આ નવલકથાના તમામ પાત્રો, ઘટનાઓ કાલ્પનિક છે.
પ્રકરણ ૧૦
ખાન સાહેબે વહેલી સવારે તેમના ઘરેથી ચા નાસ્તો કરતાં કરતાં ક્રાઈમ બ્રાંચ ફોન કરી આજે ૧૧ વાગે લાખાની જુબાની લેવાની હોવાથી લાખાને, ફોરેન્સિક ટીમને, સ્થાનિક પોલીસને, આરટીઓ ઈન્સ્પેક્ટરને, પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડા, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત તથા કાલની આખી ટીમને પોતપોતના રીપોર્ટ સાથે હાજર રહેવા સુચના આપે છે.
ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચની ઓફીસ પહોંચીને હાફ ટન અને ફુલ ટનને પોતાની ઓફિસમાં બોલાવી લાખા અંગેની ચર્ચા કરે છે અને તમને મળેલી માહિતી જાણે છે. હાફ ટન કહે છે, “ સાહેબ આ લાખો નાનો મોટો ચોર નહિ પણ અંદરથી ખુંખાર ગુનેગાર હોય તેવું લાગે છે અને તે સીધી રીતે કંઈ કહે તેવું લાગતું નથી. તે કડક રિમાન્ડ વગર બકશે નહીં. તેની વારે વારે બદલાતી વાતો અને તેના બદલાતા હાવભાવ પરથી નાટકબાજ અને મોટો ખેલાડી હોય તેવું લાગે છે. “ ખાન સાહેબ ફુલ ટનને લાખાના ઘરે અને ગામમાં ખાનગી રીતે જઈ તેના પરિવાર વિશે અને યોગ્ય લાગે તો તેના પરિવારને મળી લાખા અંગેની માહિતી મેળવી સાંજે મળવાનું કહી રવાના કરે છે.
ખાન સાહેબ અને ટીમ સામે ૧૧ વાગ્યાના સુમારે લાખાને હાજર કરવામાં આવે છે. લાખો આવતાં જ ખાન સાહેબ તેના ખબર અંતર અને કોઈ તકલીફ તો નથી ને તેની પુછપરછ કરે છે. લાખો તેને છોડી મુકવા હાથ જોડી વિનંતી કરે છે તેના જવાબમાં ખાન સાહેબ પુછપરછ પુરી થશે તેને છોડી મુકવાની ખાત્રી આપે છે. લાખો પણ સ્વસ્થ થઇ આગળની વાત શરુ કરે છે, “ સાહેબ પેલા બે અજાણ્યા લોકો એકટીવા પર નેળીયામાંથી ગયા તરત હું અંધારામાં ગાડી પાસે પહોંચ્યો અને બેટરી મારી કારની અંદર જોયું તો ડ્રાયવરની પાછળની સીટ પર એક વ્યક્તિ ઢળેલી હોય તેવું લાગ્યું. મેં ગાડીની ફરતે બેટરીથી કારના કાચમાંથી ચેક કર્યું તો મને પેલી વ્યક્તિ બેભાન યા તે લાશ હોવાનું લાગ્યું. મેં આજુબાજુના ખેતરમાં પણ બેટરીના પ્રકાશે કોઈ છે કે કેમ તેની તપાસ કરી લીધી. ફરી હું કાર પાસે આયો અને મેં કારનો દરવાજો ખખડાવી ચેક કર્યું પણ અંદરની વ્યક્તિ પર કોઈ અસર ન થઇ. સાહેબ હું કારના સામાનનો ચોર હોવાથી આ મારા માટે તક હતી એટલે ઓટોમેટીક સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમને ડીફયુસ કરી માસ્ટર ચાવીથી કાર લોક ખોલી હું કારમાં અંદર ઘુસ્યો. કારમાં પાછળની સીટ પર જઈ ફરી મેં પેલી વ્યક્તિની નજીક જઈ બેટરીની લાઈટ કરી તેના નાક પાસે હાથથી તેનો શ્વાસ તપાસ્યો ત્યારે ખાત્રી થઇ ગઈ કે તે તો લાશ જ છે. પાછળની સીટ પરથી ઉતાવળમાં એક સ્પીકર બહાર કાઢી હું ફરી કાર બહાર આવ્યો અને વિચાર્યું આ સ્પીકરને સાયકલ પર ઘરે મુકી થેલો લઈને આવું પછી બીજો સામાન કાઢી લઇ જવું . સ્પીકરને સાયકલના કેરિયરમાં ભરાવતો હતો અને મારી નજર કારના લોગો પર પડી એટલે લોગો ને સાચવીને કાઢી તેને ખિસ્સામાં મુકી હું ઘરે જવા નીકળ્યો. સાહેબ થોડો દુર જ પહોંચ્યો તો રસ્તામાં ત્યાં મને બાઈક પર જીતુભાઈ મળ્યા અને મને આંતરીને સાઈડમાં ઉભો રાખ્યો. તેમણે મારી સાયકલ પાછળના કેરિયરમાં કારનું સ્પીકર જોઈ તેમને જોઈએ છે તેવી વાત કરી. અમે થોડી વાર વાતો કરી ત્યાં તો તેમને બીજું સ્પીકર પણ જોઈએ તેવી વાત કરી અને તે માટે હું પાછો ગાડીમાં આયો અને ફટાફટ સ્પીકર કાઢી તેમની પાસે પહોંચ્યો. તેમણે મારી જોડે ભાવતાલ કરી સ્પીકર લેવાનો સોદો ફાયનલ કર્યો. મને સ્પીકરની ઉંચી કીમત મળી જવાથી અને કારમાં લાશ હોવાથી હું રાતે ફરી ચોરી કરવા ત્યાં ના ગયો અને પછી સવારે શું થયું એ સાહેબ તમને અને બધાને ખબર જ છે .” ખાન સાહેબ અને ટીમ લાખાને શાંતિથી સાંભળી રહી હતી. ખાન સાહેબે જરુરી માહિતી ડાયરીમાં ટપકાવી લીધી. પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડાએ પ્રશ્ન કર્યો, “તને ક્યારે ખબર પડી કે તે ચોરી કરી હતી તે કાર સુધી પોલીસ પહોંચી છે ? તું ફરી તે કાર પાસે ક્યારે ગયો કે અને કેમ ગયો ?” જવાબમાં લાખો બોલ્યો, “ મને સવારમાં ગામની બહાર આવતાં જ ખબર પડી ગઈ કે નદી પાસેના ખેતરમાં બિનવારસી કાર અને લાશ મળી છે. હું સાહેબ પોલીસથી દુર જ રહું છું એટલે ફરી તે કાર પાસે ગયો જ નથી.” ફેસ રીડર પણ લાખાના બદલાતા હાવભાવની નોંધ કરતાં હતાં. લાખની તમામ વાત રાઈટરે નોંધી અને રેકોર્ડીંગ ટીમે પણ રેકોર્ડ કરીને સેવ કરી લીધી.
ખાન સાહેબે જોઈતી માહિતી મળી રહેતા ટીમને ઇન્ટરોગેશન પુર્ણ કરવાની સુચના આપી લાખાને બીજા રૂમમાં લઇ જવા સુચના આપે છે. ખાન સાહેબ રાઈટર અને રેકોર્ડીંગ ટીમને તેમનો રીપોર્ટ સબમીટ કરવા સુચના આપે છે. લાખાના કાયદેસર રિમાન્ડ લઇ તેની પાસેથી વધુ માહિતી મેળવવા માટે ડફેર ગેંગના કેસમાં લાખની ધરપકડ કરી મેજીસ્ટ્રેટ સાહેબ સામે રજુ કરવા ઓર્ડર કરે છે. તરત જ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક ખાન સાહેબની સાથે લાખાની ધરપકડ કરવાના ઓર્ડર સાથે બાજુના રૂમમાં જાય છે. લાખો ત્યાં સુનમુન નિસ્તેજ ચહેરે બેઠો હતો. ખાન સાહેબને જોઇને તરત તેના ચહેરા પર આશાના કિરણો દેખાઈ આવે છે અને હાથ જોડી તેને છોડી દેવા વિનંતી કરે છે. જ્યાં ઇન્સ્પેક્ટર નાયક લાખાને તેની ધરપકડ કરવાની વાત કરે છે ત્યાં લાખાના દિમાગમાં વિચારોનું શરુ થયેલું તોફાન અને તગતગતી આંખોમાં ઢગલાબંધ ઉભા થયેલા પ્રશ્નો ખાન સાહેબ એકીટસે જોઈ રહ્યા હતાં. લાખો ક્યાં ગુનામાં પોતાની ધરપકડ થઇ રહી છે તે સમજવા મથી રહ્યો હતો અને ખાન સાહેબને તેની છોડી મુકવાની વાત યાદ દેવડાવે છે અને કાંપતા હાથે વિનંતી કરે છે.
લાખો ફફડતાં હોઠે બુમો પાડતાં વિનંતી કરે છે,” સાહેબ હું નિર્દોષ છું, મેં ચોરી કરી છે પણ મેં કોઈનું મર્ડર નથી કર્યું. મને છોડી મુકો સાહેબ.” લાખો ખાન સાહેબની આંખોમાં તરી આવેલો ગુસ્સો જોઈ રહ્યો હતો. હવે ખાન સાહેબ તેમના ઓરીજીનલ ગુસ્સાના રૂપમાં આવીને કહે છે, “લાખા તું કદાચ બબલુના કેસમાં નિર્દોષ હોઈશ પણ અમે તારી ડફેર ગેંગના જુના કેસમાં ધરપકડ કરીએ છીએ. ભંવર હવે તારી પોલીસથી ભાગવાની કારીગરી ફરી કરતો જ નહિ, કેમ કે તારી ધરપકડ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયકના હાથમાં છે. તારું એનકાઉન્ટર ગમેત્યારે થઇ જશે એટલે પોલીસને સહયોગ કરજે તો જ તું સુરક્ષિત છે. તને મેજીસ્ટ્રેટ સાહેબ સામે રજુ કરી તારા રિમાન્ડ માંગવામાં આવશે અને રીમાન્ડમાં તારે હજુ વધુ સહયોગ કરવો પડશે.”
લાખો ખાન સાહેબના ઉગ્ર રૂપ અને વાત પરથી ડઘાઈ ગયો હતો અને તેનું મગજ સુન થવા માંડ્યું હતું. તેણે પોતાનું નામ ભંવર સાંભળ્યું ત્યાં તો અવાક બની ગયો હતો. તે પોતાની વિરુદ્ધ થઇ રહેલ કાર્યવાહી જોઈ રહ્યો હતો અને તેનું મન વિચલિત થઇ ગયું હતું. જ્યાં તેની ધરપકડ અને રિમાન્ડનું સાંભળ્યું ત્યાં તો તેની આંખોમાંથી આંસુ પૂરપાટ ઝડપે ધસી આવ્યાં. તેની કફોડી હાલત ખાન સાહેબ જોઈ રહ્યા હતાં અને પળેપળે બદલાતી હાલત પર મોનીટરીંગ પણ કરી રહ્યા હતાં.
ખાન સાહેબના ફોન પર ફુલ ટનનો ફોન આવે છે, “ ખાન સાહેબ લાખાનું ઘર મળી ગયું છે અને હાલ તેનો પરિવાર અહીંથી રાતોરાત ગાયબ થઇ ગયો છે. બાજુના ખેતરમાં રહેતા શ્રમિકના જણાવ્યા મુજબ કોકનું મરણ થવાથી તેઓ બીજે ગામ ગયા છે. ગામમાં ખાસ તેના પરિવારને કોઈ જાણતું નથી. “ ખાન સાહેબે ફુલ ટન ને સ્થાનિક પોલીસ ના આવે ત્યાં સુધી લાખના ત્યાંજ રોકાવા જણાવ્યું. સ્થાનિક પોલીસને લાખાના ઘરે એક કોન્સ્ટેબલ મોકલી તેનો પરિવાર આવે તો જાણ કરવા ખાન સાહેબે સુચના આપી. મેજીસ્ટ્રેટ સાહેબ પાસે લાખાના રિમાન્ડ માંગવા એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક તેમની ટીમ સાથે ક્રાઈમ બ્રાંચની ઓફિસેથી નીકળે છે.
પ્રકરણ ૧૦ પૂર્ણ
પ્રકરણ ૧૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો