કેબલ કટ, પ્રકરણ ૧૪ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ, પ્રકરણ ૧૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૪

ખાન સાહેબ સવારમાં ક્રાઈમ બ્રાંચ ઓફીસ આવીને તરત જ ફુલ ટનને ફોન કરી ડોક્ટરના કલીનીક પરની હલચલની માહિતી મેળવે છે અને સાંજ સુધી ત્યાંજ રહેવા સુચના આપે છે. ગફુરને ફોન કરી સાંજે ૭ વાગે સુજાતાને ડોકટરના કલીનીક પર મળવા જવાનું છે એટલે સાંજે ૬ વાગે ક્રાઈમ બ્રાંચની ઓફીસ આવી જવા કહે છે.

ખાન સાહેબ આજના ન્યુઝ પેપર્સ ઓફિસમાં મંગાવે છે અને ખાસ મીટીંગ માટે ટીમના અધિકારીઓને હાજર થવા મેસેજ મોકલે છે. બધા ન્યુઝ પેપર્સમાં બબલુ કેસ રીલેટેડ હેડલાઈન અને અલગ અલગ સ્ટોરી ન્યુઝ છપાયા હતાં તે વાંચી રહ્યા હતાં ત્યાંજ તેમની ટીમના અધિકારીઓ તેમની ઓફિસમાં ભેગા થાય છે.

ઇન્સ્પેક્ટર નાયક ઓફિસમાં આવતાં સાથે જ કહે છે, “ગુડ મોર્નિગ સર. આજના બધા ન્યુઝ પેપરમાં લાખાના ન્યુઝ છપાયા છે અને શહરેમાં તેની જ ચર્ચા છે. ટીવી પર કાલે રાતથી બ્રેકીંગ ન્યુઝ શરુ થયા છે તે હજુ પણ ચાલુ છે.”

“ગુડ મોર્નિગ ટુ ઓલ ઓફ યુ. હું એજ બ્રેંકીગ અને મસાલા ન્યુઝ જ રીડ કરી રહ્યો છું અને આ મીટીંગ બ્રેકીંગ ન્યુઝ માટે જ બોલાવી છે. મીડિયામાં જે કંઈ ન્યુઝ ચાલે તે ચાલવા દો, કોઈએ તેના પર રીએક્શન કે રીપ્લાય આપવાનો નથી. મીડિયા પર આપણું મોનીટરીંગ ચાલુ જ છે. નાયક, આજે તમે ન્યુઝ પેપર અને ટીવી પર ચાલતા ન્યુઝની સ્ટોરી પર વોચ રાખો અને જરૂરી માહિતીનો નોંધ કરી મને કાલે રીપોર્ટ આપજો.”

“ઓકે સર.”

“સર. લાખો તમને મળવા માંગે છે, તે બે દિવસથી સતત એકવાર તમને મળવાની જીદ કરે છે. તો તમે...” ઇન્સ્પેકટર મેવાડા ખાન સાહેબને ધીમા સ્વરે કહે છે.

“મેવાડા, હા જરૂર લાખાને મારે પણ મળવું છે અને તમને રિમાન્ડમાં કોઈ નવી ઇન્ફોર્મેશન મળી ?”

“ના સર. તમારા ઓર્ડર મુજબ તેની સાથે હજુ ફોર્મલી રિમાન્ડ જ ચાલે છે અને તે ગીલીન્ડર થર્ડ ડીગ્રી વગર કંઈ બોલે તેમ નથી. તમે કહો તો..”

“ના ના મેવાડા. આપણે લાખાને કંઈ કરવાનું નથી. તેની પાસેથી આપણને કંઈ તો જાણવા મળશે જ.”

“પણ સર, આમ ને આમ તો રિમાન્ડના દિવસો પુરા થઇ જશે. પછી ?”

“અરે ! પછી શું. બીજા રિમાન્ડ માંગવાના. આ મીડિયાની હેડલાઈન જુઓ, બબલુ મર્ડર કેસમાં શંકાના આધારે ધરપકડ કરેલ લાખા પાસેથી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી.” ખાન સાહેબ હસતાં હસતાં મીટીંગમાં ટીવી ચાલુ કરી એક પછી એક ન્યુઝ ચેનલો ફેરવે છે.

“પણ સર.”

“આ બ્રેકીંગ ન્યુઝ આપણને લાખાના રિમાન્ડ માટે હેલ્પ કરવા માટે જ છે, સમજ્યા તમે બધા.”

મીટીંગમાં હાજર બધા અધિકારીઓ એકબીજા સામે જોઈ સમજી ગયા કે ન્યુઝ અહીંથી જ બ્રેક થયા છે અને સ્ક્રીપ્ટ પણ ખાન સાહેબની જ છે.

“આપણે શકમંદ લોકોના જવાબ લેવાના છે અને તેમની તપાસ કરવાની છે તો તેના માટે સિનીયર ઇન્સ્પેકટર અશોકને જવાબદારી આપું છું. તમે બધા શકમંદ લોકોની ઇન્ફોર્મેશન તેમની સાથે શેર કરજો.”

“યસ સર.હું તૈયાર છું.” ઇન્સ્પેક્ટર અશોક બોલે છે.

“તમે જલ્દીથી એક પછી એક શકમંદ લોકોને બોલાવા માટે પ્લાનીગ કરો. શક્ય હોય ખાનગીમાં ઓફીસ બહાર મળો, અહીં બોલાવો, તે લોકો જ્યાં હોય ત્યાં જઈને પુછપરછ કરો. શહેર બહાર હોય કે દેશ બહાર કોઈને છોડશો નહીં. ”

“હા સર.”

“જરૂર પડે બીજા અધિકારી, એક્સપર્ટની મદદ લઇ પણ શકમંદ લોકોની તપાસ ફટાફટ કરવી પડશે. આપણી પાસે સમય ઓછો છે અને પ્રેશર ઘણું છે. તપાસની કોઈ પણ વાત મીડિયામાં લીક ના થવી જોઈએ.”

“ઓકે સર.”

“મને નાનામાં નાની ઇન્ફોર્મેશન રીપોર્ટ કરજો અને મારી જ્યાં જરૂર પડે કહેજો.”

“યસ સર. હું અત્યારથી જ પ્લાનીગ કરી તપાસ આગળ વધારું છું.’

“મેવાડા, ચાલો આપણા મિત્ર લાખાને મળવા જઈએ.” ખાન સાહેબ મીટીંગ પુરી કરી ઇન્સ્પેકટર મેવાડા સાથે લાખાને મળવા જાય છે.

ખાન સાહેબ પોતાની સાથે આજના ન્યુઝ પેપર્સ પણ સાથે લઈને લાખા પાસે જાય છે અને બોલે છે, “કેમ છે લાખા ? કેમ મને યાદ કર્યો ?”

લાખો ખાન સાહેબને જોઇને રડવા માંડે છે. તેની આંખોમાંથી બોર બોર આંસુ ધડધડ ટપકવા માંડ્યા. તેના મોઢે આવેલા શબ્દો થીજીને ગળામાં જામી ગયા. ખાન સાહેબ લાખાના કપાળ પરની તંગ થયેલ રેખાઓ, તેની આંખોના પોપચાં રડી રડીને સુઝી ગયા હતાં એ જોઈ રહ્યા હતાં. ખાન સાહેબ ઈન્સ્પેક્ટ મેવાડાને લાખાને છાનો રાખવા કરે છે. ઇન્સ્પેકટર મેવાડા પાણી પીવડાવી લાખાને શાંત કરે છે.

“લાખા કંઈ તકલીફ છે ?” ખાન સાહેબ લાખાની આંખોમાં આંખ પરોવીને બોલ્યા.

લાખો શાંત થયો, પછી થોડો સ્વસ્થ થઈને બોલે છે, “સાહેબ મને અહીંથી છોડાવો. મને રીમાન્ડમાં કોઈ સાહેબ કંઈ પૂછતાં નથી અને મેં જે કહેવાનું હતું તે બધું સાચેસાચું કહી દીધું છે. મને મારા પરિવારને મળવા જવા દો.”

“તને રીમાન્ડમાં કોઈ તકલીફ છે ? તને કોઈ હેરાનગતિ છે ?”

“ના. પણ ..’

“જો લાખા આજે તું ફેમસ થઇ ગયો. આજે બધા ન્યુઝ પેપર અને ટીવી પર તારા નામની ચર્ચા ચાલે છે.” ખાન સાહેબે બોલતાં બોલતાં ન્યુઝ પેપર લાખા સામે મુક્યા.

લાખો તગતગતી આંખોથી ન્યુઝ પેપર પર નજર ફેરવવા માંડ્યો અને બોલ્યો, “સાહેબ, મારા માઈબાપ. મારા રિમાન્ડ પુરા થવા આયા છે પણ મને કોઈ કંઈ પણ પુછતું નથી. બસ મને અહી પુરી રાખ્યો છે અને આ મેવાડા સાહેબ સવાર સાંજ આવી મને જોઈ જતાં રહે છે.”

“લાખા તારી પાસેથી અમને જોઈતી માહિતી મળશે એટલે તને છોડી મુકવામાં આવશે અને તને કોઈ તકલીફ નહી પડે એ જવાબદારી મારી.”

“સાહેબ મને જવા દો. હું ક્યારેય ચોરી નહિ કરું.’

“હા. તને છોડી દેવામાં આવશે. જલ્દીથી. પણ બબલુના કેસમાં તારું નામ લીક થતાં તારી પર ખતરો છે. સાચા ગુનેગાર તારી પર....”

“પણ સાહેબ. તે લોકોને મેં પોલીસને કહેલ વાતની ખબર કેવી રીતે પડી ?”

“એની તપાસ પણ ચાલુ છે. જો તારું નામ પેપરમાં આવ્યું એટલે તે લોકો તને મળીને તારું ...તું મારી વાત સમજે છે ને. ”

“હા સાહેબ. તમારી વાત સાચી.”

લાખો હવે મગજ દોડાવી પોતાના પરનો ખતરો જાણી ગયો હતો. ખાન સાહેબ સિમ્પથી બતાવી તેને વધુ રિમાન્ડ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા હતાં.

“સાહેબ, પણ મારા રિમાન્ડ પુરા થશે પછી મારું શું થશે ?” લાખો અટકતા અટકતા બોલી રહ્યો હતો.

“લાખા, તું ચિંતા ના કર. તારી સેફટીની અમને પણ ચિંતા છે. તું પોલીસ કસ્ટડીમાં સેફ છું.”

“હા સાહેબ. મને તમારી પર પુરો વિશ્વાસ છે.”

“તારી સેફટી માટે થઈને તારા વધુ રિમાન્ડ માંગવામાં આવશે અને તને અહીં સેફ રાખવામાં આવશે.”

“સાહેબ તમારી મહેરબાની.”

“પણ તારે.. અમારી તપાસમાં મદદ કરવી પડશે.”

“હા સાહેબ. પણ મારી પાસે કંઈ માહિતી નથી.”

“હજુ તારે પેલા એકટીવાવાળા કપલને ઓળખવામાં મદદ કરવાની છે. યાદ છે ને એ રાતની સ્ટોરી..”

“હા સાહેબ, હું ઓળખી બતાવીશ અને સાહેબ મારી પર વિશ્વાસ કરો, મેં તમને તે રાતની સ્ટોરી નહી પણ સાચી મારી આંખે દેખેલી હકીકત કહી છે.”

“લાખા તને અહીં કોઈ કઈ પુછે કે ના પુછે, તું શાંતિથી રહેજે. તને તારા પરિવાર સાથે પણ એકવાર મળવા દેવામાં આવશે. તું તારો પરિવાર ક્યાં હશે તે જણાવ. તું જ્યાં રહેતો હતો ત્યાં પોલીસે તપાસ કરી પણ તારો પરિવાર ગાયબ છે.”

પરિવારને મળવાની વાત આવતાં તેની આંખોમાં ચમક આવી ગઈ અને તે આંખો લુંછતા લુછતા બોલે છે, “સાહેબ એ લોકો ડરીને જતાં રહ્યા હશે. તે લોકો કદાચ રાજપુર ગામની નદીના પટમાં મારા સગાને ત્યાં મળશે. પણ ત્યાંથી એ લોકો પોલીસ જોઇને ભાગી જશે.”

“તું એની ચિંતા ના કર. તને તારા પરિવાર સાથે મળાવાની જવાબદારી અમારી. પણ એક શરત છે.”

“મને બધી શરત મંજુર છે.”

“અરે ! સાંભળી તો લે.”

“મને એકવાર મારા પરિવારને મળવા માટે બધું મંજુર છે. સાહેબ તમારી મહેરબાની હું ક્યારેય નહીં ભુલું.”

“શરત એમ છે, તારા પરિવારને તારા વધારાના રિમાન્ડ, તારી પરના ખતરા કે આ કેસ અંગે કંઈપણ જણાવાનું નથી. તારે અહીંજ પોલીસ સામે થોડીવાર માટે મળવાનું છે. તારા પરિવારે બહાર જઈને કોઈને અને ખાસ કરીને મીડિયામાં કંઈપણ કહેવાનું નથી.”

“હા મંજુર છે સાહેબ.”

“લાખા હું જઉં છું અને ફરી મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે. કંઈ તકલીફ પડે મને યાદ કરજે.”

ખાન સાહેબ ઇન્સ્પેકટર મેવાડાને સ્થાનિક પોલીસ સાથે મળીને લાખના પરિવારને ખાનગી રીતે અહી લઇ આવવા કહે છે અને લાખાને કંઈ તકલીફ ના પડે તે માટે સાચવવા કહીને ત્યાંથી ઓફીસ જવા નીકળે છે.

ખાન સાહેબ ઓફીસ જતાં રસ્તામાં ઘડિયાળમાં સમય જોવે છે અને મનમાં બોલે છે, “ઓહ ! લંચ ટાઈમ થઇ ગયો.” તેમને હાફટન અને ફુલટનની યાદ આવતાં ફોન કરે છે અને ફુલટન ફોન ઉપાડે છે, “ શું કરો છો અને ક્યાં છો ?”

“અરે સાહેબ, અમે ડોક્ટરની કલીનીક બહાર જ છીએ.”

“ત્યાં અત્યારે શું ચાલી રહ્યું છે.”

“બસ કંઈ નહિ. ડોક્ટર સાહેબ હમણાં જ લંચ કરવા તેમના ઘરે ગયા છે અને કલીનીક બંધ છે. કોઈ પેશન્ટ નથી. ડોક્ટર સાંજે મળશે તેની ઇન્ફોર્મેશન લઇ લીધેલ છે.”

“ઓકે. તમે બે જમ્યા ?”

“ના. અહીંથી હટવાનું નથી એટલે ..”

“હું ત્યાં આવું છું, આપણે સાથે લંચ કરવા જઈએ છીએ. નજીકની રેસ્ટોરેન્ટ નક્કી કરી લો.”

“હા સાહેબ.”

ખાન સાહેબ થોડી જ વારમાં ત્યાં પહોંચે છે અને તે બે જણાને લઇ નજીકની રેસ્ટોરન્ટમાં લંચ કરવા જાય છે. લંચ કરતાં કરતાં ખાન સાહેબ ત્યાં આવતાં જતાં લોકોની માહિતી મેળવે છે. તે બે જણા પાસેથી ખાન સાહેબને કંઈ ખાસ ઇન્ફોર્મેશન મળતી નથી.

ખાન સાહેબ લંચ પતાવીને તે બે જણાને પાછા ડોક્ટરની ક્લીનીકી પર ઉતારે છે અને હસતાં હસતાં કહે છે, “જુઓ, જમીને આળસ ના કરતાં. આજુ બાજુ ફરીને ઇન્ફોર્મેશન ભેગી કરજો. એક જણ અહીજ રહેજો અને સાંજે ફરી મળીએ છીએ અહીંજ.”

“ઓકે સાહેબ.”

“હજુ મારે સાંજની મીટીંગ માટે પ્લાન બનાવવાનો છે અને ઘણી તૈયારીઓ કરવાની છે.”

ખાન સાહેબ સુજાતા સાથેની સાંજની મીટીંગનો પ્લાન બનાવવા અને બીજી તૈયારીઓ કરવા ક્રાઈમ બ્રાંચ જાય છે.

પ્રકરણ ૧૪ પુર્ણ

પ્રકરણ ૧૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો