આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૭
ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડા માથુ ખંજાવાળતા વિમલની સામે એકીટસે જોતા જ રહ્યા પણ તે કંઇ બોલ્યો જ નહીં પણ કંઇ વિચારતો હોય એવી મુદ્રામાં ઉભો રહ્યો.
ખાન સાહેબે થોડા અકળાઇને વિમલને કહ્યું, "આટલું બધુ શું વિચારે છે? "
વિમલે વિચાર મુદ્રામાંથી બહાર આવીને કહ્યું, "મને યાદ નથી આવતું પણ હું વધુ વિચારીશ તો યાદ આવી જશે. તમે મને સમય આપો તો .."
વિમલની વાત સાંભળી અને નાટકબાજી જોઇ ઇન્સપેક્ટર મેવાડાને ગુસ્સો આવી ગયો પણ ખાન સાહેબે ઇશારો કરી શાંત રહેવા કહ્યું.
ખાન સાહેબે વિમલના ખભે હાથ મુકીને કહ્યું, "જો દોસ્ત, તું જેટલી જલ્દી અમને મદદ કરીશ તેટલી જલ્દી તુ બચી જઇશ. એટલે દિમાગ પર જોર લગાવી સાચી ઇન્ફોર્મેશન આપજે, નહિંતર તારી વિરુધ્ધ મજબુત પુરાવા છે જ અમારી પાસે. તુ જ તારી જાતને બચાવી શકીશ."
ખાન સાહેબે વિમલ સાથે વાત પુરી કરી ઇશારો કર્યો એટલે ઇન્સપેક્ટર મેવાડા તેને ઓફિસમાંથી બહાર લઇ ગયા. ખાન સાહેબને વિમલ પાસેથી કંઇ ઇન્ફર્મેશન મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યુ એટલે તેઓ મનોમન ગુસ્સે હતાં.
ખાન સાહેબે ઘડીયાળમાં ટાઇમ જોઇને મનોમન વિચાર્યું કે દિવસ કયાં પુરો થઇ ગયોને સાંજ પડી ગઇ તે ખબર જ ના રહી.
ઇન્સપેક્ટર નાયક આવ્યા ત્યારે વિચાર મગ્ન ખાન સાહેબે આંખો ખોલી અને બોલ્યા, "બોલો ઇન્સપેક્ટર શું વાત છે? "
"સર, બબલુના કેસમાં શકમંદ કોર્પોરેટર ગુલાબદાસને પુછપરછ માટે બોલાવ્યા હતાં તે આવ્યા છે તો .."
"ઓકે. તો તેમની પુછપરછ કરી લઇએ પણ તેમની સાવચેતી પુર્વક પુછપરછ કરવી પડશે ,કેમકે તેઓ પાક્કા રાજકારણી છે અને તેઓ ગમે ત્યારે રાજકારણની ગેમ રમી શકે તેવા ખેલાડી છે."
"હા સાચી વાત સર. તેમણે બબલુને રાજકારણમાં પગપેસારો કરતા રોકવા ઘણા પ્રયત્ન કર્યા હતાં તેવી બાતમી મળી છે."
"તે બધી ઇન્ફરમેશન તેમના મોઢે જ જાણીએ પણ તેમની પુછપરછનું રેકોર્ડિગ કરવાની વ્યવસ્થા કરો અને ફેસ રીડર ચંપાવત સાથે ટીમની સામે પુછપરછ કરવાની ગોઠવણ કરો. વ્યવસ્થા થાય ત્યાં સુધી હું ગુલાબદાસ ને મળી લઉ છું."
ખાન સાહેબ તેમની ઓફિસમાંથી બહાર જઇ કોર્પોરેટ ગુલાબ દાસને મળ્યા અને તેમને અહીં બોલાવી તકલીફ આપી તેવી મસ્કા મારતી વાતો કરી.
ઇન્સપેક્ટર નાયકે પુછપરછની ગોઠવણ થઇ જતાં ખાન સાહેબને ઇશારામાં જાણ કરી એટલે કોર્પોરેટર ગુલાબ દાસને ખાન સાહેબ તેમની ઓફિસમાં લઇ ગયા.
ઇન્સપેક્ટર અર્જુને ખાન સાહેબ અને ગુલાબ દાસ ઓફિસમાં પ્રવેશતા પુછપરછની શરુઆત કરી. ઇન્સપેક્ટર અર્જુને ધીમા સ્વરે ગુલાબ દાસને તેમને બબલુ મર્ડર કેસમાં મળેલી ઇન્ફરમેશનના આધારે પુછપરછ માટે બોલાવ્યા છે તેવી વાત કરી અને પુછપરછમાં સહયોગ કરવા વિનંતી પણ કરી.
ગુલાબદાસે હાથ જોડી હળવા સ્મિત સાથે કહ્યું, "હું બનતી મદદ કરીશ અને દરેક પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરીશ. "
અર્જુને પુછપરછની શરુઆત કરતાં પુછ્યું, "આપના અને બબલુના સંબંધો કેવા હતાં? "
ગુલાબદાસે ગંભીર સ્વરે કહ્યું, "કંઇ ખાસ નહીં. દોસ્તી પણ નહીં અને દુશ્મની પણ નહીં."
"આપની છેલ્લી મુલાકાત બબલુ સાથે કયારે થઇ હતી? "
"મારી વન ટુ વન ખાનગીમાં બબલુ સાથે કયારેય મુલાકાત થઇ નહોતી. અમે મારા કાર્યકરો સાથે જાહેરમાં જ મળ્યા છીએ."
ઇન્સપેક્ટર નાયકે પુછ્યું, "આપની કોર્પોરેટરની ટીકીટ .."
ગુલાબદાસે પ્રશ્ન પુરો થતાં જ બોલવાનું શરુ કર્યું, "હા, બબલુ એ કોર્પોરેટરની ટીકીટ મેળવવા હાઇ કમાન્ડ જોડે મીટીંગ કરી રુપીયા ઓફર કર્યા હતાં. તે મારી ટીકીટ કાપી કોર્પોરેટર બનવાના સપના જોતો હતો. પણ હાઇ કમાન્ડને પાર્ટી કાર્યકરોએ ઉગ્ર રજુઆત કરતા તે ગુંડાને ટીકીટ મળી ન હતી."
ઇન્સપેક્ટર અર્જુને કહ્યું, "હા તે પછી તમારા બે વચ્ચે સંબંધો બગડ્યા હતાં તે વાત સાચી? "
"સંબંધો ખરાબ બબલુ તરફથી હશે પણ મેં કયારેય કોઇની સાથે સંબંધો ખરાબ નથી કર્યા. સાહેબ, રાજકારણમાં બધા સાથે દોસ્તી જ રાખવી પડે."
ઇન્સપેક્ટર નાયકે પુછ્યુ, "આપ તારીખ ૩૦ અને ૩૧ કયાં હતાં? "
"હું શહેરમાં જ હતો અને મારા વોર્ડમાં જ હતો. વધુ માહિતી મારા પી એ પાસેથી ડાયરીમાં જોઇને કહી શકું. "
"અાપને બબલુના મર્ડરની ખબર કેવી રીતે પડી? "
"મને મારા વોર્ડમાંથી કાર્યકર પાસેથી મળી, હું તે દિવસે વોર્ડમાં ચાલી રહેલી કામગીરી જોવા ફરી રહ્યો હતો ત્યારે જ તેના ગુમ થવાના ન્યુઝ મળ્યા હતાં. "
ખાન સાહેબે અને ફેસ રીડર ચંપાવતે ગુલાબ દાસના ચહેરાના ભાવ અને તેમના એટીટયુડની બરાબર નોંધ લીધી હતી. પુછપરછના પ્રશ્નો પુરા થતાં ખાન સાહેબે અન્ય શકમંદોની જેમ ગુલાબ દાસ સામે કોઇપણ શરત મુકી નહોતી અને ટીમ વતી ગુલાબદાસનો આભાર માન્યો.
ગુલાબદાસે ઓફિસની બહાર જતાં ઉભી રહીને કહ્યું, "સાહેબ, બબલુએ તેની જીંદગીમાં માત્ર ગુંડાગીરી, દાદાગીરી અને લોકો જોડે દુશ્મની જ કરી છે. તેની સાથે જે કંઇપણ થયું તે દુખદ છે પણ તેણે જ તેની જીંદગી જોડે ગેમ રમી છે."
"હા સાચી વાત આપની." ખાન સાહેબે કહ્યું.
ગુસાબ દાસે તેમના પીએ પાસેથી તેમની અંગત ડાયરી લઇ ઇન્સપેક્ટર નાયકને આપતા બોલ્યા, "લો સાહેબ, આમાં મારી જે તે દિવસની બધી ઇન્ફરમેશન હશે અને વધુ ઇન્ફરમેશન મારા વોર્ડમાંથી મળી જશે."
ઇન્સપેક્ટર નાયકે ખાન સાહેબની સામે જોઇને ઇશારામાં પરમીશન લઇ ડાયરી હાથમાં લીધી અને કહ્યું, "કાલે આપના ત્યાં મોકલી આપીશું. "
"હા વાંધો નહીં પણ મારી જીંદગી ઓપન છે તેમાં કંઇ ખાનગી નથી પણ સાહેબ તમને બબલુના દોસ્તો અને દુશ્મનો વચ્ચેથી ગુનેગારને શોધવામાં તકલીફ તો પડવાની. " ગુલાબ દાસે વ્યંગભર્યા સ્વરે હાથ જોડીને કહ્યું.
ગુલાબદાસની છેલ્લી વાતથી ખાન સાહેબ અને ટીમને વિચાર કરતાં કરી દીધાં.
ખાન સાહેબે મીટીંગ પતાવતા ઇન્સપેક્ટર અર્જુનને કહ્યું, "મને કાલે સવારે આજની ગુલાબદાસની પુછપરછનું રેકોર્ડિંગ, ફેસ રીડીંગ રિપોર્ટ, કોલ ડીટેલ અને સ્ટેટમેન્ટ આપજો."
ખાન સાહેબ ગુડનાઇટ કહીને ગુલાબદાસની ડાયરી લઇ ઘરે જવા નીકળ્યા. ઓફિસ બહાર આવીને તેમણે ગફુરને ઘરે સાથે ડીનર કરવા અને કેસની ચર્ચા કરવા બોલાવવા ફોન કર્યો. તેમણે ફુલટનને પણ ફોન કર્યો અને તેમના ઘરે ડીનર માટે હોટલમાંથી પાર્સલ લઇ આવવા કહ્યું.
ઘરે જઇ ખાન સાહેબે ગફુર, હાફટન, ફુલટન સાથે મળીને ડીનર લીધુ. ડીનર પતાવી ગફુર સાથે તેમણે કેસની ચર્ચા કરી અને ગુલાબદાસે કહેલી છેલ્લી વાત પણ કહી.
ખાન સાહેબની વાત સાંભળી ગફુરે કહ્યું, "સાહેબ, ગુલાબદાસ બહુ ખેલાડી માણસ છે એટલે તેની તપાસ સાવચેતીથી કરવી જોઇએ. "
"હા ગફુર, મને પણ એવું જ લાગ્યુ એટલે અમે પ્રાથમિક પુછપરછ કરી તેમને જવા દીધાં. પણ .."
"પણ શું સાહેબ? "
"મારે તેની થોડી તપાસ કરવી છે, પણ ખાતાકીય તપાસ નથી કરવી."
ખાન સાહેબે તેમની વાત અટકાવી એક કોલ કર્યો અને કહ્યું, "હેલ્લો, આપ હાલ મારા ઘરે આવી શકશો? હું ગફુરને મોકલું છુ તમને લેવા."
"હા સર." હીરાલાલે તરત વળતો જવાબ આપ્યો
ખાન સાહેબે ગફુરને હીરાલાલને લઇ આવવા તેમના ઘરે મોકલ્યો. ખાનસાહેબે ગુલાબદાસની ડાયરીના કેટલાંક પાના વાંચ્યા ત્યાં તો ગફુર થોડી જ મીનીટોમાં હીરાલાલને લઇ આવ્યો અને ફરી ચર્ચા શરુ થઇ. ખાન સાહેબે હીરાલાલ અને ગફુરને કોર્પોરેટર ગુલાબદાસની પુછપરછમાં થયેલી વાત શોર્ટમાં કહી.
ખાન સાહેબે હીરાલાલના હાથમાં ગુલાબદાસની ડાયરી આપતા કહ્યું, "તમે આ ડાયરીને બરોબર વાંચીને તારીખ ૩૦ અને ૩૧ ગુલાબદાસ કયાં હતાં તેની તપાસ કરી મને રીપોર્ટ કરો."
"હા સર."
"અને જુઓ હીરાલાલ, આ તપાસ તમારે અને ગફુરે સાથે રહીને ખાનગી રીતે કરવાની છે. ખાતાકીય તપાસ કરીને હું ગુલાબદાસને કોઇ મોકો આપવા માંગતો નથી. તે રાજકારણનો મોટો ખેલાડી છે અને મને તેની વાતો પરથી થોડો શક છે, જે તપાસ કરવાથી જ દુર થશે."
મોડી રાતે હીરાલાલ અને ગફુર ખાન સાહેબને ગુડ નાઇટ કહી ઘરે જવા નીકળ્યા અને કાલે સવારે મળીને તપાસ કરવાની વાત કરી.
*****
બીજા દિવસે વહેલી સવારે ખાન સાહેબના મોબાઇલમાં ફોરેન્સિક એક્ષપર્ટનો તાત્કાલિક મળવાનો મેસેજ આવે છે.
મેસેજ વાંચી ખાન સાહેબ વહેલી સવારે ફટાફટ તૈયાર થઇ ક્રાઇમ બ્રાંચ પહોંચી જાય છે અને ફોરેન્સિક એક્ષપર્ટને બબલુના કેસ ની રીપોર્ટ ફાઇલ લઇને ચર્ચા માટે બોલાવે છે.
ફોરેન્સિક એક્ષપર્ટ સાથે સવારની ગરમાગરમ ચા પીતા પીતા બંને વચ્ચે ચર્ચા શરુ થાય છે અને ખાન સાહેબ પુછે છે, "તપાસમાં શું ઇન્ફરમેશન મળી છે? "
"સર, બબલુની કાર, સીટ કવર અને તેના કપડા પરથી વાળ મળ્યા હતાં. તેમાં ત્રણ સ્ત્રીના વાળ હોઇ શકે તેવું અનુમાન છે. "
"સ્ત્રીના જ વાળ છે એ કેવી રીતે કહી શકાય? "
"વાળની લંબાઈ પરથી અને ત્રણેના ડીએનએ રીપોર્ટ અલગ છે એટલે ત્રણ સ્ત્રી હોઇ શકે. "
"ઓકે, એટલે બબલુના મર્ડરમાં સ્ત્રી તો હશે જ એમ માની શકાય."
"ના સર, તેમાંથી એક વાળ તેની પત્નીના હોઇ શકે અને બાકીના વાળ અન્ય સ્ત્રીના હોઇ શકે. પણ તે વાળ મર્ડરના અગાઉના દિવસના પણ હોઇ શકે. "
"હા એ વાત પણ સાચી અને આમે બબલુંનું કેરેકટર તો રંગીન જ હતું એટલે. તો હવે આગળ શું કરી શકાય." ગરમાગરમ ચાનો ઘુંટડો ભરતા ખાન સાહેબે પુછ્યું.
"સર, આપણે બબલુની પત્નીના વાળનું સેમ્પલ મંગાવી ડીએનએ રીપોર્ટ મેળવવો પડશે. એટલે ખબર પડે કે શું ત્રણમાંથી એક વાળ તેની પત્નીનો છે કે નહીં."
"હા. તમને બબલુના પત્નીના વાળનું સેમ્પલ મળી જશે."
ખાન સાહેબે ચા પુરી કરી તરત સુજાતાને ફોન કર્યો અને વાળના સેમ્પલ માટે વાત કરી અને સુજાતાએ હા પણ પાડી. ખાન સાહેબે સેમ્પલ માટે ફોરેન્સિક એક્ષપર્ટને સુજાતાના ઘરે કોઇને મોકલવા કહ્યુ અને તેનો રીપોર્ટ મળે જાણ કરવા કહ્યું.
******
ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને ગુલાબ દાસનો રીપોર્ટ લઇ ચર્ચા માટે બોલાવ્યા. અર્જુને રીપોર્ટની ફાઇલ આપતાં કહ્યુ, "સર, ફેસ રીડર ચંપાવતની રીપોર્ટ મુજબ ગુલાબદાસના ચહેરા પર જવાબ આપતી વખતે કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યા નથી. તેની પુછપરછનું રેકોર્ડીંગ આ પેન ડ્રાઇવમાં સેવ કરી લીધું છે. તેની પુછપરછની બધી વિગત આ ફાઇલમાં છે."
"ઇન્સપેક્ટર, તમને શું લાગે છે ગુલાબ દાસ આ મર્ડરમાં સામેલ હોઇ શકે? "
"સર, મારો અને ટીમના મત મુજબ ગુલાબ દાસ સીધી રીતે નહીં પણ અન્ય કોઇ રીતે બબલુના મર્ડરમાં સામેલ હોઇ શકે. "
"અને કોલ ડીટેલનું શું થયું. "
"તેનું સર્ચીંગ ચાલુ છે, થોડીકવારમાં જ ડીટેલ મળી જશે. પણ સર, આપની પાસે જે ગુલાબ દાસની ડાયરી છે તે આપો તો આગળની તપાસ કરી લઇએ. "
"એ તપાસ ખાતાકીય નથી કરવા જેવી એટલે મેં તેની તપાસ મારી રીતે શરુ કરાવી દીધી છે. " ખાન સાહેબે ધીમા સ્વરે કહ્યું
તે બંનેની વાત ચાલતી હતી તેમાં મોબાઇલ એક્ષપર્ટ ગુલાબ દાસની કોલ ડીટેલનો રીપોર્ટ લઇ આવ્યા અને કહ્યું, "સર, બબલુ અને ગુલાબ દાસ વચ્ચે તેમના નંબરો પરથી વાત થઇ નથી પણ આ બે નંબર પર ગુલાબદાસે વાત કરી છે તે.."
"તે કોના નંબર છે? "ખાન સાહેબે ઉતાવળા સ્વરે પુછ્યું.
"તેમાંનો એક નંબર પિંટોનો છે અને બીજો સુજાતાનો નંબર છે. "
"સુજાતાનો નંબર. "
"કયારે અને કોણે કોલ કર્યો હતો? "
"ગુલાબ દાસે તારીખ ૩૦ ના રોજ પિંટો અને સુજાતાને કોલ કર્યો હતો. પછી તારીખ ૩૧ ના રોજ ગુલાબ દાસે સુજાતાને કોલ કર્યો હતો. તે પછી ગુલાબ દાસે તારીખ ૨ ના રોજ પિંટો સાથે લાંબી વાત કરી હતી."
"સુજાતા સાથે બે વખત ગુલાબ દાસે વાત કરી એમ વાત છે. શું વાત થઇ હશે? " ખાન સાહેબ મુંઝવાતા સ્વરે બોલ્યા.
ખાન સાહેબે તરત સુજાતાને કોલ કર્યો અને ઉગ્ર સ્વરે કહ્યું, "આપ પોલીસને પુરતી માહિતી કેમ આપતાં નથી. આપ ઘણું બધું જાણવા છતાં છુપાવો છો પણ યાદ રાખજો અમારી તપાસમાં કંઇ છુપાયેલું રહેશે નહીં."
"મેં શું છુપાયું છે, મેં તમારા દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે સર."
"આપ તાત્કાલિક ક્રાઇમ બ્રાંચ આવો અમને તમારી પાસેથી કેટલીક ઇન્ફરમેશન જોઇએ છે. "
ખાન સાહેબે ફોરેન્સિક એક્ષપર્ટને જાણ કરી કે સુજાતા અહીં જ આવે છે એટલે સેમ્પલ લેવા કોઇને મોકલશો નહીં. ખાન સાહેબ સુજાતાના આવવાની રાહ જોતા હતાં. તેમણે હીરાલાલને કોલ કરી તપાસ વિશેની જાણકારી મેળવી.
પિંટો અને સુજાતા ક્રાઇમ બ્રાંચ આવી પહોંચતા ખાન સાહેબે ગુલાબ દાસના કોલ અંગે સુજાતાની પુછપરછ શરુ કરી અને ઇન્સપેક્ટર મેવાડાએ પિંટોની .
ખાન સાહેબે ફેસ રીડર ચંપાવતને સાથે રાખીને સુજાતાની આંખોમાં આંખ પરોવીને પુછ્યું, "કોર્પોરેટર ગુલાબ દાસને ઓળખો છો? "
"હા."
"બબલુને તેમની સાથે કેવા સંબંધો હતાં? "
"બહુ સારા નહિં, બબલુ તેમની સીટ પરથી ચુંટણી લડવા માંગતો હતો."
"પછી શું થયું? "
"મને નથી ખબર."
"અને તમારા ગુલાબ દાસ સાથે કેવા સંબંધો છે? "
આ પ્રશ્ન સાંભળી સુજાતા ડઘાઇ ગઇ અને તેણે આંખો નીચી કરી લીધી. ફેસ રીડર ચંપાવતે તેના ચહેરાના બદલાતા હાવભાવની નોંધ કરી અને ખાન સાહેબને તેની જાણ ઇશારામાં કરી.
ખાન સાહેબે ધારદાર નજરે સુજાતાની સામે જોતાં કહ્યું, "તમે કંઇપણ છુપાવવાના પ્રયત્ન ના કરતા. અમારી પાસે બધી ઇન્ફરમેશન છે. પણ અમે તમારી પાસેથી હકીકત જાણવા માંગીએ છીએ."
સુજાતા કંઇપણ બોલ્યા વગર નજર નીચી કરીને સુનમુન બેસી રહી.
ખાન સાહેબે ઉગ્ર સ્વરે કહ્યું, "તમારા ગુલાબ દાસ સાથે કેવા સંબંધો છે? "
બોલતા-બોલતા સુજાતાનું ગળું રૂંધાઈ ગયું અને તેણે ધ્રૂજતા અવાજે કહ્યું, "કહુ છુ સર, તમને બધી વાત કરુ છું."
****
ઇન્સપેક્ટર મેવાડાએ પિંટોને પુછ્યુ, "ગુલાબ દાસને ઓળખો છો? "
"હા. આપણા કોર્પોરેટર છે ગુલાબ દાસ."
"તેમની સાથે બબલુને કેવા સંબંધો હતાં? "
"કંઇ ખાસ નહીં. બબલુ શેઠ તેમની સીટ પરથી ચુંટણી લડવાના હતાં પણ પછી છેલ્લી ઘડીએ બબલુ શેઠને ટીકીટ ના મળી."
"તેમની પર તમને શક છે? "
"હા, મેં અગાઉ પણ જે નામ આપ્યા તેમાં તેમનું નામ હતું જ."
"તારે તેમની સાથે કેવા સંબંધ હતાં અને તારી છેલ્લે કયારે તેમની સાથે વાત થઇ? "
આ પ્રશ્ન સાંભળી હતપ્રભ બનીને પિંટો ઇન્સપેક્ટર મેવાડા સામે જોતો રહી ગયો. તે જવાબ આપવા માટે શબ્દો મગજમાં ગોઠવી રહ્યો હતો પણ તેને કંઇ સુઝતું ન હતું.
ગુંચવાયેલા પિંટોને ઇન્સપેક્ટર મેવાડાએ કડક સ્વરે ફરી પુછ્યુ, તારે તેમની સાથે કેવા સંબંધ હતાં અને તારી છેલ્લે કયારે તેમની સાથે વાત થઇ? "
પિંટોએ કપાળ પરનો પરસેવો લુછ્યો અને કહ્યું, "હું તમને બઘુ કહુ પણ મને .."
પ્રકરણ ૨૭ પુર્ણ
પ્રકરણ ૨૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.