Sentimental vs Prectical Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sentimental vs Prectical

(2)

બે ગરોળીઓનો પ્રેમ !

ઈંદોરમાં બંગાળી ચૌરાહા પાસે ટેલીફોન નગરમાં આવેલા 31 નબરના એ મકાનની નાનકડી રૂમના પલગ પર હૂં સૂતો હતો. એ જ રૂમ અને એ પથારી જેના પર સુપ્રિયા મારી સાથે કેટલીયેવાર બેઠી હતી.મારી જોડે પ્રેમમાં મગ્ન બની હતી, ફરી આ તમામ સંસ્મરણો મારા સ્મૃતિપટ પર ક્ષણવાર માટે તાજા થયાં, ને તરવરવા લાગ્યાં. કેટલા સુખદ હતાં એ સંસ્મરણો ? સાચે તેને યાદ કરવામાં પણ હું એક જાતનો આનંદ અનુભવતો હતો. જાણે મારા એ આનંદથી અભીભૂત થઈ ગયો હોય તેમ બારી બહાર વરસાદ પણ ‘નર્તન’ કરી રહ્યો હતો. લાઈટ તો ક્યારની જતી રહી હતી, નાનકડો દીવો પ્રકાશ રેલાવતો હતો. ક્યારેક ક્યારેક પવન પડી જતાં દિવાની જ્યોત કપાળ પરના તિલકની જેમ સીધી ઉભી રહી જતી હતી.

પલંગની સામેની દિવાલ પર અસંખ્ય પુસ્તકોના થપ્પા લાગેલા હતાં.સૌથી ઉપર રાખેલુ પુસ્તક સુપ્રિયાએ મને ભેટમાં આપ્યું હતું, આ પુસ્તક કોઈ ‘રોમેન્ટીક’ પુસ્તક ન હતું. બી.એફ ઓસ્ટિન નામના કોઈ મહાશયે ‘હાઉ ટુ મેક મની’ ?( નાણા કેવી રીતે કમાવવા ?) વિષય પર પોતાનું જ્ઞાન પિરસ્યુ હતું. સૌગંધ ખાઈને કહું છું કે, જીવથી પણ વધુ વ્હાલી સુપ્રિયાએ આપેલા આ પુસ્તકનું એક પાનું પણ મેં ખોલ્યું ન હતું. કારણ કે, મારા માટે નાણાનુ મૂલ્ય પ્રેમથી સવિશેષ ન હતું.

અચાનક જ એ પુસ્તકોના થપ્પા પાછળથી ગરોળીએ ડોકીયુ બહાર કાઢ્યું. તે એકલી ન હતી થોડીવાર બીજી ગરોળીની મુખમુદ્રા પણ દેખાઈ, બન્નેમાંથી કોણ નર હતું અને કોણ માદા ? તે કળવું અશક્ય હતું પરંતુ એક તર્કના આધારે મારી એ શંકાનું સમાધાન પણ થઈ ગયું. એક ગરોળીનું શરીર દુબળુ-પાતળુ અને મરિયલ જેવું દેખાતુ હતું જ્યારે બીજી ખાધેપીધે સુખી હોય તેવી તેની દેહરચના હતી. પેલી દૂબળી-પાતળી ગરોળીમાં ક્યારેય પણ સ્થિરતા ન હતી, શિકારની શોધ કરવા માટે તે રોજ રાત્રે મારી નાનકડી ઓરડીની ચારેય દિવાલોની ખુંદી વળતી.

આશ્ચર્ય એ વાતનું હતું કે, ભાગ્યે જ મેં તેને પોતે પકડેલા શિકારને ‘ચાંઉ’ કરતા જોઈ હતી જ્યારે પણ કોઈ નાનુ-મોટુ જીવડુ તેના મોઢામાં આવી જતું કે ફટ દઈને તે પેલી આળસુ ગરોળી કે જેનુ અડધુ જ શરીર જ પુસ્તકોના થપ્પા વચ્ચે મને દેખાતુ હતું તેના મોઢામાં મૂકી દેતી હતી.. તડતોડ મહેનત કરી, પરસેવો પાડી, ભૂખ્યા રહી, સામેવાળાની ઈચ્છાઓને ‘તૃપ્ત’ કરી શકે તે નર જ હોઈ શકે ! તેવું મેં અનુમાન બાંધ્યુ હતું અને જો તે સાચુ હોય તો પણ પોતાની પ્રેયસીને ખુશ કરવા માટેનો આટલો અથાગ પરિશ્રમ મને સમજતો ન હતો, આજે એ રહસ્ય પરથી પણ પરદો ઉચકાયો હતો.

જેને હું આળસુ માનતો હતો તે માદા ગરોળીએ આજે પોતાનું શરીર પુસ્તકોના થપ્પામાંથી થોડુ વધુ બહાર કાઢયું ને તેને જોતા જ મારી આખો સુન્ન થઈ ગઈ..એ ગરોળીને પાછલા બન્ને પગ જ ન હતાં. શિકાર પકડવા માટે ઝડપભેર એક ડગલુ પણ તે માંડી શકે તેવી તેની ઓકાત ન હતી. જો તે ભૂખી રહેશે તો મરી જશે અને તેનો વિરહ અસહ્ય બની જશે એ વિચાર માત્રએ કદાચ પેલી સૂકલકડી ગરોળીને હચમચાવી નાખી હતી અને એટલા માટે જ તેની આ સંઘર્ષયાત્રા અવિરત ચાલુ હતી. આ તે કેવો પ્રેમ ? કેવુ સમર્પણ ? જે કુરૂપ દેખાતા પ્રાણીઓમાં પાગર્યો હતો અને સુંદર દેખાતા મનૂષ્યોમાં મરી પરવર્યો હતો ?

અચાનક જ પેલી જૂનીવાણી ઘડીયાળે વારાફરતી 3 ડંકા પાડયાં...સુપ્રિયાની સ્મૃતિમાં ખોવાયેલી મારુ મસ્તિસ્ક વાસ્તવિકતામાં પરત ફર્યુ જ્યાં સુખ વિદાય લઈ ચૂક્યું હતું અને દુ:ખ પોતાનો વિકરાળ પંજો ફેલાવીને અટ્ટહાસ્ય કરી રહ્યું હતું. આ દુ:ખ હવે અસહ્ય હતું. પ્રેમની લડાઈમાં હું પરાજિત થયો હતો, જીવન ભારરૂપ લાગવા માંડયુ હતું. મારી પાસે હવે એક જ વિકલ્પ બચ્યો હતો.

હું પથારીમાંથી ઉભો થયો, બાથરૂમમાં જઈને બ્રશ ઉપાડયું, ન્હાવા-ધોવા સહિતની તમામ ક્રિયાઓ પૂર્ણ કરી. કબાટમાંથી સુપ્રિયાએ આપેલો શર્ટ બહાર કાઢ્યો. અમારા બન્નેના નામનો પ્રથમ અક્ષર એબ્રોડરીથી તેના ખિસ્સા પર લખાયો હતો. પુસ્તકોના થપ્પા તરફ મારી નજર ગઈ, પેલી બન્ને ગરોળીઓ ત્યાં જ પ્રેમમગ્ન હતી. તેઓના પ્રેમમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઉભો કર્યા વગર સાવચેતીપૂર્વક મેં નજીકમાં પડેલી ડાયરી હાથમાં લીધી. આ ડાયરી મારા માટે સર્વસ્વ હતી કારણ કે, તેમાં આજદિન સુધીમાં સુપ્રિયાએ મને મોબાઈલમાં મોકલેલા તમામ ‘મેસેજ’ મેં મારા અક્ષરે ટાંકીને રાખ્યાં હતાં.

આજે માર્કેટમાં મોઘાદાટ મોબાઈલ ઉપલબ્ધ છે પરંતુ એ સમયે મારી પાસે ‘નોકિયા’નું વર્ષો જૂનુ મોડેલ હતું જેના ઈનબોક્સમાં માંડ 30-40 મેસેજ સ્ટોર થઈ શકતાં. ક્યારેક તો એવું થતું કે, ઓફિસના કામના ભારણને લીધે હું સમયસર તમામ મેસેજ ડાયરીમાં ન લખી શકતો અને ઓવર સ્ટોર થઈ ચૂકેલા ‘ઈનબોક્સ’ને લીધે પ્રિયાના નવા મેંસેજ અધ્ધવચ્ચે જ ફસાઈ રહેતા, જ્યાં સુધી એ નવા મેંસેજ મારી આંખો સમક્ષ ન આવતા ત્યાં સુધી હું ચિંતામાં જ રહેતો.

સુપ્રિયા શું કહેવા ઈચ્છતી હશે ? તે ક્યાંક મુશ્કેલીમાં તો નહીં હોય ને ? નહીં..નહીં..કદાચ તેણે કોઈ રોમેન્ટીક શાયરી મોકલી હશે ? આવા સારાનરસા વિચારોના તાણાવાણાંમાં મારુ મગજ ગુંચવાઈ જતું, હું તાબડતોડ ઘરે પહોંચી જતો અને મેંસેજ ડાયરીમાં લખવા માંડતો..જેમ જેમ ‘ઈન્બોક્સ’ ખાલી થતું જતું તેમ-તેમ નવા મેસેજ મોબાઈલ ક્રીન પર ચમકતા હતાં પરંતુ એ મેસેજમાં પ્રેમની વાતો જૂજ, કારર્કિદી ઘડતર અને રૂપિયા બનાવવા માટે કોઈ તજજ્ઞોએ પિરસેલુ જ્ઞાન વધુ જોવા મળતું.

સુપ્રિયાને ક્યારેય પણ મેં ખબર પડવા દીધી ન હતી કે, તેને મોકલેલા તમામ મેસેજ હું અક્ષરસહ ડાયરીમાં નોંધુ છું. મારી ઈચ્છા તેને સરપ્રાઈઝ આપવાની હતી. મેં ધાર્યુ હતું કે, જ્યારે મારા તેની સાથે લગ્ન થશે ત્યારે સુહાગરાતે તેનો ઘૂંઘટ ઉઠાવ્યાં બાદ પ્રથમ ભેટ તરીકે હું તેને આ ડાયરી તેને આપીશ, એ સમયે તેની પ્રતિક્રિયા કેવી રહેશે તે જાણવા માટે હું આતુર હતો. 500 પેજની આ ડાયરીમાં હવે માંડ આઠ-દસ પેજ બાકી બચ્યાં હતાં. મેં ડાયરીની સાથે સુપ્રિયાએ આપેલી તમામ ગિફ્ટ એક બેગમાં ભરી, જેમાં ‘બંટી-બબલી’ નામના બે ઢીંગલાઓ પણ હતાં.

પેન્ટના ખિસ્સામાંથી મેં પાકિટ બહાર કાઢયું. અંદર મમ્મી-પપ્પાનો ફોટો હતો.બે મિનિટ સુધી હું આ ફોટાને જોતો રહ્યો. આંખમાંથી એક ટીપું એ ફોટા પર પડયું, તેને લુછીને મમ્મી-પપ્પાને ચુંબન કર્યુ, ‘મને માફ કરી દેજો’ હું મનોમન બોલ્યો. પાકિટ ફરી ખિસ્સામાં મૂકતા પહેલા તેમાંથી રૂા.2500 કાઢીને પલંગ પર મૂક્યાં અને એક નાનકડી ચિઠ્ઠીમાં લખ્યું ‘શર્માજી તમારુ આ મહિનાનું રૂમ ભાડું’. શર્મા મારો મકાનમાલિક હતો.

આસમાનમાંથી સતત અને અવિરત વરસતા વરસાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી પરંતુ મારુ હૃદય તો ભડભડ બળતી આગ પર ચડેલી હાંડીની જેમ સુપ્રિયાના વિરહમાં ઉકળી રહ્યું હતું. આકાશમાં ધરતીથી હજારો માઈલ ઉચાંઈ પર ચંદ્ર અને તારાઓ પણ આજે મારો સાથ દેવા તૈયાર ન હતાં અને કાળાડિંબાગ વાદળો પાછળ છૂપાઈ ગયાં હતાં. એવામાં અચાનક જ પવનની એક જોરદાર લહેરખી આવી અને પેલી ‘ડગમગ’ થતી દીવાની જ્યોત પણ ઓલવાઈ ગઈ. કદાચ મારા ભાવિ મૃત્યુનું તે આગોતરુ એંધાણ હતું. નાની બેગની સાથે એક ટોર્ચ અને છત્રી લઈને હું રૂમની બહાર નીકળી ગયો, એ રૂમ જે મારા સુખ-દુખને સાક્ષી બન્યો હતો તેને આજે હું છેલ્લી વિદાય આપી રહ્યો હતો તો ય અતીતનો પડછાયો મારો પીછો છોડતો ન હતો.