Sentimental Vs Practical -9 Janaksinh Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Sentimental Vs Practical -9

(9) પિતાનુ ફૂલેકું !

બુધ્ધા, અમારા પરિવારમાં એક માત્ર મારા પિતા જ મેટ્રીક સુધી ભણી શક્યા કારણ કે, એ ખર્ચ કચ્છમાં રહેતા તેમના નાનાએ ઉપાડયો હતો, બાકીના એકપણ ભાઈભાંડૂએ ક્યારેય પણ સ્કૂલનો દાદરો જોયો ન હતો. માં મને અવારનવાર કહેતી કે, જ્યારે તેમના લગ્ન મારા પિતા સાથે થયાં ત્યારે ઘરઆંગણે મંડપ રોપવાના પણ પૈસા ન હતાં, આજે ક્યાંય પણ વરવધૂની જાન નિકળે ત્યારે મોંઘીદાટ ગાડીઓનો રસાલો જોવા મળે, એ ગાડીઓને રંગબેરંગી ફૂલડાઓથી શણગારવામાં આવે, ફટકડાઓ ફૂટે, આતશબાજી થાય, બેન્ડ બાજા વાગે જ્યારે મારા મા-બાપના લગ્નમાં એ પૈકીનું કંઈ પણ ન હતું. ત્યાં સુધી કે, તેઓના લગ્નના ફોટોગ્રાફ પણ નથી. ઘરચોળામાં કોઈ દેવી જેવી દેખાતી મારી માં ને એ જમાનામાં બળદગાડામાં બેસાડીને મંડપ સૂધી લાવવામાં આવી હતી. એ વખતે કારની શોધ થઈ ચૂકી હતી પરંતુ મારુ ગામ હજુ સુધી એ આધુનિક વાહનથી અજાણ હતું ત્યાં સુધી કે, આ પૃથ્વી પર ચાર પૈડાવાળુ કોઈ વાહન પણ હોઈ શકે તે વાત તેઓના માનવામાં આવતી ન હતી.

એ રાત્રે મારા પિતાનું ફૂલેકુ નિકળ્યું, હજુ માંડે ગામના પાદરે તે પહોચ્યું હશે કે ત્યાં સમાચાર આવ્યાં કે, નવોઢાને લઈને આવી રહેલુ ગાડુ પાદરથી થોડે દૂર આવેલા એક તળાવના કિચડમાં ફસાઈ ગયું છે. ગાડાને કાઢવા માટે અન્ય મહેમાનોની સાથે વરરાજા પણ ઘોડા પરથી નીચે ઉતર્યા, મહામુસબતે પૈડુ તો નિકળ્યું પરંતુ સાથોસાથ કિચડ પણ ઉછળ્યો. વરરાજા બનેલા મારા પિતા ઉપર એ ગારો ઉડયો અને તેમનો લગ્નનો સૂટ ગંદો થઈ ગયો, અન્ય કોઈને નહીં પરંતુ ગામના કાળુ ચમારને એ દિવસે ખૂબ ગુસ્સો આવ્યો હતો કારણ કે, લગ્નનો એ સૂટ તેણે મારા પિતાને પ્રસંગોપાત પહેરવા ઉછીનો આપ્યો હતો. આમેય ઉધાર માંગવાની પરંપરા અમારે ત્યાં વર્ષોથી ચાલી આવતી હતી.

પછી શું થયું ? લાફિંગ બુધ્ધાએ પુછયું

મારા માતા-પિતાની લગ્ન વિધી પૂર્ણ થઈ અને પ્રથમ મિલનની મધુર પળો નજીક આવી, ઘર નાનું અને પરિવાર મોટો હોવાથી વરવધૂને એકાંત ક્યાં આપવો ? એ વાતને લઈને સહું કોઈ ચિંતામાં મૂકાયા અને અંતે એક વિકલ્પ શોધવામાં આવ્યો. સાંભળનારને કદાચ આશ્ચર્ય લાગે પરંતુ જ્યાં શૈશવકાળમાં વિદ્યાર્થી એકડો ઘૂંટવાની શરૂઆત કરે છે તેવી મારા ગામની એક બંધ શાળામાં આ દંપતીને પોતાની સુહાગરાત મનાવી પડી હતી.ગામના સરપંચે અમારા પરિવારના વડીલો દ્વારા ખૂબ મનાવ્યા બાદ તેણે મને-કમને શિક્ષકોને રહેવા માટે અપાતો ઓરડો એક રાત પૂરતો મારા માતા-પિતા માટે ખોલી આપ્યો હતો.

સરકારી શાળાના એ ખખડધજ ઓરડામાં આ બન્ને દિવ્ય આત્માઓનું મિલન થયું, તેઓના પ્રણયને ખુદ ચંદ્ર અને તારાઓએ નિહાળ્યે, મધરાતે આકાશમાં વિહરતા વાદળાઓ પણ આ મધુરજનીના સાક્ષી બન્યાં, કારણ કે, એ કાચી-પાકી ઓરડીમાં છાપરુ જ ન હતું. મારા પિતાતો લગ્નના એક અઠવાડિયા બાદ પાછા મુંબઈ ચાલ્યાં ગયાં હતાં. હુ સમજણો થયો ત્યારે એકવાર આ તમામ વાતો પોતાના મિત્રોને કહેતા મેં ખુદ મારા કાકાને સાંભળ્યાં હતાં.

બુધ્ધા, આજે સ્કૂલએ વિદ્યાર્થીઓનું બીજુ ઘર કહેવાય છે, એ માનવા પાછળનું જે પણ કારણ હોઈ પરંતુ મારા માટે માત્રને માત્ર એક જ કારણ હતું કે, એ સ્કૂલ અને તેના જર્જરિત ઓરડાએ મારા ભાવિ અસ્તિત્વ માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. એ ઓરડો મારા માતા-પિતાની મધૂરજનીનો સાક્ષી બન્યો હતો, હજુ પણ એ ઓરડો એમને એમ છે. બસ ફર્ક માત્ર એટલો છે કે, પેલા છાપરુ નો તું’ અને હવે બારી-બારણા પણ બચ્યાં નથી ! ભારતના અન્ય ગામોની તુલનાએ મારુ ગામ અને એ ગામના લોકો વિકાસની હરણફાળ ભરવામાં ઘણા પાછળ રહી ગયાં !

મુંબઈથી ક્યારેક ક્યારેક મારા પિતાના પત્રો આવતા, અમારા પરિવારમાં કોઈ ભણેલુ ન હોવાનું ટપાલી પણ જાણતો હતો અને એટલે જ જ્યારે પણ તે ટપાલ દેવા આવતો ત્યારે એ પત્રને વાંચવા મારી દાદી તેને પરાણે પોતાની પાસે બેસાડી દેતી હતી. વાચતા પૂર્વે એ પત્રને દાદી સૌપ્રથમ મારા દાદાના ફોટા સામે અને ત્યારબાદ એક ગોખલામાં રાખેલા વર્ષો જૂના નાળિયેર કે જેને તેઓ ‘સુરાપરા’ કહેતા તેની સામે ધરતી હતી.એ ટપાલી પણ ગજબનો હતો, પત્ર વાંચતી વખતે તે પોતાના અવાજનું નિયંત્રણ ગુમાવી બેસતો અને આસપાસના પાંચ ઘરોને પણ ખબર પડી જતી કે, મારા પિતાએ એ પત્રમાં શુ લખ્યું છે. મુંબઈનો હલવો મને ખૂબ જ ભાવતો અને દર વર્ષે દિવાળીએ તે ખાસ મારા માટે એ હલવો મુંબઈથી મોકલવાતાં.

ટપાલી એટલે શું ? એ મને 10 વર્ષની ઉમરે પહોચ્યો તોય ખબર ન હતી, તો પણ ખાખી રંગની ટોપી અને પહેરવેશ સાથે ઘરમાં પ્રવેશતી એ વિચિત્ર આકૃતિ મને ખૂબ જ ગમતી અને ખાસ તો એ પત્રો, મારા પિતાએ લખેલા પત્ર જ્યારે એ ટપાલી વાંચતો ત્યારે ક્ષણવાર માટે એવું લાગતું કે, ખુદ મારા પિતા આ વિચિત્ર આકૃતિના માધ્યમથી અમારી સાથે વાતો કરી રહ્યાં છે. મોટેભાગે બન્ને પક્ષે મોકલવામાં આવતા એ પત્રોમાં કુશળમંગળના સમાચારો તેમજ દેણાઓની ચર્ચાઓ થતી. મારા પિતા પણ જાણતા હતાં કે, તેઓ જે લાણણીઓ અને પ્રેમ અક્ષરોના માધ્યમથી મારી મા સુધી પહોંચડવા ઈચ્છશે તે જગજાહેર થઈ જશે કદાચ એટલા માટે જ મારી મા ને અન્ય ‘સહુ’ના નામે કુશળમંગળ પૂછવામાં આવતાં. જે રીતે રામાયણમાં લક્ષ્મણના વિરહમાં ઉવર્શી તડપતી હતી તેમ મારી મા ને પણ મારા પિતાનો ઝૂરાપો વેઠતા મેં વર્ષો સુધી જોઈ છે.

બુધ્ધા મેં જોયુ છે કે, દાદીની નજર ચૂકવી લોખંડના સળિયામાં પરોવેલા એ તમામ પત્રો તે ક્યારેક પોતાના રૂમમાં લઈ જતી, તેને વાંચતા તો આવડતું ન હતું પરંતુ તેની લાગણીઓને જોતા એવું જ લાગતું કે, જાણે એ તમામ પત્રમાં લખાયેલા શબ્દો સામે ચાલીને મારા પિતાએ લખેલી વાતનો અર્થ તેને સમજાવતા હતાં. તે કલાકો સુધી એ પત્રોને ટગર-ટગર જોયા કરતી અને પછી આસુઓનો એક વિશાળ ધોધ વરસી પડતો. એવા આસુઓ જેની કિમત આંકવી મારા માટે અશક્ય હતી. દડ-દડ પડતા આસુઓથી એ પત્રો રીતસર ભીંજાઈ જતાં હતાં, થોડીવારે માં ઉભી થઈ જતી અને એ પત્રોને પાછા પેલા લોખંડના સળિયામાં પરોવી કામે લાગી જતી. હુ આ સમગ્ર ઘટનાક્રમ સૂઈ ગયો હોવાનો ડોળ કરીને જોયા કરતો. ખબર નહીં કેમ ક્યારેય પણ હું મારી માંના આંસુઓને ન રોકી શક્યો, કદાચ મારુ અચેતન મન એવું ઈચ્છતુ હશે કે, ‘રડવા દે, તેનો મનનો ભાર હળવો થઈ જશે.’

બુધ્ધા, ભલે અમારો પરિવાર દેવામાં ડૂબેલો હતો પરંતુ જો દુનિયાનો કોઈ કિમતી ખજાનો એકતરફ અને બીજીતરફ આ પત્રો રાખવામાં આવે તો પણ એ પત્રો જ અમારી પ્રથમ પસંદગી હતા કારણ કે એ પત્રોમાં માત્ર શબ્દો જ નહીં પરંતુ, એક વૃધ્ધ અને અશક્ત માતાની મમતા, પરિવારને ટકાવી રાખવા ઘરછોડીને ગયેલા મારા પિતાનો સંઘર્ષ, પતિનો વિરહ વેઠતી મારી માતાની મનોવ્યથા અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે કાંડે રાખડી બાંધવા આતુર બેનડીનો પ્રેમ તેમજ તેમજ પિતાનો ચહેરો જોવા ઈચ્છુક એક નાનકડા પુત્રની આતુરતા અને બીજા ઘણાય સુખ-દુ:ખ સમાયેલા હતાં, એમ કહો કે, એ પત્રો અમારા પ્રાણ હતાં, એના થકી અમને આ દારૂણ સ્થિતીમાં પણ જીંદગી જીવવાનો જોમ અને જુસ્સો હતો પણ તમે જેને કુદરત કહો છો તેણે એ ખજાનો પણ અમારી પાસેથી છીનવી લીધો ?

કેમ શું થયું એ પત્રોનું ? બુધ્ધાએ એકાએક પ્રશ્ન કર્યો.

બુધ્ધા, ‘એક દિવસે અચાનક....

(ક્રમશ:)