Sentimental Vs Practical - 5 books and stories free download online pdf in Gujarati

Sentimental Vs Practical - 5

(5)

શું હતું એ ચહેરામાં ?

‘ખબર નહીં પરંતુ એ દિવસે ચક્રવાત સર્જાયો ? શરત પૂર્ણ કરવા માટે હવાઈ માર્ગે જે રસ્તા પરથી મારે જવાનું હતું તે માર્ગમાં હૂ ભૂલો પડયો, આવું ક્યારેય પણ મારી સાથે બન્યું ન હતું. અધુરામાં પુરું એ દિવસે કોઈપણ રીતે શરત જીતવાની મથામણે મને વિચારમગ્ન બનાવી દીધો હતો જેને લીધે પણ મને આકાશી માર્ગનું ભાન ન રહ્યું. મારે મ્યાનમાર થઈને ચીનમાં પ્રવેશવાનું હતું પરંતુ હું ભૂલથી ભારતના સીમાડાઓમાં આવી ચડયો. જોતજોતામાં એ ચક્રવાતે ભયાનંક રૂપ ધારણ કર્યુ, હુ મારુ સમતુલન ગુમાવી બેઠો અને મારી પોટલી ?

લાફીંગ બુધ્ધાએ નિશ્વાસ મૂક્તા કહ્યું

‘શું થયુ તમારી પોટલીને’ ? મેં આશ્ચર્યભાવ સાથે પુછયું

‘મારા ખભે લટકાવેલી એ પોટલી આકાશમાં હજારો કિલોમીટરની ઉંચાઈ પરથી ભારતમાં મધ્યભાગમાં આવેલા કોઈ શહેરમાં પડી ગઈ હતી. તેને શોધવા નાછૂટકે મારે ભારતની ભૂમિ પર ઉતરવું પડયું

‘પણ શરત પૂર્ણ કરવા તમે પોટલી વગર પણ તુરંત પાછા જઈ શક્યાં હોત, એવું કેમ ન કર્યુ ?’ મેં કહ્યું

‘પોટલી વગર મારુ જવું અશક્ય હતું,તેમાં શરતના નિયમોનો ઉલ્લંઘન થતો હતો’ બુધ્ધાએ કહ્યું.

‘પણ તમે તમારી દૈવીશક્તિનો ઉપયોગ કરીને હૂબહુ બીજી પોટલી પણ ઉત્પન્ન કરી શક્યાં હોત ? કોને ખબર પડવાની હતી’ મેં કહ્યું.

‘ભલે મારા મિત્રઓએ મને દગો આપ્યો પણ હું એવું કરવા માંગતો ન હતો ?’

દગો આપ્યો ? પણ કેવી રીતે ? મેં પુછયું.

‘તેઓ પહેલી જ જાણતા હતાં કે, દક્ષિણી ચીની સમુદ્રમાં ચક્રવાત સર્જાયો છે જેના કારણે તે ગાંડોતૂર બની ચૂક્યો છે,ભયંકર વાવાઝોડું તેઓને શરત જીતાડવા માટે વિક્ષેપ સર્જશે અને એટલા માટે જ તેઓએ અન્ય દિશાઓ પસંદ કરી.’ હું દિશાવિહીન થઈ ચૂક્યો હતો, ચક્રવાંતને લીધે મને ભારતનો મધ્યભાગ પણ નજરે ન ચડી શક્યો અને ભૂલથી હું એ સ્થળે જઈ પહોચ્યો જેને લોકો વારાણસી અને કાશીના નામે ઓળખે છે. આ શહેરના મણિકર્ણીકા ઘાટ પર મેં જે જોયું તેણે મારું હૈયુ હચમચાવી નાખ્યું’ લાફિંગ બુધ્ધાએ કહ્યું

‘મણિકર્ણીકા ઘાટ વિષે મેં પણ મારી દાદી પાસેથી ઘણું બધુ સાભળ્યું હતું, હિન્દુ પૌરાણિક માન્યતાનુસાર શિવજીએ જ્યારે પોતાનું ત્રીજુ નેત્ર ખોલીને દુનિયાના સંહારની શરૂઆત કરી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ કાશી જેવી પવિત્ર નગરીને મહાદેવના કોપથી બચાવી લેવા તેમની તપસ્યા શરૂ કરી, ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા પરંતુ વિષ્ણુની માગણીને ગ્રાહ્ય રાખતા પૂર્વે તેમણે દેવી પાર્વતી સાથે કાશીએ જવાનું વિચાર્યુ. શિવ-પાર્વતીના સ્વાગત માટે વિષ્ણુએ તમામ તૈયારીઓ આદરી ત્યાં સુધી કે, તેઓના સ્નાન માટે એક વિશાળ કુંડ પણ ગંગા નદીને કિનારે બનાવ્યો. કહેવાય છે કે, જ્યારે શિવે એ કૂંડમાં સ્નાન કર્યુ ત્યારે તેમનું કાનનું કૂંડળ તેમાં પડી ગયું અને બસ ત્યારથી એ ઘાટને મણિકર્ણિકા ઘાટ નામ અપાયું જેનો અર્થ ‘કાનનું કૂંડળ’ એવો થાય છે.’ મેં કહ્યું

‘એ ઘાટ પર જે મેં જોયુ તેવું ક્યારેય પણ જોયુ ન હતું’ લાફીંગ બુધ્ધાએ ફરી પોતાની વાતનું પુનરાવર્તન કર્યુ.

‘શું જોયું ? મૃતદેહો જ જોયા હશે, અમારે ત્યાં સૂરતનું જમણ અને કાશીનું મરણ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે, અહીંની ભૂમિ પર જે દેહ પંચમહાભૂતમાં વિલીન થાય છે તેને સીધો મોક્ષ મળે છે. જીવનની ઢળતી સંધ્યાએ પહોંચેલા ઘણાખરા હિન્દુ લોકો અહીં આવીને મૃત્યુની રાહ જોતા હોય છે તેઓ માટે હવે તો રહેવાની સુવિધા પણ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે.’ લાફિંગ બુધ્ધાની શંકા અને કાશી પ્રત્યેના અહોભાવનું સમાધાન કરતા મેં કહ્યું.

મને યાદ આવ્યું કે, હકીકતમાં એ વાત સુપ્રિયાએ મને કહી હતી, તેના કોઈ દૂરના સબંધી કે જેઓ પૈસે ટકે પૂરી રીતે સુખી સંપન્ન હતાં તેઓએ જીવનની ઢળતી સંધ્યાએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધુ અને કાશી જવા નીકળી પડયાં હતાં બન્ને પતિ-પત્ની ત્યાં મહિનાઓ સુધી રહ્યાં હતાં અને કાળક્રમે મૃત્યુ પામ્યાં હતાં.

‘મૃતદેહો તો મેં અનેક જોયા છે પણ ?’ વાતને અધૂરી મૂકતા લાફિંગ બુધ્ધાએ કહ્યું

પણ શું ?

એ મૃતદેહોનો આ રીતે નિકાલ..?

કેમ ? મેં પુછયું

મેં ક્યારેય પણ એ દ્રશ્ય જોયુ ન હતું, જ્યાં જુઓ ત્યાં બસ લાકડાઓના ઉચા ઢગલા અને એ ઢગલાની આગળ મૃતદેહો સાથે ઉભેલા સ્વજનો, ચારે તરફ સળગતી ચિતાઓ અને વિલાપ કરતા લોકો.દુ:ખની એ ઘડીને સધિયારો આપવો તો દૂર રહ્યો, ગંગામાં નૌકાવિહાર કરી રહેલા કેટલાક પર્યટકો પોતાના મોબાઈલમાં તેના વીડિયો ઉતારી રહ્યાં હતાં તો કોઈક ફોટા ખેંચી રહ્યું હતું. મારા માટે આ દ્રશ્ય આશ્ચર્ય પમાડનારું હતું.

‘બુધ્ધા તેમા આશ્ચર્ય કરવા જેવી કોઈ વાત નથી ? ભારતમાં આ બધુ હવે સામાન્ય બની ચૂક્યું છે. આ દેશમાં દર વર્ષે નવ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. મણિકર્ણિકા ઘાટ પર તો રોજના 300 થી વધુ મૃતદેહોના અગ્નિસંસ્કાર થાય છે, આ પરિસ્થિતીમાં કોઈ વીડિયો ઉતારે તો તેમાં દુ:ખી થવા જેવું શું છે ? આમેય ટેક્નોલોજીએ મનુષ્યને સંવેદનાહિન બનાવી દીધો છે’ મેં કહ્યું.

‘એવું નથી, આગળનું દ્રશ્ય એનાથી પણ વધુ ભયાનક હતું.’ બુધ્ધાએ કહ્યું

કેમ શું જોયું ?

‘મેં જોયું કે, એક ગરીબ પરીવાર પોતાના કોઈ સ્વજનનો મૃતદેહ લઈને આ ઘાટ પર આવ્યો, વાસના બંબુ સાથે વીટાળેલા એ મૃતદેહને સૌપ્રથમ ઘાટના પગથિયા પર મૂકવામાં આવ્યો, તેના પર કેસરી રંગનુ કફન ઓઢાડવામાં આવ્યું હતું. થોડી વાર પછી એ પરિવારના ચાર સભ્યો મૃતદેહને લઈને ગંગા નદી તરફ ચાલ્યા, નદીમાં ગોઠણડૂબ પહોચ્યા પછી તેઓએ ત્રણ વખત એ મૃતદેહ સાથે ગંગામાં ડૂબકી લગાવી અને ફરી તેને લઈને ઘાટ પર આવ્યાં. પાણીથી તરબતર એ ‘નનામી’ને સૂકવવા માટે ફરી એ ઘાટના પગથિયે મૂકવામાં આવી.’

‘પછી શું થયું ?’

‘મૃતદેહને પગથિયે મૂકીને એ લોકો કોઈ વ્યક્તિને બોલાવવા ગયાં હતાં. મેં દૂરથી જોયુ તો તેઓ વચ્ચે કંઈક રકઝંક થઈ રહી હતી, આ તરફ જ્યાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો ત્યાં આસપાસ કેટલીક ગાયો અને બકરીઓ પણ હતી, અચાનક એક ગાય આ નનામી પાસે આવી ચડી અને તેણે ઠાઠડીની સાથે વીટાળેલા ફૂલો ખાવાનું શરૂ કર્યુ, ફૂલોની સાથોસાથ પેલુ કેસરી વત્ર પણ તે ચાવવા માંડી,ધીરેધીરે દોરી વડે બાંધેલુ એ કપડુ ઢીલુ થયુ અને પેલા મૃતદેહના મુખ પરથી સરી પડયું અને પછી અચાનક જ કપડા પાછળના એ આદમીનો ચહેરો મને દેખાયો..તે ચહેરો ?’ લાફિંગ બુધ્ધા એટલુ કહેતા અટકી ગયાં.

શું હતું એ ચહેરામાં ? મેં કહ્યું.

બુધ્ધાએ કહ્યું ‘આજદિન સુધી મેં સાભળ્યું હતું કે, મજ્જા, અસ્થિ,મેદ, માંસ,લોહી, ચર્મ અને ત્વચા આ સાત ધાતુઓ વડે મનુષ્યોનો દેહ બને છે પણ મને એ વ્યક્તિના ચહેરા પર તો ગરીબી,લાચારી, તિરસ્કાર અને ભૂખમરાનું સમિશ્રણ પણ જોવા મળ્યું. બે કલાક સુધી એ મૃતદેહ ત્યાં રેઢો પડયો હતો. મેં જોયુ કે, પેલા લોકોની રકઝંક હજુ પણ ચાલુ હતી, ઘણુ મનાવ્યા બાદ અંતે સામેની વ્યક્તિ તેમની સાથે આવવા તૈયાર થઈ. એ વ્યક્તિ ‘ડોમ’ જાતિનો હતો. કાશીમાં જ કર્મકાંડ કરતા એક પડિત પાસેથી જાણ્યું કે, હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર મૃતદેહને લાબા સમય સુધી રાખવો અશુભ માનવામાં આવે છે, એમાંય જો કોઈ વ્યક્તિનું બિમારીને લીધે મોત થયું હોય તો તેનો દેહને અમૂક કલાકોથી વધુ સમય સુધી રાખવામાં આવે તો તેને લીધે અન્ય લોકોમાં પણ ચેપ લાગવાનો ભય રહે છે. ‘ડોમ’ જાતિના એ દલિતોને અછૂતનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમને એક વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે.’

ક્યો વિશેષાધિકાર ? મેં પુછયું

‘મૃતદેહોને નનામીથી અલગ કરવાથી લઈને અત્યેષ્ઠી કરવા સુધીનો એકાધિકાર ? તેમને મળેલા આ વિશેષ અધિકારનો તેઓ દૂરઉપયોગ કરી રહ્યાં છે, વારાણસીમાં અતિમવિધિ વેપાર બની ચૂકી છે અને કહેવાતા એ દલિતો રાતોરાત શ્રીમંત થઈ ચૂક્યાં છે.’ બુધ્ધાએ કહ્યું

પછી શું થયુ બુધ્ધા ? મેં કહ્યું

‘પેલો વ્યક્તિ કંઈક વધુ પડતી ઉતાવળ કરી રહ્યો હતો અને વારંવાર ગુસ્સે થઈ રહ્યો હતો. હવે મને સમજાઈ ચૂક્યું હતું કે, એ રંકઝક શેની હતી ? નક્કી પેલા વ્યક્તિએ ‘અગ્નિસંસ્કાર’ કરવા માટે જે રકમ કહી હશે તે ચૂકવવાનું ગજુ આ ગરીબ પરિવારનું ન હતું અને નાછૂટકે તેને ઓછા રૂપિયે કામ કરવું પડયું હતું. અંતે ઘાટના પગથિયે સૂકવવા માટે મૂકવામાં આવેલી એ નનામીને એક ચોક્કસ સ્થાન પર લઈ જવામાં આવી. પેલા પાડિંતે મને જણાવ્યું કે, ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિન્દુ ધર્મમાં માનવજાતિને બ્રાહ્મણ,ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવી છે. મણિકર્ણિકા ઘાટ પર મૃતક ક્યાં વર્ણનો હતો તેના આધારે તેના સ્વજનોને અગ્નિદાહ માટે જગ્યાઓ ફાળવવામાં આવે છે.’

‘પછી શું થયું ?’ મેં પૂછયું. બુધ્ધાની વાતો જાણવા હું આતુર હતો.

બુધ્ધાએ કહેવાનું ચાલ્યુ રાખ્યું ‘એ મૃતદેહને નનામીમાંથી છોડવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરાઈ, ચિતાને અગ્નિદાહ આપવા માટે લાકડાની જરૂર હતી. પેલો ઠાઠડી છોડનારો વ્યક્તિ સમજી ચૂક્યો હતો કે, એ મૃતદેહના ભાગ્યમાં ચંદન કે, સાગનું લાકડુ ન હતું. તેણે પેલા ગરીબ પરિવારને આંબાના વૃક્ષનું સસ્તુ લાકડુ ખરીદવા કહ્યું. પછી તે એક ચોક્કસ વેપારી પાસે તેઓને લઈ ગયો, મને લાગ્યું કે, લાકડાની ખરીદીમાં પણ તેનું કમિશન હતું. લાબી મૂછો ધરાવતો એ વેપારી મોટા ત્રાજવાઓ પર લાકડાઓને પણ ‘ઘી’ની જેમ જોખી રહ્યો હતો. મેં જાણ્યું કે, કોઈ પણ શબને બાળવા માટે ઓછામાં ઓછુ 300 કિલો લાકડુ જરૂરી હતુ પણ એટલુ લાકડુ ખરીદવાના રૂપિયા એ પરિવાર પાસે ન હતાં.

પછી શું થયું ? શું એ શબને અગ્નિદાહ ન આપી શકાયો ?’ મેં પૂછયું.

‘પછી જે થયું તેની કલ્પના ભાગ્યે જ કોઈ કરી શકે ?’ જાણે કોઈ અનિષ્ઠ ઘટનાક્રમ નજર સમક્ષ તરવરી રહ્યો હોય તેમ બુધ્ધાએ કહ્યું.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED