સપના અળવીતરાં - ૩૫ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૩૫

"નો, શી ઇઝ લાયિંગ... "

રાગિણી ના કાન ચમક્યા, આશ્ચર્ય થી આંખો પહોળી થઈ ગઈ... તેણે અવિશ્વાસ ભરી નજરે સમીરા સામે જોયું. સમીરા હજુપણ એટલી જ ભયભીત જણાતી હતી. તેણે સમીરાનો હાથ પકડવાની કોશિશ કરી, પણ સમીરા હાથ છટકાવીને થોડી દૂર ખસીને બેસી ગઈ. હવે પોતાની વાત સમજાવવાની સંપૂર્ણ જવાબદારી તેની એકલીની જ છે એમ સમજાય જતા તેણે સમીરા ને છોડી બાકી બધા પર ફોકસ કર્યું.

"પ્લીઝ, મારી વાત ધ્યાનથી સાંભળો. આને વરદાન કહેવું કે અભિશાપ, મને નથી ખબર. પણ જ્યારથી સમજણી થઈ છું, મને કેટલીય વાર ચિત્રવિચિત્ર સપનાઓ આવે છે, વારંવાર આવે છે. કેટલાક તરત સમજાય છે, તો કેટલાક મોડેથી... જ્યારે સાચા પડે ત્યારે! મને નથી ખબર કે ક્યારે કયુ સપનુ હકીકત બની સામે ઊભું રહેશે?.... પણ, હકીકત નું સ્વરૂપ મેળવી લીધા પછી એ સપનુ ફરી નથી આવતુ. "

રાગિણી એ બોલવાનું પૂરું કર્યું એ સાથે પીનડ્રોપ સાઇલન્સ છવાઇ ગયુ. બધા અવાક્ બની સાંભળી રહ્યા હતા. સૌથી પહેલાં શિંદે સરે મૌન તોડ્યું. એક ખોંખારો ખાઇને બોલ્યા,

"ચાલો, માની લીધી તમારી વાત. એક કામ કરો, તમારુ સપનુ ડિટેઇલ માં જણાવો."

એક આછી કંપારી તેના રોમેરોમ માં વ્યાપી ગઈ ફરી એ ભયાવહ સપનુ યાદ કરવાથી. તેણે બોલવાનું શરૂ કર્યું અને શિંદે સરે લખવાનુ.

"સૌથી પહેલા ઈમરાન નો ફોન આવ્યો હતો. "

પોતાનુ નામ સાંભળી ઈમરાન ના કાન ચમક્યા. તે જરા ટટ્ટાર થઈ ગયો. શિંદે સર લખવાની સાથે સાથે ત્યાં હાજર દરેક ના હાવભાવ માં આવતા પરિવર્તન ની પણ માનસિક નોંધ લઇ રહ્યા હતા. આ બધા થી દૂર, રાગિણી ફરી પોતાના સપનામાં ખોવાઈ ગઈ હતી. તે ફરી એ સપનુ જોઇ રહી હોય એમ એક એક વિગત બોલી રહી હતી.

" તેણે કહ્યું, 'હલો રાગિણી... આપણે મોડા પડ્યા... તેને બચાવી ન શક્યા... ' બસ, કોલ કટ થઈ ગયો. હું હાંફળીફાંફળી થઈ ગઈ. આટલી જ વાત, આગળ પાછળ નું કોઈ અનુસંધાન નહિ, મેં ફરી ઇમરાન ને કોલ કરવાની કોશિશ કરી, પણ સડનલી હું એનો નંબર જ ભૂલી ગઈ! પછી મેં મોબાઈલ મા કોલ લિસ્ટ, કોન્ટેક્ટ લીસ્ટ બધું ચેક કર્યું, પણ નંબર ન મળ્યો... હું એકદમ હાંફળી ફાંફળી થઈ ગઈ. અચાનક એક ચહેરો નજર સામે આવ્યો અને મનમાં ઊગી આવ્યું કે બધી ભૂલ એની જ છે. એ ઈચ્છત તો કદાચ... "

"એક મિનિટ, તમે એ ચહેરાને ઓળખો છો? "

શિંદે સરે વચમાં જ પૂછ્યું. રાગિણી એ નકારમાં ડોક હલાવી. એટલે એક નવો પ્રશ્ન આવ્યો,

"ઓકે. એ ચહેરો ભવિષ્ય માં તમારી સામે આવે તો તમે ઓળખી શકો? "

હવે રાગિણી ની આંખમાં ચમક આવી ગઈ. તેણે પોતાની બુકમાં એક સ્કેચ બતાવ્યો અને પૂરા વિશ્વાસ સાથે કહ્યું,

"હું એક વાર જોયેલા ચહેરા ક્યારેય ભૂલતી નથી. "

એ સ્કેચને બધા ધ્યાનથી જોઈ રહ્યા હતા, માત્ર સમીરા સિવાય! શિંદે સરે આ વાત નોંધી ને રાગિણી ને આગળ કહેવા ઇશારો કર્યો.

"બસ, પછી ડોરબેલ વાગી. હું દોડતી દરવાજે પહોંચી. જસ્ટ ફોર અ વ્હાઇલ, આઇ રીમાઇન્ડ ઓફ માય પેઈન, બટ ઈટ ડઝન્ટ એક્ઝીસ્ટ એટ ઓલ. એટલે જ કહું છું કે આપણી પાસે માત્ર એટલો જ સમય છે... મારો દુખાવો મટવા જેટલો... "

"ઓકે. પછી? "

"પછી હું દોડતી દરવાજે પહોંચી. દરવાજો ખોલ્યો અને બે હાથ દેખાયા. "

રાગિણી એ ફરી બુકમાં એ હાથ અને બોક્ષવાળો સ્કેચ બતાવ્યો. "

"એ સિવાય? કંઈ ખાસ? "

"હા, એક વાત છે. દરવાજે પહોંચવા માટે મારે ઘણુ દોડવુ પડ્યુ. અને આ જગ્યા પણ બદલાઈ ગઈ હતી. બસ, કાળું ડિબાંગ અંધારુ... મને કશું જ દેખાતું નહોતું. ઇન્ફેક્ટ, દરવાજો પણ મારા ઘરનો નહોતો. બસ, બે સાદા પાટિયા ઉભા કરીને આંકડો લગાવી દીધો હતો. ઇવન કોઇ કલર કે ડિઝાઇન પણ નહોતા. અને અંધારુ એટલુ બધુ હતું કે હું સામેવાળાનો ચહેરો પણ ન જોઈ શકી... "

"હંમ્... પછી? "

"પછી... બસ, બે હાથ, એમાં ઝીલાયેલા, એકની ઉપર એક ગોઠવેલા ત્રણ બોક્ષ... ઉપરનું સૌથી નાનું બોક્ષ ખોલ્યું તો એમાં એક માસુમનું મસ્તક... પાંપણ પર થીજેલા આંસુ અને હોઠ પર મુસ્કાન ... "

"પછી? "

"સ્ટોપ.... પ્લીઝ સ્ટોપ.... "

શિંદે સરને રાગિણી કંઈ જવાબ આપે એ પહેલાં જ સમીરાએ જોરથી ચીસ પાડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. બધા આશ્ચર્ય ચકિત થઈ સમીરા સામે જોઈ રહ્યા. રડતા રડતા સમીરા લવારીએ ચડી હોય એમ બોલવા માંડી...

"કંઇ નહિ થાય મારા વરૂણ ને... વિશાલ આવું ન કરી શકે... ક્યારેય નહિ... "