કેબલ કટ, પ્રકરણ ૧૫ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ, પ્રકરણ ૧૫

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૫

ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચ પહોંચવામાં હતાં ને રસ્તામાં મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીનનો ફોન આવે છે. ખાન સાહેબ તરત ફોન રીસીવ કરે છે ત્યારે સૌરીન બોલે છે, “સર, એક ઇન્ફોર્મેશન છે. તે તમારે તાત્કાલિક જાણવી જરૂરી છે.”

“હા ઓફિસર. થોડી રાહ જુઓ. હું ઓફિસે પાંચ જ મીનીટમાં પહોંચું છું. આપણે રૂબરૂ મળીએ ત્યારે જણાવજો.”

ક્રાઈમ બ્રાંચ થોડીકવારમાં જ પહોંચીને ખાન સાહેબ મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીનની સાથે પોતાની ઓફિસમાં પ્રવેશે છે અને બોલે છે, “શું ઇન્ફોર્મેશન છે ?”

“સર, સુજાતાના મોબાઈલ નંબર વોચ પર છે એટલે આજે સવારથી આ એક નંબર પરથી છ વખત, લાંબી વાત થઇ છે. આ નંબર ને ટ્રેસ કરતાં જાણવા મળ્યું કે, આ નંબર પરથી અગાઉ પણ સુજાતાને કોલ કરવામાં આવેલ છે.”

“ઓકે. નંબર કોનો છે ?”

સૌરીન થોડું હસીને બોલે છે, “સર, આ નંબર તમારા મોબાઈલમાં ચેક કરો. કદાચ તમને જવાબ પણ મળી જશે.”

“એમ વાત છે. જોઈ લઈએ.”

ખાન સાહેબ સૌરીને આપેલ નંબર પોતાના મોબાઈલમાં ચેક કરે છે. સ્ક્રીન પર નામ જોઈ હસે છે અને બોલે છે, “ઓહો ! એમ વાત છે. આ ભાઈ પણ સુજાતાના સંપર્કમાં છે એમ ..”

“હા સર. આ નંબર ક્રાઈમ રીપોર્ટર વિમલનો છે.”

“મને લાગે છે આ પણ સ્કૂપની લાલચમાં મથી રહ્યો છે.”

“હોઈ શકે પણ તેણે આટલા બધા કોલ્સ કરીને કદાચ સ્કૂપ મેળવી લીધું પણ હોય.”

“હા એમ પણ બની શકે. વિમલના ફોનની હાલની લોકેશન જાણવી હોય તો ?”

“એક જ મીનીટ સર.” બોલતાં બોલતાં સૌરીન તરત જ પોતાના લેપટોપમાં સર્ચ કરે છે.

ખાન સાહેબ ક્રાઈમ રીપોર્ટર વિમલની આ કેસમાં ભુમિકા વિચારી રહ્યા હતાં. તેનો સંપર્ક કરવો કે નહીં, તેને ખરેખર સ્કૂપની લાલચ હશે કે બીજું કંઈ તે મનોમન વિચારતાં હતાં.

વિમલના મોબાઈલની ટ્રેસ કરેલી લોકેશન મળી જતાં સૌરીન બોલી ઉઠે છે, “સર વિમલ અત્યારે બબલુના ઘરની આસપાસના એરિયામાં જ છે.”

“ઓહ્હો ! એ ઘર સુધી પણ પહોંચી ગયો છે.”

“હા સર.”

“ઓકે. તમે સુજાતા અને વિમલના મોબાઈલ નંબર પર વોચ ચાલુ રાખજો અને સાંજે આપણે સાથે સુજાતાને મળવા જઈએ છીએ.”

ખાન સાહેબ વિમલ અને સુજાતા વિશે ચર્ચા કરવા બીજા અધિકારીઓને પણ બોલાવે છે અને વિમલ સુજાતા સાથે સમ્પર્કમાં છે તેની પર ચર્ચા કરે છે. સૌરીને આપેલ ઇન્ફોર્મેશનની વાત કરે છે. ખાન સાહેબ બધાના અભિપ્રાય જાણે છે અને ચર્ચા કરે છે.

સાયબર એક્ષ્પર્ટ ગામીત પોતાનો અભિપ્રાય આપે છે, “સર, તમારે સુજાતાને તેની નક્કી કરેલી જગ્યાએ મળવું હિતાવહ નથી.”

“હા. હવે મને પણ એમ લાગે છે.”

મીટીંગ ચાલુ હતી ત્યાં ફુલટનનો ફોન આવે છે એટલે ખાન સાહેબ મીટીંગ હોલ્ટ કરીને ઓફીસ બહાર આવી કોલ રીસીવ કરીને બોલે છે, “બોલ, શું ઇન્ફોર્મેશન છે ?”

“સાહેબ. એક પત્રકાર લાગે તેવો માણસ ડોક્ટરની કલીનીક બહાર આંટા મારે છે અને અમારી જેમ વોચ કરવાના ફિરાકમાં લાગે છે.”

“હા, મને હતું જ એ ત્યાં પહોંચશે.”

“ઓકે. એટલે તમે તેને ઓળખો છો.”

“હા કદાચ. તમે તેનું પણ ધ્યાન રાખજો અને હું ગફુરને ત્યાં મોકલું છું. ગફુર તેને બરોબર ઓળખે છે.”

“હા.”

ખાન સાહેબ ફુલટન નો ફોન કટ કરીને તરત ગફુરને કોલ કરે છે અને કહે છે, “હલ્લો ગફુર, તું અત્યારે ક્યાં છે ?”

“બોલો સર. હું આપની નજીકમાં જ છું. બોલો કંઈ કામ ?”

“હા. ઈમરજન્સી કામ છે. મેં તને કાલે વાત કરી હતી તે ડોક્ટરનું એડ્રેસ તને મેસેજ કરું છું. તારે ત્યાં જવાનું છે, ત્યાં ફુલટન અને હાફટન વોચ રાખવા ઉભા છે.”

“ઓકે, હું ત્યાં થોડી જ વારમાં પહોંચું છું પણ મારે ત્યાં પહોંચીને કરવાનું શું ?”

“અરે ! વાત પુરી સાંભળ. તું પેલા ક્રાઈમ રીપોર્ટર વિમલને ઓળખે છે ને ?”

“હા. બહુ સારી રીતે. તે પણ મારો મિત્ર છે.” ગફુર હસતાં હસતાં બોલી રહ્યો હતો.

“તો તે વિમલ ત્યાં મળશે. તે સવારથી સુજાતા સાથે કોન્ટેકમાં છે અને અત્યારે તે ડોક્ટરની કલીનીક પર પહોંચ્યો છે.”

“એમ વાત છે, તો સર તમારી ખાનગી મીટીંગની ઇન્ફોર્મેશન લીક થઇ ગઈ.”

“હા.મને સુજાતા પર શક છે અને તેના પર ગુસ્સો પણ આવે છે.”

“અરે સાહેબ ! મારું માનવું છે કે તમારે સાંજની મીટીંગ કેન્સલ કરવી જોઈએ.”

“હા. મેં પણ એવું જ વિચાર્યું છે. તું ત્યાં પહોંચીને વિમલને મળી ઇન્ફોર્મેશન મેળવી મને જાણ કરજે.”

“હા સર.”

ખાન સાહેબ કોલ પતાવી ઓફિસમાં આવે છે અને મીટીંગમાં આગળ ધપાવે છે. ખાન સાહેબ સૌરીનને કહે છે, “લો, આ ડોક્ટરનું અડ્રેસ અને મને કહો વિમલની લોકેશન આની નજીકમાં છે કે નહી.”

સૌરીન તરત લેપટોપમાં સર્ચ કરીને કહે છે, “હા સર. વિમલ અત્યારે તમે આપેલ એડ્રેસની આસપાસ જ છે.”

ખાન સાહેબ બધાને તેમની સાંજની મીટીંગ કેન્સલ કરવાની વાત કરે છે અને શક્ય હશે તો મીટીંગ અહીં જ થશે તેવી વાત કરે છે. ખાન સાહેબની વાત સાંભળી ઇન્સ્પેક્ટર મેવાડા કહે છે, “સુજાતા અહીં આવવા તૈયાર થશે ?”

“હા. તે તૈયાર થશે જ. તેને અહીં આવ્યા વગર છુટકો જ નથી. તમે તેના સ્વાગત માટે તૈયારી કરો.” ખાન સાહેબ મલકાઈને બોલે છે.

ખાનસાહેબ ઇન્સ્પેકટર અશોકને કહે છે, “તમારી કાર્યવાહી આજથી સુજાતાની જુબાનીથી શરુ થશે. તમે ઈન્સ્પેક્ટ મેવાડા સાથે મળીને સુજાતાને પૂછવાના પ્રશ્નો તૈયાર કરો અને મહિલા પોલીસને પણ સાથે રાખજો.”

“પણ સાહેબ. એ તો...તમને મળવા આવશે તો અમને ?”

“હા. તે મને મળીને જે કંઈ ખાનગી કહેવું હશે તે કહીને તમને પણ તમારા પ્રશ્નોના જવાબ આપશે જ. તેને છુટકો જ નથી જવાબ આપવા જ પડશે.” ખાન સાહેબ ખંધુ હસતાં હસતાં બોલી રહ્યા હતાં.

મીટીંગ પુરી કરી તરત જ ખાન સાહેબ માઈન્ડમાં એક પ્લાન આવતાં સુજાતાને ફોન કરે છે પણ તે ફોન રીસીવ કરતી નથી. થોડીવારમાં સુજાતા સામેથી ફોન કરે છે અને ધીમા સ્વરે બોલે છે, “બોલો સર, કેમ ફોન કર્યો ?”

“મારે સાંજની મીટીંગ માટે વાત કરવી હતી.”

“હા હું તમને ડોક્ટરને ત્યાં મળું જ છું, આપણે ત્યાં શાંતીથી વાત કરીશું. અત્યારે લાંબી વાત થઇ શકે તેમ નથી.”

“મેં એટલું કહેવા ફોન કર્યો છે કે. હું તમને ત્યાં ખાનગીમાં મળી શકું તેમ નથી.” ખાન સાહેબ ઉતાવળે સ્વરે બોલી ગયા.

“અરે સર ! કેમ ?” સુજાતાના ચિંતાતુર સ્વરે બોલી.

“મારા ઉપલા અધિકારી મને આ માટે પરમીશન આપવાની ના પાડે છે. સોરી. ”

“અરે સર, મારે તમને મળવું છે. મને તમારી હેલ્પની જરૂર છે.”

“હા, પોલીસ સદાય તમારી હેલ્પ માટે તૈયાર છે. પણ તમારે...”

સુજાતા ફોન પર રોતા રોતા રીક્વેસ્ટ કરી રહી હતી. ખાન સાહેબ થોડા અકળાઈને કહે છે, “તમે શાંત થઈને મને ફોન કરજો.”

ખાન સાહેબ ફોન કટ કરી નાંખે છે અને મનોમન વિચારે છે કે તેમનો પ્લાન કામે લાગી ગયો. થોડીવારમાં ફરી પાછો સુજાતાનો ફોન આવે છે. ખાન સાહેબ રીસીવ કરીને મોબાઈલનું રેકોર્ડીંગ ફન્કશન ચાલુ કરે છે અને બોલે છે, “બોલો શું કામ હતું ?”

“સર. ફરી રીક્વેસ્ટ કરું છું..”

“એ શક્ય નથી. એ સિવાય ની વાત હોય તો કરો. હું અત્યારે મીટીંગમાં જવું છું.”

“એક મીનીટ સર. મને સાંભળો સર.”

“હા થોડું જલ્દીથી જે કહેવું હોય તે કહો.” ખાન સાહેબ થોડા કડક સ્વરે બોલી રહ્યા હતાં.

“સર હું ફોન પર વધારે કહી શકું તેમ નથી. પણ..પણ મારે તમને મળવું છે.”

“તો ક્રાઈમ બ્રાંચ આવી જાવ. ત્યાં બધા માટે દરવાજા ઓપન છે.”

“સર અત્યારે મારે ત્યાં આવવું અઘરું છે. અશક્ય છે. મને ઘરના લોકો એકલી બહાર નહિ મોકલે.”

“જો તમારી તૈયારી હોય, તમારે ખરેખર કંઈ કહેવું હોય તો, હું તમને અહીં ક્રાઈમ બ્રાંચ આવવામાં મદદ કરી શકું તેમ છું.”

“હા સર. મારે તમને ઘણું બધું કહેવું છે. મળવું છે તમને. તમે મને મદદ કરો.”

“મારી પાસે આઈડિયા છે, જો તમે તે અનુસરો તો.”

“હા હું અનુસરીશ. મને કહો. જલ્દી સર.”

“જો હું થોડી જ વારમાં અહીંથી એક પોલીસ ટીમને તમારા ઘરે મોકલીશ. મહિલા પોલીસ સાથે. તે કાયદેસર તમારા ઘરના વડીલને ઓર્ડર આપશે અને તમારા ઘરના તમને પરમીશન આપશે.”

“ઓર્ડર. શેનો ઓર્ડર સર ?”

“તપાસ માટે જરૂરી માહિતી જાણવા માટે. તમારો જવાબ મેળવવા માટે તમને ક્રાઈમ બ્રાંચ બોલાવાનો ઓર્ડર.”

“ઓકે સર. પણ મને એકલીને ..”

“તમે એકલાં નહી પણ સાથે હું પીન્ટો માટે પણ ઓર્ડર મોકલું છું. તમારે બંનેએ સાથે આવવાનું છે.”

“હા. તો કદાચ માનશે. પણ પીન્ટોની સામે ..”

“ચિંતા ના કરો. પહેલા પીન્ટોની પુછપરછ કરવામાં આવશે પછી તમારી પુછપરછ કરવામાં આવશે. બબલુના કેસની તપાસ કરતાં ઓફિસર તપાસ પુરી કરશે પછી હું તમને ત્યાંજ મળીશ. પીન્ટોને પણ જાણ નહી થાય તે રીતે.”

“પણ હું તમને એકલાંને જ વાત કહેવા માંગું છું.”

“હા, ચિંતા ના કરો. તમારે જે કંઈ કહેવું હોય તે મને એકલાં કહેજો. વિના સંકોચે અને વિના ટેન્શને. પણ તપાસ કરતાં ઓફિસરને જે કંઈ જાણવું છે તે તમારે પહેલા કહેવું પડશે.”

“ઓકે સર પણ મારી પાસેથી શું જાણવું છે તેમને ?”

“એ તો તમે આવશો એટલે ખબર પડશે. ચિંતા ના કરો. હું ત્યાં ઓફિસમાં જ હોઈશ. તમે પોલીસની મદદ કરો, પોલીસ તમને મદદ કરશે.”

“ઓકે સર.”

“તમે માનસિક રીતે રેડી થઈ જાઓ. હું ટીમને ઓર્ડર લઈને રવાના કરું છું, થોડીવારમાં જ તમારા ઘરે પહોંચી જશે.”

ફોન પુરો થતાં ખાન સાહેબ ઓર્ડર તૈયાર કરી ઇન્સ્પેકટર નાયકને મહિલા પોલીસ સાથે બબલુના ઘરે સુજાતા અને પીન્ટોને ક્રાઈમ બ્રાંચ પુછપરછ માટે લઇ આવવા કહે છે.

પ્રકરણ ૧૫ પુર્ણ

પ્રકરણ ૧૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો