Sapna advintara - 3 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં ૩



બે… ત્રણ… ચાર… પાંચ… ફોનની રીંગ વાગતી રહી અને છેવટે કે. કે. એ રીસિવર હાથમાં લીધું. એનું દિલ જોર જોરથી ધડકતું હતું. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ,... આ જ ઓફિસ,... એ જ કે. કે. અને સામે છેડેથી વહેતો ડૉક્ટર નો અવાજ… 

“થેન્ક ગોડ! તારો કોન્ટેક્ટ તો થયો. ક્યારનો ટ્રાઇ કરૂં છું. મોબાઈલ સતત સ્વીચ ઓફ બતાવે છે. અને આ લેન્ડ લાઇન પર પણ ક્યારની રીંગ વાગતી હતી! સારૂં થયું કે. કે., તે સમયસર રીસિવર લઈ લીધુ, અધરવાઈઝ હું લાઇન કટ કરવાજ જતો હતો. ”

ડૉક્ટર નો અકળાયેલો અવાજ સાંભળીને કે. કે. ખડખડાટ હસી પડ્યો. એક્ટિંગ કરવાનો શોખ તેની મદદે આવ્યો અને મનમાં ચાલતી ગડમથલ મનમાં જ ધરબી દઇને તે બોલ્યો, 

“રીલેક્ષ આદિ, રીલેક્ષ. ”

 “વ્હોટ રીલેક્ષ? તને ખબર છે કાલે તારી કેટલી વેઇટ કરી? લેબ પર પણ ફોન કર્યો, પણ તું નીકળી ગયો હતો. ત્યાર પછી કોઇ કોન્ટેક્ટ જ નહિ… વ્હોટ ઇઝ ધીઝ?”

“સોરી ડૉ. આદિત્ય, વેરી સોરી. કાલે રીપોર્ટ લીધા પછી એક અગત્યના કામે જવું પડ્યું. મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો હતો એટલે કોન્ટેક્ટ પણ પોસિબલ નહોતો. વેલ, હવે આપણે આજે મળી શકીએ, ડૉક્ટર? ”

“કમ ઓન કે. કે., એટલે જ તો મે કોલ કર્યો છે. રીપોર્ટમાં શું આવ્યુ? ”

અને અજાણતાજ કે. કે. ના અવાજમાં ગંભીરતા આવી ગઈ. 

“આદિ, આજે સાંજે મળીએ ત્યારે વાત. હું રીપોર્ટ લઈને સાંજે સાડા સાતે તારા ક્લિનિક પર આવી જઈશ. ઓ. કે.? શાર્પ સાડા સાતે… ”

“ઓ. કે. કે. કે. ”

આદિત્ય કે. કે. ના જિદ્દી સ્વભાવ ને બહુ સારી રીતે જાણતો હતો. બંને નાનપણ ના મિત્રો હતા. આદિત્ય સામાન્ય પરિવાર નું અસામાન્ય પ્રતિભાશાળી સંતાન હતો. તેની મહેચ્છા ડૉક્ટર બનવાની હતી. અને જો કે. કે. એ આર્થિક મદદ ન કરી હોત, તો કદાચ આજે તે આદિ માં થી ડૉ. આદિત્ય ન બની શક્યો હોત. કે. કે. એ કાયમ તેને આર્થિક ની સાથે માનસિક સપોર્ટ પણ આપ્યો હતો. અને હવે તેનો વારો હતો, કે. કે. ને સપોર્ટ આપવાનો…

કે.કે. નો ફોન મૂક્યા પછી આદિત્ય વિચારે ચડી ગયો. તે માત્ર અપોઈન્ટમેન્ટ થી પેશન્ટને તપાસતો અને આજે પાંચ વાગ્યા પછીનો સમય તેણે કે.કે. માટે સ્પેર કરી રાખ્યો હતો. આદિએ ઘડિયાળમાં જોયું. અત્યારે સાડા પાંચ થયા હતા અને તેણે સાડા સાત સુધી કે.કે. ની રાહ જોવાની હતી. તેણે ફરીથી કે.કે. ના કેસ પેપર હાથમા લીધા.

 આમ તો ગઈકાલથી આજ સુધીમાં આ કેસ પેપર એણે કેટલીય વાર જોઈ લીધા હતા. તેમાં નોંધેલી ઝીણામાં ઝીણી વિગતનું અર્થઘટન તે અનેક રીતે કરી ચૂક્યો હતો. તેનું બધું જ મેડિકલ નોલેજ તે આ બાબતમાં લાગુ કરી ચૂક્યો હતો, અને જે કોઈ બાબત નજર સમક્ષ આવી, તે એક જ ઈશારો કરતી હતી… અને એટલે જ પરાણે, કે.કે. ની ઈચ્છા ન હોવા છતાં, અમુક ટેસ્ટ કરાવ્યા અને રિપોર્ટની રાહ જોવા લાગ્યો.

આજે આદિ કે.કે. પર બરાબરનો ચિડાયો હતો. તેની ખાસ તાકીદ હતી કે કે.કે. રીપોર્ટ લઈને સીધો એની પાસે આવે, પરંતુ થયું કંઈક અલગ જ, જોકે આવું કઈ થવાનો તેને અંદેશો હતો જ ,અને એટલે જ એનો આગ્રહ હતો કે લેબ પરથી રિપોર્ટ સીધા એની પાસે આવે અને પછી તે કે.કે.ને મળે. પણ અગેઇન, કે.કે. ની જીદ. ધરાર, આદિ કરતા પહેલા તે લેબ પર જઈ ચડ્યો અને રિપોર્ટ્સ લઈને ક્યાંક ગાયબ થઈ ગયો, તેનો કોઈ કોન્ટેક્ટ પણ ન થાય એ રીતે.

ખેર, એક હાશ હતી કે કે.કે. રિપોર્ટ સાથે સાંજે 7:30 એ આવવાનો છે. કે.કે. સમયનો ખૂબ જ પંક્ચ્યુઅલ છે. એટલે એ બાબતે આદિ નિશ્ચિંત હતો. બસ 7:30 થવાની રાહ હતી.

“હે બ્રો! વોટ્સ રોંગ વિથ યુ?”
કેયુર ના અવાજે કે.કે.ને ખેંચીને વર્તમાનમાં લાવી દીધો. કેયુર બોલતો જ હતો-
 “સવારનો જોઉં છું કે કે.કે. નંબર વન ઇઝ નોટ હન્ડ્રેડ પર્સન્ટ. કે.કે., શું થયું યાર? કહા ખોએ હો જનાબ? શું એ છોકરી હજી રડે છે?”

અને કે.કે હસી પડ્યો. પણ કેયુર નું બોલવાનું ચાલુ જ હતું- 

“આજે પહેલીવાર દર દોઢ મિનિટે મિ. કે.કે. નંબર વન સમય ચેક કરે છે. મિટિંગમાં ધ્યાન નથી, મિટિંગ પૂરી થઈ છતાં કોઈ બિઝનેસ એટીકેટ્સ નથી, બધા ગયા છતાં મિસ્ટર કે.કે. નંબર વન એની જગ્યાએ બેઠા છે અને ઘડીકમાં ઘડિયાળમાં તો ઘડીકમાં મોબાઇલમાં સમય ચેક કરે છે. સો! આ બધા નો મતલબ…?”

કેયુર ની બોલવાની સ્ટાઇલ જોઈને કે. કે. હસી પડ્યો. તે હસતો જ રહ્યો, હસતો જ રહ્યો અને ડોકું ધુણાવતો રહ્યો. કદાચ જવાબ ટાળવા માટે... પણ કેયુર ની વાત સાચી હતી. આજનો દિવસ એને ખૂબ મોટો લાગ્યો. ખૂબ ખૂબ મોટો! રોજ સુપરફાસ્ટ એક્સપ્રેસ માં ભાગતા સમયની સ્પીડ પર અચાનક જ બ્રેક લાગી ગઇ હોય એવું લાગતું હતું. તેણે ફરી ઘડિયાળમાં જોયું. સાત વાગ્યાનો સમય મનોમન નોંધીને તે ફરી કેયુર સામે હસી પડ્યો.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED