સપના અળવીતરાં ૪ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૪“કમ ઓન આદિ, જસ્ટ રીલેક્ષ યાર.”

“વ્હોટ રીલેક્ષ?”

 આદિત્યની અકળામણ તેના અવાજમાં દેખાઈ આવતી હતી. પોતાના ઇમોશન્સને કાબૂમાં રાખવું હવે તેના માટે અશક્ય હતું. અને જ્યારે જાણ્યું કે કે.કે. શાર્પ 7:30 એ તેની ચેમ્બરમાં હતો પણ વિધાઉટ રિપોર્ટ્સ તો તે રીતસરનો ઉકળી ઉઠ્યો.

આદિ નો ઉભરો શમી ગયો એટલે એ જ ચિર-પરિચિત સ્માઇલ સાથે કે.કે. એ આદિને શાંત પાડ્યો.

“ યુ સી , કે. કે. ટાઈમ નો કેટલો પંક્ચ્યુઅલ છે! એમાં થયું એવું કે એક મીટીંગ કમ્પ્લીટ કરતા ઓફિસમાં જ સાત વાગી ગયા. અને ત્યાંથી અહીં સુધીનો રસ્તો કાપતા ગાડી અડધો કલાક તો લગાડે જ.અને હું રીપોર્ટ કંઈ બધે સાથે થોડો ફેરવતો હોઉં, કે ઓફિસેથી ડાયરેક્ટ આવું ત્યારે મારી સાથે લેતો આવું?”

હવે આદિત્ય એ પોતાની જાત પર કંટ્રોલ મેળવી લીધો હતો .તેણે કે. કે. સામે હવે સમજાવટથી કામ લેવાનું શરૂ કર્યું.

“ ઓકે, ટેલ મી, તે રિપોર્ટ્સ વાંચ્યા? શું છે એમાં?”

કે. કે. એ ખભા ઉલાળ્યા,

“ યાર, એ તમારું ડોક્ટરોનું કામ. એમાં આપણને ખબર ન પડે. મે તો એન્વેલપ લઈને ગાડીમાં મૂકી દીધું. અને તારી સાથે વાત કર્યા પછી યાદ આવ્યું કે એ ગાડી તો આજે પપ્પા લઈ ગયા છે અને હું બીજી ગાડી લઈને ઓફિસે આવ્યો છું.”

“ તો એક કામ કર, અંકલને ફોન કરીને અત્યારે જ બોલાવી લે. મારે રિપોર્ટ્સ જોવા ખૂબ જ જરૂરી છે.”

“ ગોન મેડ, યાર? પપ્પા તો આઉટ ઓફ સ્ટેશન છે. ત્રણ ચાર દિવસ પછી આવવાના છે. અત્યારે કેવી રીતે બોલાવું? તને તો ખબર છે ને પપ્પા બને ત્યાં સુધી કાર લઈને જ બધે જવાનું પસંદ કરે છે.”

આદિત્ય એ મનોમન નિ:સાસો નાખ્યો અને નિરાશાથી માથું હલાવ્યું. કે. કે. એ જોયું કે આદિ એ હાર સ્વીકારી લીધી છે એટલે એણે સિફત થી વાત બદલી નાખી.

“ હવે જો ડોક્ટર આદિત્ય નું કામ પતી ગયું હોય તો હું મારા ફ્રેન્ડ આદિ સાથે થોડીક વાત કરી શકું?”

કે. કે. નો નાટકીય અંદાજ જોઈને આદિત્ય થી હસી પડાયું. હસતા હસતા એ માત્ર એટલું જ કહી શક્યો,

“ બોલો”

અને કે. કે. એ રાતવાળી ઘટના કહી સંભળાવી. એ છોકરી, એની આંખો, આંખોના આંસુ, આંસુ ની સાથે ડોકાતી વ્યથા અને બીજું ઘણું કે જે સમજી ન શકાય, તેનું કે.કે. સાથેનું વર્તન - બધું જ કહી સંભળાવ્યું. અને એ બાબત આદિનું મંતવ્ય પૂછ્યું.

ફરી આદિ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. કે. કે. ની વાત કરવાની સ્ટાઈલ એવી હતી કે આદિને એવું લાગ્યું જાણે તે પોતે રાતના અંધારામાં, સૂમસામ બીચ પર, એ એકલી રડતી છોકરી ની સામે ઉભો છે! - તે કંઈક માનસિક મથામણ કરી રહ્યો હોય એવું કે.કે. ને લાગ્યું.

થોડો સમય એમજ ચૂપકીદી માં પસાર થયો પછી અચાનક આદિ એ પૂછ્યું, 
“ડ્રાઇવર નીચે છે કે… ” 

“ના યાર એકલો જ આવ્યો છું. એને રજા આપી દીધી.”

કે. કે. એ અધવચ્ચે જ જણાવી દીધું. અચાનક આદિ એ નાના છોકરાની જેમ કૂદકો માર્યો.

“ ચાલ, ચાવી લાવ. હું ગાડી ડ્રાઇવ કરીશ.”

કે.કે. ના ચહેરા પર સ્મિત ફરકી ગયું. કુતુહલતા એ હવે આદિને પણ એટલો જ જકડી લીધો હતો, જેટલો પોતાને. તેણે તરત જ પોકેટ માં થી ચાવી કાઢીને આદિ તરફ ફેંકી અને આદિએ એક ક્રિકેટર ની અદાથી તેને કેચ કરી લીધી. બંને જણ હસતા હસતા ગાડીમાં સવાર થઈ નીકળી પડ્યા, બીચ પર જવા માટે…

રાત બરાબર જામી હતી. પૂનમની ભરતી પછી આવેલી ઓટ ના કારણે કાદવ નું પ્રમાણ વધારે હતું. ઠંડો પવન સન્… સન્...સુસવાટાભેર કાનમાં કશુંક કહી જતો હોય એવું લાગ્યું. કે.કે. ના હાથની અદબ ભીડાઈ ગઈ. આદિ એ પોતાના હાથની હથેળી ઘસીને ગરમાવો મેળવવાની કોશિશ કરી. થોડી વાર બંને એમજ ઉભા રહ્યા, ત્યાં એક નાનકડો છોકરો એક હાથમાં કીટલી અને બીજા હાથમાં થર્મોકોલના કપ સાથે ત્યાં આવ્યો.

“સાબ, ચાય લોગે? ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ,
ગરમ ગરમ ચાય ઈલાયચી કે સાથ”

છોકરા ની બોલવાની સ્ટાઇલ અને નખરા જોઈને બંને હસી પડ્યા. હજુ થોડી પબ્લિક હતી. આજે પણ પેલી છોકરી મળશે…. કે નહીં મળે… અવઢવ હતી. બાર વાગવાને હજુ વાર હતી. ચાના એક એક ઘૂંટ સાથે કે.કે ના મનોમસ્તિષ્ક પર એ છોકરી હાવી થતી જતી હતી. આદિનું અવાજ તેના કાને પડ્યો - 

“ યાર, એક્ઝેક્ટ પ્લેસ શું હતી? અને આજે એ છોકરી દેખાય તો તું ઓળખી શકે ખરો? ”

કે. કે. એ ખભા ઉછાળ્યા. એટલા બધા અંધારામાં, અવાજનો પીછો કરતા કરતા તે છોકરી પાસે પહોંચ્યો હતો. નિર્જન દરિયા કિનારે એક્ઝેક્ટ પ્લેસ તો કેવી રીતે ખબર પડે? પણ હા, એનો ચહેરો મગજમાં કોતરાઇ ગયો હતો - હજારો લોકોની ભીડ મા પણ ઓળખી શકાય એ રીતે… 

ચા આપીને દોડી ગયેલો છોકરો પાછો સામેથી પસાર થયો. પબ્લિક ઓછી હતી એટલે જે હાજર હતા તેની આસપાસ તે વારંવાર આંટા મારતો હતો. આદિ એ તેને બોલાવ્યો. એ ના એ કપમાં ફરીથી ચા ભરાવી અને એને પોતાની પાસે જ ઉભો રાખી દીધો. 

“શું નામ, બકા, તારું? ”

એ છોકરો એકટસ આદિ સામે જોઈ રહ્યો. પછી ઠાવકું મોં રાખીને બોલ્યો, 

 “છોટુ. ”

બંને જણા ખડખડાટ હસી પડ્યા. આદિએ વાત આગળ ચલાવી. 

“સાચું નામ બોલને, બકા. ”

 “આંયા માટે તો છોટુ જ સાચુ, બાકી બધુ ખોટુ. હા, તમે આપ્યું ઈ નવું નામ પણ મસ્ત છે… બકા.”

કે. કે. ને ગમ્મત પડતી હતી એ બંને ની વાતચીત માં. પણ તેની નજર તો આજુબાજુ કોઇકને શોધી રહી હતી. આદિએ આગળ પૂછ્યું, 

“કેટલી ચા બાકી છે હવે? ”

 “આ કિટલીમા છે એટલી… ”

“સારું. ચલ, એ બધી ચા મારી. અને બીજા પાંચસો રૂપિયા તારી બક્ષિસ. ”

આદિત્ય ના હાથમાં રમતી પાંચસો ની નોટ સામે છોટુ લાલચથી જોઈ રહ્યો, પરંતુ હાથ ન લંબાવ્યો. ફરી એજ નખરાળા અંદાજમાં બોલ્યો,  

“કામ ક્યા કરના હોગા, સાબ?”