-ભાભી, મિત્રો... સહુ કેવી લાગણી દેખાડતાં હતાં ! તેને લાગ્યું હતું કે હવે તે કાંઈક હતો.

‘ભૈ... હવે તો તને પરણાવવોય પડશે ને ! કેટલાં છોકરીવાળાંઓ મળવા આવે છે ?’ માએ હરખાઈને કહ્યું હતું.

કોણ જાણે કેમ પણ તે તરત જ બોલી ગયો હતો - ‘ના મમ્મી, હમણાં એ વાત નહીં.’

તેને આંખો સામે અનસૂયા તગતગી હતી.

‘એ તો બધાંય ના જ પાડે પણ પછી છોકરી જોવે ને તરત જ તૈયાર થઈ જાય.’ ભાભી હસ્યાં હતાં.

એક દિવસ તો ક્યાંય પસાર થઈ ગયો હતો. શું કરતી હશે અનસૂયા - એવો વિચાર આવ્યો પણ ખરો. એનેય રજા જ હશે ને - રવિવારની ?

‘તું તો ભાઈ... ભારે ગંભીર બની ગયો.’ એક મિત્રે ટકોર કરી હતી. ‘પ્રેમ-બ્રેમમાં તો નથી પડી ગયો ને ?’

તે પણ હસી પડ્યો - મિત્રોની સાથે. તેને થયું તો ખરું કે તે અનસૂયાના પ્રેમમાં પડ્યો ગણાય કે નહીં. તે તેને ગમતી તો હતી. બસની મુસાફરી દરમ્યાન પણ એના જ વિચારો આવ્યા કર્યા. વળી થયું કે તેણે તેને ધારીને જોઈ પણ ક્યાં હતી ? બસ... અલપઝલપ જ. ડેલી ખોલીને તરત જ ચાલી જાય અંદર. દાદર ઊતરે ને પરસાળની જાળી સોંસરી - એની બે આંખો દેખાય.

તે તો દાદરમાં બેસીને પણ વાંચતી હોય, ફળીની ઓટલી પર પણ બેઠી હોય, ફળીના બે ક્યારડાને પાણી પણ પાતી હોય. દાદર ઊતરવાનો ખડખડાટ થાય, વળાંક પાસે પહોંચે, ના પહોંચે ને તે તરત અંદર જ સરી જાય.

તેની ફગફગી ઓઢણી કે ઊછળતાં ચોટલાઓ જ દેખાય. ક્યારેક લાગેય ખરું કે તે જોતી પણ હશે, કાંઈ તાકીતાકીને નહીં - પણ અલક ઝલક. અને અવાજેય સૂરીલો.

બીજી સવારે તેણે ડેલી ખખડાવી હતી.

અને અનસૂયાએ બારણું ખોલ્યું હતું, હસતાં હસતાં. સદ્યસ્નાના હતી, સવાર સરખી જ. વિનોદને લાગ્યુંય ખરું કે સવાર સુધરી ગઈ !

તે બોલીય ખરી - ‘લો, આવી ગયા ને !’

અને એ છોકરો ગુલાલ ગુલાલ થઈ ગયો - ભીતરથી.

અશોકે ચાવી આપી - મેડીની.

ચાર મહિના થઈ ગયા - વસવાટના. અનસૂયા ક્યારેય કશું બોલતી નહોતી, પહેલાની માફક જ. એક અંતર જાળવીને રહેતી હતી. ચહેરા પર ક્યારેક તરસ વંચાતી તો ક્યારેક શૂન્યતા. એ સવારે જ ઉમળકો બતાવ્યો. એ શું અમસ્તો જ ? તેને કેટલું સુખ મળ્યું હતું, એ પાંચ પળના બનાવથી ?

એ જળવાઈ રહ્યું હોત તો ? પણ એ તો ભૂંસાઈ ગયું હતું. તેને કોઈએ ઠપકો આપ્યો હશે ? માતાએ, પિતાએ કે... ? કદાચ જાતેય ઠપકો આપ્યો હોય, એમ પણ બને.

પણ ના, તે ગમતી તો હતી જ.

ઘરેથી કાગળો આવતા હતા - ‘ભાઈ, આવી જા. સોનલ સારી છોકરી છે. ભણેલી પણ છે. ઘરમાં સમાય તેવી છે. એક વાર જોઈ લે, મળી લે...’

પછી રમા, સૂર્યા, શ્રાવણી... એમ કાગળો આવ્યા કર્યા. તે તો એક જ રટણ કરતો હતો - હમણાં નહીં. હું જ કહીશ તમને. ‘નથી મળતી રજા. ઓડિટ ચાલે છે, સાહેબ રજા પર છે. મશીનરી બદલાઈ છે...’ વગેરે વગેરે.

પણ પેલું અંતર કેમ ઓછું થતું નહોતું ? જાળી પાછળથી જોયા કરવું, દાદર ઊતરવાની સાથે ઝટપટ સરકી જવું - એ પણ એમ જ હતું - શું ગણવું આને ?

ઑફિસવાળા મિત્રે પૃચ્છા કરી - ‘ક્યાં રહે છે તું ? કોણ છે મકાનમાલિક ? છ માસ થયા ? પણ સંભાળીને રહેજે. નથી ને કોઈ જુવાન છોકરી ત્યાં ? એ લોકો આવી બાબતમાં ખૂબ જ લાગણીશીલ હોય છે. મજાક-મશ્કરી પણ ન થાય, સમજ્યો.’

વિનોદ હતાશ થઈ ગયો.

આ લોકો આવા તો નહીં હોય ને ? અનસૂયાને કદાચ હું પસંદ પણ ના હોઉં. એવું કશું હોય તો તે વ્યક્ત તો કરે ને ?

એમ ગણો તો વિનોદ પણ વ્યક્ત થયો હતો, ખરો ? ના, તેણે પુરુષ હોવા છાતં કશું કર્યું નહોતું. પહેલ તો પુરુષે જ કરવી પડે. પણ... કશું લાગવું તો જોઈએ ને ?

બે રેખાઓ સમાંતર હતી.

અશોક સાથેની વાતોમાંથી પણ તે ગમતી વાત કઢાવવા મથતો હતો, પણ કશું મળતું નહોતું.

અને એકાએક ધારણા પર આવી ગયો કે અનસૂયા માત્ર એક મૃગજળ હતું. એ લોકોને મન - તે એક ભાડુવાત જ હતો.

આ મથામણનો કશો અર્થ જ નહોતો.

મન ખાલીખમ થઈ ગયું. પછી મકાન ખાલી કરવામાં શી વાર ? કહી દીધું મિત્રોને. છે ખ્યાલમાં કોઈ...

‘લગ્ન કરે છે કે શું ?’ એક મિત્રે હરખાઈને કહ્યું હતું.

‘કાંઈ લફરું બફરું તો નથી કર્યું ને ત્યાં ?’ બીજાએ કહ્યું હતું. મન ડામાડોળ થઈ ગયું. પછી એની અસર તન પર થતાં શી વાર લાગે ?

હવે તો ડેલીની સાંકળ ખખડાવવામાં પણ રસ પડતો નહોતો. દાદર ચડવાનોય કંટાળો આવતો હતો.

એક સાંજે એનો કંપતો હાથ ડેલીની સાંકળ પર અથડાયો હતો. બીજા હાથમાં ઑફિસની ફાઈલો હતી.

અને અનસૂયાએ જ ડેલી ખોલી હતી. કાયમની માફક પછી ફરવા જતી જ હતી પણ જોવાઈ ગયું.

‘તમને ઠીક નથી કે શું ?’ લગભગ ચીસ જેવું જ થયું.

‘હા... તમને તો તાવ છે, ધખધખતો !’ ચિંતા વ્યક્ત થઈ.

‘ના, નથી જાવું ઉપર - આ સ્થિતિમાં...’ નિર્ણય પણ લઈ લીધો અનસૂયાએ.

ઘરે ક્યાં કોઈ હતું - મમ્મી, પપ્પા કે અશોક ?

એ લોક કોઈ પ્રસંગે ગયા હતાં - સંબંધીને ત્યાં. છેક રાતે આવવાના હતા - અને એ ઘર સાચવતી બેઠી હતી.

‘ચાલો... નીચે.’ તે બોલી.

તેણે હાથ પકડી લીધો વિનોદનો અને દોરવાય માંડી.

‘ના... ના... મને ઉપર જવા દો. તમને નાહક તકલીફ...’ વિનોદે આનાકાની કરવા માંડી, ત્રુટક ત્રુટક શબ્દોમાં.

અનસૂયાએ એને અશોકની પથારીમાં સૂવડાવ્યો - ‘શું કરવું’નો ઉકેલ બે પળમાં આવી ગયો.

બે તપેલીઓ આવી ગઈ, મીઠાની બરણી આવી ગઈ. બેચાર લુગડાંય આવી ગયાં.

હાથ-પગ સ્ફૂર્તિથી ચાલવા લાગ્યા. પેલાંની આંખો તો મીંચાયેલી જ હતી.

પાસે જ બેસી ગઈ - ફરસ પર.

કપાળ પર ઠંડું પોતું મુકાયું, અનુભવાયું અને આંખો ખૂલી - સમજ પડી કે એ શું કરી રહી હતી.

‘રહેવા દોને... તકલીફ...’ શબ્દો તરફડ્યાં.

અને એ તરત જ બોલી - ‘ના પાડો તો તમને તમારી અનસૂયાના સોગન.’

(શબ્દસૃષ્ટિ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED