Sentimental Vs Practical - 4 Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Sentimental Vs Practical - 4

(4) વિચિત્ર શરત..!

કૂવામાંથી નીકળતા એ ‘પ્રકાશપૂજ’થી મારી દ્રષ્ટિ હજુ સુધી અંજાયેલી હતી, હવામાં તરતી એ આકૃતિને જીણી આંખોએ જોવા માટેના મારા તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં હતાં, થોડી મિનિટો બાદ ધીરે-ધીરે એ ‘પ્રકાશપૂજ’ ઓલવાયો અને પોતાના ખંભે એક મોટી ‘પોટલી’પકડીને ઉભેલી એ વ્યક્તિનો ચહેરો મારી સામે સ્પષ્ટ નજરે ચડવા લાગ્યો.

જૂનાગઢના શિવરાત્રીને મેળામાં જોવા મળતા કોઈ સાધુ જેવો એ અજાણી વ્યક્તિનો દેખાવ હતો પરંતુ મેં જોયું કે, અન્ય સાધૂની જેમ આ સાધુ દૂબળો-પાતળો તેમજ જટાધારી ન હતો ચીની વ્યક્તિઓની જેમ તેની બન્ને આંખો ખૂબ જ જીણી અને નેણના ખૂણા છેવાડેથી ઉંચા હતાં. મૂંડન કરેલુ માથું હતું અને ફાંદ ખૂબ જ મોટી હતી. એ સાધૂએ પહેરવેશના નામે માત્ર એક કેસરી ધોતી અને એ જ રંગનો ખેસ પહેર્યો હતો અને ગળામાં પહેરેલી મોટા મોતીઓની માળા છેક નાભિ સુધી પહોંચતી હતી. શ્વાસ લેવાને લીધે તેના ‘ફાંદારા‘ પેટની સાથોસાથ એ માળાના મોતી પણ ઉપર નીચે થતાં હતાં.

ખબર નહીં કેમ પરંતુ એ વ્યક્તિને જોઈને મને બિલ્કુલ ડર ન લાગ્યો, નજીક આવતા જ મેં તેમને પુછ્યું

‘શુ નામ છે આપનું ?’

‘તારે ક્યું નામ સાંભળવું છે ?’ તેણે સામેથી પ્રશ્ન કર્યો

‘કેમ કયું નામ ? શું તમારા એકથી વધુ નામો છે ?’ શંકાસ્પદ ભાવ સાથે મેં પૂછયું

‘હાસ્તો..જાપાનમાં મને લોકો ‘હુતાય’ અને ‘બુધાય’ કહે છે અને ચીનમાં લોકો મને ‘પુતાય’ના નામથી ઓળખે છે.’

‘હુતાય’..‘બુધાય’ અને ‘પુતાય’ ? ‘ખરેખર કેવા વિચિત્ર નામો છે આ જેમાં બધાની પાછળ મારો બેટો ‘ય’ આવે છે.’ હુ મનોમન હસી પડયો.

‘હા વિચિત્ર જ છે ?’ તેણે તુરંત પ્રત્યુત્તર આપ્યો.

‘પણ.. હું તો કંઈ બોલ્યો જ નથી તો તમને કેવી રીતે ખબર પડી કે, હું કંઈક આવું વિચારી રહ્યો છું ?’

‘હું મનની વાતો જાણી શકુ છું’ અત્યારે તારા મનમાં બીજુ શું ચાલી રહ્યું છે અને તું અહીં શા માટે આવ્યો છે તેની પણ મને ખબર છે ?’ હળવું સ્મિત આપતા તેણે કહ્યું.

‘ક્યાંક હું અહીં આત્મહત્યા કરવા આવ્યો છું તેની જાણ આ ચાઈનીઝ સાધુબાબાને તો થઈ ગઈ નથી ને ?’ એ વિષે વધુ વિચારવા પહેલા જ વાતને આડે પાટે વાળતા મેં પુછયું.

‘અચ્છા..‘હુતાયજી’..સોરી ‘પુતાયજી’ મને એ તો કહો કે, અમારા ભારતમાં તમને લોકો ક્યાં નામથી ઓળખે છે ?’

‘હેપ્પી બુદ્ધા’

શું કહ્યું ? ‘હેપ્પી બુદ્ધા’ ? આશ્ચર્યભાવ સાથે મેં આગળ પુછયું.

‘હા હેપ્પી બુદ્ધા’ તેણે ફરી કહ્યું.

‘શુ તમે ભગવાન છો ? અને જો તમે ઈશ્વર હોય તો મને તમારામાં બિલ્કુલ વિશ્વાસ નથી’ મેં કટાણું મોઢુ કરતા કહ્યું.

‘તને જેમાં વિશ્વાસ હોય તે મને માની લે’ સામેથી જવાબ મળ્યો.

પણ તમે જોરજોરથી કેમ હસો છો ?

‘બસ એમ જ મને મન થયું,મારુ બીજુ નામ લાફિંગ બુદ્ધા પણ છે’

‘લાફિંગ બુદ્ધા ?’

‘હાં...કેટલાક લોકો મને લાફીંગ બુદ્ધા પણ કહે છે ? જે રીતે હિન્દુ ધર્મમાં કૂબેરને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે તેમ ચીનમાં લોકો મને સમૃદ્ધિનો દેવતા માને છે. તમારા ભારતમાં પણ કેટલાયે લોકો પોતાના ઘરોમાં મારી મૂર્તિ રાખે છે. ફેંગશૂઈમાં જેમ ક્રિસ્ટ્રલ ટ્રી,વાસનો છોડ,સોનાના સિક્કાવાળુ જહાજ,ત્રણ પગવાળો દેડકો અને પીરામીડ ધનવૃદ્ધિ અને સૌભાગ્ય વૃદ્ધિનું પ્રતિક ગણાય છે તેમ મારી ઉપસ્થિતિમાં પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હું સુખ, સંપદા અને પ્રગતિનું પ્રતિક છું.’

‘વાહ...પણ હેં સુખ, સંપદા ને પ્રગતિના પ્રતિક તમે મને એ કહેશો કે, આ ફેંગશૂઈ શું છે ? ’

‘ ભારતમાં જેમ વાસ્તુશાત્રનું મહત્વ છે તેમ ફેંગશૂઈ પણ ચીની વાસ્તુ શાત્રનું એક રૂપ છે.’

પરંતુ તમે આ કૂવામાં શું કરો છો ?’ મેં વ્યગ સાથે કહ્યું.

‘હું શરત હારી ગયો..પેલા ત્રણેયએ મને ઉલ્લુ બનાવ્યો.’

‘કોણ ત્રણેય ?’

‘ફૂક,લુક અને સાઉ ?’

‘હવે એ કોણ ?’ ફરી એક નવું રહસ્ય સામે આવતા મેં પુછયું.

‘ફુક, લુક અને સાઉ ત્રણેય ચીની દેવતાઓ છે. ફેગશુઈમાં તેમનું પણ વિશેષ મહત્વ છે..ભલે તેમની પૂજા થતી નથી પરંતુ તેમની મૂર્તિઓની પ્રતિકાત્મક હાજરી કોઈ પણ વ્યક્તિના ઘરમાં શુભ પ્રભાવ પાડે છે. આ ત્રણેય મૂર્તિઓને ક્યારેય પણ અલગ રાખવામાં આવતી નથી પરંતુ આજે એ ત્રણેય દેવતાઓએ કે જેઓ મારા બેસ્ટ ફ્રેન્ડ પણ છે તેઓએઁ ‘િચટીંગ’ કરીને મને પોતાનાથી અલગ પાડી દીધો છે.’

‘અલગ પાડી દીધો ? પણ કેવી રીતે ?’ મેં પુછયું.

‘મેડરીન બતક ને લીધે’ તેણે કહ્યું.

‘મેડરીન બતક’ ?

‘હા..મેડરીન બત્તક, પશ્વિમી દેશોમાં મેડરીન બત્તકને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને અમારા ચીનમાં તો મેડરીન બતકની જોડીને પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે, સ્વભાવે શાંત પ્રકૃતિના આ બન્ને બતકો આજીવન એકબીજાનો પ્રેમ ઝંખે છે અને એટલા માટે જ તેઓ હમેશા સાથે જ તરતા જોવા મળે છે અને જ્યારે એક બતકનું મૃત્યુ થાય છે ત્યારે તેનો જોડીદાર રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. કદાચ પોતાના સાથી વગર જીવવું તેના માટે અશક્ય છે અને તે ગૂમનામીમાં જ મોતને ભેટે છે.’

‘કેવો પ્રેમ ? એકના વિરહમાં બીજી વ્યક્તિ પોતાનું અસ્તિત્વ જ ભૂલાવી દે, સાચે આવો પ્રેમ તો નસીબદારને જ મળે, મને મારા રૂમની પેલી પ્રેમાંધ ગરોળીઓ ફરી યાદ આવી, પશુ-પક્ષીઓની જેમ મનુષ્ય જાત પ્રેમની પરિભાષા આખરે ક્યારે સમજશે ? ને પેલી સુપ્રિયા તેને તો પ્રેમ શું છે ? વિરહ શું છે ? એ પણ ખબર નથી’ મનોમન મારી પ્રિયતમા પ્રત્યે નારાજગી વ્યકત કરતા હું મારી જાતને ન રોકી શક્યો.

પણ મેડરીન બત્તકનું શું ? મારા વિચારો પર બ્રેક મારતા મેં પુછયું.

‘પૂરા વિશ્વમાં મેડરીન બતક હવે નામશેષ થવાને આરે છે, આવા સંજોગોમાં તેની એક ઝલક મળવી પણ વ્યકિતનું સૌભાગ્ય ગણાય છે, અમે સાંભળ્યું હતું કે, ચીનના અમૂક વિસ્તારોમાં ક્યારેકં ‘મેડરીન’ બત્તકોની જોડી સરોવરમાં વિહાર કરતી જોવા મળે છે અમે તેમને શોધવા જ નીકળ્યાં હતાં.’ લાફિંગ બુદ્ધાએ વિનમ્રભાવે કહ્યું

‘પરંતુ ચીનના કોઈ તળાવમાં ‘મેડરીન બત્તક’ને શોધવાને બદલે ભારતના કોઈ એક શહેરની સોસાયટીના ભાગોળે આવેલા આ કૂવામાં તમને શું રસ જાગ્યો ?’ શું ક્યાંક ‘મેડરીન’ ચીનથી ઉડીને આ કૂવામાં તો રહેવા આવી ગયા નથી ને ?’

હું જાણતો હતો કે, મારો આ સવાલ કોઈ સજ્જન વ્યક્તિને શોભે તેવા સવાલ જેવો તો ન જ હતો પરંતુ હું શું કરું ? સુપ્રિયાના વિરહ બાદ કદાચ મેં મારી સજ્જનતા પણ ગુમાવી દીધી હતી અને સામેની વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી તેનું કદાચ હવે મને ભાન પણ રહ્યું ન હતું. ‘લાફીંગ બુદ્ધા’ને જો કે, તેનાથી કોઈ ફર્ક ન પડયો..કૂવામાં જે અટ્ટહાસ્ય મેં તેમના મુખેથી સાંભળ્યું હતું હવે બિલ્કુલ તેનાથી વિપરીત સ્મિત તેમના ચહેરા પર ફરકી રહ્યું હતું.

બુદ્ધાએ કહ્યું ‘આકાશમાં વિચરણ દરમિયાન અમારી વચ્ચે એવી શરત લાગી હતી કે, સૌથી પહેલા મેડરીન બતક કોણ શોધી લાવે છે ? અને જે પહેલા બતક મળશે તેને અમારામાંથી શ્રેષ્ઠ માનવાનો રહેશે.

તો પછી શું થયું ?

‘મને શ્રેષ્ઠ દેખાવવાનો કોઈ મોહ ન હતો પરંતુ મેં કહ્યુને કે, મારે એ બતકોને એકવાર જોવા હતાં. જો કે, તે માત્ર ચીનના તળાવોમાં જોવા મળતાં હોવાથી અમારી શરતમાં એવું નક્કી થયું હતું કે, ચારેય જણાને ચારેય દિશામાંથી એક જ સમયે ચીનમાં પ્રવેશવું અને બતકોની શોધમાં લાગી જવું. ફૂકને પૂર્વ ચીની સમુદ્ર પાર કરી સાઉથ કોરિયા થઈને, લુકને ઉત્તરેથી મોંગોલિયા થઈને, સાઉને પશ્વિમ દિશા આવેલા કજાકિસ્તાન થઈને તથા મારે દક્ષિણે આવેલા મ્યાનમાર(બર્મા)થઈને ચીનમાં પ્રવેશવાનું હતું.’

‘પછી ?’

‘અમે લોકો નિયત સમયે એ સ્થળ પર હાજર હતાં અને અમારી શરતો પૂર્ણ કરવા નીકળી પડયાં પણ ?’

‘પણ શું ?’

‘મારું ભારેખમ્મ શરીરને ઉપરથી આ પોટલી.’

‘આ પોટલીમાં શું છે ?’

‘નાના બાળકો માટેના રમકડા,મીઠાઈ અને બીજુ ઘણુ બધુ. હું ગામેગામ ફરુ છું, બાળકો મને ખુબ જ ગમે છે તેઓને ખુશ કરવા માટે હમેશા આ પોટલી સાથે જ રાખુ છું જે બાળક ભૂખ્યુ નજરે ચડે તેને હું મીઠાઈ આપું છુ અને રમવા માટે રમકડા પણ. શરત મુજબ મારે મ્યાનમાર થઈને ચીનમાં પ્રવેશવાનું હતું અને હુ તેના માટે પૂરી રીતે તૈયાર હતો પરંતુ એ દિવસે કંઈક અજબ જ ઘટના ઘટી.’ આટલુ કહેતાં બુધ્ધા કોઈ વિચારોમાં ખોવાઈ ગયાં.

‘કઈ ઘટના ?’

(ક્રમશ:)