Cable Cut - 17 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૧૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૭

ઇન્સ્પેકટર મેવાડા સુજાતાને કેબીનમાં બોલાવી પુછપરછ શરુ કરે છે. સુજાતાને ખાન સાહેબ સાથે વાત કરવા માંગતી હતી એટલે ક’મને ઈન્સ્પેક્ટર મેવાડાના પ્રશ્નોના ઉડાવ કે આડા અવળા જવાબ આપતી હતી. ઈન્સ્પેક્ટર મેવાડાએ પણ સુજાતાના ઉડાવ જવાબની નોંધ લીધી હતી. ખાન સાહેબ ઇન્સ્પેકટર મેવાડાની ઓફિસમાં પ્રવેશતા સુજાતા અને મેવાડાની વાત ચીત અટકે છે. ઇન્સ્પેકટર મેવાડા ઉભા થઇ પોતાની ચેર ખાન સાહેબ માટે ખાલી કરે છે અને ખાન સાહેબ ઈશારો કરતાં તે ઓફીસ બહાર જાય છે.

ખાન સાહેબ સુજાતાની સામે ધારદાર નજરે જોઈ પુછે છે, “મેં મારી ઓફિસમાં બેઠાં બેઠાં સીસીટીવી કેમેરામાં તમારી પુછપરછ જોઈ, તમે ઇન્સ્પેક્ટર મેવાડાના પ્રશ્નોના કેમ ઉડાવ જવાબ આપ્યા ? તમે પોલીસની કાર્યવાહીમાં કેમ મદદ નથી કરતાં ?”

“સોરી સર.પણ.. પણ મારે તમારી સાથે જ વાત કરવી છે અને તમારા દરેક પ્રશ્નોના સીધા અને સાચા જવાબ આપીશ.” સુજાતા એકીસ્વરે બોલી ગઈ.

ખાન સાહેબને સુજાતાની આંખોમાં સ્પષ્ટ અંજપો દેખાતો હતો. સુજાતાના ચહેરાના સતત બદલતાં હાવભાવ ખાન સાહેબ જોઈ રહ્યા હતાં. ધીમે રહીને ખાન સાહેબે સુજાતા સામે પાણીનો ગ્લાસ મુક્યો અને શાંત સ્વરે કહ્યું, “આ પાણી પી લો અને રીલેક્સ થઈને મને તમારી વાત કરો. તમારી બધી વાત સાંભળવા હું તૈયાર છું અને શક્ય હશે એટલી મદદ પણ કરીશ. પછી તમારે પણ અમારા પ્રશ્નોના જવાબ આપવા પડશે.”

પાણી પીધા બાદ ચહેરા પરનો પરસેવો લુછતા સુજાતા બોલી, “મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમને મળીને વાત કરવા માંગતી હતી. મારી વાત તમે શાંતીથી સાંભળજો પ્લીઝ. હું તમારા પ્રશ્નોના પણ જવાબ આપીશ અને પોલીસ કાર્યવાહીમાં મદદ કરીશ.”

એસી ઓફિસમાં પણ સુજાતાના ચહેરા પર વળતો પરસેવો જોઈ ખાન સાહેબ બોલ્યા, “તમે નિરાંતે મને તમારી વાત કરો. આમ ડરશો નહી અને એસી ઓફિસમાં પણ આમ પરસેવે રેબઝેબ શા માટે થાવ છો.”

“સર મને બહુ ટેન્શન છે અને ડર પણ છે.” ગભરાટભર્યા અવાજે સુજાતા બોલી.

“શેનો ડર? કોનાથી ડર?” સુજાતાની આંખોમાં આંખો પરોવીને ખાન સાહેબે પુછ્યું.

“મને મારા પતિ પર હુમલો કરનારાથી ડર લાગે છે કે તે મારું પણ...” વાત કરતાં કરતાં સુજાતા અટકી ગઈ.

સુજાતાને આશ્વાસન આપતાં ખાન સાહેબ બોલ્યા, “તમે કોઈનાથી ડરશો નહી અને તમને આજથી, હમણાંજ એક લેડી પોલીસ સિક્યોરીટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તે સતત તમારી સાથે રહેશે અને તમને સિક્યોરીટી આપશે. તમને કોની પર શક છે ?”

સુજાતાએ મુંઝવણભરી નજરે ખાન સાહેબ સામે તાકી રહીને કહ્યું, “થેન્કયુ સર. મને સિક્યોરીટી આપવા માટે. પણ આમ પોલીસ ક્યાં સુધી મારી લાઈફ સિક્યોરીટી સેફ કરશે ?”

“ચિંતા ના કરો. બહુ જલ્દી જ બબલુનું મર્ડર કરનારા પકડાઈ જશે. અમારી તપાસ ચાલુ જ છે અને આરોપી પકડાઈ જશે. આરોપી પકડાઈ જશે પછી તમને કંઈ નહી થાય. તમને કોઈના પર શંકા કે શક હોય તો અમને કહો.”

“હા મારે તમને એ જ વાત કરવી છે અને બીજું મારે તમને બબલુની અને મારી અંગત વાત કરવી છે પણ...” સુજાતા સીસીટીવી કેમેરા સામે જોઇને બોલે છે.

“સહેજ પણ ચિંતા કર્યા વગર જે વાત કરવી હોય તે કરો. તમારી વાત આપણી બે વચ્ચે જ ખાનગી રહેશે. આ સીસીટીવી મારી અન્ડરમાં છે એટલે તમે તેની ચિંતા ના કરો.”

સુજાતાએ બબલુના મર્ડર પછી મનમાં ભરી રાખેલો ડુમો બહાર કાઢી રડતા રડતા વાત કહેવાનું શરુ કર્યું ત્યાં જ ખાન સાહેબ બોલ્યા, “તમે શાંત થઇ જાઓ, નહિતર મારે બહારથી લેડીઝ કોન્સ્ટેબલને બોલાવી તમને શાંત કરાવવા પડશે અને પછી તમારી વાત ખાનગી નહી રહે.”

સુજાતાએ રડવાનું બંધ કરી આંસુ લુછીને બોલવાનું શરુ કર્યું, “સર, બબલુ અને મારા લવ મેરેજ થયા છે. બબલુએ મને લવ ના બહાને ફસાવી અને મારે મજબુરીમાં તેની સાથે મેરેજ કરવા પડ્યા. મારા મા બાપ ને બબલુ જેવા ટપોરી માણસ સાથે મારા લગ્ન થાય તે પસંદ ન હતું. બબલુના પરિવારને પણ અમારા લવ મેરેજ પસંદ ન હતાં. મારે કઈ મજબુરીમાં મેરેજ કરવા પડ્યા તે મારા પરિવારને કે કોઈને કહેવાય તેવું ન હતું. બબલુ સાથેના મેરેજ મારી લાઈફની પહેલી અને મોટી ગંભીર ભુલ હતી. બબલુ મને મેરેજ બાદ સારું રાખતો હતો પણ તેના અવળા કામધંધા અને તેનો લફરાબાજ સ્વભાવ મને પસંદ ન હતો.”

સુજાતાની વાત અટકાવી ખાન સાહેબ બોલ્યા, “તો તમે તે સમયે પોલીસ કે કાયદાની મદદ કેમ ના લીધી ?”

“સર, બબલુ બહુ પહોંચેલો હતો તેનો મને ડર હતો. તે મને કોઈપણ રીતે હેરાન કરતો ન હતો પણ તેના કામધંધા અને તેની હરકતોથી મને તકલીફ થતી હતી. સમય જતાં મેં બધું સહન કરવા માંડ્યું અને હું તેના તરફથી મળેલા ભૌતિક સુખમાં ખોવાઈ ગઈ. પણ સર મને એ વાતનું દુઃખ હતું કે તે મારી જેવી કેટલીય છોકરીઓને ફસાવતો હતો અને હું તેને કંઇ સમજાવી શકતી નહોતી.”

“તમારી વચ્ચેના સંબધો કેવા હતાં ?” ખાન સાહેબે સુજાતાને પ્રશ્ન કર્યો.

“આમ તો સારા જ હતાં. અમારી વચ્ચે અનબન ન હતી. તે તેના કામમાં અને હું મારી હાઈ સોસાયટીવાળી લાઈફમાં વ્યસ્ત હતી.”

“તમને બબલુના મર્ડર માટે કોઈના પર શક છે ?”

“હા છે અને એના માટે જ તમને મળવા માંગતી હતી. હું તમને એ વાત પણ કરું. મારી જેવી ઘણી છોકરીઓ સાથે તેણે બળજબરીના રીલેશન રાખ્યા છે અને તેમની લાઈફ બબલુએ ખરાબ કરી હશે. એમાંથી જ કોઈ છોકરીએ બબલુનું મર્ડર કર્યું હશે એવું મારું માનવું છે.” સુજાતાની આંખો વાત કરતાં કરતાં લાલ થઇ ગઈ.

ખાન સાહેબે તેની આંખોમાં આવેલ ગુસ્સાને જોઇને પુછ્યું, “તમે એવું કઈ રીતે કહી શકો કે કોઈ છોકરીએ જ મર્ડર કર્યું હશે. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે બબલુના વ્યવસાયિક દુશ્મન તો ઘણાબધા છે અને તેમાંથી પણ કોઈ ગુનેગાર હોઈ શકે.”

“હા સર, તેમાંથી પણ કોઈ ગુનેગાર હોઈ શકે. તમે બબલુએ જે કોઈ છોકરી સાથે રીલેશન રાખ્યા હોઈ તેને પણ તમારી તપાસમાં સામેલ કરજો.”

“હા જરૂર પણ તે છોકરીઓના નામ કે ઓળખ કેમ કરવી. તમારી પાસે કોઈ માહિતી હોય તો અમને જણાવો.”

“તે કઈ છોકરીઓ હશે તે મને ખબર નથી પણ તમને તે બધી માહિતી મળશે પિંટો પાસેથી. પિંટો બબલુનો અંગત માણસ છે અને બબલુની ઘણીબધી વાત મારા કરતાં પણ પિંટો વધારે જાણતો હશે. તમે તેની પાસેથી ડીટેલ મેળવી શકશો.”

“એમ વાત છે. પિંટો તો અત્યારે અમારો મહેમાન છે અને તેની પુછપરછ ચાલુ જ છે. તો તેની પાસેથી આ ડીટેલ મેળવવા હું મારા ઓફિસર સાથે વાત કરી લઉં.” ખાન સાહેબે ધીમું હસતાં હસતાં ફોન હાથમાં લઈને સુજાતાને કહ્યું.

ખાન સાહેબ પિંટોની પુછપરછ કરી રહેલા ઇન્સ્પેક્ટર નાયકને ફોન કરી બબલુના કેટલીક છોકરીઓ સાથેના રીલેશન વિશે પિંટોની કડકાઈથી પુછપરછ કરવા અને તેની આખી વાત રેકોર્ડ કરવા કહ્યું.

ઇન્સ્પેકટર નાયક સાથે વાત પતાવીને ખાન સાહેબે સુજાતાને કહ્યું, “બીજી કઈ વાત તમારે મને જણાવવી છે?”

સુજાતા સહેજ અટકીને ખચકાતા અવાજે બોલી, “સર, મારે તમને એક ખાનગી વાત કહેવી છે.”

“હા જરૂર પણ બબલુના કેસ સાથે રીલેટેડ હોય તો જ કહેજો.”

“કેસ સાથે જ કનેક્ટેડ છે. સર બબલુ...” બોલતાં બોલતાં સુજાતાની આંખો ભરાઈ આવી.

“હા. શું બબલુ. આગળ બોલો.”

સુજાતાના કપાળ પરની રેખાઓ તંગ થઇ ગઈ અને એસી ઓફિસમાં પણ તેના કપાળ પરથી પરસેવાના ઉતરતા રેલા ખાન સાહેબ જોઈ રહ્યા હતાં. સુજાતાને પળવાર માટે ડુમો ભરાઈ આવ્યો અને રુંધાતા અવાજે બોલી, “સર, બબલુ નપુંસક હતો.”

“શું કહ્યું તમે ?”

“હા સર. બબલુ નપુંસક હતો. તેનામાં સ્ત્રીઓ માટે આવેગ આવતાં હતાં પણ તે નપુંસક હતો. મને પણ મેરેજ પછી જ ખબર પડી. તેની સાથે રીલેશન રાખેલ છોકરીઓ, પિંટો અને મને જ આ વાતની ખબર છે. તેનો પરિવાર અને તેના મિત્રો પણ આ વાતથી અજાણ છે.”

“તમે વિચારીને કહો કે આ વાતની બીજા કોઈને જાણ હતી કે નહીં.”

ખાન સાહેબે સુજાતાને પાણીનો બીજો ગ્લાસ આપ્યો અને સુજાતાએ પાણી પીતા પીતા થોડું વિચાર્યું અને સ્વસ્થ થઈને કહ્યું, “સર, એક છોકરીના ફ્રેન્ડને બબલુની વાતની જાણ થતાં તે છોકરી અને તેનો ફ્રેન્ડ બબલુને બ્લેકમેલીંગ કરતાં હતાં. બબલુએ તે છોકરી અને તેના ફ્રેન્ડનો કાંટો કાઢવા કંઇક કર્યું હતું તેવું મેં એકવાર બબલુની ફોન પર કોઈની સાથેની વાતચીતમાં સાંભળ્યું હતું.”

“તેનું નામ શું હતું ?”

“મને ખબર નથી પણ એ બધું પિંટોને ખબર હશે જ.”

“તો તો.. મારે જ આ વિશે પિંટોની પુછપરછ કરવી પડશે. તમારે બીજું કંઇ કહેવું છે ?”

“ના સર. હાલ તો આટલું જ પણ...” સુજાતા ચેરમાંથી ઉભા થતાં બોલતાં બોલતાં અટકી ગઈ.

“તમારે જયારે પણ જે કંઈ કહેવું હોય, ઇન્ફર્મેશન આપવી હોય તમે અહીં મારી ઓફિસમાં આવી શકો છો.”

ખાન સાહેબ સુજાતા સાથે વાત કરતાં કરતાં તેમની ઓફીસના પીસીમાં બહારના સી સી ટીવી કેમેરામાં ગફુરને જોવે છે. ગફુર સાથે પેલા રિપોર્ટરની વાત કરવા માંગતા હતાં એટલે સુજાતાને થોડીવાર બેસવાનું કહી બહાર જાય છે.

બહાર જઈને ગફુરને મળી સાઇડમાં લઇ જઈને પુછે છે, “પેલા વિમલ પાસેથી શું ઇન્ફર્મેશન મળી ?”

“સાહેબ, વિમલને તમે અને સુજાતા ક્યારે અને ક્યાં મળવાના હતાં એ વાતની ખબર હતી. સુજાતા અને વિમલ મિત્ર છે એવું મને વિમલની વાતો પરથી લાગ્યું. વિમલને બબલુના કેસમાં બ્રેકીંગ ન્યુઝ જોઈએ છે એટલે તે સુજાતાના સમ્પર્કમાં છે. તમે સુજાતાને વિમલ વિશે પુછજો તો વધુ જાણવા મળશે.”

“હા. હું સુજાતાને પૂછીશ અને સુજાતા મારી ઓફિસમાં જ છે. વિમલ પાસેથી બીજું કંઇ જાણવા મળ્યું ?”

“ના. હમણાં તો ઉતાવળમાં આટલું જ જાણવા મળ્યું પણ હજુ અમારી મુલાકાત આ કેસના સંદર્ભમાં થતી રહેશે. મેં તેને બ્રેકીંગ ન્યુઝ આપવાની લાલચ આપી છે એટલે તે ફરી મળશે અને મળશે ત્યારે ફરી સુજાતાની વાત ઉકેલી વધુ જાણકારી મેળવીશ.”

“ઓકે અને મીડિયામાં શું હલચલ થાય છે તે પણ જણાવતો રહેજે.”

ખાન સાહેબ ગફુર સાથે વાત પતાવીને પોતાની ઓફિસમાં પાછા આવે છે અને સુજાતાને કહે છે, “તમારી બધી વાત મેં સાંભળી પણ હવે તમારે મારા કેટલાંક પ્રશ્નોના જવાબ આપવા પડશે.”

“હા. મને ખબર હશે એટલા જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.’

“તો મને એમ કહો, આપણી મુલાકાતની જાણ તમે ડોક્ટર સિવાય બીજા કોને કરી હતી ?”

થોડું વિચારીને સુજાતા બોલી, “કોઈને નહીં.”

“હજુ વિચારો અને સાચું બોલો.” ખાન સાહેબે સુજાતાની આંખોમાં આંખ નાંખી પુછ્યું.

સુજાતા પળવાર માટે મૌન થઇ ગઈ એટલે ખાન સાહેબ બોલ્યા, “તમે વિમલને કેમ જાણ કરી ?”

“વિમલ ?” સુજાતાએ ચમકીને કહ્યું.

“હા વિમલ. ક્રાઈમ રિપોર્ટર વિમલ. તમે તેને ઓળખો છો ને ?” ખાન સાહેબે ગંભીર સ્વરે પુછ્યું.

સુજાતા થોડીવાર માટે આંખો બંધ કરીને બેસી રહી અને પછી ઉંડો શ્વાસ છોડતાં બોલી, “સર, મને થોડો ટાઈમ આપો. હું તમને પુરી વાત કહું છું.”

“હા જરૂર. પણ મને સાચો અને સીધો જવાબ આપશે તો ગમશે.”

સુજાતા કંઈ બોલી નહિ પણ ઈશારામાં માથું ધુણાવી હા કહ્યું. સુજાતાની સામે ખાન સાહેબે ત્રાંસી નજરે જોઇને કહ્યું, “તમે થોડીવાર બહાર વેઈટીંગ લોન્જમાં બેસો, હું પિંટોને મળી લઉં.”

સુજાતા ઓફીસ બહાર જતાં ખાન સાહેબ ઇન્સ્પેક્ટર નાયકને ફોન કરી પિંટોની પુછપરછ અંગે પુછવા ફોન કરે છે અને જવાબમાં ઈન્સ્પેક્ટર નાયક કહે છે, “સર, લગભગ બધા પ્રશ્નોના જવાબ આપ્યા પણ તમે કહેલ પ્રશ્નોના જવાબ ગોળ ગોળ આપે છે.”

“તો તેને મારી પાસે લઇ આવો. આપણે તેને ગોળ ગોળ પ્રશ્નો પુછી સીધા જવાબ જાણીએ.”

ઇન્સ્પેકટર નાયક પિંટોને લઈને ખાન સાહેબની ઓફિસમાં પ્રેવેશે છે ત્યાંજ ખાન સાહેબ બોલી ઉઠે છે, “આવ પિંટો આવ.”

“સર, મેં બધા પ્રશ્નો જવાબ આપ્યા તોય આ ઇન્સ્પેકટર નાયક મને પ્રશ્નો પુછે જ રાખે છે. અને મને ખબર નથી તેવા પ્રશ્નોના જવાબ માટે બળજબરી જેવું કરે છે.” પિંટો ખચકાતા અવાજે બોલ્યો.

“ના પિંટો. તારી સાથે બળજબરી નહિ થાય પણ તે પોલીસથી માહિતી છુપાવી તે બદલ તારી કાયદેસરની ધરપકડ કરી તારા રિમાન્ડ લેવામાં આવશે.” ખાન સાહેબે રુક્ષ અવાજે કહ્યું.

“પણ કેમ સર ?” પિંટો ડરતાં ડરતાં બોલ્યો

ખાન સાહેબે ઇન્સ્પેકટર નાયકને ઈશારો કરતાં ધીમા સ્વરે કહ્યું.

ખાન સાહેબે ઇન્સ્પેકટર નાયકને ઈશારો કરતાં ધીમા સ્વરે કહ્યું, “ઇન્સ્પેકટર નાયક, તમે સુજાતા મેડમને ઘરે જવા માટે તેમની કાર માટે એક ડ્રાયવરની ગોઠવણ કરો અને તેમને કહેજો પિંટો પુછપરછ ચાલતી હોવાથી પછીથી આવશે.”

“સર, તમે આવું ના કરો મારી સાથે. મને પણ ઘરે જવા દો.” ગભરાતાં સ્વરે પિંટો બોલ્યો.

“તો પછી મને જવાબ આપ કે બબલુના કઈ છોકરીઓ સાથે કેવા રીલેશન હતાં. અમારી પાસે માહિતી છે કે બબલુના મર્ડરમાં કોઈ છોકરી પણ હોઈ શકે. તને પણ ખબર હશે કે બબલુના દુશ્મનોમાં એ બધી છોકરીઓમાંથી પણ કોઈ હોઈ શકે.” ખાન સાહેબ એકી સ્વરે બોલી ગયા.

“હા સર, તમારી વાત સાચી હશે પણ મને ...” પિંટો બોલતાં બોલતાં અટકી ગયો.

“તને બધી ખબર છે અને તે હજુ સુધી તે છોકરીઓ વિશે માહિતી છુપાવી તે બદલ તારી હાલ જ ધરપકડ પણ થઇ શકે છે. નક્કી તારે કરવાનું છે. તારે અહીં રહેવું છે કે ઘરે જવું છે. વિચારીને જવાબ આપ.”

પિંટોએ હાથ જોડીને વિનતી કરી અને કહ્યું, “સર, બધું કહું છું પણ મને છોડી દો. મને માફ કરી દો.”

“હા તને માફ પણ કરી દઈશ અને છોડી પણ દઈશ. મારે સાચા અને સીધા જવાબ જોઇશે એટલે તું થોડીવાર સ્વસ્થ થઇ જા પછી મને જવાબ આપ.”

ખાન સાહેબ કેન્ટીનમાં કોફી પીવા જતાં પહેલા પિંટો અને સુજાતાને વિચારીને જવાબ આપવાનું કહેં છે અને ઇન્સ્પેકટર નાયકને તે બંને પર નજર રાખવા ઈશારો કરે છે. કેન્ટીનમાં કોફી પીતા પીતા ફોરેન્સિક એક્સપર્ટનો ફોન આવે છે અને તે બબલુની મોત ક્યાં કારણોસર થઈ હોઈ શકે તેનો રીપોર્ટ આવી ગયો છે તેની જાણ કરે છે. તેના જવાબમાં ખાન સાહેબે ફટાફટ ક્રાઈમ બ્રાંચ રૂબરૂમાં આવી રીપોર્ટ વિશે ચર્ચા કરવા કહે છે.

પ્રકરણ ૧૭ પુર્ણ

પ્રકરણ ૧૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED