સપના અળવીતરાં - ૨૭ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૨૭


એકસાથે પાંચ ટપોરી ટાઇપ છોકરાઓને કોફીશોપમા પ્રવેશતા જોઈને મેનેજરે ઉતાવળે જઈ એન્ટ્રન્સ પાસે જ તેમને રોક્યા. પોતાની કોફીશોપનુ વાતાવરણ તંગ ન થાય એટલે તેમને ત્યાં જ રોકી મેનેજરે વાતચીત ચાલુ કરી. એ લોકોની તકરારમાં રાગિણી બીજા દરવાજેથી ક્યારે બહાર જતી રહી, તે એ લોકોને ખબર ન રહી. છેવટે, પ્રવેશ ન મળતાં તેઓ પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ઘણી વાર રાહ જોવા છતાં એ 'મેકવાન કી છોકરી' બહાર ન આવતા ફરી કોફીશોપમા જવાનું વિચાર્યુ, ત્યાં જ એક છોકરો માથે હાથ પછાડતા બોલ્યો, 

"એક બાત તો અપુનકી ખોપડી સે ચ નીકલ ગઇ બાપ! "

એક સાથે આઠ આંખો તેની તરફ મંડાઈ. તે ફરી બોલ્યો, 

"વો દુસરા દરવાજા... જો મોલ કે અંદર ખુલતા હૈ. લગતા હૈ વો છોકરી ફિર અપુન લોગકો ચુના લગાકે વહીંસે ચ ખિસક લી... "

"અબ? બોસ કો કૌન બોલેગા? "

બધાએ એકબીજા સામે જોયું અને સર્વાનુમતે પેલા ચિરકુટે ફરી મોબાઈલ હાથમાં લઈ એક નંબર ડાયલ કર્યો. 

**********

"રોશન આંટી, તમે ફ્રી છો? મારે તમને મળવુ છે. "

"અરે, આવની ડિકરા. હું તો કેટલા ડિવસથી રાહ જોવચ ટારી. જલ્ડી જલ્ડી આવ. "

રોશન આંટી નો જવાબ સાંભળી રાગિણી ખુશ થઈ ગઈ. કોફીનુ બીલ ચૂકવી તેણે બહાર દરવાજે નજર કરી. મેનેજર અને કેટલાક લોકો વચ્ચે કોઈ બાબતે તકરાર ચાલતી હોય એવું લાગ્યું, એટલે એણે કેશકાઉંટર પાછળ બેસેલી વ્યક્તિ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. જવાબમાં એક પ્રોફેશનલ સ્મિત સાથે બીજા દરવાજા તરફ ઇશારો થયો. આ દરવાજો સીધો મોલમાં ખૂલતો હતો. 

ત્યાથી નીકળીને રાગિણી ડૉ. બાટલીવાલાના ઘરે ગઈ. મિસિસ રોશન બાટલીવાલા સાથે તેને સારું બનતું. રોશન આંટીમા તેને કાયમ એક મા ની મૃદુતા અનુભવાતી. ગોવા છોડ્યા પછી, આ નવી જગ્યા મા રોશન આંટી એ જ તેને સંભાળી હતી, જિંદગી સામે ઝઝૂમવાની તાકાત આપી હતી! 

જૂની યાદો ને તાજી કરવામાં રસ્તો ક્યા કપાઇ ગયો તે ખબર જ ન રહી. ટીંગ... ટોંગ... ટીંગ... ટોંગ.... ટીંગ... ટોંગ..... દરવાજો ખૂલ્યા પછી પણ તેણે ડોરબેલ વગાડવાનુ ચાલુ રાખ્યું એટલે બનાવટી ગુસ્સા સાથે રોશન આંટી એ તેનુ સ્વાગત કર્યું. 

"ટોટલ મેડ થેઈ ગેઈ.... હાય... હાય... લાગે છે બાટલીવાલાને પેલ્લાજ બોલાવવા પડશે... "

"જો જો એવું કરતાં... નહિતર યુ ટર્ન... "

"યુ ટર્ન, હે? "

રાગિણી નો કાન પકડીને ઘરમાં ખેંચતા રોશન આંટી બોલ્યા. ત્યા અંદર ના રૂમમાંથી ડૉ. બાટલીવાલા બહાર આવ્યા. 

"કાંય કરે છ રોશન? કાન મૂક પોયરી નો.. જલ્ડી... નીત્તર આ ઇંજેક્શન એની બડલે ટને આપી ડેવા... ચાલ, ચાલ, ચાલ, છોડની જલ્ડી... "

ડૉ. બાટલીવાલા હાથમાં રહેલુ એક ફૂટ મોટું ઇંજેક્શન બતાવતાં બોલ્યા. એ સાથે જ રાગિણી કાન છોડાવી રોશન આંટી પાછળ છુપાઈ ગઈ. રોશન આંટી તેને કવર કરતાં જાણે બાટલીવાલા સાથે યુદ્ધે ચડ્યા. બાટલીવાલા દ્વારા રાગિણી સુધી પહોંચવાની કોશિશ અને રોશન આંટી દ્વારા તેને બચાવવાના પ્રયત્નો મા આખા ઘરમાં ધમાચકડી મચી ગઈ. આખું ઘર ઉથલપાથલ થઈ ગયુ. ખુરશીઓ ઊંધી પડી ગઈ. સોફા પરના કુશન યુધ્ધ ના હથિયાર બની ગયા. એક બીજા સામે ફેંકેલી નાની નાની વસ્તુઓ નો નીચે ઢગલો થઈ ગયો. હાસ્ય ની છોળો... અને અચાનક બાટલીવાલા ના ચહેરા પર દર્દ ની રેખાઓ ઉપસી આવી. તેમના બંને હાથ છાતી પર દબાયેલા હતા અને... 

"અંકલ.... "

રાગિણી થી રાડ પડાઇ ગઇ. તે અને રોશન આંટી બંને ટેકો આપવા દોડ્યા. રાગિણી પહેલા પહોંચી અને જેવો ટેકો આપ્યો કે તેના માથામાં એક ટપલી પડી. તેણે જોયું તો બાટલીવાલા ના ચહેરા પર એક લુચ્ચું હાસ્ય હતું. 

"જોયું, કેવી પકડી લીઢી!હવે આ ઉંમરે આટલું ડોડાવે, ટને શરમ નઠી આવટી? "

રાગિણી એ માથામાં પંપાળતા પંપાળતા બીજા હાથે કાન પકડી લીધો. તેની માફી માંગવાની આ રીત જોઈને બાટલીવાલા દંપતિ ખડખડાટ હસી પડ્યું.

"બોલ ડિકરા, નાશ્તામા શું લેવશ? "

"માય ફેવરિટ... વડાપાંઉ... "

અને રોશન આંટીએ બાટલીવાલા સામે જોયું. એ સાથે જ તે બબડવા માંડ્યા... 

"મને બઢી ખબર છે. આઇ નો એવરીથિંગ. આ ટમારા બંને નુ કાવટરું છે ને મને ભગાડવાનું! પન હું નંઈ ભાગું. "

એમ કહી તેમણે મોબાઈલ પર ઝોમેટો એપ ખોલી અને ઓર્ડર આપી દીધો. ફરી હાસ્ય ની લહેર ફરી વળી. 

"બોલ ડિકરા, કેવી ચાલે છે ટારી લાઇફ?" 

"જોરદાર. " 

"ખોટું... ટોટલ ખોટું... આ પોયરી ખોટુ બોલટી છે... "

લવારો ઉપડ્યો હોય એવી રીતે બોલતા જોઈને રોશને બાટલીવાલા સામે આંખ કાઢી. પણ પછી જોયું તો રાગિણી નો ચહેરો ધીમે ધીમે ગંભીર થઈ રહ્યો હતો. તેની આંખ મા ઝળઝળિયાં આવી ગયા હતા. રોશને તેની હડપચી પકડી તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો અને એકદમ મૃદુતાથી પૂછ્યું, 

"શું થયું ડિકરા? કાંઈ ટકલીફ છે? મને નહી કહે? "

અને રાગિણી એના રોશન આંટીના ખોળામાં માથું મૂકી ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. રોશન આંટી ક્યાય સુધી તેનો વાંસો પસવારતા રહ્યા. વાતાવરણ અચાનક ભારેખમ બની ગયું. થોડી વારે રાગિણી ના હીબકા શમ્યા એટલે રોશન આંટીએ તેને પાણી આપ્યું અને ફરી તેના રડવાનુ કારણ પૂછ્યું. રાગિણી એ હિબકાની વચ્ચે ડોકી નકાર મા ધુણાવતા કહ્યું, 

"બસ, મમ્મા પાપા ની બહુ યાદ આવતી હતી... "

"યુ મીસ ધેમ વેરીમચ... હમ્... "

રાગિણી એ આંસુભરી આંખે હકારમાં માથું હલાવ્યું એટલે રોશન આંટીએ વ્હાલથી તેના ગાલ પર હાથ ફેરવી કહ્યું, 

"ડોન્ટ વરી બેટા, જલ્ડી મળી જશે... આ બાટલીવાલા રોજે પુલિસમા ફોન કરીને પૂછતા રેવે છે. "

રાગિણી એ આભારવશ નજરે બાટલીવાલા સામે જોયું. સામે એવું જ હુંફાળું સ્મિત મળ્યું. એ સાથે જ ફરી ડોરબેલ વાગી, એટલે બાટલીવાલા બોલ્યા, 

"ચાલો, ચાલો, ચાલો... વડાપાંઉ આવી ગીયા... વેલ્લો ટે પેલ્લો.... મેં ટો ભાઇગો... "

અને બાટલીવાલા પહોંચે એ પહેલા રાગિણી દોડી ગઈ. ડિલીવરી લઈ તે પાછી હોલમાં આવી. રોશન આંટી ડીશ લઈને આવ્યા. વડાપાંઉ ની મિજબાની ચાલુ થઈ અને ભારેખમ વાતાવરણ ફરી હળવું થઈ ગયું. હસી મજાક ની વાતો ચાલુ હતી ત્યાં રાગિણી નો મોબાઈલ રણક્યો... 

"હેલો, મિસ રાગિણી! કેયૂર હીઅર. કેન વી મીટ? "