સપના અળવીતરાં ૬ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૬


"અરે! આ તારી પાસે ક્યાથી? "

આદિના હાથમાં પોતાના રીપોર્ટવાળું એન્વેલપ જોઈને કે. કે. થોડો ખાસિયાણો પડી ગયો. તેનુ જૂઠ પકડાઈ ગયુ હતું. તેણે એન્વેલપ પાછુ મેળવવાની કોશિશ કરી, પણ આદિ છટકીને ભાગ્યો. તેનો એન્વેલપ વાળો હાથ હવામાં હતો અને તે પાછળ દોડતા કે. કે. તરફ નજર કરી બોલ્યો, 

" ગાડીમાંથી... "

આદિએ દોડવાની સ્પીડ થોડી ધીમી કરી અને કે. કે. તેના સુધી પહોંચી ગયો. કે. કે. પોતાની સ્પીડ કંટ્રોલ કરે એ પહેલાં જ તે આદિ સાથે અથડાયો અને બંને નીચે પડ્યા. કે. કે. એ આદિના હાથમાંથી એન્વેલપ ખેંચી લીધું અને બંને હસી પડ્યા... ખડખડાટ... કે. કે. નુ હાસ્ય હજી ચાલુ હતું પણ આદિ હવે સિરીયસ હતો. 

"કમ ઓન કે. કે., શો મી યોર રીપોર્ટ. "

"નોટ નાઉ. "

કે. કે. એ હસતાં હસતાં જ કહ્યું. અને આદિ એ પોતાના મોબાઈલ મા એક પેજ ખોલીને કે. કે. ને બતાવ્યું. એ જોઈને કે. કે. નું હાસ્ય ગાયબ થઈ ગયું. હવે આદિ એ બોલવાનું શરૂ કર્યું. 

"જો દોસ્ત, મારી પાસે ઓલરેડી તારા રીપોર્ટ્સ આવી ગયા છે, પરંતુ મને વિશ્વાસ ન બેઠો. એટલે માત્ર સરખામણી કરવા માટે મને આ હાર્ડકોપીની જરૂર હતી. પણ, તારું બિહેવિયર દર્શાવે છે કે બંને રીપોર્ટ એકસમાન છે. "

કે. કે. ની નજર જમીન ખોતરતી હતી. આદિએ તેના ખભે હાથ રાખ્યો એટલે કે. કે. એ તેની સામે જોયું. અંધારામાં પણ આદિ કે. કે. ની આંખમાં તગતગી રહેલા આંસુ સ્પષ્ટ જોઈ શક્યો. તેણે હળવે થી ખભો દબાવ્યો અને કે. કે. તેને વળગીને રોઈ પડ્યો... એકદમ નાના બાળકની જેમ. 

થોડીક ક્ષણો એમજ પસાર થઈ ગઈ. કે. કે. થોડો શાંત થયો એટલે આદિએ તેનો વાંસો થપથપાવ્યો અને સાંત્વના આપતા કહ્યું, 

"આમ હારી થોડું જવાય? હું છું ને! જો, જે રીપોર્ટ છે, તે છે. કેન્સર છે, તો છે. એક્સેપ્ટ ઈટ. ફાઈટ ઇટ. ટેક ઇટ એઝ અ ચેલેન્જ... એન્ડ વીન ઇટ. એતો તારી ફિતરત છેને... ચેલેન્જીસ પાર પાડવાની, સતત જીતવાની! ધેન વોટ્સ ધ મેટર? લિસન, કેન્સર છે, તો છે. અને એનો ઈલાજ પણ છે. હા, કદાચ સંપૂર્ણ સ્વસ્થ થતા સમય લાગી શકે, પણ... કીપ ઈન માઇન્ડ... કેન્સર ડઝ નોટ મીન કેન્સલ. ગોટ ઈટ? આપણે લડી લઈશું. હું છું ને તારી સાથે. વ્હાય ડુ યુ ફિયર વ્હેન આઈ એમ હિયર. ડોન્ટ ગીવ અપ યાર. "

બોલતા બોલતા આદિની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ફરી બંને એકબીજાને ભેટી પડ્યા અને પરસ્પર ની લાગણીઓને ટેકો આપવાની કોશિશ કરી રહ્યા. 

"જો બકા, કાલે આપણે ઓન્કોલોજીસ્ટ ની મુલાકાત લઈ રહ્યા છીએ. ઓકે. હું અપોઈન્ટમેન્ટ લઈને તને જણાવુ. ઈઝ ઇટ ઓકે? "

કે. કે. એ ખાલી પલક ઝપકાવી. આદિ એ આગળ કહ્યું, 

"આપણે જે રીપોર્ટ કરાવ્યા છે તે તદ્દન બેઝિક છે, જેમાં માત્ર કેન્સર છે કે નહિ તે કન્ફર્મ થાય છે. પણ, તે કયા સ્ટેજમા છે, કેટલુ ફેલાયેલુ છે, એ જાણવા માટે બીજા કેટલાક રીપોર્ટ કરાવવા પડશે. પણ એ માટે મારા ફ્રેન્ડ, ઓન્કોલોજીસ્ટ ડૉ. ભટ્ટ ને કન્સલ્ટ કરીશું. પછી એ જે લાઇન ઓફ ટ્રિટમેન્ટ નક્કી કરે એ મુજબ આગળ વધીશું. રાઇટ? "

ફરી એકવાર શૂન્યમાં તાકી રહેલી આંખોએ પલક ઝપકાવી. એ આદિની વાત માટે દર્શાવેલ સંમતિ હતી કે ટપકવાની અણી પર આવેલા આંસુ ને આંખમાં પાછુ ખેંચવાની કોશિશ તે આદિ પણ સમજી ન શક્યો. પરંતુ, તેણે પોતાને અનુકૂળ એવો અર્થ કાઢી લીધો... સંમતિ નો. 

આદિ એ ફરી ઘડિયાળ મા જોયું. પોણાબાર નો સમય થતો હતો. જનસંખ્યા તદ્દન પાંગળી થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ થોડો ઘણો ઘોંઘાટ હતો. એક મોટુ ગૃપ હતું જે ચંદ્ર ના અજવાળે ફ્લાઇંગ ડીશ રમતુ હતું. દરિયાનુ પાણી પણ જાણે કે તેમની સાથે રમવા માટે લહેર સ્વરૂપે તેમના પગ પખાળી જતુ હતું. એ લોકોથી થોડેક દૂર, ભીની રેતીમાં બેસેલા આદિએ ઊભા થતાં થતાં કે. કે. નો પણ હાથ ખેંચ્યો અને ઊભા થવા ઈશારો કર્યો, પણ કે. કે. ઊભો ન થયો એટલે આદિ બોલ્યો, 

"બહુ ઠંડી લાગે છે યાર. ચાલ, હવે જઇએ. આમ પણ છોટુની વાત માનીએ તો એ છોકરી પાંચ છ દિવસે એકવાર આવે છે, તો આજે તો ચાન્સ નથી જ. સો, લેટ્સ ગો. એવુ હશે તો કાલે પાછા આવીશું. ફાઇન?" 

આદિના આટલું સમજાવ્યા છતા કે. કે. નુ મન માનતુ નહોતુ ત્યાથી જવા માટે. ઊભા થવાને બદલે તેણે આદિનો હાથ ઝાટકો મારીને ખેંચ્યો અને આદિ ફરી ભીની માટીમાં બેસી પડ્યો. આદિ સમજી ગયો હતો કે બાર વાગ્યા પહેલાં કે. કે. ત્યાંથી ખસવાનો નથી, એટલે એણે પેલા ગૃપની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સહસા તેણે નોટિસ કર્યુ કે થોડી વાર પહેલા મોટેરાઓથી થોડે દૂર બેસીને ભીની રેતીનો મહેલ બનાવવામાં મશગુલ બે બાળકો અત્યારે દેખાતા નહોતા. 

આદિના મનમા એક અજાણ્યો ધ્રાસ્કો પડ્યો. કે. કે. ના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને તે એ મહેલ પાસે ગયો અને આજુબાજુ નજર કરી. તેની આવી વર્તણૂંક જોઇને કે. કે. ને પણ બાળકો ની ગેરહાજરી નો અહેસાસ થયો. હવે તેની નજર પણ આજુબાજુ ના વિસ્તાર પર ફરવા માંડી. 

પાંચેક મિનિટ એમજ પસાર થઈ હશે... હવે કે. કે. થી ન રહેવાયું. તેણે એ ગૃપ પાસે જઈને નમ્રતાથી કહ્યું, 

"એક્સક્યુઝ મી, "

અચાનક કોઈ અજાણી વ્યક્તિ આવી રીતે ચાલુ રમતની વચ્ચે ઉભી રહી ગઈ, તો બધા ટોળે વળી ગયા. કે. કે. એ પૂછ્યું, 

"પેલા બે કિડ્સ, ત્યાં રમતા હતા, તે તમારી સાથે છે? "

એક સાથે બધાની નજર એ તરફ વળી અને રેતીમાંથી બનેલા ભવ્ય મહેલ પર જઈને અટકી. પણ એ સુંદર મહેલના સર્જનહાર ક્યાય નહોતા દેખાતા. એ ટોળામાંથી એક સ્ત્રી હાંફળી ફાંફળી આગળ આવી. 

"હા, એ મારા બાળકો... "

તેના અવાજમાં અધિરાઈ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એક અફસોસ હતો, કે પોતે રમતમાં એટલી તલ્લીન હતી કે બાળકો ક્યારે આઘાપાછા થઈ ગયા એ ધ્યાન જ ન રહ્યું. ત્યાંજ દૂરથી આદિનો અવાજ આવ્યો... 

"કે. કે., જલ્દી... "

બૂમ માત્ર કે. કે. ના નામની પડી હતી, પણ બધાની નજર એ તરફ હતી. આદિ ગોઠણસમાણા પાણીમાં ઉભો હતો અને વાંકા વળીને પાણીમાંથી કંઇક ખેંચવાની કોશિશ કરતો હતો. બધા એકસાથે એ તરફ દોડ્યા. કે. કે. સૌથી પહેલા પહોંચ્યો. તેણે જોયું કે આદિએ બે નાના હાથ પકડી રાખ્યા છે, પણ તેમને બહાર નથી કાઢી શકતો. કે. કે. એ તરતજ આદિની મદદ કરી. બંને છોકરાઓ ને એકસાથે ઉંચકીને બહાર લઈ લીધા. 

કિનારે સૂવડાવીને આદિએ એકનુ પેટ દબાવી પાણી કાઢવાનુ શરૂ કર્યું. કે. કે. એ પણ તેનું અનુકરણ કર્યું, પણ એ છોકરા ના શરીરમાં કોઇ હલચલ નોંધાઈ નહિ. તેણે તરત આદિ સામે જોયું. આદિએ પોતાની જગ્યા બદલાવી અને તે બીજા બાળક પાસે આવી ગયો. કે. કે. એ પહેલા છોકરાના પેટમાંથી પાણી કાઢવાનુ ચાલુ રાખ્યું. થોડી મહેનત પછી, ઘણું બધું પાણી નીકળ્યા પછી તેને ઉધરસ ચડી એટલે આદિના ચહેરા પર એક નાનકડું સ્મિત ફરકીને ઓઝલ થઈ ગયુ. એ છોકરો હવે સલામત હતો, પણ બીજા છોકરા તરફથી રિસ્પોન્સ મળતો નહોતો. 

આદિ પાસે અત્યારે કોઈ સાધનો નહોતા. હતુ તો બસ માત્ર તેનુ જ્ઞાન. અને એ જ્ઞાન ખોતરી ખોતરી ને તે અત્યારે એ નાનકડા છોકરાને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો. પેટ દબાવીને પાણી કાઢ્યા પછી પણ તેના શ્વાસોચ્છવાસ ની ગતિ નોર્મલ નહોતી થઈ. આદિએ તેને માઉથ ટુ માઉથ બ્રિધિંગ આપ્યું, પરંતુ... હ્રદયની ગતિ વધુ ને વધુ મંદ પડતી જતી હતી. આદિએ છાતી પર સ્હેજ ડાબે બંને હાથ ગોઠવીને પંપિંગ પણ કર્યુ, પણ ધાર્યું પરિણામ ન મળ્યું. તેની નાડિ તૂટતી જતી હતી. 

હવે આદિએ વધુ સમય પસાર કરવાનું યોગ્ય ન લાગતા તરતજ તે છોકરાને હોસ્પિટલમાં લઇ જવાનુ સૂચવ્યુ. તેનો પરિવાર તો જાણે બઘવાઈ ગયો હતો. કશી સૂઝ પડતી નહોતી. આદિ એક ડોક્ટર છે એ જાણીને થોડી રાહત થઈ. એક કપલ આગળ આવ્યુ અને બંને છોકરાઓને લઈને કે. કે. ની ગાડીમાં બેસી ગયા. આદિએ ગાડી મારી મૂકી. મેડીકલ ઇમરજન્સી... એક એક સેકન્ડ મહત્ત્વની હતી. 

 હોસ્પિટલમાં પહોંચ્યા પછી આદિએ ઘણી કોશિશ કરી, પણ મોડું થઈ ગયું. ઘડી પહેલાનો હસતો રમતો પરિવાર આક્રંદ મા ડૂબી ગયો. એ સમજાતું નહોતું કે એક બાળક ને બચાવવા માટે પ્રભુનો પાડ માનવો, કે એક બાળક ને છીનવી લેવા બદલ ફરિયાદ કરવી? 

બીજા દિવસે ન્યૂઝ પેપર ની હેડ લાઇન હતી, 

"દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! "