કેબલ કટ , પ્રકરણ ૯ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ , પ્રકરણ ૯

આ નવલકથાના તમામ પાત્રો, ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૯

ખાન સાહેબ લાખાની વાત થોડીવાર પછી સાંભળીએ એમ કહીને સિનીયર ઓફિસરની ટીમ સાથે તેમની ઓફિસમાં મીટીંગ માટે જાય છે. હાફ ટન લાખા પાસે પહોંચી તેને વાતોમાં પરોવી પોલીસને મદદ કરવા માટે આભારની વાત કરી તેને ઉત્સાહિત કરે છે. ફુલ ટન કઈ વાત પર ઈમરજન્સી મીટીંગ ગોઠવાઈ તે જાણવા અને સમજવા પ્રયત્ન કરતો દેખાય છે. ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત અને તેમની ટીમ લેપટોપ, ફાઈલો સાથે ખાન સાહેબની ઓફિસમાં પ્રવેશે છે. સ્થાનિક પોલીસ પણ પોતાનો રીપોર્ટ લઇ મીટીંગમાં હાજર થાય છે.

ખાન સાહેબે સ્થાનિક પોલીસ પાસે રીપોર્ટ માંગ્યો તેના જવાબમાં પોલીસ ઇન્સ્પેક્ટર જણાવે છે, “ સાહેબ, લાખા પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી કોઈ જ ગુનો નોંધાયો નથી. તેના ગુમ થવાની કમ્પ્લેઇન પણ તેના પરિવારે નોંધાવી નથી. તેના ગામમાં તેને વ્યક્તિગત રીતે કોઈ ઓળખતું નથી પણ ગામના લોકો કહે છે તેનો પરિવાર લગભગ ત્રણેક વર્ષથી ગામ બહારની સરકારી જગ્યામાં ઝુપડું બાંધીને રહે છે. તેનો પરિવાર ગામમાં ક્યારેક મજુરી કરવા આવે છે અને તેમની ગામમાં હજુ સુધી કોઈની સાથે માથાકુટ કે લેવડદેવડ નથી.”

ખાન સાહેબને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત રીપોર્ટ આપે છે, “ સાહેબ, લાખાના ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ પોલીસના રેકોર્ડમાં મેચ થાય છે. જુના રીપોર્ટમાં તેનું નામ ભંવર બતાવે છે અને તે પોલીસ માટે ભાગેડુ છે. તેનો છેલ્લો ગુનો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થયેલો છે. વેશ બદલી કરીને અંધારી રાતે ટ્રક ડ્રાયવરને ભોળવીને, ફસાવીને યા માર ઝુડ કરીને હાઇવે પર લુંટ કરનાર ડફેર ગેંગનો આ ભાગેડુ સાગરીત છે. તે સમયે તેની ગુજરાત પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી અને તેની પર રાજસ્થાનમાં પણ ગુના હતાં એટલે તેને રાજસ્થાન પોલીસ ટ્રાન્સફર વોરંટથી લઇ જતી હતી ત્યારે તે પોલીસ પર હુમલો કરીને ભાગી ગયો હતો. તેની ઘણી શોધખોળ ગુજરાત અને રાજસ્થાન પોલીસે કરી હતી પણ તે હજુ ભાગેડુ તરીકે જ ગુજરાત અને રાજસ્થાન પોલીસના રીપોર્ટમાં છે. તેના ધરપકડ થયેલા અન્ય સાથીદારોને સજા થઇ છે અને તેમની પાસેથી મળેલ માહિતી પણ આ રીપોર્ટમાં છે તે લાખા જોડે મેચ થાય છે.”

ખાન સાહેબ લાખાનું ઇન્ટરોગેશન પુર્ણ થાય તરત તેની ડફેર ગેંગના કેસમાં કાયદેસરની ધરપકડ કરી તેને મેજિસ્ટ્રેટ સાહેબ સામે હાજર કરી રિમાન્ડ માંગવાની વ્યવસ્થા કરવા સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટરને ઓર્ડર કર્યો. ખાન સાહેબ મીટીંગ પુર્ણ કરી ઓફીસ બહાર આવે છે અને પાછા લાખા પાસે જઈને બેસે છે અને શાંત સ્વરે કહે છે, “ આગળની વાત કરવા માટે તું તૈયાર હોય તો કાર્યવાહી શરુ કરીએ.” જવાબમાં લાખાએ હા કહી વાત શરુ કરી,” સાહેબ જે એકટીવા પર મહિલા આવી હતી તે બહુ રોતી હતી અને તેને પેલો કાર ચલાવનાર પુરુષ હતો તે તેને શાંત રાખતો હતો. થોડીવારમાં તે મહિલા રોતા બંધ થતાં તે બંને એકટીવા પર બેસીને રોડ પર આવે છે અને થોડીવાર રોડ પર ઉભા રહી આસપાસ કોઈની ચહલપહલ છે કે કેમ તે અંધારામાં જોતા હતાં. થોડીકવારમાં તે લોકો ત્યાંથી નીકળી ગયા. સાહેબ અંધારું હોવા છતાં તેમનો ચહેરો મને બરોબર યાદ છે, હું તેમનો ચહેરાનું વર્ણન એક્સપર્ટ પાસે કરી શકું તેમ છું. સાહેબ તેમના એકટીવાની નંબર પ્લેટ ફેન્સી હતી અને તેની પર સ્પષ્ટ નંબરની જગ્યાએ રેડીયમ કલરમાં ફેન્સી સ્ટાઇલમાં રાજ લખેલ હતું તે મને અંધારામાં પણ દેખાતું હતું પણ મને આખી સીરીઝ વંચાતી ન હતી. તેમનું એકટીવા સફેદ કલરનું અને નવું હતું.” લાખાની વાત અટકાવી ઇન્સ્પેકટર મેવાડા પુછે છે, “ તે લોકો ગયા પછી તે ગાડીમાં શું કર્યું અને તે સમયે બબલુ બેભાન હતો કે મૃત હતો ? બબલુનું મર્ડર તારાથી તો નથી થયું ને ? ” મર્ડર શબ્દ સાંભળી લાખો ખાન સાહેબના પગમાં પડીને રોતા રોતા પોતે ચોરી કરી છે પણ મર્ડર નથી કર્યાનું રટણ કરે છે.” ખાન સાહેબ લાખાને શાંત કરે છે અને કહે છે, “ તને તારી બેગુનાહી સાબિત કરવા પુરો સમય આપવામાં આવશે અને તને કંઈ નહિ થાય. તારે હજુ થોડો સમય અહી રહેવું પડશે અને થોડા સમય પછી આપણે મળીએ છીએ આગળની વાત જાણવા માટે.”

ખાન સાહેબ સાઇડમાં જઈને ફુલ ટનને લાખા સાથે જ રહેવા સુચના આપે છે. હાજર તમામ અધિકારીઓ, એક્સપર્ટને કાલે ફરી મળીશું અને લાખાની ધરપકડ હાલ નથી કરવાની તેને હમણાં ક્રાઈમ બ્રાંચમાં જ ઉપલક રાખી શક્ય માહિતી કઢાવવાની છે તેમ કહીને છુટા પડે છે. ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ અને લાખાના ફિંગરપ્રિન્ટ રીપોર્ટ સાથે ઘટના સ્થળે જવા નીકળે છે. ઘટના સ્થળ પર આજુબાજુના ગામના લોકોની ચહલપહલ વધી જવાથી પુરાવાનો નાશ ન થાય તે માટે કારને ટોઈંગ કરીને ફોરેન્સિક લેબ મોકલી આપવામાં આવે છે. સ્થાનિક પોલીસને ઘટના સ્થળ પર પહેરો ગોઠવી દેવા સુચના આપી ખાન સાહેબ પણ ફોરેન્સિક લેબ પહોંચે છે. ફોરેન્સિક લેબોરેટરી પહોંચી ખાન સાહેબ ફોરેન્સિક ટીમ એક્ષ્પર્ટને લાખાના ફિંગરપ્રિન્ટ રીપોર્ટને બબલુની લાશ પરની અને કાર પરની ફિંગરપ્રિન્ટ મેચ કરી રીપોર્ટ આપવા સુચના આપે છે. ખાન સાહેબ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરને બોલાવી તેમના એરિયામાં કાર, ટ્રક લુંટના કેટલા પેન્ડીંગ કેસ પડ્યા છે અને તેની તપાસનો રીપોર્ટ માંગે છે. ખાન સાહેબે આરટીઓ ઇન્સ્પેક્ટરને બોલાવી ફેન્સી નંબર પ્લેટમાં રાજ લખ્યું હોય તો કયો નંબર હોય અને આવી ફેન્સી નંબર પ્લેટ માટે કોઈ દંડ વસુલવામાં આવ્યો છે કે કેમ તેની માહિતી તથા આવી ફેન્સી નંબર પ્લેટની સીરીઝની જાણકારી નથી તો ટ્રાફિક પોલીસની ટીમને આ માટે ધ્યાન આપવા અને કોઈ માહિતી મળે જાણ કરવા સુચના આપે છે.

મીડિયામાં બબલુના મર્ડર અને તેના સંભવિત આરોપીની ચર્ચાઓએ જોર પકડ્યું હતું એટલે ખાન સાહેબ પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી કેસની ચર્ચા કરી અત્યાર સુધીનો રીપોર્ટ ફાઈલ કરે છે. પોલીસ કમિશ્નરે ઝડપી કેસ સોલ્વ થઇ જ જશે તેવી તેમને ખાત્રી જ છે એવો ખાન સાહેબ પર વિશ્વાસ વ્યક્ત કરે છે. ખાન સાહેબ કમિશ્નર સાહેબને મીડિયાની તેમના પર આ કેસ માટે પ્રેશરની વાત કરે છે ત્યારે કમિશ્નર સાહેબ કહે છે, "મીડિયાને તે મેનેજ કરી લેશે અને આપ માત્ર કેસ સોલ્વ કરવા પર ધ્યાન આપો."

ખાન સાહેબ રાતના અંધારામાં સ્થાનિક પોલીસ સાથે તેમના બાઈક પર બેસીને રોડથી નેળીયામાં થઈને ઘટના સ્થળે પહોંચે છે. ઘટના સ્થળે હાજર પોલીસ કોન્સ્ટેબલને મળી નવી કોઈ જાણકારી કે માહિતી મળી કે કેમ તેની પુછપરછ કરે છે. ઘટના સ્થળ પરથી બબલુએ આપેલ જુબાની મુજબ આખી ઘટનાનું ચિત્ર મગજમાં ઉભું કરી વિચારે છે. થોડા સમય પછી પાછા બાઈક પર બેસીને લાખાએ કહ્યું હતું તેમ રોડ પર આવે છે અને ત્યાંથી ઘટના સ્થળ સુધીનું અંતર જોવા થોડીવાર રોડ પર ઉભા રહે છે. ખાન સાહેબના મગજમાં લાખાની વાત ઉતરતી ન હતી એટલે તેને લઈને જ ફરી ઘટના સ્થળ પર આવવાનું નક્કી કરી ક્રાઈમ બ્રાંચ પરત ફરે છે. રાતે બબલુના સાગરીત પીન્ટોને ક્રાઈમ બ્રાંચ બોલાવી બબલુના મર્ડર માટે સંભવિત દુશ્મનની માહિતી વિચારીને કાલે આપવા માટે કહે છે. પીન્ટોએ બબલુના પત્ની અને અન્ય સાથીઓ સાથે ચર્ચા કરી જે માહિતી મળશે તે કાલે અહીંજ મળીને આપવાની વાત કરે છે. ખાન સાહેબ ફુલ ટનને બોલાવી લાખાના ખબર અંતર અને કોઈ નવી જાણકારી મળી કે કેમ તેની માહિતી મેળવે છે.

ખાન સાહેબ ઘરે જઈને આખા દિવસમાં મળેલી જાણકારી અને તપાસની નોંધ ડાયરીમાં ટપકાવી સુવા જાય છે. ખાન સાહેબ સુતાં સુતાં લાખાએ કરેલી વાત અને લાખાના ગુનાહિત રેકોર્ડ અંગે મનોમન વિચારે છે અને પોતાની જાત સાથે પ્રશ્નો કરે છે, “ શું લાખો બધું સાચું જ કહેતો હશે ? લાખો પોતે લુંટેરુ ડફેર ગેંગનો સાગરીત છે તો તેણે જ લુંટ કરવાના બહાને બબલુનું મર્ડર કરી એકટીવાવાળાની વાત કહી તપાસ અવળે પાટે તો નહી લઇ જતો હોય ? જો લાખાની વાત સાચી હોય તો બબલુના મર્ડરમાં બે જણનો હાથ હોય તો તે બે કોણ અને તેમનો મર્ડર કરવાનો ઈરાદો શું હશે? ખાન સાહેબ વિચારતા વિચારતા ઉંઘી જાય છે.

પ્રકરણ ૯ પૂર્ણ

પ્રકરણ ૧૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો