ફોટો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોટો

ફોટો

યશવંત ઠક્કર

‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો.

બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો. દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે? દીવો કોને કરશે? બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો એમના હાથ કોના ફોટાને જોડશે?’

ફુઆના બેસણાની તૈયારી વખતે જ એ રહસ્ય બહાર આવ્યું હતું કે એમનો, બેસણાને લાયક એવો એકાદ ફોટો પણ ઘરમાં નથી. એમના દીકરાઓ નિરાશ થઈ ગયા હતા. ‘અરેરે! બાપુજીનો એકાદ સારો ફોટો પણ તમારા ઘરમાં નથી? હદ કહેવાયને?’ લોકોની આવી ટીકાનો એમની પાસે કોઈ જવાબ નહોતો. એમના ઘરમાં કે ધંધામાં ‘બાપુજી’ના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ને ‘બાપુજી’એ ક્યારેય પોતાનો મોટો ફોટો તૈયાર કરવાનું કહ્યું જ નહોતું. ‘બાપુજી’ના ન હોવાના દુઃખથી વિશેષ દુઃખ; ‘બાપુજીનો ફોટો’ ન હોવાનું એ દિવસે બધાં કુટુંબીજનોએ અનુભવ્યું હતું.

બેસણાનો સમય નજીકને નજીક આવી રહ્યો હતો. બળવંતરાય ફુઆના ફોટાની રાજ જોઈ રહેલી સજાવેલી-ધજાવેલી ખુરશીને વિચારોની ઉથલપાથલ સાથે જોઈ રહ્યા હતા.

કિમતી જણસ ખોવાઈ ગઈ હોય અને જેવા ખાંખાંખોળા થાય એવા ખાંખાંખોળા ફૂઆનો ફોટો શોધવા માટે ઘરમાં થવા લાગ્યા. પણ, ફોટો હોય તો હાથમાં આવેને? એ વખતે તો બધાંના જીવ અધ્ધર થઈ ગયા હતા. બેસણામાં ફોટો ન હોય તો તો ડૂબી મરવા જેવું થાયને?

ત્યાંતો, મોટા દીકરાની વહુએ એક આલ્બમમાંથી ‘બાપુજી’નો એક નાનકડો ફોટો શોધી કાઢ્યો હતો. દીકરાઓએ સંકોચસહ એ નાનકડા ફોટાને ખુરશીમાં પધરાવ્યો હતો. મોટા હારમાંથી નાનો હાર કરીને ફોટાને ચડાવ્યો હતો, દીવો કર્યો હતો ને હાથ જોડ્યા હતા.

.. ને બેસણામાં લોકો આવવા લાગ્યા હતા.

ખુરશીમાં પધરાવેલા નાનકડા ફોટાનું હોવું, ન હોવા બરાબર હતું. આથી ઘણાંને ખુરશી ખાલી હોવાનો ભ્રમ થતો હતો. સમગ્ર બેસણા દરમ્યાન બળવંતરાય માટે આ પરિસ્થિતિ, પોતાના મોટા કદના ફોટા અંગે કશું ગંભીરતાથી વિચારવાનું કારણ થઈ પડી હતી. લોકોની ગુચપુચ એમણે સરવા કાને સાંભળી હતી. ગુચhપુચનો સાર એ હતો કે- ‘આવડા મોટા શેઠનું બેસણું ને આવડો નાનો ફોટો!’

ફુઆના બેસણામાં બેઠાં બેઠાં જ બળવંતરાયે પોતાના બેસણાની કલ્પના કરી હતી. ઘરમાં પોતાનો મોટા કદનો એકેય ફોટો નથી એ હકીકતથી પોતે ધ્રૂજી ઊઠ્યા હતા. ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ એમણે એ જ ક્ષણે થઈ હતી. પોતાનું બેસણું હશે ને પોતાનો મોટો ફોટો નહીં હોય ત્યારે દીકરાઓએ કેવી દોડાદોડી કરવી પડશે એવી એમની ચિંતામાં જ ફુઆનું બેસણું પૂરું થઈ ગયું હતું.

ફુઆના બેસણામાં મેળવેલા તત્વજ્ઞાનની રજૂઆત બળવંતરાયે ઘેર આવ્યા પછી પોતાની પત્ની રમાબહેન સમક્ષ કરી ત્યારે રમાબહેને પોતાનો સ્વભાવગત છણકો કર્યો હતો કે: ‘તમે આવી નકામી વાતો કરવા કરતાં ચૂપ રહો તો વધારે સારું.’

બળવંતરાયે વળતી દલીલ કરી હતી કે: ‘ધાર કે હુ સદાને માટે ચૂપ થઈ જાઉં તો મારા બેસણામાં કામ લાગે એવો એકેય ફોટો આપણા ઘરમાં છે ખરો?’ ને રમાબહેન યથાશક્તિ વિફર્યાં હતાં: ‘છોકરા હજી નાના છે ને તમને મરવાની ને બેસણાની વાતો કરતાં શરમ નથી આવતી? કરવા જેવાં બીજાં ઘણાં કામ છે એ કરવાનું નથી સૂઝતું? ‘

આ સિવાયના પણ, રાતી કીડીના ચટકા જેવા કેટલાય સવાલો રમાબહેને કરી નાખ્યા હતા જેના જવાબમાં બળવંતરાય પાસે મૌન સિવાય બીજું કશું જ ઉપલબ્ધ નહોતું. નહોતું વાંચવું તોય એ છાપું વાંચવા લાગ્યા હતા. પરંતુ, છાપામાં ખડકાયેલી, બેસણાની જાહેરાતોએ એમને, ઘરમાં પોતાનો મોટો ફોટો ન હોવાની ચિંતામાં ફરીથી ડૂબાડી દીધા હતા. રમાબહેનનો દીર્ઘ બબડાટ પણ એમની ચિંતામાં ભંગ પાડી શક્યો નહોતો.

… પછી તો સમયે જાણે કે દોટ મૂકી હતી. છોકરાઓ મોટા થવાની સાથે સાથે બળવંતરાયથી દૂર પણ થઈ ગયા હતા. ઘરની ભીંતો પરથી રંગો અને તારીખિયાં બદલાતાં ગયાં. પરંતુ, મોટો ફોટો પડાવવાનો વિચાર બળવંતરાયના મનમાંથી ઉખડવાનું નામ નહોતો લેતો. એમાંય જ્યારે જ્યારે કોઈના બેસણામાં હાજરી આપતા ત્યારે ત્યારે બળવંતરાય સ્વર્ગસ્થના મોટા ફોટાને ધ્યાનથી જોતા અને વિચારતા કે: ‘ફોટો પડાવવો તો આવો જ મોટો અને રંગીન પડાવવો. જાણે કે હમણાં જ બોલી ઊઠે એવો.’

બેસણામાં વાતો ચાલતી હોય કે ભજનકીર્તન ચાલતાં હોય,પણ બળવંતરાયના મગજમાં વિચારો ધક્કામુક્કી કરતા હોય. ...’ગાંડીતૂર નદીની જેમ જિંદગી ભાગતી જાય છે પણ, હુ મારો એક મોટો ફોટો તૈયાર નથી કરાવી શક્યો. મોત તો ગમે ત્યારે બાવાફકીરની જેમ આવીને ઊભું રહેશે તો ના ઓછી પડાશે? આપણે તૈયારીમાં રહેવું સારું. આ રમા જ નકામી છે. એ જો મોત કે બેસણાના નામ પર છણકા ન કરતી હોત તો તો હુ કે દહાડાનો સ્ટુડિયોમાં પહોંચી ગયો હોત ને એક સરસ મજાનો ફોટો પડાવી લીધો હોત. ફોટો તૈયાર હોય તો, દીકરાઓને કેટલી નિરાંત! મારા બેસણા વખતે ફોટા માટે દોડાદોડી તો નહિને? એ લોકો તો પોતપોતાની દુનિયામાં મસ્ત છે. એમને તો આવી વાતનો વિચાર પણ ન આવે. બિચારા મારા બેસણા ટાણે ઘાંઘા થઈ જશે. સગાંવહાલાં તો વાંક કાઢવામાં શૂરાં છે. મેણાં મારી મારીને દીકરાઓને દુઃખી દુઃખી કરી નાંખશે.’

મોટો ફોટો તૈયાર કરાવી રાખવાનો બળવંતરાયનો એ વિચાર, નવીનચંદ્રના બેસણા પછી તો કાચ પાયેલા દોરા જેવો પાકો થઈ ગયો હતો. નવીનચંદ્ર, બળવંતરાયના પાડોશી કંચનલાલનો જમાઈ હતો ને પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ, બીજાના ફોટા તૈયાર કરી આપનાર નવીનચંદ્ર પોતાનો જ એકાદ મોટો ફોટો તૈયાર કરી શક્યો નહોતો. વળી, એની ઉંમર પણ દુનિયામાં માત્ર ફોટા રૂપે જ રહી જવાની નહોતી. તેથી, સ્વાભાવિક છે કે, એણે ક્યારેય પોતાના બેસણાની અશુભ કલ્પના કરી જ ન હોય.

નવીનચંદ્રનું બેસણું પણ એના એકાદ નાના ફોટાની સાક્ષીએ આટોપી લેવું પડ્યું હતું. બળવંતરાયને આ ઘટના બીજી વખતની ચેતવણી સમાન લાગી. એમને થયું કે: ‘હવે મારો મોટો ફોટો તૈયાર કરવામાં આળસ કરું તો મારા જેવો કોઈ મૂરખ નહિ.’ એ બેસણામાંથી ઊભા થતી વખતે બળવંતરાયે પ્રતિજ્ઞા લીધી કે: ‘આવતી કાલે હુ મારો મોટો ફોટો પડાવવા ‘છાયા સ્ટુડિયો’માં જઈશ અને મને દુનિયાની કોઈ તાકાત મને એમ કરતાં રોકી નહિ શકે.’

***

બળવંતરાયે છેલ્લાંમાં છેલ્લાં સિવડાવેલાં ને ધોવાઈને ઇસ્ત્રી થયેલાં પેન્ટ-શર્ટ પહેર્યાં. ઉપર જૂનો કોટ ચડાવ્યો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બૂટ-મોજાં પહેરવાનો પ્રસંગ જ આવ્યો નહોતો. આજે આવ્યો. માથા પર જે થોડાઘણા વાળ ટકી રહ્યા હતા એને તેલ નાખીને ઠીક કર્યા. મોઢા પર પાવડર લગાડવાની ઇચ્છા થઈ. પણ, પાવડરનો ડબ્બો વર્ષોથી ખાલી હતો. ‘સ્ટુડિયોમાં હશે.’ એમણે મન મનાવ્યું ને દાઢી કરેલા ચહેરા પર હાથ ફેરવ્યો.

‘હુ ફોટો પડાવવા જઉં છું. તારે આવવું હોય તો ચાલ.’ એમણે રમાબહેનને કહ્યું.

‘તમે જાવ. મારે નથી આવવું.’ રમાબહેને રોજિંદો છણકો કર્યો.

‘જેવી તારી ઈચ્છા.’

‘ચાલ્યા પરણવા.’ રમાબહેને સંભળાવ્યું.

‘પરણીનેય આવું.’ બળવંતરાયે સામું સંભળાવ્યું.

‘વહેલા આવજો.’

‘વહેલો જ આવીશ. તું પોંખવાની તૈયારી રાખજે.’ બળવંતરાય ખાટુંમીઠું વેણ બોલીને ખડકીની બહાર નીકળી ગયા.

બળવંતરાય શેરીના નાકે પહોંચ્યા ત્યાં તો એમને થાક જેવું લાગ્યું. ‘રોજ તો આવું નથી થતું. આ તો શેરીનું નાકું! હુ તો ક્યાં ક્યાં પહોંચું છું!’ એમને મનમાં થયું. એમને એક બાજુ ઊભા રહી જવાનું ઠીક લાગ્યું.

પૂરપાટ દોડતાં વાહનો, હાંફળા-ફાંફળા લોકો, માથાં ઉલાળતી ગાયો, હોર્નનો અવાજ, ફેરિયાઓની બૂમો, હવામાં ભળેલી જાતજાતની ગંધ ને ઉપરથી તાપ વરસાવતા સૂરજનારાયણ. બળવંતરાયને સમગ્ર વાતાવરણ રોજિંદું હોવા છતાં આજે કઠ્યું. એમણે ઘેર પાછા ફરી જવાનો વિચાર આવ્યો. જે વળતા વિચાર સામે ટક્યો નહિ. ‘આજે તો પાછા પડવું જ નથી. આવું કામ તો રહી જાય તો રહી જ જાય.’ એવું વિચારતાં એ વળી આગળ વધ્યા.

‘કાં બળવંતકાકા, કઈ બાજુ?’ અરવિંદ ચાવાળાએ બૂમ પાડી.

‘જરા ચકકર મારવા નીકળ્યો છું.’ બળવંતરાય અરવિંદની લારી પાસે જઈને બોલ્યા. એમને, ફોટો પડાવવાની વાત કહેવી ઠીક ન લાગી.

‘લો લગાવો.’ અરવિંદે ચાનો કપ ધર્યો.

‘ના. ચા તો પીને જ નીકળ્યો છું.’

‘લગાવોને બળવંતકાકા, ભેગું શું લઈ જવાનું છે?’

બળવંતરાયને ચાના એકેએક ઘૂંટડે મજા આવી. એમને હવે થોડું સારું લાગ્યું. એમણે ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી તો અરવિંદે ના પાડતાં બોલ્યો: ‘રહેવા દો કાકા, મેં પ્રેમથી પીવડાવી છે.’

બળવંતરાય જાણતા હતા કે-અરવિંદની એક વખતની ‘ના’ એટલે ‘ના.’ એમણે બે રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દીધી. થોડી આડીઅવળી વાતો કરીને એમણે અરવિંદની રજા લીધી.

થોડુંક ચાલ્યા ત્યાં તો એમના હાથપગ ફાટવા લાગ્યા. ‘હશે!’ એમણે મન મનાવ્યું: ‘હવે ઉંમર થઈ. નાનીમોટી તકલીફો તો થવાની.’

‘પણ આટલું બધું અહક જેવું કેમ લાગે છે?’ એમના મનમાં પ્રશ્ન જાગ્યો. તો મનમાંથી સામો રોકડા રૂપિયા જેવો જવાબ મળ્યો: ‘લાગે એ તો. હવે શરીરનો વાંક છે? ઘરડું થયું બિચારું! ખૂબ દોડાદોડી કરી. હવે તો થાકેને? આ તો જીવન-સંધ્યાની વેળા! પીળા પાનની જેમ ખરી પડવાની વેળા!’

‘ના...ના.’ એમના મનમાંથી પોકાર ઊઠ્યો: ‘એમ મોત ક્યાં રેઢું પડ્યું છે કે ડાળ પરથી પીળું પાંદડું ટપકે એમ ટપકી પડે! એવું મોત તો ભાગ્યશાળીને જ મળે. બાકી; ડાયાબિટિશ, દમ કે કેન્સરના નામે રોજ થોડું થોડું મરવાનું. એક્ષ-રે, કાર્ડિયાગ્રામ, ઇન્જેકશનો ને ગ્લુકોઝના વિવિધ કોઠા વીંધીને દવાની રંગબેરંગી ગોળીઓ પર પગલાં મૂકતું મૂકતું મોત પધારે ત્યાં સુધી પીડા ભોગવતાં ભોગવતાં એની રાહ જોયા કરવાની!’

‘રસ્તો આજે લાંબો થતો જાય છે! સાલો આજે મારી સામે રમતે ચડ્યો છે. ‘ બળવંતરાયને રસ્તા પર ખીજ ચડી. ‘નહિ તો છાયા સ્ટુડિયો આટલો બધો દૂર નથી. એવું હોય તો તો રિક્ષા જ ન કરું? થઈ થઈને કેટલું ભાડું થાય? ત્રણ રૂપિયા! અરે, પાંચ થાય તોય શું? પણ, કારણ વગરને?’

‘ આ છેલ્લી વખત. કાલથી દેહને આવી તકલીફ નથી આપવી. આ તો આવું જરૂરી કામ છે એટલે. કાલથી ઘરની બહાર નીકળે એ બીજા!’ એમણે ભવિષ્યમાં આરામ જ ફરમાવવાનું નક્કી કરી નાંખ્યું.

...પોરો ખાતાં ખાતાં બળવંતરાય ‘છાયા સ્ટુડિયો’નાં પગથીયે પહોંચી ગયા. ડૂંગર ચઢતાં હોય એમ એ પગથિયાં ચડ્યા ને ‘હાશ!’ કહેતાંકને સ્ટુડિયોના બાંકડે બેસી ગયા.

‘ભાઈ, એક રંગીન ફોટો પાડી દે ને કૉપી મોટી કાઢજે.’ એમણે હાંફતાં હાંફતાં કહ્યું.

‘કાકા, પહેલાં થાક ખાઈ લો.’ ફોટોગ્રાફરે કહ્યું. એના હાથમાં પીંછી હતી ને એ એક ફોટાને છેલ્લો ઓપ આપી રહ્યો હતો.

‘હુ ઉતાવળમાં છું ભાઈ, તું જલ્દી કર.’

‘એવું હોય તો જાવ અંદર. હુ એક જ મિનિટમાં આવ્યો.’

બળવંતરાય અંદર ગયા ને એક ખુરશી પર બેસી ગયા. એમને લાંબા થઈને સૂઈ જવાનું મન થયું. મન આરામ માટે કજિયે ચડ્યું હતું. એમણે મનને મનાવ્યું: ‘ઘેર જઈને આરામ જ કરવાનો છેને? આ તો આવું કામ હતું એટલે બહાર નીકળવું પડ્યું. કાલથી બહાર નીકળવાનું જ નહિ.’

અરીસા તરફ નજર જતાં બળવંતરાય ઊભા થયા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો. હસ્યા. પોતે નોકરીએ લાગ્યા ત્યારનો પોતાનો ચહેરો એમને યાદ આવી ગયો. ‘તું શું હતો ને શું થઈ ગયો?’ એ બબડ્યા. પાવડરના ડબ્બામાંથી થોડો પાવડર લઈને એમણે પોતાના મોઢા પર લગાડ્યો. માથા પર કાંસકો ફેરવ્યો. ત્યાં તો ફરી થાકી ગયા અને ખુરશી પર જઈને બેસી પડ્યા.

‘ફોટોગ્રાફર હજુ આવ્યો નહિ.’ બળવંતરાય અધીરાઈથી બારણા તરફ જોઈ રહ્યા. એમને પોતે પહેરેલો કોટ સાંકડો ને સાંકડો થતો જતો હોય એવું લાગ્યું. એમણે કોટનું ઉપરનું બટન ખોલી નાંખ્યું. ‘ચાલને ભાઈ..’ બૂમ પાડવા જતા હતાં ત્યાં તો ફોટોગ્રાફર આવી ગયો. એને જોઈને બળવંતરાયની આંખોમાં ચમક આવી ગઈ. એમની નજર સામે પોતાનો રંગીન ફોટો તરવરવા લાગ્યો. વર્ષોજૂની ઈચ્છા પૂરી થવાની ક્ષણ આવી પહોંચી હતી એટલે એમનું મન રાજી રાજી થઈ ગયું.

ફોટોગ્રાફરે ફોકસ ગોઠવ્યાં. ‘કાકા, કોટનું બટન બંધ કરો ને જરા ટટ્ટાર બેસો.’ એણે સૂચના આપી.

બળવંતરાયે કોટનું બટન બંધ કર્યું અને ટટ્ટાર બેઠા. એમને કોટાની ભીંસ ફરી અનુભવી. પણ હવે આ તો ફોટો પડાવવાનો હતો! રંગીન અને મોટો! હમણાં જ બોલી ઊઠે એવો! ‘કોટનું બટન ખુલ્લું હોય તો કેવું ખરાબ લાગે? કોટની ભીંસ તો કેટલી વાર માટે? કેમેરાની ચાંપ દબાય ત્યાં સુધી જ ને? એવી ભીંસને કોણ પૂછે છે?’ એમણે મનને મજબૂત કર્યું.

ફોટોગ્રાફરે કેમેરાની આંખમાંથી ફરી જોયું. એણે બળવંતરાયને ફરીથી ટોક્યા: ‘કાકા, જરા ઢીલા બેસો. નેચરલી બેઠાં હો એમ બેસો.’

બળવતરાય થોડા ઢીલા થઈને બેઠા ને મનમાં બબડ્યા: ‘તું જલદી કરને ભાઈ.’

‘કાકા, મોઢું થોડું ઊંચું કરો. ‘ ફોટોગ્રાફર બોલ્યો. બળવંતરાયે મોઢું ઊંચું કર્યું. ‘થોડું. આટલું બધું નહિ.’ ફોટોગ્રાફના અવાજમાં થોડો ઠપકો પણ ભળ્યો.

બળવંતરાય મનોમન અકળાયા. મોઢું નીચું કરતી વખતે એમને લાગ્યું કે પોતે અંદરથી માટીની ભેખડ તૂટે એમ તૂટી રહ્યા છે. ... અને આ ફોટોગ્રાફર નખરા કરે છે. આમ ને આમ જો વાર લગાડશે તો ફોટો પડી રહ્યો! ‘આનાથી વધારે સરખા બેસવાની હવે ત્રેવડ નથી. બસ, એક વખત કેમેરાની ચાંપ દબાઈ જાય તો ગંગા નાહ્યા...’ એમના મનમાં હવે આ એક જ પોકાર હતો.

પરંતુ, ફોટોગ્રાફરે તો કેમેરાની ચાંપ દબાવવાને બદલે કેમેરાને જ આંખોથી અળગો કર્યો. એણે બળવંતરાયની પાસે આવીને પોતાના બંને હાથથી બળવંતરાયના ચહેરાને ગોઠવ્યો.

‘ભાઈ, જલદી કરને.’ બળવંતરાયે અકળાઈને કહ્યું.

‘કાકાં, તમારે ઉતાવળ છે. પણ, ફોટો તો મારે પાડવાનો છેને? ફોટો વ્યવસ્થિત ન આવે તો મને મજા ન આવે.’ ફોટોગ્રાફર કેમેરાને ફરીથી પોતાની આંખ સામે રાખતાં બોલ્યો.

‘એ વાત પણ સાચી.’ બળવંતરાયનું મન બોલ્યું. ‘ફોટો તો એવો હોવો જોઈએ કે જોનારને એમ જ લાગે કે બળવંતરાય હમણાં જ બોલી ઊઠશે.’

‘રેડી...?’ ફોટોગ્રાફરે ચાંપ દબાવવાની તૈયારી સાથે પૂછ્યું.

‘હુ તો રેડી જ છું.’ બળવંતરાયને બોલવાનું મન થયું પણ એમનાથી બોલાયું નહિ.

‘જરા સ્માઈલ’ બળવંતરાયને સાત સમંદર પારથી આવતો હોય એવો, ફોટોગ્રાફરનો અવાજ સંભળાયો. એમણે પોતાના હોઠ પહોળા કર્યા.

‘બસ... બસ.’ ફરીથી, દૂર દૂરથી આવાતો હોય એવો અવાજ સંભળાયો.

બળવંતરાયને લાગ્યું કે સમય ખોટી રીતે વેડફાઈ રહ્યો છે. ફોટોગ્રાફર કેમેરાની ચાંપ દાબે એ માટે એમના રોમ રોમમાં તડપ જાગી હતી.

‘એમજ સ્થિર રહેજો અને નજર સીધી..’

બળવંતરાયને કોઈ અદૃશ્ય શક્તિ પોતાને દોરવણી આપી રહી હોવાનો અનુભવ થયો. એ સ્થિર થઈ ગયા. એમની નજર કેમેરાના કાચ પર સ્થિર થઈ ગઈ. અર્જુનને જેમ ચકલીની માત્ર આંખ દેખાતી હતી એમ એમને કેમેરાનો માત્ર કાચ દેખાતો હતો. એમનું એકમાત્ર ધ્યેય એ કાચમાં સાજાસમા ઝીલાઈ જવાનું હતું.

સ્થિર થઈ ગયેલા બળવંતરાયને કેમેરાના કાચમાં આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયેલું દેખાયું. આખું બ્રહ્માંડ! જે ક્યારેક અર્જુને શ્રીકૃષ્ણના મુખમાં દીઠ્યું હતું. પછી, બળવંતરાયને સ્થિર થઈ ગયેલો ક્ષીરસાગર દેખાયો ને દેખાયા શેષનાગ. શેષનાગની ફેણ પર લાંબા પગ કરીને બિરાજેલા ભગવાન વિષ્ણુ દેખાયા અને દેખાયાં એમના પગ દાબતાં લક્ષ્મીજી. ને દેખાયા કોટિ કોટિ દેવતાઓ. જે સૌ નભમાં સ્થિર થઈ ગયા હતા. ને સ્થિર થઈ ગઈ હતી ઘરના બારણે ઉભેલી રમા.

એ સહુ કેમેરાની ચાંપ દબાય એ ક્ષણની રાહમાં આકુળવ્યાકુળ હતાં.

બળવંતરાયને કેમેરાની આંખમાં એક ચમકારો દેખાયો. પછી તો કેમેરામાંથી જાણે કે પ્રકાશનો પૂંજ છૂટ્યો. વિષ્ણુ અને લક્ષ્મીજીના હાથ આશીર્વાદ આપવા કાજે અધ્ધર થયા. દેવતાઓ દંદુભિઓ વગાડવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બળવંતરાયને લાગ્યું કે પોતે ફૂલોની નીચે ઢંકાઈ જશે.

‘બસ કરો... બસ કરો..’ બળવંતરાય બોલવા ગયા પણ, એમના ગળામાંથી અવાજ ન નીકળ્યો.

‘ઓકે..’ ફોટોગ્રાફર બારણા તરફ વળતા બોલ્યો.

પરંતુ, એ બારણું ખોલે તે પહેલાં તો ‘ધડિંગ’ અવાજ થયો. એણે ચમકીને પાછળ જોયું તો બળવંતરાય ખુરશી પરથી ખરી પડ્યા હતા.

[સમાપ્ત]