કેબલ કટ - પ્રકરણ ૨૯ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ - પ્રકરણ ૨૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૯
ખાન સાહેબે આશ્ચર્યભરી નજરે ગફુર સામે તાકી રહીને પુછ્યું, "ગફુર, તું ખરેખર હાબિદને મળેલો? "
"હા સર. ખરેખર હું એને મળેલો છું."
"કયારે, કયાં  અને કેમ તારે એને મળવાનું થયું." ઝીણી આંખે ગફુર સામે જોઇને બોલ્યા 
"બે.. અઢી વર્ષ પહેલા, ભારત પાકિસ્તાન બોર્ડર પર મળેલો અને ... મળવાનું કારણ .."
"શું કારણ? "
"સર, જેમ આપણી વાત ખાનગી હોય છે તેમ આ મુલાકાત પણ ખાનગી હતી એટલે આપ ના પુછો તો સારુ. પણ.. સમય આવે આપને બધુ જણાવીશ."
"ઓકે, તને જેમ યોગ્ય લાગે તેમ પણ હાબિદ મળશે તો.."
ગફુરે આત્મવિશ્વાસભર્યા સ્વરે કહ્યું, "ખાન સાહેબ હાબિદને હું અને આપણી ટીમ પાતાળમાંથી પણ શોધી નાંખીશું એની ગેરંટી મારી."
"પણ તે તો ફોરેનમાં છે ..એવું."
"અરે! સાહેબ એ ફોરેન બોરેન અવરજવર કરતો રહે છે. તેના માણસો તે પાકિસ્તાન જાય તોય તે ફોરેન ગયો તેવી વાતો કરે છે. " ગફુર હસતા હસતા બોલ્યો.
"ગફુર, તું ખરેખર આ વાતમાં સિરીયસ તો છે ને ? "
"સિરીયસ અને સાચો પણ છું સાહેબ. મારી પર નિરાંતે વિશ્વાસ મુકો અને તમને જોઇતું રીઝલ્ટ મળશે જ." ગફુર ખાન સાહેબનો હાથ પકડીને બોલે છે. 
"ઓકે, તારી પર મને પુરો વિશ્વાસ છે અને કાલે એટીએસની ટીમ સાથે શું ચર્ચા થાય છે તે પછી આગળ તને કહીશ."
"હા સર."
ખાન સાહેબ ગફુરને ગુડનાઇટ કહી છુટા પડે છે, પણ તેમના મગજમાં ગફુરની વાતોની ગડમથલ ચાલુ જ હતી.
બીજે દિવસે સવારે ખાન સાહેબ કમિશ્નર સાહેબના મેસેજની રાહ જોતા હતાં ત્યાંજ કમિશ્નર સાહેબનો કોલ આવ્યો. "ગુડ મોર્નિંગ સર."ખાન સાહેબ અડધી રીંગે કોલ રીસીવ કરીને બોલ્યા.
"ગુડ મોર્નિંગ. મેં એટીએસ ચીફ સાથે વાત કરી લીધી છે અને તે આપણને હાબિદ સુધી પહોંચવામાં મદદ કરવા તૈયાર છે. "
"ઓકે. સરસ સર."
"એટીએસની ટીમના સ્પેશિયલ ઓફિસર મીટીંગ માટે મારી ઓફિસ આવે છે. તમે પણ એક કલાક માં મારી ઓફિસે આવો અને તમે તેમની સાથે ચર્ચા કરી લો."
"યસ સર. હું હમણાં જ આપની ઓફિસે પહોંચું છું."
ખાન સાહેબે ઇન્સપેક્ટર નાયકને હાબિદની ડીટેલ અને બબલુના કેસની ફાઇલ લઇને કમિશ્નર ઓફિસ તાબડતોડ પહોંચવા કહ્યું. ખાન સાહેબ પણ ફટાફટ તૈયાર થઇ કમિશ્નર ઓફિસ પહોંચે છે.
કમિશ્નર ઓફિસ પહોંચી તેમણે ઇન્સપેક્ટર નાયક પાસેથી ફાઇલ લઇ મીટીંગ રુમમાં પહોંચે છે. એટીએસની ટીમના સ્પેશિયલ ઓફિસર ડીવાયએસપી કુંપાવત આવી પહોંચે છે અને તેમને જોઇને ખાનસાહેબ કંઇક વિચારતા હોય છે. 
કમિશ્નર સાહેબને ગુડ મોર્નિંગ કહી ડીવાયએસપી કુંપાવત બોલે છે, "કેમ છો એમ એમ ખાનસાહેબ?" 
"ગુડ મોર્નિંગ સર." કહી ખાન સાહેબે તેમની સાથે હાથ મિલાવ્યો.
કમિશ્નર સાહેબ એમ એમ ખાન અને ડીવાયએસપી કુંપાવતને જોઇ રહ્યા હતા ત્યારે ખાન સાહેબ તેમની સામે જોઇને બોલ્યા, "સર, અમે થોડા વર્ષ પહેલા એક રાયોટીંગના કેસમાં સાથે રહીને તપાસ કરીને કેસ સોલ્વ કર્યો હતો."
"ઓહ! એમ વાત છે. તો તો.. તમને એકબીજાની ઓળખાણ કરાવવાની જરુર નથી એમ ને."
"યસ સર." ખાન સાહેબ અને ડીવાયએસપી કુંપાવત એકસાથે બોલ્યા.
"સર એટીએસની ટીમમાંથી મને કેસ સોલ્વ કરવા મોકલવામાં આવ્યો છે." ડીવાયએસપી કુંપાવત બોલ્યા. 
કમિશ્નર સાહેબની ઓફિસમાં ચા અને બ્રેક ફાસ્ટ સાથે બબલુ કેસની ચર્ચા શરુ થઇ. ખાન સાહેબે તપાસની વિગતવાર વાત કરી અને હાબિદ શકમંદોની યાદીમાં છે અને તેને પકડવા એટીએસની મદદ જોઇશે તેમ વાત કરી.
"હા. આપણે ભેગા મળીને હાબિદને પકડી લઇશું." ડીવાયએસપી કુંપાવત વિશ્વાસભર્યા સ્વરે કહ્યુ. "પણ, હાબિદની લોકેશન માટે .."
"લોકેશન મળી જશે. મેં ખબરીને કામે લગાડી દીધો છે."
"ઓહ! એક રાતમાં જ ખબરીને કામે લગાડી દીધો."કમિશ્નર સાહેબ હસીને બોલ્યા.
"હા સર. મારો ખબરી હાબિદ કયાં કયાં હોઇ શકે તે જાણે છે." ખાન સાહેબે કહ્યું .
"ઓહ એમ વાત છે. તો તો આપણું કામ સરળ થઇ જશે. એટીએસની ટીમ પણ હાબિદની લોકેશન શોધી રહી છે."કુંપાવત બોલ્યા
"કયા ગુનામાં?" ખાન સાહેબે ચાનો કપ હાથમાં લઇને પુછ્યું. 
"તેની પર સીધી રીતે કોઇ ગુનો નથી પણ ઘણાબધા કેસમાં તેની સંડોવણી હોવાની શંકા છે. કહેવાય છે કે બોર્ડર પરથી ગુજરાતમાં ગેરકાયેદસરના તમામ કામ તેની અંડર જ થાય છે, પણ ખુલાસો નથી થયો."કુંપાવત બોલ્યા 
"તે પકડાશે તો બધુ બહાર આવશે."કમિશ્નર સાહેબ બોલ્યા.
"હા સર.અમે જલ્દીથી તેને પકડી લઇશું અને બબલુનો કેસ અને અન્ય કેસ સોલ્વ થઇ જશે." ખાન સાહેબે આત્મવિશ્વાસ સાથે કહ્યું.
"હા, મને પણ વિશ્વાસ છે. તો હવે તમે બંને ટીમ બનાવી આગળની કાર્યવાહી શરુ કરો." કમિશ્નર સાહેબે મીટીંગ પુરી કરતાં કહ્યું.
ખાન સાહેબ અને ડીવાયએસપી કુંપાવત ત્યાંથી એક જ કારમાં વાતો કરતાં કરતાં ક્રાઇમ બ્રાંચ પહોંચ્યા અને આગળની કાર્યવાહી માટે વધુ ચર્ચા કરી.
કુંપાવત બોલ્યા, "આપણે તમારા ખબરીને મળીને હાબિદની લોકેશન જાણવી જોઇએ. મારી ટીમે પણ તેને શોધવા બહુ મહેનત કરી છે એટલે તે ટીમનો અનુભવ પણ ઉપયોગી બનશે."
"હા. આપણે તેને રુબરુમાં જ થોડીવાર પછી મળીએ છીએ. પણ ત્યાં સુધી આપણી ટીમની ગોઠવણ કરી લઇએ."
ખાન સાહેબે તેમની ટીમમાંથી ઇન્સપેક્ટર મેવાડા, એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક, મોબાઈલ અને સાયબર ટીમના એક્સપર્ટ સૌરીન, હીરાલાલ અને ગફુરની પસંદગી કરી.
ડીવાયએસપી કુંપાવતે તેમની ટીમમાંથી ઇન્સપેક્ટર નવાબ, બોંબ ડીફયુસ એક્ષપર્ટ વિરેન, કોન્સટેબલ રઘુવીર અને તેમના ખબરી ખેંગારની પસંદગી કરી. 
ખાન સાહેબે કુંપાવત સાહેબ સામે જોઇને ગફુરને ફોન કરીને કહ્યું, "તું બપોરે જમવા માટે ત્રણ વ્યકતિનું પાર્સલ લઇ ઘરે આવી જા. મારે તારી સાથે ઇમરજન્સીમાં રુબરુ વાત કરવી છે."
ખાન સાહેબ ડીવાયએસપી કુંપાવતને લઇને તેમના ઘરે જવા નીકળે છે અને ગફુર તેમનો ખબરી છે તેમ કહી તેનો પરિચય આપ્યો. ઘરે પહોંચીને તે બંને જુની વાતો કરતાં હતાં ત્યાં ગફુર આવી પહોંચે છે. 
ગફુર ત્યાં પહોંચીને ડીવાયએસપી કુંપાવતને પહેલી વાર જોઇ ચોંકી જાય છે. ખાન સાહેબ તે બંનેનો પરિચય કરાવે છે. તેઓ ડાયનીંગ ટેબલ પર ગોઠવાઇ જાય છે અને ગફુર જમવાનું સર્વ કરે છે.
ખાન સાહેબ ગફુરના ખભે હાથ મુકીને કહે છે, "કુંપાવત સાહેબ, ગફુર મારો અંગત ખબરી, મિત્ર છે. હું તેની મદદથી ઘણા કેસ સોલ્વ કરી શકયો છુ. તેની પાસે જ આપણે હાબિદની ડીટેલ જાણવાની છે."
હાબિદનું નામ આવતા જ ગફુરના ચહેરો ગંભીર બની જાય છે અને ખાન સાહેબ તરત જ તેને જોઇને કહે છે, "ગફુર, આમ ગંભીર કેમ બની ગયો? "
"કંઇ નહીં સર."ગફુરે કહ્યું.
"આપની પાસે હાબિદની શું ઇન્ફરમેશન છે? " કુંપાવતે જમતા જમતા ગફુરને પુછ્યું.
પળવાર માટે ગફુર શાંત થઇ ગયો. તે કાંઇ બોલ્યો નહીં અને જમવાની પ્લેટ તરફ નીચું મોં રાખી જમતો જ રહ્યો. તેણે જવાબ ના આપતાં કુંપાવતે ખાન સાહેબને ઇશારો કરી તેને પુછવા કહ્યું. થોડીવાર રુમમાં શાંતિ છવાયેલી રહી અને બધાએ જમવાનું પુરુ કર્યું. 
ખાન સાહેબે પણ એ જ પ્રશ્ન પુછ્યો ત્યારે પણ તે કાંઇ જ બોલ્યો નહીં એટલે ખાન સાહેબે તેના ખભે હાથ મુકીને કહ્યું, "આમ ગભરાઇશ નહીં ગફુર. યાર આ કુંપાવત સાહેબની એટીએસની ટીમ અને આપણી ક્રાઇમ બ્રાંચની ટીમ મળીને હાબિદ સુધી પહોંચવા માંગે છે અને એ પણ તારી મદદ લઇને."
હજુ પણ ગફુર જમીને નીચી નજરે જ બેસી રહ્યો હતો. ખાન સાહેબે ધીમા સ્વરે કહ્યું, "ગફુર, કુંપાવત મારા મિત્ર છે અને તું મારા જેટલો જ વિશ્વાસ તેમની પર પણ રાખી શકે છે. આપણી વાત ખાનગી જ રહેશે, તું સહેજ પણ ગભરાઈશ નહીં."
ગફુરે ત્રાંસી નજરે ડીવાયએસપી કુંપાવતની સામે જોઇને કહ્યું, "હા સર, મને તમારી પર વિશ્વાસ છે પણ .. હાબિદ બહુ ખતરનાક માણસ છે. એટલે .."
"મારી પર પણ વિશ્વાસ રાખજે.તને તકલીફ થાય તેવું કંઇ નહીં થાય." કુંપાવતે ધીમા સ્વરે કહ્યું.
ખાન સાહેબે ગફુરને વિશ્વાસમાં લેવા કુંપાવત સાથે જુની જુની વાતો કરી. ગફુરને પાણીમાં લેવા મોકલી ખાન સાહેબે કહ્યું, "તેને વિશ્વાસ આવશે તો જ ઇન્ફરમેશન શેર કરી મદદ કરશે."
ગફુર પાણીનો ગ્લાસ ડીવાયએસપી કુંપાવતને આપતા બોલ્યો, "આપણી તપાસમાં કોણ કોણ હશે? "
ખાન સાહેબે અને ડીવાયએસપીએ પોતપોતાની ટીમના નામ કહ્યા. ગફુરે ખબરી ખેંગારનું નામ સાંભળી ઉત્સાહમાં આવીને પુછ્યું, "એ ખેંગાર.. સાહેબ, આપનો ખબરી છે?"
"હા, તું ઓળખે છે?" ડીવાયએસપી કુંપાવત હસીને બોલ્યા .
ગફુરે હા માં જવાબ આપી કન્ફર્મ કરવા તરત ખેંગારને ફોન કર્યો અને પુછપરછ કરી પણ ખેંગારે બરાબર જવાબ ના આપતાં તેણે ખાન સાહેબ અને કુંપાવત સાહેબ સામે જોઇ ફોન સ્પીકર પર કર્યો અને ફરી પુછ્યુ.
ફોન સ્પીકર પર કરતાં તરત ડીવાયએસપી કુંપાવતે ખેંગાર સાથે વાત કરી. ખેંગાર કુંપાવત સાહેબનો અવાજ સાંભળી બરાબર જવાબ આપવા માંડયો. 
હવે ગફુરને વિશ્વાસ આવતાં તેના મનની શંકાઓ દુર થઇ અને તેણે સ્વસ્થ થઇ ખેંગારને પણ અહીં બોલાવવા ખાનસાહેબને અને કુંપાવત સાહેબને કહ્યું.
ડીવાયએસપી કુંપાવતે ફોન કરી ખેંગારને ખાન સાહેબના ઘરનું એડ્રેસ આપી બને તેટલી જલ્દી આવવા કહ્યું. સાંજ પડતાં પહેલા ખેંગાર પણ ત્યાં આવી પહોંચે છે. ખેંગાર અને ગફુર ઘણા દિવસે મળવાથી ભેટી પડે છે. ખાન સાહેબ અને કુંપાવત સાહેબે આખો દિવસ અહીંથી જ તેમની ઓફિસના કામગીરી પર પુછપરછ કરી માહિતીઓ મેળવી હતી.
કુંપાવત સાહેબ ખેંગારને ટુંકમાં હાબિદને પકડવાની વાત કરે છે અને તેણે ગફુરની સાથે મળીને મિશન પર જવાનું છે તેની વાત કરી. ખેંગારે તરતજ હામી ભરી તેની તૈયારી બતાવી. ખેંગારે અને ગફુરે વાતચીત કરી આગળના પ્લાનની તૈયારી કરી. 
તે બંનેને ખુલ્લા મને વાત કરવાની તક આપવા સિગરેટ પીવાના બહાને ખાન સાહેબ કુંપાવત સાહેબને લઇને થોડીવાર માટે તેમના ઘરની બહાર જાય છે. 
"ગફુર, સાંજ  પડવા આવી છે અને હવે..." ખાન સાહેબ થોડીવાર પછી બહારથી ઘરમાં આવી આળસ મરોડતાં બોલ્યા. 
"સાહેબ, પ્લાન તૈયાર છે અને તમે કહો એટલે અમે નીકળીએ." ગફુરે ખેંગારનો હાથ પકડીને ખાનસાહેબને કહ્યું.
ગફુરની વાત સાંભળી કુંપાવત સાહેબ અને ખાન સાહેબ એકબીજાની સામે જોઇ મલકાય છે અને કહે છે "કાલે સવારે ક્રાઇમ બ્રાંચ પર આ મિશનની એક મીટીંગ કરવી છે, પછી તમે નીકળજો."
ગુડનાઇટ કહીને સવારે ક્રાઇમ બ્રાંચ મળવાની વાત કરીને ગફુર અને ખેંગાર ઘરે જવા નીકળે છે. ખાન સાહેબ અને કુંપાવત સાહેબ તે બંનેના ગયા પછી તે બંનેની પાછળ કવર પ્લાન અને તેમની સેફટી માટેનો પ્લાન બનાવે છે અને ક્રાઇમ બ્રાંચે વહેલી સવારે મીટીંગ માટે તેમની ટીમને મેસેજ આપે છે. મોડી રાત થવાથી કુંપાવત સાહેબ પણ જમીને ત્યાંજ રોકાઇ જાય છે.
વહેલી સવારે તે બંને તૈયાર થઇ ક્રાઇમ બ્રાંચ પહોંચી જાય છે અને ત્યાં દરવાજે ગફુર અને ખેંગારને તેમના પહેલા ત્યાં જોઇ કુંપાવત બોલે છે, "ખાન, આ બંને મિશન માટે થઇને બહુ ઉત્સાહમાં લાગે છે."
"અને ઉતાવળમાં પણ" ખાન સાહેબ હસીને બોલ્યા.
કુંપાવત સાહેબ, ગફુર અને ખેંગાર ને સાથે લઇને ખાન સાહેબ મીટીંગ રુમમાં પહોંચે છે. થોડીવારમાં જ ગરમાગરમ ચા સાથે મિશનની ગરમાગરમ ચર્ચા શરુ થાય છે.
"ખાન સાહેબ, અમે અને ટીમ પણ તૈયાર છે. હવે, આપ સંમતિ આપો એટલે આકાશ પાતાળ એક કરી અમે હાબિદ સુધી પહોંચી જઇશું. મારો અને ખેંગારનો હાબિદ સુધી પહોંચવાનો પ્લાન બની ગયો છે, જે આ મુજબ છે." ગફુર અને ખેંગાર તેમનો પ્લાન ટીમ સામે મુકે છે.
પ્રકરણ ૨૯ પુર્ણ 
પ્રકરણ ૩૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.