વ્યંગ, કટાક્ષ અને રમૂજથી ભરપૂર
ટમટમનાં પડીકાં
-ઃ લેખક :-
યશવંત ઠક્કર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
વાચકોને
વાચકમિત્રો,
આપ સહુની સમક્ષ વ્યંગલેખોનો સંગ્રહ ‘ટમટમનાં પડીકાં’ રજૂ કરૂં છું. દરેક લેખમાં સૂક્ષ્મ હાસ્ય, વ્યંગ, કટાક્ષ પ્રગટ થાય એવો પ્રયાસ કર્યો છે. વળી, દરેક લેખ અલગ અલગ વિષય પર છે. જેવા કે- નેતા, કવિ, ‘કાકા’નું સંબોધન, ધાર્મિક બાબા, નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન, નિવૃત્ત અધિકારી, કંકોત્રી અને સરનામું પૂછવાની કળા. આ પહેલાંની મારી વિવિધ ઈ-બુક્સ આપ સહુને પસંદ પડી છે. આશા રાખું છું કે આ ઈ-બુક પણ અપ સહુને આનંદ આપશે. પ્રતિભાવ જરૂર આપશો.
-યશવંત ઠક્કરના
જય જય ગરવી ગુજરાત
અનુક્રમણિકા
•નેતાઓ અને નવરસ
•કાવ્યસર્જન અને મૂડીસર્જન
•સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો!
•યથા સમાજ તથા બાબા
•નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન
•નિવૃત્તિના આરે
•જાસાચિઠ્ઠી
•ખુલ્લી તલવાર જેવો સવાલ
૧. નેતાઓ અને નવરસ
જો થોડીઘણી પણ કલાત્મક નજરથી જોવામાં આવે તો માલુમ પડશે કે, જેમ કલાકારો પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે એમ નેતાઓ પણ પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે. કઈ રીતે? .
૧ શૃંગાર રસ ઃ
સામન્ય રીતે નેતાઓને નિરસ પ્રકૃતિના માનવામાં આવે છે. એ માન્યતાને ખોટી પાડતા કેટલાક નેતાઓનાં શરીર પર જેટલી ચરબી ભરી હોય છે એથી વધારે એમના મનમાં શૃંગાર રસ ભર્યો હોય છે. તેઓ શહેરની સડકોને હીરોઈનના ગાલ જેવી બનાવી દેવાનાં વચનો આપે છે. મોટી ઉમરના કેટલાક નેતાઓ યુવાનોને પણ પ્રેરણા આપે એવાં પ્રેમસંબંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે. સંસદમાં પણ કેટલીક વખત નેતાઓ દેશની સમસ્યાઓ યાદ કરતાં કરતાં કવિ કાલીદાસને પણ યાદ કરી લે છે. આવા નેતાઓ પાસે મહિલાઓની સમસ્યા વિષે ન હોય એટલી માહિતી મહિલાઓના સૌંદર્ય વિષે હોય છે. સંસદમાં આવી માહિતીનું પ્રદર્શન કરનાર નેતાઓ સામે વિરોધ પ્રદર્શન પણ થયાં છે.
૨ હાસ્ય રસ ઃ
દેશના નેતાઓ પ્રજાને ગેસના બાટલા પૂરા પાડવામાં ભલે મર્યાદા બાંધતા હોય પરંતુ, પ્રજાને હાસ્યરસ પૂરો પાડવામાં જરા પણ કસર છોડતા નથી. કોઈ કોઈ નેતાના તો દર્શન માત્રથી લોકોને હસવું આવી જાય છે. એવા નેતાનું વ્યક્તિત્વ જ ભવાઈના રંગલાને પરાજય આપી શકે એવું હોય છે. વળી, મોટા ભાગના નેતાઓના નિવેદનોને એમના વિરોધીઓ અને સમાચાર માધ્યમો પણ હાસ્યાસ્પદ ગણાવતાં હોય છે. આમ નેતાઓ અને હાસ્યને સીધો સંબંધ છે. ટીવી ચેનલ પર આવા નેતાઓ ચર્ચા કરતા હોય ત્યારે જોનાર કશું જાણવા માટે નહીં પરંતુ કશું માણવા માટે ટીવી સામે બેસતો હોય છે. મદારી જેમ સાપ અને નોળિયાની લડાઈ બતાવીને બાળકોને ખુશ કરે એમ જ ટીવી એન્કર ચર્ચા દરમ્યાન નેતાઓને લડાવે છે અને દર્શકોને મનોરંજન પૂરૂં પાડે છે. ટીવીની કેટલીક સમાચાર ચેનલ્સને આપણા નેતાઓની મદદથી સમાચાર ચેનલ અને મનોરંજન ચેનલ વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખવામાં સફળતા મળી છે. વિરોધીઓના બેનર ફાડવા થાંભલે ચડી જનારા નેતાઓને કારણે કેટલાય હાસ્ય કલાકારોની કારકીર્દિને અવળી અસર પણ પહોંચી છે. કેટલાક હાસ્ય કલાકારો પોતાનો વ્યવસાય છોડીને નેતા પણ બન્યા છે. એમને એવું જરૂર એવું સમજાયું હશે કે - પ્રજાને એક કલાકાર કરતાં એક નેતા વધારે મનોરંજન પૂરૂં પાડી શકે છે.
૩ કરૂણ રસ ઃ
નેતાઓને કરૂણ રસ પણ પ્રિય છે. સત્તા પર બેઠેલા નેતાઓ, પ્રજા કરૂણ રસનો સતત અનુભવ કરતી રહે એ માટે પોતાનાથી બનતું કરી છૂટે છે. જેમ કેઃ ટેક્સમાં વધારો કરે, પ્રજાને મળતી રાહતોમાં કાપ મૂકે, મોંઘવારી વધે એવાં પગલાં ભરે, અવનવી લાલચો આપીને પ્રજાને દોડાવે વગેરે વગેરે. ચૂંટણી વખતે સભાઓમાં મોટાં મોટાં વચનો આપીને પ્રજાને આનંદિત કરનારા નેતાઓ ચૂંટાયા પછી એ વચનોનું પાલન ન કરીને પ્રજાને કરૂણ રસ પૂરો પડે છે. એવું પણ નથી કે આ નેતાઓ માત્ર પ્રજાને જ કરૂણ રસનો અનુભવ કરાવે છે અને પોતે કરૂણ રસથી મુકત રહે છે. નેતાઓ પોતે પણ કરૂણ રસનો અનુભવ કરે છે. ચૂંટણીમાં પોતાના જ પક્ષ તરફથી ટિકિટ નથી મળતી ત્યારે, ચૂંટણીમાં હાર થાય છે ત્યારે, ચૂંટાયા પછી પ્રધાનપદું ન મળે ત્યારે, પ્રધાનપદું મળ્યા પછી એ છોડવું પડે ત્યારે; આવી વિવિધ પરિસ્થિતિમાં નેતાઓ કરૂણ રસનો અનુભવ કરે છે. ખુરશી-વિરહની પરિસ્થિતિમાં નેતાઓ મોટા પાયા પર કરૂણ રસનો અનુભવ કરે છે. ખુરશીનો વિરહ સહન થતો નથી ત્યારે ત્યારે તેઓ એક પક્ષથી બીજા પક્ષમાં અને બીજા પક્ષથી ત્રીજા પક્ષમાં ભટકે છે.
૪ રૌદ્ર રસ ઃ
સામાન્ય રીતે શાંત દેખતા નેતાઓને પણ વખત આવ્યે રૌદ્ર રૂપ ધારણ કરતા આવડે છે. આપણે સંસદમાં અને વિધાનસભાઓમાં કાગળોથી માંડીને એકબીજાનાં કપડાં ફાડી નાખતા નેતાઓને જોયા છે. દુશ્મન-દેશ તરફ મોરચો લઈ જતા હોય એમ અધ્યક્ષશ્રી તરફ ધસી જતા નેતાઓને જોયા છે. એકબીજા સામે ઘૂરકિયાં કરતાં નેતાઓ આપણને રૌદ્ર રસનો પરિચય કરાવે છે. કેટલાક નેતાઓ તો સદાય રૌદ્ર રૂપમાં જ જોવા મળતા હોય છે. પ્રેસ-રિપૉર્ટરના સામાન્ય સવાલથી પણ તેઓ રૌદ્ર રૂપ ધારણ કરી લેતા હોય છે. એવા પણ નેતાઓ હોય છે કે જેઓ પહેલાં પ્રેસ-કોન્ફરસ બોલાવે અનેપછી પ્રશ્ન પૂછનાર પ્રેસ-રિપૉર્ટરને જ તતડાવી નાખે. કેટલાક નેતાઓ ભાષણ કરતા હોય ત્યારે દર્શકોને એમ લાગે કે તેઓ મોઢામાંથી શબ્દો નહીં પણ તોપના ગોળા છોડી રહ્યા છે. રૌદ્રરસ ન જીરવાતા જાહેરમાં બંદૂકમાંથી ભડાકા કરવા લાગે એવા નેતાઓની પણ ખોટ નથી.
૫ વીર રસ ઃ
બીકણ નેતાઓને પ્રજા પસંદ કરતી નથી એટલે નેતાઓએ અવારનવાર વીર રસનું પ્રદર્શન કરતાં રહેવું પડે છે. ભલે તેઓ અંદરથી બીકણ હોય પણ બહારથી તો સિંહ સમાન દેખાવું પડે છે. તેઓ છાતી કાઢીને જ ચાલતા હોય છે. છાતી કરતાં પેટ મોટું હોય તો પેટ કાઢીને ચાલતા હોય છે. પહેલાંના જમાનામાં બહારવટિયા ગામ ભાંગવા નીકળતા જ્યારે આજના જમાનામાં કેટલાક નેતાઓ વિરોધી પક્ષની ઑફિસ ભાંગવા નીકળે છે. નેતાઓ વીર રસથી ભરપૂર હોય છે એટલે જ વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે વારંવાર અથડામણો થતી રહે છે. મોટાભાગના નેતાઓ ચૂંટણીસભાઓમાં વીર રસનું ભરપૂર પ્રદર્શન કરતા હોય છે. ચૂંટણી એ નેતાઓ માટે વીર રસના પ્રદર્શનની ઢતુ છે. ચૂંટણી સભાઓમાં ભાષણ કરતી વખતે તેઓ પારંપારિક ગુજરાતી ફિલ્મના કલાકારોની જેમ હાકલા અને પડકારા પણ કરી શકે છે. કહેવું હોય તો એમ કહી શકાય કે - સત્તાનો માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને. પરથમ પહેલું બખ્તર પહેરી વળતા લેવું નામ જોને.
૬ ભયાનક રસ ઃ
કેટલાક નેતાઓ તો દેખાવે જ ભયાનક હોય છે. એમની બાંયો જ નહિ એમની ખોપરી પણ સદાય ચડેલી જ હોય છે. તેઓ શરીરે હટ્ટાકટ્ટા હોય છે અને બાહુબલી તરીકે ઓળખાતા હોય છે. આડે દિવસે ભલે ગમે એટલી વગોવણી થતી હોય પણ ચૂંટણી આવે ત્યારે ટિકિટ મેળવવામાં આવા બાહુબલી નેતાઓ ફાવી જતા હોય છે. સાવ એવું પણ નથી કે બાહુબલી નેતાઓ જ ભયાનક હોય છે. દેખાવે દુબળાપાતળા કે સાવ સામાન્ય દેખાતા નેતાઓ પણ ભયાનક હોય છે. તેઓ પોતાની વાણી દ્વારા ભયાનક રસનું પ્રદર્શન કરે છે. આવા નેતાઓ પોતાની વાણી દ્વારા સમાજમાં ભયંકર તોફાનો પણ કરાવી શકે છે. કેટલાક નેતાઓ જનતા સમક્ષ હંમેશા ભયના કારણો સહિત આવતા હોય છે. એમના આગમનનો વિરોધ થાય, કાળા વાવટા દેખાડાય, પોલીસ દ્વારા લાઠીચાર્જ થાય વગેરે ભયાનક રસનાં ઉદાહરણો છે. કેટલાક નેતાઓનો આ સહુથી પ્રિય રસ છે. એમની કારકિર્દી જ ભયની, ભય દ્વારા અને ભય માટે જ હોય છે. ભય થકી જ તેઓ, લોકો પાસેથી મત અને પ્રિત બંને મેળવે છે.
૭ બીભત્સ રસ ઃ
નેતાઓ પણ છેવટે તો પામર મનુષ્ય જ છેને? તેઓ જાણ્યે અજાણ્યે બીભત્સ રસનું પ્રદર્શન કરી નાંખતા હોય છે. વિરોધીઓ પર આક્ષેપો કરતી વખતે કોઈ કોઈ નેતા પોતાના નિવેદનમાં ક્યારેક ક્યારેક બીભત્સ રસનો છંટકાવ કરી નાખે છે. પછી જો બહુ ઊંહાપોહ થાય તો પોતાનો બચાવ કરતાં કહે છે કે, ‘મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.’ આધુનિક ટેકનૉલોજિના કારણે સ્ટિંગ ઑપરેશનનું પ્રમાણ વધ્યું છે. ખાનગીમાં બીભત્સ રસની વહેંચણી કરતા નેતાઓનિ વાનિ અને વર્તનનો લાભ હવે જાહેર જનતાને પણ મળે છે. કેટલાક નેતાઓને મોબાઈલ દ્વારા બીભત્સ રસનું પાન કરતી વખતે એ પણ ભાન નથી રહેતું કે તેઓ પોતાના નિવાસસ્થાને નથી બેઠા પણ વિધાનસભા જેવી જાહેર અને જવાબદારીવાળી જગ્યાએ બેઠા છે. રાજકારણના ક્ષેત્રમાં આજકાલ બીભત્સ રસની બોલબાલા છે. વિરોધીની કારકિર્દીને અસર પહોંચાડવા માટે બીભત્સ રસનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે પણ થાય છે.
૮ અદ્ભુતરસ ઃ
નેતાઓ પોતે જ અદ્ભુત રસથી ભરપૂર પ્રાણીઓ છે. એમનું બોલવું અદ્ભુત હોય છે અને બોલ્યાં પછી ફરી જવું અદ્ભુત હોય છે. એમનું ચાલવું અદ્ભુત હોય છે અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં ચાલ્યા જવું અદ્ભુત હોય છે. એમની સંપતિમાં ઝડપથી થતો વધારો પ્રજાને અદ્ભત લાગે છે. ચૂંટણી પહેલાં નેતાઓ પ્રજાને જે રીતે ખોટાં વચનો આપે છે અને અવનવાં સપનાં દેખાડે છે એ અને ચૂંટણી પછી એ બધું ભૂલી જાય છે એ બધું અદ્ભુત હોય છે. એકબીજા સામે ભયંકર આક્ષેપો કરનારા નેતાઓ વખત આવ્યે અદ્ભુત રીતે સંપી પણ જાય છે. અને, એવું કરવા માટે એમની પાસે જે દલીલો હોય છે એ પણ અદ્ભુત હોય છે. મતબેંક માટેની એમની ગણતરીઓ અદ્ભુત હોય છે. માન અને અપમાન સહન કરવાની એમની શક્તિ અદ્ભુત હોય છે. સત્તા માટેની એમની લાલચા અદ્ભુત હોય છે. એમના દાવપેચ અદ્ભુત હોય છે. દરેક બાબતમાં રાજનીતિ કરવાની એમની આદત અદ્ભુત હોય છે. સમયે સમયે એમના બદલાતા રંગ અદ્ભુત હોય છે. નેતાઓ અદ્ભુત રસના હરતાફરતા ટાંકા છે.
૯ શાંત રસ ઃ
આમ તો નેતાઓ હોય ત્યાં શાંતરસ સંભવ નથી. પરંતુ, ક્યારેક ક્યારેક નેતાઓ અને શાંતિ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસદમાં નિદ્રા દ્વારા શાંતરસ માણતા કેટલાક નેતાઓને આપણે જોયા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગમે તેટલો વધારો થવા છતાં શાંતરસનું પ્રદર્શન કરતા પ્રધાનો પણ આપણે જોયા છે. પોતે સત્તા પર આવશે તો દુશ્મન દેશોને પાઠ ભણાવી દેવાની વાતો કરનારા નેતાઓ સત્તા પર આવ્યા પછી દુશ્મન દેશો સાથે શાંતિ અને વાટાઘાટોથી ઉકેલ લાવવાની વાતો કરતા થઈ જાય છે. કેટલાક નેતાઓમાં પત્રકારોના ઉશ્કેરણીજનક સવાલોના જવાબો શાંત ચિતે આપવાની ગજબની ફાવટ હોય છે. નેતાઓ પોતાના દાવપેચના કારણે કેટલીક વખત જનતાને કર્ફ્યું મારફતે ફરજિયાત શાંતિનો અનુભવ કરાવે છે. નેતાઓ વખત આવ્યે શાંતીકૂચ, શાંતિઘાટ, શાંતિ પરિષદ વગેરે સાથે કામ પડી લેતા હોય છે. શાંતિ માટેનું ‘નોબેલ ઈનામ’ મેળવવાનાં સપનાં જોનારા નેતાઓ જરૂર કરતાં પણ વધારે શાંત બની જાય છે.
આમ નેતાઓ માત્ર નેતાઓ નથી, અભિનેતાઓ પણ છે. અભિનેતાઓથી પણ વિશેષ છે. રાજનીતિ દ્વારા પ્રજાની સેવા કરે કે ના કરે પરંતુ તેઓ નવ નવ રસના સહારે પ્રજાની જે સેવા કરે છે એનું મૂલ્ય આપણે ઓછું ન આંકવું જોઈએ.
૨. કાવ્યસર્જન અને મૂડીસર્જન
મોટાભાગના ગુજરાતી કવિઓને તમે એમના કાવ્યસર્જન બાબતે પૂછશો તો તેઓ હોંશે હોંશે તમને ગમતો ગુલાલ વહેંચશે. પરંતુ, એમને ભૂલેચૂકેય જો ’કાવ્યસર્જન દ્વારા થતા મૂડીસર્જન’ બાબત પૂછશો તો પળવારમાં એમના ચહેરા પરથી વસંતની વસમી વિદાય થઈ જશે અને તમને નજરે પડશે નરી પાનખર! નરી પાનખર! નરી પાનખર!
આવું કેમ? કારણ સાફ છે. ’કાવ્યસર્જન દ્વારા મૂડીસર્જન થાય’ એ વિચારને ગુજરાતી સાહિત્યજગતમાં શ્રેષ્ઠ તુક્કા તરીકેનું સ્થાન મળી ચૂકેલું છે. કોઈ કવિ સપનામાં પણ કાવ્યસર્જન દ્વારા મૂડીસર્જન કરે તો પણ એ ઘટનાની સાહિત્યજગતમાં નોંધ લેવાય છે!
એવું કહેવાય છે કે, એક જમાનામાં કવિને કવિતાના પુરસ્કાર રૂપે એકાદ આનાની લગભગ છ પૈસા ટપાલ ટિકિટ મળતી હતી! ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે. અને કવિઓ એ પાંખડીઓ સાચવીને પોતાની નજર સામે જ રાખતા. એ પાંખડીઓની સાક્ષીએ નવાં નવાં કાવ્યોની રચના કરતા. એ રીતે જ આપણા સાહિત્યનો કાવ્યબાગ સમૃદ્ધ થયેલો છે. આદિકાળથી આપણા મોટાભાગના કવિઓ પૈસાના નહિ પણ પ્રોત્સાહનના ભૂખ્યા રહ્યા છે. કવિતા છપાયા પછી ટપાલખર્ચ અને હવેના જમાનામાં ઈન્ટરનેટનો ખર્ચ નીકળે તો એ પણ ફાયદાનો સોદો ગણાય છે. છપાયેલી રચનાની એકાદ નકલ મળે તો પણ એને માથે મૂકીને નાચવાની કેટલાક કવિઓની તૈયારી હોય છે!
કવિઓને કવિતા લખવા બદલ મળતા વળતરની બાબતમાં આજના વખતમાં થોડો સુધારો થયો હોવાનું ઘણા માને છે પરંતુ ખરેખર સુધારો થયો છે કે નહીં અને થયો છે તો કેટલા પ્રમાણમાં થયો છે એ બાબત પર વર્તમાન કવિઓ પ્રકાશ પાડે તો જ સાચી પરિસ્થતિનો ખ્યાલ આવે. અથવા તો, આમિરખાન પોતાના ’સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમમાં આ સમસ્યાથી સહુને અવગત કરાવે તો જ સત્ય બહાર આવે. જો કે, આમિરખાન એવું કરવા જાય તો પીડિત લોકોની એટલી લાંબી લાઈન પડે કે ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમના તમામ હપ્તાઓ માત્ર આ સમસ્યા માટે જ રાખવા પડે! કવિતાના વળતરની બાબતમાં તો, કવિઓની બાંધી મુઠ્ઠી લાખની છે એમ માનવામાં જ શાણપણ છે. ઘણા કવિઓને તો આ બાબતમાં કોઈ પ્રકારની ફરિયાદ પણ નથી! વળી, એ લોકોનો નમ્ર મત છે કે, કવિઓએ તો અન્ય ભૂખ્યા જનોના જઠરાગ્નિનીને જગાડવાની વાત કહેવાની હોય છે; પોતાના જઠરાગ્નિને તો સુષુપ્ત જ રાખવાનો હોય છે! જો કે ક્યારેક ક્યારેક કેટલાક કવિઓને સાંભળવા કે જોવા માટે માટે ટિકિટ લેવી પડતી હોવાનું જાણવા મળે છે. પરંતુ આવી ઘટનાઓ છુટીછવાયી જ હોય છે.
’કવિતા લખવા બદલ પુરસ્કાર મળે’ એ વાત તો સામાન્ય માણસને પહેલાંના વખતમાં પણ નવાઈ પમાડનારી હતી અને આજના વખતમાં પણ નવાઈ પમાડનારી છે. આજે પણ સામાન્ય જન તો એવું જ માને છે કે, કવિએ પોતાની કવિતા છપાવવા બદલ સામેથી ચાર્જ ચૂકવવો પડે. ભલે, પ્રશંશકો દ્વારા કોઈ કવિતાને સોનાની લગડી તરીકે ઓળખાવવામાં આવી હોય પરંતુ હકીકતમાં સોનાની લગડીની કિંમતનો ગ્રાફ રોજેરોજ નવાં નવાં શિખરો સર કરતો જાય છે જ્યારે જે તે કવિતાની નાણાકીય કિંમતનો ગ્રાફ તો ઊંંઘણશી કુંભકર્ણની માફક ત્યાનો ત્યાં જ પડયોપાથર્યો છે. જો કે હકારાત્મક વિચારસરણી ધરાવતાસાહિત્યજનો એવું કહે છે કે, સોનાની લગડી ગમતા ગુલાલની જેમ વહેંચી નથી શકાતી જ્યારે કવિતા એ રીતે વહેંચી શકાય છે. કવિતા જો બેરર ચેક જેવી વેલ્યુ ન ધરાવતી હોય તો આજે ઈન્ટરનેટના સહારે એક બ્લૉગ્માથી બીજા બ્લૉગમા હરીફરી શકત ખરી? અરે! બેરર ચેકમાં તો ચેક લખનારની સહી જરૂરી છે જ્યારે કવિતાની હેરાફેરી માટે તો ક્યાંક ક્યાંક તો કવિના નામની પણ જરૂર નથી જણાતી!
કાવ્યસર્જન અને વળતરની બાબતમાં પણ માંગ અને પૂરવઠાનો નિયમ લાગુ પડે છે. કવિતાની માંગના પ્રમાણમાં પાક અતિશય વધારે થતો હોવાથી એનું યોગ્ય વળતર તમામ કવિઓને ક્યારેય મળી શકે નહિ! યોગ્ય વળતર ન મળે તો ખેડૂતો પોતાની ઉપજ રસ્તા પર ઠાલવી દે એવી દશા પોતાની ઉપજની ન થાય એવા શુભ હેતુથી જ કવિઓ પોતાની રચનાઓ મફતમાં તો મફતમાં પણ છપાવા દે છે. વળી, આધુનિક યુગમાં તો ઈન્ટરનેટ દ્વારા બ્લોગરૂપી ગોડાઉનની પણ સુવિધા ઉપલબ્ધ થઈ હોવાથી કવિતાસંગ્રહનો પ્રશ્ન મોટાભાગે ઉકલી ગયો છે! કારણ કે ઈન્ટરનેટ દ્વારા મફતમાં બ્લૉગરૂપી ગોડાઉનમા અમર્યાદિત પ્રમાણમાં કવિતાઓનો સંગ્રહ થઈ શકે છે.
મંત્રીશ્રીઓ અને સંસદસભ્યો વાતવાતમાં સંસદમા શાયરીઓ લલકારે છે કે કાવ્યપઠન કરી નાંખે છે પરંતુ એ લોકો ક્યારેય, કવિતા માટે લઘુતમ વળતરનો કાયદો લાવવાની વાત કરતા નથી! કિસાનોનો પાક નિષ્ફળ જાય એની ચિંતા તમામ નેતાઓ કરે છે પરંતુ કવિઓનો કેટલો પાક નિષ્ફળ જાય છે એની ચિંતા કોઈ નેતાએ કરી? કોઈ નેતાએ કવિઓને જીને પૂછ્યું કેઃ ‘ભાઈ, મગજનું દહીં કરીને તમે જે પાક ઉગાડો છો એને તમે બજાર સુધી પહોંચાડી શકો છો કે નહીં? તમને એ પાકનું યોગ્ય વળતર મળે છે કે નહીં? વચેટિયા તમને ફાવવા દે છે?’ કિસાનો આધુનિક પધ્ધતિથી ખેતી કરે તે માટે સરકાર તરફથી કેટકેટલા એમને કેટકેટલી મદદ અને માર્ગદર્શન મળે છે! પરંતુ, આ કમ્પ્યૂટરના જમાનામાં પણ કેટલાય કવિઓ કાગળ અને કલમના સહારે પરંપરાગત રીતે કવિતાનો પાક ઉગાડે છે એ વાતની ચિંતા કોઈ રાજકીય પક્ષ કરતો નથી.
કોઈ રાજકીય પક્ષ કવિઓની સમસ્યા તરફ ધ્યાન આપશે જ નહીં. કારણ? વોટબેંક! કવિઓની વોટબેંક નથી! અને કવિઓની વોટબેંક ક્યારેય થશે પણ નહિ! કારણ કે, વોટબેંક ઊંભી કરવા માટે કવિઓએ એકત્ર થવું પડે! શું કવિઓ એકત્ર થાય એ શક્ય છે? કવિઓ માટે એ કાર્ય કવિતા લખવા કરતાં વધારે અઘરૂં નથી? સરકાર તો કવિતાલેખન બદલ કવિને વળતર ચૂકવવાનો કાયદો લાવવાના બદલે કવિતાસર્જન પર જ ટેકસ નાખીને નવી આવક ઊંભી કરવાનું નથી વિચારતી એ વાત જ કવિઓ માટે રાહત આપનારી છે!
આટલી ચર્ચા પછી ચતુર વાચક સમજી શકે છે કે, કવિતા દ્વારા મળતું વળતર શૂન્ય અથવા તો નહિવત હોય છે અને એ વળતર થકી કોઈ કવિપત્ની શાકભાજીના પથારાવાળા પાસેથી સ્વમાનપૂર્વક ખપપૂરતાં શાકભાજી પણ ન ખરીદી શકે. કવિ જીવનનિર્વાહ માટે માત્ર કવિતા પર આધારિત ન રહી શકે. કવિ નર્મદે કવિતાના ચકાવ્યના ખોળે માથું મૂક્યું હતું જેના પરિણામે છેવટે રેતીમાંથી પૈસા શોધવાનો વખત આવ્યો હતો! આ સત્ય જે કવિ સમજે છે એ, કાવ્યસર્જન માટે કોઈ વિષયની શોધ કરતાં પહેલાં નોકરીધંધો શોધી લે છે! કવિ થઈને પૈસાવાળા થવું જેટલું અઘરૂં છે, એટલું અઘરૂં પૈસાવાળા થયા પછી કવિ થવું નથી. ઉદાહરણો શોધવા જશો તો એક કહેતાં અનેક હાથમાં આવશે.
કવિઓએ કવિ થવાની સાથેસાથે શિક્ષક, કલાર્ક, એન્જિનિયર, ડૉક્ટર કે એવું કંઈ પણ થવું જરૂરી છે. ગુજરાતી કવિઓ મોટાભાગે આધ્યાપકો હોય છે. એ લોકો એવું માનતાં લાગે છે કે, કવિતા પામતાં પહેલાં આધ્યાપક બનવું પડે. આજકાલ તો ઘણા ડૉક્ટરો સર્જન થવાની સાથેસાથે ગઝલ સર્જક થવાનું પણ પસંદ કરે છે. વિવિધ વ્યવસાય કે ધંધામાં જોડાયેલાં કવિઓ પોતાના કામકાજ દરમ્યાન જે માનસિક દબાણ અનુભવે છે એ દબાણનું વાહન તેઓ કવિતાસર્જન દ્વારા વહન શ્રોતાઓ તરફ કરે છે. આને પરિણામે શ્રીમંત કવિઓનો એક વર્ગ ઊંભો થયો છે. પરંતુ એ વર્ગ તમામ કવિઓનું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. મોટાભાગના કવિઓને યોગ્ય વળતર મળતું નથી. એટલું જ નહીં પણ તેઓ વળતરના હકથી અજાણ છે.
તો હે વાચક, જેમ મોર પોતાની કળાનું પ્રદર્શન માત્ર પોતાની ખુશી માટે કરે છે અને અન્ય લોકો એ પ્રદર્શનને જોઈને ખુશ થાય એ તો એને માટે બોનસની વાત છે. એ વાત ઘણાખરા કવિઓને પણ લાગુ પડે છે. આવી પરિસ્થિતિમાં ભાવકોનો પ્રેમ એ જ એ જ એ લોકો માટે મોટી મૂડી છે. ભગવાનની જેમ એ લોકો પણ ભાવના ભૂખ્યા છે, ભોજનના નહિ. એ લોકો પોતાની રચના માટે દર નથી માંગતા, આદર માંગે છે. તું આપીશને?
૩. સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો!
“સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો! ખૂલેખૂલો બન્યો બનાવ તેં મને કાકો કહ્યો!”
પોલિસે એક યુવાનને લાફા માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય ફરજ જ જે ઝપાટે ચડે એને મારવાની છે! એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ’ એક પોલીસે એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને પોલીસને કાકા કહ્યું.’
આ સમાચાર વાંચીને મને શ્રી રમેશ પારેખની એક જાણીતી રચના યાદ આવી ગઈઃ સડકની વચ્ચોવચ સાવ કાગડો મારી ગયો, ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો.
‘કાકા’ કહેવામાત્રથી પોલીસ કોઈ યુવાનને લાફા મારી દે એ બનાવે મને સમાજ બાબતે વિચારતો કરી મૂક્યો છે. કારણ કે આપણા સમાજમાં તો ‘કાકા’ સંબોધન પાણીના પાઉચની માફક વપરાય છે. અને આમ જો ‘કાકા’ સંબોધન માત્રથી જો બધા લાફાવાળી કરવા માંડે તો તો એક નવી સામાજિક સમસ્યા ઊંભી થઈ જાય! ડોસી મરે એનો વાંધો નથી. વાંધો જમ ઘર ભાળી જાય એનો છે.
સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પોતાના પિતાથી નાની ઉંમરના લોકોને માનપૂર્વક ‘કાકા’ કહેવાનો રિવાજ છે. ત્યાં ‘કાકા’ સંબોધનમાં મીઠાશ હોય છે. અમદાવાદ જેવા શહેરોમાં કાકા સંબોધન મોટેભાગે તોછડાઈથી કરવામાં આવે છે. આથી સરસ મજાનો શબ્દ વગર વાંકે વગોવાઈ ગયો છે. એને વગોવવામાં મિમિક્રી, જોક્સ, હાસ્યલેખ દ્વારા પણ બળતામાં ઘી હોમવાનું કામ થાય છે. જે અત્યારે જાણ્યે અજાણ્યે હું કરી રહ્યો છું.
આ લાફાવાળી ઘટના કેમ બની ગઈ? મારી સમજ પ્રમાણે બેમાંથી એક શક્યતા હોવી જોઈએ.
શક્યતા નંબર ૧ : એ યુવાનને એ પોલીસમાં ખરેખર કાકાપણું દેખાયું હોય! વળી એ યુવાનની ખરેખર સમજ જ એવી હોય કે ‘કાકા’ સંબોધન પ્રેમથી છલોછલ ભરેલું છે. એવી સમજ પ્રમાણે એ યુવાને પોલીસ પ્રત્યે ખરેખર પ્રેમ વ્યક્ત કર્યો હોય! પણ દરેક ઘટનાને શંકાથી જોવા ટેવાયેલા પોલીસ મહાશય એ યુવાનની ભાવના સમજવામાં નિષ્ફળ ગયા હોય અને યુવાને પોતાનું અપમાન કર્યું હોવાની ગેરસમજ કરી બેઠા હોય.
શક્યતા નંબર ૨ : એ યુવાને યુવાનીના જોશમાં જ પોલીસને ચીડવવા કાજે કાકા કહી દીધું હોય અને પોલીસની ખરેખર સમજ જ એવી હોય કે ‘કાકા’ સંબોધન ઝેરથી છલોછલ ભરેલું છે! આમ, બંને પક્ષે કશી ગેરસમજ ન થઈ હોય. પરિણામે પોલીસથી ‘કાકા’ સંબોધન જીરવાયું ન હોય અને એણે યુવાનને લાફા માર્યા હોય. આમ થયું હોય તો યુવાને અફસોસ ન કરવો જોઈએ કારણ કે એનો, પોલીસને ચીડવવાનો મૂળ હેતુ તો સફળ થયો કહેવાય. સફળતાની કિંમત તો ચૂકવવી જ પડેને?
અત્રે એક કાઠિયાવાડી કહેવત યાદ આવે છે કે ‘માર ખાધો પણ ફોજદાર તો જોયો!’ આ બનાવ માટે એવું કહી શકાય કે ‘માર ખાધો પણ પોલીસને ‘કાકો’ તો કહ્યો!’
ઘણા લોકોને એવો વિચાર આવી શકે કે - ‘કાકા’ કહ્યું એમાં શું થઈ ગયું? સાચી વાત છે. કારણ કે કોઈને ‘કાકા’ કહેવાનું કૃત્ય આપણા દેશમાં કાનૂની અપરાધ ગણાતો નથી. એ કૃત્યથી કોઈની લાગણી દુભાતી હોય એવા સંજોગોમાં એ કૃત્યને નૈતિક અપરાધ કહી શકાય. પરંતુ, નૈતિકતાને વળી ક્યો કાકો પૂછે છે! જોયુંને? મારાથી પણ ‘કાકો’ શબ્દ કેવો સ્વભાવિકતાથી વપરાઈ ગયો?
દરેકના જીવનમાં એક સમય એવો આવે છે કે સાવ અચાનક એના કાને ‘કાકા’નું સંબોધન અથડાય છે અને એનું હૃદય વીંધાય જાય છે. એ ઘેર આવીને રાજા દશરથની માફક દર્પણમાં જૂએ છે. એને કાકાપણું નજરે ચડતું નથી! એ મન મનાવે છે કે ’ હશે! કાકા કહેનારની નજર નબળી હશે.’ પરંતુ એ ઘા ભુલાય ન ભુલાય ત્યાંતો ફરીથી ‘કાકા’નું સંબોધન એના કાને અથડાય છે! પછી તો ‘કાકા’ સંબોધન એની જિંદગીનો એક અતૂટ હિસ્સો બની જાય છે.
કોઈને ‘કાકા’ સંબોધન ગમે તેટલું અળખામણું લાગતું હોય તો પણ એ તેને અટકાવી શકતો નથી. એ સમસ્યા સાથે એને સામાધાન કરવું જ રહ્યું. એ ગમે તેટલા ધમપછાડા કરો છેવટે તો તમારે હાથ હેઠા કરવા જ પડે.
પેલા પોલિસભાઈ પણ આજે નહીં તો કાલે હાથ હેઠા કરી દેશે. આજે ‘કાકા કાકા’ કરતા જેની જીભ નથી સુકાતી એ તમામ યુવાનો ભવિષ્યમાં કાકા થઈ જશે. સવાલ સમજણનો છે. કોઈને વહેલી સમજણ પડે છે તો કોઈને મોડી. સમાજમાં આવી સમજણ નો ફેલાવો થાય એ માટે ઠેરઠેર સૂત્રો મૂકાવા જોઈએ કે-
"આજનો યુવાન આવતીકાલનો કાકો છે."
"ગર્વથી કહો કે અમે કાકા છીએ."
"કાકા વિન્યા બાંકડા સુનો...સુનો આ સંસાર"
પેલા પોલીસભાઈએ ખરેખર તો આ દુહો લલકારવા જેવો હતો.. .
પીપળ પાન ખરંતી ને હસતી કૂંપળિયાં
અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયાં .
૪. યથા સમાજ તથા બાબા
આપણા સમાજમાં ધાબાં અને બાબાઓ એ બંનેનું ચલણ વધી ગયું છે. ધાબાં તરફથી જમવાનું રેડી મેડ મળે છે તો બાબા તરફથી કૃપા રેડીમેડ મળે છે. ધાબાં પર જમવાનું મળતાં વાર લાગી શકે છે પરંતુ બાબાની કૃપા ઝડપથી મળી શકે છે. આ બધા બાબાઓમાં હલચલ બાબાની વાત અનોખી છે. ઝડપથી કૃપા પૂરી પાડવાની બાબતમાં આજકાલ હલચલ બાબા બીજા બાબાઓ કરતાં આગળ નીકળી ગયા છે. બસ, હલચલ બાબાનો હાથ ઊંંચો થતાંની સાથે જ કૃપાની ડિલિવરી અપાઈ જાય છે! દેશના ભૂવાઓનો જ્યારે ઈતિહાસ લખાશે ત્યારે તેમાં હલચલ બાબાનું ‘અર્વાચિન યુગના આદ્ય ભૂવા’ તરીકે લખાશે એમાં શંકાને કોઈ નથી. એમણે ભૂવા-ઉદ્યોગને રાતોરાત બાબા-ઉદ્યોગમાં પરિવર્ત્િાત કરીને જે ક્રાંતિ કરી છે તે કેટલાય ભૂવાઓ માટે પ્રેરણારૂપ છે. કહેનારા તો કહે છે કે-ઈશ્વરે સો ભૂવા ભાંગીને એક હલચલ બાબા બનાવ્યા છે જે આજે દેશના ભૂવાઓ માટે એક આદર્શમૂર્તિ છે. આજે દરેક ભૂવાનું એક સપનું હશે કે એ છોટે હલચલ બાબા બને. અથવા તો, હલચલ બાબા ટુ, હલચલ બાબા થ્રી બનીને એ કડીને આગળ ધપાવે. હલચલ બાબાએ પહેરવેશથી લઈને તે કામકાજની રીત સુધીની ભૂવાની છાપ બદલી નાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
સામાન્ય ભૂવાઓ માદળિયાં,તાવીજ કે ભસ્મ વગેરેનું પહેલાં ઉત્પાદન કરે છે. થોડું તો થોડું પણ રોકાણ તો કરે છે. પછી એમાંથી કમાણી કરે છે. જ્યારે હલચલ બાબા એવી કોઈ ચીજોનું ઉત્પાદન કે વેચાણ કરતા નથી. એમણે રસોડાવૈદની પધ્ધતિ અપનાવી છે. રસોડાવૈદ દર્દીને પોતાના તરફથી કોઈ ઔષધ કે દવા આપતા નથી પરંતુ, દર્દીને પોતાના રસોડામાં જ રહેલી હળદર, અજમો, મીઠું વગેરેનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. એવી જ રીતે હલચલ બાબા પોતાના ભક્તને એની પોતાની જ ચીજવસ્તુ માટે સલાહ આપે છે. કોઈને બ્રાન્ડેડ શર્ટ પહેરવાનું કહે છે તો કોઈને વડાપાઉં ખાવાનું કહે છે. કોઈને રૂમાલ બદલી નાખવાનું કહે છે તો કોઈને ચંપલ બદલી નાખવાનું કહે છે. કેટલા સરળ ઉપાયો! છતાંય કેટલી બધી કમાણી! દેશભરના ભૂવાઓ બિચારા માથાં પછાડે છે કે-સાલૂ, આવા ઉપાયો અમને કેમ ન સૂઝ્યા? પરંતુ, સર્જનાત્મકતા કાઈ રેઢી નથી પડી! સુપર આઈડિયા બધાંને ન આવે! હલચલ બાબા જેવા કોઈક પ્રતિભાશાળી બાબાને જ આવે.
હલચલ બાબા ભૂવા અને વૈદ ઉપરાંત ઉપદેશક તરીકેની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. તેઓ પોતાના ભકતોને ઉપદેશ પણ આપે છે. પરંતુ, મજાની વાત એ છે કે તેઓ ભક્તોને સુખી થવા માટે બહુ અઘરા ઉપાયો નથી બતાવતા. તેઓ ભક્તોને કામ, ક્રોધ, મદ, મોહ વગેરે છોડીને પોતાની જાત બદલવાનું કહેતા નથી. જાતને બદલવી એ તો કેટલું બધું અઘરૂં? હલચલ બાબા તો ભક્તોને માત્ર પોતાનાં પર્સ, કપડાં કે નાસ્તો બદલવાનું કહે છે. બસ, આ જ વાત એમના ભકતોને બહુ જ ગમી ગઈ છે. શોર્ટ એન્ડ સ્વિટ! સમયના અભાવના આ જમાનામાં હલચલ બાબા કેટલા બધા માનવ કલાકો બચાવી રહ્યા છે! હલચલ બાબા એ આધુનિક જમાનાને અનુરૂપ બાબા છે.
હલચલ બાબા ભક્તોને મોટાપાયા પર કૃપાનો પુરવઠો પૂરો પાડે છે પરંતુ એ કારોબાર માટે એમને નથી ગાડીઓ ચલાવવી પડતી કે નથી ટ્રકો ચલાવવી પડતી. હલાવવો પડે છે માત્ર એક હાથ! એ માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી. આ રીતે તેઓ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રહ્યા છે. આ ઉમદા કાર્ય માટે આજસુધી એમને સરકારશ્રી તરફથી કોઈ એવોર્ડ આપવાનમાં નથી આવ્યો એ દુઃખની વાત છે.
કહેવાય છે કે રાજસભામાં નિયુક્તિ માટે સચિન, રેખા વગેરેની સાથે હલચલ બાબાનું પણ નામ હતું. પરંતુ, કોઈપણ કારણસર એ રદ થયું. જે દેશનું મોટું દુર્ભાગ્ય કહેવાય. ધારો કે હલચલ બાબા સરકારમાં મંત્રી હોય તો કેટલી બધી સમસ્યાઓ એમનો હાથ હલતાની સાથે જ ઉકેલાઈ જાય! અનાજ, પાણી, વીજળી જેવી જરૂરિયાતો તો બાબાના આધારે જ પૂરી થઈ જાય! જનતાને આધારકાર્ડની જરૂર જ ન રહે.
હલચલ બાબાને દેશની જનતામાં વિશાળ ગ્રાહક વર્ગ દેખાયો. એ જનતાની માંગને પારખી અને ‘કૃપા પ્રોડેક્શન’ શરૂ કર્યું. પછી પોતાની કુનેહથી માંગમાં વધારો કરાવ્યો. એ માટે એમને પ્રચારમાં કામ લાગી ટીવી ચેનલો! એ જ ટીવી ચેનલવાળાઓ હલચલ બાબાનો વિરોધ પણ કરે. આ તો એવી વાત છે કે-ચોરને કહે કે ચોરી કર અને સિપાઈને કહે કે તું ઉજાગરા કર! પહેલાં સમાજને ઘેનની દવા દેવી અને પછી બૂમો પાડવી કે- ‘જાગો..જાગો...જાગો.’ સમાજના પહેરેદાર કહેવાતા સમાચાર માધ્યમોને પણ હલચલ બાબાની કૃપા વગર ચાલતું નથી એ હકીકત સમજનારા સમજે છે.
હલચલ બાબા પર સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપ અવારનવાર લાગતા રહે છે. પરંતુ, હકીકત એ છે કે આપણા સમાજને બાબા વગર ચાલ્યું નથી અને ચાલવાનું નથી. બાબા ઔર સમાજ રાજી તો ક્યા કરેગા કાજી? ભૂતને પીપળો મળી જ રહે એ ન્યાયે સમાજને જે તે સમયે કોઈને કોઈ બાબા મળી જ રહે છે. કોઈ હલચલ બાબા માટે ગમે તે કહે. પરંતુ, હલચલ બાબા એ સમાજનું જ પ્રતિબિંબ છે. યથા સમાજ તથા બાબા!
૫. નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન
નરેન્દ્ર મોદી અને અને અમિતાભ બચ્ચન આમ જૂઓ તો તફાવતનો કોઈ પાર નહીં. નરેન્દ્ર મોદી નેતા અને અમિતાભ બચ્ચન કલાકાર. માનનારા તો નરેન્દ્ર મોદીને પણ મહાન કલાકાર માને છે પણ એ અલગ વાત થઈ. એમ તો અમિતાભ બચ્ચન પણ નેતાગીરી કરવા નીકળેલા પણ એમને ખ્યાલ આવી ગયો કે નેતાગીરી માટે જે પ્રકારની કલા-સૂઝ હોવી જોઈએ એ પોતાનામાં કદી આવી નહીં શકે. એટલે તેઓ ફરી પોતાની કળાની દુનિયામાં પાછા ફરી ગયેલા. હવે તેઓ નેતાઓ સાથે ખાટામીઠા સંબધો રાખીને મન મનાવી લે છે. કામધંધા ઉપરાંત બંને ઉંમર, તબિયત, સ્વભાવ, પરિવાર જેવી બાબતોમાં પણ ઘણા જુદા પડે. પરંતુ આ બંને વચ્ચે સહેલાઈથી નજરે ચડે એવી સરખી બાબતો પણ છે. આવી સરખી બાબતો પર નજર નાખવા જેવી છે.
આ બંને પોતપોતાના ક્ષેત્રમા લોકપ્રિય છે. જાહેરમાં દેખાય છે ત્યારે એમના નામના નારા બોલાય છે. દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ એમની ખૂબ લોકપ્રિયતા છે. આ લોકપ્રિયતાથી બંનેને નામના પણ મળી છે અને બદનામી પણ મળી છે. નામના અને બદનામી પચાવવાની શક્તિ બંનેએ કેળવી છે.
બંનેના જણાવ્યા મુજબ તેઓ પોતે કામઢા બહુ છે. બંનેને આરામની જરૂર બહુ ઓછી પડે છે. બંનેના જણાવ્યા મુજબ એમની ઊંંઘ પણ ઓછી છે. એટલે જ કદાચ બંને જણા કાંઈ ને કાંઈ કામ કર્યા કરતા હશે. નરેન્દ્ર મોદી મોડી રાત સુધી વિવિધ ફાઈલો તપાસ્યા કરે અને અમિતાભ બચ્ચન મોડી રાત સુધી પોતાનો બ્લૉગ લખ્યા કરે.
બંનેને વિવાદો સાથે ખૂબ જ નજીકનો નાતો. કેટલીક વાર તો એવું લાગે કે વિવાદમાં રહેવું એ જ એમના જીવનનું મુખ્ય ધ્યેય હશે. એમના દ્વારા બોલાયેલા એકેએક શબ્દમાંથી વિવાદ શોધી કાઢવાની કવાયત ‘વિવાદ શોધકર્તાઓ’ દ્વારા સતત ચાલતી જ રહે છે. એટલે ઘણી વખત એમને વિવાદમાં રહેવા માટે કશો પુરૂષાર્થ કરવો પડતો નથી. બાકી, કેટલાય દુર્ભાગી લોકો બિચારા મહેનત કરી કરીને થાકી જાય તો પણ વિવાદમાં આવી શકતા નથી.
સતત વિવાદમાં રહેતા હોવાથી સ્વાભાવિક રીતે જ બંને જણા વિવિધ સમાચાર માધ્યમોમાં છવાયેલા રહે છે. એમને અને સમાચાર માધ્યમોને એકબીજા વગર ચાલે નહીં અને એકબીજા સાથે ફાવે પણ નહીં. સમાચાર માધ્યમો એમની પ્રશંસા કરે કે ટીકા કરે એમને સરવાળે તો પ્રચાર રૂપી ફાયદો જ થાય છે. સમાચાર માધ્યમોને પણ આ બંને સાથે પનારો પાડવામાં જ પોતાની સફળતા દેખાય છે.
નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન વિષે પુસ્તકો લખનારાઓની કમી નથી. માત્ર છાપાં વાંચી વાંચીને પણ એમના વિષે પુસ્તકો લખનારાઓ પડયા છે. આ બંને વિષેની જાહેર માહિતીના આધારે જ એમને એકાદ વખત મળ્યા વગર પણ એમના વિષે પુસ્તકો લખી શકાય એવું વાતાવરણ છે.
બંને જણા કોલમવગા છે. કોલમ લખનાર જામી ગયેલો પત્રકાર હોય કે ન જામેલો હાસ્યલેખક હોય, નરેન્દ્ર મોદી કે અમિતાભ બચ્ચનના ઉલ્લેખ વગર એમની કોલમ અવગતે જાય! પછી ભલે એ કોલમના વિષયને આ બંને સાથે કશું જ લાગતુંવળગતું ન હોય!. કોલમ લખનારને જયારે કોઈ વિષય ન મળતો હોય ત્યારે આ બંને વિષે લખીને પણ પોતાની ફરજ સાચવી લે છે.
પત્રકારો અને લેખકો માટે આ બંનેની પ્રશંસા કે ટીકા કરવી એ પોતાના વ્યવસાયની એક મજબૂરી પણ છે. નહીં તો એમણે હરીફરીને આ બે દેવનું નામ ન લેવું પડે. એમ કહી શકાય કે આ બંનેને અમુક પત્રકારો કે લેખકો પ્રેમભાવે પૂજા કરે છે તો અમુક વેરભાવે પૂજા કરે છે. બંનેના કટ્ટર પ્રશંસકો પણ છે અને કટ્ટર ટીકાકારો પણ છે. કટ્ટર પ્રશંસકોને એમનામાં એકેય અવગુણ દેખાતો નથી અને કટ્ટર ટીકાકારોને એમનામાં એકેય ગુણ દેખાતો નથી. આ બંને વ્યક્તિ-પૂજા અને વ્યક્તિ-ફટકારના અધિકારી છે. એમના વિષે ક્યારેય સારૂં ન બોલનારા કે સારૂં ન લખનારા પણ સારી કમાણી કરી શકે છે. એમને ગાળો દેવાથી પણ કોઈના રોટલા નીકળતા રહે છે.
મોટાં ભાગના બુદ્ધિજીવીઓ આ બંને જણાથી નારાજ છે. એમનો આક્ષેપ છે કે : ‘નરેન્દ્ર મોદી રાજનીતિના નામે અને અને અમિતાભ બચ્ચન કળાના નામે લોકોની ભાવનાને બહેકાવે છે અને સામાજિક માહોલ બગાડે છે. આ બંનેએ મોટા ભાગના લોકોની વિચાર શક્તિ પર કબજો જમાવી દીધો છે. એટલે જ સભાઓમાં લોકો ‘મોદી મોદી મોદી’ કે ‘બચ્ચન બચ્ચન બચ્ચન’ એવી બૂમો પાડે છે. બંનેએ બાળક, યુવાન અને ઘરડી પેઢીને ભોળવી છે. અમિતાભ બચ્ચને તો પહેલાં મારફાડવાળી ફિલ્મોમાં અભિનય કરીને દેશના યુવાનોને બગાડયા અને હવે ‘કભી અલવિદા ના કહના’ અને ‘ચીની કમ’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને દેશના બુઢ્ઢાઓને બગાડયા છે.’
નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંનેને કાનૂની ફટકાર અને રાહત મળ્યા જ કરે છે. નરેન્દ્ર મોદીને અદાલત તરફથી તો અમિતાભ બચ્ચનને આવકવેરા ખાતા તરફથી. દેશની રાજકીય પરિસ્થિતિમાં થતાં પરિવર્તનની બંનેના જીવન પર અસર પડતી રહે છે.
નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનનો ભૂતકાળનો પડછાયો સદાય એમના વર્તમાન પર પડતો રહે છે છતાંય બંનેનો વર્તમાન ઝળહળ ઝળહળ છે.
૬. નિવૃત્તિના આરે
આજના જમાનામાં, જેમ કમ્પ્યૂટરના વપરાશના કારણે જૂના કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે એમ અંગ્રેજી શબ્દોના વધતા જતા વપરાશના કારણે કેટલાંય ગુજરાતી શબ્દો નિવૃત્ત થઈ ચૂક્યા છે. ‘નિવૃત્ત’ શબ્દ પોતે જ આ રીતે આજે નિવૃત્ત થઈ ગયો છે. એની જગ્યાએ અંગ્રેજી શબ્દ ‘રિટાયર્ડ’ આવી ગયો છે. વાતાવરણ તો એવું થઈ રહ્યું છે કે, સામાન્ય અને સરળ ગુજરાતી શબ્દો પણ હવે કેટલાક લોકોને અઘરા લાગે છે! જો કોઈ માણસ એમ કહે કે- ‘હું હવે નિવૃત્ત થવાનો છું.’ તો સાંભળનાર વિચારમાં પડી જાય છે કે, ‘આ અંકલ શું કહેવા માંગે છે?’ પરંતુ જો એ જ માણસ દ્વારા એવું કહેવામાં આવે કે- ‘હું હવે રિટાયર્ડ થઈશ’ તો સાંભળનારનું કામ ઘણું જ આસાન થઈ જાય છે.
સામાન્ય માણસને તો આ ‘નિવૃત્ત’ શબ્દ ઘણો જ વજનદાર લાગે છે. ‘નિવૃત્ત’ શબ્દ માટે શબ્દકોશમાં જે અર્થો આપ્યા છે એમાંથી એને માફક આવે એવો એક જ અર્થ છે અને એ છે-‘નવરૂં’! આપણા સમાજમાં જે માણસને ઊંચ્ચ ભાષામાં ‘નિવૃત્ત’ કહેવાય છે, એ જ માણસને સામાન્ય ભાષામાં ‘નવરો’ કહેવાય છે. વળી, નિવૃત્ત થવાનું ભાગ્ય કે દુર્ભાગ્ય ખાસ કરીને નોકરિયાતના જીવનમાં જ લખાયેલું હોય છે. ધંધો તો કોઈનાથી છૂટતો નથી. મરણપથારીએ પડેલા ધંધાદારી માણસના મુખે તો મોટાભાગે એ જ રટણ હોય છે કે- ‘દુકાને કોણ છે?’ જ્યારે નોકરિયાત માણસે તો કાયદા પ્રમાણે, નોકરી ન છોડવી હોય તો પણ છોડવી પડે છે! એ રીતે, નિવૃત્તિ કેટલાંક માટે સુખની શરૂઆત છે તો કેટલાંક માટે દુઃખની શરૂઆત છે. એમાંય મોટાભાગે, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થનાર માણસ તો સમાજની દૃષ્ટિએ એવી ફાટેલી નોટ જેવો છે કે જે ક્યાંય ન ચાલે! વળી, નોકરી કરનાર મહિલા નિવૃત્ત થવા છતાંય નિવૃત્ત થતી નથી! એ તો પહેલેથી જ ઘરકામ અને નોકરી એમ બબ્બે પ્રવૃત્તિ કરતી હોય છે. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ એની ઘરકામની પ્રવૃત્તિ તો ચાલુ જ રહે છે. એટલે, નિવૃત્તિ એના માટે આનંદનો અવસર હોઈ શકે છે. સમસ્યા થાય છે નિવૃત્ત થનાર પુરૂષ માટે! એને સમાજમાંથી વારવાર એવો ધારદાર સવાલ પૂછવામાં આવે છે કે- ‘હવે તમે શું કરશો?’ જો એના જવાબમાં એ એવું કહે કે-‘હું હવે કશું નહિ કરૂં. આરામ કરીશ.’ તો એને માટે સમાજ પાસે એક જ શબ્દ હોય છેઃ ‘નવરો!’ એ વાત અલગ છે કે- બે કાનની શરમ રાખીને કોઈ એને કાનોકાન ‘નવરો’ ન કહે પરંતુ, બે કાનની બારોબાર તો કહ્યા વગર રહે જ નહિ.
‘નવરો’ શબ્દ સાંભળતાં જ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ એવી કહેવત યાદ ન આવે એવો દુર્ભાગી ‘ગુજરાતી’ માણસ શોધવાનું કામ મુશ્કેલ જ નથી પરંતુ, અસંભવિત છે. જે માણસ નિવૃત્ત થયા પછી ખરેખર નિવૃત્ત રહેવાનું પસંદ કરે છે એને સમાજ માટે ખતરનાક માની લેવામાં આવે છે. એની આસપાસની દરેક વ્યક્તિને એવો ડર સતાવવા લાગે છે કે- ‘આ નવરો મારૂં નખ્ખોદ તો નહિ વાળેને?’ એટલે જ, ઘણા લોકો પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કરી દે છે. એ લોકો નિવૃત્તિના આરે આવેલા માણસને વિવિધ પ્રકારની અણીયાળી સલાહો આપવાનું શરૂ કરી દે છે. આવી કેટલીક સલાહોની યાદી, (નિવૃત્ત) જન હિતાર્થે અત્રે રજૂ કરવામાં આવી છેઃ
-નિવૃત્તિ પછી શું કરવાનું વિચાર્યું છે? જો જો હો, નવરા ન બેસી રહેતા. પાગલ થઈ જશો. નાનુંમોટું કામ શોધી જ લેજો. પછી ભલે કોઈ ફરાસખાનામાં ગાદલાં ગણવાનું હોય.
-તમને નામું લખતાં આવડે? અમારાં એક ઓળખીતાને, ઝાડુય મારે અને નામુંય લખે એવા હોશિયાર માણસની જરૂર છે. ઝાડુ મારવું એમાં તો શી મોટી વાત છે? હા, નામું આવડતું હોય તો તમારૂં કામ થઈ જાય એમ છે.
-એં... તમને ભજિયાં બનાવતાં તો આવડેને? ન આવડતાં હોય તો શીખી લેજો. તમારી સોસાયટીના નાકે જ ભજિયાંની લારી ચાલુ કરી દેજો. બહુ ચાલશે. ખાણીપીણીના ધંધામાં જેટલી કમાણી છે એટલી બીજામાં નથી.
-કોઈને ત્યાં વગર બોલાવ્યે તો જતાં જ નહિ. કોડીની ય કિંમત નહિ રહે. મોઢેં તો કોઈ નહિ કહે. પણ, પાછળથી તો ‘નવરો’ કહેશે જ.
-બહુ નોકરી અને ઓવરટાઈમ કર્યાં. વાતવાતમાં તીખાં લીધાં. હવે આધ્યાત્મિકતા તરફ વળી જજો. પહેલું કામ તો ચાર ધામની જાત્રા કરવાનું કરજો. પછી રોજ ભીમનાથ મહાદેવનાં મંદિરે જવાનું રાખજો. બહુ શાંતિવાળી જગ્યા છે. તમારી ઉમરના બહુ ભેગા થાય છે. ત્યાં મફતમાં છાપાં વાંચવા પણ મળશે.
-એક કામ કરજો. અમારી ‘વડીલ પરિવાર’ સંસ્થાના સભ્ય થઈ જજો. આવ ભાઈ હરખા આપણે બધા સરખા!
- બહુ મૂંઝવણ થતી હોય તો દૂધમલ બાબાના દરબારમાં જી આવજો. એક જ સેકન્ડમાં તમને સલાહ આપી દેશે કે, નિવૃત્તિ પછી તમારે શું કરવું જોઈએ.
આવી વિવિધરંગી સલાહો સાંભળીને નિવૃત્ત થનારને તો એવું જ લાગે કે જાણે પોતે કોઈ અત્યંત જોખમોથી ભરેલા પ્રદેશ તરફ જી રહ્યો છે. જો એનામાં થોડોઘણોય કાવ્યરસ હોય તો એને ‘અણ દીઠેલી ભોમ પર નિવૃત્તિ માંડે આંખ’ જેવી કાવ્ય-રચના કરવાનું મન થઈ જાય. એને કદાચ એ વાતનું પણ લાગી આવે કે- ‘નિવૃત્તિ પછી મારી ઈચ્છા શું કરવાની છે એ તો કોઈ પૂછતું નથી.’ પરંતુ, જે સમાજ યુવાનોને એના મનની વાત નથી પૂછતો, એ સમાજ મોટી ઉમરના માણસને એના મનની વાત શા માટે પૂછે?
બીચારા, નિવૃત્તિના આરે પહોંચેલા માણસે કેવાં કેવાં સપનાં જોયાં હોય! એણે તો એવું ગાવાનું જ નહિ, અનુભવવાનું પણ વિચાર્યું હોય કેઃ ‘નથી બીક કોઈની મને આ જગતમાં... મને જ્યાં ગમે છે ત્યાં હરૂં છું ફરૂં છું.’ પરંતુ આપણો સમાજ; માણસ અને હરાયા ઢોર વચ્ચેનો ફરક સમજે જ છે. એટલે જ એ કોઈ માણસને મુકતપણે હરવા ફરવાનો મોકો આપતો નથી. પછી ભલેને કોઈ નોકરીમાંથી નિવૃત્ત થયેલો હોય. એને પ્રવૃત્ત કરવાના હજાર હુન્નરો સમાજ પાસે છે.
નિવૃત્તિના આરે આવેલો માણસ ભલે નિવૃત્તિનાં રંગીન સપનાં જોતો હોય. પરંતુ, એનાં જ પરિવારે એને માટે કેવી શ્યામ-શ્વેત કામગીરીઓની યાદી બનાવી રાખી હોય છે એનાં પર પણ એક નજર નાખવા જેવી છે.
-તમને માટે શાકભાજી લેતાં તો ક્યારેય આવડશે જ નહિ. પણ, નવરા પડવાના છો તો, ડુંગળીબટાકાં લેતાં તો શીખી જ જજો. ક્યારેક કટોકટીની વેળાએ કામ લાગશે.
-ઈસ્ત્રીવાળાએ ભાવ વધાર્યા છે. તમે હવે ઈસ્ત્રી કરવાનું કામ સંભાળી લેજો. બચતની બચત અને એ બહાને થોડી કસરત થશે. નહિ તો હાથપગના સાંધા ઝલાઈ જશે.
-હવે બધાં બિલ ભરવા જવાની જવાબદારી સંભાળી લેજો. એ બહાને બહાર નીકળાશે.
-અત્યાર સુધી નોકરીના બહાને વ્યવહારમાં ગાપચી મારતા’તા. હવે એવું નહિ ચાલે. હવેથી કોઈના બેસણામાં જવાનું ચૂકતા નહિ. નહિ તો કોઈ તમારા બેસણામાં નહિ આવે.
-જ્યાં સપ્તાહ કે કથા બેસે ત્યાં વગર બોલાવ્યે પણ પહોંચી જજો. તમને ય નિરાંત અને અમનેય નિરાંત.
પરિવારના સભ્યોનાં આવાં સૂચનો સાંભળીને નિવૃત્તિ થનારને તો ગાવાનું મન થઈ જાય કેઃ ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાએ... સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે...
‘નવરા’ની છાપથી બચવા કે પછી ખરેખર પોતાની નવરાશથી કોઈનું નખ્ખોદ ન વળી જાય એવા શુભ હેતુથી, મોટી ઉમરના અનેક લોકો કામ કરતાં હોય છે. એ ઓછું હોય તેમ, અમિતાભ બચ્ચન જેવા, અનેક બીમારીઓ સહિત મોટી ઉમરે પણ કામઢા રહી શકવાનું ઉદાહરણ પૂરૂં પાડે છે. નિવૃત્ત થનારને હોંશે હોંશે એવો દાખલો અપાય છે કે- ‘બચ્ચનને જોયો? એને પૈસાની ખોટ નથી તોય આ ઉમરે કામ કરે છેને? તમારી પાસે તો એની જેટલા પૈસા નથીને? તો તમે કઈ વાડીના મૂળા?’
નિવૃત્તિના આરે આવેલા માણસમાં જો એકાદ કલાકાર છુપાયેલો હોય તો તો એની હાલત વધારે કફોડી થવાની શક્યતા છે. કારણ કે, એની અંદર છુપાયેલા એ કલાકાર હવે બહાર આવવા માટે જોર કરે છે. એ માણસને એમ થાય કે- ‘કમાવાની ઉમરે હુ કામધંધે ચડી ગયો એટલે જેમાં રસ હતો એ ન થઈ શક્યું. હવે એ પ્રવૃત્તિ કરૂં.’ પરંતુ, જો હવે એ તબલાં વગાડવાની ઈચ્છા જાહેર કરશે તો એને મંદિરે જીને ઘંટ વગાડવાની સલાહ અપાશે. જો એ વાર્તાઓ કે ગીતો બનાવવાની ઈચ્છા જાહેર કરશે તો એને દાબેલી કે વડાંપાઉં બાનાવીને બે પૈસા કમાવાની સલાહ અપાશે. સમાજમાં નિવૃત્ત જન માટે જે તે સ્થાનો નક્કી થયેલાં છે એ સ્થાનો તરફ જવાને બદલે જો એ અલગ સ્થાન તરફ જવાની વાત કરશે તો એની માનસિક હાલત માટે સમાજમાં અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવશે.
તારણ કાઢનારાઓએ એવું તારણ કાઢ્યું છે કે- ‘સારવારની સુવિધાઓ વધવાના કારણે માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આથી, નિવૃત્ત માણસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વધારો સમાજ માટે સમસ્યા બની શકે છે.’ આ તારણ દેખીતી રીતે પણ સાચુ લાગે છે. કારણ કે, પહેલા તો સાઈઠ સિત્તેર વરસના માણસો ઘરમાં ખૂણે ખાંચરે કે ખાટલે સચવાઈ જતા હતા. હવે, લોકોના ઘર અને મન બંને નાનાં થતાં જાય છે. આથી, નિવૃતોને સાચવી લેવાની મોટાભાગની જવાબદારી મંદિરોના કે રસ્તા પરના બાંકડાઓ પર પણ આવી પડી છે.
‘તમે હવે નિવૃત્ત થવાના?’ એવો સવાલ કરનાર નિવૃત્ત થનારની સામે એ રીતે જુએ છે કે જાણે કોઈ વસુકી જવાને આરે આવેલી ગાય તરફ જોતો હોય. ‘ઉતર્યો અમલદાર કોડીનો’ એ કહેવતની આગોતરા અસર બંને તરફી થવા લાગે છે. નિવૃત્ત થનારનું જીવન નિવૃત્તિ પછી અર્થહિન થઈ જવાનું હોય એમ ઘણાં લોકો એના તરફ કરૂણાભરી નજરે જોવાં લાગે છે. આવી નજર ઝીરવવી અઘરી લાગતાં નિવૃત્તિના આરે આવેલો માણસ કદાચ ભગવાનને પ્રાર્થના પણ કરવા લાગે કેઃ હે ભગવાન, નથી જોઈતી મારે નિવૃત્તિ. તું એવો કોઈ ચમત્કાર કરી નાંખ કે જેથી મારી નિવૃત્તિની વયમાં વધારો થઈ જાય. કામચલાઉ તો કામચલાઉ, જે રાહત થાય તે.
૭. જાસાચિઠ્ઠી
લગ્નગાળો આવે ત્યારે જેમને ત્યાં લગ્નપ્રસંગ હોય છે એમને ડાકુગીરી કરવાનો મોકો મળી જાય છે. એ લોકો ડાકુ બની જાય છે અને તેઓ એમના સંબધીઓ અને મિત્રોને જાસાચિઠ્ઠી મોકલે છે. જાસાચિઠ્ઠી મતલબ કે લગ્નપત્રિકા! હા, લગનપત્રિકા એ મધુર ભાષામાં મોકલાવેલી એક પ્રકારની જાસાચિઠ્ઠી જ છે! જેમાં બને તેટલી સારી ભાષામાં સંબધીઓ અને મિત્રોને કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ જગ્યાએ હાજર રહેવાની ધમકી આપવામાં આવેલી હોય છે.
કેટલીક જાસાચિઠ્ઠીઓમાં ધમકી આપનારાઓની લાંબી યાદી હોય છે. જેમાં સ્વર્ગમાં આરામ ફરમાવતા લોકોનાં નામ પણ હોય છે. તો કેટલીક જાસાચિઠ્ઠીઓમાં ધમકી આપનાર તરીકે માત્ર બેચારનાં જ નામ હોય છે. કેટલીક જાસાચિઠ્ઠીઓમાં નાના નાના બાળ ડાકુઓ પણ કાલીઘેર્લી ભાષામાં ધમકી આપતા હોય છે. જેમ કેઃ ‘માલા કાકાના લગનમાં જલુલ ને જલુલ આવજો.’ કેટલાક ડાકુઓ માત્ર જાસાચિઠ્ઠી મોકલીને જ બેસી નથી રહેતા. તેઓ લાગતાં વળગતાંને ફોન કરીને જાસાચિઠ્ઠી મળી ગઈ હોવાની ખાતરી કરી લે છે.
મોટાભાગે આવી જાસાચિઠ્ઠી મેળવનાર આનંદિત થઈ જાય છે અને જાસો આપનારે જણાવેલ સમયે અને સ્થળે પહોંચવાની તૈયારી કરવા લાગે છે. પરંતુ, કોઈ કારણસર જો તે પહોંચી શકે એમ ન હોય તો એ જાસો આપનારનો સંપર્ક કરીને પોતાને હાજરીમાંથી મુક્તિ આપવા માટે કરગરે છે. આવિ પરિસ્થિતમાં પણ જાસો આપનાર દયા ખાતા નથી અને તેઓ છેલ્લી ધમકી આપતા હોય તેમ કહી દે છે કેઃ ‘તમે અમારે ત્યાં હાજર નહીં રહો તો અમે પણ તમારે ત્યાં હાજર નહીં રહીએ. આપણો વહેવાર બંધ થઈ જશે!’ આવી ધમકીથી ધ્રૂજેલો માણસ બીજાં બધાં કામ છોડીને વહેવારની જાળવણી અર્થે માર્ગ વાહન વ્યવહાર અંગે જાણકારી મેળવવાના કામે લાગી જાય છે.
મોટાભાગે આવી જાસાચિઠ્ઠીઓમાં શરૂઆતમાં કોઈપણ ભગવાનને રજૂ કરાયેલા હોય છે. એ એટલા માટે કે જાસાચિઠ્ઠી મેળવનાર તાત્કાલિક ભગવાનને પ્રર્થના કરી શકે કેઃ ‘હે પ્રભુ, તું મને આ જાસાચિઠ્ઠીમાં જણાવેલા સમયે અને સ્થળે પહોંચવાની અમને શક્તિ આપજે.’
જાસાચિઠ્ઠીમાં ખતરનાક કાર્યક્રમોની યાદી પણ હોય છે! આ યાદી જાસાચિઠ્ઠી મેળવનારને ગણત્રીએ ચડાવી દે છે કે ક્યા કાર્યક્રમમાં પોતે હાજર નહીં રહે તો ડાકુ નારાજ નહીં થાય. અમુક કાર્યક્રોમાં હાજર ન રહેનાર પર ડાકુઓ ઉદારતા પણ દાખવે છે. પરંતુ, જાસાચિઠ્ઠી મોકલનારની એવી મરજી ખરી કે જાસાચિઠ્ઠી મેળવનાર વીરતા પ્રદર્શનના કાર્યક્રમ વખતે ખાસ હાજર રહે. વીરતા પ્રદર્શન એટલે વરઘોડો. જેમાં ધ્વનિ પ્રદર્શન અને લક્ષ્મી પ્રદર્શનના સહારે કેટલાંક લોકો નૃત્ય કરીને પોતાની શારીરિક અને માનસિક શક્તિનું પ્રદર્શન કરે છે.
ચંબલના ડાકુઓને જાસાચિઠ્ઠી મોકલતાં પહેલાં ખાસ તૈયારી નહોતી કરવી પડતી. કાગળના એકાદ ટુકડાથી અને ગરબડિયા અક્ષરોથી એમનું કામ ચાલી જતું. પરંતુ લગ્નપ્રસંગમાં હાજર રહેવા માટે મોકલાતી જાસાચિઠ્ઠી માટે ખાસ તૈયારી કરવામાં આવે છે. એનું લખાણ તૈયાર કરતી વખતે કુટુંબીઓની સલાહ લેવામાં આવે છે. ઘણાં પરિવારોમાં આ વખતે મતભેદો ઊંભા થાય છે. પોતાને ત્યાં અગાઉ આવેલી જાસાચિઠ્ઠીઓમાંથી પણ પ્રેરણા લેવામાં આવે છે. જાસાચિઠ્ઠીનાં રૂપરંગ, કદ, લખાણ વગેરે માટે ખૂબ જ વિચારવિમર્શ કર્યા પછી એ તૈયાર કરવા માટેનું કામ નિષ્ણાતોને સોંપવામાં આવે છે. ચિઠ્ઠી પાછળ એના લખનાર એમની આર્થ્િાક શક્તિ મુજબ ખર્ચ કરે છે. ઘણા લોકો ખૂબજ ખર્ચો કરે છે. એક જાસાચિઠ્ઠી પાછળનો ખર્ચો કોઈ એક ગુજરાતી કાવ્યસંગ્રહના ખર્ચા કરતાં પણ વધારે થઈ શકે છે. જાસાચિઠ્ઠી તૈયાર કરવા માટે કોઈ કવિની મદદ લેનારા પણ હોય છે.
જાસાચિઠ્ઠી તૈયાર થઈ ગયા પછી એને લાગતાંવળગતાં લોકો સુધી પહોંચાડવાની કવાયત શરૂ થાય છે. આ માટે ખાસ આયોજન કરવામાં આવે છે. જાસાચિઠ્ઠી લખનારૂં પરિવાર વિવિધ ટુકડીઓની રચના કરે છે. પસંદગીના ખાસ લોકોને ત્યાં પરિવારના મુખ્ય સભ્યો રૂબરૂ જીને જાસાચિઠ્ઠી પહોંચાડે છે. બાકીના લોકોને ત્યાં જાસાચિઠ્ઠી પહોંચાડવાની જવાબદારી પરિવારના બીજા સભ્યોને સોંપવામાં આવે છે. બહારગામ રહેતા લોકોને ટપાલ મારફત જાસાચિઠ્ઠી મોકલવામાં આવે છે. હવે આંગડિયા મારફતે જાસાચિઠ્ઠી મોકલવાનું ચલણ વધ્યું છે. સમયના અભાવે ઘણા લોકો સ્થાનિક વિસ્તારમાં પણ આંગડિયા મારફત જાસાચિઠ્ઠી પહોંચાડે છે.
જાસાચિઠ્ઠી ન મળી હોય તો જાસાચિઠ્ઠી મોકલનાર પ્રત્યે ખોટું લગાડનારા પણ હોય છે. તો ઘણા લોકો જાસાચિઠ્ઠી ન મળી હોય તો રાજી પણ થાય છે. જાસાચિઠ્ઠી મેળવનારે જાસાચિઠ્ઠી મોકલનારે જણાવેલ સમયે અને જણાવેલી જગ્યાએ તે જગ્યાએ કશી ભેટ કે ચાંદલો લઈને પહોંચવું પડતું હોય છે. જાસાચિઠ્ઠી જ ન મળે તો દોડાદોડી અને ખર્ચાનો સવાલ જ રહેતો નથી. જો કે હવે તો કેટલાય જાસાચિઠ્ઠી મોકલનારા ભેટસોગાદ કે ચાંદલાને બદલે માત્ર આશીર્વાદની જ અપેક્ષા રાખતા હોય છે. આવી ઉદાર જાસાચિઠ્ઠી મેળવનારને જે આનંદ થાય છે એની કોઈ સીમા હોતી નથી! જાસાચિઠ્ઠી વાંચતાંની સાથે જ એ ઢગલાબંધ આશીર્વાદ આપી દે છે. રૂબરૂ જીને આપે એ અલગ!
ઈન્ટરનેટનો પ્રભાવ વધ્યા પછી પત્રો લખાતા બંધ થઈ ગયા પણ આવી જાસાચિઠ્ઠી લખવાની પરંપરા બદલાતાં રૂપરંગ સાથે હજી ટકી રહી છે. શુભ પ્રસંગ વખતે એક માણસને બીજા માણસની હાજરી જરૂરી લાગતી રહેશે ત્યાં સુધી જાસાચિઠ્ઠીઓ નવાં નવાં રૂપરંગે લખાતી રહેશે. શુભ પ્રસંગોમાં માનવયંત્રોની હાજરી માન્ય ગણાતી થઈ જશે પછી કદાચ જાસાચિઠ્ઠી લખવાની પરંપરા નહીં બચે.
૮. ખુલ્લી તલવાર જેવો સવાલ
જ્યારે જ્યારે હું તદ્દન બેફિકર થઈને માત્ર ને માત્ર ફરવાના ઈરાદાથી રસ્તા પર નીકળું છું ત્યારે પણ મને એક ફિકર સતાવતી હોય છે કે અચાનક કોઈ મને રોકીને, ફલાણી સોસાયટી ક્યાં આવી એવો ખુલ્લી તલવાર જેવો સવાલ તો નહીં કરેને!
ઝડપથી જવાબ મેળવવાની અપેક્ષા સાથે ફેંકાયેલા એવા સવાલના જવાબમાં મારે સાવ દયામણા થઈને એવું જ કહેવું પડે છે કેઃ ‘માફ કરજો. મને ખબર નથી. પે...લા પાનના ગલ્લે પૂછો.’
‘કઈ સોસાયટી ક્યાં આવી’ એ વિષેનું મારૂં જ્જ્ઞાન બહુ જ ઓછું છે. હું એટલો બધો અજ્જ્ઞાની છું કે મને મારાં રહેઠાણની આસપાસમાં આવેલી સોસાયટીનાં નામની પણ ખબર હોતી નથી. આ વાંચીને તમને એમ થયું હશે કે, આ લખનારની યાદશક્તિ ઓછી થઈ ગઈ હશે. પણ ના! હું જાણી જોઈને એવું બધું યાદ રાખતો નથી. હું માનું છું કેઃ ‘આ જગતમાંથી હું જીશ ત્યારે આ બધી સોસાયટીઓ ભેગી તો આવવાની નથી! તો પછી શા માટે બધો ભાર માથે લઈને ફરવું?’
ઘણીવખત એવું બને છે કે હું મારી મસ્તીમાં જતો હોઉં અને સાવ અચાનક સામેથી કોઈ મોટરગાડી ધસમસતી મારી તરફ આવવા લાગે છે! ત્યારે મને એ ગાડીચાલકના ઈરાદા બાબત ડરામણો વિચાર પણ આવી જાય છે. પણ, પછી જ્યારે એ ગાડીચાલક મારી સાવ નજીક ગાડી ઊંભી રાખીને મને કોઈ સોસાયટી બાબત તીવ્ર ગતિથી સવાલ કરે છે અને વળતો જવાબ પણ તીવ્ર ગતિથી મળે એવા હાવભાવ દાખવે છે ત્યારે હું ખૂબ જ લાચારી અને પૂરા વિવેક સાથે મારી જાણકારીનો અભાવ પ્રગટ કરૂં છું. પરંતુ, મને લાગે છે કે- પૂછનાર વ્યક્તિએ થોડી ધીરજ રાખવી જોઈએ. સામેવાળાને યાદ કરવાનો પણ મોકો અપાવો જોઈએ. આ તો કોઈને ખબર હોય તો પણ ભૂલી જાય એવી ઉતાવળ કહેવાય. હોય! ઉતાવળ તો સહુને હોય! પણ આટલી બધી ઉતાવળ તો ‘કૌન બનેગા મહા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન પણ નથી દાખવતા! અમિતાભ બચ્ચનને ઝડપથી સાચો જવાબ આપનારને ઈનામ મળે છે જ્યારે રોડ પર સોસાયટી બાબત સાચો જવાબ આપનારને શું મળે છે? ઘણાના નસીબમાં તો ‘થૅંક યૂ’ પણ નથી હોતું!
પણ, ધારો કે કોઈ ગાડીચાલક ખૂબ જ ધીરેથી ગાડી ચલાવતો ચલાવતો મારી પાસે આવે અને નીચે ઉતરીને મારા હાથમાં ફૂલ મૂકીને પછી ખૂબ જ વિવેકથી મને કોઈ સોસાયટી બાબત પૂછે તો પણ હું એને શું જવાબ આપી શકું? સિવાય કે : ‘માફ કરજો. મને ખબર નથી. પેલા પાનના ગલ્લે પૂછો.’
થોડા દિવસ પહેલાંની જ વાત છે. એક મોટરગાડી સામેથી આવવાને બદલે પાછળથી આવીને એકદમ મારી બાજુમાં સટ દઈને ઊંભી રહી ગઈ. લાગ્યું કે કોઈ મારૂં અપહરણ કરવા આવ્યું લાગે છે! પણ બીજી જ ક્ષણે મને એ નક્કર હકીકતનું ભાન થયું કે, ‘હું કોઈ મોટો ઉદ્યોગપતિ નથી કે નથી મેં કોઈને બાટલીમાં ઉતાર્યો. કોઈ મારૂં અપહરણ શા માટે કરે? કરે તો પણ એની મહેનત એળે જ જાય.’ એ હકીકતનું ભાન થતાંની સાથે જ મેં ઉન્નત મસ્તક રાખીને જે તે ગાડીચાલક સામે નજર નાંખી તો એણે લાચાર અવાજમાં મને કોઈ સોસાયટી બાબત પૂછ્યું. પૂછે છે! ત્યારે મેં એને મારો પારંપારિક જવાબ આપ્યો કે : ‘માફ કરજો. મને ખબર નથી. પે..લા પાનના ગલ્લે પૂછો.’ એણે મેં દર્યાવેલી દિશા તરફ જોયું તો ત્યાં પાનાનો ગલ્લો જ નહોતો! હવે તમે જ કહો કે, એ જ્ગ્યાએ કોઈએ પાનાનો ગલ્લો ણ કર્યો તો એમાં મારો કાંઈ ગુનો?
એક વખત આવી જ રીતે મને બે અતિશય ઉતાવળિયા એવા બાઈકસવાર યુવાનોએ સવાલ કર્યો કેઃ ‘અંકલ, જલ્દી કહોને કે જય મહાકાળી સોસાયટી ક્યાં આવી?’ આવા અણધાર્યા હુમલાથી મને તો સાક્ષાત મહાકાળી માતા યાદ આવી ગયા. એટલે હું મારો પારંપારિક જવાબ આપવાનું ભૂલી ગયો અને ગેંગે ફેંફેં કરતાં કરતાં કહ્યું કેઃ ‘શું કહ્યું ? મહાકાળી માતા? મહાકાળી માતાનું મંદિર તો ખૂબ દૂર છે. કારેલીબાગમાં છે. અહીં નહીં.’
‘અરે અંકલ, અમે જય મહાકાળી સોસાયટીની વાત કરીએ છીએ મંદિરની નહીં’
ને જવાબમાં મેં શું કહ્યું હશે એ તો હવે તમેય સમજી ગયા હશો! હા, બરાબર. મેં લાચાર થઈને કહ્યું હતું કે : ‘માફ કરજો. મને ખબર નથી. પે... લા પાનના ગલ્લે પૂછો.’
‘તમેય અંકલ, ખોટો ટાઈમ બગાડયો.’ એવું બબડતાં તેઓ બાઈકને દોડાવતા ભાગ્યા.
પણ ખરી મજાની વાત તો ત્યાર પછી બની. વાત એમ બની કે હું પૂરાં પચાસ ડગલાં પણ નહીં ચાલ્યો હોઉં ને મારી નજરે એક પાટિયું ચડયું જેના પર લખ્યું હતું કે, જય મહાકાળી સોસાયટી. હવે મને શરમથી ડૂબી મરવા જેવું લાગ્યું. આ પાટિયું તો મેં કેટલીય વાર વાંચ્યું હતું! મેં પેલા યુવાનો ગયા હતા એ તરફ નજર કરી તો તેઓ કોઈને પૂછીને પરત આવી રહ્યા હતા. મને થયું કે હવે મારે ચાલવાની ઝડપ વધારવી જોઈએ. મેં ઝડપ વધારી. પણ એ લોકો મારી પાસે આવી પહોંચ્યા અને એમાંથી એક યુવાન મને ઠપકો આપતો હોય એમ બોલ્યોઃ ‘અંકલ, આ રહી મહાકાળી સોસાયટી. હવે યાદ રાખજો.’
ખરૂં કહું તો આવું થાય છે ત્યારે મને સાલું બહુ લાગી આવે છે! હું માનું છું કે આવું ન થવું જોઈએ. પાર વગરના લોકો રસ્તા પરથી પસાર થતાં હોય ને અન્ય કોઈને નહીં ને મને જ જ્યારે કોઈ સોસાયટી બાબત પૂછવામાં આવે ત્યારે પૂછનારે મારી પાસેથી કેટલી બધી આશા રાખી હશે! મારા પર એને કેટલો બધો વિશ્વાસ હશે! ખરેખર તો એણે મને સારા નાગરિક તરીકે માન આપ્યું કહેવાય! ને હું ગાલ ફાડી નાખે એવા ચૂના જેવો જવાબ આપું કે : ‘માફ કરજો. મને ખબર નથી. પે... લા પાનના ગલ્લે પૂછો.’ તો આ જાવાબ બરાબર તો નથી જ. મને એમ થાય છે કે અરેરે! હું સમાજને આટલો પણ કામમાં આવી નથી શકતો. લોકો તો અન્યને જીવનનો રાહ બતાવે છે જ્યારે હું તો શહેરનો સામાન્ય રસ્તો પણ નથી બતાવી શકતો!
એવું પણ નથી કે મેં આ બાબત ગંભીરતાથી ન લીધી હોય. અરે!! મેં તો ઘણા પ્રયત્નો કર્યા છે કે મારા રહેઠાણની આસપાસની વધારે નહીં તો એકાદ કિલોમીટર સુધીની તમામે તમામ સોસાયટી વિષે જાણકારી રાખું. પરંતુ, મેં આગળ કહ્યું તેમ મારા મનને જાણે કે આ બધી સોસાયટીની માયા જ નથી રહી!! એ અમને ગાંઠતું જ નથી!! એને આવું બધું યાદ રહેતું નથી. વળી, બને છે એવું કે જે સોસાયટી વિષે મને જાણકારી હોય એ સોસાયટી બાબત કોઈ પૂછતું જ નથી. એ સોસાયટી એટલે મારી પોતાની સોસાયટી.
તાજેતરનો જ એક બીજો અનુભવ જણાવું. હું એક સોસાયટી પાસેથી નીકળ્યો. મેં સોસાયટીનું નામ વાંચ્યુંઃ જનકપુરી સોસાયટી. મને સુવિચાર આવ્યો કે, અત્યરે જો કોઈ મને આ સોસાયટી વિષે પૂછે તો કેવું સારૂં! ધડ દઈને જવાબ આપી શકું કે : ‘આ રહી જનકપુરી સોસાયટી.’
એટલામાં જ એક રિક્ષાવાળાએ એની રિક્ષા ઊંભી રાખીને મને પૂછ્યું કેઃ ‘સુદામાપૂરી સોસાયટી ક્યાં આવી?’ લો કરો વાત! મને જનકપૂરી સોસાયટી વિષે સો ટકા જાણકારી હતી! પણ એને સુદામાપૂરીની તલાશ હતી. મેં કહ્યું કેઃ ‘સુદામાપૂરીની તો ખબર નથી, પણ જનકપૂરી આ રહી.’
‘જનકપૂરીને શું ધોઈપીવી છે? ‘ રિક્ષામાં બેઠેલો મુસાફર બબડયો.
એ ઘડીએ મને અફસોસ થયો કે, આ સોસાયટીનું નામ રાખનારે જનકપુરીના બદલે સુદામાપુરી કેમ નહીં રાખ્યું હોય! મને એકાદ પૂણ્યનું કામ કરવાનો મોકો તો મળત! પણ શું થાય? મારા ભાગ્યમાં એકાદેય શુભ કાર્ય નહીં લખ્યું હોય!
આ તો હું સીધોસાદો માણસ છું એટલે ઠીક છે કે કોઈને ઊંંધા રસ્તે ચડાવવાને બદલે મારૂં અજ્જ્ઞાન પ્રગટ કરી દઉં છું. બાકી, હું પણ રોફથી કહી શકું કે : ‘જાવ સીધેસીધા ને ચાર રસ્તા આવે ત્યાંથી ડાબી બાજુ વળી જજો ને પહેલી જે સોસાયટી આવે એ જ સોસાયટીમાં ઘૂસી જજો.’
ને ત્યાં સોસાયટી આવે છે કે તળાવ આવે છે એ કોને ખબર!
ને વાંક માત્ર મારો તો ન જ કહેવાયને? પૂછનારે મને જ શા માટે પૂછવું જોઈએ? એમને માણસને ઓળખતા નહીં આવડતું હોય? કોને પૂછાય ને કોને ન પૂછાય એ બાબતની એમને સમજણ નહીં હોય! મેંમે આ વિષે ઘણું મનન કર્યું તો હું એવાં તારણ પર આવ્યો છું કે : સરનામું પૂછવાની પણ કળા હોય છે! કોને પૂછવું, ક્યારે પૂછવું, કેવી રીતે પૂછવું વગેરે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ! એનો અભ્યાસ હોવો જોઈએ!