કેબલ કટ
પ્રકરણ ૧
કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન ના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણવા મળશે.
***
અમદાવાદના નદી પાર વિસ્તારમાં ચેનલ બંધ થઇ જવાથી બુમાબુમ અને કુતુહુલતા નું વાતાવરણ છવાઈ ગયેલું છે. લોકો ભારત પાકિસ્તાન ની મોહાલી ખાતે રમાઈ રહેલ મેચ જોવા આતુર હોય છે પણ જ્યાં બપોરના અઢી વાગે ટીવી ચાલુ કરે છે ત્યાં જ ચેનલ બંધ ની જાણ થતાં લોકો નારાજ અને ગુસ્સામાં હોય છે. ગુસ્સાઈ લોકો ચેનલની ઓફીસ પર ઉપરા ઉપરી ફોન કરે છે. ચેનલની ઓફિસમાં બપોરથી સાંજ સુધી સતત ફોનની ઘંટડી રણકવાની ચાલુ જ છે પણ ફોન પર જવાબ આપનાર કોઈ જ નથી. લોકોના ટોળા ચેનલની ઓફિસ પર ધસી આવ્યા છે પણ ત્યાં પણ જવાબ આપનાર કોઈ હાજર ન હોવાથી લોકોના ટોળામાં આક્રોસ ઉભો થયો છે.
લોકોને જયારે થોડા સમય પછી ચેનલ બંધ હોવાનું કારણ ચેનલવાળા ના અંગત માણસો પાસેથી જાણવા મળે છે ત્યારે આક્રોશ ઘટે છે અને કુતુહુલતા વધે છે. ચેનલ બંધ હોવાનું કારણ એ હતું કે, ”ચેનલના માલિક બબલુ પાંડે સવારથી ગાયબ થઇ ગયા છે.” બબલુ પાંડે નો પરિવાર અને ચેનલનો સ્ટાફ, મિત્રો સવારથી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ બબલુ નો મોબાઈલ સતત બંધ જ આવે છે અને કોઈને પણ જાણ નથી કે તેઓ ક્યાં ગયા છે .
બબલુ ચેનલ ના વ્યવસાયમાં હોવાથી તેના ઘણા બધા મિત્રો, ઓળખીતા અને ઘણાં દુશ્મનો પણ હતાં. બબલુ ચેનલના વ્યવસાય ની સાથે વ્યાજે પૈસા ધિરાણ આપવાનો તેમજ વ્હીકલ લોન, હોમ લોન, ક્રેડીટ કાર્ડના બાકી હપ્તાની વસુલી, ઉઘરાણીનો વ્યવસાય પણ કરતો. બબલુ ના ચેનલના ધંધામાં હરીફાઈ વધુ હોવાથી તેના અપહરણ થયા હોવાની સંભાવના વધુ હતી તો સાથે સાથે ઉઘરાણી ના ધંધા ને લીધે પણ દુશ્મનો વધુ હોવાથી પણ અપહરણની સંભાવના હતી. ચેનલ બંધ હોવા છતાં લોકોના ટોળા મારફતે સમગ્ર શહેરમાં બબલુ શેઠનું અપહરણ થયાના સમાચાર વીજળી વેગે પ્રસરી ગયા હતા અને શહેરભરમાં બબલુ શેઠ ને લઈને અવનવી અફવાઓનું બજાર પણ જોરમાં હતું. ક્રિકેટ મેચના રસિકો અન્ય વિસ્તારમાં મેચ ટીવી પર જોવા પહોંચી જાય છે પણ ત્યાં ક્રિકેટ મેચ જોતા જોતા વાતો તો બબલુ શેઠની જ થતી જોવા મળતી. આખા શહેરમાં પાનના ગલ્લે, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, રેસ્ટોરન્ટ, મોબાઈલની દુકાને લોકોના મોઢે ચર્ચા બબલુ શેઠ ની જ હતી. શહેરભરના લોકો અને મીડિયાની નજરો પણ બબલુના કેશ પર મંડાયેલી હોવાથી આ એક હોટ ટોપીક પણ હતો.
બબલુનો ૨૪ કલાક બાદ પણ ક્યાંય અને કોઈપણ રીતે સમ્પર્ક ના થતાં તેના મિત્રો અને પરિવારે આખરે નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાનું નક્કી કર્યું. આખરે બબલુ ના પત્ની સુજાતાએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ બબલુ પાંડે ની અપહરણ થયા હોવાની શંકાના આધારે ફરિયાદ લખાવી. પોલીસે પણ ૨૪ કલાક બાદ બબલુ નો સમ્પર્ક ના થતાં બબલુ ની પત્નીની ફરિયાદના આધારે શહેરભરમાં રેલ્વે સ્ટેશન, બસ ડેપો, એરપોર્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી. બબલુને કેટલાંક પોલીસના અધિકારીઓ સાથે પણ અંગત સંબધો હતાં. ચેનલના વ્યવસાયમાં કેબલ કપાવા, કેબલ ચોરી, પેમેન્ટ ન આપવા જેવી ફરિયાદો માટે બબલુ પોલીસ સ્ટેશનમાં આવતો જતો હતો. પોલીસને પણ કોઈ બબલુ ના ગુમ થયા કે અપહરણ અંગેનું કોઈ સુરાગ, બાતમી કે જાણકારી ન મળતાં આખરે પોલીસ કમિશનરે બબલુ નો કેસ હાઈ પ્રોફાઈલ હોવાથી આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તાત્કાલિક સોપવામાં આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ની ઓફિસે તાબડતોડ એક મીટીંગ કરવામાં આવી અને મીટીંગ ના અંતે બબલુના હાઈ પ્રોફાઈલ કેશની તપાસ માટે એક સ્પેશીયલ સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ ખાન ની ફાળવણી કરવામાં આવી .
બબલુના હાઈ પ્રોફાઈલ કેશની તપાસ માટે સ્પેશીયલ સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ ખાન ને બે કોન્સ્ટેબલ, એક જીપ્સી અને એક ડ્રાયવર ની ફાળવણી પણ તાત્કાલિક કરવામાં આવી. સીનીયર પોલીસ ઇન્સ્પેકટર એમ એમ ખાનની ગુનેગારોની દુનિયામાં ગજબની ધાક હતી અને પોલીસ કમિશ્નરને પણ તેમના પર અતુટ વિશ્વાસ પણ હતો. એમ એમ ખાન ને તેમના સાથી પોલીસ મિત્રો મજાકમાં એમ એમ ખાન એટલે માસ્ટર માઈન્ડ ખાન પણ કહેતા અને તે ઘણા અંશે સત્ય પણ હતું. એમ એમ ખાને શહેરના ઘણા બધા મોટા કેસ અને ગુનેગારોને સજા અપાવવામાં મહત્વનો રોલ હતો. અપહરણ, ખુન જેવા કેસ એમ એમ ખાન માટે ફેવરીટ કેસ હતાં. એમ એમ ખાન આવા કેસોમાં ઉંડા ઉતરીને ગુંચવણો ઉકેલવામાં માહિર હતાં. એમ એમ ખાન ના પોતાના અંગત ખબરી અને સોર્સીસ આખા શહરેમાં ફેલાયેલા અને ખાનગી રાહે ધ્યાન રાખતાં હતાં.
એમ એમ ખાન ના ખાસમખાસ ખબરી ના નામ પણ જોરદાર હતાં. એકનું નામ હતું હાફ ટન અને બીજાનું નામ હતું ફુલ ટન. ખબરી ના નામ પણ તેમની અંદર રહેલા ગુણો અને આવડત ના આધારે જે એમ એમ ખાને રાખ્યાં હતાં. હાફ ટન શરીરે ઠીગણો, દુબળો અને માત્ર નજીકનું જ વિચારનારો હતો, જયારે ફુલ ટન શરીરે ઉંચો, મજબુત અને દુરનું વિચારનારો હતો. હાફ ટન અને ફુલ ટન સાથે મળીને એમ એમ ખાનને મહત્વ પુર્ણ માહિતીઓ ઝડપથી પહોંચાડતા અને ખાનગી રાહે મદદ કરતાં હતાં. એમ એમ ખાનને બબલુ નો કેસ મળતાં જ તેમણે પણ તાત્કાલિક બંને ખબરી હાફ ટન અને ફુલ ટન ને પણ કેસમાં મદદ કરવા ફોન કરી બોલાવી લીધા. એમ એમ ખાને ફુલ ટન અને હાફ ટન ને બબલુ ના મિત્રો, દુશ્મનો, પરિવારની વિગતો તાત્કાલિક ભેગી કરવા કહ્યું. ખાને તેમના બે કોન્સ્ટેબલને પણ કેસની સંલગ્ન માહિતી એકઠી કરવા ઓર્ડર કર્યો. બીજા દિવસે બેય ખબરી પોતપોતાને મળેલી જાણકારીઓ નું લીસ્ટ લઈને એમ એમ ખાનને મળે છે ત્યારે ખાન લીસ્ટ વાંચતા વાંચતા હસતાં બોલી ઉઠે છે, “ અત્યાર સુધી આટલા બધા કેસ સોલ્વ કર્યા પણ આવો કેસ પહેલી જ વાર હાથમાં આવ્યો છે, જેમાં માત્ર ને માત્ર દુશ્મનો જ છે.” એમ એમ ખાને બબલુ ના વ્યવહાર, બબલુ પર થયેલા કેસ, બબલુ એ કરેલા કેસ ની સઘળી માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ મોકલી મંગાવી લીધી અને તેનો અભ્યાસ ચાલુ કરી દીધો.
બબલુ ના ગુમ થયાં ના ૪૮ કલાક થયાં હોવાં છતાં પણ હજુ સુધી કોઈ અપહરણકાર નો ફોન કે કોઈએ બબલુ ને જોયો હોય તેનો ફોન આવ્યો ન હતો. બબલુ અંગેની કોઈપણ માહિતી પોલીસ ને મળી ન હતી. એમ એમ ખાને તેમના કોન્સ્ટેબલોને રાજ્યની તમામ ચેક પોસ્ટ, ટોલ પ્લાઝા, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર બબલુના પોસ્ટર મોકલી આપ્યા હતાં તેની માહિતી એકઠી કરવા મોકલ્યા અને તાત્કાલિક જાણ કરવા કહ્યું હતું. આ બધી જગ્યાઓ પરથી નાકાબંધી સમયે કોઈએ પણ બબલુ ને જોયો હોવાનો કે બબલુ અંગેની માહિતી મળી ન હતી. એમ એમ ખાને બબલુ પોતાની લકઝરી કાર સાથે ગાયબ હોવાને કારણે કારના નંબર પણ દરેક જગ્યાએ મોકલી આપ્યાં હતાં. ખાને બબલુ ની લકઝરી કાર ની માહિતી મેળવવા માટે નજીકના અને હાઇવેના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફુટેજ ચેક કરવા કોન્સ્ટેબલને મોકલ્યા હતાં પણ ત્યાંથી કોઈપણ મહત્વની જાણકારી મળી શકી ન હતી .
પ્રકરણ ૧ પુર્ણ
વધુ માટે પ્રકરણ ૨ ની થોડીક રાહ જુઓ..