સપના અળવીતરાં ૭ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૭

દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! 

હેડલાઇન વાંચીને તેણે નિરાશાથી માથું ધુણાવ્યું .આંસુનું એક ટીપું એની આંખની ધાર પર આવીને અટકી ગયું. પેપર રોલ વાળી ને તેણે સાઇડ પર મૂકી દીધું .આખા સમાચાર વાંચવાની તસ્દી પણ ન લીધી. મનમાં એક ઝીણી ટીસ ઉઠી... ફરી એકવાર સંજોગો એ તેને હાથતાળી આપી દીધી હતી! માથું ધુણાવી તેણે વિચારોને ખંખેરી નાખ્યા અને ઓફિસ માટે તૈયાર થવા જતી રહી. આજે નવા ક્લાયન્ટ સાથે તેની મિટિંગ હતી. જો આ મીટીંગ સક્સેસફુલ રહે તો તેની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એક બહુ મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા હતી.

ફટાફટ તૈયાર થઈને તે ઓફિસે પહોંચી. મિટિંગ શરૂ થવાને હજી અડધો કલાકની વાર હતી .તેણે ફરી એકવાર પોતાનું પ્રેઝન્ટેશન ચેક કરી લીધું. આ પ્રોજેક્ટ માટે તે ખૂબ જ ઉત્સાહી હતી. તેની નવી નવી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની માટે આ એક બહુ મોટી તક હતી.

તે પાંચ મિનિટ વહેલી જ કોન્ફરન્સ હોલમાં પહોંચી ગઈ. કોન્ફરન્સ હોલ ના દરવાજા પાસે રાખેલ ગણપતિ જી ની મૂર્તિ સામે જોઈ મનોમન પ્રાર્થના કરી,

" હે બાપા ,લાજ રાખજો .બસ આ મીટીંગ સક્સેસફુલ થાય અને આ ઇવેન્ટ નો કોન્ટ્રાક્ટ અમને મળી જાય."

તેણે હળવેથી ગણપતિ બાપા સામે આંખ મારી અને સ્મિત સાથે કોન્ફિડન્સથી કોન્ફરન્સ રૂમ માં એન્ટર થઈ. તેણે ફરી એકવાર માઇક અને પ્રોજેક્ટર તથા સ્પીકર બધું જ ચેક કરી લીધું અને પાર્ટીના આવવાની રાહ જોવા લાગી. બરાબર ૧૧ વાગ્યે કોન્ફરન્સ રૂમ નો દરવાજો ખૂલ્યો. તેમાંથી ચાર વ્યક્તિ અંદર આવ્યા અને એક યુવકે આગળ આવી બધાનો પરિચય આપ્યો.

" ગુડ મોર્નિંગ, મિસ રાગિણી. માય સેલ્ફ મનન મહેરા એન્ડ મીટ મિસ્ટર કેયુર ફ્રોમ કે. કે. ક્રિયેશન્સ."

" વેરી ગુડ મોર્નિંગ સર .પ્લીઝ વેલકમ એન્ડ હેવ યોર સીટ."

ત્યાર પછી એક કલાક સુધી કોન્ફરન્સ હોલ માં માત્ર રાગિણી નો અવાજ સંભળાતો રહ્યો. તેની આસિસ્ટન્ટ સમિરા તેની મદદ માટે ત્યાં હાજર હતી. આમ જુઓ તો તેમના તરફથી મિટીંગ માટે તે બે જ હતા, જ્યારે સામેની પાર્ટી ના ચાર વ્યક્તિ... છતાં રાગિણી એ કોન્ફિડન્સ સાથે પોતાનુ પ્રેઝન્ટેશન પૂરૂં કર્યુ અને કેયુર સામે તાકી રહી. પ્રેઝન્ટેશન પૂરૂં થવા છતા સામેથી કોઈ પ્રતિક્રિયા ન થતાં રાગિણી થોડી કન્ફ્યુઝ થઈ ગઈ. તેને પેટમાં પતંગિયા ઉડતા હોય એવો અનુભવ થયો. 

રાગિણી ની કંપની હજુ નવીસવી હતી. અત્યાર સુધી માત્ર નાની નાની ઇવેન્ટ પાર પાડી હતી. પરંતુ આ ખૂબ મોટી ઇવેન્ટ હતી, અને જો આ પ્રોજેક્ટ મળી જાય તો તેની કંપની ની ગાડી સડસડાટ દોડવા માંડે, એ પણ એટલું જ સત્ય હતું. અને એટલે જ, ચહેરા પર કોન્ફિડન્સ નુ મહોરુ ચડાવવા છતાં મનમાં તો ઘણીય અવઢવ હતી. 

બે મિનિટ એમજ વીતી ગઈ. કેયૂર જમણા હાથની પહેલી આંગળી લમણે ટેકવીને ઉંડા વિચારમાં ડૂબેલો હતો. તેની નજર સ્થિરપણે ટેબલના એક ખૂણાને તાકી રહી હતી. રાગિણી કંઇક બોલવા ગઈ, પણ મનને નાક પર આંગળી ટેકવી શ્શ્... શ્ અવાજ સાથે ચૂપ રહેવા ઇશારો કર્યો. રાગિણી નો અવાજ તેના ગળામાં જ અટવાઈ ગયો. 

આમ ને આમ બીજી ત્રણ મિનિટ વીતી ગઈ. પૂરી પાંચ મિનિટે કેયૂરે ટેબલના ખૂણે થી નજર ખસેડીને રાગિદણીઅ પર સ્થિર કરી. તેના હોઠનું હલન ચલન થયું અને તેમાંથી માત્ર એકજ શબ્દ નીકળ્યો.... "ડન. " અને જે સ્પીડ થી આવ્યા હતા એ જ સ્પીડ થી ઉભા થઈને કોન્ફરન્સ રૂમની બહાર જતા રહ્યા. મિ. મનન છેલ્લે રહ્યા અને બેગમાંથી કોન્ટ્રેક્ટ ના ડોક્યુમેન્ટ કાઢીને રાગિણી ને આપ્યા. 

રાગિણી તો એ લોકોની કામ કરવાની સ્ટાઇલ જોતી જ રહી. તેની માટે આ રીત તદ્દન નવી હતી. પણ તેને ખુશી હતી કે તે પ્રોજેક્ટ મેળવવામાં સફળ રહી હતી. તેણે પેપર લઈને એટલું જ કહ્યું, 

"આઇ નીડ ટુ ગો થ્રૂ ધીઝ... "

વચમાં જ મનન બોલ્યો, 

"ડોન્ટ વરી. ટેક યોર ટાઇમ. બટ રીમેમ્બર, સાંજે પાંચ વાગ્યે બીજી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે મિટીંગ ફિક્સ છે. "

રાગિણી ના ચહેરા પર ના એક્સપ્રેશન જોઇને એક હળવા પ્રોફેશનલ સ્મિત સાથે મનન પણ ત્યાંથી નીકળી ગયો. જેવો કોન્ફરન્સ રૂમ ખાલી થયો કે તરતજ સમીરા દોડતી આવીને તેને ભેટી પડી. બંને ખૂબ ખુશ હતા. બસ, પાંચ મિનિટના સેલિબ્રેશન પછી તરતજ રાગિણી કામે લાગી ગઈ. તેણે કંપની ના લોયર ની સાથે મળીને આખો કોન્ટ્રેક્ટ ડિસ્કસ કર્યો અને અમુક સુધારા સાથે તેની કોપી મનન ને મોકલી આપી. મનને ઘડિયાળ મા જોયું. હજુ ત્રણ વાગવામાં પણ પાંચ મિનિટ બાકી હતી. રાગિણી નો ઉત્સાહ અને કામ ની ઝડપ જોઈને તેને કેયૂર ની નિર્ણય શક્તિ પર માન થયું. 

******************

"આર યુ શ્યોર અબાઉટ ધીઝ? "

"અફકોર્સ બ્રો. હિયર ઈઝ ધ પ્રૂફ. લુક, સવાબારે મિટીંગ પૂરી થઈ અને આપણે કોન્ટ્રેક્ટ પેપર આપ્યા. એન્ડ બિફોર થ્રી પી. એમ., ધે ગેવ ધ કન્ફર્મેશન. એન્ડ નૉ વ્હોટ? મેં જાણીજોઈને કોન્ટ્રેક્ટ મા અમુક લૂ-ફોલ્ટ રાખ્યા હતા, તે સુધારીને નવો કોન્ટ્રેક્ટ મોકલી આપ્યો છે. "

કે. કે. ના સવાલનો જવાબ કેયૂરે જે ઉત્સાહથી આપ્યો તે જોઈને કે. કે. ને નવાઈ લાગી. અત્યારે તો કેયૂરના નિર્ણય ને માન્ય રાખવાનુંજ મુનાસિબ હતું. આમપણ કે. કે. ક્રિયેશન્સ માટે આ એક બહુ નાનો ફેશન શો હતો. જો આ નવી કંપની આખી ઇવેન્ટ બરાબર રીતે પાર પાડે, તો સિંગાપુર નો ફેશન શો પણ તેને સોંપી શકાય. મેઈન ઈવેન્ટ તો એ જ હતી. અહીં તો માત્ર ટ્રાયલ માટે જ ઇવેન્ટ ગોઠવી હતી. તેણે માત્ર અંગૂઠો ઉંચો કરી થમ્બ્સ અપ ની સ્ટાઇલ કરી અને કેયૂરે આપેલા કોન્ટ્રેક્ટ પેપર પર સાઈન કરી આપી. 

****************

તે દોડતી હતી. લાંબો ભારે ભરખમ ઘાઘરો બે હાથમાં સમેટીને શક્ય એટલી ઝડપે દોડતી હતી. કાળું ઘોર અંધારૂ હતું. આજુબાજુ કોઇ જ નહોતું. તે કોનાથી ભાગતી હતી તે પણ સમજાતું નહોતું. હાંફ ચડી ગઈ, છતાં દોડવાનું ચાલું જ હતું. કપાળ પરથી રેલાતા પરસેવાના રેલામાં મેકઅપ પણ વહી ગયો હતો. કાજલ રેલાઈને ગાલ સુધી પહોંચ્યુ હતું. પરસેવાની સાથે કદાચ આંસુ ના રેલા પણ ભળતા હતા. શ્વાસ ચડવાને કારણે છાતીમાં ભાર વર્તાતો હતો. હવે તો શ્વાસ લેવાનુ પણ અઘરું લાગતુ હતું. દોડતા દોડતા અચાનક ઠેસ વાગી અને તે પડી ગઈ.... 

એ સાથેજ રાગિણી ઝાટકા સાથે પથારીમાં બેઠી થઈ ગઈ....