પ્રકરણ - ૭
હાફ ટન અને ફુલ ટન અંધારામાં લાખાને રોકવા માટે બુમો પાડે છે અને પાછળ દોટ મુકે છે પણ લાખો ઉભો રહેતો નથી. થોડા આગળ જતાં લાખો કારની લાઈટમાં અંજાઈ જાય છે અને કાર સાથે તેનો એકસીડન્ટ થઇ જાય છે. એકસીડન્ટ થવાની સાથે જ લાખા ને સામાન્ય ઈજા થાય છે પણ ગભરાઈને બેભાન થઇ જાય છે. હાફ ટન તરત જ એમ્બ્યુલન્સ ને કોલ કરી મદદ માટે બોલાવે છે. હાફ ટન એમ્બુલન્સ ને ફોન પર લોકેશન સમજાવવામાં વ્યસ્ત હોય છે અને ફુલ ટન ખાન સાહેબ ને ખબર પડશે તો તે બંન્નેની શું હાલત થશે તે વિચારતો હતો એવામાં જ ખાન સાહેબ નો ફોન ફુલ ટન ના ફોન પર આવે છે. ખાન સાહેબ નો ફોન અડધી રિંગે જ ઉપાડી તરત ફુલ ટન બોલી ઉઠે છે, ” ખાન સાહેબ આપ જલ્દી આવી જાવ, લાખો આપણી ફોન પર વાત પતી તરત જ અમારાથી ભાગી દોડી રહ્યો હતો અને તેનો કાર સાથે એકસીડન્ટ થઇ ગયો છે.” “ ફુલ ટન શાંતિ રાખ અને મને લોકેશન બતાવ હું રસ્તામાં જ છું અને ત્યાં તરત જ પહોંચું છું “ ખાન સાહેબે ફુલ ટન ને ફોન પર ધીમા સ્વરે વાત કરી.
ખાન સાહેબ ને ફુલ ટને જે લોકેશન કહી તે તેમની નજીક જ હતી એટલે તે તરત જ પહોંચી જાય છે અને પરિસ્થિતિ પોતાના હાથમાં લઇ હાજર ભેગા થયેલ લોકોને હટાવે છે અને એમ્બ્યુલન્સ આવતાં જ લાખાને હોસ્પિટલ રવાના કરે છે. ખાન સાહેબે સ્થાનિક પોલીસ ને પણ એક્સિડન્ટ સ્થળ પર બોલાવી લઇ કાર માલિકની નોંધ લઇ તેને રવાના કરવા સુચના આપે છે. ખાન સાહેબે સ્થાનિક પોલીસની એક ટીમ ને હોસ્પિટલ રવાના કરે છે અને લાખા પર કડક નજર રાખવા તથા તેનો યોગ્ય ઈલાજ થાય તેનું ધ્યાન રાખવા સુચના આપે છે. ખાન સાહેબ ફુલ ટન ને ફોન કરી એક્સિડન્ટ સ્થળ પર આવવા અને હાફ ટન ને લાખા પાસે જ રહેવા જણાવે છે અને હાફ ટન લાખો ભાનમાં આવતાં જ મને જાણ કરે તેવી વાત કરી.
ફુલ ટન એક્સિડન્ટ સ્થળ પર આવતાં જ ખાન સાહેબે તેમની અને લાખની વચ્ચે શું વાત થઇ અને બીજું શું થયું તેની માહિતી મેળવી. સ્થાનિક પોલીસ ને ખાન સાહેબ સુચના આપે છે કે લાખો બબલુ ની ઘટના નો બાતમીદાર બની શકે તેમ છે એટલે તેની પર માત્ર નજર રાખવાની છે અને તેની કાયદેસરની ધરપકડ નથી કરવાની. તેના એક્સિડન્ટની વાત ક્યાંય લીક ના થાય તેની કાળજી પણ રાખવી અને લાખના ગુમ થવાની તેના પરિવાર કે કોઈ ધ્વારા કમ્પ્લેઇન કરવા આવે તો મને જાણ કરજો. સ્થાનિક પોલીસ ને ફુલ ટન અને હાફ ટન નો પરિચય પોતના અંગત માણસ છે તેવો આપી તમને આ કેસમાં મદદ માટે સાથે રાખવા ની વાત પણ કરી એક્સિડન્ટ સ્થળ પરથી ક્રાઈમ બ્રાંચની ઓફીસ જવા નીકળે છે.
હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ અને પોલીસ ટીમ ની નજરો વચ્ચે લાખાનો ઈલાજ ચાલુ હોય છે. મોડી રાતે ડોક્ટરે લાખાને સામાન્ય ઈજા થઇ છે તથા સ્વસ્થ હોવાનું અને થોડીવારમાં જ ભાનમાં આવી જશે ની જાણ ત્યાં હાજર પોલીસ ટીમ ને કરે છે. ડોકટરની વાત સાંભળતા જ હાફ ટન ખાન સાહેબ ને ફોન કરે છે,” ખાન સાહેબ લાખો થોડી વારમાં ભાનમાં આવી જશે તમે અહી આવી જાવ અને લાખાની ધરપકડની આગળની કાર્યવાહી કરો.” હાફ ટન લાખાની માથાકુટમાંથી છુટવા માંગતો હતો પણ ફુલ ટન કે ખાન સાહેબ ને કહેતા અટવાતો હતો. ખાન સાહેબ પણ તરત જ હોસ્પિટલ જવા રવાના થઇ જાય છે. ખાન સાહેબ હોસ્પિટલ પહોંચતા લાખાના મેડીકલ રીપોર્ટ મેળવી લાખો ભાનમાં આવતાં ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઇ જવાની સુચના આપે છે.
લાખો ભાનમાં આવતાં જ સામે ડોક્ટર, ફુલ ટન અને હાફ ટન ને જોઈ સ્વસ્થ બને ત્યાં જ બીજી તરફ પોલીસ જોઈ પાછો ગભરાઈ જઈ બેભાન થવાની એક્ટિંગ કરે છે. લાખાની એક્ટિંગ જોઈ તરત જ ખાન સાહેબ બોલી ઉઠે છે, “ લાખા એક્ટિંગ બંધ કર તને સામાન્ય ઈજા જ થઇ છે અને તારી વધુ સારી સાળ સંભાળ માટે તને સ્પેશ્યલ જગ્યાએ લઇ જઈએ છીએ.” પોલીસ ટીમ ખાનગી રાહે લાખાને લઇ ક્રાઈમ બ્રાંચ રવાના થાય છે અને હાફ ટન હોસ્પિટલમાંથી લાખાના રીપોર્ટ મેળવી ડોક્ટરને આ ઘટના ખાનગી રાખવા સમજાવી સહયોગ આપવા જણાવે છે. લાખો પોતાની જાત ને પોલીસ ટીમની સાથે એમ્બ્યુલન્સની જગ્યાએ પોલીસ વાનમાં જોઈ ચિંતામાં ગરકાવ થઇ વિચારે ચડી જાય છે અને પોતાની સાથે શું થઇ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરે છે. ખાન સાહેબ ફુલ ટન અને હાફ ટન ને પણ લાખની સાથે જ ક્રાઈમ બ્રાંચની ઓફિસે રહેવા સુચના આપે છે.
લાખો પોલીસ વાનમાં સુતા સુતા મનોમન વિચારી રહ્યો હતો કે આ લોકો મને ક્યા ગુના હેઠળ ધરપકડ કરી ને ક્રાઈમ બ્રાંચ લઇ જાય છે. લાખો ધીમે ધીમે સ્વસ્થ થઇ સીટ પર બેઠો અને બારી બહારથી શહેરને અને ટ્રાફિકને જોઈ રહ્યો. લાખાને ઉભો થયેલ જોઈ હાફ ટન પણ તેની પાસે આયો ને થોડું હસ્યો અને બોલ્યો, “ લાખા આપણે ક્રાઈમ બ્રાંચ ની ઓફિસે જઈએ છીએ અને તારી ત્યાં સારી એવી ખાતીરદારી થશે.” લાખાએ હાથ જોડી હાફ ટન ને વિનંતી કરી પ્રશ્નો પુછે છે, “ યાર મને શા માટે ક્રાઈમ બ્રાંચ લઇ જવાય છે અને મેં કયો ગુનો કર્યો છે ? મને કેમ ફસાવવામાં આવે છે ? મારી આવી રીતે ધરપકડ કેમ કરવામાં આવી રહી છે ? મારા પરિવાર ને મારી ધરપકડ ની જાણ કરી કે નહીં ?”
ફુલ ટને લાખાને કહ્યું,” હું તને તારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. લાખા તારી પાસેથી પોલીસ ને કેટલીક માહિતી જાણવી છે એટલે તને ક્રાઈમ બ્રાંચ લઇ જવાય છે. તે કેટલા અને ક્યા ગુના કર્યા એ તને ખબર જ છે. તને ફસાવવામાં નથી આયો પણ તું જાતે જ ફસાઈ રહ્યો છું. લાખા આ તારી ધરપકડ નથી પણ તને ઉપલક રાખવામાં આવશે અને ઉપલક રાખવામાં આવશે એટલે તારા પરિવારને પણ જાણ કરવામાં નહી આવે. તું ચોરીની દુનિયામાં છું એટલે તો પોલીસ ની સિસ્ટમ જાણતો જ હોઈશ કે ઉપલક ગુનેગારો જોડે કેવા વર્તન થતાં હોય છે. તારા પરિવારે હજુ સુધી તારા ગુમ થવાની સ્થાનિક પોલીસમાં કોઈ એફ આઈ આર કે જાણ પણ નથી કરી.” હાફ ટન ની વાતો સાંભળતા સાંભળતા લાખાના ચહેરાની રેખાઓ બદલાતી હતી અને આ રેખાઓ જોઇને હાફ ટન ના મનમાં થોડી ખુશી પ્રસરી ગઈ હતી. હાફ ટન મનોમન વિચારી રહ્યો હતો કે તેની વાતોથી અને ક્રાઈમ બ્રાંચ લઇ જવાની વાતથી લાખો ડરી ગયો છે અને હવે તેનું જાણકારી કાઢવાનું કામ સરળ બનશે.
હાફ ટન અને લાખાની વાત ચાલતી હતી તેવામાં જ પોલીસ વાન ઉભી રહે છે અને બારી બહાર ક્રાઈમ બ્રાંચનો દરવાજો જોઈ લાખાના આંખોના ડોળા ચકરવકર થઇ ગયા.લાખો ગળગળો થઇ હાફ ટનના પગમાં પડી જાય છે અને પોતાને બચાવવા આજીજી કરે છે અને તેને ઘડીભર માટે ડુમો ભરાઈ આયો. ક્રાઈમ બ્રાંચના દરવાજાની બહાર ફુલ ટન પણ હાજર હતો. ફુલ ટન ને જોઈ તેને ઘડીક માટે આશા ઉભરી આવી અને મદદ માટે હાથ બારીની બહાર લંબાવે છે. ફુલ ટન પોલીસ વાન નજીક જઈ બારીમાંથી લાખાના હાથને પકડી આપણે અંદર મળીએ છીએ એમ કહી સાંત્વના આપે છે.
લાખાને બે પોલીસ કોન્સ્ટેબલ હાથ પકડી જાપ્તામાં હોય તે રીતે અંદર લઇ જાય છે. લાખો ક્રાઈમ બ્રાંચની ઓફિસને ચારે બાજુ જોઈ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે છે. ઓફીસ અંદર પહોચતા રિમાન્ડ ચાલવાના કારણે ગુનેગારોની બુમો તેના કાને અથડાઈ રહી હતી અને તેની નજર સામે પોલીસ જાપ્તામાં લાવેલા કેદીઓની હાલત પણ જોઈ તેને મનમાં ડર વ્યાપી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ લાખાને હાફ ટન અને ફુલ ટન પાસે એક મોટા રૂમના બાંકડે બેસાડી થોડે દુર ઉભા રહે છે. લાખો રૂમમાં ચાલતી ગુનેગારોની ઓળખ તપાસ, આરોપીઓના આંગળાની લેવાતી છાપ ની કાર્યવાહી, પાટી પર આરોપીના નામ તથા કેસ નંબર લખેલ ફોટા પાડતા, રાઈટર આરોપીઓનું સ્ટેટમેન્ટ નોંધતા, રીઢા ગુનેગારોના રિમાન્ડ લેવાતા તેની કાર્યવાહી જોઈ રહ્યો હતો અને મનોમન વધુ ને વધુ ગભરાતો હતો. હાફ ટન, ફુલ ટન તેની પાસે આવીને તેને ધીમે રહીને સમજાવે છે,” બબલુના કેસ અંગે તેની પાસે જેટલી માહિતી હોય તે આપી દે નહિતર તારા ગેરકાયદેસર રિમાન્ડ લેવાશે અને તારી હાલત ખરાબ થશે. “ ફુલ ટન લાખાને હાફ ટને કરેલ રેકોર્ડીંગ સંભળાવે છે અને તેમાં તેણે કરેલ ચોરીની તથા પોતે ચોર હોવાની વાત યાદ કરાવે છે અને બબલુ ની કારમાંથી તેણે કરેલ લોગો અને સાઉન્ડ ની વાત પણ યાદ કરાવે છે. ફુલ ટન લાખાને યાદ કરાવે છે કે તે બબલુની કારમાંથી લોગો અને સ્પીકરની ચોરી કરી ત્યારે બબલુની લાશ પણ કારમાં હતી તે તેણે પણ જોઈ જ હતી. કાર ત્યાં સુધી કેવી રીતે આવી તે પણ તને ખબર છે. ફુલ ટન લાખાને સમજાવે છે,જો તું બબલુના કેસમાં મદદ નહિ કરે તો પોલીસ તને બબલુના મર્ડરના કેસમાં ફસાવી તારી ધરપકડ કરશે અને તારા ગામ તને લઇ જઈ તારી સાચી ઓળખ ગામવાળાને પોલીસ કરાવશે. લાખો પણ તંગ પરિસ્થિતિ ના વશમાં આવીને માહિતી આપવા તૈયાર થાય છે. ફુલ ટન તરત જ ખાન સાહેબ ને ફોન કરી લાખો માહિતી આપવા તૈયાર છે ઓફીસ આવી જવા મેસેજ આપે છે. ક્રાઈમ બ્રાંચ ની ઓફિસે ફુલ ટન, હાફ ટન, પોલીસની ટીમ, રાઈટર, રિમાન્ડ એક્સપર્ટ, ફેસ રીડર એક્સપર્ટ, ડોક્ટર, અને લાખો ખાન સાહેબ ના આવવાની રાહ જોવે છે.
પ્રકરણ ૭ પુર્ણ
પ્રકરણ ૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...