Gyanmantra books and stories free download online pdf in Gujarati

જ્ઞાનમંત્ર

જ્ઞાનમંત્ર

યશવંત ઠક્કર© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અસર - વાર્તાસંગ્રહ

વાર્તાઓ વિષે થોડુંક આ અસર છે.

આ અસર છે વર્ષો પહેલાં મોટાભાઈને વાંચવા માટે નિશાળની લાયબ્રેરીમાંથી વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લાવીને, એમની પહેલાં વાંચી લીધાની. જે ગામમાં અને જે દિવસોમાં વાંચવા માટે પસ્તી પણ પ્રાપ્ત થતી નહોતી એ ગામમાં અને એ જ દિવસોમાં મારા માટે વાંચનનો ખજાનો ખૂલી ગયો હતો. મારી તેર ચૌદ વર્ષની ઉમરે મને મારા નાનકડા ગામમાં દીવાના અજવાળે મેઘાણી, પેટલીકર, મડિયા, પન્નાલાલ, મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઈ, જ્યોતિન્દ્ર દવે જેવા ધુરંધરોએ જે આનદ આપ્યો છે એ આનંદની આ અસર છે.

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડયાની, પડયા આખડયાની, ઘવાયાની, ફરીથી ઊંભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડયાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની.

આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. આ અસર છે ટપાલના જમાનામાં વાંચકોએ લખેલા પત્રોની.

હવે આજના આ મોબાઈલ માધ્યમમાં વાચકો માટે પ્રતિભાવ આપવાનું કામ એકદમ સરળ છે ત્યારે પ્રતિભાવની રાહ તો હોય જ. આ પહેલાંનાં ઈ-પુસ્તક ‘દરિયાની માછલી’ માં મારાં લખાણો માટે મોકળા મનથી પ્રતિભાવ આપનારા વાચકોની યાદી આપી હતી. આ યાદીમાં કેટલાંક નામ અહીં ઉમેરૂં છું. એ વાચકો છે... જયેશ પટેલ, કેતન થંથ, કેતન કુમાર પ્રજાપતિ, જિગર ગજ્જર, મનહર રાઠોડ, દીપક મેહતા, ધ્રૂવ જોશી, નીલેશ ભારોડિયા, જયભાઈ ચૌધરી વગેરે. મને વિશ્વાસ છે કે હજી પણ આ યાદી લંબાતી જ જશે.

આ વાર્તાઓ વાચકોને ગમશે એવી આશા સાથે...

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

જ્ઞાનમંત્ર

કિશોરની જિંદગીના એ દિવસો પ્રતીક્ષાના દિવસો હતા. સૌરાષ્ટ્રના ગિર પ્રદેશમાં આવેલા પોતાના ગામમાં એ એક એક દિવસ ગળાડૂબ ઉદાસીમાં વિતાવી રહ્યો હતો. દિવસ ઊંગે ત્યારથી એ ટપાલીની રાહ જોતો જોતો મકાનોના પડછાયાની વધઘટને માપ્યા કરતો. ટપાલી બાજુના ગામમાંથી સાંજે આવતો. જે થોડીઘણી ટપાલો વહેંચવાની હોય તે ઝડપથી વહેંચીને જતી વખતે ટપાલપેટી ખોલી ને ગરબડિયા અક્ષરોમાં લખાયેલા પત્રો બહાર રવાના કરવા માટે લઈ જતો. કિશોરની નજર સામેથી છેક દૂરથી જ ‘નથી કાંઈ’ એવા શબ્દો સાથે હાથ ઊંંચો કરીને ઝઢપથી પસાર થઈ જતો ત્યારે કિશોરને લાગતું કે પોતાની આશાના વટવૃક્ષમાંથી એક વધુ વડવાઈ આજે ઓછી થઈ ગઈ છે.

એ એકલો પઢતો ત્યારે પિતાજીની જિંદગીની છેલ્લી દુઃખદ ક્ષણોને સંભારી જતો. છેલા દિવસોમાં પિતાજી જે શબ્દો વારંવાર કહેતા હતા તે શબ્દો જ હવે એને માટે માર્ગદર્શક હતા. દુર્બળ છતાં મક્કમ અવાજમાં પિતાજી એવી વાત કહેતા કેઃ ‘બેટા, હું તારા માટે વારસામાં કપરા સંઘર્ષ સિવાય કાંઈ મૂકી જતો નથી. મારી જિંદગીમાં હું કેટલાય નોધારા માણસોનો આધાર બન્યો છું. અર્ધી રાત્રે આપણી ઢેલીની સાંકળ ખખડાવનારાની સંખ્યા જો ગણાવીશ તો આંગળીના વેઢા ઓછા પડશે. પણ મારા જ સંતાનો માટે હું કાંઈ કરી શક્યો નથી એ નસીબના ખેલ છે.’

મૃત્યુને આવકારી ચૂકેલા બિમાર પિતાજીએ પથારી પાસે બોલાવીને એના ખભા પર મુશ્કેલીપૂર્વક હાથ મૂકીને સલાહ આપતાં કહ્યું હતુંઃ ‘મારી તને છેલ્લી સલાહ છે કે તારાથી બની શકે તેટલો અભ્યાસ કરજે ને આસપાસના શહેરમાં જ કામધંધો શોધી લેજે ને તારી બાને અહીંથી લઈ જજે. આ ગામમાં ધંધો કરવાની ભૂલ કરીશ નહિ. અહીંના લોકો બોલવામાં મીઠાં છે પણ એમની દાનતને સડો લાગી ગયો છે. કાલાવાલા કરીને ઉધાર લઈ જશે પણ સગવડ થશે ત્યારેય પૈસા ચૂકવવાનું નામ નહિ લે. મારાથી કોઈનું દુઃખ જોવાતું નહોતું. મને યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે પણ તું તારી જિંદગી અહિ વડફીશ નહિ. હૈયામાં હામ રાખજે.’

પિતાજીની સલાહ પ્રમાણે એક છાત્રાલયમાં રહીને એ ભણ્‌યો. ગ્રેજ્યુએટ થયો ને ગામ પાછો ગર્યો. પણ સુખ હજી કોણ જાણે ક્યા પરબીડિયામાં પુરાઈને આવવાનું હતું! તેણે નોકરી માટે દસબાર અરજીઓ કરી હતી. પણ ક્યાંયથી જવાબ નહોતો! એનું મન આ શંકાઓમાં અટવાતું હતું : કદાચ, મેં મારૂં સરનામું બરાબર નહીં કર્યું હોય! મારી અરજી જ ટલ્લે ચડી ગઈ હશે તો? કે પછી મારા નસીબમાં આ ધરતી પર જ રહેવાનું લખાયેલું હશે.’ આવી કલ્પના માત્રથી આંખો મિંચાઈ જતી. પણ આંખો બંધ કરવાથી વાસ્તવિકતા વધુ સ્પષ્ટ દેખાતી હતી. ટપાલી પણ જાણે એની મનોવેદનાનો તાપ જીરવી ન શકતો હોય તેમ દૂરથી જ ‘નથી કાંઈ’ એવા શબ્દો સાથે પસાર થઈ જતો હતો.

‘બેકાર’ની છાપ ઝાંખી પડે તે માટે પણ એણે કાંઈક પ્રવૃત્તિ કરવી જરૂરી હતી. આ વાત સમજીને જ એણે પિતાજીના અવસાન વખતથી બંધ પડેલી દુકાન ફરી ખોલી. ડબ્બાઓ પરથી ધૂળ ખંખેરીને એમાં થોઢી થોડી વસ્તુઓ ભરીને એણે વેપાર શરૂ કર્યો.

મોટાભાગે નાનાં છોકરાં નાની થેલીઓમાં મગફળી, બાજરો કે જુવાર લઈને આવતાં અને બદલામાં ખાવાની વસ્તુઓ લઈ જતાં. આ રીતે પેટ પૂરતું મળી રહેતું. પણ જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ એની દુકાનનો ઓટલો ચઢતી ત્યારે તેનું મન ઉધારની માંગણીની શંકાથી ફફડવા માંડતું. પછી જો આવનાર વ્યક્તિ ભીનાશવાળી આંખે ને ગળગળા સાદે હાથ જોઢીને ટૂંકી મુદતમાં જ પૈસા આપી જવાની શરતે ઉધારની માંગણી કરે તો એ ના પાઢી શકતો નહિ. પાછળથી એની મા એને ઠપકો આપતી : ‘ બેટા, તું પણ તારા બાપ જેવો ભોળો છે. આ પૈસા હવે આવશે જ નહિ. તારા બાપા આ રીતે જ ખાલી થયા. જૂના ચોપડા ઉઘાડીને જોઈશ તો ખબર પડશે કે કેટલી ઉઘરાણી બાકી પડી છે.’ એ, માના વિષાદભર્યા ચહેરાને જોઈને બબડતોઃ ‘બા, નોકરી મળી જાય તો આ ઝંઝટથી અને આ ગામથી છુટકારો થાય.’

બાની શિખામણ યાદ રાખીને એ થોઢા દિવસો સુધી ઉધારની ના પાડતો ને ગામના લોકોને આંખો પહોળી કરતાં અને મૂછોને વળ દેતા જોઈ રહેતો. કેટલાક તો વસ્તુઓ તોલાવીને બંધાવ્યા પછી જ ભેદ ખુલ્લો કરતા કેઃ ‘હમણાં તો સગવડતા નથી. હશે ત્યારે દઈશ.’ .. ને પછી પૂરી બેશરમીથી વસ્તુઓ લઈને દુકાનનો ઓટલો ઉતરી જતા. કરગરીને ઉધાર લઈ ગયેલી ડોશીઓ ઉઘરાણીનો જવાબ ‘ ગામ મૂકીને વયા નઈં જાઈં ‘ જેવા શબ્દોથી આપતી, ત્યારે એને થતું કેઃ આવું મારૂં વતન? આવું ત્રણ પેઢીનું ગામ? આવા મારા ગામના માણસો? ‘

કિશોરની જિંદગી આ રીતે કીડીવેગે પસાર થઈ રહી હતી ત્યારે એક સાંજે ‘બંબ બંબ ગિરનારી’ ના નારા સાથે એક સાધુ એની દુકાનના ઓટલે આવીને ઊંભો રહ્યો. કિશોરે અણગમા સાથે સાધુ સામે જોઈને ‘માફ કરો’ કહી દીધું. પણ સાધુ તો ‘એમ માફ ન થાય.’ એવું બોલતો ઓટલો ચડીને દુકાનની અંદર આવ્યો.

કિશોર કશું સમજે કે કશું બોલે એ પહેલાં તો એણે કિશોરની આંખો તરફ વેધક નજર નાંખતાં પૂછ્‌યું : મને ઓળખ્યો?’’

કિશોર પોતાની યાદશક્તિને તીવ્ર કરતાં કરતાં એકધારી નજરે સાધુ તરફ જોતો રહ્યો ને સાધુ ખડખડાટ હસતો રહ્યો. કિશોરને થયું કે, આ માણસને ક્યાંક જોયો છે ને આ અવાજ કયાંક સાંભળ્યો છે; છતાંય એ ઓળખાતો નથી!

‘તારા જૂના દોસ્ત રઘુને ન ઓળખ્યો?’ સાધુએ પૂછ્‌યું.

ઓળખાણ પડતાં જ કિશોર આનંદ અને વિસ્મયથી ઊંભો થઈ ગયો. ‘રધુ તું?’ એનાથી પૂછાઈ ગયું.

કોલેજમાં એની સાથે એક જ પાટલી પર બેસનારો રઘુ સામે ઊંભો હતો, પણ પોતે એને ઓળખી શક્યો નહીં. અને ઓળખાય પણ ક્યાંથી? ભગવાં કપડાં, લાંબી જટા, વધારેલી દાઢી, હાથમાં કમંડળ ને ચીપિયો! ક્યાં એ વખતનો રઘુ ને ક્યાં અત્યારનો?

કોલેજકાળનો એ રઘુ ભારે શરારતી હતો. વાતવાતમાં રમૂજ કરી નાખતો. ગીતોનો પાકો શોખીન. માધવીએ એની જિંદગીમાં પ્રવેશ કર્યા પછી તો ખુશીનો માર્યો એ લગભગ પાગલ થઈ ગયો હતો. ત્યારે એના ચહેરા પર નરી નિર્દોષતા છવાયેલી રહેતી. આંખોમાં રંગબેરંગી સપનાં તરતાં રહેતાં. આજે એજ ચહેરા પર દુનિયા જોઈ નાખ્યાનો પાકો રંગ હતો અને આંખોમાં અઠંગ બાવાઓની આંખોમાં હોય તેવી રૂક્ષતા લપાકા લેતી હતી.

‘હા, હું.’ રઘુએ કહ્યું. ‘આ બધો તકદીરનો ખેલ છે દોસ્ત, માધવી દગો દઈને ચાલી ગઈ. એક અમીર સાથે શાદી કરીને અમેરિકા ઊંઢી ગઈ. હું એ આઘાત સહન ન કરી શક્યો. શરાબ પીધો, સિગારેટો ફૂંકી, ગમમાં શાયરીઓ લખી, કોઈ નોકરી-ધંધામાં દિલ ન લાગ્યું. છેવટે બાવો બની ગયો. આ ધંધો સારો છે. લોકો પગમાં પઢે છે અને ખાવા-પીવાનું પણ ધરે છે.’

કિશોરે બેસવા માટે કોથળો આપ્યો. તેના પર રઘુએ આસન જમાવ્યું. દુકાનની પાછળથી જ ઘરમાં જવા માટેનું બારણું પડતું હતું. ત્યાંથી કિશોર પાણી લેવા ગયો. પાછો આવ્યો ત્યારે એની બાને પણ બોલાવતો આવ્યો. ભણેલા-ગણેલા છોકરાને બાવાના વેશમાં જોઈને કિશોરની બાને દયા આવી ગઈ. એ તુરત ચા બનાવીને આપી ગઈ. પછી એ સાંજની રસોઈની તૈયારી કરવા માંઢી. બંને મિત્રો વાતોએ લાગ્યા.

‘રઘુ, જિંદગીમાં મુસીબતો તો આવે. આપણે સહન કરવું પઢે. તું જૂએ છે ને કે મને નથી ગમતું તોય આ ગામડામાં પડયો છું. તેં આવો રસ્તો અપનાવ્યો તે બરાબર નથી.’ કિશોરે કહ્યું.

‘જો ભાઈ, તું મને ઉપદેશ ન આપ. એ કામ મારૂં છે.’ રઘુએ હસતાં હસતાં જવાબ આપ્યો.

એ ચલમમાં ગાંજો ભરીને ફૂંકવા લાગ્યો. કિશોરે ટૂંકમાં પોતાની હાલત વર્ણવી. રઘુએ પોતાની રખડપટ્ટીની દાસ્તાન શરૂ કરી ત્યાં તો ગામના નવરા માણસો આવીને રઘુના પગમાં પડવા લાગ્યા. તેઓ દુકાનમાં જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં ત્યાં ગોઠવાઈ ગયા. રઘુએ ચાલાકીપૂર્વક વાત ફેરવી નાંખી. પોતે કિશોરનો જૂનો મિત્ર છે એ વાત તેને ગામ લોકો સમક્ષ બહાર પાડવી એને ઠીક લાગ્યું નહીં. કિશોરને પણ એ વાત ગમી.

રઘુ; ભક્તિ, તપ, ઈશ્વર વગેરે વિષે લોકોને રસ પડે તેવી રીતે વાતો કરવા લાગ્યો. લોકો બીડીઓ ફૂંકતાં ફૂંકતાં સાંભળવા લાગ્યા.

રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે કિશોરની બાઈ બારણામાંથી ઈશારો કર્યો. કિશોરે દુકાન બંધ કરવાની તૈયારી કરવા માંઢી. લોકો ઊંભા થઈને જવા લાગ્યા. પણ જતાં જતાં કહેતા ગયા કે વાળુ કર્યા પછી ચોક્કસ, મહારાજની વાણીનો લાભ લેવા આવીશું.

દુકાનના બારણાં અંદરથી બંધ કરીને કિશોરે ઝડપથી હિસાબનું કામ પતાવ્યું. દુકાનમાં એક ધીમી વાટવાળું ફાનસ રહેવા દઈને એ રઘુને લઈને પાછલા બારણેથી ઘરમાં આવ્યો. હાથમોં ધોઈને બંને મિત્રો ઓસરીમાં વાળુ કરવા બેઠા.

બંને મિત્રો જમીને હજી ઊંભા જ થતા હતા ત્યાં તો એક પછી એક એમ ઘણા લોકો મહારાજની અમૃતવાણી સાંભળવા માટે આવવા લાગ્યા. જોતજોતામાં આખી ઓસરી ભરાઈ ગઈ.

કિશોર રઘુનું એક જુદુ જ રૂપ જોઈ રહ્યો. રઘુના મોંઢેથી દુહા, છંદ, ભજન અને ભક્તિની સરવાણી વહેતી રહી ને સાંભળનારા ‘હરે હરે’ કરતા રહ્યા.

મોઢી રાત્રે બધા ગયા પછી કિશોરની બાએ ફળિયામાં ખાટલા ઢાળીને બંનેની પથારી કરી. કિશોર ઢેલી બંધ કરીને આવ્યો અને હસતાં હસતાં બોલ્યોઃ ‘રઘુ મહારાજ, તમે બધાને જ્ઞાન આપ્યું પણ હું તો કોરો જ રહી ગયો. મને પણ થોડું જ્ઞાન આપો તો મારૂં પણ કલ્યાણ થાય.’

‘સાંભળ દોસ્ત, તું ભલે મજાકમાં બોલ્યો હોય પણ તને ખરેખર જ્ઞાનની જરૂર છે. તારે હોશિયાર થવું જોઈએ. મેં દુકાનમાં બેઠાં બેઠાં જોયું કે તું દરેક માણસ પર વિશ્વાસ કરે છે. આવો આંધળો વિશ્વાસ કરવાની ટેવ તને ક્યારેક મુસીબતમાં મૂકી શકે છે. બસ, તને આટલો ઉપદેશ પૂરતો છે.’ રઘુએ પથારીમાં આડા પડતાં કહ્યું.

કિશોરે પથારીમાં લાંબા થઈને કહ્યું કેઃ ‘મારી એ નબળાઈ હું જાણું છું. મારા પિતાજીની પણ આ જ નબળાઈ હતી. મને એ વારસામાં મળી છે.’

ક્યાંય સુધી બંને વચ્ચે અવનવી વાતો થતી રહી. બાએ બંનેને ઓસરીમાંથી ટપાર્યા પણ ખરા કે ‘હવે સૂઈ જાઓ. બાકીની વાતો કાલે કરજો.’

મોડે મોડે બંને ઊંંઘી ગયા.

કિશોર એની આદત મુજબ વહેલો ઊંઠ્‌યો પણ રઘુની પથારી એણે ખાલી જોઈ. રઘુ વહેલો ઊંઠીને પ્રાતઃકર્મ માટે નદી તરફ ગયો હશે એમ વિચારીને એ પણ લોટો, ટુવાલ અને કપડાં લઈને નદીએ જવા નીકળ્યો.

એ નાહીધોઈને પાછો આવ્યો ત્યારે પણ રઘુ આવ્યો ન હતો. નદીએ પણ એ ભેગો થયો ન હતો. રઘુ કહ્યા વગર તો જાય નહીં એવી એને ખાતરી હતી. બાને, રઘુ આવે પછી ચા બનાવવાનું કહીને એ દુકાનમાં ગયો.

દુકાનમાં સાફસૂફી કરીને એણે ઠાકોરજીને દીવાબત્તી કર્યા. લક્ષ્મીજીની આરતી ઉતારવા માટે ગલ્લો ખોલ્યો ત્યારે એના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ! ‘બા...’

શહેરમાં માલ લેવા જવા માટે છેલ્લા દશ દિવસથી એ થોડા થોડા કરીને પૈસા ભેગા કરતો હતો. આ રીતે ભેગી થયેલી બસો રૂપિયાની રકમ એણે રાત્રે જ ગણીને ગલ્લામાં મૂકી હતી. તે રકમ અત્યારે ત્યાં ન હતી. રકમની જગ્યાએ ગરબડિયા અક્ષરોમાં લખાયેલી એક ચિઠ્‌ઠી હતી. એણે ધબકતાં હૃદયે ચિઠ્‌ઠી વાંચી.

દોસ્ત કિશોર,

કાલ રાતે મેં તને જે ઉપદેશ આપ્યો હતો એ તેં યાદ ન રાખ્યો. આ એનું પરિણામ છે. મને માફ કરજે. આવી તક હું છોડી નથી શકતો. કારણ કે આ મારી મજબૂરી છે અને ધંધો પણ છે. ભવિષ્યમાં પણ જો તું મારો ઉપદેશ જીવનમાં ઉતારીશ તો સુખી થઈશ.’

લિ. તારો દોસ્ત રઘુ.

ચિઠ્‌ઠી વાંચતાં વાંચતાં જ કિશોરની આંખોના ખૂણે આંસુ આવી ગયાં. એણે ખાલી ગલ્લાની આરતી ઉતારીને દીવો ઠાકોરજીની સામે મૂકી દીધો.

એને થયું કે બાને બોલાવીને બધી વાત કરૂં. પણ એટલી વારમાં તો બાએ આવીને પૂછ્‌યું કેઃ ‘તારો ભાઈબંધ હજી આવ્યો નથી?’

પોતાની આંખોના ખૂણે આવેલાં આંસુ બા જોઈ ન જાય એટલા માટે એણે ઝડપથી પોતાનું મોંઢું ઠાકોરજીની છબી તરફ ફેરવી લીધું ને કહ્યુંઃ ‘બા, ગમે તેમ તોય એ સાધુ કહેવાય! કદાચ ચાલ્યો ગયો હશે. એની રાહ ન જોવાય. તું ચા મૂકી દે.’

બાના ગયા પછી એણે આંખો લૂછી. હાથમાં રહેલી ચિઠ્‌ઠી ફરીથી વાંચી. એણે નકી કર્યું કે : ‘આ વાત બાને કહેવી નથી. એ દુઃખી થઈ જશે. દિવસો સુધી જીવ બાળશે. પૂરૂં ખાશે પણ નહીં. આ ઘા મારે એકલાએ જ સહન કરવો જોઈએ.’

એણે રઘુની ચિઠ્‌ઠી પોતાના કપાળે લગાઢીને ગઢી વાળીને ગલ્લામાં લક્ષ્મીજીની છબીની પાછળ સાચવીને મૂકી દીધી.

‘આ ચિઠ્‌ઠી નથી. જ્ઞાનમંત્ર છે.’ એ બબડયો. એણે મનમાં સંકલ્પ કર્યો કેઃ ‘હું રોજ આ જ્ઞાનમંત્રની પૂજા કરીશ. રઘુ માત્ર મિત્ર નહોતો. ગુરૂ પણ હતો. હું એ ગુરૂના ઉપદેશને યાદ રાખીશ અને હોશિયાર બનીશ.’

બીજા રસપ્રદ વિકલ્પો