Parivartan books and stories free download online pdf in Gujarati

પરિવર્તન

પરિવર્તન

યશવંત ઠક્કર© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અસર - વાર્તાસંગ્રહ

વાર્તાઓ વિષે થોડુંક આ અસર છે.

આ અસર છે વર્ષો પહેલાં મોટાભાઈને વાંચવા માટે નિશાળની લાયબ્રેરીમાંથી વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લાવીને, એમની પહેલાં વાંચી લીધાની. જે ગામમાં અને જે દિવસોમાં વાંચવા માટે પસ્તી પણ પ્રાપ્ત થતી નહોતી એ ગામમાં અને એ જ દિવસોમાં મારા માટે વાંચનનો ખજાનો ખૂલી ગયો હતો. મારી તેર ચૌદ વર્ષની ઉમરે મને મારા નાનકડા ગામમાં દીવાના અજવાળે મેઘાણી, પેટલીકર, મડિયા, પન્નાલાલ, મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર.વ.દેસાઈ, જ્યોતિન્દ્ર દવે જેવા ધુરંધરોએ જે આનદ આપ્યો છે એ આનંદની આ અસર છે.

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડયાની, પડયા આખડયાની, ઘવાયાની, ફરીથી ઊંભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડયાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની.

આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. આ અસર છે ટપાલના જમાનામાં વાંચકોએ લખેલા પત્રોની.

હવે આજના આ મોબાઈલ માધ્યમમાં વાચકો માટે પ્રતિભાવ આપવાનું કામ એકદમ સરળ છે ત્યારે પ્રતિભાવની રાહ તો હોય જ. આ પહેલાંનાં ઈ-પુસ્તક ‘દરિયાની માછલી’ માં મારાં લખાણો માટે મોકળા મનથી પ્રતિભાવ આપનારા વાચકોની યાદી આપી હતી. આ યાદીમાં કેટલાંક નામ અહીં ઉમેરૂં છું. એ વાચકો છે... જયેશ પટેલ, કેતન થંથ, કેતન કુમાર પ્રજાપતિ, જિગર ગજ્જર, મનહર રાઠોડ, દીપક મેહતા, ધ્રૂવ જોશી, નીલેશ ભારોડિયા, જયભાઈ ચૌધરી વગેરે. મને વિશ્વાસ છે કે હજી પણ આ યાદી લંબાતી જ જશે.

આ વાર્તાઓ વાચકોને ગમશે એવી આશા સાથે...

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

પરિવર્તન

જમનાદાસનો એર નિયમ હતો કે દર રવિવારે સાંજે ઘરેથી નીકળે. રસ્તામાંથી નટવરના છોકરાં માટે બે ચોકલેટ ખરીદે. સરદાર બાગ આવે ત્યારે પહેલા દરવાજામાંથી અંદર પ્રવેશ કરે અને આખો બાગ વીંધીને છેલ્લા દરવાજામાંથી બહાર નીકળે. ત્યારબાદ ફરીથી ફૂટપાથ પર ચાલવા લાગે. લગભગ અર્ધો કલાકમાં એ નાનાભાઈ નટવરને ત્યાં પહોંચી જાય.

નટવરને ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલું કામ નટવરના છોકરાં બીના અને મુન્નાને એક એક ચોકલેટ આપવાનું કરે. પછી થોડી વાર મુન્નાને રમાડે. એ દરમિયાન નટવરની પત્ની લીલા ચા લઈને આવે. ચા પીતાં પીતાં બંને ભાઈઓ અવનવી વાતો કરે. નટવરને ત્યાં આવી રીતે એકાદ કલાક પસાર થાય એટલે જમનાદાસ ઊંભા થઈને રજા લે.

પાછા ફરતી વખતે જમનાદાસ મંદિરવાળા રસ્તેથી ચાલે અને મહાદેવનાં દર્શન કરીને ઘરે આવે. જો કોઈ વાર નટવરના ઘરે તાળું હોય તો તળાવ સુધીનું મોટું ચક્કર મારીને ઘરે આવે. જેથી ઘરે પહોંચે ત્યાં સુધીમાં રજાનો દિવસ વિદાય લઈ ચૂક્યો હોય.

મોટા ભાગે જમનાદાસ એકલા જ નટવરને ત્યાં જાય પરંતુ નટવર કે લીલા બહુ આગ્રહ કરે તો બે-ત્રણ મહીને એકાદ વખત પત્ની અને છોકરાંને સાથે લઈને જાય. એ બધાં જમનાદાસની જેમ ચાલી શકે નહીં એટલે બસ પકડવી પડે અને જમનાદાસને બસની રાહ જોઈને ઊંભા રહેવાનો બહુ કંટાળો આવે. વળી નટવરને ત્યાંથી આવ્યા પછી છોકરાંને પોતાનું ઘર સાવ જૂનું લાગતું. તેઓ જમનાદાસને એવા એવા સવાલો કરતાં કે :

‘કાકાનું ઘર કેવું મોટું અને નવું છે! આપણે એમના ઘર જેવું ઘર કેમ નથી?’

‘કાકાને ત્યાં તો જમવા માટે ટેબલ-ખુરશી છે. આપણે એવાં ટેબલ ખુરશી ક્યારે લાવવાં છે?’

છોકરાંને આવા સવાલોના જવાબો આપવામાં જમનાદાસને મુશ્કેલી પડતી. નટવરના ઘરેથી આવ્યા પછી એમની પત્ની સરલા પણ ઉદાસ ઉદાસ રહેતી. આવી પરિસ્થિતિમાં મુકાવું ન પડે એટલા માટે જમનાદાસ બને ત્યાં સુધી એકલા જ નટવરને ત્યાં જવાનું પસંદ કરતા.

જમનાદાસની તો વાત જ સાવ અલગ! એણે ક્યારેય નટવરના ઘરની કોઈ પણ ચીજને ક્યારેય ધ્યાનથી જોઈ નહોતી. સોફાસેટ, ઢાઈનિંગ ટેબલ, શૉ કેસ, ઝુમ્મર, રેડિઓ, ટેપ-રેકોર્ડર જેવી વસ્તુઓ પ્રત્યે એના મનમાં કદી આસક્તિ થઈ ન હતી.

જમનાદાસની જવાની જવાબદારીઓનો સામનો કરવામાં જ ખર્ચાઈ ગયેલી. એનાં લગ્ન પછી બીજા જ વર્ષે એના પિતાજીનું અવસાન થયું હતું. જમનાદાસને વારસામાં દેવું મળ્યું હતું. પિતાના અવસાન પછી મા બીમાર પડી હતી. જમનાદાસને ખાસ્સો એવો ખર્ચો કરાવીને માએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. જમનાદાસે માને, નટવરને સારી રીતે ભણાવવાનું, કામે લગાડવાનું ને ધામધૂમથી પરણાવવાનું વચન આપ્યું હતું. એ વચન પાળવું એ જ જીવનનું એક માત્ર ધ્યેય હોય એ રીતે જમનાદાસે એ વચન પાળ્યું હતું. ઘરમાં વસાવવા જેવી વસ્તુઓ ન વસાવીને, મોસમમાં ન ખાવા જેવી ચીજો ન ખાઈને, ફરવાના દિવસોમાં હરવા ફરવાનું માંડી વાળીને પણ એણે નટવરને ભણાવ્યો હતો. નટવરને લાયકાત મુજબ સારી નોકરી મળી એટલે ધામધૂમથી પરણાવ્યો હતો. કહેનારાં કહેતાં હતાં કે જમનાદાસ કરતાં નટવર સુખી છે. પરંતુ એવી વાતોથી જમનાદાસને જરા પણ દુઃખ થતું નહીં. વસ્તુઓના અભાવથી એનું મન સાંકડું થતું નહીં.

નિયમ મુજબ એક રવિવારની પૂર્ણાહુતિ કરવા જમનાદાસ નટવરને ત્યાં પહોંચ્યા ત્યારે બારણું ખૂલતાં ઘણી વાર લાગી. જમનાદાસને એનું કારણ ઘરમાં પગ મૂકતાં જ સમજાઈ ગયું. આખા ઓરડામાં અંધકાર હતો અને એ અંધકારમા આજે પ્રકાશ હતો એ પ્રકાશ માત્ર ટીવીનો હતો. લીલાએ એક ખુરશી બારણા પાસે જ મૂકી દીધી અને જમનાદાસ એમાં ગોઠવાયા.

જમનાદાસને યાદ આવ્યું કે આગલા રવિવારે જ નટવરે કહ્યું હતું કે ‘બે ત્રણ દિવસમાં અમારે ત્યાં ટીવી આવી જશે. પછી તો દર રવિવારે ફિલ્મ જોવાની મજા આવશે.’

ટીવીના પરદે હીરોઈન નૃત્ય કરતી હતી. હીરો શરાબ પીતો હતો. જમનાદાસનું ગળું સુકાવા લાગ્યું. દર વખતે તો એ આવીને બેસતા કે તરત જ બીના પાણીનો ગ્લાસ લઈને આવી જતી. આજે તો એ આવી જ નહીં.

જમનાદાસે આછા અજવાળામાં આખા ઓરડામાં નજર ફેરવી. સોફા પર, ટેબલ પર, ખુરશી પર, એ સિવાય જ્યાં જગ્યા મળે ત્યાં નાનાંમોટાં બધાં ગોઠવાઈ ગયાં હતાં. બધાંની નજર ટીવીના પરદા તરફ હતી. કોઈને ભૂખ કે તરસ સતાવતાં ન હતાં.

એક ખૂણામાં ટેબલ પર બીના બેઠી હતી. એની બાજુમાં ખુરશી પર લીલા બેઠી હતી. લીલાના ખોળામાં મુન્નો હતો. મુન્નાને જોઈને જમનાદાસે હાથ ખીસામાં નાખ્યો. એણે એક ચોકલેટ બહાર કાઢીને મુન્નાને બોલાવ્યોઃ ‘મુન્ના લે ચોકલેટ.’ પણ મુન્નાએ એ અવાજ સાંભળ્યો નહીં. એનું ધ્યાન ટીવી તરફ હતું અને લીલા આંગળી ચીંધીને એને હીરોની ઓળખાણ આપી રહી હતી. લીલાએ જમનાદાસનો અવાજ સાંભળ્યો નહીં. ફિલ્મ જોવા આવેલાં પાડોશીઓમાંથી કેટલાંકે એ અવાજ સાંભળ્યો પણ એ લોકોએ બહુ ધ્યાન આપ્યું નહીં.

જમનાદાસે બીજી બૂમ જરા મોટેથી પાઢી. ‘ઓ મુન્ના, અહીં આવ તો ચોકલેટ આપું.’

આ વખતે જમનાદાસનો અવાજ બધાંને સંભળાયો પણ કોઈને ગમ્યો નહીં. ફિલ્મમાં જોરદાર સંવાદો શરૂ થઈ ચૂકયા હતા. હીરોના મોઢામાંથી નીકળતો એકે એક શબ્દ કિંમતી હતો. જમનાદાસની બૂમના કારણે એક સંવાદ પૂરો ન સંભળાવાથી કેટલાંકને અણગમો આવી ગયો. એ અણગમો અપૂરતા પ્રકાશના કારણે જમનાદાસની નજરે પડયો નહીં.

જમનાદાસની હરકત નટવરથી સહન ન થઈ. એણે ગુસ્સામાં કહ્યુંઃ ‘અત્યારે ચૂપચાપ ફિલ્મ જુઓને. ચોકલેટ પછી નથી અપાતી?’

જમનાદાસ ચૂપ જ નહીં, અવાક થઈ ગયા. એણે ચોકલેટ ખિસ્સામાં મૂકી દીધી. આ પહેલા નટવર પોતાની ઉપર ગુસ્સે થયો હોય એવો કોઈ બનાવ એમને યાદ આવ્યો નહીં. મનને દુઃખી થતું અટકાવવા એણે નજર ટીવી તરફ ઠેરવી.

હીરોના પગમાં હીરોઈનના બાપે રૂપિયાનો ઢગલો કરી દીધો હતો. જમનાદાસે પહેલી વખત આટલા બધા રૂપિયા જોયા અને એ પણ ટીવીના પરદા પર. એને પહેલી વખત એવો વિચાર આવ્યો કે આટલા રૂપિયા મારી પાસે હોય તો મારે પણ એક બંગલો હોય, મોટર હોય, મોંઘું રાસરચીલું હોય, આવું ટીવી હોય અને હું પણ નટવરની જેમ ગુસ્સો કરી શકતો હોઉં. મારાં છોકરાં પણ સગાંવહાલાંની પરવા ન કરતાં હોય.

હીરોએ રૂપિયાની નોટો હાથમાં લીધી અને હીરોઈનના બાપ પર ફેંકી. એક જોરદાર સંવાદ બોલીને એ બારણું પછાડતો ઘરની બહાર નીકળી ગયો. હીરોઈનનો બાપ અમથી તેમ આંટો મારવા લાગ્યો. હીરોઈન પોતાના બંધ ઓરડાની બારીમાંથી હીરોને જતો જોઈને આંસુ વહાવવા લાગી.

અને ઈન્ટર્વલ પઢયો.

ઓરડાનું બારણું ખૂલ્યું. પ્રકાશ અને ચોખ્ખી હવા અંદર પ્રવેશ્યાં. થાકેલી આંખો વાળા પાડોશીઓ અને એમનાં છોકરાં બહાર નીકળ્યાં.

જમનાદાસનું મન નટવરને જે વાત કહેવા માટે તઢપી રહ્યું હતું એ વાત કહેવાની એમને તક મળી. ‘નટવર, ગામડેથી ટપાલ આવી છે. રૂડા પટેલને ત્યાં સપ્તાહ બેસવાની છે. આપણને બધાંને ખૂબ જ અગ્રહ કરીને તેઢાવ્યાં છે. ‘

‘હું હાલમાં ખર્ચામાં છું. મારાથી બહાર નીકળાય એમ નથી.’ નટવરે ઉત્સાહ બતાવ્યા વગર જવાબ આપ્યો.

‘આ તો એમ કે પ્રસંગમાં હાજરી અપાય અને તારાં છોકરાંને ગામઢું જોવા મળે.’

‘એમાં શું જોવાનું? ને હવે તો ટીવી આવી ગયું છે. છોકરાંને શહેર, ગામઢું, જંગલ, નદી, ઢુંગર એ બધું જ ઘરેબેઠાં જોવા મળશે. દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી.’

જમનાદાસને લાગ્યું કે નટવર પણ ટીવીના પરદા પરથી બોલી રહ્યો છે. નટવરની, વાતો કરવાની અનિચ્છા જમનાદાસથી છાની રહી નહીં. જમનાદાસ શું કરવું એ મૂંઝવણમાં પઢયા. ભારેખમ પળો એ રીતે જ પસાર થઈ ગઈ.

ફિલ્મ ફરી શરૂ થવાની વેળા આવી પહોંચી. પાડોશીઓ અને એમનાં છોકરાં અંદર આવીને ગોઠવાવા લાગ્યાં. નટવર, બીના, મુન્નાને લઈને લીલા પણ પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં. જમનાદાસને મનમાં હતું કે લીલા પાણીનો ગ્લાસ લઈને આવશે પણ એવું આ વખતે બન્યું નહીં. જમનાદાસે ઊંભા થઈને બીના અને મુન્નાના હાથમાં એક એક ચોકલેટ મૂકી. એ બંનેએ દર વખત જેવો હરખ દાખવ્યો નહીં.

જમનાદાસને લાગ્યું કે બધાનાં મન ટીવીએ હરી લીધાં છે. એમણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે ફિલ્મ ચાલુ હોય ત્યારે રજા લેવી એનાં કરતાં અત્યારે જ રજા લઈ લેવી સારી.

‘જય શ્રીકૃષ્ણ. હું જઉં.’ એમણે રજા લેતાં કહ્યું.

‘ભલે’ નટવરે કોરો કોરો જવાબ આપ્યો.

જમનાદાસ નટવરના ઘરની બહાર નીકળીને ચાલવા લાગ્યા.

એમના ઘવાયેલા મનમાંથી અવાજ આવ્યોઃ ‘પરિવર્તન!’

‘ગુજરાતી પ્રાઈડ’ તેમજ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત યશવંત ઠક્કરનાં ઈ-પુસ્તકોની યાદી

આ આવકારો છે

૧.રોકડિયા ચૂકવે ઋણ

૨.આવ મંગળ અમને નડ

૩.જાન ભાડે મળશે

૪.પરમાનંદની ડાયરી

૫.જમાનો કેમ બદલાયો?

૬.વાસ્તવિકતાની ધરતી પર

૭.મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

૮.ટમટમનાં પડીકાં

૯.ચપટી ભરીને વાર્તા

૧૦.દરિયાની માછલી

ઉપરાંત ‘મિર્ચી ક્યારો’ના ચાર ભાગ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED