કેબલ કટ, પ્રકરણ ૨૮ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ, પ્રકરણ ૨૮

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૮
ઇન્સપેક્ટર મેવાડાએ ઇન્સપેક્ટર અર્જુન સાથે મળીને પિંટોની પુછપરછ શરુ કરી.
ઇન્સપેક્ટર મેવાડાએ પિંટોની આંખોમાં આંખ પરોવી ઉગ્ર સ્વરે કહ્યું, "તું પોલીસને મદદ થઇ શકે તેવી ઇન્ફરમેશન કહેવા ને બદલે છુપાવતો કેમ હતો. શું અમે પુછીએ ત્યારે જ તારે જવાબ આપવાનો."
"ના સર, એવું કંઇ નથી. મારાથી ભુલથી આ કહેવાનું રહી ગયું પણ હવે હું બધુ યાદ કરીને કહીશ તમને." હાથ જોડીને પિંટોએ કહ્યુ.
"તો ફટાફટ કોર્પોરેટર ગુલાબ દાસ વિશે બોલવા માંડ."
પિંટોએ સ્વસ્થ થઇ બોલવાનું શરુ કર્યું "સાહેબ, મારે અને ગુલાબ દાસ વચ્ચે કાંઇ ખાસ સંબંધો ન હતા પણ મારી એક પ્રોપટીના ટેક્ષની મેટર તેમણે સોલ્વ કરી આપી ત્યારથી હું તેમના વધુ પરિચયમાં આવ્યો. પણ અમારા સંબંધો બબલુ શેઠને પસંદ ન હતાં એટલે હું ગુલાબ દાસને રુબરુ મળવા કરતાં ફોન પર વાત કરી લેતો."
"તારે ફોન પર એવી તો શું વાત થતી હતી? "
"હું..હું.."
પિંટો બોલતાં બોલતાં થોથવાતો હતો એટલે ઇન્સપેક્ટર મેવાડા ગુસ્સામાં બોલ્યા, "જલ્દી બોલ, શું હું હું કરી રહ્યો છે." 
ઇન્સપેક્ટર અર્જુન પિંટોની વાત કાગળ પર નોંધી રહ્યા હતાં.
"હું સર, લોકોની પ્રોપટી ટેક્ષની મેટર ખાનગીમાં ગુલાબ દાસ જોડે સોલ્વ કરાવી થોડા પૈસા કમાઇ લેતો હતો અને એટલે જ ગુલાબ દાસ જોડે મારા સંબંધ વધ્યા હતાં. પણ ગુલાબ દાસ જોડે હું કામથી કામ રાખતો હતો કેમકે તે લુચ્ચો માણસ છે તે મને ખબર હતી."
"તારી છેલ્લે તેમની સાથે કયારે અને શું વાત થઇ? "
"બબલુ શેઠ ગુમ થયાના ન્યુઝની ખાત્રી કરવા તેમનો ફોન તારીખ ૩૦ ના રોજ આવ્યો હતો. તે બબલુ શેઠ ગુમ થવાથી ખુશ હોય તેવું મને તેમની વાત પરથી લાગ્યુ એટલે મેં તે દિવસે બહુ લાંબી વાત ના કરી તેમની સાથે."
"પછી ફરી કયારે ફોન આવ્યો હતો? "
"તેમને બબલુ શેઠના મર્ડરના ન્યુઝ મળતા કટાક્ષ કરવા  તેના કાર્યકરની નંબર પરથી ફોન આવ્યો હતો અને તે દિવસે પણ મેં ટુંકમાં વાત કરી હતી."
"તે પછી કયારે વાત થઇ? "
"તે પછી તેઓ બબલુ શેઠની અંતિમ વિધીમાં મળ્યા હતાં પણ મેં તેમના સાથે વાત કરી ન હતી. અને તે પછી તારીખ ૨ ના રોજ આવ્યો હતો. તેમણે ઘણી આડી અવળી વાત કરી હતી પણ મેં કંઇ જવાબ આપ્યો ન હતો, મારો તેમની સાથે વાત કરવાનો મુડ ન હતો. તે પછી મેં તેમના કોલ રીસીવ જ નથી કર્યા. હું તેમની સાથે કયારેય કોઇ વાત  કરવા માંગતો નથી. "
"બીજુ કંઇ કહેવુ હોય તો કહી દે, પછીથી અમને ખબર પડશે ને તો .."
"ના સર, મેં તમને બધુ સાચુ અને પુરુ કહી દીઘું છે."
ઇન્સપેક્ટર અર્જુને તેના સ્ટેટમેન્ટ પર સહી કરાવી થોડી વાર બેસવા કહ્યું.
******
ખાન સાહેબે સુજાતાને પીવા માટે પાણીનો ગ્લાસ આપ્યો, સુજાતાએ પાણી પી ને આંખોમાં આવેલા આંસુ લુછ્યા.
ખાન સાહેબે ફરી ધીમા સ્વરે કહ્યું, "તમારા ગુલાબ દાસ સાથે કેવા સંબંધો છે તે અમને જલ્દીથી જણાવો."
સુજાતાએ સ્વસ્થ થઇ બોલવાનું શરુ કર્યું, "સર, મારી અને ગુલાબદાસની ઓળખાણ વિમલે કરાવી હતી. વિમલ અને ગુલાબ દાસ મિત્રો હોવાથી વિમલે એકવાર દારુના નશામાં અમારા બંનેના ગેરસંબંધોની વાત તેને કરી હતી. તે દિવસથી ગુલાબ દાસ પણ મારી જોડે ગેરસંબંધ રાખવા મને ફોન પર વાતો કરતો હતો અને મને બ્લેકમેલ કરવાની ધમકી આપતો હતો. પણ બબલુની બીકથી હું તેને ફરી કયારેય રુબરુ મળી નહોતી. મેં વિમલને પણ આ વાત કરી ગુલાબ દાસને સમજાવવા કહ્યુ હતું. પણ ગુલાબ દાસ મને ફોન પર સતત હેરાન કરતો હતો અને હું વાત બગડે એના ડરથી બબલુને કહેતી ન હતી."
"છેલ્લે કયારે ગુલાબ દાસે તમને ફોન કર્યો હતો?"
"મને સાંત્વના આપવાને બહાને તારીખ ૩૧ ના રોજ ફોન કરેલો."
"શું વાત કરી હતી તેમણે? "
"સાંત્વના આપવાને બહાને તેણે ગંદી વાત શરુ કરતાં મેં ફોન કટ કરી લીધો હતો."
"જુઓ, તમારી વાત અમે નોંધી લીધી છે અને રેકોર્ડ પણ કરી લીધી છે. તમને ગુલાબ દાસ હવે ફોન કરી હેરાન કરે તો અમને જાણ કરજો. "
"હા સર."
"અને કેસમાં જરુર પડે તો, તમારે ગુલાબ દાસ વિરુદ્ધ અમને લેખિતમાં કંમ્પલેઇન કરવી પડશે."
સુજાતાએ થોડુ વિચારી હા પાડી. ખાન સાહેબે પુછપરછ પુરી કરી તેને અને પિંટોને જવા દીધાં. ગુલાબ દાસ વિરુધ્ધ ઇન્ફરમેશન મળવાથી ખાન સાહેબ ખુશ હતાં. તેમણે સુજાતાના વાત કન્ફર્મ કરવા વિમલને પુછપરછ કરવા બોલાવ્યો. તેમણે તેની ટીમની સામે પુછપરછ શરુ કરી.
વિમલ હજુ વિચારવાની એકટીંગમાં જ હતો ને ત્યાં ખાન સાહેબે તેને કહ્યું ,"તારા પરમ મિત્ર ગુલાબ દાસ અહીં આવીને ગયાં. તેમની પાસેથી તારા વિશે ઘણું જાણવા મળ્યું. "
"શું કહ્યું એ..એ સાલા ચોર કોર્પોરેટરે મારા વિશે." વિમલે ગુસ્સામાં કહ્યું.
ખાન સાહેબે મજાકના સ્વરમાં કહ્યું, "તેમણે તારા વિશે જે કહેવાનું હતું તે કહી દીધું. તારે કંઇ કહેવું છે તેમના માટે. "
"મને તેના બધા ધંધાની ખબર છે. હું રીપોર્ટર છુ પણ મેં ભાઇબંધીમાં કોઇને કંઇ કહ્યું નથી પણ સમય આવે તેને ઉઘાડો પાડીશ."
ખાન સાહેબ વિમલને ગુલાબ દાસ વિરુદ્ધ ઉશ્કેરી મજા લઇ રહ્યા હતાં અને ગુલાબ દાસ વિરુધ્ધ ઇન્ફરમેશન મેળવી રહ્યા હતાં. આખી ટીમ ખાન સાહેબની ગેમ અને પોપટની જેમ બોલી રહેલા વિમલને જોઇ રહ્યા હતાં. 
"વિમલ, ગુલાબ દાસ તારી જેમ સુજાતાને હેરાન કરતો હતો એ વાત કેટલી સાચી." ખાન સાહેબે દાંણો દબાવવા વિમલને પુછ્યું.  
"હા એ વાત સાચી. તેની હલકાઇ બબલુને ખબર પડી જાત તો તેના રામ રમી જાત પણ મેં સુજાતાને સમજાવી એટલે વાત બહાર ના આવી. અને સાહેબ તેણે બબલુની જેમ ઘણી છોકરીઓની જીંદગી જોડે ખેલ કર્યા છે."
"તારી વાત અત્યારે અમે નોટ અને રેકોર્ડ કરી લઇએ છીએ પણ જરુર પડે ગુલાબ દાસ વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપવા .."
"હા સાહેબ, તેની વિરુદ્ધ ગમે ત્યારે હું સ્ટેટમેન્ટ આપવા તૈયાર છું. તેણે મારી વાત ઓપન કરી છે ને, હવે જુઓ! હું તેને ઓપન કરીશ."
ખાન સાહેબને સુજાતાની કહેલી વાત વિમલ જોડે કન્ફર્મ થઇ ગઇ અને ગુલાબ દાસ વિરુધ્ધ વિમલ પાસેથી મજબુત ઇન્ફરમેશન મળવાની હોવાથી તેઓ ખુશ હતાં. તેમણે ઇન્સપેક્ટરને ઇશારો કરી વિમલને બહાર લઇ જવા કહ્યું. 
ખાન સાહેબે ગુલાબ દાસની ખાનગી તપાસ કરવા ગયેલા હીરાલાલને ફોન કર્યો અને કહ્યું, "તપાસ કેટલે સુધી પહોંચી? "
"સાહેબ, લગભગ માહિતી મળી ગઇ છે."
"તો એમ કરો, હું એડ્રેસ મેસેજ કરુ ત્યાં આપણે મળીએ અને લંચ લેતા લેતા ચર્ચા પણ કરી લઇએ."
"ઓકે સાહેબ."
ખાન સાહેબ, ગફુર અને હીરાલાલ નજીકમાં આવેલી રેસ્ટોરંટમાં લંચ માટે ભેગા થાય છે અને ચર્ચા કરે છે.
ગફુર કહે છે, "સર, ડાયરી મુજબ જે તે દિવસે ગુલાબ દાસની હાજરી તેમના વોર્ડમાં જ હતી."
"ગુલાબ દાસ વિરુધ્ધ કોઇ ઇન્ફરમેશન મળી? "ખાન સાહેબ ઉત્સુકતાથી પુછયું.
"ના સાહેબ, તે ભલે હરામી છે પણ તેના વોર્ડમાં અને કાર્યકરોમાં તે બહુ લોકપ્રિય છે. એટલે તેની વિરુધ્ધ કોઇ બોલે તેમ નથી." હીરાલાલે કહ્યું
જમવાનું પુરુ કરી ગફુર બોલ્યો, "સર, મેં મારા ઇન્ફોર્મર પણ કામે લગાડ્યા પણ તેની વિરુધ્ધ કોઇ ઇન્ફરમેશન હાલ મળી નથી. પણ આગળ તપાસ ચાલુ રાખીશ અને કંઇ જાણવા જેવું મળશે જાણ કરીશ."
ખાન સાહેબે તેમની વાત સાંભળી હળવા મુડમાં કહ્યું, "તમને ભલે કંઇ જાણવા ના મળ્યું પણ મને ગુલાબ દાસ વિરુધ્ધ ઘણું જાણવા મળ્યું છે. તે કાફી છે. ગુલાબ દાસ જરુર પડે આપણી પકકડમાં આવી જશે."
ખાન સાહેબે ગફુર અને હીરાલાલને સુજાતા અને વિમલની વાત શોર્ટમાં કહી. ખાન સાહેબે ગફુરને એક પ્લાન કહ્યો, "હું અને હીરાલાલ અહીંથી ગુલાબદાસને ત્યાં તેમની ડાયરી આપવા જઇએ છીએ. થોડીવાર પછી તારે મારા મોબાઇલ પર કોલ કરવાનો છે અને આપણે સુજાતા કોઇ ઇન્ફરમેશન આપવા માંગે છે તેવી વાત કરવાની છે."
"હા સર."
"મારે ગુલાબ દાસના હાવભાવ કેવા થાય છે તે જોવા છે."
હીરાલાલ અને ખાન સાહેબ પ્લાન મુજબ ડાયરી આપવા ગુલાબ દાસના ત્યાં પહોંચે છે. ગુલાબ દાસ તેમને આવકારે છે અને કટાક્ષભર્યા સ્વરે પુછે છે, "થઇ ગઇ તપાસ સર? "
"હા. જરુરી ઇન્ફરમેશન મેળવી લીધી."
પ્લાન મુજબ ગફુરે કોલ કર્યો અને ખાન સાહેબે ભાર પુર્વક સુજાતાનું નામ બોલી વાત કરતા કહ્યું, "સુજાતા કેસ રીલેટેડ ઇન્ફરમેશન શેર કરવા માંગે છે, અમે તાત્કાલિક ઓફિસ પહોંચીએ છીએ."
ખાન સાહેબ અને હીરાલાલે સુજાતાનું નામ આવતાં ગુલાબ દાસના ચહેરાના બદલાતા ભાવ જોયાં. ગુલાબદાસના કડક એટીટ્યુડમાં નરમાશ આવી ગઈ. ખાનસાહેબે સોફા પરથી ઉભા થઇ ગુલાબદાસનો હાથ મિલાવી આભાર માન્યો ત્યારે ગુલાબ દાસ ના હાથમાં વળેલો પરસેવો ખાનસાહેબે અનુભવ્યો. ગુલાબ દાસના કપાળ પર પણ પરસેવો વળેલો જોવા મળતો હતો. 
ગુલાબદાસે થોથવાતા અવાજે ખાનસાહેબને કહ્યું, "મારી કોઈ મદદ જોઈએ તો યાદ કરજો, હું હાજર થઈ જઈશ."
ખાન સાહેબ અને હીરાલાલે ગુલાબ દાસ ની આંખોમાં, ચહેરા ઉપર, એટીટ્યુડ ઉપર આવેલી નરમાશ જોઈ. ખાનસાહેબને તેમનો તુક્કો કામે લાગતા મનોમન ખુશ થયા.
ખાન સાહેબ અને હીરાલાલ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા ક્રાઈમ બ્રાન્ચ પહોંચીને ખાનસાહેબે મેવાડા બોલાવી ને કહ્યું, "ગુલાબદાસ નું નામ શકમંદની યાદીમાંથી કાઢતા નહીં. મને તેની ઉપર શક છે. હજુ તેની વધુ ઉલટ તપાસ કરવી પડશે, બકરી હવે ડબ્બામાં આવી છે."
ઇન્સપેક્ટર નાયક ખાન સાહેબને કેસમાં આગળની તપાસની માહિતી આપવા આવે છે અને ઉંડો શ્વાસ લઇને કહે છે, "સર હવે શકમંદમાં જેનું નામ છે તેની સુધી પહોંચવા આપણે અન્ય તપાસ એજન્સીની જરુર પડશે."
"ઓહ! એવો મોટો માણસ છે, કોણ છે તે? "
"સર, હાબિદ કેબલવાલા."
"તેને અને બબલુને શું સંબંધો હતાં? "
"સર, પિંટો એ શકમંદમાં નામ આપ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પણ તેની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બબલુ પહેલા હાબિદ પાસેથી કેબલ ખરીદતો હતો અને ધીમે ધીમે હાબિદનો અન્ય ગેરકાયદેસર બિઝનેસ પણ બબલુ કરતો હતો."
"તો તેણે બબલુનું મર્ડર કેમ કર્યું હશે? "
"સર, બબલુએ તેની સાથે પણ ચીટીંગ કર્યુ હતું. બબલુએ બીજી ગેંગ જોડે કોન્ટેક કરી બે નંબરનો બિઝનેશ શરુ કર્યો હતો. એટલે કદાચ બબલુનું મર્ડર ગેંગ વોરમાં થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગે છે."
"હાબિદ વિરુધ્ધ આપણા શહેરમાં કોઇ એફઆઇઆર નોંધાઇ છે."
"ના સર, હાબિદ વિરુદ્ધ આપણા શહેરમાં કે રાજયમાં કોઇ એફઆઇઆર નોંધાઇ નથી. તે ડાયરેકટ કોઇ બિઝનેસ કે ડીલીંગ કરતો નથી પણ બબલુ જેવા લોકોને આગળ કરી વિદેશમાંથી તેનો ગેરકાયદેસર ધંધો કરે છે."
"તો હું આ વિશે હમણાં જ કમિશ્નર સાહેબ સાથે વાત કરી લઉં પછી આગળની કાર્યવાહી કરીએ."
ખાન સાહેબ પોલીસ કમિશ્નરને મળવા તેમની ઓફિસમાં જાય છે અને અત્યાર સુધીની તપાસની માહિતી આપે છે. તપાસ કરેલા શકમંદોમાંથી ગુલાબ દાસ પર શક છે અને તેની વિરુધ્ધ મળેલી ઇન્ફરમેશનની પણ વાત કરી અને અત્યાર સુધીની તપાસના રીપોર્ટની ફાઇલ આપી.
પોલીસ કમિશ્નરે શાંતિથી બધી વાત સાંભળી અને રીપોર્ટની ફાઇલમાં નજર ફેરવી કહ્યું, "કેસ સોલ્વ કયારે થશે અને હવે કોની તપાસ કરવાની બાકી છે? "
ખાન સાહેબે હળવેકથી કહ્યું, "સર, હવે જેની પર શક છે તેની પુછપરછ કરવા માટે અન્ય એજન્સીની જરુર પડશે. તે બહુ મોટો ગુનેગાર છે અને .."
"કોણ છે તે? "
ખાન સાહેબે હાબિદની પુરી ઇન્ફરમેશન આપી અને બબલુના મર્ડરમાં તેનું ઇનોવલ્વમેન્ટ હોઇ શકે તેવી વાત કરી અને તેની  સુધી પહોંચવા સલાહ સુચન માંગ્યા.  
પોલીસ કમિશ્નરે ખાન સાહેબને કહ્યું, "તમે એટીએસની ટીમ સાથે મળીને હાબિદ સુધી પહોંચી શકશો. હું એટીએસના ચીફ સાથે વાત કરીને તમને ટીમ ગોઠવી આપુ છું. તમે તેમની સાથે મળીને જલ્દીથી હાબિદ સુધી પહોંચી શકશો."
"યસ સર."
"તમે મને કાલે સવારે મળો, હું એટીએસ ચીફ સાથે વાત કરી લઉં છું."
પોલીસ કમિશ્નરને "ગુડ નાઇટ સર." કહી ખાન સાહેબ ઘરે જવા નીકળ્યા.
કમિશ્નર ઓફિસ બહાર આવીને તે ઘરે જતા રસ્તાની સાઇડમાં ગફુરને ફોન કરી તેમની મીટીંગ પ્લેસ પર બોલાવે છે. ખાન સાહેબ કેસમાં આવતાં નવા વળાંકોથી ટેન્શનમાં હતા અને હાબિદનું નામ આવતાં વધુ ટેન્શનમાં હતાં. 
ખાન સાહેબ ઘણીવાર તેમનું ટેન્શન હળવું કરવા ગફુરને બોલાવતાં. મોટામાં મોટી અને નાનામાં નાની ઇન્ફરમેશન ગફુર સાથે તેઓ શેર કરી હળવાશ અનુભવતા. ગફુર તેમની માટે વિશ્વાસુ હતો અને મદદગાર પણ હતો. 
ખાન સાહેબ તેમની મીટીંગ પ્લેસ પર પહોંચી કાર પાર્ક કરી કેસ અંગે જ વિચારી રહ્યા હતાં ત્યાંજ થોડી વારમાં જ ગફુર નાસ્તાનું પાર્સલ અને પાણીની બોટલ લઇ આવી ગયો.
ગફુરને જોઇને તરત તેઓ બોલ્યા, "આ બધું .."
"સાહેબ, થોડો હળવો નાસ્તો કરતા કરતા ગંભીર વાતો કરીએ તો મજા આવશે અને તમારુ ટેન્શન પણ .."
"તને કેવી રીતે ખબર પડી મારા ટેન્શનની."
"તમારી ફોન પરની વાત પરથી અને બપોરે મળ્યા ત્યારથી મને ખબર છે તમે કેસને લઇને બહુ ટેન્શનમાં છો."
ખાન સાહેબે નાસ્તો કરતાં કરતાં હાબિદની ઇન્ફરમેશન શેર કરી અને ટેન્શન વધવાની વાત કરી."
ગફુરે ખિસ્સામાંથી સિગરેેટનું પેકેટ બહાર કાઢી ખાન સાહેબના હાથમાં મુકતા કહ્યું, "સાહેબ, તમે આ સળગાવો અને ટેન્શનનો ધુમાડો કરી બહાર કાઢો." 
ખાન સાહેબે પણ તેમની ફેવરીટ સિગરેટ સળગાવી લાંબો કસ મારી હવામાં ધુમાડો છોડતા બોલ્યા, "ગફુર, મારી લાઇફમાં ઘણા બધા મર્ડર મિસ્ટ્રીના કેસ સોલ્વ કર્યા છે અને કેટલાંય કેસની ડીટેલ અન્ય પાસેથી જાણી છે. પણ સાલુ આટલો રહસ્યમય, ગુંચવાયેલો, રોમાંચિત કરી દે તેવો કેસ નથી જોયો."
"હા સર. મારી માટે પણ આવો કેસ પહેલી વાર સામે આવ્યો છે. "
"કેસમાં કેટલા બધા લોકો શકમંદ છે અને કોઇને સાઇડમાં મુકી શકાય તેમ નથી. બબલુએ દુશ્મનો જ ભેગા કર્યા છે. "
"સર, ઓછી શંકા હોય તેવાને સાઇડ કરી વધુ શંકાવાળા પર ધ્યાન આપી તપાસ કરવાથી ગુનેગાર સુધી કદાચ પહોંચી શકાશે."
"ગફુર, વધુ શંકા તો હાબિદ પર અને કારમાંથી મળેલા વાળના સેમ્પલવાળી સ્ત્રી પર છે."
"સર, હાબિદ એટલે પેલો બિટકોઇનનો, ગેરકાયદેસર હથિયારોનો, ડ્રગ્સ અને દારુનો વેપલો કરનાર કુખ્યાત બુટલેગરની વાત કરો છો તમે."
"હા એ જ હાબિદ. તે તેના આકાઓની રહેમ નજરથી ભાગતો ફરે છે, તેની પુછપરછ તો શું લોકેશન પણ મળવી અઘરી છે. કદાચ તેની સુધી પહોંચવા એટીએસની મદદ લેવી પડશે."
ખાન સાહેબની વાત સાંભળી ગફુર હસવા લાગ્યો અને બોલ્યો, "સર, હાબિદ સુધી પહોંચવામાં એટીએસની પહેલા આ ગફુર પણ મદદ કરી શકે તેમ છે."
ખાન સાહેબે સળગતી સિગરેટ જમીન પર નાંખી બુટ નીચે ઓલવીને ગફુરની આંખોમાં આંખ પરોવીને ગંભીર સ્વરે કહ્યું, "હું અત્યારે સહેજ પણ મજાકના મુડમાં નથી એટલે આવી વાત મારી જોડે ના કરીશ."
ગફુર પણ ગંભીર બની બોલ્યો, "સોરી સર, હું મજાક નથી કરતો પણ .."
"પણ શું? તું હાબિદને ઓળખે છે? "
"હા ઓળખું છું અને મળેલો પણ છું."
ગફુરની વાત સાંભળી ખાન સાહેબની આંખો પહોળી થઇ ગઇ અને ગંભીર સ્વરે કહ્યું, "હાબિદની લોકેશન તો ફોરેનમાં હોવાની વાત છે .."
"તે ફોરેન અવર જવર કરે છે પણ રહે છે તો ભારતમાં જ અને વધુ પડતું ગુજરાતમાં જ ખાનગી રીતે રહે છે. તેનો મોટો બિઝનેસ અહીં ચાલે છે."
"ગફુર...ગફુર, તે મારુ ટેન્શન ખરેખર ઓછુ કરી દીધું."
"બોલ ..જલ્દી બોલ. કયાં મળશે એ બુટલેગર? "
"ઓ..સાહેબ, આમ અધીરયા ના બનો. એ આમ સરળતાથી મળી જાય તેમ નથી."
ખાન સાહેબ ફરી અંચબાભરી નજરે ગફુરને તાકી રહ્યા. ગફુરે સિગરેટ સળગાવી ખાન સાહેબને આપતાં કહ્યું, "અરે સર, સરળતાથી નહીં મળે પણ મળશે જરુર. આ ગફુર તમને શોર્ટ ટાઇમમાં હાબિદ સુધી પહોંચાડી દેશે."
"પણ કેવી રીતે ગફુર? "
પ્રકરણ ૨૮ પુર્ણ 
પ્રકરણ ૨૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.