સપના અળવીતરાં - ૩૪ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૩૪

"આદિ, આવું કેમ કર્યું? "

ભારે ભરખમ મૌન નો ભાર ન ખમાતા કેયૂરે એ નો એ જ પ્રશ્ન ફરી પૂછ્યો. સામે છેડે લેવાયેલો ઊંડો શ્વાસ તેણે અનુભવ્યો, એ સાથે જ આદિનો અવાજ પણ તેના કાન સુધી પહોંચી ગયો. 

"હાઉ ઇઝ કે. કે.? " 

"પ્લીઝ આદિ, ટોપિક ના બદલીશ. અહીંયા આટલું બધું બની ગયુ છતા મને જણાવવાની જરૂર ન લાગી? રાઘવની આ હાલત... તારી પર હુમલો... રાગિણી... "

"લિસન કેયૂર, વેરી કેરફુલી... "

આદિત્ય એ કેયૂર ની વાત વચ્ચે જ કાપી નાંખી અને ચીપી ચીપીને મક્કમતા થી બોલ્યો, 

"અત્યારે પરિસ્થિતિ કમ્પ્લીટલી અંડર કંટ્રોલ છે. રાઘવની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. અને શિંદે સરના સપોર્ટથી હું અને રાગિણી પણ સેફ છીએ. હવે મેઇન વાત, તારી પર એ લોકોની નજર નથી પડી... અને કોશિશ કરજે કે પડે પણ નહિ. ધે આર ડેન્જરસ... "

"હા, મને શિંદે સરે વાત કરી. બટ... "

"કેયૂર, કે. કે. ની સિચ્યુએશન તુ બહુ સારી રીતે જાણે છે. એના બચવાના કેટલા ચાન્સિસ છે તે આપણે બંને જાણીએ છીએ... "

આદિત્ય નો અવાજ ભીનો થઈ ગયો. પણ એની દરકાર લીધા વિના એણે બોલવાનું ચાલુ જ રાખ્યું. 

"હું નથી ઇચ્છતો કે તારી પર કોઈ મુસીબત આવે. ડુ યુ ગેટ ધેટ? અત્યારે તારા શિરે ઘણી બધી જવાબદારી છે. કે. કે. ની ટ્રીટમેન્ટ, અંકલ - આંટી, કે. કે. ક્રિએશન્સ... એવરીથિંગ ઇઝ જસ્ટ અપ ટુ યુ. યુ આર નોટ સપોઝ્ડ ટુ પુટ યોરસેલ્ફ ઇન ડેન્જર  એની હાઉ. "

વાત તો સાચી જ હતી આદિ ની. અચાનક તેને અહેસાસ થયો કે કે. કે. ની ગેરહાજરી ને કારણે તેણે હવે બેવડી જવાબદારી નિભાવવાની છે! તેણે નમતુ જોખી દીધું અને ચૂપચાપ પોતાની જાતને આ બધાથી અળગી કરી દીધી. પણ, આજે અચાનક, આટલી વહેલી સવારે રાગિણી એ કોલ કરીને તેને બોલાવ્યો.... કંઇક હતું જે મનમાં ખટકતુ હતું... 

ચર્ ર્ ર્.... મગજ વિચારવાનું કામ કરતું હતું તો હાથ સ્ટીયરીંગ સંભાળવાનું... અને પગ - મલ્ટીટાસ્કીંગ. એક્સિલરેટર અને ક્લચ ની સાથે બ્રેક પણ પગ ના કંટ્રોલમાં હતી. અને પગે પોતાનું કામ બખૂબી પૂરૂં કર્યું હતું. અડધા કલાક ને બદલે પચ્ચીસ મિનિટમાં જ તે પાર્કિંગ માં પહોંચી ગયો હતો. હવે બસ, લીફ્ટમાં ઉપર પહોંચે એટલી જ વાર. સમયસર પહોંચવા માટે તેણે મનોમન પોતાનોજ વાંસો થાબડી લીધો. કે. કે. ની જવાબદારીઓ ઉપાડવા માટે તેનો પંક્ચ્યુઆલીટીનો ગુણ અપનાવવો અનિવાર્ય છે, અને જાણે અજાણે તે, કદાચ પહેલી વાર, કોઇ જગ્યાએ સમયસર પહોંચ્યો હતો. એટલે એક શાબાશી તો બનતી હૈ... મનોમન પોતાની જાત સાથે જ સંવાદ સાધતો તે લિફ્ટ મા ગયો અને તેરમા માળનુ બટન દબાવી દીધું. 

કેયૂર ના આશ્ચર્ય વચ્ચે રાગિણી ના ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. સેફ્ટી ડોર પણ અધખુલ્લો હતો. છતાં ઔપચારિકતા ખાતર તેણે ડોરબેલ વગાડી. અંદરથી સબ ઇન્સ્પેક્ટર શિંદે નો અવાજ સંભળાયો, 

"પ્લીઝ કમ ઇન મિ. કેયૂર. વી આર વેઇટિંગ ફોર યુ. "

"ધત્, ટાઇમસર પહોંચવા છતાં લાસ્ટ પહોંચ્યો! "

તેણે મનોમન પોતાની જાતને ટપારી. પણ હોલમાં રાગિણી અને શિંદે ઉપરાંત આદિત્ય, ઇમરાન અને સમીરા ને પણ જોતા તે થોડો સતર્ક થઈ ગયો. એ લોકોના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈ એ પોતે પણ થોડો ગંભીર થઈ ગયો. 

"વ્હોટ હેપ્પન્ડ? એનીથીંગ સિરીયસ? અત્યારે આવી રીતે કોલ કરી ને બોલાવવાનું કારણ? "

કેયૂર ની નજર રાગિણી પર સ્થિર હતી, પણ જવાબ શિંદે સર ના અવાજમાં મળ્યો. 

"રાગિણી આપણી સાથે કોઇ સિક્રેટ શેર કરવા માંગે છે. પણ એનો આગ્રહ હતો કે બધી વાત તમારી હાજરીમાં જ થાય એટલે... "

રાગિણી ની નજર સેન્ટર ટેબલ પર સ્થિર હતી. જાણે વિચારોનુ વાવાઝોડું રોકીને રાખ્યું હોય એમ તેના હોઠ ભીડાયેલા હતા. બોલવાની હિંમત ભાગી ન જાય એટલે બંને હાથની મુઠ્ઠી વાળેલી હતી. શું બોલવું, ક્યાંથી શરૂઆત કરવી એ કદાચ હજી સમજાતું નહોતું! પોતાની જિંદગીની હકીકત... પોતાની સપનાની દુનિયા તે ફરી બીજાને બતાવવા - સમજાવવા જઇ રહી હતી...

થોડીક ક્ષણો એમજ પસાર થઈ ગઈ એટલે સમીરા એ હળવેથી રાગિણી ના બરડે હાથ ફેરવ્યો. 

"કમ ઓન રાગિણી, હવે તો કંઈક બોલ! "

રાગિણી એ એમજ સેન્ટર ટેબલ પર નજર સ્થિર રાખી બોલવાનું ચાલુ કર્યું. એક એક શબ્દ ભીંચાઇને બહાર આવતો હતો. 

"હી વીલ બી બેક. એને રોકવો પડશે. નહીંતર સર્વનાશ થઈ જશે... "

બધા અચરજથી એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈને કશું સમજાતું નહોતું. શિંદે સરે પૂછ્યું, 

"મેડમ, કાંઇ સમજાય એવું બોલો તો સારું. કોની વાત કરો છો? "

પણ રાગિણી એ જાણે સાંભળ્યું જ નહીં. તે તંદ્રાવસ્થા મા હોય એમ આગળ બોલી, 

"એ આવશે... ફરી એ જ સિલસિલો ચાલુ થશે... ખૂની સિલસિલો... કેટલાયના ભોગ લેવાશે... શરૂઆત એક માસુમ થી થશે... "

"રાગિણી... " 

સમીરા એ રાગિણી ને આખી હલબલાવી નાંખી. સેન્ટર ટેબલ પરનું ત્રાટક જાણે તૂટી ગયુ, તેની નજર સમીરા ના ચહેરા પર સ્થિર થઈ. ફરી તે બોલી, 

"બસ, મારા પગ સાજા થાય એટલોજ સમય છે આપણી પાસે. " 

રાગિણી ની અસંબદ્ધ વાતો સાંભળી બધા મુંઝાઇ ગયા. પણ, સમીરાને એક થડકો લાગ્યો. ફરી કોઈ સપનુ... તેણે ફટાફટ સેન્ટર ટેબલ પર પડેલી ડ્રોઇંગ બુક ઉપાડી. બુકમા વચ્ચે પેન્સિલ પડી હતી, ત્યાથી બુક ખોલી. એમાં દોરેલું ચિત્ર જોતાંજ જાણે તેને આંચકી આવી હોય એમ તેનુ શરીર ખેંચાઈ ગયું. બુક હાથમાંથી પડી ગઈ અને તે સોફામા ફસડાઇ પડી. 

કેયૂરે તરતજ બુક ઉપાડી એ પાનું ખોલ્યું. તેમા એ જ ચિત્ર હતું જે રાગિણી એ પાછલી રાત્રે દોર્યું હતું... અંધારામાં લંબાયેલા બે હાથ... હાથમાં બે બંધ બોક્ષ અને એક ખુલ્લું... ખુલ્લા બોક્ષમાં રહેલું એ મસ્તક... આહ! આખા શરીરમાં અરેરાટી વ્યાપી ગઈ. તેણે એ બુક શિંદે ને પાસ કરી. શિંદે એ પણ ઝીણવટ પૂર્વક એ ચિત્રનો અભ્યાસ કર્યો. દરમિયાન રાગિણી નુ બોલવાનું ચાલુ હતું. 

"પ્લીઝ, સમજવાની કોશિશ કરજો. મેં કાલે રાત્રે આ સપનુ જોયું હતું. "

"વ્હોટ? સપનુ? આટલુ વિયર્ડ! અને એના માટે તમે આ સમયે અમને બધાને ભેગા કર્યા છે? વ્હોટ રબ્બીશ? "

શિંદે એ ગુસ્સામાં બુક ટેબલ પર પછાડી. 

"આઇ નો, અઘરું છે મારી વાત પર વિશ્વાસ કરવાનું, બટ ટ્રસ્ટ મી. મને આવેલા સપના સાચા પડે છે. ઓર યુ કેન સે, કોઈ ઘટના બનવાની હોય તો મને અગાઉથી એનો અંદેશો આવી જાય છે મારા સપનામાં... "

હજુ પણ બધાના ચહેરા પર અવિશ્વાસ ના ભાવ હતા. એટલે રાગિણી એ આગળ કહ્યું, 

"વિશ્વાસ ન આવતો હોય તો પૂછો સમીરા ને. શી નોઝ ધ ટ્રુથ. "

બધાની નજર એકસાથે સમીરા ના ચહેરા પર મંડાઈ. સમીરા હજુ પણ અસ્વસ્થ હતી. તેની આંખોમાં ભય સ્પષ્ટ જોઇ શકાતો હતો. તેણે પહેલા ધીમે અને પછી જોરથી ડાબે જમણે પોતાની ગરદન હલાવી અને પછી જોરથી ચીસ પાડી ને કહ્યું, 

"નો, શી ઈઝ લાયિંગ. "