Sentimental vs Practical-10 Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sentimental vs Practical-10

(10) રોલ નં. 33 !

એ દિવસે અચાનક ગામમાં એક વિચિત્ર બિમારીનો પગપેસરો થયો ને લોકો ટપોટપ મરવા લાગ્યાં પરંતુ આ રોગના મૂળ સુધી કોઈ પહોંચી ન શક્યું. જેઓ પાસે થોડા ઘણા રૂપિયા હતાં તેઓ ગામ છોડીને જવા લાગ્યાં. મારા કપટી બન્ને કાકાઓ ખૂમાણ અને ખેમરાજ પણ તેમના પરિવારના અન્ય સભ્યોને લઈને અમદાવાદમાં તેઓના કોઈ સંબધીઓને ત્યાં જતાં રહ્યાં હતાં. અમે ક્યાં જઈ શકતાં હતાં ? મુંબઈમાં મારા પિતા એક ગોલકા જેવી ઓરડીમાં રહેતા ? ત્યાં અમારો કાયમી સમાવેશ થઈ શકે તેવી કોઈ શક્યતાં જ ન હતી. અમારી સાથે ગામમાં હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પરિવારો રોકાયાં હતાં.

મને યાદ છે તે દિવસે સ્કૂલેથી છૂટયાં બાદ હું ગામના પાદરે આવેલા પેલા કપટી કાકાઓના તબેલાની આસપાસ અમારી ગાય ચરાવી રહ્યો હતો, મેં જોયુ કે, તબેલાનો રખેવાળ કંઈક વધુ પડતો ચિંતિત દેખાઈ રહ્યો હતો તેની સાથે અન્ય એક વ્યક્તિ ઉભી હતી, હું તેને ઓળખતો ન હતો. કદાચ તે બાજૂના ગામમાંથી આવી હતી. એ વ્યક્તિ ઘોડાઓની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી હતી. તેણે એક ઘોડાની પીઠ પર હાથ મૂક્યો. એ વ્યક્તિ દેખાવે ગરીબડો લાગવા છતાં તેણે અસલી હીરાની વીંટી પહેરી હોય તેવું મને લાગ્યું. હું તેનું મોઢુ જોઈ ન શક્યો કારણ કે, તેણે પણ પેલા રખેવાળની જેમ પોતાના મોઢા પર બૂકાની બાંધી રાખી હતી. તેઓની વાતો સાંભળવા હું તબેલાના પાછળના ભાગમાં સંતાયો.

‘એલા..મના જોને આ ઘોડાને શું થીયુ સે, સંધેય ગુમડા ફૂટી નીકળ્યા સે’ રખેવાળે સામેની વ્યક્તિને ચિંતિત સ્વરે કહ્યું.

‘બહુ વાઈસ મારે સે હે ને રઘા, તે શેઠને કીધુ કે નહીં હવે આપણે કામ પડતુ મૂકવું પઈડસે ?’ ઘોડાની તપાસ કરી રહેલો મનો બોલ્યો.

શેઠ કે સે થોડો દિ’ તબેલામાં જ રાખી મૂઈક, દાક્તર-બાક્તરને કહેણ મોકલસુ તો ઘોડાવની દવા-દારૂ કઈરશે અને ક્યાંક આ ઘોડાવને જૂલાબ થઈ ગ્યો તો સંધોય ભાંડો ફૂટી જાહે ? રઘો બોલ્યો

કેમ શું થઈસુ આ ઘોડાવને ?’ મનાએ કહ્યું.

રઘાએ આગળ-પાછળ નજર કરી અને ધીરેથી મનાની નજીક આવીને કહ્યું ‘મના ખા પેલી નવજોગણીના સમ, તું કોઈને કઈશ નહીં ?’

‘તને ભરોહો નથ. જા ખાધા પેલી નવજોગણીના સમ, કોઈને નહીં કવ..પણ તું કંઈક માડીને વાત કઈર તો ખબર પડે ને’

‘મના, આ સંધાય ઘોડાઓને કોઈ વિચિતર રોગ લાઈગો સે, આખા ડીલે ગૂમડા ફૂટી નીકળ્યા સે અને એમાંથી પરુ પડેસે, મારા બેટા એવી બાઈસ મારે સે કે, રાઈતે અહીં સૂવાના પણ દખ પડી ગયાં સે, હું તો રાઈતે એમને સૂટા મૂકી દવ સુ, ભલેને ગામમાં ફરતા મૂવા, આપણા બાપનું શું ? પણ ?’

પણ શું ? રઘા ?’ ચિંતિત સ્વરે મનો બોલ્યો.

‘જે દિ’થી આ ઘોડા સૂટા ફરે હે તે દિ’થી પેલી નવજોગણી માતાજીનો કોપ ઉઈતરો સે..કોઈને કોઈ ગામમાં મરી રીયુ સે, એટલે જ શેઈઠે કીધુ સે કે, જલ્દી મનજીને બોલાવો અને જે પણ નાખવા-કાઢવાનું સે તે કાઢી નાખો.

પણ અઈત્યારે ? મનો બોલ્યોં.

‘બીજુ શું હોય મના ?’ શેઈઠે તો ત્યાં સુધી કીધુ તું કે જ્યાં સુધી મનો જે કાઢવાનું સે તે કાઢી ન લે ત્યાં સુધી આ ઘોડાવને તબેલાની બાઈર પણ ન કાઢવા પણ તારા ક્યાં ઠેકાણા સે, બે દાન તારે ગામે ફરી આયવો પણ તું તો સૂરતના સક્કર મારતો ફરે સે.’

ભઈ, તારો શેઠ જાણે સે, સૂરત જવું જરૂરી સે, સોદો ત્યાં જ પાઈર પડે તેમ સે, પણ પસી તે શુ કઈરુ? મનાએ પુછયું.

આપણે તો શેઠની શિખામણ ઝાપા સુધી, સાળુ આ વાઈસમાં ઉંઈઘ ન આવે હો.. એયને આપણે તો રાઈત પડેને એટલે રેઢા મૂકી દઈ.ભલેને જે થાવું હોય તે થાય, આમેય ક્યાં કોઈને ખબર સે કે, આ ઝનાવર...’ રઘો વાક્ય પૂરુ કરે એ પહેલા જ મનાએ તેના મોઢા પર પોતાનો હાથ રાખી દીધો અને ગુસ્સે થઈને બોલ્યો ‘મૂંગો મઈર, તબેલાવને કાન હોય છે.

‘પણ મના તારે જી કરવું હોઈ તે જલદી કઈર, મને એંધાણ સારા દેખાત નથ’ રઘાએ કહ્યું.

‘એમ કાઈ લાડવા સે, આવું કામ તો ધરપત રાખવાથી જ થાય, હું રાણપરથી દવા લાયવો સું, આ ઘોડાને ખવરાવતા જ તેને જુલામ થાવા માંઈડશે અને પસી આપણુ કામ પણ પાર પડી જાહે પણ કિધુને થોડી ધરપત રાઈખ’ મનાએ કહ્યું.

‘તારે જે કઈરવું હોય તે જલ્દી કઈરજે પસી મને કેતો નહીં રઘાએ કીધુ નો તું, જો મોડુ થીયુ તો આપણા બેયનું મોત ભાળજે, પેલા બન્ને શેઠ તને ને મને છોડસે નહીં.’ રઘાના અવાજમાં ડર હતો.

એ દિવસે ચોરીછૂપીથી તબેલા પાછળ ઉભા રહી એ બન્નેની વાતો સાંભળીને હું એટલુ તો જાણી ગયો કે, પેલા ઘોડાઓ સાથે કોઈ વસ્તુ સંકળાયેલી હતી જે બન્ને છૂપાવી રહ્યાં હતાં અને બીજુ એ કે, આ ઘોડાઓના કારણે જ ગામમાં કોઈ જીવલેણ બીમારીએ ભરડો લીધો છે. મેં રાત્રે ફરી તબેલામાં જવાનો નિર્ધાર કર્યો પરંતુ મારી માં પાસે મારુ કઈ ન ચાલ્યું. મારી સુરક્ષા જોખમાય તેવા કોઈપણ કાર્યની છૂટ આપવા તે તૈયાર ન હતી. આમેય એક 12 વર્ષનો બાળક વધુમાં વધુ શું કરી શકે ? મારા ખાંખાખોરા કરવાનું અભિયાન અંતે મારે પડતુ મૂકવુ પડયું. તો પણ મેં હિમ્મત ન હારી. મારા મનમાં એક નવો વિચાર સ્ફુર્યો.

અમારે ઘેર મારા પિતાના પત્રો લઈને મહિનામાં એકાદ-બે વાર આવતા પેલા ટપાલી કાકા જ મને ટપાલ કેમ લખવી તે શીખવ્યું હતું. હવે તો હું પણ ટપાલ લખવા માંડયો હતો. મારા પિતાને પણ મારા અક્ષર ગમવા લાગ્યાં હતાં. ટપાલી કાકા મારા મિત્ર બની ચૂક્યા હતાં તેમને મેં આ સમગ્ર ઘટનાક્રમ અંગે વાકેફ કર્યા. શરૂઆતમાં તો તેમણે થોડી આનાકાની કરી પરંતુ બાદમાં માંડમાંડ ગામ પર આવેલી આ વિપદાનો નિવાડો લાવવા માટે તેઓ તૈયાર થયાં. તેમણે મને રાજ્યના પશુપાલન વિભાગનું સરનામુ, એક કોરી ટપાલ અને પેન આપી. તેમણે ધાર્યુ હોત તો તેઓ ખુદ આ પત્ર લખી શક્યાં હોત પરંતુ આ ગામમાં હજુ ઘણા વર્ષો સુધી તેમને નોકરી કરવાની હતી, ‘ન કરે નારાયણ’ને તેમના અક્ષરો ઓળખાઈ જાય તો તેમનું તો આવી જ બને, ટપાલી કાકા પેલા કપટી કાકાઓના સ્વભાવ અને તેઓ કઈ હદ સુધી જઈ શકે તે સારી પેઠે જાણતા હતાં.

બુધ્ધા, આપને વિશ્વાસમાં નહીં આવે ગામની ભાગોળે આવેલા નવજોગણીના મંદિરે મેં એ પત્ર લખ્યો હતો તેનું લખાણ હજુ પણ મારી સ્મૃતિઓમાં સચવાયેલું છે.

નમસ્કાર સાહેબ.

સવિનય સાથ જણાવાનું કે, સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા અમારા ગામ મીણાપુરમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ બિમારી લાગૂ પડી છે, અમને ખબર પડતી નથી કે, શું થયું છે પણ સાજાસરવા જેઠા પટેલ અચાનક જ સવારે મરી ગયા અને કંકૂકાકી એ તો ખેતરે કામ કરતા-કરતા જ આંખો બધ કરી દીધી, ભીમો કોળી તો રાણપૂરમાં હટાણુ લેવા ગ્યો તો, હટાણાની સાથે તેની લાશ પાછી આવી, મને એવું લાગે છે કે, ગામને પાદરે આવેલા તબેલામાં રાખેલા ઘોડાઓના કારણે જ આ રોગ ગામમાં ફેલાયો છે, આપ ડોક્ટર સાથે આવો, નહી તો ગામમાં એક પણ માણસ નહીં બચે.

લી.

રોલ નં. 33

(પ્રાથમિક શાળા-મીણાપુર)

રોલ નં.33 ! મારા નિશાળના સાહેબ હમેશા મને રોલ નં.33 જ કહેતા, એ સ્કૂલમાં મારા જેવા અનેક વિદ્યાર્થીઓની ફોજ હતી. જ્યારે પણ સાહેબ બોલાવે ત્યારે હાજરીપત્રક પ્રમાણે જ અમારા નામ લેવામાં આવતા હતાં.આ આંકડો અમારા જીવન સાથે એવી રીતે વણાઈ ગયો હતો કે, હવે તો અમારા માતા-પિતા પણ અમારુ વાસ્વિક નામ ભાગ્યે જ બોલતા અને સાહેબ જે નામ બોલતા તે નામથી જ બોલાવતાં. એ સમયે અમારા ગામમાં બાળકીઓને ભણાવવાની છૂટ ન હતી નહીં તો તેઓને પણ કંઈક આ પ્રકારના જ રોલ નંબર અપાયાં હતાં.

ખેર, એ સ્કૂલમાંથી ભણીને બહાર નિકળેલા કેટલાક વિદ્યાર્થીઓએ તો પોતાના લગ્નની કંકોતરીમાં પણ પોતાના સાચા નામની સાથે ‘કાઉન્સ’માં રોલ નંબર લખ્યાના દાખલા હતાં. અન્ય કોઈને ફાયદો થયો કે નહીં તેની ખબર નથી પરંતુ તેઓની પત્નીઓને અચૂક ફાયદો થયો હતો. આમેય આ ગામમાં કોઈપણ ત્રી પતિનું નામ પોતાના મોઢે લેતી નહીં તે હવે સરળતાથી સામેની વ્યક્તિને પોતાના પતિના નામનો આંકડો આપી દેતી હતી. અમારા માસ્તરને દર વર્ષે કેટલો પગાર વધારો મળ્યો તે યાદ રહેતુ પણ ખબર નહીં કેમ અમારા સાચા નામ યાદ રાખવામાં તેમના હાજા ગગડી જતાં હતાં.

બુધ્ધા, એ દિવસે રોલ નં.33 દ્વારા લખાયેલા એ પત્રની જોરદાર અસર પડી અને એક દિવસે સવારે...... (ક્રમશઃ)