સપના અળવીતરાં - ૩૨ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૩૨

"હેલો, મિ. ખન્ના! આઇ વોઝ વેઇટિંગ ફોર યુ. "

સબ ઇન્સ્પેક્ટર શિંદે એ કેયૂર સાથે હાથ મિલાવતા કહ્યું. કેયૂર ના ચહેરા પરનો ઉચાટ સ્પષ્ટ વરતાતો હતો. એક ફીકી સ્માઇલ સાથે તે શિંદે સામે તાકી રહ્યો. શિંદેએ ડ્રોઅરમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ કાઢી ટેબલ પર મૂક્યા અને આંખના ઇશારે જ કેયૂર ને એ જોવાનું કહ્યું. 

કેયૂર એક પછી એક બધા ફોટા જોવા માંડ્યો. એમાં કેટલાક જાણીતા ચહેરા હતા - પેલા ટપોરીઓના... તો કેટલાક વળી સાવ અજાણ્યા... પણ છેલ્લા ફોટા પર નજર પડતાં જ તેનો હાથ ધ્રુજી ગયો. 

"આ... આ તો... " 

"હા, આ એ જ છે... ડી - ધ ડ્રગ કીંગ. છાશવારે એની તસ્વીરો ન્યૂઝ પેપર માં આવતી રહે છે. ઓલ ઓવર વર્લ્ડ માં ૮૦% ડ્રગ્સ તે સપ્લાય કરે છે. અને બાકીના ૨૦% માટે પણ એની મંજૂરી કમ્પલસરી છે. "

શિંદે એ માહિતી આપી. કેયૂર નો હાથ વધુ ધ્રુજી ઉઠ્યો. 

"પણ, આ લોકો અમારી પાછળ... કેમ? "

"નો... નો... તમારી પાછળ નહિ, રાગિણી પાછળ. ટુ બી પ્રિસાઇઝ, આઇ ફીલ ધેટ આટલા મોટા ડ્રગ્સ ડીલર ના માણસો સામાન્ય ટપોરી ની જેમ કોઈ છોકરી ની છેડતી કરી પોલિસ ના હાથમાં ઝડપાઇ જવાની ભૂલ કરે તે શક્ય નથી. " 

"એટલે? "

"એટલે એમ કે આ માત્ર સામાન્ય છેડતીનો કેસ નથી. આઇ સ્ટ્રોંગલી ફીલ ધેટ રાગિણી હેઝ સમ કનેકશન વીથ ધીઝ ગેંગ.

"વ્હોટ? નોટ પોસિબલ. આઇ નો હર વેલ. બહુ જ વ્યવસ્થિત વ્યક્તિ છે. તેને આવા લોકો સાથે... આઇ ડોન્ટ થીંક સો. એની વે, રાઘવ પર જે હુમલો થયો હતો તે... "

"યસ. મારી ઇન્વેસ્ટિગેશન કહે છે કે એ આ જ ગેન્ગ નું કારસ્તાન છે. એટલું જ નહિ, ડો. આદિત્ય પર પણ હુમલા ની નાકામ કોશિશ થઈ હતી. કારણ કે રાઘવે ખુલ્લેઆમ રાગિણી ની મદદ કરી હતી અને ડો. આદિત્ય એ રાગિણી નો ઇલાજ કર્યો હતો. એ તો સારું છે કે તમે એ લોકોની નજરે ન ચડ્યા, નહીંતર, શક્ય છે કે અત્યાર સુધીમાં તમારી ઉપર પણ હુમલો થઈ ગયો હોત... "

એક લખલખું આખા શરીરમાં ફરી વળ્યું. કેયૂરે પોકેટમાંથી રૂમાલ કાઢી કપાળ પરથી ઉતરી રહેલા પરસેવા ના રેલા લૂછ્યા. 

"રાગિણી એ કંઈ કહ્યું? "

"હા. એટલું જ કે તે એ લોકોને નથી ઓળખતી. "

હજુપણ રાગિણી ની ચિંતા તેના મગજમાંથી ખસતી નહોતી. તેણે ઉચાટ સાથે પૂછ્યું, 

"વ્હોટ અબાઉટ રાગિણીઝ સેફ્ટી? "

"વેલ, મારા ખાસ માણસો મે તેની સિક્યુરીટી માટે ગોઠવી દીધા છે, સો ડોન્ટ વરી અબાઉટ હર. એન્ડ યસ, તમારી સેફ્ટી માટે તમને પણ પ્રોટેક્શન આપવામાં આવશે. આજે નહિ તો કાલે, એ લોકો તમારા સુધી જરૂર પહોંચી જશે. સો વી કાન્ટ ટેક એની ચાન્સ. "

"ઓકે સર. હવે હું રાઘવને મળવા જઈશ. "

"નો મિ. ખન્ના. ડોન્ટ મેક ધીસ મિસ્ટેક. અમારી જેમ જ એ લોકો પણ રાઘવ પર નજર રાખતા હશે. કે જેથી ફરી રાગિણી સુધી પહોંચી શકે... આઇ થિંક, તમે અત્યારે રાઘવને મળવાનું અવોઇડ કરો તો સારું. આમ પણ તે કોમા માં છે, તો... "

કેયૂરે એક ઉંડો શ્વાસ લઇ નિરાશાથી માથું ધુણાવ્યું. પછી કંઇક વિચારી મોબાઈલ માં એક નંબર ડાયલ કર્યો. 

"હલો, આદિ... "

સામે છેડે એક ભારે ભરખમ મૌન હતું. કેયૂરે ફરી કહ્યું, 

"આદિ! કેયૂર હીઅર. આવું કેમ કર્યું? "

***

"ડોન્ટ વરી રાગિણી. સિંગાપુર વાળો ફેશન શો હું સંભાળી લઈશ. તું જરા પણ ચિંતા ન કર. બસ, તારુ બધું કોન્સન્ટ્રેશન અત્યારે તારી હેલ્થ પર રાખ. "

સમીરા ના શબ્દો થી રાગિણી નો ઉચાટ થોડો ઓછો થયો. 

"અને હમણાં ઓફિસ આવવાની જરૂર નથી. અમે રોજ તને અપડેટ આપતા રહેશું. "

"હા, એટલે તમે બધા મને ઘરઘૂસલી બનાવી દેવા માંગો છો, એમજ ને! "

ઇમરાન ને ધમકાવતા બનાવટી ગુસ્સા સાથે રાગિણી બોલી. રાગિણી ની આખી ટીમ રોજ સાંજે તેના ઘરે આવી આખા દિવસનો રીપોર્ટ આપતી અને થોડો સમય તેની સાથે વિતાવી તેને ફ્રેશ રાખવા મથતી. છેલ્લા એક અઠવાડિયાથી આ રોજનો ક્રમ બની ગયો હતો. રાગિણી સાથે એ દુર્ઘટના બની, ત્યારે ત્રણ દિવસ તો તે આદિત્ય ની હોસ્પિટલમાં રહી, પણ પછી આદિત્ય ની મનાઇ છતાં તેણે પરાણે રજા લઈ લીધી હતી. આખી ટીમ રોજ હોસ્પિટલમાં પણ મળવા આવતી અને ઘરે આવ્યા પછી પણ એ ક્રમ તૂટ્યો નહોતો. 

બટકબોલી બિનીતાએ આજે પણ ફરી એજ સવાલ પૂછ્યો, 

"પણ યાર, તારું લોજિક હજી મને સમજાતું નથી. તારા પગ... સ્ટીલ યુ નીડ ટ્રીટમેન્ટ ફોર યોર લેગ્સ, ઇવન ધો... આવી જીદ શા માટે? એટલીસ્ટ ટ્રીટમેન્ટ તો કમ્પ્લીટ કરવી હતી! "

"યાર, હોસ્પિટલ નું વાતાવરણ મને માફક નથી આવતું... યુ સી... અને ઘરે પણ મેડીસીન તો ચાલુ જ છે ને. "

"સારુ, ચાલ, કાલે પાછા મળીએ. "

બધા ઉભા થયા. જતા જતા વળી બિનીતા બોલી, 

"ગુડ નાઇટ. સ્લીપ ટાઇટ. મીસ મી વ્હેન મોસ્ક્યુટો બાઇટ! "

"તારી તો... "

રાગિણી એ બાજુમાં પડેલા કુશનનો ઘા કર્યો, પણ બિનીતાએ વાર ચૂકવી દીધો અને હસતી હસતી મેઇનગેટ તરફ આગળ વધી ગઈ. 

"અલી, કુશન તો આપતી જા. "

પણ કોણ સાંભળે? બિનીતા બહાર નીકળી ગઈ હતી. અને બાકી બધા તો તેની પહેલાજ જતા રહ્યા હતા. રાગિણી મુશ્કેલી થી ઉભી થઇ અને ધીરે ધીરે જઈ કુશન ઉપાડી લીધું. માંડ માંડ સોફા પાસે આવી અને રીતસર પડતું મૂક્યું. ઉપરાઉપરી બે કુશન ગોઠવી તેની પર પગ ગોઠવ્યા અને તેણે સોફામાંજ લંબાવી દીધું... એ વાત થી સંપૂર્ણ પણે અજાણ કે હોલની બારીમાંથી સતત તેના ઉપર નજર રખાય રહી છે. 

ધીરે ધીરે રાગિણી નું શરીર શિથિલ થવા માંડ્યું. થોડીક વાર પહેલા લીધેલી દવા અને એમાં રહેલ ઘેન ની અસર તેના મગજ પર છવાઈ ગઈ. તેની અધખુલ્લી આંખોના પોપચા એકદમ ભારે થઈ ગયા અને તે તંદ્રામા સરી પડી. 

દુરબીન પાછળ રહેલી બે આંખોએ પણ પલક ઝપકાવી. રાગિણી ને સૂઈ ગયેલી જોઇ તેણે દુરબીન સાઇડટેબલ પર મૂકી આળસ મરડી. ડીશમાં રહેલ ઠંડા થઈ ગયેલા વડાપાંઉ માં થી એક બાઇટ લઇ તેની ઉપર પાવર ઉડી ગયેલ કોલ્ડડ્રીંક ની બોટલમાંથી એક ઘુંટડો ભર્યો. ચાવતા ચાવતા ફરી દુરબીન આંખ પાસે સેટ કરી રાગિણી પર નજર જમાવી. 

રાગિણી ને ઉંઘમાં સરી પડેલી જોઈ તેણે ફરી દૂરબીન નીચે મૂકી શાંતિથી પાંઉવડાને ન્યાય આપ્યો અને પછી ઇયરફોન લગાવી બારી પાસે જ આરામ ખુરશી માં લંબાવ્યું. તેની આંખો બંધ હતી, પણ કાનમાં કેટલાંય અવાજો ગૂંજી રહ્યા હતા. રાગિણી ના ઘરે છુપાવેલા માઇક્રોફોન ની મદદથી રેકોર્ડ કરેલી બધી વાતો તે ફરી એક વાર સાંભળી રહ્યો હતો... કદાચ, કોઇક કામ ની વાત મળી જાય! 

સતત ઉજાગરાને કારણે તેની આંખ ક્યારે મળી ગઈ,તેનું તેને પોતાને પણ ધ્યાન ન રહ્યું. કંઇક ખખડાટ થયો અને તે ઝબકી ગયો. ઇયરફોન માં થી વિચિત્ર અવાજ આવતો હતો. તેણે ફરી દૂરબીન આંખ સામે ગોઠવ્યુ. જોયું તો રાગિણી ગળું ભીંચીને રડતી હતી. તેની બંને હથેળી મોઢા આડે દબાયેલી હતી, કે જેથી અવાજ બહાર ન નીકળે. આંસુ ની ધારથી તેનું ટી-શર્ટ પણ ભીનું થઈ ગયું હતું. છેવટે, ન જીરવાતા તેણે હથેળીઓ ગળા પાસે સરકાવી જોરથી રાડ પાડી. 

રાગિણી અત્યારે પોતાની જાતને તદ્દન નિસહાય અનુભવી રહી હતી. જે સપનુ તેણે અત્યારે જોયું, એના કારણે એ અંદર સુધી હલી ગઈ હતી. તે એવું જ ઈચ્છતી હતી કે કાશ!.... કાશ! આ સપનુ સાચુ ન પડે... પણ.... 

આ ગુંગળામણ તેનાથી સહન ન થઈ અને તેનાથી રાડ પડાઇ ગઇ. તેની આ તડપ... આ છટપટાહટ... આ પીડા... તેની સાથે કોઈ બીજું પણ હતુ આ બધાનુ સાક્ષી! તેનું દૂરબીન સ્હેજ ધ્રુજ્યુ અને આંખમાંથી એક આંસુ સરી પડ્યું.