Uphar books and stories free download online pdf in Gujarati

Uphar

ઉપહાર

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ઉપહાર

આમ તો સવારનો પહોર હતો, પણ મમતા ત્યાં સુધી પહોંચતાં પહોંચતામાં પરસેવે રેબઝેબ થઈ ગઈ.

તે જાગી તો ગઈ હતી. વિચારતી હતી કે પતિનો ફોન કદાચ આવે પણ ખરો. આમ તો પરેશને કામના સમયે ફોન કરવાનું હોતું ગમતું. બસ, કામ એટલે કામ. એમાં બીજી ખલેલ પસંદ ના પડે. મમતાને તો પ્રતીક્ષા કરવી પડતી, પતિની કે પતિના ફોનની. તે પોતે તો સામેથી ફોન કરી શકતી નહોતી.

પરેશ બિઝનેસ ટ્રીપ પર હોય ત્યારે તે સાવ એકલી બની જતી. અવનવા વિચારો આવતા. ઉદાસી ઘેરી વળતી. પિસ્તાલીસ વર્ષની મમતા એકલતાથી થાકી જતી. ક્યારેક તો રડી પણ પડતી.

તરજને ફોન કરતી, પણ એ મળે તો ને ?

‘હશે ક્યાંય હરતીફરતી !’ આ ઉંમર છે એ લોકોની. તે મનને વાળી લેતી. પુત્રી સાસરે હતી, આ મહાનગરને બીજે છેડે.

એ હતી ત્યારે મમતાને નિરાંત હતી. તરજ સાથે હોય પછી શાની ચિંતા ? ખૂબ જ બોલકી, મનમોજી અને રમતિયાળ. એ હતી ત્યારે મમતાને કશો અભાવ વર્તાતો નહોતો.

એ સમયે, પરેશ પણ આટલી ટ્રીપો ક્યાં કરતા હતા ? મમતાને બરાબર યાદ હતું.

પણ ધંધો વિસ્તરે પછી આ બધું વધેને.

પચાસ વર્ષેય પરેશ કેવા યુવાન જેવા...

તે શરમાઈ જતી.

અને એ સવારે ફોન આવ્યો પણ ખરો. તેણે સૂતાં સૂતાં જ રીસિવર કાને મૂક્યું. કોઈ અજાણ્યો પુરુષ-સ્વર સંભળાયો :

‘તમે જ પરેશભાઈ શાહનાં...’

‘હા... હું જ...’ તે ઢીલી પડી ગઈ. શું હશે-ની આશંકા વળગી.

‘હું પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ બોલું છું સરકારી હૉસ્પિટલમાંથી. તમે અહીં આવી જાવ. મિસ્ટર શાહની કારને અકસ્માત થયો છે. ડાયરીમાં તમારો ફોન નંબર હતો અને જુઓ, મિસ્ટર શાહ ભયમુક્ત છે. થોડી ઈજાઓ થઈ છે, પણ બચી ગયા છે. ચિંતાનું કોઈ કારણ નથી અને હા, સાથેની ઓરતને તો ખાસ કશું થયું નથી. બસ, થોડાં ઉઝરડાં જ.’

શબ્દોમાં માહિતી અન અનુકંપા બંને હતાં પરંતુ અકસ્માતને હળવો કેવી રીતે લઈ શકે મમતા !

‘હું આવું છું.’ કહી તેણે ધ્રૂજતા હાથે ફોન મૂક્યો.

બે પળ માટે તો થીજી જવાયું. તેણે તરત પુત્રીને ફોન લગાડ્યો. રિંગ પૂરી થઈ ગઈ. નહીં હોય ? પાર્થ પણ નહીં હોય ? કે પછી ગાઢ નીંદરમાં હશે ?

ફરી રિંગ કરી. અનેક વિચારો આવી ગયા.

‘હેલ્લો...’ તરજનો ઊંઘરેટો અવાજ સંભળાયો. મમતાના જીવમાં જીવ આવ્યો.

‘કોણ, બેટા તરજ...?’

અને મમતાએ પુત્રીને બધી વાત કહી. તરજે પ્રત્યુત્તર વાળઅયો હતો : ‘ઓહ ઍક્સિડન્ટ ? મમ્મી, અમે દશેક મિનિટમાં જ...!’

મમતાનો શ્વાસ થોડો હેઠો બેઠો. હવે તે એકલી નહોતી. પાર્થ અને તરજ બહુબહુ તો કલાકમાં આવી પહોંચશે.

તે ઝટપટ તૈયાર થઈ. ચૉકમાંથી રિક્ષા પણ મળી ગઈ। મન વળગ્યું પતિમાં. શું થયું હશે ? એ લોકોએ ફોનમાં ખોટું તો નહીં કહ્યું હોય ને કે અ ભયમુક્ત...

કશી ગંભીરતા તો નહીં હોય ને ? ફોન પર તો આમ જ જણાવેને ! શા માટે નાઇટ ડ્રાઇવિંગ કરવું જોઈએ ? હવે કાંઈ ઉંમર ગણાય એવું કરવાની ? અને આટલો પથારો પણ શા માટે રાખવો ? તરજ સુખી છે, તેને ઘરે. બે માણસો ને આટલી બધી તરખટ ?

તે સતત વિચારતી રહી. થાકી ગઈ. અંકે તેને જ ભારથી ઑર્થોપેડિક વિભાગનો ઑપરેશન ખંડ આવ્યો ત્યાં સુધીમાં તો તે રીતસરની હાંફી ગઈ.

એક પલંગમાં પરેશ સૂતો હતો. શરીર પર શ્વેત પાટાઓ બંધાયેલા હતા. હા, ચહેરો એનાથી મુક્ત હતો.

તે એ પલંગની કોર પર બેસી ગઈ.

‘બહેન... આવી ગયાં ? સરસ... જુઓ, અકસ્માતના પ્રમાણમાં પરેશભાઈને સાવ સામાન્ય ઈજાઓ થઈ છે. મોર્ફિયાનું ઇન્જેક્શન આપ્યું છે એટલે થોડો સમય આરામ મળશે તેમને.’ કદાચ સાંજ સુધીમાં તો બરાબર થઈ જશે.’ ડૉક્ટરે માહિતી આપી.

‘અને તેમણે હમણાં સ્ટેટમેન્ટ પણ આપ્યું. ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો, પણ સિસ્ટર શાહર તો આબાદ બચી ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરે માહિતીનો વ્યાપ વિસ્તાર્યો.

‘અને આ ઓરત તો સાવ બચી ગઈ. આગલી સીટમાં હતી તોપણ થોડાં ઉઝરડાં જ.’

એક કૉન્સ્ટેબલે ખંડમાં બીજા છેડા તરફ સંકેત કર્યો.

મમતાની દૃષ્ટિએ દિશામાં ધકેલાઈ. મન ખળભળી ઊઠ્યું.

ફોનમાં પમ આવો કશો ઉલ્લેખ થયો હતો અને એ સામે જ હતી પાંચસાત ફૂટ દૂર... ઓરત ?

ભીંત સરસા પલંગ પર એ સૂતી હતી. સ્લીવલેસ ટૉપ અને જીન્સમાં બરાબર તરજ જેવી જ લાગતી હતી.

મમતાએ અનુમાન કર્યું કે લગભગ વયમાં પણ તરજ જેવડી જ હશે. ગૌર હતી. નમણીયે લાગી મમતાને.

પણ પરિચય તો ના જ થયો એ છોકરીનો. દેખાવમાં તો સાવ બિન્દાસ હતી. આંખોમાં લજ્જા હતી, ભય હતો.

તે પણ મમતાની માફક વિચારમાં પડી હતી. બંને છેડે વિસ્મય હતું. તે નાનકડી પર્સથી શરીરન ઢાંકવા મથતી હતી. એમ લાગતું હતું કે તે મમતાથી ડરતી હતી.

‘આ છોકરી... પરેશની સાથે ક્યાંથી ?’ મમતાને પ્રશ્ન થયો હતો. રાતે તો કોઈ છોકરી અજાણ્યા પુરુષ સાથે લિફ્ટની માગણી ના કરે. વળી, આ તો આગલી સીટમાં બેઠી હતી !’

મન ચકરાવે ચડી ગયું.

‘ના, આ છોકરી સીધીસાદી નહોતી. કોઈ ધંધાદારી...? તરત જ પ્રશ્ન થયો. તે નખશિખ ધ્રૂજી ઊછી. તો શું પરેશ ?

મમતાએ દૃષ્ટિ પાછી ખેંચી લીધી. ભારોભાર અણગમો વ્યાપી ગયો. પતિ તો નિરાંતે સૂતો હતો, બેહોશીમાં. વેદના અને પીડાથી પર હતો. તેની માફક વિચારતો નહોતો, વિચારી શકતો નહોતો. એક ભયાનક વિચારે તે હચમચી ગઈ.

‘શું પરેશને આ છોકરી સાથે એવો સંબંધ તો નહીં હોયને ? તરજ જેવી ને જેવડી છોકરી સાથે ?’

આ બિઝનેસ ટ્રીપો શું એ માટેનું એક બહાનું જ હશે ? પત્ની અને પરિવારથી દૂરદૂર જઈને પરેશ આ છોકરી સાથે મોજમજા કરતા હશે ? શું પરેશ આટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા હશે ?

મમતાના મસ્તક પર હથોડા પછડાતા હતા.

આ અકસ્માત થયો ને આ જોવાનું થયું, અન્યથા આ સંબંધ સુંવાળી આડશોમાં ચાલ્યા જ કરત ને ?

અત્યારે ખંડમાં માત્ર ત્રણ વ્યક્તિઓ જ હતી મમતા, પરેશ અને પેલી છોકરી.

અચાનક પરસાળમાં બેત્રણ સ્ત્રીઓ વચ્ચે થતી ધીમી વાતચીત મમતાના કર્ણપટ પર અથડાઈ :

‘આ આવી એ પત્ની અને પેલી સૂતી છે એ...’ એક સ્ત્રીસ્વર સંભળાયો.

‘સૂતી છે એ મોબાઈલ...’ બીજો સ્ત્રીસ્વર સંભળાયો.

અને પછી દબાતું, સ્ફૂટ થતું હાસ્ય સંભળાયું.

‘મોટાઓની લીલા તો ભારે. એમાં તો ખુદ ભગવાન પણ પાછા પડે. જોઈ લો, નમૂનો છે ને ?’ કેવી ટેસથી સૂતી છે જાણે ! બાકીના શબ્દો હાસ્યમાં દબાઈ ગયા.

મમતાએ તેના બંને હાથ, કાન પર મૂકી દીધા. ‘કેવો સમય આવ્યો હતો ? લોકો હસતાં હતાં આ કરુણાભરી સ્થિતિ પર. પરેશને સહેજ પણ વિચાર નહીં આવ્યો હોય આ દિશામાં ડગ ભરતાં ? કે પછી તેને મારામાંથી રસ ઊડી ગયો હતો ?

એમ જ હશેને ? આ નવું રમકડું પસંદ પડી ગયું હશે, જૂનાની તુલનામાં.

મમતા ઉદાસ થઈ ગઈ. પેલી છોકરી પણ છાની નજરે મમતાને અવલોકી રહી હતી. તે મમતાને કશું કહેવા ઇચ્છતી હતી પણ તેના હોઠ ખૂલતા નહોતા. તેને ખ્યાલ આવી ગયો હતો કે સામેની સ્ત્રી તેને બરાબર ઓળખી ચૂકી હતી.

અરે, એ લોકો હાજર હતાં - એ પણ વાત જાણતાં હતાં. પેલી નર્સોની વાતચીત તેના કાને પણ પડી હતી.

‘આ અકસ્માતે એક છાના સંબંધને ખુલ્લો કરી નાખ્યો હતો. પેલી સ્ત્રીને દુઃખ તો થાય જ. પણ મેં ક્યાં એ પુરુષને આમંત્રણ આપ્યું હતું ? આ સંબંધ તો અચાનક જ બંધાઈ ગયા હતા.

તેમણે કહ્યું હતું : ‘મારી સ્ત્રી માનસિક રીતે પંગુ છે. સામાજિક રીતે તેનો ત્યાગ કરી શકું તેમ નથી, બાકી સુખ જેવું કશું રહ્યું નથી.’

પછી પોતે ઢળી હતી - એ પુરુષ તરફ.

અને તેની પણ લાચારી તો હતી જ. માબાપ, નાનો ભાઈ... તેના પ્રતિ જોઈ રહ્યા હતા આશાભરી નજરે. જાનકીને ક્યાંક નોકરી મળી જાય તો... પરિવાર નભી જાય અને એ પણ ક્યાં કાયમ કરવાની હતી ? આ નાનો પગભર થાય ત્યાં સુધી જ.

એ પછી તો જાનકીને રંગેચંગે પરણાવી દેવી હતી. અશક્ત બાપની આ મનોકામના હતી.

જાનકી... છેક અહીં સુધી પહોંચી ગઈ, સભાનતાથી પહોંચી ગઈ. ‘લગ્ન કરીને પણ એક પુરુષને ખુશ કરવાનો જ છે. તો આમાં અયોગ્ય શું ? આ પણ એ જ છે ને ?’

જાનકીએ મનને અને પછી તનને સમજાવ્યું હતું. પણ જે તેણે એક પત્નીનું દર્શન કર્યું હતું, સામે બેઠેલી સ્ત્રીમાં. નામ તો જાણતી નહોતી. આ પુરુષે તો કહ્યું હતું કે એનામાં માનસિક પંગુતા હતી. એવું તો કશું લાગ્યું નહીં. ખાસ્સી સ્વસ્થ હતી, અદ્દલ તેની મા જેવી. આ તો છલના જ હતી, આપલે માટેની પૂરાં બે વર્ષથી આ સંબંધ ચાલતો હતો. એ ખુશ હતો અને પોતેય ખુશ જ હતી ને ?

તેણે સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે આ સાહેબે મને લિફ્ટ આપી હતી. તેને આ શહેરમાં અગત્યનું કામ હતું. પહોંચવું જરૂરી હતું. તે તો નામ સુધ્ધાં જાણતી નથી આ ગાડીવાળા સાહેબનું. તેમણે કૃપા કરીને તેને લિફ્ટ આપી હતી.

એ દરમ્યાન, તેને પરેશ શાહ સામે ગાળેલા ત્રણ દિવસો યાદ આવ્યા હતા. પરેશ શાહ અજાણ્યાં સ્થાનો જ પસંદ કરતા જ્યાં તેમને ઓળખનાર કોઈ ના હોય.

પણ હવે શું ? વળગી જ રહેવું પડે આ લિફ્ટ આપી એ વાતને, સજ્જડ રીતે વળગી રહેવું પડે. શાહ સાહેબને મુશ્કેલી પડે એવું કશું ના કરાય. ચિક્કાર પૈસા આપતા હતા. એ ભારે ઉદાસ હતા. શાહસાહેબ તેના પર વરસતા જ હતા.

તેણે મન મક્કમ કરી લીધું : બસ, વળગી જ રહેવું લિફ્ટવાળી વાતને. શાહસાહેબે પણ એમ જ લખાવ્યું હતું. તેણે બરાબર સાંભળ્યું હતું. પછી તેણે પણ એ પ્રમાણે લખાવ્યું હતું.

જોકે એ જવાબ સાંભળીને પેલો ઇન્સ્પેક્ટર જરા હસ્યો હતો, અસ્વીકાર કરતો હોય તેવું.

એ પ્રશ્ન જરા બીજી રીતે પૂછ્યો હતો, ‘તમારે સાહેબ સાથે કોઈ જૂની ઓળખાણ...’

તેણે સિસકારો કર્યો હતો, જકમ ચચર્યો હોય એ રીતે.

મમતાને એક ચિંતાએ ઘએરી હતી. તરજ અને પાર્થ હવે ગમે એ ક્ષણે આવી પહોંચ તેમ હતાં.

અને એ લોકો તો તરત પારખી લે આ છોકરીને. શંકા તો જન્મે જ. પાર્થને થાય અને પુત્રીને પણ થાય જ. આ સમજવું કાંઈ અઘરું તો નહોતું જ.

આમ રાતે કોઈ લિફ્ટ માગે જ નહીં, એની સમજ તો પડે જ ને ? મમતાના મનમાં ફડક પેઠી કે શું કરવું ?

આ છોકરી જન્મજાત આવી થોડી હશે ? આ પુરુષે જ તેને લલચાવી હતી, એ રસ્તે દોરી હશે.

આમાં તરજ શું વિચારે તેના પતિ વિશે ? શરમથી પાણી પાણી થઈ જાય. તેણે સમય જોયો. હવે એ લોકો આવી શકે થોડી ક્ષણોમાં. અને એ પછી તો તે કશું જ કરી શકે નહીં.

તે ઊભી થઈ. ધીમે પગલે પેલી છોકરી પાસે આવી. ચાર આંખો ટકરાઈ. બે આંખો ભીની હતી, બે સૂકી.

મમતાએ નિર્ણય કર્યો હતો : બસ... તે એમ જ કરશે.

‘કેમ છે તને ?’ તેણે પ્રેમથી પૂછ્યું.

જાનકીની આંખો દ્રવી ઊઠી.

‘જો, તારું નામ ગમે તે હોય પણ મને તારા પર લાગણી થાય છે. તારી પણ કોઈક લાચારી હશે, નહિ તો કોઈ સ્ત્રી આ રસ્તે ના જાય.’ મમતા શ્વાસભેર બોલી ગઈ. જાનકીનો ચહેરો સાવ વિલાઈ ગયો. પ્રતીકાર કરવાને બદલે તેણે હકારમાં મુખ હલાવ્યું.

‘કદાચ તને મારા પતિએ પણ આ માટે પ્રેરી હોય...’ મમતાએ દોર લંબાવ્યો.

જાનકીએ તેને બરાબર સાંભળી ફરી હકારમાં સંકેત કર્યો.

‘કેટલાં વર્ષથી આમ ચાલે છે ?’ મમતાએ પૂછ્યું.

‘બે વર્ષથી લગભગ...’ જાનકીએ તરત જ ઉત્તર વાળ્યો.

મમતાએ પોતાની પર્સ ખોલી. જાનકી જોઈ રહી.

મમતાએ થોડી નોટો કાઢી. ગણ્યાં વિના જ જાનકીને આપી દીધી. ‘નવી જિંદગી શરૂ કરવા માટેનો આ નાનકડો ઉપહાર.’ એમ બોલી પણ ખરી.

અને ત્યાં જ દોડતી દોડતી તરજ પ્રવેશી હતી.

‘આવ બેટા તરજ... સારું છે તારા પપ્પાને, બચી ગયા અને જો બેટા, આ પણ તારા પપ્પા સાથે આવતી હતી, આપણને મળવા. મારી સખી અનસૂયાની દીકરી છે. શું નામ છે તારું ? હું તો ભારે ભૂલકણી હં... જાનકી... તેને ખાસ ઈજા નથી થઈ. ખરુંને જાનકી ?’

જાનકી તેનાં આંસુ હવે ખાળી ના શકી.

તેણે જોયું કે હોશમાં આવી ચૂકેલા પરેશ શાહ અને લૉબીમાં મજાક કરતી નર્સ આ છેલ્લાં વાક્યો સાંભળતાં હતાં.

આ અમૂલ્ય ઉપહાર હતો.

(કુમાર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED