પહેલું પુસ્તક Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પહેલું પુસ્તક

વાર્તા પહેલું પુસ્તક

લેખક: યશવંત ઠક્કર

વાચકમિત્રોને...

મારા ઇ-પુસ્તકોને વાંચનારા તમામ મિત્રોનો આભાર માનું છું. ઘણા મિત્રો પ્રતિભાવ આપતા રહે છે. જેથી બમણો આનંદ થાય છે. આજે વાર્તા ‘પહેલું પુસ્તક’ દ્વારા એક લેખકની પીડાની વાત કહેવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો પ્રયાસ આપ સહુને પસંદ આવશે.

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

પહેલું પુસ્તક

જ્યારે રાઘવના હાથમાં પોતાનું પહેલું પહેલું પુસ્તક તૈયાર થઈને આવ્યું ત્યારે એની ખૂશીનો પાર નહોતો. એણે પુસ્તક માથે મૂકીને નાચવાનું જ બાકી રાખ્યું હતું.

નાનપણથી એને વાંચનનો શોખ હતો. ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, પન્નાલાલ પટેલ વગેરે કેટલાય લેખકોને એણે રાતના ઉજાગરા કરી કરીને વાંચ્યા હતા. એક નવી જ સૃષ્ટિમાં પ્રવેશ કરીને અનેરો આનંદ મેળવ્યો હતો. આનંદની એવી જ એક ક્ષણે એને વિચાર આવ્યો હતો કે, ‘પુસ્તકો દ્વારા વાચકોને અનહદ આનદ આપનારા લેખકો કેટલા ભાગ્યશાળી કહેવાય! શું હું પણ લેખક ન બની શકું? હું પણ બીજાને આનંદ ન આપી શકું? હું પણ વાચકોનો પ્રિય લેખક ન બની શકું?’

એનો, લેખક બનવાનો એ વિચાર રહેતાં રહેતાં મહત્ત્વકાંક્ષામા ફેરવાઈ ગયો હતો. એ મહત્ત્વકાંક્ષાએ એની પાસે એકલવ્ય જેવી મહેનત કરાવી હતી. એણે સતત વાંચન અને મનન કર્યાં પછી હાથમાં કલમ પકડી હતી અને ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. એ વાર્તાઓ એણે વિવિધ સામયિકોમાં મોકલાવી હતી. શરૂઆતમાં વાર્તાઓ સ્વીકારાઈ નહોતી. પરંતુ એ હિમત હાર્યો નહોતો. એણે સારી વાર્તાઓ લખવાની મથામણ છોડી નહિ. એની ધીરજ અને મહેનત રંગ લાવ્યાં હતાં અને એની વાર્તાઓ સારાં સારાં સામયિકોમાં પ્રગટ થવા લાગી હતી. વાચકો તરફથી પ્રશંસાના પત્રો પણ આવવા લાગ્યા હતા. એ પત્રોએ એના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

એક વાર્તાસંગ્રહ બહાર પાડી શકાય એટલી વાર્તાઓ પ્રગટ થયા પછી એ કેટલાક પ્રકાશકોને મળ્યો હતો. પરંતુ, પ્રકાશકો એના જેવા નવા લેખકનું પુસ્તક પ્રગટ કરવાનું જોખમ લેવા તૈયાર નહોતા. રાઘવે બધાને સહકાર આપવા ખૂબ વિનંતી કરી હતી. સંપાદકો અને વાચકોના પત્રો પણ બતાવ્યા હતા. એક ઊગતા લેખકને ટેકો આપવાની વાત કરી હતી. પરંતુ પ્રકાશકોનું કહેવું હતું કે, ‘તમારી બધી વાત સાચી. પણ, ગમેતેમ તોય અમે ધંધો લઈને બેઠા છીએ. નવા લેખકોની ચોપડીઓ વેચવી અઘરી પડે. તમારા જેવા નવા લેખકોને મદદ કરવા જઈએ તો અમારે પસ્તી વેચવાનો વારો આવે. હા, તમારા ખર્ચે તમારું પુસ્તક છાપી દઈએ. વેચી આપવાની જવાબદારી આમારી નહિ.’

છેવટે એણે પૈસાની વ્યવસ્થા કરી હતી અને પોતાના ખર્ચે પહેલું પુસ્તક છપાવ્યું હતું. જે આજે તૈયાર થઈને એના હાથમાં આવી ગયું હતું.

પુસ્તકના દર્શનમાત્રથી એનું મન હરખના હિલોળે ચડ્યું. કોઈ શ્રદ્ધાળું ભગવાનના મુખારવિંદનું જે ભાવથી દર્શન કરે એ ભાવથી એણે પુસ્તકના મુખપૃષ્ઠને નિરખ્યું. મુખપૃષ્ઠ પર લેખક તરીકે પોતાનું છપાયેલું નામ જોઈને એને લાગ્યું કે, જાણે કોઈ સુંદર ફૂલની પાંખડીઓ પર આવીને એક પતંગિયું બેસી ગયું છે! પોતાના બાળકના ગાલ પર વહાલથી હાથ ફેરવતો હોય એમ એણે પુસ્તક પર વારંવાર હળવેથી હાથ ફેરવ્યો. એણે પુસ્તકના પાનાં ફેરવ્યાં તો જાણે એનાં સપનાંએ એકસાથે સળવળાટ કર્યો.

પોતાના પહેલા પુસ્તકે એને આનંદથી તરબોળ કરી દીધો. પરંતુ, એટલા આનંદથી એને સંતોષ નહોતો. એને પોતાનું પુસ્તક વાચકો સુધી પહોંચાડીને વિશેષ આંનદ મેળવવો હતો. એની સામે એના પુસ્તકની નકલો પડી હતી. એમાંથી થોડી નકલો અને ઝાઝેરો ઉત્સાહ લઈને એ બજારમાં નીકળ્યો.

એ કેટલાય પુસ્તક વિક્રેતાઓને મળ્યો. પરંતુ, કોઈ કહેતા કોઈએ એનું પુસ્તક વેચવાની તૈયારી બતાવી નહિ. કોઈએ કહ્યું કે, ‘અમારી દુકાનમાં નવા પુસ્તકો મૂકવાની જગ્યા જ નથી. તો કોઈએ કહ્યું કે, ‘લોકો પુસ્તકો બહુ ખરીદતા નથી. તમે પાંચદસ નકલો મૂકી જાવ. બેત્રણ મહિના પછી તપાસ કરજો. વેચાયા હશે તો અમારું પચાસ ટકા કમિશન કાપીને પૈસા આપી દઈશું.’

એક વેપારીએ તો સલાહ આપી કે, ‘તમે પહેલાં પુસ્તકનો પ્રચાર કરો. મોટો પ્રસંગ ઉજવો. કોઈ મોટા સાહિત્યકારના હાથે તમારા પુસ્તકનું વિમોચન કરાવો. માંગ ઊભી કરાવો. પછી વેચવા નીકળો. પુસ્તક લખવું અઘરું છે પણ વેચવું એનાથી અઘરું છે.’

રાઘવે વેપારીને પોતાના વાર્તાસંગ્રહ પર નજર નાખવા વિનંતી કરી તો વેપારીએ કહ્યું કે, ‘તમારું પુસ્તક સારું હશે એની ના નથી પણ સવાલ માત્ર તમારા પુસ્તકની ગુણવત્તાનો નથી. તમારા પુસ્તકનો પ્રચાર, તમારી વેપારીઓ સાથે ઓળખાણ, તમારી લાગવગ, કોઈની ભલામણ વગેરે પણ જરૂરી છે. એકવખત તમારું નામ થઈ જાય પછી વાંધો ન આવે. પછી તો થોડુંઘણું નબળું હશે તો પણ ચાલ્યું જશે. માટે, મારું માનો તો કોઈ જૂના અને જાણીતા લેખકને મળો અને સલાહ લો.’

રાઘવને લાગ્યું કે જાણે પોતે કલ્પનાની ટોચેથી ગબડીને સીધો વાસ્તવિકતાની ધરતી પર આવી પહોંચ્યો છે. એને એ હકીકતનો જરાપણ ખ્યાલ નહોતો કે, લેખક થવાની સાથેસાથે વેપારી પણ થવું પડશે. એને કમાવાની લાલચ નહોતી. એને લાલચ હતી કે; પોતાના પુસ્તકની નકલો પુસ્તકોની એકેએક દુકાન સુધી પહોંચે, ગામેગામનાં પુસ્તકાલય સુધી પહોંચે, એકેએક વાચક સુધી પહોંચે. એનો વાર્તા લખવાનો રસ ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટે પણ એવું થવું જરૂરી હતું.

બપોર સુધીમાં તો એણે પુસ્તકોની, નજરે ચડે એટલી દુકાનોની મુલાકાત લઈ લીધી. એને લાગ્યું કે, બજારમાં પુસ્તકોની દુકાનો પહેલા કરતાં ઓછી થઈ ગઈ છે. ઘણી દુકાનોમાં તો માત્ર અભ્યાસ માટેનાં જ પુસ્તકો વેચાતાં હતાં. સાહિત્યનાં જે પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં હોય એ જ જોવા મળતાં હતાં. વેપારીઓ તરફથી ધાર્યા મુજબનું પ્રોત્સાહન ન મળવાથી એનો ઉત્સાહ પણ ઓસરી ગયો હતો અને માથું દુખવા લાગ્યું હતું. ચા પીવાની તલપ પણ લાગી હતી. કોઈ સારી જગ્યાએ ચાનાસ્તો કરવાનું મન થયું. એણે ખિસ્સામાં હાથ નાખીને પૈસા હોવાની ખાતરી કરી લીધી.

એ થોડો આગળ વધ્યો ને પુસ્તકની એક નાનકડી દુકાન એની નજરે પડી. ‘હવે પ્રયાસ નથી કરવો.’ એનું મન ના પાડવા લાગ્યું. ‘આવકારો મળવાનો હોત તો મળી ગયો હોત. આખી બજારમાંથી નિરાશા મળી, હવે આ નાનકડી દુકાન પાસેથી શું આશા રાખવી?’ એ દુકાનમાં નજર નાખતાં નાખતાં થોડું આગળ વધ્યો ને ઊભો રહી ગયો. એને દુકાનના કાઉન્ટર પર કોઈ ભલો માણસ બેઠો હોય એવું લાગ્યું. એવો માણસ કે જેને માત્ર વેપાર સાથે જ નિસ્બત ન હોય પરંતુ સાહિત્ય સાથે પણ થોડીઘણી નિસ્બત પણ હોય. જે માત્ર વેપાર કરવા ન બેઠો હોય, લાગણીનો વહેવાર કરવા પણ બેઠો હોય.

દુકાનદારે એને ભાવપૂર્વક આવકાર આપીને બેસવા માટે ખુરશી આપી. રાઘવે પોતાનો વાર્તાસંગ્રહ બતાવ્યો અને એની નકલો વેચવા માટે સહકાર માંગ્યો. દુકાનદારે ધ્યાનથી એની વાત સાંભળી. પહેલું પુસ્તક પ્રગટ થવા બદલ અભિનંદન આપ્યા. રાઘવનો ઉત્સાહ સાથેનો તૂટેલો સંબંધ ફરી જોડાયો.

પરંતુ, દુકાનદારે એની સામે કરુણાભરી નજર નાખી અને કહ્યું: ‘મિત્ર, માફ કરજો. હું તમારું એકપણ પુસ્તક નહિ વેચી શકું. એક એવો પણ સમય હતો કે, હું તમારા જેવા કેટલાય ઊગતા લેખકોને હોંશે હોંશે આવકારતો હતો. એમનાં પુસ્તકો વેચી આપતો હતો. મારી આ જ દુકાને કેટલાય નવાજૂના લેખકોની અવરજવર રહેતી હતી. પણ, હવે એ સમય નથી રહ્યો. હું પોતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું. વહેલીમોડી મારે આ દુકાન બંધ કરવી પડશે. જુઓ. આ કેટલાંય પુસ્તકો વેચાયા વગર પડી રહ્યાં છે. પુસ્તકોની આ દુકાન આમ તો મોટી હતી. પણ ભાગલા પાડીને અર્ધી કરી નાખી છે. જુઓ, બાકીની અર્ધી દુકાનમાં હું હોઝિયરી વેચું છું. પુસ્તકોને ઉઠાવીને ત્યાં ગંજી ને જાંઘિયાં મૂક્યાં છે? શું કરું? ક્યાં સુધી નવરા બેસી રહેવું? ધંધો તો કરવો પડેને?’

રાઘવે જોયું તો દુકાનના એક ભાગમાં પુસ્તકોથી ભરેલાં કબાટો હતા તો બીજા ભાગમાં બીજા ભાગમાં ગંજી, જાંઘિયાં, ટુવાલ વગેરે લટકતાં હતા. પુસ્તકોની આખેઆખી વસાહત પોતાના જ વતનમાંથી ખદેડાઈ ગઈ હતી. રાઘવને, શું બોલવું એની સમજ પડી નહિ. એના જ પાળેલા શબ્દો એની મદદે આવ્યા નહિ. એક લાચાર વેપારી અને એક લાચાર લેખક વચ્ચેની ખાલી જગ્યા મૌનથી ભરાઈ ગઈ.

છેવટે દુકાનદારે મૌનને હડસેલો માર્યો. ‘મારા પિતાજીને પોતાને સાહિત્યમાં ખૂબ રસ હતો. એટલે જ એમણે પુસ્તકો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં જમાવટ પણ થઈ હતી. જેને લીધે હું પણ આ ધંધામાં જ જોડાયો. પચાસ વર્ષ જૂનો ધંધો છે. પણ છેલ્લા દસેક વર્ષોથી ધંધો તૂટતો જાય છે. હવે હું પણ થાક્યો છું. લોકોને અસલ ચીજની જાણે કે જરૂર જ નથી.’ દુકાનદારે કબાટમાંથી એક પુસ્તક કાઢ્યું અને રાઘવની સામે મૂકીને પોતાની વ્યથા આગળ વધારી. ‘જુઓ. આ પુસ્તકને જ્ઞાનપીઠ અવૉર્ડ મળ્યો છે. ઘરમા વસાવવા જેવું અને વાંચવા જેવું પુસ્તક છે. પણ, કોને કદર છે? વર્ષોથી દુકાનમાં પડ્યું છે એટલે અર્ધી કીમતે વેચવા કાઢ્યું છે. તોય કોઈ લેવા તૈયાર નથી. શું કરું?’

દુકાનદારનો અવાજ ભારે થઈ ગયો. એણે ઊભા થઈને પાણી પીધું. રાઘવ સામે પણ પાણીનો ગ્લાસ ધર્યો. રાઘવે પાણી પીધું. એણે મનમાં કશું વિચાર્યું અને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. ખિસ્સામાં હતા એટલા પૈસા કાઢીને એણે કાઉન્ટર પર મૂક્યા. ‘મારી પાસે આટલા પૈસા છે. મને આ પુસ્તક મળી શકે?’ એણે દુકાનદારને પૂછ્યું.

દુકાનદારે પૈસા ગણીને કહ્યું:‘થોડા ઓછા છે. પણ વાંધો નહિ. તમે આ પુસ્તક લઈ જઈ શકો છો.’

રાઘવે જ્ઞાનપીઠ અવૉર્ડ વિજેતા પુસ્તક હાથમાં લીધું. પોતાના પ્રથમ પુસ્તકની સાથે એને પણ થેલામાં મૂક્યું. એણે ઊભા થઈને દુકાનદાર પાસેથી વિદાય લીધી.

ઘર તરફ પાછા ફરતી વખતે...

‘નીકળ્યો હતો પુસ્તક વેચવા ને જઉં છું ખરીદીને!’ એ વિચાર સાથે એને પોતાની જાત પર જ હસવું આવી ગયું.

[સમાપ્ત]