Sentimental Vs Practical- 6 books and stories free download online pdf in Gujarati

Sentimental Vs Practical- 6

(6) મૃત્યુનો આનંદ

મણિકર્ણિકા ઘાટ પર ધીરેધીરે અનેક મૃતદેહોનો ભરાવો થઈ રહ્યો હતો, ક્યારેક ક્યારેક અહીં અગ્નિસંસ્કાર માટે વારો આવવામાં મૃતકના સ્વજનોને 24 કલાક જેટલો સમય પણ લાગી જતો હતો. લાફિંગ બુધ્ધા હજુ વિચારોમાં જ ખોવાયેલા હતાં પરંતુ મારી આતુરતાનો અંત આવ્યો ન હતો.

‘પછી શું થયું’ ? મેં પુછયું

‘પેલા ગરીબ લોકો પાસે જેટલા રૂપિયા હતાં તેનાથી થોડા જ લાકડા તેઓ ખરીદી શક્યાં, લાકડાની ચિતા ગોઠવવાનું શરૂ થયું, પેલા પંડિતે મને જણાવ્યું હતું કે, હિન્દુ શાત્રોક્ત વિધિ અનુસાર કોઈપણ મૃતદેહને ચિતા પર સૂવડાવતી વખતે તેના પગને દક્ષિણ દિશામાં અને મસ્તક ઉત્તર દિશા તરફ રાખવામાં આવે છે કારણ કે, દક્ષિણમાં મૃત્યુના દેવતા યમરાજ તેમજ ઉત્તરમાં સંપત્તિના દેવ કૂબેરનું સ્થાન છે પણ પેલો લાલચૂ વ્યક્તિ કે જેને આ શબમાંથી કોઈ ખાસ્સો લાભ થયો ન હતો તેણે તો અર્થનું અનર્થ કરી નાખ્યું.’

શું કર્યુ તેણે ? મેં આશ્ચર્ય સાથે પુછયું

‘તેણે એ શબને માત્ર વિરુધ્ધ દિશામાં જ નહીં પણ ઉંધુ ગોઠવી નાખ્યું. એ ચિતાના લાકડાઓમાંથી દેખાતા પગના અંગૂઠા આકાશ તરફ નહીં પરતુ જમીન તરફ હતાં. ભળભળ કરતી ચિતા સળગી ઉઠી પરંતુ ઓછા લાકડાને લીધે મૃતદેહ અડધો જ સળગી શક્યો. થોડી વાર પછી ચિતાની બહાર દેખાતા એ બન્ને પગમાંથી ડાબા પગનો પંજો અલગ થઈને બહારની તરફ પડયો. ઘાટ પર એક પછી એક મૃતદેહો આવી રહ્યાં હતાં, જેમાં એક મૃતદેહ કોઈ ગર્ભશ્રીમત દેખાતા વેપારીનો જણાતો હતો તે તરફ પેલા લાલચૂનું ધ્યાન ગયું. થોડી વાર વિચાર્યા પછી તેણે પેલા ગરીબ પરીવારને કાનમાં કંઈક કહ્યું, એ પરિવારે તેની વાત સાંભળી માત્ર હકારમાં માથુ ધુણાવ્યું.’

પછી શું થયું બુધ્ધા ?

‘અચાનક જ પેલો લાલચૂ ચિતા પર પાણી છાંટવા લાગ્યો, ચિતા હજુ ઠરી પણ ન હતી તે પહેલા અર્ધબળેલા શબને નીચે ઉતારીને તાબડતોબ ગંગા નદી તરફ લઈ જવામાં આવ્યું અને તેમાં જ તેની જળસમાધિ આપી દેવામાં આવી. આંખના પલકારામાં ઘટેલા આ ઘટનાક્રમમાં શરીરથી અલગથલગ થઈને પડેલો પેલો ડાબા પગનો પંજો તો ત્યાં જ ભૂલાઈ ગયો. અચાનક જ ક્યાંકથી એક કાળુ કુતરુ ત્યાં આવી ચડયું, તેણે આગળ પાછળ નજર કરી અને ફટ દઈને એ પંજો પોતાના જડબામાં મૂકીને ચાલ્યું ગયું.’

‘ના હોય ?’ મેં કહ્યું કારણ કે, એ દ્રશ્ય દિમાગમાં બેસે તેવું દ્રશ્ય તો ન જ હતું.

મને બુધ્ધાની વાતનો વિશ્વાસ આવતો ન હતો કારણ કે, વારાણસી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદિય વિસ્તાર હતો, છાપાઓમાં દિલ્લીથી વારાણસી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાની વાતો ચર્ચામાં હતી એક એવી ટ્રેન જે 782 કિ.મીનું અંતર માત્ર બે કલાક અને 40 મિનિટમાં કાપવાની હતી જે માટે અન્ય ટ્રેનોને 10 થી 14 કલાકનો સમય લાગતો હતો. તો પછી આ શહેરની દુર્દશા પ્રત્યે સરકાર આટલી બેજવાબ કેવી રીતે હોઈ શકે ? બીજી તરફ લાફિંગ બુધ્ધાનો વિરોધ કરવા પાછળ પણ મારી પાસે કોઈ નક્કર કારણ ન હતું કારણ કે, એ એક એવી વ્યક્તિ હતી જે દૂરદેશમાંથી આવી હતી ભારત અને તેની વ્યવસ્થા વિષે આડુઅવળુ બોલવામાં તેને કોઈ ફાયદો ન હતો.

લાફિંગ બુધ્ધાનો વિષાદ ઓસર્યો ન હતો તેણે કહ્યું ‘મને પેલા પંડિતે જણાવ્યું હતું કે, ‘મર્ણિકર્ણિકા ઘાટ સ્વર્ગ માટેનો સીધો દ્વાર છે, અહીં જે શબને અગ્નિદાહ આપવામાં આવે છે તેને મોક્ષ મળે છે,તેની આત્માને જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે પરંતુ મને તેમાં વિશ્વાસ બેસતો નથી. કારણ કે જે સ્થળે મનુષ્ય દેહને અર્ધબળેલી હાલતમાં ગંગામાં પધારાવી દેવામાં આવતો હોય અને તેના ક્ષતવિક્ષત અંગો કોઈ કૂતરા ઉપાડી જતાં હોય ત્યાંથી સ્વર્ગનો દ્વાર કેવી રીતે શરૂ થઈ શકે ?

‘પણ પેલા લાલચૂએ કાનમાં શું કહ્યું તું બુધ્ધા?’

‘તે વ્યક્તિના હોઠોના હલનચલન પરથી હું એટલુ જ સમજી શક્યો કે, તેણે એમ કહ્યું હશે કે, ‘જળસમાધિ આપી દો, તમારો હવે એકપણ રૂપિયો નહીં લઉ !’

‘શું આ મારુ ભારત છે ?’ હુ અંદરથી ગમ ખાઈ ગયો

બુધ્ધાએ પોતાની વાત આગળ ધપાવતા કહ્યું કે, દુ:ખ એ વાતનું છે કે, ભારતમાં મૃત્યુનો વિલાપ થાય છે. હકીકતમાં મુત્યુ તો સૂખ છે, મુત્યુથી પ્રિય મિત્ર અન્ય કોણ હોઈ શકે ?

મૃત્યુ અને એ પણ મિત્ર ? સાંભળીને મને આશ્ચર્ય થયું

‘મૃત્યુ કોઈ આશ્ચર્ય નથી, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામશે કે, નહીં તેના માટે તેને બુધ્ધિ કસવાની કે કોઈ નવી શોધ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. મૃત્યુ સ્વાભાવિક છે તો પછી તેનો શોક કેવી રીતે હોઈ શકે ?

‘કહેવું સહેલું છે બુધ્ધા પણ કરવું અધરુ ?’ મેં કહ્યું

‘સાચુ કહુ છું મેં ખુદ મારા મૃત્યુ પર ક્યારેય શોક કર્યો ન હતો અને ન તો કોઈને દુ:ખી થવા દીધા હતાં.’

‘તમારુ મૃત્યુ ? પણ તમે તો જીવીત છો !’ મેં કહ્યું

લાફિંગ બુધ્ધાએ ફરી એક રહસ્ય ઉજાગર કર્યુ ‘પૂર્વજન્મમાં હું એક સંત હતો, મારુ કામ લોકોને દુ:ખમાંથી મુક્તિ આપીને સુખનો પ્રચાર-પ્રસાર કરવાનું હતું .હુ ગામેગામ ફરતો, લોકો મારા વ્યકિતત્વ તરફ આકર્ષાતા હતાં. મારા ખભે લટકાવેલી આ ઝોળી જે તુ જોઈ રહ્યો છે તે પૂર્વજન્મમાં પણ મારી સાથે જ રહેતી અને તેમાં રાખેલી મીઠાઈ અને રમકડા હું બાળકોને આપતો, જ્યારે ઝોળી ખાલી થઈ જતી ત્યારે હું તેને જમીન પર રાખી, આકાશ તરફ જોઈને જોરજોરથી હસતો હતો. એ ગામમાં હવે મારુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તેનું સંકેત એ અટ્ટહાસ્ય હતું. પછી હું બીજા ગામમાં સુખનો ફેલાવો કરવા માટે નીકળી પડતો હતો, જીવનભર મેં આ કામ કર્યુ અને પછી એક દિવસ મૃત્યુનો સમય આવ્યો. મૃત્યુ પહેલા મેં મારા અનુયાયીઓને કહી રાખ્યું હતું કે, મૃત્યુ પછી મારા દેહને તુરંત અગ્નિસંસ્કાર આપી દેવો અને શોકને બદલે ઉત્સવ મનાવવો. મારી વાત સાંભળીને તેઓને સૌથી મોટુ આશ્ચર્ય થયું હતું, કારણ કે, બોધ્ધ ધર્મ અંગ્નિસંસ્કારને માન્યતા આપતો નથી.’

‘પછી શું થયું હેપી બુધ્ધા ?’

‘પછી જે થયું તે સાચે જ રોમાંચક હતું ?’ બુધ્ધાએ હસતાં-હસતાં કહ્યું.

‘રોમાંચક ? પણ કેવી રીતે ?’ મેં પુછયું

‘અંતે એ દિવસ આવી ચડયો જ્યારે મારે આ દુનિયામાંથી વિદાય લેવાની હતી, બરાબર રાત્રીના 12 વાગ્યાના ટકોરે મેં દેહ છોડયો, મારા અનુયાયીઓએ મારી અંતિમ ઈચ્છાનું માન રાખી મને તાબડતોબ અગ્નિદાહ તો આપ્યો..પણ ?’ લાફિંગ બુધ્ધાએ હસવાનું ચાલુ રાખ્યું

પણ શું બુધ્ધા ?

‘હજુ તો મારી ચિતા પૂરી રીતે સળગી પણ ન હતી કે, અચાનક જ તેમાંથી ફટાકડા ફૂટવા માંડયાં, આકાશભણી રોકેટ છૂટવા માંડયાં, થોડી અફડાતફડી મચી ગઈ, અચાનક જ થયેલા આ ધૂમધડાકાને લીધે લોકો આમતેમ ભાગવા લાગ્યાં પરંતુ થોડીવારે બધાને સમજાઈ ગયું કે આ શું હતું ? ’

‘શું સમજાઈ ગયું ? મને તો કંઈક સમજાય તેવું કહો ?’ લાફિંગ બુધ્ધાની ગોળગોળ વાતો હવે મને પરેશાન કરી રહી હતી.

‘હકીકતમાં મૃત્યુનો અણસાર મને અગાઉથી જ આવી ગયો હતો અને એટલે જ જે દિવસે મારે વિદાય લેવાની હતી તે દિવસે મેં મારા વસ્ત્રોમાં કેટલાક ફટાકડા અને રોકેટ સંતાડી દીધા હતાં.’

‘ફટાકડા ?’ મેં આશ્ચર્યભાવ સાથે પૂછયું.

‘આ વાત મેં મારા એક ખાસ અનુયાયીને જ કહી હતી એટલે જ તેણે છેલ્લી ઘડી સુધી મારા દેહનો સ્પર્શ અન્ય કોઈને કરવા ન દીધો અને જે તે સ્થિતીમાં જ મને ચિતા પર સૂવડાવી દેવાયો અને પછી જ્યારે ફટાકડા ફૂટયાં ત્યારે લોકો બીકના માર્યા આમતેમ ભાગ્યાં પણ પછી બધાને સમજાયું કે, આ તો માત્ર આનંદ હતો.’

‘આનંદ ?’

‘મૃત્યુનો આનંદ, હું મોતરૂપી દુ:ખને પણ હાસ્યમાં ફેરવવા ઈચ્છતો હતો અને મેં તે કરી દેખાડયું.’ ખુદ દેવતાઓએ પણ તેની કદર કરી.’બુધ્ધાએ ગર્વભેર કહ્યું

‘દેવતાઓ ?’

‘સ્વર્ગના દેવતાઓ, એ દેવતાઓ વચ્ચે ઘણા સમય સુધી એ વાતનો વાદ-વિવાદ ચાલ્યો કે, જે વ્યક્તિ પૃથ્વી પરના પ્રપચી અને લાલચૂ મનુષ્યોને હસાવી શકતો હોય તે આપણા માટે તો શું ન કરી શકે ? અંતે તેઓ એ નિષ્કર્ષ પર આવ્યાં કે, મારે હવે અન્ય કોઈ યોનિમાં જન્મ લેવાનો નથી અને સ્વર્ગલોકમાં જ રહેવાનું છે. તેઓએ મને દેવતાઓ જેવું સન્માન આપ્યું અને આજે હું એક સુખ-સમૃધ્ધિનો દેવતા બનીને તારી સામે ઉભો છું.’

હવે હું મારુ હસવું ન રોકી શક્યો, લાફિંગ બુધ્ધાની વાતો નો-ડાઉટ મને સાંભળવી ગમતી હતી પરંતુ હવે તેં કઈંક વધુ પડતી જ ઢીલ છોડવા માંડયાં હોય તેવું મને લાગ્યું, મેં કહ્યું ‘દેવતા...હું દેવતા-બેવતામાં માનતો નથી.’

બુધ્ધાએ ધીમેથી કહ્યું ‘પણ તને કોણ માનવાનું કહે છે, તુ માને કે, પછી ન માને તેનાથી કોઈ ફર્ક પડતો નથી પરંતુ એ સનાતન સત્ય છે કે, આજે સમગ્ર માનવજાત મારી હાજરીને શુભ માને છે, કોઈ વ્યક્તિ ઉદાસ છે, ધંધા-રોજગારમાં કોઈને આર્થિક ફટકો પડયો છે, કઠોર પરિશ્રમ કરવા છતાં પણ કોઈને યોગ્ય ફળ મળ્યુ નથી, પારિવારિક- વૈવાહિક જીવનમાં અણબણાવ તો કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી છે, આ તમામ સ્થિતિમાં હું તેઓની સુખ-સમુધ્ધિ પાછી લાવીશ તેવું તેઓ માને છે અને એટલે જ તેઓ પોતાના ઘરોમાં મારી નાની-મોટી મૂર્તિઓ રાખે છે.એ મૂર્તિ શોધવા ક્યાંય ભટકવું પડતુ નથી, ભારતની હજારો ગિફ્ટ શોપમાં તે ઉપલબ્ધ છે.’

‘પણ હવે મને એ કહો કે, તમે કાશીને બદલે અહીં ઈંદૌરમાં શું કરો છો ? અને તે પણ આ કૂવામાં ?’ અચકાતા અચકાતા મેં ધીમેથી પુછયું

લાફિંગ બુધ્ધાએ ફરી અટ્ટહાસ્ય કર્યુ તેઓ ફરી એક નવું રહસ્ય ઉજાગર કરવા જઈ રહ્યાં હતાં.

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED