Asar e-book books and stories free download online pdf in Gujarati

અસર - પાંચ વાર્તાઓ

અસર

યશવંત ઠક્કર



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અસર - વાર્તાસંગ્રહ

વાર્તાઓ વિષે થોડુંક આ અસર છે.

આ અસર છે વર્ષો પહેલાં મોટાભાઈને વાંચવા માટે નિશાળની લાયબ્રેરીમાંથી વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લાવીને, એમની પહેલાં વાંચી લીધાની. જે ગામમાં અને જે દિવસોમાં વાંચવા માટે પસ્તી પણ પ્રાપ્ત થતી નહોતી એ ગામમાં અને એ જ દિવસોમાં મારા માટે વાંચનનો ખજાનો ખૂલી ગયો હતો. મારી તેર ચૌદ વર્ષની ઉમરે મને મારા નાનકડા ગામમાં દીવાના અજવાળે મેઘાણી, પેટલીકર, મડિયા, પન્નાલાલ, મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઈ, જ્યોતિન્દ્ર દવે જેવા ધુરંધરોએ જે આનદ આપ્યો છે એ આનંદની આ અસર છે.

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડયાની, પડયા આખડયાની, ઘવાયાની, ફરીથી ઊંભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડયાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની.

આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. આ અસર છે ટપાલના જમાનામાં વાંચકોએ લખેલા પત્રોની.

હવે આજના આ મોબાઈલ માધ્યમમાં વાચકો માટે પ્રતિભાવ આપવાનું કામ એકદમ સરળ છે ત્યારે પ્રતિભાવની રાહ તો હોય જ. આ પહેલાંનાં ઈ-પુસ્તક ‘દરિયાની માછલી’ માં મારાં લખાણો માટે મોકળા મનથી પ્રતિભાવ આપનારા વાચકોની યાદી આપી હતી. આ યાદીમાં કેટલાંક નામ અહીં ઉમેરૂં છું. એ વાચકો છે... જયેશ પટેલ, કેતન થંથ, કેતન કુમાર પ્રજાપતિ, જિગર ગજ્જર, મનહર રાઠોડ, દીપક મેહતા, ધ્રૂવ જોશી, નીલેશ ભારોડિયા, જયભાઈ ચૌધરી વગેરે. મને વિશ્વાસ છે કે હજી પણ આ યાદી લંબાતી જ જશે.

આ વાર્તાઓ વાચકોને ગમશે એવી આશા સાથે...

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

અનુક્રમ

૧.બાબુ

૨.અસર

૩.જ્ઞાનમંત્ર

૪.શિક્ષા

૫.પરિવર્તન

૧ - બાબુ

એ છોકરાનું નામ બાબુ છે. એ સાચું નામ ન પણ હોય. જનક અને છાયાભાભી એને ‘બાબુ’ કહીને જ બોલાવતાં.

જનક મારો મિત્ર છે. એને ઓટો સ્પેરપાર્ટ્‌સની દુકાન છે. મેં બાબુને પહેલી વખત એને ત્યાં જ જોયો હતો. બાબુના દેખાવ પરથી મને એ જનકના કોઈ સગાનો છોકરો હોવાનું લાગ્યું હતું. મેં જનકને એના વિષે પૂછ્‌યું તો જનકે કહ્યું હતું કે ‘આ તો ભૂમિપૂત્ર છે, દોસ્ત.’

‘મતલબ?’ મેં પૂછ્‌યું હતું.

‘મતલબ કે પંચમહાલના એક ગામડામાંથી લઈ આવ્યો છું. ત્યાં માટીનાં તગારાં ઊંંચકતો હતો. મને છોકરો મજાનો લાગ્યો. મારા ઘરે નાનાંમોટાં કામ કરવા માટે આવા એકાદ છોકરાની જરૂર તો હતી જ. પહેલાં તો એણે આવવા માટે આનાકાની કરી. પણ મેં એને સમજાવ્યો કે અમે તને સારી રીતે રાખીશું. એટલે એ આવવા તૈયાર થયો. એના બાપાને એક મહિનાનો પગાર અગાઉથી આપતો આવ્યો છું. આ છોકરો એટલો ચપળ છે કે ન પૂછો વાત. અમને તો એવું લાગતું જ નથી કે એ નોકરી કરવા આવ્યો હોય. અમારા મુન્નાને સાચવવા જ આવ્યો હોય એવું લાગે છે.’ જનકે જવાબ આપ્યો હતો.

આપણે જાણીએ છીએ કે મોટાભાગે ઘરકામ કરતાં લોકોને ઘરના સભ્ય તરીકે માનવામાં આવતાં નથી. તેઓને કામના પ્રમાણમાં પૂરતો પગાર આપવામાં આવતો નથી. ખાવાનું પણ સમયસર અને પૂરતું આપવામાં આવતું નથી. કેટલાંક લોકો તો એમને વાતવાતમાં ધમકાવતાં હોય છે. એમને ગાળો આપનારાં અને મારઝૂડ કરનારાં પણ હોય છે. આપણી નજર સામે જ આવું બનતું હોય છે ત્યારે આપણે મોટાભાગે ચૂપ જ રહેતાં હોઈએ છીએ. બીજાંની વાત જવા દઈએ અને ધારો કે આપણે પોતે જ શેઠ કે સાહેબ હોઈએ તો આપણે આપણું કામ કરતાં લોકોનું સ્વમાન સાચવીએ છીએ ખરાં?

સિક્કાની બીજી બાજુ પણ હોય જ. ઘરકામ કરનારાં કેટલાંક લોકો પણ કેટલાંક સરકારી નોકરોની જેમ શરૂઆતમાં સારૂં કામ કરે છે પરંતુ પછીથી કામચોર થતાં જાય છે. કેટલાંક નાનીમોટી ચોરી કરે છે તો કેટલાંક વારંવાર ભાગી જાય છે. કામે રાખનારની ભલમનસાઈ અને મજબૂરીનો દુરૂપયોગ કરનારાં પણ હોય છે. ઘરધણી અને નોકર વચ્ચેનો સંબંધ મોટાભાગે તંગ જ રહેતો હોય છે.

પરંતુ, જનકની અને બાબીની વાત સાવ નિરાળી હતી. એ બંને વચ્ચે ઘરધણી અને નોકર વચ્ચે હોય એવી ભાવના જ નહોતી. એટેલે તો ગામ છોડીને શહેરમાં આવ્યો હોવા છતાં બાબુની ગ્રામ્ય પ્રસન્નતા અખંડ હતી.

બાબુની આંખોમાં ચમક હતી. ઊંડતાં પતંગ્િાયાં પાછળ ભમતી કુમળી આંખોમાં હોય એવી કુતૂહલતા હતી. એ ચાલતા ચાલતાં જાણે થોડુંક કૂદી લેતો હતો. ચાપાણી કે નાસ્તો લાવવાનું કામ હોય કે ઘરમાં સાફસૂફી કરવાનું કામ હોય, દુકાનેથી જરૂરી ચીજ લાવવાનું કામ હોય કે મુન્નાને રમાડવાનું કામ હોય; એ પૂરા મનથી, આનંદથી અને એકાદ ગીત ગણગણતાં કરતો હતો. સામાન્ય રીતે ઘરકામ કરનારાં લોકો આવાં બધાં કામ ચૂપચાપ કરતાં હોય છે. એમના બોલવા ચાલવામાં કોઠે પડી ગયેલી શિસ્ત હોય છે. એમના ચહેરા પર લાચારીના, ડરના, થાકના કે કંટાળાના ભાવ હોય છે. જ્યારે બાબુનું બોલવું, ચાલવું, હસવું વગેરે કુદરતી હતું.

જનક અને છાયાભાભી બાબુને નાસ્તો કરવા માટે કે જમવા માટે પોતાની સાથે જ ડાઈનિંગ ટેબલ પર બેસાડતાં. બાબુ મન થાય ત્યારે જાતે જ ફ્રિજ ખોલીને ખાવાલાયક ચીજ ખાઈ શકતો. ટીવી ચાલુ કરીને જોઈ શકતો. આવા બધા હક એને સહજ રીતે મળ્યા હતા. ગામડાના એક ગરીબ પરિવારના છોકરાએ શહેરના એક માધ્યમ વર્ગના પરિવારમાં સ્થાન મેળવી લીધું હતું.

મુન્નાના જન્મદિવસના પ્રસંગે તો બાબુનો વટ પડી ગયો હતો. એણે પણ નવાં અને ફૅશનેબલ કપડાં પહેર્યાં હતાં. સાંજે પાર્ટીમાં આવેલા મહેમાનોને એવું જ લાગ્યું હતું કે આ છોકરો તો જનકના કોઈ સગાસંબંધીનો છોકરો હશે. પરંતુ, જયારે એ લોકોએ જાણ્‌યું કે આ તો ઘરકામ કરનારો છોકરો છે ત્યારે એમને જનક અને છાયાભાભીની ઈર્ષા આવી ગઈ. એમને થયું કે ‘આવો નોકર આપણે ત્યાં હોય તો કેટલી રાહત રહે!’ પછી તો એ લોકો વચ્ચે પોતપોતાના નોકરોના ત્રાસની વાતો કહેવાની જાણે કે હરીફાઈ ચાલી.

પરંતુ એ જ લોકોએ જયારે બાબુને; મુન્નાને પોતાના ગળે લગાડીને ફોટો પડાવતા જોયો, જાતે થાળી ભરીને નાસ્તો કરતા જોયો અને છૂટથી કિલકિલાટ કરતા જોયો ત્યારે એમને આ બધું વધારે પડતું લાગ્યું. એમની બધાની સહનશક્તિનું પિલ્લું ત્યારે ખલાસ થઈ ગયું કે જયારે બાબુએ જાતે મુન્નાનો એક ફોટો પડવાની ઈચ્છા દર્શાવી અને જાનકે એના હાથમાં કૅમરા આપી દીધો. મુન્નાનો ફોટો પાડીને બાબુને કેટલો આનંદ આવ્યો એ જોવાના બદલે એ લોકો અંદરોઅંદર એવી ચર્ચા કરવા લાગ્યા કે : ‘આવી રીતે તે નોકરને રખાતો હોય? અરે! નોકરને ગમે તેટલી સારી રીતે રાખો તોય નોકર એ નોકર. એ તો ગમે ત્યારે જતો રહેવાનો.’

અને, એ લોકોની વાત સાચી પાડવી હોય એમ બાબુ બીજે જ દિવસે સવારે જનકના ઘરેથી કોઈને કહ્યા જતો રહ્યો. સાંજે જનક મારે ત્યાં તપાસ કરવા આવ્યો ત્યારે મને ખબર પડી. જનકના કહેવા મુજબ એ ઘરમાંથી કશું જ લીધા વગર ગયો હતો.

ત્રણ દિવસ પસાર થઈ ગયા છતાંય બાબુનો પત્તો મળ્યો નહીં એટલે જનકને ચિંતા થવા લાગી. આખરે તો, બાબુને સાચવવાની એની જવાબદારી હતી. હું અને જનક બાબુના ગામ તપાસ કરવા જવાની તૈયારી કરતા હતા એટલામાં તો બાબુના બાપાની ટપાલ આવી. ટપાલમાં એણે લખ્યું હતું કે : ‘બાબુ ત્યાંથી ભાગીને અહીં આવ્યો છે. જો તમે કહેતા હો તો એને ફરીથી તમારે ત્યાં મૂકી જાઉં.’

બાબુને ફરીથી તેડાવી લેવાની જનકને ઈચ્છા હતી પરંતુ છાયાભાભીએ ના પડી. એમનું કહેવું હતું કેઃ ‘આવી રીતે કહ્યા વગર જતો રહે એવો છોકરો આપણને કોઈ દિવસ મુશ્કેલીમાં મૂકી દે.’

મુન્નો બાબુનો હેવાયો થઈ ગયો હતો એટલે એ એની કાલીઘેલી ભાષામાં બાબુને યાદ કરી લેતો હતો. જનક પણ ક્યારેક ક્યારેક બાબુને યાદ કરીને એવો અફસોસ કરતો કે : ‘જો એ અહીં ટકી ગયો હોત તો અમને ઘણી જ રાહત રહેત અને એનું પણ ભવિષ્ય બનત.’

આટલું જ બન્યું હોત તો મારે આ વાત કહેવાનો પ્રશ્ન જ ઊંભો ન થાત. પરંતુ બાબુ જનકનું ઘર છોડીને ગયો એના લગભગ છ મહિના પછી એ મને આજે અચાનક ભેગો થઈ ગયો.

આજે સ્ટેશન સામે આવેલી ચાની લારી પાસે હું કેટલાક મિત્રો સાથે ચા પીવા ઊંભો હતો ત્યારે ચા લઈને આવેલા છોકરાએ ‘કેમ છો અન્કલ?’ એવું પૂછ્‌યું ત્યારે હું ચમક્યો. એણે થોડી વાર સુધી ધ્યાનથી જોયા પછી હું એને ઓળખી શક્યો. એ બાબુ હતો.

બાબુ ગજબનો બદલાઈ ગયો હતો. એની આંખોમાંથીથી પેલી ચમક ઓછી થઈ ગઈ હતી. એના ચહેરા પર લાચારી અને થાક જણાતાં હતાં. ભૂખ અને ઉજાગરાએ એની સ્ફૂર્ત્િા ખૂંચવી લીધી હોય એવું એને જોઈને લાગતું હતું.

‘બાબુ, તું અહીં ક્યાંથી?’ મેં નવાઈથી પૂછ્‌યું.

‘હું આ ચાની લારીએ નોકરી કરૂં છું. મારા બાપુ મને મૂકી ગયા છે.’

‘આવું કામ તને ફાવે છે?’

‘ન ફાવે તોય કરવું પડે. અન્કલ, શેઠને ત્યાંથી ભાગીને મારા ઘરે ગયો ત્યારે મારા બાપુએ મને ખૂબ માર્યો હતો. એણે મને અભાગ્િાયો કીધો હતો. હવે મને મારા બાપની વાત સાચી લાગે છે.’ બાબુ જલદી જલદી બોલી ગયો. એ એના શેઠથી ફફડતો હોય એમ શેઠ તરફ વારંવાર જોઈ લેતો હતો.

‘પણ બાબુ, તારે એવી રીતે ભાગી નહોતું જવું. તને જનક અન્કલ અને છાયા આન્ટી કેવી રીતે સાચવતાં હતાં!’

‘મને બધું સાંભરે છે. હું એ દિવસે ભાગીને ઘરે ન જાત. પણ શું કરૂં? મુન્નાભાઈનો જનમદિવસ હતો ત્યારે એમનાં મમ્મી આખો દિવસ એમને બહુ વહાલ કરતાં હતાં. એ જોઈને મને મારી બા બહુ જ યાદ આવી ગઈ હતી. હું આખી રાત રોયો અને સવારે ન રહેવાયુ એટલે ઘેર જવા નીકળી ગયો.’

બાબુએ જનકનું ઘર છોડવાનું જે કારણ જણાવ્યું એ કારણ તો કોના મગજમાં હોય? ‘પણ તેં જનક અન્કલની રાજા લીધી હોત તો તને ખુશીથી જવા દેત. મૂકવા પણ આવત. તું પૂછ્‌યા વગર જતો રહ્યો એ ખોટું કર્યું.’ મેં બાબુને કહ્યું.

‘એમની પાસે રજા માંગતાં મારો જીવ જ ન ચાલ્યો. મારી પાસે ટિકિટના પૈસા પણ નહોતા. અન્કલનો બુશકોટ ખીંટીએ લટકતો હતો. એમાં બધા બહુ રૂપિયા હતા. એમાંથી મેં ટિકિટ માટે દસ રૂપિયા લઈ લીધા ને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યો. મને જોઈને મારી બા રાજી રાજી થઈ ગઈ. મને છાતીએ વળગાડીને રોઈ પડી. પણ જેવી એને ખબર પડી કે હું ભાગીને આવ્યો છું ત્યારે એ બળતરા કરવા માંડી કે, હવે તારે ફરીથી મજૂરી કરવી પડશે. મારા બાપુને જયારે ખબર પડી કે હું શહેરમાંથી ભાગીને આવ્યો છું ત્યારે એમણે મને મારવા લીધો.’

બાબુ મારી સાથે વધારે વાતો કરે તે પહેલાં એના શેઠે એણે બૂમ પાડીને બોલાવી લીધો. એ ખાલી કપરકાબી લઈને ઝડપથી જતો રહ્યો. એનો શેઠ એને ધમકાવવા લાગ્યો અને એ ચૂપચાપ કપરકાબી ધોવા લાગ્યો.

મને લાગ્યું કે બાબુની નિખાલસતા હજી અખંડ રહી છે. જનકને તો ખબર પણ નહીં હોય કે એના ખીસામાંથી દસ રૂપિયા ઓછા થયા હતા. પરંતુ બાબુ તો ગાડીભાડા માટે પૈસા લીધાનું કબૂલ કરતો હતો. કદાચ બાબુ આ કૃત્યને ચોરી ન માનતો હોય અને પોતાનો હક માનતો હોય. નાદાન છોકરો જગતની વાસ્તવિકતા સામે ઝઝૂમી રહ્યો હતો. આ જ વાસ્તવિકતા આવનારા દિવસોમાં એને બીડી પીતો, ગાંજો ફૂંકતો કે જુગાર રમતો પણ કરે તો નવાઈ નહીં.

અમે ચાના પૈસા અચૂકવીને ચાલતા થયા ત્યારે મેં ફરીથી બાબુનો અવાજ સાંભળ્યોઃ ‘અન્કલ, મારે તમારૂં એક કામ છે.’

‘બોલ.’ મેં કહ્યું.

‘જનક અન્કલને તો હું મારૂં મોઢું નહીં બતાવું. પણ મારે એમના દસ રૂપિયા પાછા આપવા જ છે. મેં મારા પગારમાંથી થોઢા થોઢા બચાવીને ભેગા કર્યા છે. કાલે તમે આવો તો હું તમને આપી દઈશ. તમે જનક અન્કલને આપી દેજો.’

હું કશો જવાબ આપું તે પહેલાં એ ‘આવશોને?’ એવા સવાલ સાથે ઝઢપથી લારી તરફ દોઢી ગયો.

હું વિચારી રહ્યો છું કેઃ ‘જનકને આ બધી વાત કરૂં તો કદાક એ બાબુને ફરીથી તેઢી લાવે. જો એવું થાય તો બાબુ ફરીથી હસતોકૂદતો થાય. પણ હવે એ લોકો બાબુને ખરા દિલથી આવકારે ખરા? બાબુએ આ વખતે પૂછ્‌યા વગર દસ રૂપિયા લીધા તો ફરીથી વધારે રકમ લઈ લે એવી એમને બીક પણ લાગેને? પોતાનું સંતાન આવી ભૂલ કરે તો માબાપ જે સહજતાથી માફ કરી દે એ સહજતાથી તેઓ બાબુને માફ કરી દેશે? કે પછી બાબુએ કરેલી ભૂલને વારંવાર યાદ કરીને એને ઉતારી પાઢશે. કશું કહી ન શકાય. તૂટેલા મનને રેણ થતું નથી. જગતના બધા વ્યવહાર માત્ર લાગણી પર નથી ચાલતા.’

જિંદગી સાચીખોટી દોઢધામથી ભરેલી છે. એ દોઢધામથી હું પણ મુક્ત નથી. છતાંય આવતી કાલે મારે સમય કાઢીને બાબુ પાસે જવાનું છે. કદાચ મારાથી ન પણ જવાય. મારૂં જવાનું નક્કી નથી. પરંતુ આવતી કાલે આખો દિવસ બાબુ એની ફાટીતૂટી ચઢઢીનાં ખીસામાં દસ રૂપિયા સાચવતો સાચવતો મારી રાહ જોતો હશે. હું એ શક્યતા સૂર્યના હોવા જેટલી નિશ્ચિત સમજું છું.

૨ - અસર

પક્ષઘાતના હુમલા જેવું હુલ્લડ શહેર પર ફરી વળ્યું અને અસર રૂપે આઘાત, વેદના, વેરઝેર મૂકીને ધીરે ધીરે વિદાય થયું. કર્ફ્યુ ઘટતો ઘટતો નાબૂદ થઈ ગયો. છાપાંમાંથી હુલ્લડના સમાચારોએ અને શાંતિસેનાની અપીલોએ પણ વિદાય લીધી. જો કે કોઈ કોઈ કવિની કવિતામાં હજુ હુલ્લડ દેખાતું હતું. છાપાંની કોલમમાં કેટલાક બુદ્‌ધિજીવી, નરરાક્ષસો ફરીથી માથાં ન ઊંંચકે એ માટે જાગૃત રહેવા સમાજને ચેતવણી આપતા હતા. હુલ્લડથી જેમને બહુ અસર નહોતી થઈ એવા કેટલાંક લોકો ચૂંટણી, ક્રિકેટ કે ફિલ્મ વિષે વાતો કરવા લાગ્યાં હતાં.

ફરજિયાત આરામ ભોગવીને થાકેલા દુકાનદારોનાં રોમ રોમ પૈસાના સ્પર્શ માત્રથી પુલકિત થવા લાગ્યાં હતાં. માત્ર દુકાનદારો જ નહીં પણ કારકુનો, વકીલો, પટાવાળા, ડ્રાઈવરો, કંડકટરો, ફેરિયા, ભીખારીઓ, દાતાઓ, ચાલનારા, દોડનારા વગેરે તમામ વર્ગ પોત પોતાની પ્રવૃત્તિમા લાગી ગયા હતા. આ બધાની એક જ મરજી હતી કે શહેર ફરીથી ધમધમતું થાય. રસ્તા પર પડેલા પથ્થરો અને સળગેલો કાટમાળ પ્રધાનશ્રીના આગમન પહેલાં યુદ્ધના ધોરણે હટાવાઈ ગયા હતા. દુકાનોનાં તૂટેલાં બોર્ડની જગ્યાએ નવાં બોર્ડ લગાવાઈ રહ્યાં હતાં. જે દુકાનોમાં તોડફોડ થઈ હતી એ દુકાનો નવાં રૂપરંગ ધારણ કરવા લાગી હતી.

આ કાંઈ પહેલું હુલ્લડ નહોતું. કેટલામું હતું એ કહેવું પણ મુશ્કેલ છે. આ શહેર માટે હુલ્લડ એક એવી અણધારી ઋતુ છે કે જે ગમે ત્યારે આવી જાય અને ગમે એટલી રોકાય. લોકો પણ જાણે કે ટેવાઈ ગયાં છે. કોઈ ભયાનક ફિલ્મ જોયા પછી થિયેટરમાંથી બહાર નીકળીને પોતાની વાસ્તવિક જિંદગીમાં ગોઠવાઈ જતાં હોય એમ લોકો પણ હુલ્લડ પછી ઝઢપથી પોતાના કામકાજમાં ઓતપ્રોત થઈ જાય છે. જેણે ગુમાવ્યું હશે એની શી દશા થતી હશે એ વિષે વિચારવાની જાણે કે કોઈને આદત જ નથી રહી.

મોટી બજાર ધમધમવા લાગી પણ, ફકીર મહમ્મદની સાઈકલની દુકાન હજી જાણે કે રિસાયેલી હતી. એ ખુલ્લે ખુલ્લી બંધ પઢી હતી. તેનાં બારણાં તૂટેલાં હતાં અને અંદર રક્ષણ કરવા લાયક કશું બચ્યું નહોતું.

હિંદુઓથી ભર્યા ભર્યા વિસ્તારમાં હોવા છતાં ફકીર મહમ્મદની દુકાનને આંચ આવી હોય એવું આ પહેલાં ક્યારેય બન્યું નહોતું. આ વખતે પરંપરા તૂટી હતી.

ફકીર મહમ્મદ આ વિસ્તારના ચાચા હતા. એવા ચાચા કે જે હંમેશા ખુશ જ દેખાતા હોય. ઘરાકની સાથે હંમેશા ભાઈચારાથી વાત કરતા હોય. ઘરાકની સાઈકલ જલ્દી દોઢતી થઈ જાય એ માટે કાળજી રાખતા હોય. અને સહુથી મહત્ત્વની વાત એ કે પોતાની કારીગરી બદલ વાજબી જ વળતર લેતા હોય. વારંવાર ‘ખુદા’ ‘ખુદા’ ભલે ન કરતા હોય પણ હંમેશા ખુદાઈને સાચવીને રાખતા હોય. સાંજ પઢી ગઈ હોય ને રઢયો ખઢયો કોઈ ઘરાક પંક્ચર થયેલી સાઈકલ ખેંચીને ચાચાની દુકાને આવે તો એ નિરાશ ન થાય. એ એની સાઈકલ પર બેસીને જ પાછો જાય. ચાચાના દિલને સામેના માણસની મુશ્કેલી સ્પર્શી જતી હતી. આ જ ધંધામાં પઢેલા બીજા લોકો કરતાં ચાચા અલગ હતા. તેઓ સંઘર્ષ કરીને ફૂટપાથથી દુકાન સુધી પહોંચ્યા હતા પણ એમની સાદગી અણનમ રહી હતી. આવા માણસને જ લોકો ચાચા કહેતા હોય છે.

દુકાનના માલિક હોવા છતાં ચાચા પોતે મહેનત કરતા. એ જોઈને ઘણા લોકો એવી એવી સલાહ આપતા કેઃ ‘ચાચા, આ ઉમરે શા માટે હાથમાં પકઢપાનાં લો છો? તમારા દીકરાએ તો કામ સંભાળી લીધું છે. બબ્બે કારીગરો પણ છે. બહુ તાણ પઢતી હોય તો એકાદ કારીગર વધારે રાખી લો. તમારે તો બેઠાં બેઠાં પૈસા જ કાપવા જોઈએ.’

આવી સલાહના બદલામાં ચાચા એવા એવા જવાબો આપતા કેઃ ‘દુકાનવાળો તો હુ પછી થયો. પહેલાં તો કારીગર જ હતો. જે કામ કરીને હું આગળ આવ્યો એ કામને કેવી રીતે છોઢું? કારીગરો બહુ ટકતા નથી. ગમે ત્યારે જતા રહે. જાતે કામ કરવાની આદત હોય એ સારૂં. ઘરાક હેરાન ન થાય. સહુથી મજાની વાત કે કામ કરવાથી મને પણ સારૂં લાગે છે.’ ચાચા હસી પડતા.

આવા ચાચાની પણ દુકાન પણ લુંટાઈ ગઈ. આસપાસના લોકોએ ચાચાની દુકાન બચાવવા કોશિશ કરી હતી પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવા નીકળેલા ટોળા સામે એ લાચાર થઈ ગયા હતા. અફવા અને ઝનૂનના ચલણ સામે ભાઈચારાના ભાવ ગગડી ગયા હતા.

તોફાનો શાંત થયા પછી ચાચા એમના દીકરા ઈકબાલ સાથે એક વખત દુકાને આવેલા. પરંતુ દુકાનની હાલત જોઈને ચૂપ થઈ ગયેલા. દૃશ્ય એમની ધારણા બહારનું હતું. પહેલી વખત એમની દુકાન તૂટી હતી. પહેલી વખત એમનું દિલ તૂટ્‌યું હતું.

ઈકબાલે તસલ્લી આપતાં કહ્યું હતું : ‘અબ્બા, ફિકર મત કરના. સરકાર નુકસાની દેગી. સબ ઠીક હો જાએગા.’

ચાચાએ જવાબ આપ્યો હતોઃ ‘બેટા, નુકસાની તો સરકાર દેગી. નહીં દેગી તો ફિરસે કમા ભી સકતે હૈં. લેકિન, હમારા ભરોસા લૂંટ ગયા હૈ વો કૌન વાપિસ દેગા? મૈં તો માનતા થા કિ હમારી દુકાન કભી નહીં ટૂટેગી, ચાહે દુનિયા ઈધર કી ઉધર હો જાએ. લેકિન અબ લગતા હૈ કિ મેરા ખયાલ ગલત થા. લોગોં કી નજર મેં અબ મૈં ચાચા નહીં રહા, સિર્ફ મિયાંભાઈ હી રહ ગયા હૂં!’ ઈકબાલને લાગ્યું હતું કે ચાચાની અંદર કશું કઢઢઢભૂસ તૂટી રહ્યું છે. એણે ચાચાને સમજાવીને ઘરભેગા કર્યા હતા. ત્યાર પછી ન તો ચાચા દેખાયા હતા કે ન તો ઈકબાલ.

ચંદુ પાનવાળો, રાવજી ચાવાળો, રામુ ધોબી, કાંતિ સલૂનવાળો એ બધા દિવસમાં કેટલીય વખત ચાચાને યાદ કરીને ખાલીખમ દુકાન તરફ નજર નાખી લેતા હતા. ચાચા જોવા નહોતા મળતા એટલે એ લોકોને લાગતું હતું કે ગાઢી પાટે ચડવામાં હજી કશુંક ખૂટે છે. પણ, ચાચાની ખરી જરૂરિયાત ત્યારે સમજાતી કે જયારે પંક્ચર થયેલી સાઈકલ લઈને આવેલો કોઈ માણસ ચાચાની તૂટેલી દુકાન જોઈને નિસાસો નાખીને ઊંભો રહી જતો. ચાચાના કાયમી ઘરાકો, પછી ભલે એ ગમે તે કોમના હોય, એમને બીજી દુકાને જવાની આદત નહોતી.

ફકીર મહમ્મદ નામના ઈન્સાનને હુલ્લ્ઢે હચમચાવી નાખ્યો છે એ વાતનો ખયાલ શહેરના રાજકીય અને ધાર્મિક આગેવાનોને ભલે ન આવ્યો પણ ફકીર મહમ્મદ દુકાનની આસપાસ ટોળે વળતા કેટલાક છોકરાઓને આવી ગયો. એ છોકરાઓ હિંદુ હતા. ધાર્મિક હતા. પરંતુ એમને કથાવાર્તામાં બહુ રસ નહોતો પડતો કે કોમી એકતાની કવિતાઓ એમને બહુ નહોતી સમજાતી. ફેશનેબલ કપડાં પહેરેલા અને વિવિધ પ્રકારની હેઅર-સ્ટાઈલ ધરાવતા એ છોકરાઓ એક વખત ઓટલે ભેગા થઈને ચર્ચાએ ચઢી ગયા. ચર્ચાનો આ એવો કાર્યક્રમ હતો કે જેનું અગાઉથી આયોજન નહોતું થયું. આ કાર્યક્રમમાં કોઈ પ્રમુખશ્રી નહોતા, કોઈ અતિથિ વિશેષ નહોતા, કોઈ આમંત્રિત મહેમાનો નહોતા. આ કાર્યક્રમમાં કોઈ સ્વાગત પ્રવચન નહોતું કે નહોતી આભારવિધિ.

આ ચર્ચા કાંઈક આવી હતી...

‘યાર, ચાચાની દુકાન હજી ખુલી નથી.’

‘ક્યાંથી ખુલે? ચાચાને બહુ લાગી આવ્યું છે.’

‘આવા ઓલિયા માણસની દુકાનને તોડવાથી શો ફાયદો? દુકાન તોડવી હોય તો એવા લોકોની તોડવી જોઈએ કે જે લોકોને છેતરતા હોય. પછી ભલે એ ગમે તે કોમના હોય.’

‘જવા દેને યાર, અમે એમને ખૂબ સમજાવ્યા હતા કે આ દુકાન ન તોડો તો સારૂં. પણ એ લોકો માન્યા જ નહીં.’

‘ચાચા એક દિવસ આવ્યા હતા પણ દુકાનની હાલત જોઈને જ ચૂપ થઈ ગયા હતા.’

‘થઈ જ જાયને. પૂરી ઈમાનદારીથી ધંધો કરે છે. તોય આવું થાય એટલે એમને દુઃખ તો થાય જ ને?’

‘આવું તો ચાલ્યા કરે. આપણાવાળા પણ દુઃખી થયા જ છેને?’

‘જો દોસ્ત, આપણા હોય કે એમના હોય. જેમના પર વીતે છે એ જ જાણે છે. બાકી બીજી બધી વાતો બોગસ છે.‘

‘પણ ચાચાની તો વાત જ અલગ છે. અત્યારે એમની દુકાન બંધ છે એટલે બીજી દુકાનવાળાઓ ઘરાકોની ગરજનો ખોટો લાભ ઉઠાવે છે. લૂંટ ચલાવે છે. એમને માટે તો હિંદુ કે મુસલમાન બધા જ સરખા.’

‘લૂંટફાટની વાત જવા દો યાર. હવે શું કરવું છે એ બોલોને.’

થોઢી ચુપકીદી પછી એક છોકરો બોલ્યો કે ‘હું તો કહું છું કે ચાલો ચાચાને મળીએ. એમને હિંમત આપીને દુકાન ખોલવા સમજાવીએ.’

એ વાત પર બધા સહમત થઈ ગયા.

‘પણ યાર, ચચાને ત્યાં ખાલી હાથે જીશું? એમને આપણે બનતી મદદ કરી હોય તો?’

‘એ વાત સાચી છે. આપણે ફાળો ઉઘરાવીએ.’

‘જા જા. ફાળાની તો વાત જ નહીં કરતો. કોઈ ફાળો આપવાના બદલે છાનામાના પઢયા રહેવાની શિખામણ આપશે.’

‘ચાચા ફાળાના પૈસા લેતા હશે? એમની ઈજ્જતનો સવાલ છે.’

‘અરે ભાઈ, ફાળાની જરૂર જ ક્યાં છે? આપણી ગેંગ નાની છે? એક એક જણો પચાસ પચાસ કાઢશે તો પણ હજાર રૂપિયા જેવું થઈ જશે.’

‘હજારથી કશો દહાડો ન વળે.’

‘એ તો હું પણ જાણું છું. આ તો આપણી શક્તિ મુજબ હૂંફ આપવાની વાત છે.’

એ ચર્ચા લેખે લાગી. બે દિવસમાં તો બારસો રૂપિયા ભેગા થઈ ગયા અને સમજુ ગણાય એવા સાતેક છોકરાઓ ચાચાને ત્યાં જવા નીકળ્યા.

રસ્તામાં એકે શંકા વ્યક્ત કરી કે ‘યાર, ટોળું લઈને નીકળ્યા તો છીએ. પણ ચાચાના મહોલ્લાવાળા અવળું સમજશે તો રાઢો થશે.’

‘નહીં થાય.’ બીજાએ કહ્યું, ‘મારા કલાસનો અબ્દુલ નાકા પર જ મળી જશે. એ નહીં મળે તો બીજાં બેત્રણ ઓળખીતા છે.’

અબ્દુલ નાકા પર જ મળી ગયો. એ બધાને ચાચાને ત્યાં લઈ ગયો.

ચાચા ઓસરીમાં ખાટલા પર બીમાર હોય એમ પડયા હતા. છોકરાઓને જોઈને એ બેઠા થઈ ગયા. એમના ચહેરા પર ખુશાલી ફરી વળી. બધાને આવકારો આપીને એમણે ઈકબાલને બૂમ પાડી, ‘ઈકબાલ દેખ તો સહી, આજ અપને ઘર કિતને સારે મેહમાન આયે હૈં!’

ઈક્બાલ ઘરમાંથી બહાર આવ્યો. ‘ક્યા બાત હૈ’ ખુશીના માર્યા એનાથી વધરે બોલાયું જ નહીં. એ બધા માટે ખુરશીઓ લેવા જતો હતો પણ એને ના પાડીને બધા ઓસરીમાં નીચે જ બેસી ગયા. થોડી વાર સુધી તો છોકરાઓમાંથી કોઈ કશું બોલ્યું જ નહીં. વાતની શરૂઆત કેમ કરવી એ મૂંઝવણ સાથે બધા એકબીજા તરફ જોવા લાગ્યા.

ત્યાં તો ચાચાએ જ વાત શરૂ કરી અને બધાનાં ખબરઅંતર પૂછ્‌યાં.

‘ચાચા, તમારી દુકાન તૂટવાથી અમને બહુ દુઃખ થયું છે.’ એક છોકરાએ ગંભીર થઈને કહ્યું.

‘ચાલ્યા કરે બેટા, મારા એકલાની થોઢી તૂટી છે?’ ચાચા સહેજ પણ કઢવાશ વગર બોલ્યા.

‘પણ તમારા જેવા ભલા માણસની દુકાન તૂટી એ ઠીક નથી થયું.’

‘દેખો ભાઈ, માણસમાં ભલાઈ અને બૂરાઈ બંને ભરેલાં હોય છે. ક્યારેક બુરાઈ જોર કરી જાય. આગ લાગે ત્યારે લીલુંસૂકું બધું જ બળી જાય છેને?’

વાતો થતી રહી. ચાચાની બીમારી ભાગી ગઈ. ઈકબાલ અને એની અમ્મા તો જોતાં જ રહ્યાં. એ મૂંઝાતાં હતાં કે ‘આ હિંદુ છોકરાઓનું સ્વાગત શાનાથી કરવું. આપણા ઘરનાં ચાપાણી લેશે કે નહીં?’

છેવટે એક છોકરાએ ચાચાને પૂછી નાખ્યું કે ‘ચાચા, દુકાન ફરીથી ક્યારે ચાલુ કરો છો?’

ચાચા જવાબ આપે તે પહેલાં ઈકબાલે જવાબ આપ્યો, ‘હું પણ એ જ કહું છું. પણ એ માનતા નથી. કહે છે કે ન થવાનું થઈ ગયું. આપણો ભરોસો તૂટી ગયો. હવે દુકાન ખોલીને શું કરવું છે?

‘નહીં ચાચા, એવું વિચારશો જ નહીં. તમે હમણાં કહ્યું એમ બુરાઈ જોર કરી ગઈ એટલે આ બધું થયું છે. પણ ભલાઈ હારી નથી ગઈ. દુકાનની આસપાસ વાળા બધાને ખૂબ દુઃખ થયું છે. બધા તમને રોજ યાદ કરે છે અને તમે દુકાન ખોલો એની રાહ જુએ છે.’

‘ચાચા, તમારા બધા ઘરાક હેરાન થાય છે. એમને ખાતર પણ તમારે દુકાન ખોલવી જ જોઈએ. તમારા જેવા માણસ હાર માની જશે તો દુનિયા કેવી રીતે ચાલશે?’

‘અમે તો નાદાન છીએ. તોય અમે અમારા મનની વાત લઈને આવ્યા છીએ. તમે જ વિચાર કરો કે આમ ધંધો બંધ કરીને બેસી જવું એ ઠીક છે? ગાડી પાટે તો ચઢાવી જ પઢશેને?’

ચાચાએ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ભેગા થઈને હાહાહીહી કરનારી ટોળકી આવું પણ સમજી શકે છે! ‘તમારી વાત સાચી છે.’ ચાચા ભીના ભીના અવાજે બોલ્યા, ‘હું વધારે પડતો નિરાશ થઈ ગયો હતો. પણ હવે મને લાગે છે કે મારી વિચારવાની રીત ખોટી હતી. અમે કાલથી જ દુકાન ખોલી દઈશું. ખુશ?’

ચાચાની એ વાત છોકરાઓએ તાળીઓના અવાજથી એવી વધાવી કે ચાચાના ચહેરા પરથી વધીઘટી ઉદાસી પણ ભાગી છૂટી. છોકરાઓને એ વાતનો આનંદ થયો કે એમનું આવવું લેખે લાગ્યું.

‘ચાચા, આ અમરા તરફથી નાનકઢી ભેટ છે. તમને કામ લાગશે.’ એવું કહેતાં કહેતાં એક છોકરો સાથે લાવેલી રકમ ચાચાને આપવા લાગ્યો.

અને, ચાચા અડીખમ યોદ્ધાની જેમ ટટ્ટાર ઊંભા થઈ ગયા. ‘બચ્ચાઓ, તમે કેવી વાત કરો છો? ધંધામાં તો નુકસાની થયા કરે. આ વખતે તોફાનને લીધે થઈ એ અલગ વાત છે. પણ અમે કમાઈ લઈશું. તમારી પાસેથી મારે પૈસા ન લેવાય. ગલત વાત છે.’

‘ચાચા, અમે ભાઈબંધોએ જ પ્યારથી ભેગા કર્યા છે. બહારથી ઉઘરાવ્યા નથી.’

‘સમજી ગયો બેટા, પણ અમારે માટે તો તમારો પ્યાર જ કાફી છે. આ પૈસાથી તમે લોકો પાર્ટી કરજો અને ખુશ થજો.’

‘નહીં ચાચા, અમે આ પૈસા પાર્ટી કરવા માટે ભેગા નથી કર્યા.’

‘તો ઐસા કરો, જેને ખરેખર જરૂર હોય, જેનું બધું જ લૂંટાઈ ગયું હોય એવા કોઈ ઈન્સાનને આપી દેજો. પછી ભલે એ ગમે તે કોમનો હોય.’

હવે છોકરાઓને લાગ્યું કે ચાચા, ધાર્યા હતા એના કરતાં પણ વધારે ઊંંચા માણસ છે. હવે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. ચાચાએ બતાવેલો ઉકેલ બધાને ગમ્યો. નક્કી થયું કે, ભેગા કરેલા પૈસા હુલ્લડમાં અસર પામેલા બીજા કોઈને આપવા.

‘હવે બોલો કે બધા શું લેશો? ઠંડુ કે ગરમ? તમને જે માફક આવે એમ હોય એ હોટલમાંથી લઈને આવું.’ મોકો મળતા જ ઈકબાલે છોકરાઓને સવાલ કર્યો.

‘હોટલમાંથી કેમ?’ એક છોકરાએ સામો સવાલ કર્યો. ‘અમે તમારે ત્યાં આવ્યા છીએ ને તમે અમને હોટલની ચા પીવડાવશો?

‘પણ તમે લોકો અમારા ઘરની ચા પીશો?’ ઈકબાલે આનંદ અને આઘાત સાથે પૂછ્‌યું.

‘કેમ નહિ?’ એક સાથે સવાલ થયો.

...બીજે દિવસે સવારમાં જ ચાચા અને ઈકબાલ દુકાને આવીને સાફસૂફી કરવા લાગ્યા. વગર મંગાવ્યે જ રવજી ચા લઈને આવી પહોંચ્યો. ચંદુ, રામુ અને કાંતિ પણ આવ્યા અને ચાચા સાથે હાથ મિલાવી ગયા. બધાએ હોઠોથી ઓછું અને આંખોથી વધારે કામ લીધું. કોઈએ હુલ્લડની વસમી વાતો કરી નહીં.

અને ચાચા! એમના દિલમાં જાણે પંક્ચર પડયું જ નહોતું!

૩ - જ્ઞાનમંત્ર

કિશોરની જિંદગીના એ દિવસો પ્રતીક્ષાના દિવસો હતા. સૌરાષ્ટ્રના ગિર પ્રદેશમાં આવેલા પોતાના ગામમાં એ એક એક દિવસ ગળાડૂબ ઉદાસીમાં વિતાવી રહ્યો હતો. દિવસ ઊંગે ત્યારથી એ ટપાલીની રાહ જોતો જોતો મકાનોના પડછાયાની વધઘટને માપ્યા કરતો. ટપાલી બાજુના ગામમાંથી સાંજે આવતો. જે થોડીઘણી ટપાલો વહેંચવાની હોય તે ઝડપથી વહેંચીને જતી વખતે ટપાલપેટી ખોલી ને ગરબડિયા અક્ષરોમાં લખાયેલા પત્રો બહાર રવાના કરવા માટે લઈ જતો. કિશોરની નજર સામેથી છેક દૂરથી જ ‘નથી કાંઈ’ એવા શબ્દો સાથે હાથ ઊંંચો કરીને ઝઢપથી પસાર થઈ જતો ત્યારે કિશોરને લાગતું કે પોતાની આશાના વટવૃક્ષમાંથી એક વધુ વડવાઈ આજે ઓછી થઈ ગઈ છે.

એ એકલો પઢતો ત્યારે પિતાજીની જિંદગીની છેલ્લી દુઃખદ ક્ષણોને સંભારી જતો. છેલા દિવસોમાં પિતાજી જે શબ્દો વારંવાર કહેતા હતા તે શબ્દો જ હવે એને માટે માર્ગદર્શક હતા. દુર્બળ છતાં મક્કમ અવાજમાં પિતાજી એવી વાત કહેતા કેઃ ‘બેટા, હું તારા માટે વારસામાં કપરા સંઘર્ષ સિવાય કાંઈ મૂકી જતો નથી. મારી જિંદગીમાં હું કેટલાય નોધારા માણસોનો આધાર બન્યો છું. અર્ધી રાત્રે આપણી ઢેલીની સાંકળ ખખડાવનારાની સંખ્યા જો ગણાવીશ તો આંગળીના વેઢા ઓછા પડશે. પણ મારા જ સંતાનો માટે હું કાંઈ કરી શક્યો નથી એ નસીબના ખેલ છે.’

મૃત્યુને આવકારી ચૂકેલા બિમાર પિતાજીએ પથારી પાસે બોલાવીને એના ખભા પર મુશ્કેલીપૂર્વક હાથ મૂકીને સલાહ આપતાં કહ્યું હતુંઃ ‘મારી તને છેલ્લી સલાહ છે કે તારાથી બની શકે તેટલો અભ્યાસ કરજે ને આસપાસના શહેરમાં જ કામધંધો શોધી લેજે ને તારી બાને અહીંથી લઈ જજે. આ ગામમાં ધંધો કરવાની ભૂલ કરીશ નહિ. અહીંના લોકો બોલવામાં મીઠાં છે પણ એમની દાનતને સડો લાગી ગયો છે. કાલાવાલા કરીને ઉધાર લઈ જશે પણ સગવડ થશે ત્યારેય પૈસા ચૂકવવાનું નામ નહિ લે. મારાથી કોઈનું દુઃખ જોવાતું નહોતું. મને યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે પણ તું તારી જિંદગી અહિ વડફીશ નહિ. હૈયામાં હામ રાખજે.’

પિતાજીની સલાહ પ્રમાણે એક છાત્રાલયમાં રહીને એ ભણ્‌યો. ગ્રેજ્યુએટ થયો ને ગામ પાછો ગર્યો. પણ સુખ હજી કોણ જાણે ક્યા પરબીડિયામાં પુરાઈને આવવાનું હતું! તેણે નોકરી માટે દસબાર અરજીઓ કરી હતી. પણ ક્યાંયથી જવાબ નહોતો! એનું મન આ શંકાઓમાં અટવાતું હતું : કદાચ, મેં મારૂં સરનામું બરાબર નહીં કર્યું હોય! મારી અરજી જ ટલ્લે ચડી ગઈ હશે તો? કે પછી મારા નસીબમાં આ ધરતી પર જ રહેવાનું લખાયેલું હશે.’ આવી કલ્પના માત્રથી આંખો મિંચાઈ જતી. પણ આંખો બંધ કરવાથી વાસ્તવિકતા વધુ સ્પષ્ટ દેખાતી હતી. ટપાલી પણ જાણે એની મનોવેદનાનો તાપ જીરવી ન શકતો હોય તેમ દૂરથી જ ‘નથી કાંઈ’ એવા શબ્દો સાથે પસાર થઈ જતો હતો.

‘બેકાર’ની છાપ ઝાંખી પડે તે માટે પણ એણે કાંઈક પ્રવૃત્તિ કરવી જરૂરી હતી. આ વાત સમજીને જ એણે પિતાજીના અવસાન વખતથી બંધ પડેલી દુકાન ફરી ખોલી. ડબ્બાઓ પરથી ધૂળ ખંખેરીને એમાં થોઢી થોડી વસ્તુઓ ભરીને એણે વેપાર શરૂ કર્યો.

મોટાભાગે નાનાં છોકરાં નાની થેલીઓમાં મગફળી, બાજરો કે જુવાર લઈને આવતાં અને બદલામાં ખાવાની વસ્તુઓ લઈ જતાં. આ રીતે પેટ પૂરતું મળી રહેતું. પણ જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ એની દુકાનનો ઓટલો ચઢતી ત્યારે તેનું મન ઉધારની માંગણીની શંકાથી ફફડવા માંડતું. પછી જો આવનાર વ્યક્તિ ભીનાશવાળી આંખે ને ગળગળા સાદે હાથ જોઢીને ટૂંકી મુદતમાં જ પૈસા આપી જવાની શરતે ઉધારની માંગણી કરે તો એ ના પાઢી શકતો નહિ. પાછળથી એની મા એને ઠપકો આપતી : ‘ બેટા, તું પણ તારા બાપ જેવો ભોળો છે. આ પૈસા હવે આવશે જ નહિ. તારા બાપા આ રીતે જ ખાલી થયા. જૂના ચોપડા ઉઘાડીને જોઈશ તો ખબર પડશે કે કેટલી ઉઘરાણી બાકી પડી છે.’ એ, માના વિષાદભર્યા ચહેરાને જોઈને બબડતોઃ ‘બા, નોકરી મળી જાય તો આ ઝંઝટથી અને આ ગામથી છુટકારો થાય.’

બાની શિખામણ યાદ રાખીને એ થોઢા દિવસો સુધી ઉધારની ના પાડતો ને ગામના લોકોને આંખો પહોળી કરતાં અને મૂછોને વળ દેતા જોઈ રહેતો. કેટલાક તો વસ્તુઓ તોલાવીને બંધાવ્યા પછી જ ભેદ ખુલ્લો કરતા કેઃ ‘હમણાં તો સગવડતા નથી. હશે ત્યારે દઈશ.’ .. ને પછી પૂરી બેશરમીથી વસ્તુઓ લઈને દુકાનનો ઓટલો ઉતરી જતા. કરગરીને ઉધાર લઈ ગયેલી ડોશીઓ ઉઘરાણીનો જવાબ ‘ ગામ મૂકીને વયા નઈં જાઈં ‘ જેવા શબ્દોથી આપતી, ત્યારે એને થતું કેઃ આવું મારૂં વતન? આવું ત્રણ પેઢીનું ગામ? આવા મારા ગામના માણસો? ‘

કિશોરની જિંદગી આ રીતે કીડીવેગે પસાર થઈ રહી હતી ત્યારે એક સાંજે ‘બંબ બંબ ગિરનારી’ ના નારા સાથે એક સાધુ એની દુકાનના ઓટલે આવીને ઊંભો રહ્યો. કિશોરે અણગમા સાથે સાધુ સામે જોઈને ‘માફ કરો’ કહી દીધું. પણ સાધુ તો ‘એમ માફ ન થાય.’ એવું બોલતો ઓટલો ચડીને દુકાનની અંદર આવ્યો.

કિશોર કશું સમજે કે કશું બોલે એ પહેલાં તો એણે કિશોરની આંખો તરફ વેધક નજર નાંખતાં પૂછ્‌યું : મને ઓળખ્યો?’’

કિશોર પોતાની યાદશક્તિને તીવ્ર કરતાં કરતાં એકધારી નજરે સાધુ તરફ જોતો રહ્યો ને સાધુ ખડખડાટ હસતો રહ્યો. કિશોરને થયું કે, આ માણસને ક્યાંક જોયો છે ને આ અવાજ કયાંક સાંભળ્યો છે; છતાંય એ ઓળખાતો નથી!

‘તારા જૂના દોસ્ત રઘુને ન ઓળખ્યો?’ સાધુએ પૂછ્‌યું.

ઓળખાણ પડતાં જ કિશોર આનંદ અને વિસ્મયથી ઊંભો થઈ ગયો. ‘રધુ તું?’ એનાથી પૂછાઈ ગયું.

કોલેજમાં એની સાથે એક જ પાટલી પર બેસનારો રઘુ સામે ઊંભો હતો, પણ પોતે એને ઓળખી શક્યો નહીં. અને ઓળખાય પણ ક્યાંથી? ભગવાં કપડાં, લાંબી જટા, વધારેલી દાઢી, હાથમાં કમંડળ ને ચીપિયો! ક્યાં એ વખતનો રઘુ ને ક્યાં અત્યારનો?

કોલેજકાળનો એ રઘુ ભારે શરારતી હતો. વાતવાતમાં રમૂજ કરી નાખતો. ગીતોનો પાકો શોખીન. માધવીએ એની જિંદગીમાં પ્રવેશ કર્યા પછી તો ખુશીનો માર્યો એ લગભગ પાગલ થઈ ગયો હતો. ત્યારે એના ચહેરા પર નરી નિર્દોષતા છવાયેલી રહેતી. આંખોમાં રંગબેરંગી સપનાં તરતાં રહેતાં. આજે એજ ચહેરા પર દુનિયા જોઈ નાખ્યાનો પાકો રંગ હતો અને આંખોમાં અઠંગ બાવાઓની આંખોમાં હોય તેવી રૂક્ષતા લપાકા લેતી હતી.

‘હા, હું.’ રઘુએ કહ્યું. ‘આ બધો તકદીરનો ખેલ છે દોસ્ત, માધવી દગો દઈને ચાલી ગઈ. એક અમીર સાથે શાદી કરીને અમેરિકા ઊંઢી ગઈ. હું એ આઘાત સહન ન કરી શક્યો. શરાબ પીધો, સિગારેટો ફૂંકી, ગમમાં શાયરીઓ લખી, કોઈ નોકરી-ધંધામાં દિલ ન લાગ્યું. છેવટે બાવો બની ગયો. આ ધંધો સારો છે. લોકો પગમાં પઢે છે અને ખાવા-પીવાનું પણ ધરે છે.’

કિશોરે બેસવા માટે કોથળો આપ્યો. તેના પર રઘુએ આસન જમાવ્યું. દુકાનની પાછળથી જ ઘરમાં જવા માટેનું બારણું પડતું હતું. ત્યાંથી કિશોર પાણી લેવા ગયો. પાછો આવ્યો ત્યારે એની બાને પણ બોલાવતો આવ્યો. ભણેલા-ગણેલા છોકરાને બાવાના વેશમાં જોઈને કિશોરની બાને દયા આવી ગઈ. એ તુરત ચા બનાવીને આપી ગઈ. પછી એ સાંજની રસોઈની તૈયારી કરવા માંઢી. બંને મિત્રો વાતોએ લાગ્યા.

‘રઘુ, જિંદગીમાં મુસીબતો તો આવે. આપણે સહન કરવું પઢે. તું જૂએ છે ને કે મને નથી ગમતું તોય આ ગામડામાં પડયો છું. તેં આવો રસ્તો અપનાવ્યો તે બરાબર નથી.’ કિશોરે કહ્યું.

‘જો ભાઈ, તું મને ઉપદેશ ન આપ. એ કામ મારૂં છે.’ રઘુએ હસતાં હસતાં જવાબ આપ્યો.

એ ચલમમાં ગાંજો ભરીને ફૂંકવા લાગ્યો. કિશોરે ટૂંકમાં પોતાની હાલત વર્ણવી. રઘુએ પોતાની રખડપટ્ટીની દાસ્તાન શરૂ કરી ત્યાં તો ગામના નવરા માણસો આવીને રઘુના પગમાં પડવા લાગ્યા. તેઓ દુકાનમાં જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં ત્યાં ગોઠવાઈ ગયા. રઘુએ ચાલાકીપૂર્વક વાત ફેરવી નાંખી. પોતે કિશોરનો જૂનો મિત્ર છે એ વાત તેને ગામ લોકો સમક્ષ બહાર પાડવી એને ઠીક લાગ્યું નહીં. કિશોરને પણ એ વાત ગમી.

રઘુ; ભક્તિ, તપ, ઈશ્વર વગેરે વિષે લોકોને રસ પડે તેવી રીતે વાતો કરવા લાગ્યો. લોકો બીડીઓ ફૂંકતાં ફૂંકતાં સાંભળવા લાગ્યા.

રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે કિશોરની બાઈ બારણામાંથી ઈશારો કર્યો. કિશોરે દુકાન બંધ કરવાની તૈયારી કરવા માંઢી. લોકો ઊંભા થઈને જવા લાગ્યા. પણ જતાં જતાં કહેતા ગયા કે વાળુ કર્યા પછી ચોક્કસ, મહારાજની વાણીનો લાભ લેવા આવીશું.

દુકાનના બારણાં અંદરથી બંધ કરીને કિશોરે ઝડપથી હિસાબનું કામ પતાવ્યું. દુકાનમાં એક ધીમી વાટવાળું ફાનસ રહેવા દઈને એ રઘુને લઈને પાછલા બારણેથી ઘરમાં આવ્યો. હાથમોં ધોઈને બંને મિત્રો ઓસરીમાં વાળુ કરવા બેઠા.

બંને મિત્રો જમીને હજી ઊંભા જ થતા હતા ત્યાં તો એક પછી એક એમ ઘણા લોકો મહારાજની અમૃતવાણી સાંભળવા માટે આવવા લાગ્યા. જોતજોતામાં આખી ઓસરી ભરાઈ ગઈ.

કિશોર રઘુનું એક જુદુ જ રૂપ જોઈ રહ્યો. રઘુના મોંઢેથી દુહા, છંદ, ભજન અને ભક્તિની સરવાણી વહેતી રહી ને સાંભળનારા ‘હરે હરે’ કરતા રહ્યા.

મોઢી રાત્રે બધા ગયા પછી કિશોરની બાએ ફળિયામાં ખાટલા ઢાળીને બંનેની પથારી કરી. કિશોર ઢેલી બંધ કરીને આવ્યો અને હસતાં હસતાં બોલ્યોઃ ‘રઘુ મહારાજ, તમે બધાને જ્ઞાન આપ્યું પણ હું તો કોરો જ રહી ગયો. મને પણ થોડું જ્ઞાન આપો તો મારૂં પણ કલ્યાણ થાય.’

‘સાંભળ દોસ્ત, તું ભલે મજાકમાં બોલ્યો હોય પણ તને ખરેખર જ્ઞાનની જરૂર છે. તારે હોશિયાર થવું જોઈએ. મેં દુકાનમાં બેઠાં બેઠાં જોયું કે તું દરેક માણસ પર વિશ્વાસ કરે છે. આવો આંધળો વિશ્વાસ કરવાની ટેવ તને ક્યારેક મુસીબતમાં મૂકી શકે છે. બસ, તને આટલો ઉપદેશ પૂરતો છે.’ રઘુએ પથારીમાં આડા પડતાં કહ્યું.

કિશોરે પથારીમાં લાંબા થઈને કહ્યું કેઃ ‘મારી એ નબળાઈ હું જાણું છું. મારા પિતાજીની પણ આ જ નબળાઈ હતી. મને એ વારસામાં મળી છે.’

ક્યાંય સુધી બંને વચ્ચે અવનવી વાતો થતી રહી. બાએ બંનેને ઓસરીમાંથી ટપાર્યા પણ ખરા કે ‘હવે સૂઈ જાઓ. બાકીની વાતો કાલે કરજો.’

મોડે મોડે બંને ઊંંઘી ગયા.

કિશોર એની આદત મુજબ વહેલો ઊંઠ્‌યો પણ રઘુની પથારી એણે ખાલી જોઈ. રઘુ વહેલો ઊંઠીને પ્રાતઃકર્મ માટે નદી તરફ ગયો હશે એમ વિચારીને એ પણ લોટો, ટુવાલ અને કપડાં લઈને નદીએ જવા નીકળ્યો.

એ નાહીધોઈને પાછો આવ્યો ત્યારે પણ રઘુ આવ્યો ન હતો. નદીએ પણ એ ભેગો થયો ન હતો. રઘુ કહ્યા વગર તો જાય નહીં એવી એને ખાતરી હતી. બાને, રઘુ આવે પછી ચા બનાવવાનું કહીને એ દુકાનમાં ગયો.

દુકાનમાં સાફસૂફી કરીને એણે ઠાકોરજીને દીવાબત્તી કર્યા. લક્ષ્મીજીની આરતી ઉતારવા માટે ગલ્લો ખોલ્યો ત્યારે એના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ! ‘બા...’

શહેરમાં માલ લેવા જવા માટે છેલ્લા દશ દિવસથી એ થોડા થોડા કરીને પૈસા ભેગા કરતો હતો. આ રીતે ભેગી થયેલી બસો રૂપિયાની રકમ એણે રાત્રે જ ગણીને ગલ્લામાં મૂકી હતી. તે રકમ અત્યારે ત્યાં ન હતી. રકમની જગ્યાએ ગરબડિયા અક્ષરોમાં લખાયેલી એક ચિઠ્‌ઠી હતી. એણે ધબકતાં હૃદયે ચિઠ્‌ઠી વાંચી.

દોસ્ત કિશોર,

કાલ રાતે મેં તને જે ઉપદેશ આપ્યો હતો એ તેં યાદ ન રાખ્યો. આ એનું પરિણામ છે. મને માફ કરજે. આવી તક હું છોડી નથી શકતો. કારણ કે આ મારી મજબૂરી છે અને ધંધો પણ છે. ભવિષ્યમાં પણ જો તું મારો ઉપદેશ જીવનમાં ઉતારીશ તો સુખી થઈશ.’

લિ. તારો દોસ્ત રઘુ.

ચિઠ્‌ઠી વાંચતાં વાંચતાં જ કિશોરની આંખોના ખૂણે આંસુ આવી ગયાં. એણે ખાલી ગલ્લાની આરતી ઉતારીને દીવો ઠાકોરજીની સામે મૂકી દીધો.

એને થયું કે બાને બોલાવીને બધી વાત કરૂં. પણ એટલી વારમાં તો બાએ આવીને પૂછ્‌યું કેઃ ‘તારો ભાઈબંધ હજી આવ્યો નથી?’

પોતાની આંખોના ખૂણે આવેલાં આંસુ બા જોઈ ન જાય એટલા માટે એણે ઝડપથી પોતાનું મોંઢું ઠાકોરજીની છબી તરફ ફેરવી લીધું ને કહ્યુંઃ ‘બા, ગમે તેમ તોય એ સાધુ કહેવાય! કદાચ ચાલ્યો ગયો હશે. એની રાહ ન જોવાય. તું ચા મૂકી દે.’

બાના ગયા પછી એણે આંખો લૂછી. હાથમાં રહેલી ચિઠ્‌ઠી ફરીથી વાંચી. એણે નકી કર્યું કે : ‘આ વાત બાને કહેવી નથી. એ દુઃખી થઈ જશે. દિવસો સુધી જીવ બાળશે. પૂરૂં ખાશે પણ નહીં. આ ઘા મારે એકલાએ જ સહન કરવો જોઈએ.’

એણે રઘુની ચિઠ્‌ઠી પોતાના કપાળે લગાઢીને ગઢી વાળીને ગલ્લામાં લક્ષ્મીજીની છબીની પાછળ સાચવીને મૂકી દીધી.

‘આ ચિઠ્‌ઠી નથી. જ્ઞાનમંત્ર છે.’ એ બબડયો. એણે મનમાં સંકલ્પ કર્યો કેઃ ‘હું રોજ આ જ્ઞાનમંત્રની પૂજા કરીશ. રઘુ માત્ર મિત્ર નહોતો. ગુરૂ પણ હતો. હું એ ગુરૂના ઉપદેશને યાદ રાખીશ અને હોશિયાર બનીશ.’

૪ - શિક્ષા

નિશાળેથી આવીને બિરજુએ દફતર ચૂપચાપ ટેબલ પર મૂકી દીધું અને સીધો બાથરૂમમાં જીને હાથપગ ધોવા માંંડયો. આમ તો એ નિશાળેથી બેચાર વાતો લઈને જ આવતો અને મમ્મી-પપ્પાને સંભળાવતો. પણ જે દિવસે એનાથી નાનું-મોટું તોફાન થઈ ગયું હોય તે દિવસે એ, પપ્પાથી ડરતાં ડરતાં જ ઘરમાં પગ મૂકતો. જયવદનને ખ્યાલ આવી ગયો કે આજે બિરજુએ નિશાળમાં કે રસ્તામાં કશી હરકત કરી હશે.

‘બિરજુ, અહીં આવ.’ જયવદને બૂમ પાડી.

બિરજુ મોઢું લૂછતો બાથરૂમની બહાર આવ્યો. એને પપ્પાની ઉલટ તપાસનો અનુભવ હતો.

‘આજે નિશાળમાં શું થયું હતું? બોલ.’ જયાવદને ગુસ્સામાં કહ્યું.

‘પપ્પા, મેં પાટલી નહોતી પછાઢી તો પણ મારા સરે મને શિક્ષા કરી.’ બિરજુએ રડમસ અવાજમાં જવાબ આપ્યો.

બિરજુનો આટલો જવાબ જયવદનને ઉશ્કેરવા માટે પૂરતો હતો. એણે બિરજુના ગાલ પર એક તમાચો લગાવી દીધો અને ઘાંટો પાઢયો કે ‘તારાં તોફાન બંધ થવાનાં જ નથી.’

‘પણ પપ્પા, હું સાચું કહું છું. મેં પાટલી પછાડી જ નહોતી.’

‘તો તું સાચો ને તરા સર જુઠા એમ? સારૂં કર્યું કે તને શિક્ષા કરી. તું એ જ લાગનો છે.’

‘મને શિક્ષા નહોતા કરવાના. પણ...’ બિરજુ બોલતાં તો બોલી ગયો પણ પછી અટકી ગયો.

‘બોલ આગળ બોલ.’ જયાવદને સખ્તાઈથી કહ્યું.

‘મેં કબૂલ ન કર્યું એટલે મને શિક્ષા કરી. મને ખાલી એક જ પિરિઅડ ઊંભો રાખ્યો.’ બિરજુએ કારણ જણાવ્યું ને સાથે સાથે શિક્ષા બહુ આકરી નહોતી એ પણ જણાવ્યું. એને એમ કે કદાચ આ વાતથી પપ્પા શાંત પડી જાય.

પણ બિરજુની નાનીમોટી હરકતોથી ઉશ્કેરાઈ જનારા જયવદનનો ગુસ્સો ઘટવાને બદલે વધી ગયો.

‘એક તો તું ભૂલ કરે અને ઉપરથી કબૂલ ન કરે તો તને શિક્ષા ન કરે તો શું કરે?’

એમણે બિરજુને બીજો તમાચો મારવા માટે હાથ ઉગામ્યો.

‘પણ પપ્પા, મેં પાટલી પછાડી જ નહોતી તો શા માટે કબૂલ કરૂં?’

બિરજુના બીજો તમાચો ખાવાની તૈયારી સાથે ડરતાં ઢરતાં છતાંય મક્કમતા પૂર્વક બોલાયેલા બિરજુના શબ્દોએ જયવદનના ઊંંચા થયેલા હાથને થંભાવી દીધો.

‘આપણે ભૂલ ન કરી હોય તો પણ માફી માગી લેવાની. નહિ તો સરની આંખે ચઢી જીએ.’ જયવદને સહેજ ઠંડા પડતાં કહ્યું. બિરજુને તમાચો મારવા માટે ઉગામેલો હાથ તેણે બિરજુના ખભા પર મૂક્યો.

‘પણ પપ્પા, હું જુઠી માફી શા માટે માગું?’ બિરજુએ રઢમસ છતાં મક્કમ અવાજમાં કહ્યું.

અને જયવદન જોઈ રહ્યા. બિરજુના ગાલ પર ઉપસેલા સોળોને, બિરજુની ભીંજાયેલી આંખોને, બિરજુના ફફડતા હોઠોને અને આ બધાંની વચ્ચેથી માર્ગ કરતી ચહેરા પરની મક્કમતાને. એ જ ક્ષણે જયવદનજી પડયાં પચ્ચીસ વર્ષો પહેલાંના એમના પોતાના ભૂતકાળમાં. ત્યારે એ બિરજુ જેવડા હતા અને ચોથા ધોરણમાં ભણતા હતા. ભૂતકાળનો એ પ્રસંગ યાદ આવતાં જ એનો ઉશ્કેરાટ શમી ગયો. છતાંય બિરજુની સામે એકદમ ઠંડા પડવું એને ઠીક લાગ્યું નહિ. એણે ગુસ્સો જાળવી રાખવાની કોશિશ કરતાં કહ્યુંઃ ‘જા હું પણ તને શિક્ષા કરૂં છું. આજે તારે રમવા નથી જવાનું.’ જયવદન ખુરશી પર બેસીને આંખો મીંચી ગયા. પચીસ વર્ષો પહેલાનો એ પ્રસંગ તેમની આંખો સમક્ષ વારંવાર ભજવાતો રહ્યો.

ત્યારે એનું નામ જયુ હતું. જયુનું ગામ નાનકડું હતું. એવી જ નાનકડી ગામની નિશાળ હતી. ગામના મોટાભાગનાં લોકો ખેતી અને પશુપાલનના કામમાં જોડાયેલાં હતાં. જયુ ચોથા ધોરણમાં આવ્યો ત્યારે જૂના શિક્ષકની બદલી થઈ અને નવા શિક્ષક આવ્યા.

નવા શિક્ષકનું નામ રસિકલાલ હતું. ગામલોકો એને ‘રસિક માસ્તર’ કહેતાં. રસિક માસ્તર ઘણા કડક હતા. છોકરાંને સુધારવાની બાબતમાં એ અતિ ઉત્સાહ દાખવતા હતા. ખેડૂતના જે છોકરાં મેલાં કપડાં પહેરીને આવ્યાં હોય એમને રસિક માસ્તર કપડાં બદલવા માટે ઘેર પાછાં મોકલતા. જો કે કપડાંની બીજી જોડના અભાવે ઘણાખરા છોકરાં નિશાળે પાછાં નહોતાં ફરતાં.

રસિક માસ્તર છોકરાંને સખ્ત સજા કરવામાં માનતા. છોકરાં તોફાન કરે કે જૂઠું બોલે તો એ છોકરાંને અંગૂઠા પકડાવતા અને ફૂટપટ્ટીથી ફટકારતા. માસ્તર વિદ્યાર્થીઓને મારે એમાં ગામલોકોને પણ કશું અજુગતું લાગતું નહીં.

જોકે એક વખત રસિક કેટલીક છોકરીઓને એક કલાક સુધી અંગૂઠા પકડાવ્યા હતા. એને લીધે છોકરીઓ માંઢ માંડ ઘેર પહોંચી હતી. આ કારણે છોકરીઓના મા-બાપે રસિક માસ્તરને ઠપકો પણ આપ્યો હતો. છતાંય રસિક માસ્તરમા ખાસ ફરક પડયો નહોતો.

જ્યારે ઉનાળાના ધગધગતા દિવસો આવ્યા ત્યારે ફેરિયાઓ કુલ્ફીનાં ઢબલાં લઈને ‘ઠંડી કુલફી મલાઈ’ની બૂમો પાડતાં ગામમાં ફરવા માંડયા. છોકરાઓ કુલ્ફી માટે કજિયા કરીને મા-બાપ પાસેથી પૈસા લઈને દોડવા લાગ્યા. રસિક માસ્તરે નિશાળમાં ખૂબ જ સખત શબ્દોમાં છોકરાઓને કહી દીધું કેઃ ‘કુલફી ખરાબ પાણીમાંથી બનતી હોય છે માટે કોઈએ ખાવી નહિ. જે કોઈ કુલફી ખાતું જોવાં મળશે એને હું શિક્ષા કરીશ.’ ત્યારથી જે કોઈ છોકરૂં કુલફી ખાતું એ ડરતાં ડરતાં અને રસિક માસ્તરથી સંતાઈને ખાતું. કોઈ છોકરૂં બજાર વચ્ચે કુલફી ખાવાની હિંમત કરતુ નહીં.

આવા જ એક દિવસે જયુ બપોરની રિસેસ ભોગવીને નિશાળમાં પાછો ફર્યો કે તુરત જ રસિક માસ્તરે એને બોલાવ્યો અને સવાલ કર્યો કે ‘કેમ, કેવી લાગી કુલ્ફી?’

જયુ તો રસિક માસ્તરના આ સવાલથી હેબતાઈ જ ગયો. એ કશો જવાબ આપે તે પહેલાં તો એક તમાચો એના ગાલ પર પડી ગયો.

‘મેં કેટલી વાર કહ્યું હતું કે કોઈએ કુલ્ફી ખાવાની નથી. કહ્યું હતું કે નહિ?’ રસિક માસ્તરના અવાજથી આખી નિશાળનાં બધાં છોકરાં બીકના માર્યાં અદબ વાળી ગયાં.

‘હા.’ જયુએ રૂંધાતા અવાજે જવાબ આપ્યો.

‘તો કેમ ખાધી? માંદા પડવું છે?’

‘પણ સાહેબ, મેં નથી ખાધી?’

‘એમ? ખોટું બોલે છે? રિસેસમાં બજાર વચ્ચેથી કુલફી ખાતું ખાતું તારી ખઢકીમાં કોણ ગયું હતું?’

‘એ હું નહોતો સાહેબ, મારા ફૈબાનો છોકરો આફ્રિકાથી આવ્યો છે એ હતો.’

‘વાહ! મને ઊંઠાં ભણાવે છે? આફ્રિકાથી આવ્યો હોય એ તારા જેવો ન હોય.’

જયુને કહેવાનું મન થઈ આવ્યું કે સાહેબ એ તો એની બાને ઢોકરી કહે છે અને ક્યારેક ગાળો પણ બોલે છે. પરંતુ સાહેબ એની કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતા. સાહેબ ધમકાવતા રહ્યા કેઃ ‘કુલફી ખાધી છે એ વાત કબૂલ કર’ અને જયુ રઢતાં રઢતાં બચાવ કરતો રહ્યો કે ‘મેં નથી ખાધી સાહેબ. સાચું કહું છું.’ છેવટે સાહેબે જયુને નિશાળ છૂટે ત્યાં સુધી ઊંભાં રહેવાની શિક્ષા કરી. એમણે એવું પણ કહ્યું કેઃ ‘જો ભૂલ કબૂલ કરી લઈશ તો બેસાઢી દઈશ.’ જયુ નિશાળ છૂટે ત્યાં સુધી ઊંભો રહ્યો.

એ ઘેર પહોંચ્યો તે પહેલાં આ વાત એના ઘરે પહોંચી ગઈ હતી. જયુની બા તો એકદમ ઉકળી ઊંઠી. ‘એ નવી નવાઈનો ગામને સુધારવા આવ્યો છે! અમે તો વરસોથી અમારા છોકરાને કુલફી ખાવા નથી દેતાં. એ ખોટું નામ શાનો લે?’ એમણે જયુના બાપાને કહ્યું પણ ખરૂં કે ‘જાવ. અત્યારે જ માસ્તરને ઠપકો દઈ આવો.’

પરંતુ જયુના બાપાએ ઠાવકાઈથી જવાબ આપ્યોઃ ‘માસ્તરે જે કાંઈ કર્યું છે તે આપણા છોકરાના ભલા માટે કર્યું છે. એની ગેરસમજ થઈ છે તે જુદી વાત છે.’

ને પછી જયુ રમવા નીકળ્યો ત્યારે બીજા છોકરાઓ તેને ચીડવવા લાગ્યા કેઃ ‘કેમ? કેવી લાગી કુલફી?’ દિવસો સુધી જયુ એ વાત ભૂલ્યો નહીં અને દિવસો સુધી રસિક માસ્તર એને જૂઠાબોલા છોકરા તરીકે ઓળખાવતા રહ્યા અને નાનીમોટી ભૂલો બદલ શિક્ષા કરતા રહ્યા.

‘ને આજે જ્યારે મારો જ છોકરો એવી આફતનો સામનો કરી રહ્યો છે ત્યારે હું પોતે શું કરી રહ્યો છું?’ ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા ફરેલા જયવદને પોતાની જાતને જ સવાલ કર્યો. જયવદને આંખો ખોલીને જોયું તો બિરજુ સામેના મેદાનમાં રમતા છોકરાંઓને બારીમાંથી જોઈ રહ્યો હતો.

‘તમને નથી લાગતું કે તમે બિરજુ તરફ વધુ પઢતા આકરા થઈ રહ્યા છો?’ જયવદનની પત્નીએ ચાનો કપ મૂકતાં પૂછ્‌યું. જયવદને જવાબમાં સંમતિસૂચક ડોકું હલાવ્યું.

‘બિરજુ બેટા, અહીં આવ જો.’ જયાવાદાને બૂમ પાડી. બિરજુએ જયવદનના અવાજમાં રહેલી લાગણીને પકડી. એના ચહેરા પરથી ઉદાસીની વાદળી હટી ગઈ. એની આંખોમાં ચમક આવી ગઈ. એનો ચહેરો હસુ હસુ થવા લાગ્યો. એ ઝડપથી આવીને જયવદનની સામે ઊંભો રહ્યો.

‘તેં ખરેખર પાટલી નહોતી પછાડીને?’ જયવદને વહાલપૂર્વક બિરજુને પૂછ્‌યું.

‘એકદમ સાચું કહું છું પપ્પા. મેં ખરેખર પાટલી નહોતી પછાડી’ બિરજુએ પૂરી મક્કમતાથી જવાબ આપ્યો.

‘તો પછી કોણે પછાડી હતી?’

‘મારા કલાસમાં રાકેશ કરીને એક છોકરો છે. એણે પછાડી હતી.’

‘તો તેં તારાં સરને એનું નામ કેમ ન આપ્યું?’

‘મને થયું કે એવી ચાડી શું કામ ખાવી જોઈએ? તમે જ કહ્યું હતું ને કે કોઈની ચાડી નહીં ખાવાની.’ જયવદનને થયું કે બિરજુના ગાલ પર પ્રેમથી હાથ ફેરવી લઉં. તેને છાતી સરસો ચાંપી દઉં. પણ તેઓ એવું ન કરી શક્યા. તેમણે બિરજુના ખભા પર હાથ મૂકીને માત્ર એટલું કહ્યું કે : ‘તેં બરાબર કર્યું છે. ગમે તે થાય. ખોટી ભૂલ કબૂલ નહિ કરવાની.’

‘ને ખોટી માફી પણ નહીં માંગવાનીને પપ્પા?’

‘હા. હવે તું રમવા જી શકે છે.’ જયવદને હળવા થતાં કહ્યું.

બિરજુ કૂદકા મારતો ઘરની બહાર નીકળી ગયો.

જયવદન પચીસ વર્ષો પહેલાં થયેલાં અન્યાયનો બદલો આજે પોતે લીધો હોય એવાં સંતોષથી ચાના ઘૂંટડા ભરવા લાગ્યો.

૫ - પરિવર્તન

જમનાદાસનો એર નિયમ હતો કે દર રવિવારે સાંજે ઘરેથી નીકળે. રસ્તામાંથી નટવરના છોકરાં માટે બે ચોકલેટ ખરીદે. સરદાર બાગ આવે ત્યારે પહેલા દરવાજામાંથી અંદર પ્રવેશ કરે અને આખો બાગ વીંધીને છેલ્લા દરવાજામાંથી બહાર નીકળે. ત્યારબાદ ફરીથી ફૂટપાથ પર ચાલવા લાગે. લગભગ અર્ધો કલાકમાં એ નાનાભાઈ નટવરને ત્યાં પહોંચી જાય.

નટવરને ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલું કામ નટવરના છોકરાં બીના અને મુન્નાને એક એક ચોકલેટ આપવાનું કરે. પછી થોડી વાર મુન્નાને રમાડે. એ દરમિયાન નટવરની પત્ની લીલા ચા લઈને આવે. ચા પીતાં પીતાં બંને ભાઈઓ અવનવી વાતો કરે. નટવરને ત્યાં આવી રીતે એકાદ કલાક પસાર થાય એટલે જમનાદાસ ઊંભા થઈને રજા લે.

પાછા ફરતી વખતે જમનાદાસ મંદિરવાળા રસ્તેથી ચાલે અને મહાદેવનાં દર્શન કરીને ઘરે આવે. જો કોઈ વાર નટવરના ઘરે તાળું હોય તો તળાવ સુધીનું મોટું ચક્કર મારીને ઘરે આવે. જેથી ઘરે પહોંચે ત્યાં સુધીમાં રજાનો દિવસ વિદાય લઈ ચૂક્યો હોય.

મોટા ભાગે જમનાદાસ એકલા જ નટવરને ત્યાં જાય પરંતુ નટવર કે લીલા બહુ આગ્રહ કરે તો બે-ત્રણ મહીને એકાદ વખત પત્ની અને છોકરાંને સાથે લઈને જાય. એ બધાં જમનાદાસની જેમ ચાલી શકે નહીં એટલે બસ પકડવી પડે અને જમનાદાસને બસની રાહ જોઈને ઊંભા રહેવાનો બહુ કંટાળો આવે. વળી નટવરને ત્યાંથી આવ્યા પછી છોકરાંને પોતાનું ઘર સાવ જૂનું લાગતું. તેઓ જમનાદાસને એવા એવા સવાલો કરતાં કે :

‘કાકાનું ઘર કેવું મોટું અને નવું છે! આપણે એમના ઘર જેવું ઘર કેમ નથી?’

‘કાકાને ત્યાં તો જમવા માટે ટેબલ-ખુરશી છે. આપણે એવાં ટેબલ ખુરશી ક્યારે લાવવાં છે?’

છોકરાંને આવા સવાલોના જવાબો આપવામાં જમનાદાસને મુશ્કેલી પડતી. નટવરના ઘરેથી આવ્યા પછી એમની પત્ની સરલા પણ ઉદાસ ઉદાસ રહેતી. આવી પરિસ્થિતિમાં મુકાવું ન પડે એટલા માટે જમનાદાસ બને ત્યાં સુધી એકલા જ નટવરને ત્યાં જવાનું પસંદ કરતા.

જમનાદાસની તો વાત જ સાવ અલગ! એણે ક્યારેય નટવરના ઘરની કોઈ પણ ચીજને ક્યારેય ધ્યાનથી જોઈ નહોતી. સોફાસેટ, ઢાઈનિંગ ટેબલ, શૉ કેસ, ઝુમ્મર, રેડિઓ, ટેપ-રેકોર્ડર જેવી વસ્તુઓ પ્રત્યે એના મનમાં કદી આસક્તિ થઈ ન હતી.

જમનાદાસની જવાની જવાબદારીઓનો સામનો કરવામાં જ ખર્ચાઈ ગયેલી. એનાં લગ્ન પછી બીજા જ વર્ષે એના પિતાજીનું અવસાન થયું હતું. જમનાદાસને વારસામાં દેવું મળ્યું હતું. પિતાના અવસાન પછી મા બીમાર પડી હતી. જમનાદાસને ખાસ્સો એવો ખર્ચો કરાવીને માએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. જમનાદાસે માને, નટવરને સારી રીતે ભણાવવાનું, કામે લગાડવાનું ને ધામધૂમથી પરણાવવાનું વચન આપ્યું હતું. એ વચન પાળવું એ જ જીવનનું એક માત્ર ધ્યેય હોય એ રીતે જમનાદાસે એ વચન પાળ્યું હતું. ઘરમાં વસાવવા જેવી વસ્તુઓ ન વસાવીને, મોસમમાં ન ખાવા જેવી ચીજો ન ખાઈને, ફરવાના દિવસોમાં હરવા ફરવાનું માંડી વાળીને પણ એણે નટવરને ભણાવ્યો હતો. નટવરને લાયકાત મુજબ સારી નોકરી મળી એટલે ધામધૂમથી પરણાવ્યો હતો. કહેનારાં કહેતાં હતાં કે જમનાદાસ કરતાં નટવર સુખી છે. પરંતુ એવી વાતોથી જમનાદાસને જરા પણ દુઃખ થતું નહીં. વસ્તુઓના અભાવથી એનું મન સાંકડું થતું નહીં.

નિયમ મુજબ એક રવિવારની પૂર્ણાહુતિ કરવા જમનાદાસ નટવરને ત્યાં પહોંચ્યા ત્યારે બારણું ખૂલતાં ઘણી વાર લાગી. જમનાદાસને એનું કારણ ઘરમાં પગ મૂકતાં જ સમજાઈ ગયું. આખા ઓરડામાં અંધકાર હતો અને એ અંધકારમા આજે પ્રકાશ હતો એ પ્રકાશ માત્ર ટીવીનો હતો. લીલાએ એક ખુરશી બારણા પાસે જ મૂકી દીધી અને જમનાદાસ એમાં ગોઠવાયા.

જમનાદાસને યાદ આવ્યું કે આગલા રવિવારે જ નટવરે કહ્યું હતું કે ‘બે ત્રણ દિવસમાં અમારે ત્યાં ટીવી આવી જશે. પછી તો દર રવિવારે ફિલ્મ જોવાની મજા આવશે.’

ટીવીના પરદે હીરોઈન નૃત્ય કરતી હતી. હીરો શરાબ પીતો હતો. જમનાદાસનું ગળું સુકાવા લાગ્યું. દર વખતે તો એ આવીને બેસતા કે તરત જ બીના પાણીનો ગ્લાસ લઈને આવી જતી. આજે તો એ આવી જ નહીં.

જમનાદાસે આછા અજવાળામાં આખા ઓરડામાં નજર ફેરવી. સોફા પર, ટેબલ પર, ખુરશી પર, એ સિવાય જ્યાં જગ્યા મળે ત્યાં નાનાંમોટાં બધાં ગોઠવાઈ ગયાં હતાં. બધાંની નજર ટીવીના પરદા તરફ હતી. કોઈને ભૂખ કે તરસ સતાવતાં ન હતાં.

એક ખૂણામાં ટેબલ પર બીના બેઠી હતી. એની બાજુમાં ખુરશી પર લીલા બેઠી હતી. લીલાના ખોળામાં મુન્નો હતો. મુન્નાને જોઈને જમનાદાસે હાથ ખીસામાં નાખ્યો. એણે એક ચોકલેટ બહાર કાઢીને મુન્નાને બોલાવ્યોઃ ‘મુન્ના લે ચોકલેટ.’ પણ મુન્નાએ એ અવાજ સાંભળ્યો નહીં. એનું ધ્યાન ટીવી તરફ હતું અને લીલા આંગળી ચીંધીને એને હીરોની ઓળખાણ આપી રહી હતી. લીલાએ જમનાદાસનો અવાજ સાંભળ્યો નહીં. ફિલ્મ જોવા આવેલાં પાડોશીઓમાંથી કેટલાંકે એ અવાજ સાંભળ્યો પણ એ લોકોએ બહુ ધ્યાન આપ્યું નહીં.

જમનાદાસે બીજી બૂમ જરા મોટેથી પાઢી. ‘ઓ મુન્ના, અહીં આવ તો ચોકલેટ આપું.’

આ વખતે જમનાદાસનો અવાજ બધાંને સંભળાયો પણ કોઈને ગમ્યો નહીં. ફિલ્મમાં જોરદાર સંવાદો શરૂ થઈ ચૂકયા હતા. હીરોના મોઢામાંથી નીકળતો એકે એક શબ્દ કિંમતી હતો. જમનાદાસની બૂમના કારણે એક સંવાદ પૂરો ન સંભળાવાથી કેટલાંકને અણગમો આવી ગયો. એ અણગમો અપૂરતા પ્રકાશના કારણે જમનાદાસની નજરે પડયો નહીં.

જમનાદાસની હરકત નટવરથી સહન ન થઈ. એણે ગુસ્સામાં કહ્યુંઃ ‘અત્યારે ચૂપચાપ ફિલ્મ જુઓને. ચોકલેટ પછી નથી અપાતી?’

જમનાદાસ ચૂપ જ નહીં, અવાક થઈ ગયા. એણે ચોકલેટ ખિસ્સામાં મૂકી દીધી. આ પહેલા નટવર પોતાની ઉપર ગુસ્સે થયો હોય એવો કોઈ બનાવ એમને યાદ આવ્યો નહીં. મનને દુઃખી થતું અટકાવવા એણે નજર ટીવી તરફ ઠેરવી.

હીરોના પગમાં હીરોઈનના બાપે રૂપિયાનો ઢગલો કરી દીધો હતો. જમનાદાસે પહેલી વખત આટલા બધા રૂપિયા જોયા અને એ પણ ટીવીના પરદા પર. એને પહેલી વખત એવો વિચાર આવ્યો કે આટલા રૂપિયા મારી પાસે હોય તો મારે પણ એક બંગલો હોય, મોટર હોય, મોંઘું રાસરચીલું હોય, આવું ટીવી હોય અને હું પણ નટવરની જેમ ગુસ્સો કરી શકતો હોઉં. મારાં છોકરાં પણ સગાંવહાલાંની પરવા ન કરતાં હોય.

હીરોએ રૂપિયાની નોટો હાથમાં લીધી અને હીરોઈનના બાપ પર ફેંકી. એક જોરદાર સંવાદ બોલીને એ બારણું પછાડતો ઘરની બહાર નીકળી ગયો. હીરોઈનનો બાપ અમથી તેમ આંટો મારવા લાગ્યો. હીરોઈન પોતાના બંધ ઓરડાની બારીમાંથી હીરોને જતો જોઈને આંસુ વહાવવા લાગી.

અને ઈન્ટર્વલ પઢયો.

ઓરડાનું બારણું ખૂલ્યું. પ્રકાશ અને ચોખ્ખી હવા અંદર પ્રવેશ્યાં. થાકેલી આંખો વાળા પાડોશીઓ અને એમનાં છોકરાં બહાર નીકળ્યાં.

જમનાદાસનું મન નટવરને જે વાત કહેવા માટે તઢપી રહ્યું હતું એ વાત કહેવાની એમને તક મળી. ‘નટવર, ગામડેથી ટપાલ આવી છે. રૂડા પટેલને ત્યાં સપ્તાહ બેસવાની છે. આપણને બધાંને ખૂબ જ અગ્રહ કરીને તેઢાવ્યાં છે. ‘

‘હું હાલમાં ખર્ચામાં છું. મારાથી બહાર નીકળાય એમ નથી.’ નટવરે ઉત્સાહ બતાવ્યા વગર જવાબ આપ્યો.

‘આ તો એમ કે પ્રસંગમાં હાજરી અપાય અને તારાં છોકરાંને ગામઢું જોવા મળે.’

‘એમાં શું જોવાનું? ને હવે તો ટીવી આવી ગયું છે. છોકરાંને શહેર, ગામઢું, જંગલ, નદી, ઢુંગર એ બધું જ ઘરેબેઠાં જોવા મળશે. દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી.’

જમનાદાસને લાગ્યું કે નટવર પણ ટીવીના પરદા પરથી બોલી રહ્યો છે. નટવરની, વાતો કરવાની અનિચ્છા જમનાદાસથી છાની રહી નહીં. જમનાદાસ શું કરવું એ મૂંઝવણમાં પઢયા. ભારેખમ પળો એ રીતે જ પસાર થઈ ગઈ.

ફિલ્મ ફરી શરૂ થવાની વેળા આવી પહોંચી. પાડોશીઓ અને એમનાં છોકરાં અંદર આવીને ગોઠવાવા લાગ્યાં. નટવર, બીના, મુન્નાને લઈને લીલા પણ પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં. જમનાદાસને મનમાં હતું કે લીલા પાણીનો ગ્લાસ લઈને આવશે પણ એવું આ વખતે બન્યું નહીં. જમનાદાસે ઊંભા થઈને બીના અને મુન્નાના હાથમાં એક એક ચોકલેટ મૂકી. એ બંનેએ દર વખત જેવો હરખ દાખવ્યો નહીં.

જમનાદાસને લાગ્યું કે બધાનાં મન ટીવીએ હરી લીધાં છે. એમણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે ફિલ્મ ચાલુ હોય ત્યારે રજા લેવી એનાં કરતાં અત્યારે જ રજા લઈ લેવી સારી.

‘જય શ્રીકૃષ્ણ. હું જઉં.’ એમણે રજા લેતાં કહ્યું.

‘ભલે’ નટવરે કોરો કોરો જવાબ આપ્યો.

જમનાદાસ નટવરના ઘરની બહાર નીકળીને ચાલવા લાગ્યા.

એમના ઘવાયેલા મનમાંથી અવાજ આવ્યોઃ ‘પરિવર્તન!’

‘ગુજરાતી પ્રાઈડ’ તેમજ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત યશવંત ઠક્કરનાં ઈ-પુસ્તકોની યાદી

આ આવકારો છે

૧.રોકડિયા ચૂકવે ઋણ

૨.આવ મંગળ અમને નડ

૩.જાન ભાડે મળશે

૪.પરમાનંદની ડાયરી

૫.જમાનો કેમ બદલાયો?

૬.વાસ્તવિકતાની ધરતી પર

૭.મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

૮.ટમટમનાં પડીકાં

૯.ચપટી ભરીને વાર્તા

૧૦.દરિયાની માછલી

ઉપરાંત ‘મિર્ચી ક્યારો’ના ચાર ભાગ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED