Cable Cut - 16 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૧૬

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૬

સુજાતા ફોન મુકી થોડી સ્વસ્થ થઇ ક્રાઈમ બ્રાંચ જવા માનસિક રીતે તૈયાર થાય છે. ક્રાઈમ બ્રાંચની ઓફીસ જતાં પહેલાં તેને વિમલને ફોન કરવાનો વિચાર આવ્યો અને તેને તરત વિમલને ફોન કર્યો પણ વિમલે તેનો ફોન રીસીવ ના કર્યો. સુજાતા ફરી કોલ કરવો કે નહી તેનું મનોમન વિચારતી હતી તેવામાં જ વિમલનો મેસેજ આવ્યો, I will call you later .

સુજાતાને મેસેજ વાંચી ગુસ્સો આવ્યો પણ એકપળ માટે મન પરથી ગુસ્સો ખંખેરી બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવી. ડ્રોઈંગરૂમમાં આવીને જોયું કે હજુ પોલીસ આવી નથી. દીવાલ પર લાગેલી ઘડિયાળમાં ત્રાંસી નજરે સમય જોયો અને વિચારતી હતી તેવામાં જ પોલીસની ગાડી બંગલાની બહાર આવીને ઉભી રહી તે તેણે જોયું. દરવાજે ઉભેલો પીન્ટો દોડીને ઘરમાં સમાચાર આપવા આવે છે. સુજાતા તરત રસોડામાં જતી રહે છે.

ડ્રોઈંગરૂમમાં બેઠેલા મહેમાન અને ઘરના વડીલો પોલીસ આવવાથી વિચારવા લાગવા માંડ્યા. મહિલા પોલીસ સાથે ઈન્સ્પેક્ટ નાયક ઘરમાં પ્રવેશે છે અને બોલે છે, “હું ઇન્સ્પેકટર નાયક છું. હું ક્રાઈમ બ્રાંચથી આ ઓર્ડર લઈને આવ્યો છું. આપ વાંચી મને સહયોગ કરો તેવી આશા સાથે હું આવ્યો છું.”

બબલુના પિતાએ તેમને બેસવા માટે કહ્યું અને ઓર્ડર હાથમાં લઈને વાંચવાનું શરુ કર્યું. વાંચતા વાંચતા તેમની નજર ડ્રોઈંગરૂમમાં બેઠેલા તમામ તરફ ફરી રહી હતી અને રસોડામાંથી સુજાતા એકીટસે આખું દ્રશ્ય જોઈ રહી હતી. બબલુના પિતાએ પીન્ટોને કહ્યું, “તારે બબલુના કેસના સંદર્ભમાં પૂછતાછ માટે ક્રાઈમ બ્રાંચ ઓફીસ જવાનું છે. એમ એમ ખાન સાહેબનો ઓર્ડર છે.”

બબલુના પિતાની વાતમાં વચ્ચે ઈન્સ્પેક્ટ નાયક બોલી ઉઠે છે, “એકલાં પીન્ટોને નહી પણ આપ ઓર્ડર ફરીથી વાંચો. તેમાં સુજાતા મેડમને પણ ક્રાઈમ બ્રાંચ પુછપરછ માટે આવવાનું છે, અત્યારે અમારી સાથે.”

“ના એવું શક્ય નથી. યોગ્ય નથી. આપ અત્યારે પીન્ટોની પુછપરછ કરો અને સુજાતા માટે હું ખાન સાહેબ સાથે વાત કરું છું.”

તરત જ ઇન્સ્પેકટર નાયકે ખાન સાહેબને ફોન લગાવી બબલુના પિતાની વાત કરાવી. બબલુના પિતાએ ફોન પર ખાન સાહેબને કહ્યું, “જુઓ સાહેબ, અત્યારે ઘરની વહુ પોલીસ સાથે અને તે પણ ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવી પુછપરછમાં સહયોગ આપે તે યોગ્ય નથી. તમે અમારી ભાવના સમજો. થોડો સમય આપો અમે જાતે સુજાતાને લઈને પુછપરછ માટે હાજર થઈશું. અમે આપની તપાસમાં યોગ્ય સહયોગ આપવા માટે તૈયાર જ છીએ પણ અત્યારે રહેવા દો.”

“અરે વડીલ, અત્યારે તપાસમાં કેટલીક માહિતી મેળવવી જરૂરી છે, જે સુજાતા મેડમ અને પીન્ટો પાસેથી જ મળી શકે તેમ છે.”

“સુજાતાની માનસિક હાલત અત્યારે યોગ્ય નથી એટલે..”

“હા. અમે આપની વાત સમજી શકીએ છીએ પણ જો માહિતી જલ્દીથી મળશે તો જ અમે ગુનેગારને જલ્દીથી પકડી શકીશું. જે તમારા અને અમારા બંને માટે યોગ્ય રહેશે. મારી તમને વિનતી છે.”

“ઓકે. હું સુજાતા સાથે વાત કરીને તમને કહું.”

“તમે ચિંતા ના કરો. અમે મહિલા પોલીસ થકી શાંતિથી તેમની પુછપરછ કરીશું. પીન્ટો પણ સાથે હશે એટલે ચિંતા કરવા જેવું નથી. અને આ પુછપરછ, તેમની ક્રાઈમ બ્રાંચની વિઝીટ તમારા પરિવાર અને મારી ટીમ સિવાય બધા માટે ગુપ્ત જ રહેશે.”

“મને પોલીસ પર વિશ્વાસ છે સાહેબ.”

ફોન ઇન્સ્પેકટર નાયકને આપી બબલુના પિતાએ ડ્રોઈંગરૂમમાં હાજર વડીલો સાથે ચર્ચા કરી પછી સુજાતાને રસોડામાંથી બહાર બોલાવી ઓર્ડર અને ખાન સાહેબે કહેલી વાત કહે છે. ધીમા સ્વરે સમજાવે છે, “તારે અત્યારે ક્રાઈમ બ્રાંચ પોલીસ પુછપરછ માટે જવાનું છે.”

“મારે એકલાને “

“ના. સાથે પીન્ટો પણ આવે છે. જો તને યોગ્ય લાગે તો..”

સુજાતાએ થોડી રોવાની એક્ટિંગ કરી કમને માથું હલાવી જવા માટે તૈયારી બતાવી.

પીન્ટો બબલુના પિતાને આશ્વાસન આપતાં કહે છે, “ચિંતા ના કરો. હું ભાભીને શાંતિથી લઇ જઈશ. તેમની સાથે જ રહીશ. ખાન સાહેબ બહુ સારા ઓફિસર છે તે આપણા માટે બધું યોગ્ય જ કરશે.”

પોલીસની જીપ્સી આગળ અને પાછળ સુજાતા અને પીન્ટો પોતાની પ્રીમીયમ કારમાં ક્રાઈમ બ્રાંચની ઓફીસ જવા નીકળે છે. ઈન્સ્પેક્ટર નાયક ખાન સાહેબને સુજાતા અને પીન્ટોને લઈને ક્રાઈમ બ્રાંચ આવવા નીકળ્યાના સમાચાર ફોન પર આપે છે. ખાન સાહેબ પોતાનો પ્લાનનો એક પછી એક સ્ટેપ સફળ થવાથી ખુશ હતાં. તે બીજા ઓફિસર્સને પુછપરછ માટે તૈયાર રહેવા કહે છે.

ખાન સાહેબ પોતાની ઓફીસમાં બેઠાં બેઠાં ટેબલ પરના પીસીમાં ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં લગાવેલ સી સી ટીવી કેમેરાઓને એક પછી એક જોઈ રહ્યા હતાં. એટલામાં જ ગેટ પરના કેમેરામાં પોલીસ ટીમની એન્ટ્રી થાય છે તે ખાન સાહેબ જુએ છે અને તે કેમરો ઝૂમ કરે છે. પોલીસ જીપ્સી પછી એક વૈભવી કાર ગેટમાં પ્રેવેશે છે તે જુએ છે. વૈભવી કારમાંથી સુજાતાની એન્ટ્રી થાય છે તે જોતા જ રહી જાય છે.

વ્હાઈટ કલરની સાડીમાં એક જાજરમાન વ્યક્તિત્વ જોઇને ખાન સાહેબ પળભર માટે વિચારે છે. ખાન સાહેબ યશ ચોપરાની ફિલ્મોના ચાહક હોવાથી વ્હાઈટ કલરની સાડીમાં સુજાતાને જોઇને તેમને યશ ચોપરાની ફિલ્મોની હીરોઇન યાદ આવી ગઈ. અને ખરેખર સુજાતા કોઈ હિરોઈન કરતાં કમ પણ નહોતી. સામાન્ય પરિવારમાંથી આવતી છોકરીને રૂપના મોહમાં આવીને બબલુએ તેની સાથે લવ મેરેજ કર્યા હતાં. જયારે સુજાતાએ પોતાની કેટલીક મજબુરીમાં બબલુ જેવા ગુંડા, ઠીકઠીક પર્સનાલીટીવાળા સાથે લવ મેરેજ કર્યા હતાં. સુજાતાની ચાલ, ચારે તરફ જોવાની સ્ટાઈલને ખાન સાહેબ સી સી ટીવીમાં જોઈ રહ્યા હતાં.

ખાન સાહેબ પોતાની ઓફિસમાંથી બહાર આવીને પીન્ટો અને સુજાતાને મળે છે અને તપાસમાં સહયોગ માટે અહી આવવા માટે આભાર માને છે. પીન્ટો સાથે વાત કરતાં કરતાં ખાન સાહેબ સુજાતા સામે જોઈ હળવી સ્માઈલ આપે છે. સુજાતા પણ ખાન સાહેબને જોઈ થોડા હળવા મુડમાં આવી ગઈ હતી અને તેના મનનો ભાર થોડો હળવો થઇ ગયો હતો. બબલુના મોતનું દુઃખ સુજાતાના ચહેરા પર દેખાતું નહોતું તે ખાન સાહેબે ખાસ નોટ કર્યું હતું.

સાયબર એક્સપર્ટ સૌરીન ખાન સાહેબની સુચના મુજબ મીટીંગ પહેલા ઇન્સ્પેકટર નાયક, પીન્ટો અને સુજાતાનો મોબાઈલ પુછપરછ થાય ત્યાં સુધી કસ્ટડીમાં લેવા આવે છે. સુજાતા મોબાઈલ કસ્ટડી માટે આનાકાની કરે છે પણ થોડી સમજાવટ પછી મોબાઈલ બંધ કરી જમા કરાવે છે. બબલુ પોતાનો મોબાઈલ અને કારની ચાવી પણ જમા કરાવે છે.

મહિલા પોલીસ સાથે સુજાતાને વેઈટીંગ લોન્જમાં બેસવાનું કહી ઇન્સ્પેકટર નાયક પીન્ટોને પુછપરછ માટે પોતાની ઓફીસમાં બોલાવે છે. ખાન સાહેબ સુજાતાને થોડીવારમાં આપણે પુછપરછ માટે મળીએ છીએ એમ કહી પોતાની ઓફિસમાં જાય છે.

સૌરીન ત્રણે મોબાઈલ લઇ ફટાફટ પોતાની ઓફિસમાં જાય છે અને સુજાતાનો મોબાઈલ પોતાના લેપટોપ સાથે જોડી ડેટા ચેક કરે છે. સુજાતાના મોબાઈલમાં આવેલ છેલ્લો મેસેજ જોઈ તરત જ સૌરીન ખાન સાહેબને પોતાની ઓફિસમાં બોલાવે છે.

ખાન સાહેબ આવતાં સૌરીન ઉતાવળથી બોલે છે, “સર. સુજાતાએ તમારી સાથે વાત કર્યા પછી તરત વિમલને કોલ કર્યો હતો અને વિમલે કોલ રીસીવ નહોતો કર્યો. થોડી જ વારમાં વિમલે સુજાતાને , I will call you later નો મેસેજ કર્યો છે.”

“ઓકે. એમ વાત છે. સુજાતા અને વિમલ એકબીજાના સમ્પર્કમાં જ છે. પણ વિમલે કોલ રીસીવ કેમ નહિ કર્યો હોય ?”

વિમલનું નામ આવતાં તરત ખાન સાહેબ ગફુરને ફોન કરે છે પણ ગફુર પણ ફોન રીસીવ કરતો નથી. ખાન સાહેબ ગફુરે કેમ ફોન રીસીવ ન કર્યો તે વિચારતા હતા એવામાં ગફુરનો મેસેજ આવતાં ખાન સાહેબ હસી પડે છે.

હસતાં ખાન સાહેબને જોઈ સૌરીન પુછે છે, “શું થયું સર ?”

“જુઓ આ મેસેજ. I will call you later . ગફુરે મને મોકલ્યો છે. કંઈ સમજાયું ?”

“ના.”

ખાન સાહેબ ગફુરને મેસેજ કરી પુછે છે, “Did you meet vimal ?”

જવાબમાં ગફુરે મેસેજ કર્યો “ Yes. We are near doctor’s clinic.”

“અરે ! વિમલ અત્યારે ગફુરની કસ્ટડીમાં છે. મારો મતલબ, ગફુર અને વિમલ એકસાથે છે. મારો પ્લાનનો વધુ એક સ્ટેપ સકસેસ.”

“ઓકે સર.”

“સમય ઓછો છે. તમે તમારું હેકિંગનું કામ પતાવો, હું થોડીવારમાં મળું તમને.”

ખાન સાહેબ સૌરીનની ઓફીસ બહાર આવી ઇન્સ્પેક્ટર મેવાડાને પોતાની ઓફિસમાં બોલાવીને સુજાતાને ક્યાં પ્રશ્નો પુછવા તેનું શોર્ટલીસ્ટ ચેક કરીને પ્લાન સમજાવે છે કે પહેલા તમે આ પ્રશ્નો પુછજો અને પછી હું પર્સનલી સુજાતાને મળીશ. તે મને શું કહેવા માંગે છે તે જાણવા માટે.

પ્રકરણ ૧૬ પુર્ણ

પ્રકરણ ૧૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED