Sentimental Vs Practical Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

Sentimental Vs Practical

ચેપ્ટર-1

પ્રેક્ટીકલ..પ્રેક્ટીકલ..પ્રેક્ટીકલ !

ટીંગ..ટીંગ...કબાડીની દૂકાનમાંથી ખરીદેલી વર્ષો જૂની લોલકવાળી એ ઘડિયાળમાં ડંકા વાગ્યાં, રાત્રીના 2 વાગ્યાં હતાં. સુપ્રિયાની જુદાઈ પછી સમય જાણે થંભી ગયો હતો. ઉંઘ શું કહેવાય તે લગલગ ભૂલાઈ જ ગયું હતું. છત પર જૂનવાણી વખતનો પંખો ધીરેધીરે ફરી રહ્યો હતો કદાચ તે પણ મારી જેમ જીવનથી થાકી ચૂક્યો હતો, પંખાનો કિચૂડ-કિચૂડ અવાજ રાત્રીની નિરવ શાંતિને ચીરતો હતો પરંતુ મને કોઈ ફર્ક પડતો નથી, મારુ મન તો સુપ્રિયાની સ્મૃતિઓમાં ખોવાયેલું હતું. હું ઈચ્છુ તો પણ એ છેલ્લી મુલાકાત કોઈ કાળે ભૂલી શકતો ન હતો..એ એવી મુલાકાત જેણે મારા જીવનમાં જંજાવાત સર્જી નાખ્યો.

કંઈક તો કહો કેમ બોલતા નથી ? પવનની લહેરખીને કારણે ઉડતી વાળની લટને સરખી કરતી તે અચાનક જ બોલી.

એ દિવસે તે ખુબ જ ખુશ હતી પરંતુ મારી ઉદાસી તેને કોરી ખાતી હતી.

તેણે ફરી કહ્યું..કંઈક તો કહો..?

ઈન્દોરના શહેરી વિસ્તારથી દૂર અને એરપોર્ટથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી બીજાસન ટેકરીના બીજાસન માતાના પૌરાણિક મંદિરના છેલ્લા દાદરે તે બિલકુલ મારી સમીપ બેઠી હતી. ખબર નહીં કેમ આજે તેની આંગળીઓ મારા ખડતલ અને સ્ફૂર્તિલા તન સાથે પ્રણયફાગ રમવા ઈચ્છતી ન હતી જેના માટે તે હમેશા ટેવાયેલી હતી. મેં તેની સામે જોયું અમારી આંખો મળી અને અચાનક જ અશ્રુઓના દરિયો મારી આંખોમાંથી વહેવા લાગ્યો.

શું તું તારા નિર્ણય પર અફર છે ? ભીની આંખે મેં તેને કહ્યું

મ્યુઝિયમમાં રાખેલા સ્ટેચ્યુની જેમ તેના વિચારો પણ જડ બની ગયાં હોય તેવું મને લાગ્યું, નદીના બરુ જેવી નાજુક અને કોમળ લાગતી સુપ્રિયા આજે કંઈક અલગ મૂડમાં હતી અને હું હજુ પણ તેને પામવાની અંતિમ આશાના એક પાતળા તાંતણાને પકડીને બેઠો હતો. તેને બાહુપાશમાં જકડીને તેના તેજસ્વી લલાટ પર ચુંબન કરવાની અદમ્ય ઈચ્છાને હું રોકી ન શક્યો અને જેવો જ હું તેના તરફ ઝુક્યો કે તેનો ધીરજનો ‘સેતું’ તુટી પડયો.

માથા ફરેલી કોઈ વાંઘણની જેમ તેણે ત્રાડ નાખી, તેની શામળી સુરત રતુમડી થઈ ચૂકી હતી, મે ક્યારેય તેને આ રૂપમાં જોઈ ન હતી. ગુસ્સાના આવેગથી તેના નસકોરા ફૂલ્યા અને વક્ષસ્થળોના ઉભારમાં આવેલુ પરિવર્તન મેં મારી જીણીએ આંખે અનુભવ્યું. વાતાવરણમાં અત્યાર સુધી ફેલાયેલી ઠંડક જાણે ગરમ લાવામાં ફેરવાઈ ગઈ. તેના હોઠ બબડયાં, કદાચ કાળજેથી બહાર આવવા મથતી ગાળ તેના જીભના ટેરવે રોકાઈ ગઈ, છતાં પણ એ ગુસ્સામાં હું તેના સોંદર્યરસને મારી નજરોથી પી રહ્યો હતો.

હું જાણતો હતો કે, હવે તેના હૃદયમાં મારા માટે એક સેન્ટીમીટરનું પણ સ્થાન નથી. છતાં મેં ફરી કહ્યું ‘કોઈ જ વિકલ્પ નથી’ ?

તું કેમ સમજતો નથી, ‘હું જે કરું છું તે યોગ્ય છે, આ નિર્ણય મેં મારા પરિવારના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે ? આટલો બધો ‘સેન્ટીમેન્ટલ’ ન થઈશ..થોડો પ્રેક્ટીકલ તો બન..મારી જેમ..’પોતાના ગુસ્સા પર અંકૂશ મૂકીને તેણે બનાવટી હાસ્ય પીરસ્યું. તીખું અને વાગે તેવું તેનું એ હાસ્ય મારા હૃદયમાં સોયની જેમ ભોંકાઈ ગયું હતું. ચાર બાય ચારની સાઈઝના મારા હૃદયને કોઈ ધારદાર ઓજારથી કોઈ ચીરી રહ્યું હોય તેવી વેદનાનો અનુભવ થતાં હું સમસમી ઉઠયો હતો.

પ્રેક્ટીકલ..પ્રેક્ટીકલ..પ્રેક્ટીકલ...આ શબ્દ છેલ્લા બે વર્ષમાં મેં તેના મોઢેથી અનેક વખત સાંભળ્યો હતો. ક્યારેક થતું કે, જેણે પણ આ શબ્દ રચ્યો છે તે જો સામે આવી જાય તો તેને ગોળીએ જ દઈ દઉ. આ શબ્દને લીધે જ મારા જીવનમાંથી પ્રેમનો છેદ ઉડી ગયો હતો. ઓનલાઈન શોપીંગમાં ગ્રાહકને જો કોઈ વસ્તુ પસંદ ન પડે તો ‘િરર્ટન બેક’ પોલીસી હોય છે પરંતુ અહીં તો તેનાથી બિલકુલ વિપરીત દુનિયામાં જે મને સૌથી વધુ પસંદ હતી તે સામેથી દૂર જઈ રહી હતી. પ્રેમમાં આવનારા સુખદુખને સમાનભાવે, સહજતાથી સ્વીકારી લેવાના તેના વાયદાઓ મરી પરવર્યા હતાં.

‘આઈ લવ યું..’મેં ફરી હિમ્મત કરીને કહ્યું પરંતુ એ શબ્દ જાણે હવામાં જ ઓગળી ગયો. તેનો તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. અચાનક જ એ સમી સાંજે વાદળોમાં વીજળી ઝળકી અને જોતજોતામાં મૂશળાધાર વરસાદ શરૂ થઈ ગયો. કદાચ અમારા છેલ્લા મિલનનો ઝૂરાપો ઈશ્વરે પણ અનુભવ્યો હતો અને વરસાદના રૂપના તેની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા માંડી હતી.

વરસાદની ધારાની સાથોસાથ વહેતા મારા આંસુઓ તેને ન દેખાય તેની મેં પૂરેપૂરી કાળજી રાખી હતી છતાં એક ડૂસકુ ભરાઈ ગયું હતું, એ વખતે મેં ક્ષણભર મારી આંખો બંધ કરી અને કંઈક કહેવા માટે ફરી મારી જાત પર દબાણ કર્યુ, મને યાદ છે, મેં કંઈક આ પ્રમાણે કહ્યું હતું.

‘બોસ્કી’...હમેશની જેમ પ્રેમાવેશ આવીને મેં તેને આ નામથી સંબોંધતા કહ્યું, ‘જીવનમાં ક્યારેય પણ તારા સિવાય અન્ય કોઈની કલ્પના કરી નથી. પ્રેમ શું હોઈ છે તે હું જાણતો નથી પરંતુ જો તું નહીં રહે તો પ્રેમ કરવાની તાકાત પણ નહીં રહે. મારી પાસે આવનારા દરેક વ્યક્તિને હું પ્રેમ આપ્યો શક્યો છું કારણ કે, મને તારો પ્રેમ મળ્યો હતો પરંતુ જો તુ જ જતી રહેશે તો... એટલુ કહેતા જ એક હળવો નિસાસો મારી આત્માંથી નિકળતા પહેલા જ ઢબુરાઈ ગયો હતો.

મારી વેદના, લાગણીઓ તેના કઠોર હૃદયને પીગળાવી ન શકી તેણે ઘડીયાળના કાંટા તરફ જોયું સાંજના સાત વાગી ચૂક્યાં હતાં. તેણે ઉભા થવા માટે દુપટ્ટો સરખો કર્યો, ઘર તરફ જવા પ્રયાણ કર્યુ. હું ઈચ્છુ તો પણ તે હવે પરત ફરવાની ન હતી. સૂર્ય તો ક્યારનોય આથમી ચૂક્યો હતો અને સાથોસાથ મારા જીવનમાંથી પ્રેમનો પણ અસ્ત થઈ ચૂક્યો હતો. સુપ્રિયા જઈ ચૂકી હતી.

થોડી વાર હું શૂન્યમનસ્ક બેસી રહ્યો..સુપ્રિયા પોતાની સાથે જીવનમાં ક્યારેય પણ ન રુઝાય તેવો ઘાવ આપીને ચાલી ગઈ, તે મારુ હૃદય હતી અને દુનિયો કોઈપણ વ્યક્તિ હૃદય વગર કેવી રીતે જીવી શકે ? આખરે મારી પાસે એવું શું હતું કે, હું રાજીખુશીથી જીવન વિતાવી શકૂ. ગમગીનતા અને એકલતાના ગૂઢ દરિયામાં હું તરી રહ્યો હતો. દરેક માણસના જીવનમાં ભૂલ થાય છે અને ભૂલ કરવી એ માણસનો સ્વભાવ છે પરંતુ મેં પ્રેમ કરીને એક મોટી ભૂલ કરી હતી. પ્રેમના બદલમાં મને માત્ર વિશ્વાસઘાત મળ્યો. મારી સાથે દગો થયો હતો એ યુવતીએ માત્ર પ્રેમ કરવાનો ઢોંગ જ કર્યો હતો.

સુપ્રિયા એવી તો ક્યારેય ન હતી, તો પછી આ પરિવર્તન કેવી રીતે આવી ગયું ? તે મારા જીવનમાં પાછી ફરે તે માટે મારા નસીબે મને સાથ કેમ ન આપ્યો ? આવા અનેક સવાલો મને અંદરોઅંદર મુંઝવી રહ્યાં હતાં. સૌભાગ્યશાળી વ્યક્તોના નસીબ આડેનું પાંદડું અચૂક ખસે છે એવું મેં મારા સ્કૂલના શિક્ષક પાસેથી સાંભળ્યું હતું, કદાચ આજે એ શિક્ષક હોત તો તેમને હું કઈ શક્યો હોત કે, મારા જેવા દુભાગ્યશાળીઓને ‘પાંદડાં’ નહીં પરંતુ આખેઆખા ‘ઝાડ’ નડતાં હોય છે.

ભારે હૃદય સાથે મેં પણ ઘરે જવા પગ ઉપાડયો, મેં જોયુ કે, ટેકરીને સામે છેડે આવેલા ઘટાદાર વૃક્ષને પાસે ઉભા-ઉભા કોઈ મારી તરફ જોઈ રહ્યું હતું. વરસાદને લીધે હું તેનો ચહેરો ન જોઈ શક્યો પણ તેનું તેજ દિવ્ય જણાતું હતું. એક ક્ષણ માટે મારી આંખો બંધ થઈ ગઈ જ્યારે આંખો ખોલી ત્યારે તે કોઈ ન હતું..શું આ મારો ભ્રમ હતો...