Sentimental vs Practical Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Sentimental vs Practical

વેજલકા સ્ટેશન

(11)

બુધ્ધા, એ દિવસે રોલ નં.33 દ્વારા લખાયેલા એ પત્રની જોરદાર અસર પડી. એક સવારે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ટીમ પોલીસ કાફલા સાથે અમારા ગામમાં આવી ચડી, તેણે પેલા તબેલામાં ધામા નાખ્યા. ઘોડાઓના લોહીના પરીક્ષણ લેતા પૂર્વે પેલા કપટી કાકાઓને અમદાવાદથી બોલાવી લેવામાં આવ્યાં હતાં. થોડા દિવસમાં જ હરિયાણાની પ્રયોગશાળામાંથી એ લોહીના નમૂનાનો રિપોર્ટ આવ્યો તેને જોઈને અધિકારીઓ પણ ચિંતામાં મૂકાઈ ગયાં.

‘અરે આ ઘોડાઓને તો ગ્લેન્ડર છે ? પરંતુ આટલા વર્ષો પછી ! આ રોગ તો ભૂલાઈ જ ગયો હતો, અચાનક આ ગામમાં કેવી રીતે આવી ચડયો’ ચિંતિત મુદ્રામાં પશુચિકિત્સકે પોતાની ટીમને કહ્યું. તાબડતોબ તેમણે જિલ્લા કલેક્ટરને એક સંદેશો મોકલ્યો. આ બધુ શું થઈ રહ્યું હતું મારા સહિતના તમામ ગ્રામજનો હજુ સુધી તેનાથી અજાણ હતાં.

શું થયુ સે સાહેબ ? ગામના સરપંચે અચકાતા-અચકાતા એક ડોક્ટરને પૂછયું

‘જીવલેણ રોગ ગ્લેન્ડર છે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસરે છે અને તેઓના બચવાના ચાન્સ ખૂબ જ ઓછા રહે છે’ ડોક્ટરે કહ્યું.

‘તો શું આ માણહ આ રોગને લીધે મરયા સે સાહેબ’ સરપંચે ફરી પુછયું

‘બીજુ શું ? સારુ થયું અમે વહેલા આવી ગયાં, નહીતર આ ગામનું નિકંદન નીકળી ગયું હોત. આ આટલા તમે જે અમારી સામે ઉભા છો એ પણ બચ્યાં ન હોત’ ડોક્ટરે કડકાઈથી કહ્યું

‘પણ તમને કોણે કીધુ ?’ સરપંચે થથરાતા અવાજે પુછયું

‘તમારા ગામમાંથી જ કોઈએ રાજ્યના પશુપાલન વિભાગને ટપાલ મારફત જાણ કરી હતી અને તેઓએ અમને એ મેસેજ ફોરવર્ડ કર્યે, અમને આશ્ચર્ય એ વાતનું છે કે, ટપાલ લખનારે પોતાનું નામ રોલ નં.33 કહ્યું છે.’

‘એ કોઈ માસ્તરને બરકો એને જ ખબર હઈસે કે, આ રોલ નં.33 કોણ સે ?’ સરપંચે ટોળામાં જોરથી રાડ નાખી. થોડીવારમાં માસ્તર આવ્યા અને ટોળાની સૌથી પાછળ મને ઉભેલો જોઈને મારી તરફ આગળી ચીંધતા કહ્યું એ રહ્યો રોલ નં.33 !’

એક સાથે અનેક લોકોની આંખો મારા પર મંડાઈ, હજુ હું કઈ સમજુ-વિચારુ તે પહેલા તો એ ટોળુ મારી તરફ ધસી આવ્યું. ગામના જુવાનિયાઓ મને ખભે ઉચકી લીધો અને બે-ત્રણ વાર હવામાં જાણે કોઈ ફૂટબોલને ઉછાળતા હોય તેમ મને આમતેમ ઉછાળ્યો. ‘જેને લંબાઈ છે પણ પહોળાઈ નથી’ એવી ભૂમિતિની રેખાની વ્યાખ્યાનું સ્મરણ કરાવતું મારું વજનવિહોણું પાતળું શરીર એ દિવસે અન્ય લોકો માટે જાણે મજાકનું સાધન બની ગયું હતું. હકીકતમાં એ દિવસે જ મને ખ્યાલ આવ્યો કે, મારુ વજન બહુ ઓછુ છે છતાં એ વજન ગુરુત્વાકર્ષણના નિયમથી પર થઈ ન શક્યું, જે ગતિએ હું આકાશ તરફ ખેંચાયો એ જ ગતિએ પૃથ્વીએ પણ મને નીચે ખેંચ્યો અને એ ખેંચતાણમાં પેલા જુવાનિયાઓ મારુ સરક્ષણ ન કરી શક્યાં. હુ ધબાગ દઈને નીચે પડયો. મારો બરડો છોલાઈ ગયો હતો. ‘

ભૂવા-ભરાડીના ભરોસે ચાલતા આ ગામમાં ક્યારેય કોઈ ડોક્ટર ફરક્યું ન હતું અને આજે મારા કારણે ડોક્ટરોની એક આખી ફોજ ઉતરી આવી હતી. દરેક ઘરના સભ્યોનું આ ડોક્ટરોએ ચેકિંગ કર્યુ અને જરૂરી દવાઓ આપી.ગામના ઝાપે આવેલા શિવમંદિરના ઉંચા ઓટલે પશુચિકિત્સક ઉભા હતા અને ગ્રામજનોએ હવે પછી શું કાળજી રાખવાની છે ? તેની જરૂરી માહિતી આપી રહ્યાં હતાં અમે કેટલાક વિદ્યાર્થીઓ અને ગામના ગણ્યા-ગાંઠયાં લોકો નીચે ઉભા રહીને તેમની વાત સાંભળી રહ્યાં હતાં.

એકાએક પેલા પશુચિક્ત્સિકે મને ઉપર બોલાવ્યો, જ્યારે હું તેમની પાસે પહોંચ્યો ત્યારે ખિસ્સામાંથી રૂા.101 અને જલેબી-ગાંઠિયા પેક કરેલુ એક પડીકુ મને ભેટ આપ્યું. તાળીઓના ગળગળાટ વચ્ચે મેં ‘રોલ નં.33 જીંદાબાદ’, ‘રોલ નં.33 જીંદાબાદ’નો ગગનભેદી નાદ સાંભળ્યો, મને થયું કમસે કમ એ દિવસે તો મારા મિત્રોએ મારા સાચા નામનો નારો લગાવવો જોઈતો હતો તો ય મને કોઈ અફસોસ ન હતો. બરડો છોલાઈ જવાની પીડા વચ્ચે પણ હું એક સમ્રાટ જેવો અનૂભવ કરી રહ્યો હતો. એ ભીડમાં મારો પરિવાર પણ ઉભો હતો. તેઓની આખમાંથી હર્ષનો દરિયો છલકાતો હતો જેના બે કારણો તો. એક તો તેમના કૂળદિપકે મહાન પરાક્રમ કર્યુ હતું અને બીજુ રૂા.101ના ઈનામની રકમ થોડો વધુ સમય તેમને ગરીબી સામે ટક્કર આપવામાં મદદરૂપ થનાર હતી. કદાચ એ વખતે જો મારા પિતા હાજર હોત તો તેઓ પોતાના પુત્રની શૂરવીરતા પર અચૂક ગદગદ થઈ ગયાં હોત.

બુધ્ધા, એ દિવસ મારા જીવનનો સૌથી સુખદ અને દુખદ દિવસ બની ગયો. જે ખભાઓએ દિવસ દરમિયાન મને ઉંચક્યો હતો એ જ ખભાઓએ રાત્રે અનેક ઘોડાઓના મૃતદેહ ઉપાડયાં. રોગચાળો વધુ ન વકરે તે માટે ડોક્ટરોને નાછૂટકે પેલા રોગિષ્ઠ ઘોડાઓને ઝેરી ઈન્જેક્શન આપીને મારવા પડયાં હતાં. પેલા તબેલામાં હવે એક પણ ઘોડો બચ્યો ન હતો ગામમાં કોઈ ચેપ ન ફેલાય એટલે ગ્રામજનોએ એ તબેલાને સળગાવી નાખ્યો. અશ્વોના એ મૃતદેહને ગામથી ઘણે દૂર એક ઉંડો ખાડો કરી દફનાવવામાં આવ્યાં અને તેમની કબર ઉપર પણ ખાસ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવ્યો. એ વખતે ગામના એકપણ જણને ત્યાં જવા દેવાયો ન હતો, ડોક્ટરો કોઈ વિચિત્ર વત્રો પહેરીને ગયાં હતાં જે બાદમાં સળગાવી દેવામાં આવ્યાં હતાં.

ગામ લોકો ખુશ હતાં કારણ કે, બધુ સમુસુતરુ પાર પડી ગયું હતું પરંતુ પેલા કપટી બન્ને ભાઈઓનો ગુસ્સો થમ્યો ન હતો. કોના કારણે તેમના 20 ઘોડા મર્યા અને તબેલો સળગાવી દેવામાં આવ્યો ? તેની જાણ તેમને થઈ ચૂકી હતી. ઘોડાને બદલે સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ વાત સ્વાભિમાનની હતી. ગામનો કોઈ ટેણિયો અને એય તેમનો દૂરનો ભત્રીજો તેમને ભારે પડે તે વાત તેમને વિશ્વાસમાં આવતી ન હતી.

શિવમંદિરના એ ઓટલાપરથી જ્યારે હું રોકડ ઈનામ અને પેલુ પડીકું લઈને નીચે ઉતર્યો ત્યારે એ બન્ને ઉપર મારી નજર પડી. ભડભડ બળતી આગ પર ચડેલી હાંડીની જેમ તેઓના ચહેરા ગુસ્સાને લીધે ઉકળી રહ્યાં હતાં કારણ કે, મારા લીધે ગામમાં આખો દિવસ ઘોડા પર બેસીને ફાંકડા થઈને ફરવું હવે બન્ને માટે ભૂતકાળ બની ચૂક્યું હતું. મને જોઈને તેઓમાંથી એકે પૂળા જેવી પોતાની કાળી મૂછો પર તાવ દીધો તો બીજાએ પોતાનો ઉપલો હોઠ દાત તળે દબાવ્યો અને માત્ર હંકારમાં ડોકુ ધુણાવ્યું. તેઓને જોતા જ હું પારખી ગયો હતો કે, નજીકના ભવિષ્યમાં જ અમારા પરિવાર પર કોઈ અણધારી આફતના વાદળો મંડરાવાના છે અને આખરે એ રાત આવી જ પહોંચી બુધ્ધા.

કઈ રાત ? બુધ્ધાએ પુછયું

એ ભયાનક રાતને હું કેવી રીતે ભૂલી શકું ? મને યાદ છે, અડધી રાત પ્રસાર થઈ ચૂકી હતી. ચંદ્ર પણ કોઈ ચોરની માફક એક વૃક્ષની આડશમાં ડોકીયુ કાઢી રહ્યો હતો. હુ મારી મા સાથે અંદરના ઓરડામાં ગાઢ ઉંઘમાં મગ્ન હતો. મારી દાદી, ફૈબા અને મુંબઈથી આવેલા મારા નાના કાકા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા હતાં. કાકા મારા પિતા સાથે જ મુંબઈમાં રહેતા હતાં. વર્ષમાં એક વખત તે અમારે ગામ આવતા અને બન્ને ભાઈઓએ કમાયેલી રકમમાંથી અમૂક રૂપિયા મારા દાદીને ઘર ચલાવવા માટે આપી જતાં. પિતાજીની નોકરી જ એવી હતી કે, તેમાં રજા મળતી નહીં. તેઓએ ગામની મુલાકાત લીધાને ખાસ્સા વર્ષો પસાર થઈ ચૂક્યાં હતાં.

ઘરમાં ઘડીયાળ તો ક્યાંથી હોઈ પણ લગભગ 12 વાગ્યા હશે અને અચાનક જ ડેલી ટપીને કોઈ અંદર ઘુસ્યુ હોઈ તેવો પગરવ સંભળાતા મારી માં ની આંખો જબકી, તેણે ઘીરેથી ઉભા થઈ કમાડની તરાડમાંથી બહારનું દ્રશ્ય જોયું અને એ જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ…

(ક્રમશ:)