સપના અળવીતરાં ૮ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૮

રાગિણી પોતાના જ બેડમાં હાંફતી બેઠી હતી. હજુ અંધારાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સૂર્ય ના કિરણો પૃથ્વી સુધી પહોંચ્યા નહોતા. ઓશિકા પાસે રાખેલા મોબાઇલ મા બેકલાઇટ ચાલુ કરી જોયુ તો સવારના પાંચ વાગ્યા હતા. સાઇડ યુનિટ પર રાખેલ બોટલમાંથી પાણી પીધું અને એ સપના વિશે વિચારવા માંડી.

ફરી એક અજીબોગરીબ સપનુ! કોણ હશે એ છોકરી? આખો ચહેરો પણ ન દેખાયો! બસ, આંસુ અને પરસેવા મા તરબોળ... અને એ શા માટે ભાગતી હશે? કોનાથી? કશું સમજાતું નહોતું. રાગિણી એ ફરી સૂવાની કોશિશ કરી, કદાચ આગળ પાછળ નુ કોઈ અનુસંધાન મળી જાય.... પણ વ્યર્થ... ઊંઘ હવે વેરણ બની હતી.

તેણે આંખો બંધ કરીને પોતાના ઇષ્ટ દેવ ને યાદ કર્યા, પોતાના નવા પ્રોજેક્ટ માટે આ વધારાનો સમય આપવા માટે મનોમન આભાર માન્યો અને રસોડામાં ગઈ. ગરમ ગરમ ચા ના મગ સાથે બાલ્કની ની રેલિંગ પર હાથ ટેકવીને ઉભી રહી. તેરમા માળની બાલ્કનીમાંથી દરિયાકિનારે... ક્ષિતિજ પર ઉગતા સૂર્યને જોવાની મજા જ કંઈક અલગ હોય છે. બસ, બંધ મગજના બારી બારણા ખૂલી ગયા અને ઇનોવેટીવ આઇડિયાઝ નો વરસાદ ચાલુ થઈ ગયો. રાગિણી એ ઝડપથી પોતાની સ્કેચબુક લઈ એ આઇડિયા પ્રમાણે સ્કેચ દોરવા માંડી. જરૂર પ્રમાણે અમુક નોંધ પણ બાજુમાં ટપકાવી.

પૂરા બે કલાક પછી તેણે બુક સાઇડ પર મૂકી. તેના ચહેરા પર સંતોષ ની રેખાઓ હતી. ફેશન શો માટે તે કંઈક અલગ... હટકે કરવા માંગતી હતી. એ માટે તેણે સ્ટેજ ને પણ ડિઝાઈન કરવાનુ વિચાર્યું અને પાંચ જુદી જુદી ડિઝાઈન પણ તૈયાર કરી દીધી. બસ, હવે ઓફિસ પહોંચીને પોતાના સ્ટાફ સાથે એ બાબત ચર્ચા વિચારણા કરી બેસ્ટ થ્રી ઓપ્શન સાથે મિ. મનન નો સંપર્ક કરવાનો હતો. ત્યારબાદ મિ. કેયૂર સાથે મુલાકાત અને...

વિચારતા વિચારતા રાગિણી નુ મોં હસુ-હસુ થઈ રહ્યું. તે ઉતાવળે નિત્યક્રમ થી પરવારીને ઓફિસ માટે નીકળી ગઈ. 
ઓફિસ પહોંચીને પહેલુ કામ કોમ્પ્યુટર પર પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કર્યું. પાંચેય ડિઝાઇન ના પ્રેઝન્ટેશન તૈયાર કરીને પછી તરતજ સ્ટાફ ની મીટિંગ મા રજૂઆત કરી. બહુમતિ થી બેસ્ટ થ્રી ઓપ્શન નક્કી કરી મિ. મનન સાથે અપોઇનમેન્ટ પણ ફિક્સ કરી લીધી. 

રાગિણી ના કામની સ્પીડ જોઈને મિ. મનન ફરી મનોમન ખુશ થઈ ગયા. તરત જ કેયૂરનો સંપર્ક કરી વિગતે બધી વાત જણાવી તેનુ મંતવ્ય પૂછ્યું. કેયૂરે આ મિટિંગ મિ. મનન ને સોંપી અને એવી વ્યવસ્થા કરી કે આખી મિટિંગ તે સી સી ટીવી ની મદદથી પોતાની ઓફિસમાં જ જોઈ શકે.

******************

"નો... આમાંથી એક પણ આઈડિયા નહિ ચાલે. ગીવ સમ મોર ઓપ્શન્સ.... "

કોન્ટ્રેક્ટ ફાઈનલ કરતી વખતે પહેલી મિટિંગ રાગિણી ની ઓફિસમાં હતી, જ્યારે આજની મિટિંગ કે કે ક્રિયેશન્સ ની ઓફિસમાં.... આજે પણ મિટિંગ અટેન્ડ કરવા બે જ જણ આવ્યા હતા - રાગિણી અને સમીરા. અને તેમના આશ્ચર્ય વચ્ચે સામે પક્ષે એકજ વ્યક્તિ હતી... મિ. મનન. 

રાગિણી અને સમીરા ઓફિસ ની ભવ્યતા જોઇને અંજાઈ ગયા હતા. પરંતુ, કોન્ફરન્સ હોલ પહોંચતા સુધી બંનેએ પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવી લીધો હતો. ચાલુ મિટિંગે મિ. મનન ના ફ્રેન્ડલી બિહેવિયરે પણ તેમનું કોન્ફિડન્સ લેવલ જાળવી રાખવા માં મહત્વનો ભાગ ભજવ્યો. મિટિંગ ધાર્યા પ્રમાણે જ આગળ વધી રહી હતી, કે અચાનક મિ. કેયૂર નો અવાજ કોન્ફરન્સ હોલ મા ગૂંજી ઉઠ્યો. રાગિણી અને સમીરા... બંને એકદમ અવાચક થઈ ગયા. મિ. મનને એ જ પ્રોફેશનલ સ્મિત સાથે વિડિયો કોન્ફરન્સ ચાલુ કરી. ફરી કેયૂરનો અવાજ પડઘાઈ રહ્યો... 

"આઈડિયા ઇઝ ગુડ. મૂવિંગ એન્ડ ફ્લોટિંગ સ્ટેજ! આજસુધી એકેય ફેશન શોમાં આવુ સ્ટેજ જોયું નથી. ગુડ. બટ, સ્ટેજ ડિઝાઇન મા હજુ નવુ વેરિયેશન આપો. ઓન્લી થ્રી ઓપ્શન્સ આર નોટ ઈનફ. "

કેયૂરની અચાનક એન્ટ્રી થી બઘવાઈ ગયેલ રાગિણી અને સમીરા કેયૂરની ડિમાન્ડ થી થોડા વધુ ટેન્શનમાં આવી ગયા. રાગિણી પોતાની સાથે ત્રણ પ્રેઝન્ટેશન જ લાવી હતી. પણ સમીરાએ તરત જ પેનડ્રાઈવ કાઢી, કે જેમાં તેમણે રીજેક્ટ કરેલા અન્ય બે પ્રેઝન્ટેશન હતા. એ પેનડ્રાઈવ જોઈને રાગિણી નો જુસ્સો ફરી પાછો આવી ગયો. તેણે એ બંને પ્રેઝન્ટેશન પણ બતાવ્યા, અને તેના આશ્ચર્ય વચ્ચે તેમાંથી એક ફાઈનલ પણ થઈ ગયુ. 

મિટિંગ સક્સેસફુલ રહી એટલે બંને બહુ જ ખુશ હતી. કે કે ક્રિયેશન્સ દ્રષ્ટિરેખાની બહાર પહોંચતાજ બંનેએ પોતાના ઇમોશન છૂટા મૂકી દીધા. પરસ્પર હગ આપીને આનંદ વ્યક્ત કર્યો અને સીસીડી મા પેટપૂજા કરવા પહોંચી ગયા. સામે ટીવી સ્ક્રીન પર કોઈ સિરિયલ ચાલુ હતી, પરંતુ અવાજ મ્યૂટ હતો. 

રાગિણી ની પીઠ ટીવી સ્ક્રીન સામે હતી, આથી તે ટીવી જોવા સક્ષમ નહોતી, પરંતુ સમીરાના મોઢાપર બદલાતા હાવભાવ ઉપરથી તે ટીવી સ્ક્રીન ઉપર આવતા દ્રશ્યનો તાગ મેળવી લેતી. સમીરા એકટક ટીવી સામે તાકી રહી છે એ જોતાં રાગિણી એ પણ ગરદન ફેરવી ને પાછળ જોયું. પાછળ જોતાંની સાથેજ તેના શરીર માં થી એક લખલખું પસાર થઈ ગયુ. ટીવી પર જે દ્રશ્ય ચાલતુ હતું તે તેને જાણીતું લાગ્યું... જોયેલું... અનુભવેલું લાગ્યું. 

એક છોકરી... બંને હાથે ઘાઘરો સંભાળતી દોડતી હતી, પરસેવે લથપથ... આંસુડાની ધાર... અને બેકગ્રાઉન્ડમાં કાળી સ્ક્રીન, કે જે અંધકાર નું સામ્રાજ્ય દર્શાવતી હતી... એ છોકરી દોડતા દોડતા પડી... અને એપિસોડ પૂરો થઈ ગયો. 

રાગિણી એ ઊંડો હાશકારો અનુભવ્યો. ચાલો, આ વખતે કોઈ સાચી દુર્ઘટના નહિ સર્જાય. તેને જે આભાસ થયો હતો તે કાલ્પનિક હતો... આ સિરિયલ નો ભાગ હતો... છતાં મનમાં ઊંડે ઊંડે ક્યાક કશુંક ખૂંચતું હતું. તે પોતે તો આ સિરિયલ જોતી જ નહોતી! 

ફરી રાગિણી એ બધા વિચારો ખંખેરી સમીરા સાથેની વાત માં ધ્યાન પરોવ્યું. આ ફેશન શો ને એકદમ ડિફ્રન્ટ અને આલાગ્રાન્ડ બનાવવા માટે બીજુ શું નવુ કરી શકાય, એ તેમની વાતો નો વન પોઈન્ટ એજન્ડા હતો. વાતો વાતોમાં બીજા અમુક નવા આઇડિયા મળ્યા, તો રાગિણી એ તરત જ તે નોંધી લીધા. ઓફિસ પહોંચી તેના પર પ્રેઝન્ટેશન તૈયાર કરવાનુ કામ સમીરાને સોંપી રાગિણી પોતાના ઘરે પહોંચી. બાલ્કની ના સિંગલ સીટ ઝૂલા પર બેસી ફરી થોડીવાર ફેશન શો વિશે વિચાર્યુ. અને જ્યારે મગજ સંપૂર્ણ પણે થાકી ગયુ ત્યારે ઈષ્ટ દેવ નુ સ્મરણ કરી પોતાની જાતને નિંદ્રા દેવીને આધીન કરી દીધી. 

ફરી એ જ સપનું... એ દોડતી છોકરી... ભારે ભરખમ ઘાઘરો... પરસેવા ના રેલા... આંસુની ધારા... અને કશોક અવાજ પણ સંભળાતો હતો... પણ બધું જ અસ્પષ્ટ... ફરી તેને ઠોકર વાગી અને રાગિણી ની આંખ ખૂલી ગઈ!!! "" "" "" "" "" "" "" "" "" ""