Sentimental Vs Practical- 7 books and stories free download online pdf in Gujarati

Sentimental Vs Practical- 7

(7) કૂવાઓમાં શોધખોળ !

‘પણ હવે મને એ કહો કે, તમે કાશીને બદલે અહીં ઈંદૌરમાં શું કરો છો ? અને તે પણ આ કૂવામાં ?’ અચકાતા અચકાતા મેં ધીમેથી લાફિંગ બુધ્ધાને પુછયું

બુધ્ધાએ પોતાના ખભે લટકાવેલી ઝોળી તરફ ઈશારો કરતા કહ્યું. ‘ આ ઝોળી એ દિવસે ચક્રવાતને લીધે આકાશ માર્ગેથી જમીન તરફ ગાબડી હતી અને આ કૂવામાં જઈ પડી હતી બસ તેને કાઢવા માટે જ હું કૂવામાં ઉતર્યો હતો.’

‘પણ તમે તો કહ્યું હતું કે, ઝોળી ક્યાં પડી તેની તમને ખબર રહી ન હતી તો પછી તે આ કૂવામાં જ છે તેની જાણ તમને કેવી રીતે થઈ ?’

‘મને બસ માત્ર એટલુ યાદ હતું કે, આ ઝોળી ભારતના મધ્યભાગમાં ક્યાંક પડી હતી જેને મધ્યપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કાશીથી હું સીધો મધ્યપ્રદેશ આવી ચડયો અને છેલ્લા કેટલાયે મહિનાઓથી હું આ રાજ્યમાં ફરી રહ્યો છું. મેં ધાર્યુ હોત તો મારી દૈવીયશક્તિના પ્રયોગથી તે કયાં સ્થાને છે ? તે શોધી શક્યો હોત પરંતુ શરતના નિયમોનું એ ઉલ્લંઘન હતું. શરત પ્રમાણે આકાશમાં વિચરણ કરવાની દિવ્યશક્તિનો જ અમે ઉપયોગ કરી શકવાના હતાં.’

‘બુધ્ધા પછી આપે શું કર્યુ ?’

‘હું મઘ્યપ્રદેશના નાના-મોટા શહેરો અને ગામડાઓમાં ફર્યો અને એકદિવસ ફરતા-ફરતા પવિત્ર નગરી ઉજજૈન આવી ચડયો.’

‘ઉજજૈન ?’

‘હા ઉજજૈન, મને કહેવામાં આવ્યું કે, અહીં એક દેવતાની મૂર્તિ મદિરાપાન કરે છે. વિશ્વાસ ન આવ્યો એટલે ખુદ હું એ કાલભૈરવ મંદિરે જઈ ચડયો. મેં જોયું કે, ઘણા ભક્તો હાથમાં દારૂની બોટલ લઈને એક મૂર્તિને મદિરાપાન કરાવી રહ્યાં હતાં. દારૂ એ પથ્થરની મૂર્તિને બદલે નજીકમાં રાખેલા એક ખાડામાં જમા થઈ રહ્યો હતો. બૌધ્ધ ધર્મમાં મદીરાનું સેવન પાપ ગણવામાં આવે છે. બૌધિસ્ટ માને છે કે, જીવનનું ખરુ સુખ દારુના સેવનથી નહી પરંતુ ધ્યાન અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. ભગવાન બુધ્ધે પણ કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન ન કરવાનો ઉપદેશ તેમના શિષ્યોને આપ્યો હતો જેમાં મધપાન પણ શામેલ હતું. જો કે, દુ:ખ સાથે કહેવું પડે છે કે, આજે જૂજ સંખ્યામાં જ એવા લોકો બચ્યાં છે જેઓ બોધ્ધ ધર્મને ગંભીરતાપૂર્વક લે છે, બૌધ્ધ ધર્મ અંગિકાર કરનારા શહેરોમાં થાઈલેન્ડ પ્રથમ હરોળમાં આવે છે પરંતુ અહીં પણ યુવાનોમાં દારૂનું દૂષણ પ્રર્વતી રહ્યું છે.’

કાલભેરવે મંદિરે પછી શું થયું ? મેં લાફિંગ બુધ્ધાને મૂળ વાત પર વાળતા પૂછયું

‘મંદિરની બહાર નિકળતા મેં જોયું કે, એક ખૂણામાં અનેક ભૂખ્યા ભિક્ષુકો બેઠા હતાં જેમાં કેટલાક નાના-બાળકો પણ હતાં પરંતુ તેઓને દાન આપવા કરતા દારૂ ખરીદી કરનારા ભક્તોની લાઈન વધુ હતી.’ લાફિંગ બુધ્ધાએ કહ્યું

‘આ દેશમાં એવું જ છે બુધ્ધા, એક તરફ ગરીબ બાળકો દૂધ માટે ઝંખે છે તો બીજી તરફ પથ્થરની મૂર્તિઓ દારૂ પીવે છે, ગરીબો પાસે પહેરવાના પૂરા કપડા પણ નથી ને દરગાહોમાં લાખોની ચાદરો ચડાવાય છે. તેઓના ઝૂપડાઓમાં અધાંરપટ છે ને ચર્ચમાં હજારો મીણબતીઓ પ્રગટાવાય છે.

‘પણ અમે દેવતાઓ તો ક્યારેય એવું ઈચ્છતા નથી ?’ લાફિંગ બુધ્ધાએ કહ્યું

‘આપ ભલે ઈચ્છતા ન હોય પરંતુ જેઓએ દેવી-દેવતાઓના નામ પર વેપારના હાટડાઓ ખોલ્યા છે તેઓ માટે આ કમાણીનું મુખ્ય સાધન છે. મહારાષ્ટ્રમાં તો એક સ્થળે કાળા પથ્થરને ભગવાન માનીને તેને હજારો લીટર તેલથી આખો દિવસ એ રીતે નવડાવવામાં આવે છે કે, રીતસર એ મંદિરની પાછળ તેલની નદીઓ વહેવા લાગે છે. દક્ષિણમાં એક સુપ્રસિધ્ધ મંદિર છે જ્યાં ભગવાનના ‘વીઆઈપી’ દર્શન માટે ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને આધિન હજારો ભક્તો આ મંદિરે પોતાના વાળ ઉતરાવે છે અને બાદમાં એ વાળની વિદેશોમાં નિકાસ થાય છે અને તેમાંથી જુદી-જુદી ‘હેર વીગ’ બનાવીને ભારતની જ બજારોમાં મોંઘીદાટ કિમતે વેંચવામાં આવે છે. અમારા ગુજરાતમાં પણ ગાંધીનગર પાસે એક ગામ છે જે જ્યાં આસો સુદ નોમને દિવસે કોઈ માતાજીની પલ્લી પર લાખો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવે છે. એ ગામની શેરીઓમાં કરોડોની કિમતના એ શુધ્ધ ઘીનો વેડફાટ મેં ખુદ મારી નજરે જોયો છે તો કેટલાક ચોક્કસ સમાજના ગરીબ લોકોને છાનેખુણે એ ઘીને એકઠા કરતા પણ મેં જોયા છે.’

‘હ...’ લાફિંગ બુધ્ધાએ હુંકાર કર્યો.

‘અને હા, આપ દેવતા છો તે વાત હજુ મેં સ્વીકારી નથી’ મેં ભંવા ચડાવતા કહ્યું.

‘ અરે ભાઈ તને કોણ માનવાનું કહે છે.’ બુધ્ધાએ કડકાઈભર્યા અવાજે કહ્યું.

‘પેલી વાત તો અધૂરી જ રહી ગઈ.’ મેં કહ્યું

‘એ જ કહેવા જઈ રહ્યો છું, એ વખતે ઉજજૈનમાં મહાકુંભ ચાલી રહ્યો હતો, અનેક સાધુ, સંતો અને મહંતો શાહીસ્નાન માટે ક્ષિપ્રા નદીએ એકઠા થયાં હતાં. મે પણ તેઓની સાથે નદીમાં ડૂબકી લગાવી, સ્નાન કરીને જ્યારે હું બહાર નિકળ્યો ત્યારે એક મહાત્મા સાથે મારા ભેટો થઈ ગયો. હું એક સામાન્ય વ્યક્તિ બનીને તેમની પાસે ગયો હતો. એ મહાત્મા જાણતા હતાં કે, હું કોણ છું ? પરંતુ તેઓને એ પણ ખબર હતી કે, જો મને દેવ માનીને તેઓ ખુદ મારા શરણે થઈ જશે તો ક્યારેય પણ હું મારી શરત પૂર્ણ નહી કરી શકું. નાછૂટકે મને એક સામાન્ય વ્યક્તિ તરીકે જ તેઓને મને સ્વીકારવો પડયો. મેં પણ નિ:સ્વાર્થ પણે તેઓની મહિનાઓ સુધી સેવા-ચાકરી કરી અને એકદિવસ મારી સેવાથી પ્રસન્ન થઈને તેમણે મને વરદાન માંગવા કહ્યું.

પછી શું થયું ? મેં પુછયું

મેં એ મહાત્માને કહ્યું મારી એક અમૂલ્ય વસ્તુ આ પ્રદેશમાં ક્યાંક ગૂમ થઈ ગઈ છે અને જ્યાં સુધી તે મને નહીં મળે ત્યાં સુધી હું મારા ગંતવ્ય સુધી નહીં પહોંચી શકું.

‘એ વસ્તુ અને મારું ગંતવ્ય શું હતાં ? મહાત્મા તે સારીપેઠે જાણતા હતાં પરંતુ એક સામાન્ય શિષ્ય તરીકે તેઓ છેક સુધી મારી કસોટી કરવા ઈચ્છતા હતાં તેમણે મને માત્ર એટલુ જ કહ્યું કે, ઉજજૈનથી 55 કિ.મી દૂર દક્ષિણ દિશાએ એક શહેર આવેલું છે જે ઈન્દોરના નામથી સુપ્રસિધ્ધ છે. આ શહેરના કોઈક કૂવામાં એ બહુમૂલ્યવાન વસ્તુ પડી છે. બસ ત્યારથી જ મેં આ શહેરના તમામ કૂવાઓમાં મેં મારી શોધખોળ આદરી દીધી હતી અને આજે આ કૂવામાં મને મારી ઝોળી મળી છે, પણ તું મને એ કહે કે, આ દેશના કૂવાઓ આટલા ગંદા કેમ છે ? આશ્ચર્ય એ વાતનું પણ છે કે, અહીના કેટલાક ગામડાઓમાં આવા કૂવાઓનું દૂષિત પાણી લોકો પીવે પણ છે.

‘શું કરીએ બુધ્ધા, આ દેશની એ મજબૂરી છે. અન્ય કોઈ બાબતોમાં ભલે અમે અગ્રસ્થાને ન હોય પરંતુ ભ્રષ્ટાચાર, ગંદકી અને જનસંખ્યા વધારવામાં અમે આગળ છીએ.’ મેં કહ્યું

‘ખેર તું અહીં શું કરવા આવ્યો છે અને એ પણ મધ્યરાત્રે ?’ લાફિંગ બુધ્ધાએ એકાએક પ્રશ્ન કર્યો.

‘બસ એમ જ..આંટો મારવા નિકળ્યો હતો’ હું ખોટુ બોલ્યો.

‘રાત્રે 3 વાગ્યે, આવા નિર્જન સ્થળે કોઈ ફરવા નીકળે એવું હું માની લઉ એટલો મૂર્ખ તો હું નથી જ. સાચું કહે ?’ આ વખતે બુધ્ધાના અવાજમાં થોડી કડકાઈ હતી.

‘સાચુ જ કહુ છુ, આજે ઉંઘ આવતી ન હતી તો હવાફેર કરવા નીકળી ગયો.’

‘આ બધો સામાન લઈને હવાફેર કરવાની કઈ રીત છે ? કુવા પાસે પડેલી સુપ્રિયાએ આપેલી ડાયરી, બંટી બબલી અને છત્રી તરફ આંગળી ચીધતા બુધ્ધાએ પુછયું.

બસ એ તો એમ જ..મેં વાત ટાળતા કહ્યું

‘દોસ્ત તને હવાફેરનો ખૂબ જ શોખ લાગે છે એ દિવસે પણ તું હવાફેર કરવા જ આવ્યો હતો ને પેલી પહાડી પર કોઈ યુવતી સાથે ?’ બુધ્ધાએ દાણો દાબ્યો

‘હવે મને સમજાઈ ગયું હતું કે, બીજાસનની ટેકરી પર સુપ્રિયા સાથેની છેલ્લી મુલાકાત વખતે દૂર સામે છેડે આવેલા પેલા ઘટાદાર વૃક્ષને પાસે ઉભા-ઉભા કોણ મને જોઈ રહ્યું હતું. ભલે વરસાદને લીધે હું એ વ્યક્તિનો ચહેરો જોઈ શક્યો ન હતો પરંતુ લાફિંગ બુધ્ધાએ મને જોઈ લીધો હતો. એ તમે જ હતાં ?’ મેં પુછયું

‘હાં એ હુ જ હતો.’ લાફિંગ બુધ્ધાએ પ્રત્યુત્તર આપ્યો.

‘પણ તમે ત્યાં શું કરી રહ્યાં હતાં ?’ કોઈને એ રીતે છૂપી નજરે જોવું યોગ્ય છે ?’ મેં શંકાસ્પદ નજરે બુધ્ધા સામે જોઈને પુછયું.

બુધ્ધાએ હસતા-હસતા કહ્યું ‘હું તમને જોઈ રહ્યો ન હતો પણ મારુ કામ કરી રહ્યો હતો અને અચાનક જ તમારા બન્ને પર મારુ ધ્યાન ગયું.’

એવું તે શું કામ કરી રહ્યાં હતાં ? એ પણ પડાહી પર’

‘બીજુ શું હોય ? કૂવો શોધી રહ્યો હતો’ બુધ્ધાએ હસતાં-હસતાં જેવો જવાબ આપ્યો હુ પણ મારુ હસવું ન રોકી શક્યો.

‘પણ મને એ તો કહો કે, તમે આ કૂવામાં અત્યારે જોરજોરથી કેમ હસી રહ્યાં હતાં ? તમારુ અટ્ટહાસ્ય ડરામણું લાગતું હતું.’ લાફિંગ બુધ્ધાને મેં સાચુ કહી દીધું.

‘દોસ્ત જ્યારે આપણી કોઈ મહત્વની ચીજવસ્તુ ગૂમ થઈ ગઈ હોય અને કઠીન પરિશ્રમ બાદ અચાનક એ પાછી મળે તો તેનો આનંદ કંઈક અલગ જ હોય છે. આ શહેરના અનેક કૂવાઓના ગંદા પાણીમાં ડૂબકીઓ લગાવ્યા બાદ અંતે આજે આ કૂવામાંથી મને મારી ઝોળી મળી છે. તુ કલ્પના નહીં કરી શકે કે, એ ઘડી મારા માટે કેટલી મહત્વપૂર્ણ ક્ષણ હશે બસ એટલે જ હું ં જોરજોરથી હસ્યો હતો.’ લાફિંગ બુધ્ધાએ કહ્યું.

‘એ વાત તો સાચી ? ગૂમાવેલી કોઈ વસ્તુ કે, વ્યક્તિ જો પાછી મળી જાય તો તેનો આનંદ જ કંઈક અલગ હોય છે. કદાચ બુધ્ધાને જેમ એ ઝોળી પાછી મળી તેમ મને પણ મારી સુપ્રિયા પાછી મળી ગઈ હોત તો હું પણ આટલુ જ જોરશોરથી હસ્યો હોત. ખૈર મારે તો રડવાનો જ વારો આવ્યો હતો. ક્ષત્રિયો રડે તેવું કોઈ ક્યારેય ન માને પણ પ્રેમમાં પડેલો રાજપૂત રડે, ખૂબ રડે એ હુ મારા જાતઅનુભવ પરથી જાણી શક્યો હતો જ્યારે આસુઓનો દરિયો સૂકાઈ ગયો ત્યારે આત્મહત્યાનો વિચાર આવ્યો અને આજે હું મારી જાત ટૂકાવવા માટે જ તો અહીં આવ્યો હતો.’ હુ મનોમન બોલ્યો

‘કોણ છે એ સુપ્રિયા ?’ બુધ્ધાએ એકાએક પ્રશ્ન કર્યો.

‘સુ...સુ..સુપ્રિયા..તમને કેવી રીતે ખબર પડી.’

લાફિંગ બુધ્ધાએ કહ્યું ‘ભાઈ,ભલે હું મારી દૈવીયશક્તિનો પ્રયોગ ન કરી શકું તો પણ હજારો વર્ષની તપસ્યાના ફળસ્વરૂપ કોઈપણ વ્યક્તિના મનની વાત હું અચૂક જાણી શકું છું. ખેર એ કહે કે, કોણ છે એ સુપ્રિયા ? અને તેણે શું કર્યુ તારી સાથે ? શા માટે તારે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડયું ? પેલા દિવસે બીજાસન ટેકરી પર તારી સાથે મેં જે યુવતીને જોઈ તે સુપ્રિયા જ હતી ને ?’

બુધ્ધાએ મને પકડી પાડયો હતો તેણે મારા પર અનેક પ્રશ્નોના બાણ છોડવા માંડયાં હતાં, આ બાણ મારા હૃદય સોસરવા ઉતરી જતાં હતાં. આ વ્યક્તિ દેવ છે કે, નહીં ? તેનો વિશ્વાસ હજુ સુધી મને બેઠો ન હતો પરંતુ એક વાત સત્ય હતી કે, તે કોઈપણ વ્યક્તિની મનની વાત જાણી શકતો હતો.

કેમ મૌન છે ? જવાબ તો આપ ?’ મારા વિચારોને બ્રેક મારતા બુધ્ધાએ કહ્યું.

‘બુધ્ધા પ્રેમમાં નિષ્ફળ દરેક પ્રેમીની જેમ મારી લવસ્ટોરી પણ ખુબ જ લાંબી છે અને આપની પાસે સમય ઓછો છે. જો આપ એ સાંભળવા માટે રોકાશો તો શરત હારી જશો. આપ આપની મંજિલે પહોંચો અને મને પણ મારા અંતિમ મૂકામે પહોચવા દો.’

‘આત્માનં સતંત રક્ષેત’ બુધ્ધા સંસ્કૃતમાં કોઈ શ્લોક બોલ્યાં.

‘એટલે ?’ મને એ શ્લોકનો અર્થ ન સમજાતા મેં પુછયું.

‘વ્યક્તિએ પોતાની જાતનું હમેશા રક્ષણ કરવું જોઈએ અને તૂં આત્મહત્યા કરવા ચાલી નીકળ્યો છે.’

‘બુધ્ધા મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.’

‘ખુદને ક્ષત્રિય જણાવે છે, નામની પાછળ સિંહ પણ લગાડે છે ને પાછી આવી વાતો કરે છે. શું તુ જાણે છે કે, સિંહને જો સિહાસન પરથી ઉતારી મૂકવામાં આવે તો એ ચૂપચાપ જંગલમાં ચાલ્યો જાય છે રાજા મટી ગયા પછી જંગલના બીજા પ્રાણીઓ પર હવે રૂઆબ કેવી રીતે છાંટી શકીશ ? એના આઘાતમાં તે આપઘાત નથી કરતો અને તું..’

બુધ્ધાના આક્રમક વેણથી કાળજે કટારી જેવો ઘા મને લાગ્યો.

‘આ જીવનને મને દુ:ખ સિવાય કઈ આપ્યું નથી હવે તેનું રક્ષણ મારા માટે શક્ય નથી.’ મેં નિરાશભાવ સાથે કહ્યું.

‘એવું કઈ રીતે ચાલે ? આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી અને મારી હાજરીમાં હું તને એ પાપ ક્યારેય પણ કરવા નહી દઉ, હું જ્યા છું ત્યાં દુ:ખને કોઈ સ્થાન નથી. મને જણાવ આખરે એવું શું થઈ ગયું કે,તારે ચૂપચાપ મોતને તાબે થવાનો વારો આવ્યો. જ્યાં સુધી એ વાત તું મને નહીં જણાવે ત્યાં સુધી હું અહીંથી એક ડગલુ પણ નહી હટું ભલે તેના માટે મારે મારી શરત કેમ ન હારવી પડે.’

‘તો આપને મારી વાત સાંભળવી જ છે એમ ને ?’ મેં પ્રશ્ન કર્યો.

‘જો તુ મને તારો સાચો મિત્ર માનતો હોઈશ તો અચૂક કહીશ. હું સાંભળવા માટે તૈયાર છું ’ બુધ્ધાએ કહ્યું.

‘પરંતુ મને એક વચન આપો કે, એ વાત સાંભળ્યા બાદ હું જે કામ માટે અહીં આવ્યો છું તે કરવાથી આપ મને નહીં રોકો.’

‘કોઈને રોકનારો હું કોણ ? જીવન અને મૃત્યુ ભાગ્યના હાથમાં છે. તારા ભાગ્યમાં સાચે જ મૃત્યુ લખ્યું હશે તો મારા લાખો પ્રયત્નો છતાં પણ તને કોઈ મોતના મુખમાંથી બચાવી નહીં શકે’ બુધ્ધાએ કહ્યું.

મેં મારી કાંડા ઘડિયાળ તરફ એક નજર કરી, રાત્રીને સવા ત્રણ વાગ્યાં હતાં ને વરસાદ હજુ થમ્યો ન હતો. મેં એંક ઉડો શ્વાસ લીધો, જેમ યુધ્ધ પૂર્વે કોઈ યોધ્ધા તૈયારી કરી રહ્યો હોય તેમ મારા જીવનમાં ચક્રવાત સર્જનારી એ વાત કહેવા માટે મેં મારી જાતને તૈયાર કરી, એક એવી વાત જેણે મારા જીવનની દિશા જ બદલી નાખી, જેણે મને મૃત્યુને ભેટવા માટે મજબૂર કરી દીધો. મેં ફરી એક ઉડો શ્વાસ ભર્યો અને બુધ્ધાને સામે જોતા કહ્યું, ‘તો સાંભળો બુધ્ધા હું આપને એ તમામ ઘટનાઓ કહેવા જઈ રહ્યો છું જે મારા જીવન સાથે ઘટી. હું ં એક શબ્દ પણ ખોટુ નહીં બોલુ, ક્યાંક કોઈક વાત કહેવામાં જાણતા-અજાણતા હું આપની સામે કોઈ મર્યાદા ઓળંગી જાઉ, અણછાજતા વેણ મારા મુખેથી નીકળે તો મને એક મિત્ર માનીને માફ કરશો.’

‘કંઈ વાધો નહીં, આખરે તુ છે તો એક મનુષ્ય જ’ બુધ્ધા આશ્ચર્ય અને આનંદથી બોલી ઉઠયાં. (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED