સપના અળવીતરાં ૧ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૧



ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ્યા. ચેતાતંત્ર જાણે કે બહેર મારી ગયું હતું. ગળામાં સખત સોસ પડતો હતો, જીભ ઝલાઈ ગઈ હતી, કોઈજ શબ્દો બહાર નહોતા નીકળી શકતા, કાનમાં એ જ શબ્દો પડઘાતા હતા અને નજર સામે લાલ શબ્દો આળોટી રહ્યા હતાં-
પોઝિટિવ … ધ રિપોર્ટ ઇઝ પોઝિટિવ

વિશ્વાસ નહોતો બેસતો. શક્ય જ નથી. આ બને જ કેવી રીતે? એની તો ટેસ્ટ કરાવવાની પણ તૈયારી નહોતી. માત્ર ડોક્ટર ના આગ્રહ ને વશ થઇને...અને પરિણામ? એ જ લાલ અક્ષરોની ભૂતાવળ... પોઝિટિવ.

સારું થયું કે હાથને દીવાલ નો ટેકો મળી ગયો. એ ટેકાના આધારે શરીરનું બેલેન્સ સચવાઈ રહ્યું. નહિતર, મનની સાથે સાથે શરીર પણ… દીવાલના ટેકે ઉભા રહીને વિચારવા માંડ્યું. બસ, વિચાર્યા જ કર્યું. એને થયું કે ક્યાંક ભાગી જાય. આ બધાથી દૂર, બધા જ થી દુર, ક્યાંક જ્યાં માત્ર એની એકલતા એની સાથે હોય, બીજું કોઈ જ ન હોય, તેના વિચારો પણ નહીં… અને તેણે ચાલવા માંડ્યું. બસ ચાલ્યા જ કર્યું… ચાલ્યા જ કર્યું, પગ જ્યાં લઈ જાય ત્યાં જવાનું નક્કી કર્યું. પગ આગળ વધતા ગયા, સાથે વિચારો પણ. અને છેલ્લે… તેના પગ ને કંઈક ઠંડક અનુભવાઇ. પાણી તેના બુટ ની અંદર પ્રવેશી ચૂક્યું હતું. તેનું જીન્સ નીચેથી ભીનું થતું જતું હતું. ઠંડક તેના ગોઠણ સુધી પ્રસરી અને પાછું ફરતું મોજુ ક્ષણવાર પૂરતું તેના વિચારોને તેનાથી દૂર કરતું ગયું. 

બસ એ ક્ષણમાં તેણે ઘણું બધું મહેસૂસ કરી લીધું. પાણી ના ઉછળતા મોજા નું સંગીત, લોકોનો ઘોંઘાટ, નાના ટાબરિયાંઓ નો કિલકિલાટ, ઠંડી હવા, હવા સાથે ઉડતી રેતી, સંધ્યા ની સુગંધ, અસ્ત થયેલા સૂર્યનું છેલ્લું ટપકુ અને… ભરતીના આવેગમાં કિનારાની મર્યાદા ઓળંગવા તલપાપડ એવો દરિયો. 

બસ એ ક્ષણ પૂરી થઈ અને ફરી વિચારો નું આક્રમણ ચાલુ થઈ ગયું. મર્યાદા… ક્યાં ચૂકી જવાયું હતું કે જેનું આવું ભયંકર પરિણામ… કંઈ જ સમજાતું નથી. બસ, થોડાક પગલાની પીછે હઠ કરી રેતીમાં બેસી જવાયું. એને રડવું હતું, ખૂબ-ખૂબ રડવું હતું પણ, બસ શૂન્યમનસ્ક બંને આંખો ક્ષિતિજમાં તાકી રહી. સમય વિતતો રહ્યો, ઘોંઘાટ ઘટતો ગયો, જનસંખ્યા પાંગળી બનતી ગઈ. બાળકોનો કિલકિલાટ તો જાણે ખોવાઈ જ ગયો! છતા આંખો ક્ષિતિજ પર થી ખસી નહિ, કદાચ, ક્ષિતિજ ની પેલે પાર તેને ભવિષ્ય દેખાતું હતું, એક દર્દનાક… ભયાનક ભવિષ્ય!

અચાનક એના કાન ચમક્યા. તેણે આજુ-બાજુ જોવા માંડ્યું. આ શું? કોઈના રડવાનો અવાજ! હિબકા ભરી ભરીને રડવા નો અવાજ!હિબકા મોટા થતા જતા હતા. તેણે ધ્યાન થી જોયું તો બધા જ માણસો રાતના અંધકારમાં દરિયાનો સાથ છોડી જતા રહ્યા હતા. ઘડિયાળ ના બંને કાંટા ભેગા થઈને રાત્રિના બાર નો પોકાર પાડતા હતા. અને આવા સમયે આ રડવાનો અવાજ! તેને અવાજની દિશામાં કદમ ઉપાડ્યા. થોડેક દૂર એક આકૃતિ જમીન પર બેઠી હોય એવો ભાસ થયો. થોડા વધુ નજીક જઈ જોયું તો… અરે બાપ રે, આ તો કૂતરું હતું. સલામત અંતર હતું એટલે બચી જવાયું. નહીતો… જોકે હવે એનાથી પણ ડરવાની શું જરૂર હતી. નાનપણથી તેને કુતરા નો ડર લાગે, પણ હવે, કોઈપણ ડર એને ડરાવી શકે એમ નહોતો. જીવનની છેલ્લી વાસ્તવિકતા, મૃત્યુ, પેલા લાલ અક્ષરો પર બેસી તેના સુધી પહોંચવા મથી રહ્યું હતું, ત્યારે હવે બાકી બધા જ ડર વામણાં સાબિત થતા હતા.

તેણે આજુ-બાજુ જોયું. રડવાનો અવાજ હજી સંભળાતો હતો. વળી તેણે કદમ ઉપાડયા.

માણસ પણ ભગવાનની એક અજીબો ગરીબ કરામત છે. જિંદગી સીધી સરળ ગુજરતી હોય ત્યારે તે સ્વાર્થી 
હોય છે અને જ્યાં કંઈક રૂકાવટ આવે, એટલે તરત જ પરમાર્થી બનવા નીકળી પડે છે. આનું પણ એવું જ છે. અત્યાર સુધી કોઈની સાડીબાર નહોતી રાખી, પણ સાંજે જેવો રિપોર્ટ હાથમાં આવ્યો, જેવા જિંદગીના લેખા-જોખા કર્યા, એવું જ પરમાર્થ કરવાનું શૂરાતન ચડ્યું. જ્યાં પોતાની તકલીફો નો કોઈ આરો નથી દેખાતો, ત્યાં એક અજાણ્યા રડતા અવાજ ની પાછળ દોડવા માંડ્યું.

 અવાજ નજીક આવતો જતો હતો અને થોડે દૂર જતાં જ એક આકૃતિ દેખાઈ. આકાર પરથી તો કોઈ સ્ત્રી હોય એવું લાગતું હતું. સલવાર-કમીઝમાં સજ્જ એ સ્ત્રીનો દુપટ્ટો હવામાં લહેરાતો હતો. એના છુટ્ટા વાળ જાણે દુપટ્ટાને કંપની આપી ખૂબ લહેરાયા હોય એ રીતે ગૂંચવાઈ ગયા હતા. એના કદમ એ આકૃતિ પાસે આવીને અટકી ગયા. નજીકથી જોતાં તે લગભગ ૨૦-૨૨ વર્ષની યુવતી હોય એવું લાગ્યું. તેણે વધુ એક કદમ આગળ વધી કહ્યું, “હાઈ આઈ એમ કે.કે. - કૌશલ ખન્ના.”

***