સપના અળવીતરાં ૯ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૯

  સપના અળવીતરાં ૯

પોતાના બેડ પર બેઠેલી રાગિણી સખત હાંફતી હતી. કંઇક એવું હતું જે તેને સમજાતું નહોતું. ઘણી વાર એવું થતું કે તેને કોઈ સપનું આવે, વારંવાર આવે... પણ તેને હકિકત નું રૂપ મળી જાય, પછી એ સપનું ફરી ક્યારેય નથી આવ્યું. પણ આજે... કાલે રાત્રે આવેલા સપના મુજબ ની પરિસ્થિતિ તો તેણે સીસીડી મા ટીવી પર પ્રસારિત થતી જોઈ હતી! તો પછી... ફરી એજ સપનુ... એ અસ્પષ્ટ અવાજો... અને ટીવી તો મ્યૂટ હતું... રાગિણી ને કશું સમજાતું નહોતું. મનમાં એક અજીબ બેચેની અનુભવાતી હતી. વળી, આ વાત બીજા કોઈ સાથે શેર કરવી પણ પોસિબલ નહોતી. 

હજુ રાતના બે જ વાગ્યા હતા. એટલે રાગિણી એ ફરી સૂઈ જવાનુ નક્કી કર્યું. ફરી ઈષ્ટ દેવ નુ સ્મરણ કરી બેડમાં લંબાવ્યુ. શવાસન દ્વારા આખા શરીર ને એકદમ રીલેક્ષ કર્યું. અને બારીમાંથી દેખાતી દીવાદાંડી ની લાઈટ પર નજર સ્થિર કરી. એકટશ... અપલક... ધીરે ધીરે એક માં થી બે અને બે માં થી અનેક લાઇટ દેખાવા માંડી. આંખમાં પાણી ભરાઈ ગયા, આંસુ બની સરી પડ્યા... છતાં અપલક જોવાનું ચાલુ રાખ્યું. આંખમાં ભરાયેલા પાણી ને કારણે દ્રશ્ય ધૂંધળું થઈ ગયું... હળવેકથી આંખો બંધ કરી અને પછી... 

... પછી બંધ આંખે પણ દૂર... વધુ દૂર જોવાની કોશિશ આદરી. શરૂઆતમાં માત્ર લાઈટનુ નાનકડુ પ્રતિબિંબ અને આજુબાજુ સંપૂર્ણ અંધકાર... ધીમે ધીમે ખુલતા પડળ...હળવે હળવે ઉઘડતો ઉજાસ... એક ઝાંખું દ્રશ્ય... 

બંધ આંખ ના પરદા પર હજુ વધુ દૂર જોવાની કોશિશ કરી અને બધી ઝાંખપ ઓગળી ગઈ. હવે બધું જ સ્પષ્ટ દેખાતું હતું... એકદમ સ્પષ્ટ... હવે તે રોજની જેમ બંધ આંખ પાછળ ની દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. 

*******

"હેલ્પ! પ્લીઝ હેલ્પ! સમબડી હેલ્પ! "

લાંબો વજનદાર ડિઝાઈનર ઘાઘરો બે હાથે પકડીને તે મદદ માટે બૂમો પાડતી દોડતી હતી. અંધારું ઘોર અને ખરાબ રસ્તા ના કારણે બેલેન્સ જાળવવુ અઘરું હતું. હેરસ્ટાઇલ વિંખાઈ ગઈ હતી. મેકઅપ રેલાઈ ગયો હતો. સતત આંસુ વહેતા હતા. વારે ઘડીએ પાછળ ફરીને જોતી અને વળી આગળ દોડતી... જાણે કોઈ પીછો કરતું હોય... પણ પાછળ કોઇ દેખાતું નહોતું! 

ફરી એકવાર પાછળ જોયું અને ઠેસ વાગી. તેણે બેલેન્સ ગુમાવ્યું અને... નીચે પડેલા અણિયાળા પથ્થર પર માથું ભટકાય એ પહેલાં બે મજબૂત હાથોમાં તે ઝિલાઇ ગઇ. એ વ્યક્તિ... મરૂન કલરનો સુટ... મરૂન શૂઝ... હાથમા બ્રાન્ડેડ ઘડિયાળ... એક ચહેરો દેખાયો અને ફરી રાગિણી ની આંખ ખૂલી ગઈ. 

રાગિણી એ ઝડપથી સાઈડ યુનિટમાં રાખેલી સ્કેચબુક કાઢી અને શક્ય એટલી ઝડપે જેટલું વિઝન આવ્યુ હતું તે દોરવા માંડી. એ છોકરી ની રડતી આંખો, તેના ઘાઘરા ની ડિઝાઇન, હાથમાં પહેરેલું કડું, પગની ડિઝાઈનર પાયલ, હેરસ્ટાઇલ મા લગાવેલો માંગટીકો... પથરિયાળો રસ્તો, ખાસ કરીને પેલો અણિયાળો પથ્થર અને આજુબાજુ નો વિસ્તાર... અને પેલો મદદગાર... 

એ વ્યક્તિ... એ ચહેરો પહેલા પણ જોયો હતો. પણ ક્યા? અચાનક રાગિણી ને દરિયાવાળુ સપનુ યાદ આવ્યું. એમા પણ તો આ જ વ્યક્તિ હતી... મદદગાર તરીકે! અને તે રાત્રે... જ્યારે તે સંભવિત દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી... એક અજબ ડુમો બાઝ્યો હતો અને તે રડી પડી હતી. આખો કિનારો સૂમસામ હતો અને તે દરિયાદેવ પાસે મન હળવું કરતી હતી, ત્યારે પણ તો... 

અચાનક તેના મગજમાં ચમકારો થયો. એ જ વ્યક્તિ... ત્યારે તેણે પોતાની ઓળખ પણ આપી હતી. શું કીધું હતું? મગજ પર બહુ જોર આપવા છતાં યાદ ન આવ્યું. તેણે ન્યૂઝ પેપર નો થપ્પો હાથમાં લીધો. બે - ચાર પેપર ફંફોસતા એક પેપર પર તેની નજર અટકી. તેમા હેડલાઈન હતી... 
"દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! "

તેણે ઝીણવટથી આખો આર્ટિકલ વાંચી લીધો. ફરી ફરી ને વાંચ્યો. થોડી વાર એમજ શાંત ચિત્તે મનન કર્યું અને પછી પોતાની સ્કેચબુક માં દોરેલુ એ સપનાવાળુ પાનુ ખોલ્યું. એ સ્કેચમા બે બાળકો હતા જ્યારે સમાચાર મા માત્ર એક! એનો અર્થ... એ વ્યક્તિ ખરેખર મદદગાર છે!તેના કારણે એક બાળક બચી ગયુ! 

ઓહ! કેટલી મોટી હા'શ! પોતે ઇચ્છવા છતાં અકસ્માત સમયે હાજર રહી શકી નહોતી, અને એ મદદગાર અણીના સમયે પહોંચી ગયો હતો. તેના સપના હજી ઘટના - દુર્ઘટના નો સાચો સમય નથી જણાવી શકતા, એટલે દરવખતે તે અનિચ્છનીય બનાવ ટાળવા મા થાપ ખાઇ જાય છે. પરંતુ, આ અજાણી વ્યક્તિ સંજોગો ને મા'ત આપવામાં સફળ રહી હતી! કાશ, એ ફરી આ વખતે પણ સમયસર પહોંચી જાય! 

" બાપરે, છ વાગી ગયા! "

તેણે ફટાફટ સ્કેચબુક ડ્રોઅરમાં મૂકી તથા ઓફિસ માટે તૈયાર થવા માંડી. 

****************

"ઓહ! "

આદિત્ય ની આંખમાં આંસુ આવી ગયા. હર્ષાવેશમા તે કે. કે. ને ભેટી પડ્યો. ડૉ. ભટ્ટ ની હાજરી પણ વિસરી ગયો. પણ કે. કે. હજુ સુધી સ્થિર હતો. ડૉ. ભટ્ટ માટે તો આ રોજનું હતું. કેન્સર નો રીપોર્ટ આપત્તિજનક હોય તો પેશન્ટ અને તેના સંબંધી ની આંખમાં તકલીફ ના આંસુ આવી જતાં, અને રીપોર્ટ સારો હોય તો હર્ષના... પરંતુ, અહીં પરિસ્થિતિ થોડી અલગ હતી. પેશન્ટ સ્થિતપ્રજ્ઞ હતો જ્યારે તેની સાથે આવેલ વ્યક્તિ, કે જે પોતે પણ એક ડોક્ટર છે, તેનો પોતાના ઈમોશન્સ પર કાબુ નથી! 

બધા રિપોર્ટ જોઈને ડૉ. ભટ્ટે ખુશી ના સમાચાર આપ્યાં.

 "હા, કેન્સર તો છે, પણ ફર્સ્ટ સ્ટેજમાં... એટલે કે ક્યોરેબલ છે. કેમો થેરાપી અને રેડીયેશન બધું મળીને લગભગ દોઢ વર્ષ ની ટ્રીટમેન્ટ થશે. પણ રોગ જડમૂળથી નાશ પામશે." 

બસ, આદિત્ય ને ખુશી થી ઉછળી પડવા માટે આટલું કાફી હતું. પરંતુ, કે. કે. ના ચહેરા ની સ્થિરતામા કોઇ ફરક આવ્યો નહી. કેટલીય વારે તેના હોઠ હલ્યા અને તેમાંથી એક પ્રશ્ન બહાર આવ્યો... 

" એક મહિના પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય? "

“વ્હોટ???” 

ડૉ. ભટ્ટ અને આદિત્ય બંને એકસાથે બોલી પડ્યા.