કેબલ કટ , પ્રકરણ ૮ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ , પ્રકરણ ૮

પ્રકરણ - ૮

ખાન સાહેબ મેસેજ મળતાં જ તાત્કાલિક ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવી જાય છે. ખાન સાહેબ વધુ સમય ન લેતાં લાખાના હાથમાં પાણીનો ગ્લાસ આપી શાંત સ્વરે પોતાનો ટુંકો પરિચય આપી વાત કરે છે, “ દોસ્ત, હું સ્પેશીયલ સિનીયર પોલીસ ઇન્સ્પેકટર એમ એમ ખાન છું. મારી પાસે બબલુ પાંડેના મર્ડરનો કેસ આવ્યો છે અને મને બબલુ પાંડેના મર્ડર અને તેની કાર વિશેની કોઈ માહિતી તારી પાસે હોય તો જાણવી છે. સહેજ પણ ગભરાઇશ નહિ અને ચિંતા ના કરીશ. અમારી પર વિશ્વાસ રાખે તારી સાથે કંઈજ ખોટું નહી થાય. તું અમને બબલું ના કેસની જે કોઈ માહિતી જાણતો હોય તે જણાવી મદદ કર એટલે તને તાત્કાલિક છોડી મુકવામાં આવશે.” લાખાને પણ ખાન સાહેબ ની વાતમાં વિશ્વાસ બેઠો અને તેના ચહેરા પર થોડી ખુશી દેખાતાં જ ખાન સાહેબે પોલીસ ટીમ ને કાર્યવાહી કરવા સુચના આપી.

લાખા પાસેથી બબલુના કેસની જે માહિતી મળવાની હતી તે ઘણી ઉપયોગી હોવાથી અને તેનો ભવિષ્યમાં કાયદેસર રીતે ઉપયોગ થઇ શકે તે માટે થઈને ખાન સાહેબે લાખાનું સ્ટેટમેન્ટ લખવા માટે રાઈટર, ઓડિયો વિડીયો રેકોર્ડીંગ કરવા માટેની વ્યવસ્થા, લાખાનો સ્ટેટમેન્ટ આપતી વખતે ફેસ રીડ કરવા માટે ફેસ રીડર એક્સપર્ટ, વાત કઢાવવા માટે રિમાન્ડ એક્સપર્ટ સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડા, હાફ ટન અને ફુલ ટન ને હાજર રાખવામાં આવે છે. ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચના સાયબર એક્સપર્ટ ગામીતને લાખાની ફિંગરપ્રિન્ટ લેવા માટે અને તેનો ફોટોગ્રાફ્સ લેવા માટે સુચના આપે છે. લાખાનો આગળનો ગુનાહિત પ્રવુતિનો રેકોર્ડ ચેક કરવા માટે ફિંગરપ્રિન્ટ અને ફોટાનો કોઈ રેકોર્ડ હોઈ ચેક કરી રીપોર્ટ આપવા ઓર્ડર કરે છે. લાખો પળવાર માટે ફિંગરપ્રિન્ટ આપવા માટે તૈયાર ન હતો પણ ખુંખાર ગુનેગારો પાસેથી ફિંગરપ્રિન્ટ લેવાના એક્સપર્ટ ગામીત સાહેબે થોડી કડકાઈ અને જબરદસ્તી કરીને પણ લાખના હાથની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લઇ જ લીધો. લાખો પોતાની ગેરકાયદેસર ધરપકડ, બળજબરીથી ફિંગરપ્રિન્ટ, ફોટોગ્રાફ અને આટલા બધાને પોતાની સામે જોઈ કેસ ગંભીર હોવાનું મનોમન સમજી જાય છે. ફુલ ટન મેવાડા સાહેબ ને લાખા પાસેથી બબલુના કેસ માટેની કઈ માહિતી મેળવવાની છે તેની બ્રીફ આપી તૈયારી કરે છે.

મેવાડા સાહેબ હળવા મુડમાં લાખા સાથે ઇન્ટરોગેશન શરુ કરે છે, “ તારા ગામની નજીકમાં નદી કિનારે કારમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે એની તને ખબર છે ? “ “ હા સાહેબ, મને ખબર છે “ લાખો ધીમા સ્વરે જવાબ આપે છે. મેવાડા પુછે છે, “તને ક્યારે અને કેવી રીતે ખબર પડી.” લાખો ખાન સાહેબ ના સામે જોઇને જવાબ આપે છે, “ મને ઘટના ના દિવસે સાંજે જ ખબર પડી અને હું રોડ પરથી જતો હતો અને મારું ધ્યાન તે તરફ ગયું અને ખબર પડી.” મેવાડા સાહેબ,” લાખા તું ઘટના સમયે ત્યાં શું કરતો હતો અને

ત્યાં બીજું કોણ કોણ હતું ?” લાખો થોડા ગુંચવાતા સ્વરે બોલ્યો, “ હું હું ત્યાં એમજ પહોંચી ગયો અને અંધારું બહુ હતું એટલે.” હવે ખાન સાહેબ વચ્ચે બોલી ઉઠે છે, “ લાખા અમને ખબર છે, તારી પાસે શરૂથી અંત સુધીની માહિતી છે એટલે તું સમય ના બગડતા જલ્દીથી માહિતી આપવાનું શરુ કર.”

લાખો પણ ખાન સાહેબ ના ઉંચા સ્વરને પારખી વાત બગડે એ પહેલા ખાન સાહેબની સામે હાથ જોડી પોપટની જેમ બોલવા માંડ્યો, “ સાહેબ હું નાની મોટી ચોરી કરું છું, હું મારા ગામની આસપાસના રોડ પર આખો દિવસ નજર રાખી રેકી કરતો હોવ છું. રોડ પર પાર્ક થયેલ કાર, ટ્રકમાંથી રાતે ડ્રાયવર ઉંઘી જાય કે તેની નજર ચૂકવીને સામાન ચોરી કરું છું પણ મે ક્યારેય કોઈ પર હુમલો કરી ચોરી નથી કરી. એક દિવસ હું રોડ પર રેકી કરતો હતો અને નદી પાસેના ખેતર પાસેથી પસાર થતો હતો ત્યારે મને એક ગાડી રોડથી નીચે નેળીયામાં જતી દેખાઈ. કાર અવાવરું જગ્યાએ અને એ પણ અંધારમાં જતાં જોઈ પહેલાં મને થયું કે લફડાબાજ કપલ મજા કરવા આયુ હશે. હું ત્યાં રોડ પર સાયકલ મુકી છુપાઈને જોતો હતો એવામાં એક એકટીવા પણ તે કારની પાછળ ને પાછળ અંધારમાં જઈ ઉભું રહ્યું. કારમાંથી એક માણસ બહાર આવે છે અને એકટીવા સવાર સાથે વાતચીત કરી તે રોડ પર આવી આમ તેમ જોઈ કોઈ છે કે નહી તેવું ચેક કરી પાછો કાર પાસે પહોંચ્યો. સાહેબ હું અંધારમાં ઝાડ પાછળ હતો એટલે તેની નજર મારી પર ના પડી. હું તેને કાર સુધી જતાં જોતો રહ્યો અને તે શું કરે છે તે જોઈ રહ્યો. મે વિચાર્યું હવે તે બે જણ અંધારામાં કારની અંદર ગોઠવાઈ જશે પણ સાહેબ તેમાંથી એકટીવા પર આવનાર દુરથી મને પુરુષ જેવો લાગ્યો. એકટીવા સવાર ના કપડાં,માથાંના ટૂંકા વાળ અને તેની ઉંચાઈ, શરીર પણ ભરાવદાર પુરુષ જેવું લાગ્યું એટલે મને ફરી વિચાર આયો કે આ લુખ્ખા દારૂ ઢીંચવા અહીં અવાવરું જગ્યાએ આયા હશે. થોડીવારમાં તે બે જણાં કારની અંદર લાઈટ કરી કઇંક ચેક કરતાં હોય તેવું લાગ્યું. તે બે જણાં કારની અંદર હતાં એટલે મારા મનની અંદર સરવરતા કીડાને શાંત કરવા હું પણ ઝડપભેર ઝાડના ઓઠા હેઠળ કારની નજીક પહોંચ્યો અને મેં જોયું તો કારમાં બે નહી ત્રણ જણ દેખાયા. હવે મારા મનમાં ઘડીકવાર માટે શંકાનું મોજું ફરી વળ્યું. હું અંધારમાંથી કારમાં શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો હતો અને મને લાગ્યું કે પેલા બે જણાં કારમાં કોકનું મર્ડર કરી રહ્યા હોય તેવું લાગ્યું અને થોડીકવારમાં જ પેલા બે જણ કારની બહાર આવી જાય છે. તે બેમાંથી એક જણ જે એકટીવા પર આયો હતો તે રડી રહ્યો હતો અને કારમાંથી ઉતરનાર તેને સાંત્વના આપી રહ્યો હતો. હું અંધારામાં તેમની એકદમ નજીક પહોંચી ગયો હતો પણ તે બે જણાંને ખ્યાલ ન હતો. હવે મેં નજીકથી જોયું તો ખબર પડી કે બેમાંથી એક જણ મહિલા છે. સાહેબ જે પાછળથી એકટીવા પર આવનાર ઉંચી ને પડછંદ વ્યક્તિ મહિલા હતી. “ લાખો એકી શ્વાસે બોલતાં બોલતાં ઘડીકવાર માટે અટક્યો અને આંખો લુંછવા લાગ્યો. લાખાની વાત હાજર તમામ વ્યક્તિઓ શાંત ચિત્તે સાંભળી અને સમજી રહ્યા હતાં. ખાન સાહેબ પોતાની જગ્યાએથી ઉભા થઇ લાખાની પાસે આવે છે અને તેના ખભે હાથ મુકીને કહે છે, “ વાહ લાખા સરસ, તે ઘણી ઉપયોગી માહિતી આપી પોલીસની મદદ કરી છે તેનાથી હું ખુશ થયો છું. થોડીવાર રહીને પાણી પીને સ્વસ્થ થઈને આગળની માહિતી આપ.”

લાખો પાણી પી રહ્યો હતો ત્યારે ખાન સાહેબે તેમનું માસ્ટર માઈન્ડ કામે લગાડી લાખાએ અત્યાર સુધી માં કહેલી વાતમાંથી જરૂરી લાગી હોય તેટલી માહિતી પોતાની ડાયરીમાં ટપકાવે છે અને ફેસ રીડર એક્સપર્ટ ને પુછે છે, “ લાખાની વાત અને તેનો ચહેરા પરથી તમને શું લાગે છે ? શું લાખો સાચી વાત કહે છે યા વાર્તા સંભળાવી આપણને ઉંધા પાટે લઇ જાય છે ?” જવાબમાં ફેસ રીડર એક્સપર્ટ કહે છે, “ સર લાખો કુદરતી રીતે નહી પણ વાત ગોઠવી ગોઠવી યા વિચારી વિચારી ને બોલે છે. તેના ચહેરાના હાવભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી જણાતાં પણ તે સામાન્ય ચોર હોય તેવું લાગતું નથી. તે પોતાની જાતને બચાવીને વાત કહેતો હોય તેવું લાગે છે અને તેની પાસે ઘણી માહિતી હશે પણ તે હજુ છુપાવી રહ્યો હોય તેવું લાગે છે.”

ખાન સાહેબ ફેસ રીડર એક્સપર્ટની વાત સાંભળી ઓશિયાળા ચહેરે બેઠેલ લાખાને, લાખની નિસ્તેજ આંખોને, લાખાની પાંપણ પર તોળાઈ રહેલ આંસુને, રડી રડીને સુઝી ગયેલ લાખાની આંખોના પોપચાને, લાખાના કપાળ પર રેલાતાં પરસેવાને, ઘડીક ઘડીક વાર ડરથી ધ્રુજતું લાખાનું શરીરને જોઈ તેને સમજવાનો પ્રયત્ન કરતાં હતાં તેવામાં જ ક્રાઈમ બ્રાંચના સાયબર એક્સપર્ટ લાખાની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સર્ચ રીપોર્ટ ખાન સાહેબ ના હાથમાં આપે છે. રીપોર્ટ હાથમાં આવતાં જ વાંચતા વાંચતા ખાન સાહેબના ભવા ચઢી ગયા. ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચના સિનીયર પોલીસ ઈન્સ્પેકટર અને રિમાન્ડ એક્સપર્ટ સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડાને સાઈડમાં બોલાવી લાખાનો રીપોર્ટ તેમના હાથમાં આપી ગંભીર ચર્ચા કરે છે. હાફ ટન અને ફુલ ટન ખાન સાહેબ ને નજીકથી જાણતા હોવાથી સાઇડમાં બે સિનીયર પોલીસ ઈન્સ્પેકટર સાથે ચર્ચા કરતાં ખાન સાહેબના હાવ ભાવ જોઈ કંઈક ગંભીર બન્યું હશે તેવું મનોમન વિચારતાં હતાં.

પ્રકરણ ૮ પૂર્ણ

પ્રકરણ ૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...