"હેલો, શિંદે સર? કેયૂર હિઅર. "
"યસ મિ. કેયૂર. આફ્ટર અ લોન્ગ ટાઇમ... હાઉ આર યુ? "
"ફાઇન. આઇ વોઝ આઉટ ઓફ ઈન્ડિયા ફોર સમ ડેય્ઝ. હવે, પેલા ટપોરીઓના કેસમાં કોઇ ડેવલપમેન્ટ? "
"વેલ, મે તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી, બટ... એનીવેય્ઝ, આઇ થીંક યુ શુડ નો ધીઝ. જે લોકોને તમે પકડાવ્યા એ ખાલી સામાન્ય ટપોરી નહોતા. ધે બિલોન્ગ ટુ અ ગેંગ - ડીલીંગ વીથ ડ્રગ માફિયા. "
"વ્હોટ? "
"યસ. બહુ ખતરનાક ગેંગ છે. અને એટલેજ તમને આ માહિતી આપવી જરૂરી છે. બીકોઝ યુ નીડ ટુ બી કેરફુલ. એ લોકો ગમે ત્યારે બદલો લઈ ખુન્નસ કાઢી શકે છે. "
"સર, કાંઈક સમજાય એવું બોલોને! "
"વેલ, તમને ડિટેઇલ મા સમજાવું. પણ એ માટે આપણે મળવું પડશે. ડુ વન થીંગ. તમે અત્યારે જ પોલીસ સ્ટેશનમાં આવી જાવ. હું તમને બધું જ સમજાવું છું. પણ હા, જરા સચેત રહેજો. "
સબ ઇન્સ્પેક્ટર શિંદે ની વાત સાંભળીને કેયૂર વિચારે ચડી ગયો. તે અત્યારે જ અમેરિકા થી રિટર્ન થયો હતો અને એરપોર્ટ પરથી જ સબ ઇન્સ્પેક્ટર શિંદે ને કોલ કર્યો હતો. થોડી અસમંજસમાંજ તે બહાર સુધી આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે રાઘવને બદલે નટુકાકા ગાડી લઈને આવ્યા હતા. નટુકાકા પણ ચિંતા થી ઘેરાયેલા હોય એવું લાગતું હતું. એરપોર્ટ ના પાર્કિંગમાંથી બહાર નીકળી મેઇન રોડ પર પહોંચતાં જ નટુકાકાએ પૂછ્યું,
"સાહેબ ને હવે કેવું છે, ભાઈ? "
કેયૂર ની વિચારધારા પર બ્રેક લાગી. કે. કે. પ્રત્યે નટુકાકા ની આટલી લાગણી જોઈ તે ગદ્ ગદ્ થઈ ગયો. સ્હેજ ગળું ખંખારી તેણે જવાબ આપ્યો,
"શું કહુ, કાકા? અહિથી ગયા ત્યારની હાલત તો તમે જોઈ જ હતી ને! અત્યારે બસ ડૉ. જોનાથન ની અંડરમા ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે... બાકી આગળ ભગવાન જેવડો ધણી... "
આંખ માં આવેલી ભીનાશ ને એમજ અંગૂઠા થી લૂછીને કેયૂરે નટુકાકા ના ખભે હાથ મૂક્યો. નટુકાકા પણ ઢીલા પડી ગયા હતા. પણ તેમણે પોતાની જાતને સંભાળી લીધી હતી. હવે કેયૂરે મનમાં ઘોળાતો પ્રશ્ન પૂછી જ લીધો...
"કાકા, રાઘવ ક્યાં? "
"ફરી એક વાર નટુકાકા ગળગળા થઈ ગયા. ગાલ પર સરી આવેલું આંસુ લૂંછી તેણે જવાબ આપ્યો,
"ભાઇ, રાઘવ તો આદિ ભાઈની હોસ્પિટલમાં છે. "
"વ્હોટ? શું થયું? હજી અઠવાડિયા પહેલા તો... "
અને કેયૂર ની નજર સમક્ષ અઠવાડિયા પહેલા રાગિણી સાથે બની ગયેલી ઘટના તરવરી ઉઠી. રાઘવે જે બહાદુરી સાથે રાગિણી ની રક્ષા કરવામાં મદદ કરી હતી તે બધું યાદ આવી ગયું. સાથે જ યાદ આવી સબ ઇન્સ્પેક્ટર શિંદે ની સૂચના... તેણે તરતજ કહ્યું,
"ગાડી સીધી આદિત્ય ની હોસ્પિટલમાં લઇ ચાલો, કાકા. "
નટુકાકા ટ્રાફિક માં સંભાળીને ખૂબજ કુશળતા પૂર્વક ગાડી ચલાવતા હતા. સાથે જ કેયૂર ની બધી વાતના જવાબ પણ એટલી જ શાંતિથી આપતા હતા.ગાડીનો ગિયર બદલતા તેમણે જણાવ્યું,
"ભાઇ, તમારા ગયા પછી, આ છેલ્લા અઠવાડિયા માં ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. "
કેયૂરે કાન સરવા કર્યા અને નટુકાકા ની વાત ધ્યાન થી સાંભળવાની કોશિશ ચાલુ રાખી.
"શું થયું, કાકા? અને એવું કંઇ હોય તો મને કોલ તો કરાય ને! "
થોડીવાર સુધી નટુકાકા નો અવાજ ન સંભળાયો. કદાચ તે શબ્દો ગોઠવતા હતા...
"ભાઇ, રાગિણી મેડમની મદદ કર્યા પછી રાઘવને સતત એવું લાગતું હતું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેણે મને વાત કરી, પણ મને લાગ્યું કે તેનો વહેમ છે. તમારા ગયાના બરાબર ત્રીજા દિવસે કોઇ અજાણ્યા ઇસમો એ રાઘવના ઘર પર હુમલો કર્યો. એ તો સારું હતું કે રાઘવ નું ફેમિલી ત્યારે ગામડે હતું, પરંતુ રાઘવ બહુ ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. એટલે આદિભાઈ એ તરત તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાર પછી આદિભાઈ પર પણ હુમલો થયો, પણ તે સમય સૂચકતા વાપરી ત્યાંથી બચીને નીકળી ગયા. રાગિણી મેડમની તબિયત પણ હજુ એકદમ બરાબર નહોતી થઈ, પણ એમણે જીદ કરીને હોસ્પિટલમાંથી રજા લઈ લીધી. હુ જ ગયો હતો તેમને મૂકવા. ત્યા પણ મને શંકાસ્પદ હિલચાલ દેખાઇ, તો મેં તરત આદિભાઈ ને વાત કરી. તેમણે શિંદે સાહેબ સાથે વાત કરી ત્યા કોઈને ખબર ન પડે એ રીતે સિવિલ ડ્રેસમાં પોલીસ પ્રોટેકશન ની વ્યવસ્થા કરાવી દીધી છે. એ તો સારું છે કે વિડિયો માં તમારો ચહેરો નહોતો અને તમે એ લોકો ની સામે પણ નહોતા ગયા, નહિતર ખબર નહિ, એ લોકો શું કરત? બહુ ખતરનાક માણસો લાગ્યા મને તો! "
નટુકાકા એકીશ્વાસે એટલું બધું બોલી ગયા કે કેયૂર ને એ પચાવતા થોડી વાર લાગી. પણ ત્યાર પછી એણે ત્વરિત નિર્ણય લીધો.
" નટુકાકા, લાગે છે કે હવે પહેલાં સબ ઇન્સ્પેક્ટર શિંદે ને મળવું પડશે. તમે પોલીસ સ્ટેશનમાં જ ગાડી લઈ લો. "
અને નટુકાકા એ સીધી પોલીસ સ્ટેશન તરફ ગાડી ભગાવી મૂકી.