Sentimental Vs Practical - 8 books and stories free download online pdf in Gujarati

Sentimental Vs Practical- 8

(8) ‘અખિલ બ્રહાંડમાં એક તું શ્રીહરિ’

‘એ દિવસે રાજકોટમાં મારા ઘરના સરનામે કુરિયરમાં એક પત્ર આવ્યો. એ પત્ર ઈંદોરની માયદુનિયા પ્રાઈવેટ.લી નામની કંપનીના હ્યુમન રિસોર્સ (એચઆર) વિભાગે મોકલ્યો હતો. મે પત્ર ખોલ્યો અને મારી ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. દેશની ખ્યાતનામ કંપનીઓ પૈકીની એક કંપનીમાં મેં જોબ માટે ઓનલાઈન એપ્લાય કરી હતી અને અંતે મારી શૈક્ષણિક લાયકાત જોઈને મને ‘કન્ટેન્ટ વ્રાઈટર’ તરીકે આ કપનીએ જોબ માટે ઓફર કરી હતી. કંપની મને વર્ષનું ત્રણ લાખનું પેકેજ આપી રહી હતી, 30 વર્ષની ઉમેરે આ પગાર સાચે જ મારા માટે માન્યમાં આવતો ન હતોં.

મારી કંપની માયદુનિયા પ્રાઈવેટ.લી એક ‘કન્ટેન્ટ’ પ્રોવાઈડર કંપની હતી. દુનિયાની શ્રેષ્ઠ પૈકીની એક એવી ‘માઈક્રોસોફ્ટ’ કંપની સાથે આ કંપનીનું જોડાણ હતું. એમ કહેવામાં પણ કોઈ અતિરેક નથી કે, તે ‘માઈક્રોસોફ્ટ’ માટે જ કામ કરતી હતી. આજે બજારમાં મળતા નવા ‘મોબાઈલ’થી લઈને ‘કોન્ડમ’ સુધીની તમામ પ્રોડક્ટસમાં તેનું ‘મેન્યુઅલ’ (માર્ગદર્શિકા) સાથે આવે છે જે અલગ-અલગ ભાષામાં હોય છે. મારી કંપનીનું કામ આ ‘મેન્યુઅલ’ તૈયાર કરવાનું હતું. ભારત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કર્મચારીઓ આ કંપનીમાં પોતપોતાની પ્રાદેશિક ભાષામાં ‘કન્ટેન્ટ’ તૈયાર કરતાં હતાં.

રાજકોટમાં આજદિન સુધી હું પુસ્તકોના અનુવાદનું નાનુ-મોટુ કામ કરતો હતો પરંતુ મહિનાઓની મહેનતની તુલનાએ રૂપિયા ઘણા ઓછા મળતાં, ઘરની આર્થિક સ્થિતી વખાણવા લાયક ન હતી. દેણાઓના ભારથી અમે દબાયેલા હતાં. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી મેં આખરે ઈંદોરમાં નોકરી કરવા માટેનો નિર્ણય કર્યો અને હું નીકળી પડયો. મારી સાત પેઢીમાં ક્યારેય કોઈએ એ શહેર જોયુ ન હતું અને એટલે જ રેલવે સ્ટેશને મને વળાવવા માટે એક આખુ પ્લેટફોર્મ ભરાઈ જાય તેટલા મારા મિત્રો, સગાસબંધીઓ અને પરિવારના કેટલાક સભ્યો આવ્યાં હતાં.

સોમનાથ-જબલપુર એક્સપ્રેસના જનરલ ડબ્બામાં બેસતી વખતે મને વળવવા આવેલા કેટલાક ચહેરોએ ખૂબ જ ખુશ હતાં જ્યારે કેટલાકની આંખોમાં આસુ છલકાઈ રહ્યાં હતાં. એવું ન માનવું કે, એ તમામને મારા પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો અને તેઓ મારો વિરહ જીરવી શકે તેમ ન હતાં. હકીકતમાં જે લોકો ખુશ હતાં તેઓને એ વાતની ખુશી હતી કે, હમેશા ‘ફેવીકોલ’ની જેમ ચીપકી રહેનારા એક કુખ્યાત દેણદારથી હવે તેમનો પીછો છૂટવાનો હતો જ્યારે જેઓની આંખોમાંથી દળદળ આંસુ પડી રહ્યાં હતાં તેઓ એવા સરવાળા માંડીને બેઠા હતાં કે, હવે કેટલા રૂપિયાનું નાહી નાખવાનું છે અને કેટલા પાછા મળવાના છે ?

ટ્રેનની બારી બહારથી જ માં એ પોતાના લાડકવાયા પુત્રને સલાહસૂચન આપવાનું શરૂ કરી દીધું, ‘બેટા આ કાચી કેરીનું અથાણું અને થેપલા, રસ્તામાં ખાઈ લેજે અને ટ્રેનની બહાર ડોકુ તો બિલ્કુલ નહીં કાઢવાનું ? કોઈ અજાણી વ્યક્તિ કંઈ ખાવા આપે તો નહીં ખાવાનું, રાત્રે સૂતી વખતે સામાનને ચેઈન સાથે બાંધી રાખવાનો, વચ્ચે સ્ટેશન આવે ત્યારે બિલ્કુલ નહીં ઉતરવાનું.’

‘પાણી તો ઓછુ જ પીજે જેથી કરીને સામાન રેઢો મૂકી પેશાબ કરવા વાંરવાર ઉભુ થવું ન પડે.’ માની વાતમાં મારા પિતાએ પણ સૂર પૂરાવ્યો.

સાચે જ દુનિયાના કોઈપણ માતા-પિતા માટે તેમનું સંતાન હમેશા બાળક જ હોય છે. ભલેને પછી એ બાળકની દાઢીમાં ધોળા કૂટા કેમ ન ફૂટી નિકળ્યાં હોય ! જો કે, મારા પિતા જે સામાનને લઈને ચિંતિત હતાં તેમાં ચોરોને પણ કોઈ લોટરી લાગવાની ન હતી કારણ કે, સામાનમાં એક જૂનવાણી થેલો, બે-ત્રણ જોડ કપડા અને સાથે એક જૂનવાણી ગાદલુ જ હતું. ખિસ્સામાં માંડ રૂા.500 હતાં અને તે પણ માં એ પોતાની બચત બેન્કમાંથી કાઢીને મને આપ્યાં હતાં.

ટ્રેન ઉપડવાને હજુ થોડો સમય હતો, એકાએક કોઈ મહત્વની વાત યાદ યાદી આવી ગઈ હોય તેમ અચાનક માં એ ટ્રેનની બારી છોડી અંદર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશી તેની પાછળ-પાછળ પપ્પા પણ આવ્યાં, તેમને જોઈને ક્ષણભર માટે જાણે કોઈ હાડકાનો માળો લાકડીને ટેકે ટ્રેનમાં દાખલ થયો હોય તેવું લાગ્યું. બિમારીએ તેમને કમજોર બનાવી દીધા હતાં. માં તો મારી સીટ પર બેસી ગઈ પણ પપ્પાને જગ્યા ન મળતા તેમણે થોડીવાર માટે મારી સામે બેઠેલા એક મુસાફર પાસેથી જગ્યા ઉધાર માંગીને આસન જમાવ્યું આમેય ઉધાર માંગવા માટે હવે અમારે કોઈ વિશેષ તાલીમની જરૂર ન હતી અમે આ કૌશલ્યથી ટેવાઈ ચૂક્યાં હતાં.

પપ્પા અન્ય મુસાફરો સાથે વાતચીતમાં વ્યસ્ત હોવાથી મૌકો જોઈને માં એ ધીરેથી મારા કાનમાં કહ્યું. ‘બેટા આટલા મોટા શહેરમાં તું તેને શોધી શકીશ ?’

‘કોને માં ? હું કોઈને શોધવા નહીં નોકરી કરવા જાઉ છું.’ મેં કહ્યું

‘બેટા હું તારી માં છું, નવ મહિના તને પેટમાં રાખ્યો છે, તારી રગેરગથી વાકેફ છું તારા દિલમાં શું ચાલે છે તે પણ મને ખબર છે.નોકરી કરવી આપણી જરૂરિયાત છે પણ ક્યાંકને ક્યાંક તું પેલી યુવતી, શું નામ હતું તેનું ? હાં સુપ્રિયા, તેને હજુ પણ ભૂલી શક્યો નથી. એક વખત તે જ કહ્યું હતું ને કે, તે ઈંદોરમાં રહે છે અને તું એને શોધવા પણ જવાનો હતો.

માં એ મારા મનની વાત જાણી લીધી હતી અને હવે કંઈ છુપાવવાનો અર્થ ન હતો. ‘હાં માં, એકવાર તો સંજોગોએ મને સાથ ન આપ્યો પરંતુ આ વખતે મારુ નસીબ મને એ શહેરમાં લઈ જઈ રહ્યું છે. આ વખતે તો પીછેહઠ નહીં જ કરું.’મેં કહ્યું

‘પણ ઘણા વર્ષો વિતી ગયા, હવે તો કદાચ તે તને સામે મળશે તો પણ તું તેને નહીં ઓળખી શકે.’

‘માં મે સુપ્રિયાને પ્રેમ કર્યો છે અને મારો પ્રેમ સાચો છે. તુ જાણે છે ને દરેક લવસ્ટોરી બ્યુટીફૂલ હોય છે અને તારા દિકરાની તો મોસ્ટ બ્યુટીફૂલ છે.’

‘તું અંગ્રેજીમા જે પણ બોલે તે મારા માટે તો કાળો અક્ષર ભેસ બરાબર છે. હું તો માત્ર એટલુ જ કહેવા ઈચ્છુ છું કે, જેઓનો પ્રેમ સાચો હોય છે તેવા પ્રેમીઓને પોતાનો પ્રેમ ન મળ્યે ક્યારેક કોઈ અઘટિત પગલુ પણ ભરી લેતા હોય છે.ક્યાંક તું પણ..’એટલુ જ કહેતા જ માં ની આંખોમાંથી અશ્રુઓનો દરિયો છલકાઈ ગયો.

બુધ્ધા કદાચ એ દિવસે મારી માં એ મારુ ભવિષ્ય જાણી લીધુ હતું એમને જે વાતોનો ડર હતો તે આજે હકીકત બનવા જઈ રહી છે. માં ને રડતી જોવી મારે માટે નવી વાત ન હતી, ફર્ક માત્ર એટલો હતો કે, એક સમયે આ ગ્રામિણ નારીએ પતિના વિયોગમાં આંસુ સાર્યા હતાં અને હવે શહેરી રહેણીકહેણીના ઢળ્યાં બાદ પૂત્રનો ઝૂરાપો વેઠવાનો સમય આવ્યો હતો. આંસુ સાથે તો જાણે તેની મૈત્રી થઈ ગઈ હતી. હુ પણ મારુ રુદન ન રોકી શક્યો અને મારા માટે સ્વર્ગના વૈભવથી પણ મૂલ્યવાન એવા મારી માં ના ખોળામાં માથુ નાખીને ઢળી પડયો.

‘બસ,બસ બહુ થયું હવે, એ કંઈ વિદેશ જતો નથી અને તું પણ આવડો ઢગો થયો અને હજુ માંના ખોળામાં માથુ નાખીને રડે છે.’ પપ્પાએ કહ્યું.

‘એ તમને ક્યારેય નહીં સમજાય.’ માં એ આંસુ લૂછતાં કહ્યું.

પ્લેટફોર્મ પર લટકતી ઘડીયાળમાં બપોરના બે વાગ્યાં ને ટ્રેને પાવો માર્યો. નીચે ઉતરવા માટે જલ્દી-જલ્દી મારા માતા-પિતા બર્થ પરથી ઉભા થયાં, જતાં પહેલા જ્યારે મેં બન્નેનો ચરણસ્પર્શ કર્યો ત્યારે મારા પિતાએ પોતાના ગજવામાં રાખેલી એક ચિઠ્ઠી કાઢીને મને આપી અને કહ્યું ‘બેટા અમારી ચિંતા બિલકુલ કરીશ નહીં, ટ્રેનની બહાર ઉભેલા લોકો તરફ આંગળી ચીંધતા તેમણે કહ્યું કે, આ લોકો અમને કંઈપણ નહીં કરી શકે, કારણ કે, હવે અમારી પાસે એક ફુદિયુ પણ બચ્યુ નથી તેઓને એ વાતની ખબર છે.’

મારા પિતાના અવાજમાં ધ્રુજારી હતી અને હાથોમાં કંપન પણ હવે વધવા માડયું હતું કારણ કે, એ ચીઠ્ઠીમાં એ તમામ લોકોના નામ હતાં જેઓ પાસેથી અમે રૂપિયા ઉધાર લીધા હતાં અને જેમાંથી મોટાભાગના આજે મને વળાવવા માટે આવ્યાં હતાં. અમારા માથે તોળાતાં દેણાનો આંકડો એક સમયે ખૂબ જ નાનો હતો પરંતુ વ્યાજના વિષચંક્રએ તેને વિશાળ અજગર જેવો કરી દીધો હતો. ચીઠ્ઠીને સાંચવીને ખિસ્સામાં મૂકતા મેં માત્ર એટલુ જ કહ્યું ‘પપ્પા તમે ચિંતા ન કરો હું તેમની પાઈપાઈ ચૂકવી આપીશ.’

ગાર્ડે લીલીઝંડી દેખાડી, ટ્રેન હવે ધીરેધીરે દોડવા લાગી હતી. મેં છેલ્લીવાર બારીની બહાર જોયું, જાણે વરસાદ પછીના બળબળતા તડકાએ બધો ભેજ ચૂસી ના લીધો હોય તેમ મારી માંની આંખો હવે કોરીધાકોર થઈ ચૂકી હતી. આસુંઓ સૂકાઈ ગયાં હતાં. એક તરફ પ્રેમમાં અંધ પૂત્ર ક્યાંક કોઈ ખોટુ પગલુ ભરી ન લે તેનો ડર તો બીજીતરફ ગરીબીરૂપી ‘ડાકણ’ અમારો પીછો છોડતી ન હતી.

‘ગરીબી ? ’ બુધ્ધાએ આશ્ચર્ય સાથે પુછયું

હા બુધ્ધા, એ અમારી ગરીબી જ હતી જે મને મારી માં થી દૂર લઈ જઈ રહી હતી. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલી એક ભાડૂતી ઓરડીમાં મારો જન્મ થયો હતો, ગરીબી એ હદ સુધી હતી કે, પુત્ર જન્મ વખતે જ્યાં પેંડા વેંચાતા હોઈ મારા જન્મ વખતે કોઈને મોઢુ મીઠુ કરાવવા મારા મા-બાપ પાસે ગોળનો ગાંગડો પણ ન હતો.

મૂળ મારા વડવાઓ સુરેન્દ્રનગર જિલ્લાના મીણાપુર ગામના ગરાસિયા રાજપૂત. આપણા દેશના પ્રતિષ્ઠિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વશના ઈતિહાસ પર આજદિન સુધીમાં ઘણું બધુ લખ્યું છે જેમાં ગરાસદાર ક્ષત્રિયોનો પણ ઉલ્લેખ છે, જે રાજપૂતને પોતાના વડવાઓ તરફથી મોટાપાયે જાગીર અને જમીનો મળે તેને ગરાસદારો કહેવામાં આવે છે અને ક્ષત્રિય સમાજમાં તેઓનું સ્થાન આલા દરજ્જાનું ગણાય છે.

મારા વડવાઓ પાસે પણ જમીનો તો મબલક હતી પરંતુ વર્ષોથી અમારા પરિવારો વચ્ચે ચાલ્યાં આવતા આંતરિક કલેશને લીધે એ જમીનો કોર્ટ-કચેરીની ફાઈલોમાં જ ધૂળ ખાતી રહી. મારા દાદા વજેસિંહ રાણાએઁ તેમના ભાઈઓ પાસેથી પોતાના હકની જમીન સ્વમાનભેર પરત મેળવવા માટે આખુ જીવન ખર્ચી નાખ્યું. ભાઈઓ કપટી હતાં અને તેમના સંતાનો એટલે કે, મારા પિતરાઈ કાકાઓ તેનાથી એક વેત ઉચા નિકળ્યાં તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યા અને નાણાના જોરે તેઓ એ કેસ જીતી પણ ગયાં. અમારા ભાગે નામ માત્રનો એક ખડકાળ કટકો આવ્યો જ્યાં ફૂદીયુ પણ ઉગી શકે તેવી કોઈ શક્યતા ન હતી તેમ છતાંય પેલા કપટી કાકાઓનો હાથ ઉંચો રહ્યો. દાદા આ આઘાત જીરવી ન શક્યાં અને મારી દાદી તેમજ પાંચ સંતાનોને ગરીબીની ખીણમાં અધવચ્ચે જ એકલા છોડીને ચાલ્યાં ગયાં. દાદી કહેતી કે, મારા દાદાને હૃદય રોગનો હૂમલો આવેલો પણ ખરી હકીકત તો એ હતી કે, ભાઈઓ તરફથી મળેલા વિશ્વાસઘાતનો વ્રજધાત તેઓ પચાવી શક્યાં ન હતાં.

દાદાની વિદાય બાદ એ ઘર ભેંકાર ભાસતું હતું છતાં દાદીએ હિમ્મત જાળવી રાખતી હતી અને ઘરના અન્ય સભ્યોને પણ તેણે હિમ્મત આપી હતી. રોજ રાત્રે તે મને પોતાની પાસે સુવડાવતી, દાદાની જેમ તેને મારા વાસામાં ‘ટચાકા’ ફોડતા તો આવડતું ન હતું પરંતુ હું જલ્દી સુઈ જાઉ તે માટે તે કવિ નરસિંહ મહેતાનું એક સુંદર ભજન ‘અખિલ બ્રહાંડમાં એક તું શ્રીહરિ’ અવારનવાર ગાઈને મને સંભળાવતી હતી. આ ભજનની એક પંક્તિ દાદી વારંવાર ગાતી હતી જે હજુ પણ મને યાદ છે. મેં ગાવાનું શરૂ કર્યુ...

‘વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે,

કનક કૂંડલ વિષે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા

અંતે તો હેમનું હેમનું હેમ હોયે’

‘વાહ તું તો ખૂબ જ સારુ ગાય છે.’ લાફિંગ બુધ્ધાએ પ્રશંસા કરતાં કહ્યું

તો ય દાદી જેવું તો નહીં જ, બુધ્ધા આજે આવા ચિરકાલીન ભજનો ભાગ્યે જ સાંભળવા મળે છે, જમાનો બદલાયો છે, કવિઓ પણ બદલાયા છે અને માનવ બદલાયો છે અને માનસ પણ બદલાયું છે. જ્યાં સુધી હું સમજ્યો છું આ પક્તિનો અર્થ કંઈક એવો થતો હતો કે, ‘વેદોનું જ્ઞાન ત્યારે જ સમજાય કે જ્યારે મનુષ્યનું એકાગ્ર ચિત અને શ્રવણશક્તિનો સુભગ સમન્વય થાય, સોનૂ હોય કે, આભૂષણ બન્નેમાં કોઈ ભિન્નતા નથી, ઘાટ ઘડયા પછી તે આભૂષણને અલગ-અલગ નામ મળ્યા છે, અંતે તો તેના પાયામાં સોનું જ છે.’ દાદી આ પક્તિનું વારવાંર પુનરાવર્તન શા માટે કરતી હતી ? તેનો અર્થ સમયાંતરે મને અચૂક સમજાઈ ગયો.

કેવો અર્થ ? બુધ્ધાએ પુછયું

‘લાફિંગ બુધ્ધા અમારી હિન્દુ શાત્રોક્ત પ્રણાલીમાં ઉલ્લેખ છે કે, જ્યારે કોઈ રાજવી પરિવારનો સભ્ય મૃત્યુ પામે તો તેમના કપાળ અને મુખ પર સ્વર્ણમુદ્રા મૂકવામાં આવતી. અમારા વંશજો પણ યોદ્ધા હતાં જે સ્વમાન તેઓના શબને મળ્યું તે મારા દાદા ન મેળવી શક્યાં. સોનું તો દૂરની વાત પેલા કપટી કાકાઓ કે જેઓ પાસે અરબી ઘોડાઓના એક મોટો રસાલો હતો, ગામની કાચી-પાકી સડક પર જેઓ ક્યારેય ઘોડાઓ પરથી નીચે ઉતર્યા વગર ચાલ્યા પણ ન હતાં તેઓએ ચંદનનો એક નાનકડો ટુકડો આપવાની પણ ઘસીને ના પાડી દીધી હતી. મારા દાદા સાથે તેમનું કૌટુબિંક સગપણ હતું એટલે સમાજ તેઓની સામે આંગળી ન ચીંધે એટલે તેમની અંતિમ યાત્રામાં તેઓએ અચૂક હાજરી આપી. અમારા પરિવારની છાતીએ એ કપટીઓએ ‘ગરીબી’ની એક એવી મરણતોલ ગોળી મારી હતી જેના કારણે ‘ગરાસદાર’ હોવાનો અમારો બધો ઠાઠ મારા દાદાના દેહની જેમ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો.’

‘ખૂબ જ દુ:ખદ’ લાફિંગ બુધ્ધા માત્ર એટલુ બોલી શક્યાં

‘બુધ્ધા મારા દાદાને સ્વર્ણમુદ્રા કે ચદનનો ટુકડો તો ન મંળ્યો પણ દાદીએ તુલસીના પાનને જ સ્વર્ણ માનીને તેમના શબના મુખમાં મૂકી દીધુ, એ દુ:ખની ઘડીએ પણ દાદી મુખેથી રડતા રડતા આ પંક્તિ નીકળી હતી.

કનક કૂંડલ વિષે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા

અંતે તો હેમનું હેમનું હેમ હોયે’

પછી શું થયું ? બુધ્ધાએ પુછયું

બુધ્ધા, અમારા પરિવાર પરથી દૂ:ખનો દાવાનળ હજુ શમ્યો ન હતો. ભૂખમરાને લીધે શરીર ક્ષીર્ણ થઈ જતાં મારા જન્મ પૂર્વે મારા બે કાકા મૃત્યુ પામ્યાં હતાં. હવે એ પરિવારમાં મારા દાદી, મારા પિતા તેમજ મારા કાકા અને ફૈબા રહ્યાં હતાં. ગરીબીને લીધે લગલગ મૃતપાય જ બની ચૂકેલા આ પરિવારને પુનર્જીવિત કરવા, નાણા કમાવવા મારા પિતાએ અંતે એક દિવસ મારી માં સહિત પરિવારના અન્ય સભ્યોને છોડીને મુંબઈની વાટ પકડી.એ સમયે હું માંડ ત્રણ વર્ષનો હોઈશ.

મુંબઈમાં મારા પિતા પાસે સંઘર્ષ કરવા સિવાય કંઈ બચ્યું ન હતું. શરૂઆતના દિવસોમાં ચર્ચગેટના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા નજીક એક પેટ્રોલ પમ્પ અને પછી મુંબઈ સેન્ટ્રલમાં આવેલી મરાઠા મંદિર ટોકિઝમાં ટિકીટ ચેકરની નોકરી કરી, પિતાના મુંબઈ આગમન બાદ થોડા સમય બાદ તેમણે કાકાને પણ ત્યાં બોલાવી લીધા બન્ને ભાઈઓ ધારાવીના એક નાનકડા ઝુપડામાં ભાડે રહેતા હતાં.

ઝુપડામાં ? બુધ્ધાએ પુછયું

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED