સપના અળવીતરાં - ૩૬ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૩૬

સમીરા નું વર્તન જોઈને બધા અચંબિત થઈ ગયા. સૌથી પહેલી કળ રાગિણી ને વળી. તે સોફામા ખસતી ખસતી સમીરા ની નજીક ગઈ. તેનો ચહેરો પ્રયત્ન પૂર્વક પોતાની તરફ ફેરવીને પૂછ્યું,

"તું ઓળખે છે આ બંને ને? "

સમીરા નો આંસુમઢ્યો ચહેરો હકારમાં હલ્યો. સાથે જ હોઠ પણ ફફડ્યા...

"એ મારો વરૂણ છે... મારો દિકરો... "

એક ડુસકાં સાથે તેના આગળના શબ્દો અટવાઈ ગયા.

"યુ મીન, તે દિવસે તારા હાથમાં... "

સમીરા એ તીખી નજરે રાગિણી સામે જોયું અને બોલતા બોલતા રાગિણી અટકી ગઈ. સહસા તેને બીજા બધાની હાજરી યાદ આવી અને એ હજુ કોઇ પર એટલો વિશ્વાસ નહોતી કરી શકી કે પોતાનો ભુતકાળ એમની સામે ઉખેળે... અને ભુતકાળ તો સમીરાનો પણ એવો જ હતો ને... અજાણ્યા સામે ન ઉખેળાય એવો... સાચુ પૂછો તો સમીરાએ તેને પણ બધી વાત ક્યા કરી હતી? તે બંને અંતરંગ સખી બની ગઈ હતી, પણ માત્ર વર્તમાન અને ભવિષ્ય માટે.... ભુતકાળ તો સૌનો સૌના મનમાં જ દફન હતો... અને એ બંને વચ્ચે એક ન લેવાયેલા કોલ હતા... ક્યારેય એકબીજા ના પાસ્ટને ઉખેળવો નહિ!

રાગિણી તો બોલતા બોલતા અટકી ગઈ, પરંતુ શિંદે સર ના કાન ચમક્યા. વાતચીત નો દોર પોતાના હાથમાં લઈ તેમણે સવાલો પૂછવાનું શરૂ કર્યું.

"યુ મીન, આ સ્કેચમાં દોરાયેલ પેલી વ્યક્તિ અને એ બાળક ખરેખર અસ્તિત્વ ધરાવે છે? "

સમીરા એ શિંદે સર સામે જોયું અને પછી નીચું જોઈ ગઈ. હવે શિંદે સર ની અંદરનો પોલીસમેન વધુ સતર્ક થઈ ગયો હતો. અત્યાર સુધી તો તે સમગ્ર ઘટના ને માત્ર રાગિણી નો વહેમ સમજી, તેના સમાધાન માટે કોશિશ કરી રહ્યો હતો, પરંતુ હવે વાત અલગ હતી. તેમણે અવાજ મા થોડો કડપ ઉમેરી ફરી પૂછ્યું,

"આર યુ શ્યોર? "

હવે સમીરા પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એ સાથે જ મનમાં એક આશા પણ જાગી કે સત્ય જણાવવાથી કદાચ અનહોની ને ટાળી શકાય! મનોમન દ્રઢ નિશ્ચય કરી તેણે બોલવાનું શરૂ કર્યું.

"હા, એ વરૂણ છે, મારો દિકરો. આઇ એમ અ સિંગલ મધર. અને પેલો બીજો સ્કેચ વિશાલ નો છે. વી આર શેરિંગ અવર ફ્લેટ. "

"યુ મીન, લીવ ઇન? "

એક ઝાટકો લાગ્યો સમીરાને આ શબ્દ સાંભળીને. તેનાથી તરત જ બોલી પડાયુ,

"નો, નોટ લીવ ઇન. વી આર નોટ ઇન રિલેશન. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. ઇન્ફેક્ટ, મારા સિંગલ મધર બનવાના ડિસિઝનને કારણે મારે ઘર છોડવું પડયું. એ સમયે વિશાલે જ મને હેલ્પ કરી. તેના ઘરમાં રહેવા માટે જગ્યા આપી. અને હજુ પણ હું એનુ ઘર શેર કરુ છું. એ મારી પાસે ભાડું પણ લેતો નથી, સો આઇ કાન્ટ કોલ માય સેલ્ફ અ પીજી. "
"તો વિશાલના ફેમિલી એ ક્યારેય કોઈ વાંધો ઉઠાવ્યો હોય એવું... "

"એક્ચ્યુઅલી, નો. વિશાલ એકલો જ રહે છે. તેનું ફેમિલી સુરત છે. "

"ઓકે. નાઉ સમથીંગ અબાઉટ વરૂણ. કેટલી ઉંમર હશે એની? "

"ત્રણ વર્ષ. "

" સો બીઇંગ અ સિંગલ મધર, તમારા ઓફિસ અવર્સ દરમિયાન એ ક્યા હોય છે? આઇ મીન આટલા નાના બાળકને તમે ઘરે એકલું તો નહીં જ છોડતા હો, રાઇટ? "

"મારી મોટી બહેન... નિશા... વરૂણ એની પાસે જ રહે છે. વીક એન્ડ અને હોલીડેઝ પર હું એની સાથે ટાઇમ સ્પેન્ડ કરું છું. "

સમીરા નો જવાબ સાંભળી શિંદે સર એકટક તેને તાકી રહ્યા. એ નજરનો તાપ ન જીરવાતા સમીરા એ વગર પૂછ્યે ખુલાસો કર્યો,

"નીશા ને ફર્સ્ટ પ્રેગ્નન્સી માં મીસકેરેજ થઈ ગયુ હતું. ત્યાર પછી ઘણા ઈલાજ કર્યા, પણ ફરી પ્રેગ્નન્સી ન રહી, એટલે તે... "

એક ઉંડો શ્વાસ લઇ તેણે વાક્ય પૂરું કર્યું...

"મમ્મી પપ્પા ની નારાજગી છતાં તે વરૂણ ને પોતાની સાથે રાખે છે, તેની મમતાને વરૂણ નામનો ઢાળ મળી ગયો અને પિયુષકુમાર... મારા જીજાજીએ પણ આ સ્વીકારી લીધું. "

" લેટ મી બી ક્લિયર, તમે અને વિશાલ એક ફ્લેટ શેર કરો છો. વરૂણ તમારા સિસ્ટર સાથે રહે છે અને મને કમને તમારા રિલેટીવ્ઝે પણ આ સ્વીકારી લીધું છે. તો પછી... તમારે કોઇ સાથે દુશ્મની... કોઇ અણબનાવ? "

સમીરા એ ડોકી હલાવી ના પાડી. શિંદે સર થોડી વાર એમજ વિચારતા રહ્યા. પછી એક એવો પ્રશ્ન પૂછી લીધો કે સમીરાનો ચહેરો એકદમ ભાવવિહીન થઈ ગયો. તેની આંખોમાં એક અલગ જ અંગારો સ્થિર થઈ ગયો. તેમણે પૂછ્યું,

"સિંગલ મધર બનવાનો નિર્ણય... કોઈ ખાસ કારણ? "

થોડી વારે સમીરા ના પથ્થર બની ગયેલા ચહેરા પર થોડી હરકત થઈ. તેના હોઠ ફફડ્યા અને હાજર બધાના કાન સરવા થયા. અસ્ફૂટ શબ્દો બહાર આવ્યા જે એક નામ હતું... વરૂણ!!!

***

"જેકપોટ.... યસ્સ્સ્સ્સ.... "

રાગિણી ના હોલમાં લાગેલા ડિવાઇસ થી આ બધીજ વાત કોઈ ત્રીજી વ્યક્તિ પણ સાંભળી રહી હતી, વાયા જાસૂસ બોબી... તેને અજાણતાજ એક એવી માહિતી મળી ગઈ હતી, જે તેના માટે જેકપોટ સમાન હતી. તેણે આનંદના અતિરેક માં હાથમાં રહેલો ગ્લાસ એક ઘૂંટ મા ખાલી કરી સામે દિવાલ પર પછાડ્યો. ગ્લાસ તૂટવાનો ખણખણાટ સાંભળી બહારથી એક આધેડ વ્યક્તિ દોડતો અંદર આવ્યો.

"વીકી બાબા... "

તે આગળ કંઇ બોલે એ પહેલા ખુશીમાં ઝુમતા વીકીએ એકલા એકલા ડાંસ કરતા કહ્યું,

"ઇટ્સ પાર્ટી ટાઇમ, દાદા... જેકપોટ લાગ્યો છે... કોલ કરો પેલા સા... વરૂણ ને... હવે હું કરીશ એની સાથે સોદો... બહુ હવામાં ઉડે છે... મને ચેલેન્જ કરી... મને... હવે હું બતાવીશ એને... કે કોણ છે આ વીકી... અને શું છે એની હેસિયત... "

બોલતા બોલતા વીકીએ એક લથડિયુ ખાધું અને એ બુઝુર્ગે તેને ઝીલી લીધો.

"ઉસ્માન... "

બુમ સાંભળી એક કદાવર જુવાન અંદર આવ્યો. તેણે વીકી ને સંભાળીને બેડ પર સુવડાવ્યો અને એ બુઝુર્ગ સામે જોઈ પૂછ્યું,

"હવે? "

અત્યાર સુધી ચહેરા પર રહેલા મૃદુતાના ભાવ વરાળ બની ક્યાય ઉડી ગયા હતા. એની બદલે હતો એક કઠોર, કરડો ચહેરો અને એક મક્કમ અવાજ...

"તું બહાર જ ઉભો રહે. પહેલા મને એ જાણવું પડશે કે વીકીને એવી શું ઇન્ફોર્મેશન મળી છે કે તે આમ ખુશી થી પાગલ થઈ ગયો છે. પછી નક્કી થશે કે શું કરવું. "

ઉસ્માન બહાર ગયો એટલે તેણે હેડફોન લગાવી ટેપ પહેલેથી સાંભળવાનુ શરૂ કર્યું. અને છેલ્લે વરૂણનુ નામ સાંભળી તેની આંખોમાં પણ એક અજબ ચમક છવાઇ ગઇ. તેણે મોબાઈલ કાઢી એક નંબર ડાયલ કર્યો. સામે છેડે કોલ રીસિવ થયો એટલે એ એટલું જ બોલ્યો,

"તારા બાપને કહી દેજે કે એનો બાપ મળવા આવે છે... એક ડીલ લઈને... "

કોલ કટ કરતાની સાથે જ એક કુત્સિત સ્મિત તેના ચહેરા પર છવાઈ ગયું...